Monday, August 6, 2012

પથ્થર કી તરહ હો દિલ જિસકા, ઉસે અપના બનાકર ક્યા કરેં



 “મામા જિતુએ 28મી મે,1990ની એક સાંજે મુંબઇથી આવીને ડરતાં ડરતાં મારા હાથમાં એક ચબરખી મૂકી. ડરતાં ડરતાં એટલા માટે કે એમાં એના પિતા બાલકૃષ્ણ મણિશંકર અધ્વર્યુનું નામ-સરનામું વાંચીને હું એકદમ ચીડથી એ ચબરખી ફાડી નાખીશ એવી એને દહેશત હતી. એમ કહી દઈશ કે હવે ભઈ, મૂકને એમના નામ પર પૂળો! છેલ્લાં વીસ વરસથી જે બાપ તને નહીં મળવા માટે દુનિયાથી પોતાનું સરનામું સંતાડતો ફરે છે એને મળીને તારે શું કામ છે?”
"મામા, આ સરનામું..." 
            પણ એની આ દહેશત બાલીશ હતી. એને કદાચ ખબર નહોતી પણ એના પિતા,એટલે કે મારા બનેવીનું સરનામું શોધવા મેં અને મારા મોટાભાઈ ઈંદુકુમારે આકાશપાતાળ એક કર્યાં હતાં. એક વાર અમને બહુ હેતથી રમાડતા એ બનેવી. અમારી બહેનના 1945માં થયેલા અવસાન પછી અમારાથી તો ઠીક, પણ પોતાના એકના એક સંતાન એવા પુત્ર જિતુ તરફથી પણ મોં ફેરવી ગયા હતા. સાવકી માના અસહ્ય ત્રાસ અને ટકટક વચ્ચે બે ત્રણ વર્ષની ઉંમરથી ભાવનગર જિલ્લાના રાજુલા નામના ગામમાં જિતુનું બચપણ ગુજર્યું હતું, એ હકીકતનો ભારે પીડા આપનારો અહેસાસ મારા મનમાંથી ખસતો ન હતો. એક વાર તો સાવ કિશોરવયે એણે ખુરશી પર ચડીને ગળામાં ગાળિયો નાખીને જીવ કાઢી નાખવાની પેરવી પણ કરી હતી, પણ એ વખતે એના સાવકા મામા (રમણીલાલ પંડયા-બહુ ભલા હતા!) આવી ચડયા હતા અને એને ઉગારી લીધો હતો. એ પછી થોડાં વરસો એવાં ત્રાસમાં ગુજારીને જિતુ મુંબઈ ચાલ્યો ગયો હતો. એલ.આઈ.સી.માં નોકરી લીધી હતી. પરણ્યો હતો, પણ એના લગ્નમાં એના પિતા, નવી પત્ની હીરાના ડરથી, કોઇ દૂરના પારકા મહેમાન આવીને જેમતેમ હાજરી પૂરાવીને ચાલ્યા જાય તેમ તરત ચાલ્યા ગયા હતા. જિતુના હૃદય પર એનો ઊંડો જખમ પડ્યો હતો. પિતાની આ અકળ વિમુખતા એનાથી સહન થતી નહોતી. એટલે લગ્ન પછી થોડા જ મહિને વતનમાં રાજુલા ગયો. ત્યાં જઇને જોયું તો આખી હવા ઝેરી બની ગઈ હતી. છતાં એણે ત્યાં ત્રણ દિવસ કાઢયા. ચોથે દિવસે એક નાનકડા અપમાનથી ઉશ્કેરાઈને એણે સાવકી માતા સાથે (બાપ સાથે નહીં!) થોડી બોલાચાલી કરી હતી અને ઘર છોડીને નીકળી ગયો હતો.
એ કાળા આવેશમય દિવસ પછી જિતુએ પિતાને આ વીસ વરસ સુધી જોયા નહોતા, પણ ઝુરાપાની કક્ષાએ ઝંખ્યા હતા. કારણ કે સામાન્ય ઘરગથ્થુ બોલાચાલી પછી એના મનમાં પિતા પ્રત્યે ખીજની નહિ, કરુણાની લાગણી જન્મી હતી. આવા સ્વભાવવાળી સ્ત્રી પાસે પિતાની શી હાલત થતી હશે એની કલ્પના કરતા એ કંપી ઉઠતો હતો. પિતાને એ નવા સંસારમાં કોઈ જ બાળક પણ થયું નહોતું. એટલે એમની સ્થિતિ સાવ તાબેદાર જેવી જ થઈ ગઈ હશે ને?
એ પછી ન રહેવાતાં એણે વારંવાર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ. ઊલટું જેમની દયા એ ખાતો હતો એ પિતા તરફથી જ આવીને કોઈ કહી જતું હતુ: “તું મારા માટે મરી ચૂક્યો છે. ફરી મળવાનું નામ જ લઈશ નહીં. અઠ્ઠાવીસ વરસના યુવાન અને એક નાનકડી પુત્રીના પિતા એવા એકના એક પુત્રને બાલકૃષ્ણ આવું શી રીતે કહેવડાવી શકતા હશે? અમારે મન જ નહીં, પણ સગાંવહાલાં-નાતીલા સૌને માટે અત્યંત નવાઈની અને એટલી જ કરુણ ઘટના હતી. સૌ-સૌની જિંદગી સૌ સૌના માર્ગે ઝડપથી આગળ ધસ્યે જતી હતી. જિતુ મુંબઈ હતો. અમે અમદાવાદ. જ્યારે બાલકૃષ્ણ સુધરાઇની નોકરીમાંથી નિવૃત થઈને ઠેરઠેર ફરવા માંડ્યા હતા. માત્ર બે જ જણ હતા. ઉંમર પણ થઈ હતી, એટલે અમદાવાદના કોઈ દૂરના પરામાં આવીને રહેતા હોવાની આછીપાતળી ભાળ અમને હમણાં જ મળી હતી. ખાસ્સું દૂરનું પરું હતું. હું એ સરનામે એક વાર એકલો પણ જઇ આવ્યો, પણ એ સરનામે અમને એમનો પત્તો ના મળ્યો. એટલે બીજા એમના એક નિકટ ગણાતા સજ્જનને મેં કાકલૂદી કરી, સાંભળ્યું છે કે તમે એમના સંપર્કમાં છો. પ્લીઝ, એમનું સરનામું મને આપો. મારે એમનું બીજું કોઈ કામ નથી બસ, એક વાર જઈને સમજાવવા છે.”  
શું કહેવું છે?” એમણે ઠાવકાઈથી પૂછયું.
 “કહેવું છે કે તમારો દીકરો જિતુ તમારા બન્નેની કોઈ પણ થઈ ચુકેલી ભૂલ માટે તમારી ક્ષમા માંગે છે. સંસારમાં નાનીમોટી ટપાટપી તો થતી જ હોય છે. આજથી વીસ વરસ પહેલાં થઈ તે પણ તેવી હશે. મનમાં ન રાખો. એકનો એક એ દીકરો તમારા પગે આળોટવા તૈયાર છે.. એને  મોટા દિલથી માફ કરી તમારા આશ્લેષમાં લો. આખરે એ તમારું એકનું એક સંતાન છે. તમારે નવા લગ્નથી પણ કોઈ સંતાન નથી. તો પછી આની માફી સ્વીકારી લો.
શો ફાયદો?” શાણા સજ્જન ફરી જગડાહ્યા થઈને બોલ્યાઃ હું જાણું છું કે એમની ઈચ્છા નથી. એ મળવા માંગતા જ નથી.
 તમે સાચું જ કહેતા હશો, પણ મને પોતાને એકવાર પ્રયત્ન તો કરવા દો. એ મારા બનેવી છે. મેં કહ્યું, મને ખાતરી છે કે એ એટલા પથ્થરદિલ નહીં હોય. નાનપણમાં એમની સાથે બહુ રહ્યો છું. ભગવાનમાં માનનારા, ધાર્મિક માણસ છે.
"શું કહેશો તમે એમને?":
સરનામાના પટારા પર બેઠેલા સજ્જન 

શું કહેશો તમે એમને?” સરનામાના પટારા પર બેઠેલા એસજ્જને કહ્યું.
એમને કહીશ કે તમારા દીકરાના જીવનમાં નાનપણથી દુઃખ છે, પણ હવે મોટપણે આ વધારાના દુઃખથી બીજી ઘણી હોનારતો સર્જાઈ ગઈ છે. એનું જીવન ધૂળધાણી થઈ રહ્યું છે. નથી એને તમારી મિલકત જોઈતી, નથી તમારી સાથે આવીને રહેવું. બસ, હવે તો એ તમને એક વાર જોવા જ માંગે છે. તમારા ચરણોમાં પડવા માગે છે. એક વાર તમારો હાથ એના માથે ફરે એટલું જ ઇચ્છે છે. છતે બાપે નબાપો થઈને એ ફરે છે. તમને એક પિતા તરીકે એની દયા આવવી જોઈએ.
પણ મારી લાખ કાકલૂદી છતાં એ એ સજ્જને મને તેમનું-મારા સગ્ગા બનેવીનું એડ્રેસ ન જ આપ્યું.મારી પાસે નથી. એ હળાહળ જૂઠ્ઠું બોલ્યા. મારી પીડા અનેકગણી વધી ગઈ. હું બેચેન થઈ ગયો.
આ સાંભળીને મુંબઇમાં જિતુની વ્યથાનો પાર ના રહ્યો. પણ એ મરણીયો બન્યો. અને  અંતે એણે પોતાના બાપનું સરનામું શોધી જ કાઢયું અને અમદાવાદ આવીને મારા હાથમાં મૂક્યું. પણ મેં જોયું કે એ અધૂરું હતું. એક વાર અગાઉ હું અને મારા મોટા ભાઈ આવા ઊભડક સરનામા પાછળ આખો દિવસ બગાડી આવ્યા હતા. આ વખતે પણ એમ જ કરવું?  ઘડીભર જિતુને ના પાડી દેવાની ઈચ્છા મને થઈ આવી. તું એકલો જઈને મળી આવ. એમ કહેવાની પણ ઇચ્છા થઇ આવી, પણ એમ કહેતા પહેલા મેં એની ભીની આંખ વાંચી. એની નજરમાં જે યાચના હતી તેણે મને એવા હરફ મોંમાંથી કાઢવા જ ના દીધા! વિચાર ફરકી ગયો કે એ એકલો જવાની હિંમત કરે તો પણ પિતા બાલકૃષ્ણ તેને જોતાંવેંત કોપાયમાન થઈને કોણ જાણે શુંનું શું કરી નાખે? કારણ કે વીસ વરસના વિયોગના કાળા બુગદા પછી પણ ક્રોધનો જવાળામુખી હજુ ભભૂકતો જ રહ્યો હતો! એની આડશ બનવા માટે પણ મારે જવાની જરૂર હતી, એટલે હું તૈયાર થયો. એક પદભ્રષ્ટ પુત્રને તેનું પદ પાછું અપાવવાનો પુરુષાર્થ કરવા માટે.
      સદનસીબે થોડું ખોળતાંમાં જ અમદાવાદના એ બહુ દૂરના પરામાં આવેલું એમનું મકાન મળી ગયું. બતાવનારે કહ્યું કે જુઓ આ સામે જ એમનું બોર્ડ વંચાય છે. અમે કાર પાર્ક કરી હતી તેની સામે જ એમની નેઇમપ્લેટ વંચાતી હતી! બાલકૃષ્ણ મણિશંકર અધ્વર્યુ જ્યોતિષશાસ્ત્રી અને શાસ્ત્રોક્ત ક્રિયાકાંડ કરાવનાર પુરોહિત.
હા. નિવૃત્ત થયા પછી એમણે આ આજીવિકાનું શરણું લીધું હતું.
      મેં જિતુને કહ્યું કે તું પાછળ રહે. હું આગળ જાઉં છું. મને જોશે એટલે કમસે કમ એ બારણું બંધ કરીને મારા મોં પર મારવાની હિંમત નહીં જ કરે.
      હું અને મારાં પત્ની-પુત્રી આગળ ચાલ્યાં. પાછળ પાછળ ગુનેગારની જેમ જિતુ, તેનાં પત્ની અને હવે તો સોળેક વરસની થવા આવેલી એમની પુત્રી.
      મેં બારણું ખખડાવ્યું. લોખંડની જાળીવાળું બારણું હતું અને હજુ દિવસનો ઉજાસ હતો એટલે એમણે મારું મોં તો જરૂર જોયું હશે. એટલે બારણું તો એમણે ખોલ્યું જ. પણ લેશમાત્ર આવકાર દીધા વગર જ હરિ હરિ કરતાં પાછા વળી ગયા. ઉઘાડે ડીલે, માત્ર ધોતિયાંભેર એ બહુ કૃશકાય લાગતા હતા. ખખડી પણ ગયા હતા. મને આવકારો નહોતો મળ્યો, પણ મારે મન તો જાકારો ના આપ્યો એ જ બહુમાન હતું. એમને મળવા સિવાય કંઈ જ ગરજ નહોતી. એટલે પહેલાં હું દાખલ થયો પછી મારી પાછળ પાછળ બધાં જ.
      અંદર જઈને મેં એમનો ચરણસ્પર્શ કર્યો, પણ એ પલંગમાં બેસી ગયા. કશો જ પ્રતિભાવ નહીં. મેં સહેજ ઝૂકીને કહ્યું: “બાલકૃષ્ણ, હું રંજુ, રંજુ. મને ભૂલી તો નથી ગયા ને!”
"હું તમારો દીકરો આજ વીસ વરસે તમારી પાસે આવ્યો છું."  :
 જિતુ અને બાલકૃષ્ણ અધ્વર્યુ 
      થોડું કટાણું સ્મિત કરીને એમણે ખાતરી આપી કે તેઓ મને ભૂલી ગયા નથી. મેં તરત જ વાતને સાધી લીધી. કહ્યું: “બાલકૃષ્ણ, જુઓ જુઓ, જિતુ, જિતુ, તમારો દીકરો તમને મળવા આવ્યો છે. જરા અટકી કહ્યું: “અરે, સાથે એનું કુટુંબ છે. જુઓ, આ તમારી પૌત્રી રિંકુ, જૂઓ તો ખરા !
      વીસ વરસથી આજ દિન સુધી, અરે અત્યારની ઘડી સુધી જેમને માટે પોતે ઝૂર્યા કરતો હતો તે પિતા નજર સામે આવ્યા એટલે જિતુ હતપ્રભ જ બની ગયો હતો . દોડીને  પગે આળોટી પડવાનું પણ તેને સૂઝયું નહીં, એટલે મેં જ તેને હુડદાવ્યો: “અરે, જુએ છે શું? આવ, આવીને પગ પકડી લે.
દરમિયાન બાલકૃષ્ણ પલંગમાં બેસી ગયા હતા. ત્યાં તો  જિતુના હ્રદયનો બંધ તૂટી ગયો. છલોછલ આંખે દોડી આવીને એણે એમના પગ પકડી લીધા. પગમાં માથું નાખી દીધું.કાકા એ પિતાને કાકા કહેતો હતો. કાકા, હવે તો મને માફ કરી દો, કાકા.મને માફ કરી દો, હું તમારો દિકરો આજ વીસ વરસે તમારી પાસે આવ્યો છું.
પણ બાલકૃષ્ણ પથ્થરની મૂર્તિવત! અલબત્ત, મોઢું ફેરવી ગયા હતા. બાકી ન આંખમાં કોઈ આર્દ્રતા, ન થોડો ઘણો પણ ખુશીપો. અરે ઊલટાનું થોડી ક્રોધની રેખા ઝબકી ગઈ હતી આંખોમાં.
મને લાગ્યું કે મારે હવે એમનાં પત્નીને મનાવવા જોઈએ. એમનાં પત્ની એટલે કે મારાં બહેનની જગ્યાએ આવેલી સ્ત્રી-હિરાબહેન.
બાલકૃષ્ણ સાથે હું, મારી પત્ની તરુ અને દીકરી તર્જની 
બહેન મેં અંદરના ઓર઼ડા તરફ જોઈને બૂમ મારી. પછી અંદર જ દોડી જવું મુનાસિબ માન્યું. તરુ(મારાં પત્ની) અને ભારતી(જિતુનાં પત્ની) અને જિતુ પણ પાછળ પાછળ આવ્યાં. જઈને જોયું તો હવે તો વૃદ્ધ થઈ ગયેલાં એ બહેન કોઈ નિમિત્ત ગોઠવીને ભાગી છૂટવાની જ પેરવીમાં હતાં! અમે બે હાથ જોડીને તેમને કહ્યું કે, “બહેન, મારી બહેન, જિતુ માફી માગે છે. તમે મોટે મને એને માફ કરી દો, અરે, બહેન. હું તમારા પગે પડું છું.” અને હું ખરેખર એમના ચરણસ્પર્શ કરવા જતો હતો ત્યાં જિતુએ મને રોકી લીધો. અને એણે  જાતે નમીને એ સાવકી માના પગના પંજાને આંસુથી ભિંજવી દીધા. તરુ અને ભારતીએ હાથ પકડી પકડીને એમને વિનવ્યાં, પણ એ કંઈ જ સાંભળવા તૈયાર નહોતાં. કોઈક સંદર્ભ યાદ કરીને  બોલ્યાં: “હું ચુડેલ છું, ચુડેલ. હવે બધું પતી ગયું છે. મને જવા દો. મારે શાક લેવા જવું છે.
હવે એ નહીં જ માને તેમ મને લાગ્યું ત્યારે એમને  જવા દેવાનું મને મુનાસીબ લાગ્યું. એ જાય તો તેમના ખોફથી ઝકડાયેલા મારા બનેવી કદાય દીકરાને નજીક લે, એના માથા પર હાથ ફેરવે.


દાદાને નમન કરતી રીંકુ 

અને એ બહેન ગયાં. પણ છતાંય બાલકૃષ્ણમાં રતિભર ફરક ન આવ્યો. એ નિશ્ચલ બેઠા રહ્યા. હું મારી દીકરી ટચૂકડી તર્જની, જિતુ, ભારતી અને એમની પુત્રી રિંકુ એમને સતત વિનવતાં રહ્યાં, ખોળો પાથરતાં રહ્યાં, એમના ઘુંટણે માથું ટેકવતાં રહ્યાં. તરુએ તો એમને સંસ્કૃતમાં કુપુત્રો જાયતે, ક્વચિતપિ, કુમાતા ન ભવતિ વાળો શ્લોક કહ્યો. અને મેં કહ્યું કે જિતુનો શો ગુનો છે એ તમે કહેતા નથી. ધારી લો કે હોય તો જનમટીપથી એની સજા મોટી ન હોઈ શકે. –જગ્ગા ડાકુની જનમટીપ કે રામનો વનવાસ, એ બંને ચૌદ વરસથી મોટી અવધિના નહોતા, જ્યારે આને તો તમે વીસ વરસની સજા કરી. હવે તો અપનાવી. લો, અદ્દલ તમારી જ પ્રતિકૃતિ લાગતા એવા એને તમારા આ વૃદ્ધ બાહુમાં સમાવી લ્યો! તમારી સજાને કારણે એની જિંદગી ધૂળધાણી થઈ ગઈ. કેવી રીતે? એ તમે જાણતા નથી. હજી પણ એમાંથી એને ઉગારી લો!

ભારતી અને જિતુની કાકલૂદીઓ સામે અડગ અને નિશ્ચલ પિતા
આ ઉપરાંત જિતુએ પણ કાલાવાલા કરવામાં મણા ના રાખી. પણ એમણે મચક ન આપી તે ન જ આપી. બસ, એક જ વસ્તુનું રટણ કર્યા કર્યું : “જીવો અને જીવવા દો. હું જીવતા અગ્નિદાહ પામી ચૂકયો છું.
અમે લાચાર થઈને ઉઠયા. એક માતાનું એના પુત્ર સાથે ત્રીસ વરસે મિલન કરાવ્યું હતું એ વાતનો ઘમંડ મારામાં લઈને હું ફરતો હતો એની સામે સમતુલામાં મૂકવા માટે મારી આ હાર મેં સ્વીકારી લીધી. માત્ર એટલું જ કરી શક્યો કે મારા કેમેરામાં રોલ નહોતો, એટલે દોડાદોડ એક સ્ટુડિયોવાળાને શોધી લાવીને એ ફિક્કા મિલનના ફોટા પડાવી લીધા. પણ એ ફોટા વિજયના નહીં પરાજયના છે. એ સ્મૃતિ નથી, સ્મારક છે. મારાં બીજાં બહેન કમુબહેને એ ફોટાઓની નકલ પણ પોતાની પાસે રાખવાનો ઈનકાર કરી દીધો. કહ્યું: “દીકરો ઘૂંટણીયે પડયો હોય ને છતાં બાપ વીસ વરસે પણ કોપાયમાન થઈને અદબ વાળીને બેઠો હોય એવો ફોટો મારી પાસે રાખીને શું કરું?”
આજે એ ફોટોગ્રાફ્સ મારી પાસે એ ત્રણેના સ્મારકરૂપે સચવાયા છે. જે દિવસે મુંબઇમાં બોમ્બધડાકાઓ થયા, એ દિવસે જિતુ અતિશય,અતિશય દેશી દારુના સેવનને કારણે મર્યો. એ  એનો ધીમે ધીમે કરાતો આપઘાત હતો. બાલકૃષ્ણ પાંચેક વર્ષો ઉપર અને હિરાબહેન પણ લગભગ એ જ અરસામાં મર્યાં. એમણે રાજુલામાં પોતે હતા ત્યારે આ છતે છોકરે એક દરજીનો છોકરો દત્તક લીધેલો, જે એક દિવસ તેમની તમામ માલમત્તા સાફ કરીને ગુમ થઇ ગયો.


**** **** ****

જીતુના પત્નીને જીતુના અવસાન પછી પોતાના માત્ર નોન-મેટ્રિક સુધીના અભ્યાસને કારણે જિતુની જગ્યાએ જીતુની ક્લાર્કની નોકરી તો ના મળી, પણ સામાન્ય રેકોર્ડકીપરની નોકરી એલ આઇ.સી.એ રહેમરાહે આપી. પરિણામે સારું ક્વાર્ટર છોડીને મામુલી ક્વાર્ટરમાં રહેવાનું સ્વિકારવું પડ્યું. પણ એ ખાનદાન સ્ત્રીએ બહુ ધીરજથી આગળ અભ્યાસ ધપાવીને પાંચ વર્ષમાં નોકરી કરતાં કરતાં સ્નાતકની પદવી લીધી અને પતિની મૂળ પોસ્ટ અને મૂળ ક્વાર્ટર પાછા મેળવ્યાં. બે વર્ષ પહેલાં જ એ  નિવૃત્ત થયાં. પુત્રી એક મુસ્લીમ ડ્રાઇવરને પરણી ગઇ છે.

5 comments:

  1. ભરતકુમાર ઝાલાAugust 6, 2012 at 11:28 PM

    મને કમુબહેનની પ્રતિક્રિયા ગમી. આવા બાપના નામનું તો નાહી જ નાખવું જોઈએ. ને રજનીકાકા, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય, એ વાતમાં હવે ઝાઝો દમ નથી રહ્યો. હવે તો કમાવતરો ય જોવા મળે જ છે.

    ReplyDelete
  2. Sumant Vashi ChicagoAugust 7, 2012 at 12:47 AM

    સ્નેહાળ ભાઈશ્રી રજનીભાઈ,

    બાલકૃષ્ણભાઈને જે ધક્કો વાગ્યો છે એ એમના સુતેલા ચહેરા પરથી નિશ્ચિંત પણે જોઈ શકાય છે.

    અલા ભાઈ બાપ છે.કોઈદી દીકરા આગળ હાથ લંબાવ્યો હોય એવું વર્તાતું નથી. દીકરો દીકરો છે તો બાપ પણ બાપ છે. રીટાયર થયા પછી પણ ઘણા વરસો, છતા સંતાને નિસંતાન જીંદગી વિતાવી તે કયા ધક્કે કઠણ કાળજુ કરી લીધું હશે એ આપણે સૌ ભેગા મળીને જાણવું જરૂરી પણ ખરેખર સાચી વિગતો ક્યાંક અધુરી છે .

    જીતુભાઈમાં પણ બ્રાહ્મણ વંશજ (ગુસ્સો હોવાથી) કૈંક ઉણપ દેખાય છે. છતાં વડીલનો એકલાનો હાથ હોય એવું શંકા પ્રેરિત છે.

    રજનીભાઈ, સગપણ અને કઈક પૂર્વગ્રહે ખોટી દિશામાં લાઈન દોરી આપી છે.

    દાદુ શિકાગો

    ReplyDelete
  3. ભરત ઝાલાનો પ્રતિભાવ એકદમ સૂચિત અને બંધ બેસતો છે.
    ઓરમાન માની દગડાઈ અને નીચતાથી,અને નવી બાયડીની ગુલામીમાં બાપે પોતાના દીકરા માટેની ફરજભાન ચુકી જીન્દીગીના છેલ્લા દિવસોમાં પણ 'અહંકાર'નો 'ભા' બની ને 'ટસથી મસ' ના થયા,આવા બાપોનો હજી પણ તૂટો નથી.અરે પણ અ નવીમાં પણ કેટલી નિર્લજ અને ચંડાળ,તેનામાં એક સ્ત્રી તરીખેનું દયાનું ઝરણું પણ પોતાની વાન્ઝ્તાની જેમ પણ કોરું સૂકાયેલ નજરે પડે છે.
    શ્રી રજનીકુમાર પંડ્યા(જી),તમારા પોતાનાજ ભાણેજની વિતકકથા વાંચીને 'હચ મચી' જવાય તેવી વાત લખીને વાંચકોને તમારી કલમની ઔર ઝાંખી કરાવી છે.
    આવુંજ સાહિત્યકે જેમાં માનવ સ્વભાવ,ભાવના અને આવેશોનો ધબકાર લેખક પાસેથી વાંચવા મળે છે ત્યારે એમ થાય છે ગુજરાતી ભાષા ઉતરોત્તર સમૃદ્ધ થતી જાય છે.

    ReplyDelete
  4. બહુ sad સ્ટોરી છે આપ આટલું દર્દ કેવી રીતે લઈ લો છો? આપણી પોતાની જ લાઈફમાં આટલું દર્દ હોય તો બીજું વધુ દર્દ શા માટે લેવું? વાંચતાં વાંચતાં કેટલીય વાર મારી આંખ ભીની થઈ કેટલીયે વાર હૃદય ભારી થઈ ગયું. આથી વિચાર આવ્યો કે મને ફક્ત વાંચીને આ બધુ થયું પરંતુ આપ આટલા દર્દને મહેસૂસ કરીને લખો છો આપનું પણ હૃદય ભારી થઈ જતું હશે ને....? આપ દર્દ લો છો તે ગમતું નથી. પણ એ વાત પણ સાચી છે કે દર્દ વગર જીવન શકય નથી.

    ReplyDelete
  5. માનનીય વડીલ શ્રી,
    પ્રથમ તો આપની હિંમત અને સાહસ ને બિરદાવું છું. આપે આપના નજીક ના સગા સાથે ઘટેલી સત્ય ઘટના લખી અને અમારી સામે એને પ્રસ્તુત કરી એના માટે હિંમત તો બહુ ઓછા લોકો માં હોઈ છે.

    "એક માતાનું એના પુત્ર સાથે ત્રીસ વરસે મિલન કરાવ્યું હતું એ વાતનો ઘમંડ મારામાં લઈને હું ફરતો હતો એની સામે સમતુલામાં મૂકવા માટે મારી આ હાર મેં સ્વીકારી લીધી."
    આખા લેખ મેં આ વાક્યો ખૂબ જ ચોટદાર અને ભાવવહી છે.

    -મીતલ

    ReplyDelete