Saturday, July 28, 2012

ડુચ્ચો
         ક્યાં ખોઈ નાખી? લલિતે સહેજ તપીને પૂછ્યું, એમ ખોવાય કેમ ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે ?
         હાંફળીફાંફળી થઈને નિર્મળા પર્સ ફંફોસવા માંડી. સીટી બસની ટિકિટો, દૂધની કૂપન, મોટી બેનનું પોસ્ટકાર્ડ, દવાનાં બિલ... કેટકેટલું નીકળ્યું ? પણ બક્ષીસાહેબે આપેલી ચિઠ્ઠી જ ન નીકળી. ભારે જતનથી સાચવેલી. એના ઉપર તો જોબ મળવાનો આધાર ને ! પાકે પાયે ભલામણ હતી. મજાના પીળા રંગના લેટરહેડ ઉપર મરોડદાર અક્ષરોએ લખાયેલી ચિઠ્ઠી હતી. એને હાથમાં લેતી વખતે સામે ઉભેલી જોબ સાથે હસ્તધૂનન કર્યાનો આનંદ વ્યાપી જતો હતો.
પર્સમાંથી કેટકેટલું નીકળ્યું? પણ ચિઠ્ઠી ન જ નીકળી. 
         પણ હાયહાય! મેં ક્યાં મૂકી દીધી?  બૈરક હૃદય ધકધક થઈ રહ્યું. આમેય  લલિત ભારે તેજ મગજનો છે. બાપ રે! ખોવાય તો તો આવી જ બને.
         મેં તમને તો સાચવવા નથી આપી ને? એકાએક એને યાદ આવ્યું. એના બોલવાની સાથે જ  લલિતે એની ગોઠવેલી આખી સુટકેસ ફેંદી નાખી. ખિજાઈને એ ત્રાડવા જ જતો હતો ત્યાં જ ઇસ્ત્રીવાળા પેન્ટની બેવડમાં ફસાઈ ગયેલું કવર મળી આવ્યું.
         હું નહોતી કહેતી? નિર્મળા બોલી, હવે લાવો, મારી પાસે જ સાચવીશ.
         નિર્મળાને આપતા પહેલાં લલિતે વળી ગયેલા કવરને બરાબર કર્યું. મમતાથી એની ઉપર ઈસ્ત્રીની જેમ હથેળી ફેરવી. પછી અંદરનો પીળો કાગળ કાઢીને આખી ચિઠ્ઠી ફરી વાંચી : આવેલ ભાઈ લલિતકુમાર મારા અંગત સંબંધી છે. તેઓ જ્યાં જોબ કરે છે ત્યાં સેલરી ટૂંકી છે. તેમનાં પત્ની શ્રીમતી નિર્મળાબહેને સીવણનો ડિપ્લોમા કરેલો છે. તમારે ત્યાં જે જગ્યા ખાલી પડી છે,એને માટે એકદમ યોગ્ય જણાય છે, એમાં એમને નિમણુંક આપવા વિનંતી છેમારી ખાસ ભલામણ છે.
             આ ચિઠ્ઠી મેળવવા ખાસ ભાવનગરનો ધક્કો થયો. ટપાલથી મંગાવી શકાત. પણ તો બક્ષીસાહેબ ચિઠ્ઠીમાં આટલો આગ્રહ ન ઠાલવી શકત. આ તો ખાસમખાસ ભલામણ કરી. એક જમાનામાં પપ્પાએ આ જ સનતકુમાર બક્ષીને એમની યુવાનીમાં નોકરી અપાવેલી. પછી આગળ જઈને બક્ષીસાહેબે પોતાના બુધ્ધિબળથી મોટી પદવી હાંસલ કરી હતી. પણ જૂના સંબંધો એ ભૂલ્યા નહોતા. તરત જ ભલામણચિઠ્ઠી ભાર દઈને લખી આપી.
         લલિતે કવર નિર્મળાના હાથમાં આપ્યું ત્યારે સહેજ તેલવાળા હાથ હતા એટલે નિર્મળાએ માત્ર બે આંગળીના નખ વડે કવર પકડીને ટેબલ પર મૂકયું.
         તરત જ લલિત ત્રાડયો: પણ તને એને સાચવીને મૂકતા શું થાય છે?
         મૂકુ છું હવે! નિર્મળા બોલી: આ તો માથામાં તેલ નાંખતી હતી ને હાથ તેલવાળા હતા એટલે...
         પણ પાછી ભૂલી જઈશ તો? લલિતે કહ્યું.
         અરે, એમ ભૂલી જતી હઇશ કંઈ?  એ વાળમાં દાંતીયો લસરાવતાં બોલી : તમારા કરતાં વધારે જરૂર મને છે, મને વધારે ચીવટ છે...મને...અને વાળની ગૂંચમાં દાંતિયો અટકી ગયો. આવું બોલાય? મારે વધારે જરૂર છે એનો અર્થ શું ? લલિતની કમાણીમાંથી ઘરનુ પૂરું થતું નથી, એમ ?
         એને લાગ્યું કે લલિતે ચમકીને એના સામે જોયું. પણ પછી હકીકતનો સ્વીકાર કરતો હોય એમ તરત જ નજરવાળી લીધી.
         નીકળતી વખતે પણ ફરીવાર ખાતરી માટે પર્સમાં જોઈ લીધું. કવર બરાબર સ્થિતિમાં હતું. માત્ર એક ખૂણે તેલના નાનાં નાનાં બે કાળાં ધાબાં પડી ગયા હતાં. એણે કાઢીને એના પર જરી ટાલ્કમ પાવડર છાંટયો. ભભરાવ્યો, ડાઘા ઝાંખા થઈ ગયા. કવર પાછું પર્સમાં મૂકી દીધું.

                                             **** ***** ****

ભાવનગરથી ચાવંડ સુધી તો બસમાં એટલી બધી ગિરદી કે ઊભા ઊભા આવવું પડયું. બગલમાં લટકતી પર્સ પર કોઈ બ્લેડ ફેરવી દે તેવી પૂરી બીક. હાય બાપ! તો શું થાય ? પૈસા તો ધોળ્યા ગયા તો, પણ બક્ષીસાહેબની ચિઠ્ઠી પાછી એમ તાત્કાલિક ન મળે. એ તો સવારના પ્લેનમાં જ કલકત્તા જવા નીકળી ગયા હશે.
         એટલે એણે પર્સ બસની છાજલીમાં ગોઠવી દીધું. અને પછી લલિત સામે જોયું, એ દુર ઊભો હતો. મોટી સુટકેસ બે પગ વચ્ચે દબાવી રાખીને ઉભો હતો. ધ્યાન પડતાં જ એ બોલ્યો : તારી પાસે રાખતાં શું થાય છે ?
બસમાં પચ્ચાસ માણસની હાજરીમાં એને કેમ સમજાવવું કે... 
         હવે પચ્ચાસ માણસોની હાજરી વચ્ચે એને કેમ સમજાવવું કે શું કામે છાજલી પર મૂકયું ? એણે લલિતને નજરથી ઠપકો આપ્યો. પછી આંખ ચમકાવીને કહ્યું : તમે ફિકર કરો મા. મારું ધ્યાન છે જ.
         લલિતને ખુલાસો પહોંચ્યો નહિ હોય એટલે એ ધૂંધવાઈને આડું જોઈ ગયો.
         એવામાં નિર્મળાથી ચાર પાંચ સીટ દૂર જગ્યા થઈ. કોઈએ એને બોલાવી : અહીં બેસી જાઓ બહેન.
         એ છાજલી પરથી પર્સ લઈને બેસવા જતી હતી ત્યાં બીજાં કોઈ બહેન એ જગ્યા પર બેસી ગયાં. નિર્મળા ભોંઠી પડીને થંભી ગઈ. પાછું પર્સ છાજલી પર મૂકવા ગઈ તો જોયું કે ત્યાં કોઈ ભાઈએ પોતાની થેલી મૂકી દીધી હતી. હવે પર્સને કમર અને કોણી વચ્ચે બરાબર જકડી દીધું. જોકે આમ કરવાથી અંદરની ચિઠ્ઠી ચોળાઈ જાય. ચોળાઈ ગયેલી ચિઠ્ઠી કોઈના હાથમાં આપવાથી કેવું લાગે? એમજ લાગે ને કે આ બાઈ સાવ ફુવડ જેવી છે. છોકરીઓને શું ભણાવશે ?
         ઘણીવાર આવા મામૂલી કારણોને હિસાબે પણ છાપ બગડતી હોય છે. નોકરી હાથથી જાય.
         એણે લલિત સામે જોયું તો એ ઊંચો હાથ કરીને બસનો સળીયો પકડીને ઊભો હતો. એના શર્ટની સિલાઈ બાંય પાસેથી ઉતરડાઈ ગઈ હતી.
         ‘અરે, એક વાર નોકરી મળી જવા દો ને ! પછી એમને શું કરવા આવા શર્ટ પહેરવા દઉં ?’ એણે પર્સને શરીર સાથે વધારે ભીંસી.
**** ***** ****

'કોની, બક્ષીની ચિઠ્ઠી છે?' 
         ચેરમેન સાહેબ ઘણા સારા માણસ લાગ્યા. ત્રીજા માળના એમના ફલેટ ઉપર લલિત-નિર્મળા હાંફતા હાંફતાં પહોંચ્યા અને ચિઠ્ઠી ધરી કે તરત જ કામવાળી બાઈ પાસે પાણીના ગ્લાસ મંગાવ્યા અને કહ્યું :બેસો.
         કોની બક્ષીની ચિઠ્ઠી છે? કવર પરથી સમજી જઈને એ બોલ્યા : ખાસ ભલામણ લાગે છે વળી ચિઠ્ઠી ઉઘાડી ને એક સરસરી નજર નાખીને કહ્યું : ?
         લલિત-નિર્મળા આશાભરેલી આંખે એમને જોઈ રહ્યાં. ચેરમેને ચિઠ્ઠી વાંચી. પાછી બેવડી કરી ગડી વાળી. ચોવડી કરી. આ બધું વાત કરતાં કરતાં જ. બીજા ઘણા ઉમેદવારો છે. પણ બક્ષીની ભલામણ છે એટલે જોઈશું. એમ બોલ્યા. વાત કરતાં કરતાં ચિઠ્ઠીને વાળી વાળીને એમણે પાતળી પટી જેવી કરી નાખી. ને વળી બોલ્યા: કોશિશ કરીશ. જે હશે એ સમાચાર ઘેર બેઠા પહોંચી જશે.
         બંને ઊભા થયા. બારણા સુધી આવીને લલિતે ચેરમેન તરફ જોઈને આવજો કર્યું. બહાર નીકળ્યા કે તરત જ દરવાજો દેવાઈ ગયો.
 તમને શું લાગે છે?’ નિર્મળાએ બહાર નીકળીને લલિતની આંખમાં આંખ પરોવીને પૂછ્યું: થઇ તો જશે ને?’
         મોટા માણસો કદી બંધાય તો નહીં જ. લલિતે એને સમજાવ્યું : કોશિશ કરીશ એમ કહે એટલે જ સમજી લેવું કે થઈ ગયું. શું સમજી ? તું જોજે ને...’
'કંઈ નહીં એ તો....કાગળનો ડુચ્ચો.' 
તમે વધારે જાણો એ બોલી. મેં તો માતાજીને ઘીના દીવા માન્યા છે. એથી વધારે કાંઇ ના જાણું.
એ તો બરાબર. બાકી..  લલિત બોલ્યો: બક્ષીસાહેબની ચિઠ્ઠીનું વજન પડશે જ પડશે.    
ફલેટના છેલ્લા પગથિયેથી પછી એમણે બહાર રસ્તા પર પગ મૂકયો. ત્યાં એમના પગ પાસે કઈંક રંગીન કાગળના ડુચ્ચા જેવું આવીને પડયું. જેવુ લલિતનું ધ્યાન ગયું કે તરત જ એણે નીચા નમીને ઉપાડી લીધું.

         બીજું કઈ નહોતું. બક્ષીસાહેબે લખી આપેલી, અને પોતે જીવની જેમ સાચવીને લાવેલા તે ચિઠ્ઠીનો ડુચ્ચો હતો. ચેરમેને એ બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. લલિતના મનમાં એકાએક ખાસ ભલામણ શબ્દનો અને વજનનો અર્થ ઉગીને ઝાડ થઈ ગયો.
         નિર્મળાએ પૂછ્યું : શું છે એ ?
         લલિતે મંદ સ્વરે કહ્યું : કંઈ નહીં એ તો કાગળનો ડુચ્ચો.


(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

4 comments:

 1. Sumant Vashi ChicagoJuly 28, 2012 at 10:08 PM

  બિરેનભાઈ,
  દરેક જગ્યાએ ભલામણ ચીઠઠીna લગભગ આજ હાલ થતા હોય છે. પછી બહુ ભાર વાળી ચીટઠી નું કાદાચ વજન પડી જાય તો વસ્તુ જુદી છે. બાકી સબ ઠીક ઠાક હૈ ..

  ReplyDelete
 2. સરસ વાર્તા, બિરેનભાઈ. જોકે ચેરમેન સાહેબના ઉદગાર વાંચતા
  "કોની બક્ષીની ચિઠ્ઠી છે?’ કવર પરથી સમજી જઈને એ બોલ્યા : ‘ખાસ ભલામણ લાગે છે’ વળી ચિઠ્ઠી ઉઘાડી ને એક સરસરી નજર નાખીને કહ્યું : ‘?’
  ખ્યાલ આવી ગયો કે ઉમેદવાર લલિતનું આંધણ મુકાઈ ગયું!

  ReplyDelete
 3. મને તો લાગે છે કે ચૈરમેઈન ,દરજા નો માણસ આમ કચરો રસ્તા પર ફેકે ,તે પણ આટલી જલ્દી ,OFFICE

  માં કચરા નો ડબો રાખતા તો હશે ને,...એમણે આટલું તો શીખવું જ જોઈએ ને....લી.પરેશ દુબે

  ReplyDelete
 4. જીવની જેમ સાચવેલી એક ચિઠ્ઠી ડુચ્ચામાં ફેરવાઈ જાય છે. ગણતરીના શબ્દોમાં સીધી સોંસરવી સરળ અને સરસ વાર્તા. પંડ્યાસાહેબ, આપની વાર્તાઓમાં જીવલેણ વાસ્તવિક્તા હોય છે ને એટલે જ ઘણા લાંબા સમયથી આપની વાર્તાઓનો ચાહક છું. હવે બ્લોગ દ્વારા આપની કૃતિઓને માણવાનું સહેલું થઇ રહેશે એમ માનું છું. અનુકૂળતાએ ક્યારેક મારા બ્લોગની મુલાકાત લેશો તો આનંદ થશે.

  ReplyDelete