Friday, July 6, 2012

હું ચુમ્મોતેરનો, પણ બ્લોગબેટો એક જ વરસનો.
મારા પિતાજી સરકારી નોકરીમાં હતા ત્યારે તેર વરસની વયે હું તેમની ઓફિસમાં જઇને અંગ્રેજી ટાઇપ રાઇટર પર  હાથ અજમાવતો , તે વખતે સૌરાષ્ટ્ર સરકાર હતી એટલે ટેબલ પર પડેલા કોઇ પણ કાગળીયામાં સૌરાષ્ટ્ર સરકાર તો લખેલું જ હોય. ઘણા  અઠવાડીયાની મહેનત પછી વણઅટક્યે Saurashtra ટાઇપ કરતાં શિખી શક્યો. Government  શબ્દ વગર ભૂલે લખતાં આવડે તે પહેલાં મિનિટના સો શબ્દોની સ્પીડે ટાઇપ કરી શકનારા ટાઇપિસ્ટ લખમણભાઇ આવીને મને ખુરશી પરથી ઉઠાડી મુકતા. મારી ખુશી અને ખુરશી બન્ને છીનવાઇ જતાં.
પણ એ પછી છેક સાઠ વર્ષે બીરેન-ઉર્વીશ કોઠારી અને બિનિત મોદીએ મને મારી એ બન્ને વસ્તુ પાછી મેળવી આપી અને તે પણ અનેકગણી વધારીને. જો કે લખમણભાઇની સ્પીડને તો હું આંબી શક્યો નથી, પણ લખમણભાઇએ જેની કલ્પના પણ ના કરી હોય એવા એવા કરતબ હું ટાઇપ રાઇટર જેવા કી-બૉર્ડ પરથી કરી શકું છું. એમાંનું એક તે આ મારો આકાશી ઓટલો  એટલે કે બ્લોગ!
એ ઓટલો આજે એક વરસનો થયો.
કમ્પ્યુટર જગતમાં મારો પ્રવેશ કરાવનારા બેઉ કોઠારી ભાઇઓએ મને એટલી બધી હદે કમ્પ્યુટરાવલંબી બનાવી મૂક્યો છે કે હવે હસ્તાક્ષરમાં એક નાનકડી ચીઠ્ઠી લખતાં પણ આલ પડે છે. એમ થાય છે કે હોય નહિં! આ પચ્ચાસ પચ્ચાસ વર્ષ સુધી મેં આ બધું મારા હાથે લખ્યું? એમ ?
એમાંય  ગયે વરસે મારા જન્મદિવસે (છઠ્ઠી જુલાઇ 2011 ના દિવસે ) એ બધાએ ભેગા મળીને મારો બ્લોગ શરુ કરીને મને ભેટ આપ્યો, ભારે કરી ! એમાં પાછી બીરેન સાથે મારે બોલી કરવી પડી કે અઠવાડીયે એક નવી પોસ્ટ તો મારે દેવી, દેવી અને દેવી જ. એ બોલીનું પાલન કરતાં મને ઘણીવાર સાતપાંચ થઇ જાય છે. પણ બીરેનની ઉઘરાણી બે દિવસ અગાઉ ચાલુ થઇ જાય છે. એ બાબતમાં એ નિર્દયી પ્રિતમ”  છે. પણ એ નિર્દયતા પાછળ પ્રેમાળ હૃદય બોલે છે. હું આજે જાહેરમાં નિખાલસપણે કબૂલ કરું છું કે મેટર મોકલવાથી વિશેષ હું કાંઇ કરતો નથી. મેટર મોકલ્યા પછી એને અનુરુપ ચિત્રો કે તસ્વીરો મુકવાની જવાબદારી એ જાદુગર બહુ ગંભીર ભાવે નિભાવે છે. મને પ્રિવ્યુ માટે મોકલે ત્યારે એસ.એમ.એસ.થી તરત જાણ કરે અને તે પછી એક વાર હું પ્રિવ્યુ જોઇ લઉં અને ઓ.કે. કરું તે પછી અપલોડ કરવાની જફા પણ એ જ વેંઢારે છે.  આવો પ્રેમ પામીને હું ધન્ય છું .
**** **** **** 

બ્લોગદાર હોવાનો મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. દૂર દૂર દેશાવરથી આપણને કોઇ વાંચી રહ્યું  અને તેની ખબર પણ આપણને પ્રિસાઇઝલી મળી રહી છે. કોઇ કોઇ તો વળી સારી નરસી કોમેન્ટ્સ પણ તરતો તરત આપે છે. કેટલીક અંગત વાતો અને અનુભવો કે જે હું મારી અખબારી કોલમ્સમાં નથી લખી શકતો તેની હિસ્સેદારી બીજા અનેકોની સાથે આ માધ્યમમાં કરી શકાય છે તે  બધી હકિકતો રોમાંચ જન્માવે છે.
મારી ઉંમર સામે ના જોતા. બીજા અનેક બ્લોગદારોની સરખામણીએ હું હજુ આમાં સાવ બચ્ચું છું, એ હું જાણું છું. જે વાચકો-મિત્રો-રસિયાઓ મારો બ્લોગ વાંચે છે, વંચાવે છે, કોમેન્ટ્સ મોકલે છે તે સૌનો અને મિત્ર હરીશ રઘુવંશી જેવા સ્વજનો કે જેઓ મારી દરેક નવી પોસ્ટ અનેક મિત્રોને પહોંચાડે છે એ સૌનો આભાર.

(પંચોતેરમાં પ્રવેશે)         

13 comments:

 1. ભરતકુમાર ઝાલાJuly 6, 2012 at 1:05 AM

  રજનીકાકા, બ્લોગબચ્ચાને અને તમને- બેઉને જન્મદિવસની દિલથી શુભેચ્છાઓ.

  ReplyDelete
 2. ગુરુ, તમારી ઘણી પોસ્ટ અપલોડ કરતાં અગાઉ એની પર નજર ફેરવતો હોઉં ત્યારે સ્ક્રીન ધૂંધળો જણાય છે. પછી ખબર પડે છે કે સ્ક્રીન તો બરાબર છે, પણ....!

  ReplyDelete
 3. Sumant Vashi ChicagoJuly 6, 2012 at 3:38 AM

  પ્રિય રજનીભાઈ,
  ભલે તમે તમારા બ્લોગને તમે હજુ બ્લોગબચ્ચું ગણાવતા હોય.. ઠીક છે . પણ નાનો તોય રાઈનો દાણો..
  એને વાંચીએ ત્યારે મગજ માં જે ઝમઝમાટ થાય છે, તે તો અમે જ અનુભવીએ છીએ. એમાં તમને ખબર નાં પડે .અન્ય વાચકો જણાવજો....... ક્યાં મૈ જૂઠ બોલીયા??

  ReplyDelete
 4. રજનીભાઈ: તમને અને તમારા માનસ પુત્રને અભિનંદનો- કનક્ભાઈ રાવળ

  ReplyDelete
 5. loko chamatkar ne namaskar kare chhe
  evi duniyama me mari aankhe joyu chhe
  ketlak manaso chamatkar jeva hoy chhe
  hu kahu eva ek Rajnikumar Pandya chhe

  ReplyDelete
 6. અભિનંદન રજનીભાઇ, વાંચીને ખૂબ આનંદ થાય છે...તમારા થકી જ બીરેનભાઇ જેવા મિત્રો મળ્યા છે, તે આભાર પણ આજે અંહી વ્યક્ત કરવાની રજા લઉં છુ.....

  ReplyDelete
 7. Happy birthday to you and your blog.. both..

  ReplyDelete
 8. બિરેનભાઈ, ઉર્વીશભાઈ અને બિનીતભાઈ આ ત્રિપુટી આપના થકી મારી મિત્ર બની શકી છે..આપના જીવન અને બ્લોગ; બંનેને જન્મદિવસની શુભેચ્છાઓ..

  ReplyDelete
 9. Janma divas ni khub khub shubhechchhao... Tamara jeva vadil pase thi amare ghanu badhu shikhavanu hoy 6e, etale tamara lamba aayushya ni amari prarthana kai o6i svarthi nathi hoti!!

  ReplyDelete
 10. એક દિવસ મોડા મોડા... પણ, જન્મદિવસની શુભેચ્છાઓ

  ReplyDelete
 11. ૭૫મા વર્ષ માટે અભિનંદન આપવાં એ મોડું ન ગણાય તે હિસાબે આપનાં તંદુરસ્ત, સક્રિય, સાનંદ, અર્થપૂર્ણ, દીર્ધ (સહ)જીવન માટે શુભેચ્છાઓ.
  પ્રિન્ટ માધયમમાં પોતાનું એજ આગવું સ્થાન અને નામ કમાયા પછી પણ જેઓ નૅટ જગતમાં પણ સક્રિય છે, તેઓ ભાવિ ગુજરાતી પેઢીમાટે બહુ જ મોટી વિરાસત ઊભી કરી રહ્યાં છે. "ઝબકાર" એ દિશામાં પણ રાહબરનું કામ કરે છે.

  ReplyDelete
 12. lovely and smart & for the best time show now

  ReplyDelete