Sunday, July 1, 2012

વનેચરનું વિસ્મરણ


                                                     
[ ઘણા વર્ષો પહેલા  મારી સાવ યુવાન વયે કુમારમાં હું વનેચરના તખલ્લુસથી લખતા કોઈ લેખકની અદભુત લેખમાળા અવારનવાર વાંચતો જતો. એનું સાતત્ય મારા પક્ષે ના જળવાવાના અનેક કારણો હશે, પણ એમાં કોઇ વાર્તા કે કવિતા જેવું કાંઇ ના હોવા છતાં એ મને જકડી રાખતી હતી. એનું  કારણ એમાંથી થતી એક આખી અપરિચિત સૃષ્ટીની ઓળખાણ હતી, એમાં રોમાંચ સાથે જ્ઞાન મળતું હતું.
'પ્રકૃતિ'નો ડીજીટલ અવતાર 
એ પછી લાંબા ગાળે અમદાવાદ વસવાટ કરવાનું બન્યું ત્યારે મારા પહેલા વાર્તાસંગ્રહ ખલેલનું ટાઇટલ બનાવનારા ચિત્રકાર રજની વ્યાસ  સાથે થોડી બેઠકઉઠક થઇ ત્યારે એ વનેચર વિષે વધુ માહિતી પ્રાપ્ત થઇ.  વનેચર ના નામે લખતા હરિનારાયણ આચાર્યની રજનીભાઇ કહેલી અને બીજેથી પ્રાપ્ત કરેલી વાતો પરથી મેં મારી સંદેશની કટાર ઝબકારમાં એક પેન-પોર્ટ્રૈટ લખ્યું.  એ પછી ઘણા લાંબા સમયે ભાઇ ધીમંત પુરોહીત સાથે મળીને બીરેન કોઠારી જેવા જુવાન મિત્રોના સહકારથી મુંબઇના મારા વડિલ મિત્ર નવનીતભાઇ અને ફીઝાબહેન શાહના હિરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત પ્રકૃતિ નો પ્રોજેક્ટ પાર પાડ્યો. પ્રકૃતિ સામયિક તો હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછરેલું તેમનું માનસસંતાન હતું.  એનો અમે બનાવેલો ડિજિટલ અવતાર,તેની વિસ્તૃત પરિચય પુસ્તિકા અને વેબસાઇટ www.gujaratiprakruti.com તો એ તપસ્વિના જીવતા સ્મારક જેવા છે.
અહિં મેં હરિનારાયણ આચાર્યનું મેં વર્ષો અગાઉ લખેલું શબ્દચિત્ર મૂકું છું પણ જેમને એ  રંગીન સચિત્ર પરિચય પુસ્તિકા અને પ્રકૃતિના ડિજિટલાઇઝડ અંકોની ડીવીડી જોઇતી હોય તેઓ મારો સંપર્ક સાધે તેવી વિનંતી છે.] 



                કાનખજૂરા તો મેં અનેક જોયા છે, પણ આપે મોકલેલો નમૂનો જવલ્લે જ જોવા મળે છે. આપ જ્યારે ચાળીસેક વરસ પહેલાં દિલ્હી દરવાજે રહેતા હતા ત્યારે એક મોટો કાનખજૂરો મને આપે દેખાડેલો, એ હજુ આપની પાસે હોય તો એની લંબાઈ, ભીંગડાની સંખ્યા અને પગ કેટલા છે તે જણાવશો તો આભાર !’
            ચોર્યાસી વર્ષની વયે, લગભગ અપંગ અવસ્થાએ, પથારીમાં પડ્યા પડ્યા જ્યારે ડોસાઓ થૂંકવાનું પાળું નજીક લઈને વારંવાર થૂંક્યા કરતા હોય અને મોં પરની માખી ઉડાડ્યા કરતા હોય, પોતાના નખ વધી વધીને પાવડા થઈ ગયા છે એ તરફ પણ એમની ઉદાસીનતા હોય, એ ઉંમરે હરિનારાયણ આચાર્ય અમદાવાદમાં વસંતકુંજ, એલિસબ્રિજ - અમદાવાદના ઘેરથી અમદાવાદના જ કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનના નિયામક એમના જેવડા જ વયોવૃદ્ધ રૂબિન ડેવિડને આવો કાગળ લખે. કાનખજૂરાના પગ અને ભીંગડાં ગણવાની આતુરતા બતાવે.
        હા, એંસી વરસની વયથી એ શસ્ત્રક્રિયાથી એક પગ ગુમાવીને અપંગ થઈ ગયા હતા, અવાજ પણ ક્ષીણ થઈ ગયો હતો. સાંભળનારને કાન માંડીને સાંભળવું પડે એવી હાલત. પથારીમાં તેમનું કૃશ શરીર જોતાં જ અરેરાટી થાય.
        અને જુવાનીમાં તેવીસ વરસની ઉંમરે તેમને તીવ્રપણે દમનો હુમલો થયેલો. શરીર સાવ ઓગળી ગયું હતું. સસણી બોલે અને બિછાનામાં લોટપોટ થઈ જવાય, આપઘાત કરવા તૈયાર થઈ ગયા હતા.
        તેવીસ વરસની ઉંમરે પણ આ હાલત અને ત્યાંસી વરસની ઉંમરે પણ આ જ દશા, તો પછી વચ્ચેના સાઠ વરસ એ જીવ્યા કયા શરીરે ? આવા રોગિષ્ઠ શરીરે ? આપઘાતની પ્રક્રિયા શું સાઠ વરસ લાંબી ચાલી ?
        જવાબ ન મનાય એવો છે કે સાઠ વરસ એ પહેલવાન જેવા શરીરે જીવ્યા. પંડિત બનીને જીવ્યા. સંશોધક અને પ્રકૃતિવિદ્દ થઈને એમણે જીવનના એકેએક ખૂણાને રસથી છલોછલ ભરી દીધો. મિલના મેનેજર તરીકે પણ દેશમાં કીર્તિપતાકા ફરકાવી. મોટરસાઈકલ કે મોટરના મશીનની એક એક કળની રજેરજ જાણકારી મેળવી અને બંદૂક અને રિવૉલ્વરનું પૂરેપૂરું યંત્રમાળખું જાણી લીધું. કવિતાઓ લખી, વનવગડે ફર્યા-વિચાર્યા અને છતાં અસાધ્ય રોગથી ગ્રસ્ત એવી પથારીવશ પત્નીની રાત-દહાડો શુશ્રૂષા કરી. મહાકાય વહેલ માછલીની શરીરરચનામાં પણ ઊંડા ઊતર્યા અને છેક છાણના કીડા(ડંગ બીટલ્સ)ની જીવનચર્યા પણ ખંતથી નિહાળી અને નોંધી. દમના દમ્યા, આપઘાતના વિચારે, અને એમાંથી ગોફણની જેમ છટકીને હરિનારાયણ આચાર્ય સવાઈ જિંદગીના આકાશમાં કેવી રીતે ભ્રમણ કરવા માંડ્યા ? કઈ જડીબુટ્ટી એમને હાથ લાગી ગઈ ?


**** **** **** 


        1924ના મે-જૂનની કાળઝાળ ગરમી. ગરમી શું ? ભયંકર અગ્નિવર્ષા જ. શહેરમાં સૂરજ તપે એ કરતાં વધારે ગામડામાં તપે અને વગડા-ખેતરમાં તો જીવતેજીવતે ભૂંજી જ નાખે. વખાના માર્યો માણસ મજૂરી કામ કરે તો ભલે, બાકી જમીનધણી તો ખડકી બહાર પગ ના મૂકે. એમાંયે એ જરાક ભણેલું-ગણેલું માણસ હોય તો ગામડામાં રોકાવા માટે બેઠું ન રહે. શહેરમાં ચાલ્યું જાય. વરસાદ જૂનની વીસમી પછી પડે ત્યારે પાછું આવે અને પછી દાડિયા ઉધડિયા ઉપર ધોંસ ઉતારે. એમને ધોરવે-ધ્રુજાવે અને જોતરે. ત્યારે દિવાળી ઉપર ડૂંડાં હિલ્લોળા લે, પણ દમલેલ તો દમલેલ, પણ બી.એ. ઓનર્સ થયેલા બ્રાહ્મણ-પુત્ર હરિનારાયણ આચાર્ય ઊલટાના અમદાવાદથી આ બરડો દઝાડતા તાપમાં વતન ઊંઝા આવ્યા. બાપવારીનું ખેતર પોણોસો વરસથી વણખેડ્યું પડ્યું રહ્યું હતું. કોઈ ખેડવા લેવા પણ તૈયાર નહોતું. એવી જમીન પર મે-જૂનના એટલે કે ઓતરા-ચિતરાના તડકામાં એમણે જાતે હળ જોતર્યું અને બળદ જોડીને ડચકારો બોલાવવા માંડ્યાં. દમને કારણે શરીર મલોખાનો માળો બની ગયું હતું. આંખના ડોળા ચડી જાય ત્યાં સુધી ખોં ખોં થાય. છાતીમાં જાણે કે લુહારની ધમણ મૂકી. બળદ દોડે ત્યારે એમ લાગે કે હરિનારાયણ બળદને હાંકતા નથી, પણ બળદો તેમને ઢસડે છે. એવી રીતે હળના ઠાંઠા ઉપર હાથ ટેકવીને વિસામો લેવો પડે. એક દિવસ સવારથી સાંજ સુધી આ રીતે કર્યું અને સાંજે સાવ લાશ જેવા થઈને ઘરની પડશાળમાં પડ્યા ત્યારે પાડોશી ભેગા થઈ ગયા અને એમાંથી એક વડીલે વાર્યા : ‘હરિભાઈ, તારે શી જરૂર આટલી કારી મજૂરીની ભૂંડા ? માંદો સો તે લગીર દબા-બબા કરાય. આમાં તો ભઈલા, ઊલટાનું જમનું ઘર વેલું ભારીશ.
      કાકા, હરિકૃષ્ણે કહ્યું : મને કરું એમ કરવા દો. વચ્ચે ના આવો. સૌ જાણતા હતા કે આ મોટી કોઈનો વાર્યો વરાય એમ નથી. ગિરધર આચાર્ય નામના ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના બ્રાહ્મણનો આ છોકરો સિદ્ધપુર અને પાટણમાં અંગ્રેજી ભણીને અમદાવાદ ગુજરાત કૉલેજમાં ભણવા ગયો ત્યારે પણ એણે મનનું ધાર્યું જ કરેલું. એ વખતે અંગ્રેજી પોષાકનું આકર્ષણ હતું. પણ હરિનારાયણે તો કૉલેજમાં પણ જાડા કપડાનો ફેંટો, ખાદીનો લાંબો કોટ, ટૂંકી ધોતી અને મણ મણના પગરખાં પહેરવાનું રાખેલું. તેલ-ફૂલેલ નાખેલા કોટ-પાટલૂનિયા બીજા કૉલેજિયનો વચ્ચે આવા વેશમાં છાતી કાઢીને ફરતા, શરીર તો મૂળથી જ પડછંદ અને એમાં આવા લેબાશમાં ફરે એટલે બધા ઠઠ્ઠા કરે, પણ હરિનારાયણે ક્યાં પરવા કરી હતી ? એ પછી કાયદાના અભ્યાસ માટે હરિનારાયણ મુંબઈ ગયા હતા અને ત્યાં બરાબર પરીક્ષાના ટાંકણે જ ગાંધીજીની બૂમ સાંભળીને કૉલેજ છોડી દીધી હતી, ત્યારે પણ સૌએ વાર્યા, પણ એમણે કાનસરો કોઈને ય ન આપ્યો. એક-બે ઠેકાણે માસ્તરની નોકરી કરી અને પછી ગાંધીજીના બોલાવ્યા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાનના અધ્યાપક થઈને રહ્યા. આ માણસ વડીલનો વાર્યો વળે ?
        તેં અમારું કે દાડે માન્યું છે ભઈલા. વડીલ બોલ્યા : ‘પણ આમાં અમે તને હુજ્જત કરવા ના દઈએ.
      જુઓ કાકા, હરિનારાયણ બોલ્યા : ‘તમે એમ માનો છો કે મારે આ કાચી ઉંમરમાં ખપી જવું છે? અરે, તો તો આ દમને કારણે ક્યારનો ય આ સામે ગાડી..... એમણે થોડે દૂર ગાડીના પાટા દેખાતા હતા તે તરફ આંગળી ચીંધી.... ગાડીના પાટા વચ્ચે જઈને સૂઈ ગયો હોત, પણ મારે જીવવું છે, એટલે આપઘાતના વિચારને ખંખેરી નાખ્યો અને દમ નામનો રોગ શી ચીજ છે ? અને કેમ થાય છે એ જાણવા મચી પડ્યો.
      તળિયા સુધી જવું પછી તે ગમે તે વિષય હોય, પણ તળિયાને ફાડીને વિષયના પેટાળમાં પહોંચવાનો કોઈ અજબનો અગ્નિ એમનામાં હતો. કૉલેજ છોડ્યા પછી દમ થયો એટલે દમને લગતા અને શરીરશાસ્ત્રને લગતાં તમામ પુસ્તકો વાંચી નાખ્યાં. એમાં અમેરિકાના ખ્યાતનામ વ્યાયામપટુ અને શરીરવિજ્ઞાની બર્નાર મેકફ્રેડનનાં લખાણોમાં એમને શ્રદ્ધા બેઠી. એમની સાથે પત્રવ્યવહાર કર્યો, ખબર પડી કે આ રોગના મૂળમાં હોજરીની નબળાઈ અને આંતરડાની સક્રિયતાની ખામી છે. એમાં શક્તિ પૂરવા પેટને વલોવવા માટે કોઈ વલોણું નથી આવતું ને બીજો કોઈ ઇલમ પણ નથી. એ માટે દોડવું, લાકડાં ફાડવાં, જમીન ખોદવી, શરીરને આ રીતે વાળવું. જોકે આ બધાં જ કામમાં આ રોગ આડો ઊતરશે, પણ એને ગણકારવો નહીં. બહુ બહુ તો શું થશે ? મરી જવાશે. તો છો મરી જવાય. મરવા માટે આપણે ગાડીના પાટે જવાના હતા. આ અહીં ઘેર બેઠા આવશે. એટલો ફાયદો જાણવો.
        નક્કી કર્યું કે હરિનારાયણ પેલા વડીલ તરફ જોઈને બોલ્યા : કે એવો શ્રમ શહેરમાં તો થાય નહીં. ત્યાં આ નહીં થાય માટે ગામડે આવવું. જૂનું ખેતર છે એને ખેડી નાખવું. એક સાથે બે કામ થશે. પેડુ ય વલોવાશે અને ખેતર પણ ખેડાશે. માટે કાકા, મને રોકશો નહીં. આજે ભલે હું લોથ થઈ ગયો, પણ રાતે નીંદર સારી આવશે. કાલે પાછો જઈશ, અડપી પડીશ.
      રોજ સવાર-બપોર-સાંજ. રોજ આ ચાલ્યું, હળ મૂકીને કોદાળી લે, કોદાળી મૂકીને પાવડો લે, પાછા નીચે બેસી જાય, હાથ-ખંપાળી કરે અને આમ ને આમ એક શેઢાથી માંડીને બીજા શેઢા સુધી આખું ખેતર એકલપંડે ખેડી કાઢ્યું. ત્યારે જોયું તો શરીરમાં થોડા લોહી, માંસ ભરાયા હતા કારણ કે ભૂખ લાગતી થઈ હતી. પાચન થવા માંડ્યું હતું. મોઢામાં અમી પણ છૂટવા માંડ્યું હતું. શરીર રોગને રહેવા લાયક રહ્યું નહીં. એટલે દમે રજા લીધી. એ ગયો એટલે તરત હરિનારાયણે નરવા થઈ ગયેલા શરીરને સુંદર બનાવવાનું કામ હાથમાં લીધું. ફરી જે તે વિષયનાં પુસ્તકો વાંચી કાઢ્યાં. નક્કી કર્યું કે હવે વ્યાયામ કરી શકાય તેમ છે. બલ્કે એ જરૂરી પણ છે. એટલે પછી દંડ, બેઠક, ભારે મગદળ, દોડ, કુસ્તી અને લાકડીદાવ શરૂ કર્યા. બે વર્ષમાં શરીરને એવું પલોટી લીધું કે જાણે કે કોઈ ઉત્તમ શિલ્પીએ સિસમમાંથી બનાવેલી ગ્રીક યોદ્ધાની શિલ્પકૃતિ !
        વ્યાયામવીર રામમૂર્તિ એકવાર ગુજરાત આવેલા. હરિનારાયણ એમની સામે જઈને ઊભા, આવા પડછંદ પંજાદાર પુરુષને જોઈને રામમૂર્તિ બહુ ઢળી ગયા. એમને પૂછપરછ કરતાં ખબર પડી કે હરિનારાયણ આચાર્ય માત્ર વ્યાયામવીર જ નથી, વ્યાયમજ્ઞ પણ છે. નાના-મોટા એવા વ્યાયામ પ્રકારો વિષેની એમની જાણકારી જોઈ સમર્થમાં સમર્થ વ્યાયામપટુ જેવા પ્રો. રામમૂર્તિ એકદમ પ્રભાવિત થઈ ગયા. 
        તમે કોઈ વિક્રમ સર્જો !’ એવી રામમૂર્તિની સલાહ.
        એમનો જવાબ : આ મેં કોઈ વિક્રમ સરજવા માટે કે ચાંદ-અકરામ મેળવવા માટે નથી કર્યું. જાત ખાતર કર્યું છે. હજુ કરીશ. તમે ગુજરાતમાં વ્યાયામ શાળાઓ સ્થાપો. હું તમને એની રૂપરેખા ગોઠવી આપીશ. પણ કોઈ રેકૉર્ડ તોડીને મસલ્સ-બસલ્સ બતાવવાની મારી મરજી નથી.
      ખરેખર એમણે એવી સ્પૃહા કદી ના બતાવી, નહીં તો વેઈટ-લિફ્ટિંગમાં એ ગુજરાતભરમાં ટોચ પર હતા. સુસંહત શરીર માટેની એમની વ્યાયામવિધિમાં એ બસો દસ રતલ વજન માથા ઉપર બે હાથે અદ્ધરોઅદ્ધર તોળતા. પગની પેશીઓના ઘડતર માટે એ અઢીસોથી ચારસો રતલ વજનનો ઉપયોગ કરતા (વૃદ્ધાવસ્થામાં એ પગમાં ગ્રેંગ્રીન થયું ને પગ કપાવવો પડ્યો એ વાત જુદા રસની છે.). વ્યાયામસ્પર્ધાઓમાં તજજ્ઞ પંચ અને નિર્ણાયક તરીકે અનેકવાર ગયા.
        પણ હરિનારાયણને કાંઈ આ એક જ મુષ્ટિનું જ્ઞાન નહીં. એમની આ એક જ ધો પણ નહીં. ખોવાઈ ગયા એટલે શરીરમાં જ ખોવાઈ ગયા અને શરીરમય જ થઈ ગયા એવું પણ નહીં.
        શરીર સાધન છે. એ કહેતા : સાધ્ય નથી.


**** **** ****


      હરિનારાયણભાઈ, બચુભાઈ રાવતે પૂછ્યું : ‘નવરા છો ?’
            હરિનારાયણ તેત્રીસ-ચોત્રીસ વરસના જુવાન. બપોરનો સમય, કુમાર કાર્યાલયની ઑફિસ. મલ્લશિરોમણી ઝિબીસ્કો, ગામા અને પ્રો. રામમૂર્તિનાં ચરિત્રો લખીને કુમારમાં પ્રગટ કરાવેલાં એટલે નાતો. પણ કાંઈ કામ નહોતું, અમસ્તા જ કાગળિયાં ઊથલાવતાં બેઠેલા. એટલે બેઠાં બેઠાં જ એમણે જવાબ આપ્યો : ‘કેમ ?’
      નવરા હો તો લો, આ વાંચો. બચુભાઈએ કહ્યું : ‘બહુ સરસ છે.
      બચુભાઈએ આપ્યું તે ઇન્ડિયન સ્ટેટ રેલવે મેગેઝિન હતું. એનો વાર્ષિક અંક હતો. એનાં પાનાં હરિનારાયણ ફેરવવા માંડ્યાં. એમાં ધ્યાન ગયું કે એમાં એક સુંદર રંગીન ચિત્ર હતું. હતું તો કોઈ પતંગિયાનું. પણ અદ્દભુત હતું એ ચિત્ર. જે લેખ માટે - જે લેખ સાથે હતું તે લેખ પણ પતંગિયા ઉપરનો જ હતો. એનું શીર્ષક હતું ભારતની દિવાચર પતંગિકાઓ. લેખક હતા મુંબઈની નેચરલ હિસ્ટરી સોસાયટીના ક્યુરેટર એસ. એચ. મેટર.
        લેખમાં એમને બહુ રસ પડ્યો. સાદ્યંત વાંચી કાઢ્યો ત્યારે માથું ઊંચું કરીને એમણે બચુભાઈને પૂછ્યું : બચુભાઈ, આ લેખમાં એવન્સ નામના લેખકના ભારતનાં પતંગિયાઓ નામના પુસ્તકનો ઉલ્લેખ છે એ પુસ્તક ક્યાંય મળે ?’
            ‘આપણી આગળ તો નથી.
આપણી આગળ નથી, પણ મારી પાસે હોવું જોઈએ. એમ મનોમન બોલીને 1929ની સાલની એ બપોરે હરિનારાયણ કુમારના દાદરા શું ઊતર્યા ? બસ, નવા-નવીન-અદ્દભુત, લગભગ વણસ્પર્શ્યા એવા કીટક-જગત, પક્ષી જગતમાં ઊતર્યા. એ પછી એમણે એ પુસ્તક મંગાવ્યું. એના આધારે વનવગડામાં દિવસ-રાત જ્યારે પણ ફુરસદ મળે ત્યારે ફરવા માંડ્યા. પતંગિયાના અભ્યાસ અવલોકનો શરૂ કર્યાં, નોંધવા માંડ્યા. એમાં વધુ સહાય મેળવવા માટે એ મુંબઈની નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય બન્યા અને આ રીતે શરીરવિજ્ઞાનમાં પારંગત થઈને પ્રકૃતિવિજ્ઞાનમાં પ્રવેશ્યા.


**** **** ****


        મિસ્ટર હરિનારાયણ, જજ બોલ્યા : ‘જરા મારી ચેમ્બરમાં આવશો ?’ જ્યુરીના સભ્ય હતા એટલે જજની ચેમ્બરમાં જવું હરિનારાયણ આચાર્ય માટે નવું નહીં. પણ આ નોતરું કંઈ બીજી તરાહનું હતું. એ ચેમ્બરમાં ગયા ત્યારે જજ ચહેરા પર મુગ્ધતા પાથરીને બેઠા હતા. બોલ્યા : તમે જ્યુરી તરીકે ખૂનના આરોપીને જે કેટલાક પ્રશ્નો સાંયોગિક પુરાવાના સંદર્ભમાં પૂછ્યા તે પરથી લાગે છે કે તમને પ્રકૃતિવિજ્ઞાનનો સારો અભ્યાસ છે.
      ચંચુપાત કરું છું. એ નમ્રતાપૂર્વક બોલ્યા : ‘છબછબિયા.
      હું એટલા માટે પૂછું છું, જજ બોલ્યા : ‘કે મને પક્ષીઓના અને સરીસૃપો (પેટે ચાલતા પ્રાણીઓ-જેવા કે સાપ વગેરે) માં થોડો રસ છે, તમે મારે ત્યાં આવશો ?’
      પછી જ્યારે હરિનારાયણ આચાર્ય એમને ઘેર ગયા ત્યારે દંગ જ થઈ ગયા. જજનું ઘર હતું કે ચીડિયાઘર ? કંઈ બોલવા જાય ત્યાં તો જજ બોલ્યા : હું તમને એક ખબર આપવા માગું છું તે એ કે મહીસાગરના ચડતા જુવાળમાં એક વહેલ માછલી આવી ચડી છે તેનો એક પ્રોબ્લેમ છે. આપણે જરા જઈ આવીશું.


      વહેલ માછલીના કોઈ ખટલા અદાલતમાં ચાલતા નથી, તો પછી જજને એની ચિંતા કરવાનું શું કારણ ? મનમાં જાગેલા આવા સવાલનો જવાબ હરિનારાયણ આચાર્યને જજનું ઘર જોઈને જ મળી જતો હતો. નાનકડા એવા ચીડિયાઘર સરખું ઘર હતું. જજ એમાં આવીને પોતાની જજ તરીકેની આભા ઉતારી નાખતા હતા. કલાપ્રેમી અને પ્રકૃતિપ્રેમી અને અભ્યાસી બની જતા હતા. હરિનારાયણ કીટક સૃષ્ટિના અભ્યાસી તો થઈ ચૂક્યા હતા. અને હવે આ જજ - આકસ્મિક રીતે કોર્ટરૂમમાં જજ તરીકે ભેટી ગયેલા જજ-એમને બીજી જીવસૃષ્ટિની અભ્યાસસફરે સાથે લઈ જવા માગતા હતા. 
        જજે વધુ સ્પષ્ટતા કરી : ‘મહાસાગરના મુખમાં એક મહાકાય વહેલ મોટી જુવાળમાં તણાઈ આવી છે. એનું શરીર એટલું બધું વજનદાર હોય છે કે પાણીની બહાર તો એ પોતાના શરીરના ભારથી જ ગૂંગળાઈ મરે. એનો શ્વાસ અત્યારે ગૂંગળાતો હોવાના સમાચાર છે. આપણે જઈ આવીશું ?’
      હરિનારાયણ આચાર્ય માટે આ સાવ નવા પટારાનો ખજાનો હતો. એમણે તરત જ રાજીપો બતાવ્યો. અલબત્ત, પછી સંજોગોવશાત્ એ જજ એમની સાથે ના જઈ શક્યા, પણ હરિનારાયણ આચાર્ય એકલા એ દુર્ગમ પ્રદેશમાં પગપાળા, રસ્તો શોધતા શોધતા જઈ ચડ્યા ત્યારે વહેલ તો ગૂંગળાઈને પ્રાણ છોડી ચૂકી હતી, અને મહીસાગરના અફાટ કિનારે ગામડિયા લોકોનું એક જોણું બનીને પડી હતી. સરકારી કે બિનસરકારી કોઈ વૈજ્ઞાનિક કે અધિકારી આ દુર્લભ શરીરને જોવા - તપાસવા હાજર નહોતો. બનવાજોગ છે કે થોડા જ વખતમાં ગીધ-કાગડા-કૂતરાં અને ઠોલી ખાત, પણ હરિનારાયણ આચાર્યે જઈને બધી જ વ્યવસ્થા સંભાળી લીધી અને એના અસ્થિને અભ્યાસ માટે અમદાવાદ લઈ આવવાની ફાંકડી વ્યવસ્થા પણ કરી.
        એમની આ હુજ્જત જોઈને એમના એક મિત્રે, એમના ભત્રીજા રમેશભાઈ આચાર્યને કહ્યું કે કાકા આવા આવા દુસાહસ શા માટે કરતા હશે ? તમારે બધાએ એમને વારવા જોઈએ. ત્યારે એમણે હસીને કહ્યું કે એમને વારવાની વાત તો એક તરફ, પણ અમે એમના છોરુ પણ એમના જેવા થવા કોશિશ કરીએ છીએ - એમની નાનપણની વાતો સાંભળો તો એમ લાગે કે જાણે અંજનીપુત્ર હનુમાન સૂરજને દડો સમજીને પકડવા દોડ્યા. એ પછી એમણે એમના મિત્રને જે વાત કરી તે થોડી રમૂજી, થોડી રોમાંચક, પણ વધારે તો સાહસસત્વથી છલકાતી હતી. હરિનારાયણ એમની કિશોરાવસ્થામાં બીજા ભાઈબંધો સાથે ઊંઝાથી સિદ્ધપુર ન્યાત જમવા ગયા. છ-સાત ગાઉની મજલ ચાલીને જાય, ચાલીને સાંજ પહેલા પાછા આવી જાય. એક વાર આવી રીતે છ દુ બાર ગાઉની ખેપ કરીને આવ્યા પછી ખબર પડી કે પગરખાં તો સિદ્ધપુર નાતની વાડીમાં રહી ગયાં છે. શું કરીશું ? વિચાર આવ્યો કે કરવાનું શું હોય? પગરખાં પગ માટે છે કે પગ પગરખાં માટે, એનો જરી પણ વિચાર નહીં કરવાનો. ચાલો, રાતોરાત પાછા પગપાળા, પાછા સિદ્ધપુર. પગરખાં પગમાં ઘાલી પગપાળા પાછા ઊંઝા. એમાં પાછા એકલા નહીં, આખી ટુકડીમાં. એકવાર ભાભીને તેડવા ગયા. રાત ઢળી ગઈ. સંજોગોવશાત્ ભાભીથી ત્રણેક દિવસ પછી અવાય તેવું હતું. બીજા હોય તો વેવાઈના આગ્રહે રોકાઈ જાય ને પછી ભાભીને લઈને જ આવે પણ હરિનારાયણ આચાર્ય રાતોરાત ઓગણીસ ગાઉ કાપીને ફરી ઘરભેગા થઈ ગયા. ન થાક, ન ભય.
        ભય ?’ રમેશ આચાર્યે જ એક વાર એનો પણ નમૂનો આપ્યો : અમારા ઊંઝાના બ્રાહ્મણોમાં શબને સિદ્ધપુર સરસ્વતી નદીના તીરે દાહ દેવાનો રિવાજ છે. એક વખત જામેલા ચોમાસાની સાંજે એક સગાને એ રીતે સરસ્વતીના તીરે દેન દેવાનો પ્રસંગ પડ્યો, રાત પડી ત્યાં અનરાધાર વરસાદ. સ્મશાનમાં બેસવાના બાંકડા પણ ના મળે. નક્કી કર્યું કે ગામમાં જતા રહીએ. દાહ સવારે દઈશું. એ વાત તો વાજબી, પણ અહીં રાતે શબને કોણ સાચવે ? સાચવવું જરૂરી, નહીં તો કોઈ જંગલી જનાવર શબને તાણી જાય. સૌ એકબીજાના મોં સામે જોવા માંડ્યા, ત્યારે હરિનારાયણ કહે, તમે સૌ બેફિકર થઈને ગામમાં જાઓ. મસાણમાં રાત હું એકલો રોકાઈશ. ખરેખર કાળી, મેઘલી, વરસાદથી રસબસતી એ રાતે હરિનારાયણ આચાર્યે શબને ઊંઘમાં ય કોઈ તાણી ના જાય એટલા માટે શબના પગ પર માથું રાખીને મસાણમાં સૂઈ રહ્યા.

**** **** ****


      મારે ગીધપક્ષીના જીવનક્રમનો અભ્યાસ કરવો છે.
      હરિનારાયણ આચાર્યે જેમને આમ કહ્યું એ જંગલી લોકો હતા. ગીધની એમને બહુ નવાઈ નહોતી, પણ આ ખડખડખાંચમ સાઈકલ ઉપર માત્ર ચડ્ડી-બાંડિયું પહેરીને નીકળેલા છોકરડાએ એમને આ પૂછ્યું તેથી નવાઈ લાગી. છતાં એમણે કહ્યું : જોખમી છે, બહુ જોખમી છે. એવા તંત મૂકી દે ભઈલા.
      એમનો એ તંત નહીં પણ ખંત હતો. એટલે જંગલી લોકોની મોપાજી મૂકીને હરિનારાયણ ખુદ જંગલને રસ્તે આગળ વધ્યા. આગળ ઉપર જ એક અગોચર જગ્યાએ એમને ગીધડાની જમાત જડી ગઈ. મરી ગયેલી એક ભેંસના શબને ચૂંથતા હતા. હરિનારાયણ સાઈકલને ભોંયે સુવડાવીને એ જયાફતની નજીક ગયા ત્યાં તો ગીધડામાં ફફડાટ વ્યાપી ગયો. ઊડાઊડ થઈ પડી અને સાગમટે હરિનારાયણ પર હુમલો કર્યો. લાંબી તીક્ષ્ણ ચાંચોથી એમને એમની જાહલ સાઇકલનાં પૈડાં પણ બચાવી ના શકે. હરિનારાયણ જીવ લઈને દોડ્યા, ને માંડ એ ગીધના જ્યુરીસ્ડિક્શનની બહાર નીકળી ગયા, પણ બહાર નીકળીને પહેલું કામ એમણે પોતાની એકની એક સાઈકલની ચિંતા કરવાનું નહીં પણ ગજવામાંથી નોંધપોથી કાઢીને ગીધની ભયની પરિસ્થિતિ વખતની વર્તણૂકનું બારીક અવલોકન લખવાનું કર્યું. એવી જ રીતે ઉત્તર ગુજરાતના ધોમ તાપમાં છાણ ફેંદી ફેંદીને એમણે છાણિયા જીવડાં (ડંગ-બીટલ્સ)નો એવો તો અભ્યાસ કાગળ પર ટપકાવ્યો કે ભલભલા કીટકશાસ્ત્રીઓ આફરીન થઈ જાય.
        પણ આ બધાં પતંગિયાં, જીવડાં, પક્ષીઓ કે જેનો અભ્યાસ એમણે મિલની નોકરી કરતાં કરતાં, કરોડરજ્જુનાં ક્ષયવાળી બીમાર પત્નીની સારવાર કરતાં કરતાં, સવારના ચારથી રાતના નવ સુધી ઘણી વાર તો ભૂખ્યા-તરસ્યા, માત્ર ચણા ફાકી કાઢીને કર્યો. એનો નિચોડ આપણને મળ્યો કે નહીં ? પક્ષીઓની બોલીનો અભ્યાસ મધરાતે સફાળા ઊઠી ઊઠીને પણ કર્યો એનો અર્ક આપણને ચાખવા મળ્યો કે નહીં ? મળ્યો.
            ‘કુમારમાં પહેલવાનોના પરિચયની લેખમાળા પછી અખાડો નામની એમની વ્યાયામવિષયક લેખમાળા આવતી. પછી પ્રકૃતિજગતમાં પડ્યા અને એ સૃષ્ટિના વિસ્તારોને આંબતા થયા એટલે ખભે ખડિયોના નામે એમણે આ બધાની પીરસણી કરી. લેખક તરીકે ઉપનામ રાખ્યું વનેચર. ઉપરાંત આડત્રીસની સાલમાં ગુજરાત પ્રકૃતિમંડળની પણસ્થાપના કરી અને ગુજરાતીમાં તો વિજ્ઞાનનું સર્વપ્રથમ કહી શકાય તેવું ત્રૈમાસિક પ્રકૃતિ શરૂ કર્યું. એના તંત્રી તરીકે અનેક અભ્યાસપ્રચુર અનેક વિદ્વદભોગ્ય લેખો લખ્યા. અંતે જ્યારે એ થોડા વર્ષ ચાલીને બંધ પડ્યું ત્યારે તેનો શોક એમણે સંતાનહ્રાસ જેટલો ઘેરી વળેલો કારણ કે એ માસિકના નિમિત્તે ગુજરાતને રૂબીન ડેવિડ કે વિજયગુપ્ત મૌર્ય જેવા અનેક અભ્યાસીજનો સાંપડેલા.
        પણ પ્રકૃતિ ત્રૈમાસિક બંધ કેમ પડ્યું ? શા માટે એ ના ચાલ્યુ ? કુમાર બંધ કેમ પડ્યું ? મિલાપ ? નવનીતનો લોપ ? અને બીજાં અનેક કારણોમાં એક એ પ્રકારની રુચિ નથી, પ્રકૃતિ ને ગુજરાત એ રીતે ઝીલી શક્યું નહીં.


**** **** ****


        અરે !’ મોટરમાં નીકળેલા મિલમાલિકે ગાડી ઊભી રાખી, તમે ? આ હું શું જોઉં છું ?’
            ‘એક માણસને એની મોટરસાઈકલ રિપેર કરતો જુઓ છો.
      પણ આચાર્ય, તમે જાતે ? જાહેર માર્ગ ઉપર ? અને આમ ચડ્ડી અને બાંડિયામાં? બહુ કેવાય ?’
      એમાં બહુ શું કહેવાય ?’ આચાર્ય બોલ્યા : ‘સાઈકલ લઈને ફરવા જતો જંગલમાં, ત્યારે સાઈકલ સમી કરતો. હવે મોટરસાઈકલ છે તે એને કરું છું. એમાં તમને આટલો બધો અચંબો શેનો ?’
            ‘અચંબો નહીં, આઘાત !’ મિલમાલિક બોલ્યા : ‘તમે પોતે ભરતખંડ મિલના મેનેજર, વળી મિલમાલિક મંડળના મંત્રી ! તમને તો આ ના શોભે, પણ વિચારો કે અમને ય શહેરનું મહાજન શું કહે ?’
      તમે મને.... હરિનારાયણ આચાર્ય પાના-પકડ નીચે મૂકીને કાળા હાથે જ એમની મોટરની બારીએ આવ્યા. બોલ્યા : ‘તમે મને નોકરી અને પગાર મારી માનસિક શક્તિનો આપો છો કે મારા પહેરવેશનો ? એવું હોય તો કાલથી નહીં આવું.
      આ વાત રૂપાલી સિનેમા પાસે થઈ. ત્યાં એમની ઑફિસ હતી. આચાર્ય મોટરસાઈકલ દુરસ્ત કરીને ચાલ્યા ગયા. ઘેર જઈને રાજીનામાનો મુસદો બનાવતા હતા ત્યાં જ પેલા મિલમાલિકનો માણસ આવ્યો.
        શેઠ કહેવડાવ્યું છે કે પોતે બરાબર નથી કર્યું. દિલગીર છે. નોકરી છોડવાનો વિચાર ના કરતા.
      ઠીક છે. હરિનારાયણ પાછા આશુતોષ (તરત જ રીઝી જાય એવા). તરત જ કાગળના લીરા કરી નાખ્યા. પણ મનમાં બબડ્યા : મોટરસાઈકલ તો શું પણ રેલગાડીનું સ્ટીમએન્જિન પણ દુરસ્ત આવડવું જોઈએ સૌને. આ નથી આવડતું અને આ નથી આવતું ના બધાં નખરાં છે તમારાં ! નથી આવડતું ઉપર જ આવડે છે. એવાની મોટી ફોજ નભે છે.
      બોલતા હતા એવું જ એમણે કર્યું હતું. મોટરસાઈકલ એક વાર અર્ધે રસ્તે બગડી ત્યારે ઘરે લાવીને રજાના દહાડે એના પૂર્જેપૂર્જા જુદા કરી નાખ્યા. પછી સ્પ્રિંગ સ્પ્રિંગ અને નટેનટની પૂરી જાણકારી મેળવી લીધી. પછી એવો હાથ બેસી ગયો કે જિંદગીભર ગેરેજવાળાને એક પણ પૈસો ખટાવ્યો નહીં. પછી પક્ષીપ્રેમને કારણે શિકાર શોખીન મિત્રો મળ્યા તો બંદૂકની વિવિધ બનાવટો, તેની વિશિષ્ટતાઓ અને તેની ગોળીઓના બળ-વેગે અને એના આઘાતની માત્રા વિષે છેક તળિયા સુધીનું જ્ઞાન મેળવી લીધું. મિલ મેનેજર થયા તો મિલના માલસામાન વેચવા આવતા વિદેશી સેલ્સમેનો હેરત પામી જાય ત્યાં સુધીની એની જાણકારી ગાંઠે કરી લીધી.
        આ બધું કંઈ ગ્રંથસ્થ ન થાય. ગ્રંથસ્થ થયું માત્ર એમનું થોડું જ વાંગ્મય. એ પણ ભદ્ર,  અમદાવાદમાં. પ્રેમાભાઈ હોલમાં આજે પણ જેની ઑફિસ છે તે ગુજરાત વિધાનસભાએ સામેથી માગીને પ્રગટ કર્યું. વનવગડાના વાસી નામનું એ પુસ્તક એમણે વનેચરના નામે જ આપ્યું અને એમાં પક્ષીઓ ઉપરાંત સરીસૃપો, પશુઓ, કીટકો અને પ્રકૃતિ વિષે ભરપૂર માહિતી આપી દીધી. હરિનારાયણ આચાર્યને એ કામ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો.


**** **** **** 


ઉગે શશાંકુ રજનીરમણી ધીરેથી
આલિંગને ભૂજભીંડી નિજકંઠ બાંધે,
તારાવલી ચમકતી કહી વ્યોમભાગે,
મંદાકિની જલપડ્યાં કુમુદાવલી શી.

        હરિનારાયણ આચાર્યે વનફૂલના નામે લખેલી આ કાવ્યપંક્તિઓ 1923 માં સમાલોચકમાં છપાઈ હતી. કવિ ન્હાનાલાલની ભાષાભભકનો અણસાર એમાં દેખાય છે. કારણકે કવિ ન્હાનાલાલના બહુ નિકટના પરિચયમાં એ આવેલા. કવિ ન્હાનાલાલ અમદાવાદમાં હઠીભાઈની વાડીએ રહેતા ત્યારે એમની બેઠકો લગભગ રોજ જામતી.
        પાછળથી પ્રકૃતિ, પક્ષીઓ, અન્ય પ્રાણી જગત, કીટકો, સિક્કા-શાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને માનવશરીરશાસ્ત્રની સાથેસાથે બંદૂક કે મોટરસાઈકલની યંત્રરચનાને બગલમાં રાખીને હરિનારાયણ આચાર્ય જ્યારે મિલ-મેનેજર થયા ત્યારે પણ એમનો સાહિત્યનો આ વ્યાસંગ છૂટ્યો નહીં. એક વાર ચિંતામણી દેશમુખ મિલમાલિક મંડળની ઑફિસની મુલાકાતે આવ્યા ત્યારે મિટિંગ પતી ગયા પછી બધા હૉલની બહાર નીકળી ગયા, પણ આચાર્ય અને દેશમુખ બન્ને કલાક દોઢ કલાક સુધી બહાર નીકળ્યા નહીં ત્યારે સૌને ભારે કુતૂહલ થયું હતું. અંદર શું ચાલતું હશે ? દેશના અર્થકારણ અને ગુજરાતી ટેક્સટાઈલ મિલો અંગે તેમની કોઈ મહત્વની ચર્ચા ચાલતી હશે ? હશે કાંઈ ?
      કોઈએ અધૂકડું બારણું ખોલીને કુતૂહલવશ અંદર નજર કરી તો આભા જ થઈ ગયા. ચિંતામણી દેશમુખ પોતે સંસ્કૃતના પારંગત હતા. એમણે સંસ્કૃતમાં કોઈ કાવ્યાત્મક જીવનચરિત્ર લખ્યું હશે. તે એ હરિનારાયણ આચાર્યને મોંએ બોલી બતાવતા હતા અને આચાર્ય એની સામે સમર્થનમાં એવી જ કોઈ સંસ્કૃત કાવ્યપંક્તિઓ કહી સંભળાવતા હતા.
        બોલનારે બારણું પાછું બંધ કરી દીધું, બન્ને પંડિતો માટે.


**** **** **** 


        એકવીસ એકવીસ નકોરડા ઉપવાસ કરીને લંઘનચિકિત્સા ચાલુ હોય એવા દિવસોમાં પણ બિનચૂક નિયમિત મિલે જનાર-જઈ શકનાર હરિનારાયણે થોડો સમય મુંબઈમાં વાંદરા, પાલી હીલ ઉપરના એમના ઇલા બંગલામાં ગુરુ દત્તાત્રેયની જેમ શ્વાનો વચ્ચે, શુદ્ધ સારસ્વતની જેમ પુસ્તકો વચ્ચે ગાળ્યો. કોઈ મળવા જાય તો પહેલા શ્વાનો વીંટળાઈ વળે ને પછી હરિનારાયણ આચાર્ય. શ્વાનો વચ્ચે ઘેરાઈને એ શ્વાનો વિષેના કોઈ શાસ્ત્રીય પુસ્તકનો અભ્યાસ કરતા હોય યા નોંધો ટપકાવતા હોય.
        થોડો સમય પછી અમદાવાદ આવ્યા. સંતાનમાં એક માત્ર પુત્રી ઉષાબેન. એમને પણ વનસ્પતિશાસ્ત્રમાં જ ડોક્ટરેટ કરાવ્યું. આચાર્ય એમને પુત્રવત ગણીને વસંતકુંજ, અમદાવાદ-7માં રહેવા ગયા. પણ ત્યાં પગે ગેંગરીન થયું. જેમના ચરણ સદા ચાલવા તત્પર એમને જ પગે ગેંગરીન ! અંતે પગ કપાવવો જ પડ્યો. પછી તો શરીર પીગળીને પાતળી, રેલાયેલી, ઢળેલી મીણબત્તી જેવું બની ગયું. છતાં પણ કોઈ બીજા જ ગ્રહનો વાસી આ પૃથ્વી પર શોધખોળ અર્થે આવી ચડ્યો હોય એવી સંશોધનવૃત્તિ અને ખાંખત રહી.
        ચિત્રકાર લેખક રજની વ્યાસ એમને છેલ્લે મળવા ગયા, ત્યારનું વર્ણન આ પ્રમાણે કરે છે :
            મારા ગુજરાતની અસ્મિતા પુસ્તકના પશુપંખી અંગેના પ્રકરણના કામ અંગે મારા મુરબ્બી સુપ્રસિદ્ધ તસવીરકાર શ્રી જગન મહેતા સાથે તા, ૬ ઠી મેને દિવસે તેમને મળવા ગયો. વરંડામાંથી જગનભાઈ તેમના ઓરડામાં પ્રવેશ્યા. હું ત્યાં જ વરંડામાં એક ક્ષણ અટકીને ઊભો. હૃદયમાં આનંદ અને અહોભાવના થડકારા સાથે મનમાં તો એમની વર્ષો પહેલાં જોયેલી તંદુરસ્ત શિલ્પીસમાં કંડારાયેલી માંસલ કાયા ધરાવતી સિંહ જેવી આકૃતિ અંકાયેલી હતી. સ્નાયુબદ્ધ પ્રકોષ્ઠ હજી આંખ સામે તરવરતા હતા. દિપ્તીમયતાથી લખલખી રહેલો એમનો ભાલપ્રદેશ હજી ભુલાયો નહોતો. વરંડામાંથી ઉમરો ઓળંગી ખંડમાં પગ મૂક્યો અને અંતર રડી ઊઠ્યું.
        છ્યાસી-સત્યાસી વર્ષનો-કાળદેવતાએ ભાંગેલો, પિગાળેલો, એક પગ શસ્ત્રક્રિયાથી કુંઠિત એવા આ મહામાનવનો દેહ પથારીમાં પડ્યો હતો. તે દિવસે તેમની તબિયત સારી ન હતી છતાં ખૂબ પ્રેમથી તેમણે વાર્તા કરી. અવાજ ખૂબ ક્ષીણ થઈ ગયેલો-કાન માંડીને સાંભળવું પડે - 40 વર્ષ પર કુમારમાંથી ઉતારેલું તેમનું ચરિત્ર મેં તેમને બતાવ્યું. ખૂબ ગદ્દગદિત થઈ ગયા. મને કહે : ‘આ મને તમે આપશો ? મારે જોવું છે.
      આનાથી મારી બીજી કઈ ધન્યતા હોય ? ખૂબ આદરપૂર્વક તેમના ઓશીકે પાનાં મૂક્યાં, તેમનાં એક માત્ર પુત્રી-વનસ્પતિશાસ્ત્રી ઉષાબહેન પાસે ખૂબ આનાકાની છતાં પરાણે દૂધ પિવડાવ્યું. કહે : ‘બ્રાહ્મણને ત્યાંથી એમ જવાય જ નહીં. ને ખૂબ રાજી થયા. મેં જતા જતા નીચે નમીને પ્રણામ કર્યાં. માથે હાથ મૂક્યો પણ તે ડાબો હાથ હતો. કહે : આ બાજુ આવો તમને જમણે હાથે આશીર્વાદ આપું.
      બહાર નીકળી જગનભાઈને મેં કહ્યું, ફરીથી મારે અહીં આવવું છે. હવે તેમની આ સ્થિતિમાં આવા કોઈ કામ માટે નહીં જ, પણ કેટલીક ક્ષણો તેમના સાન્નિધ્યમાં વીતે એવી આરજુ જાગે છે મનમાં..
      જગનભાઈ કહે : ‘ચોક્કસ આઠ દસ દિવસ પછી મારા પુત્ર ઉપેન્દ્ર સાથે કહેવડાવીશ, સાથે જઈશું. પણ 22મી મે સવારે છ વાગે લોનમાં બેસી છાપું વાંચતો હતો ત્યાં ઉપેન્દ્ર આવ્યો. કહે ચાલો, હરિનારાયણભાઈને ત્યાં. તેઓ ગયા. સાંભળીને આઘાત લાગ્યો. પણ કળ વળ્યા પછી મેં છાપામાં જોયું તો ક્યાંય એમના મરણના સમાચાર જ નહોતા. મરણની સામાન્ય નોંધ પણ નહીં ને ?’
      રજનીભાઈના આ વાક્યો પછી આપણે શું કહેવાનું ? એટલું જ ને કે હરિનારાયણભાઈ, તમે બધું કર્યું પણ ગુજરાતીના માનસનું પૃથક્કરણ કદી કેમ ના કર્યું ?
        


(ઝબકાર કિરણ - 4માંથી) 

4 comments:

  1. ભરતકુમાર ઝાલાJuly 1, 2012 at 1:40 PM

    અદભુત..!

    ReplyDelete
  2. પ્રિય રજનીભાઈ,
    કુશળતા ઈચ્છું છુ.
    સદગત શ્રી હરિનારાયણ આચાર્ય જી વિષેનો લેખ વાંચીને પૂરો કરતા પહેલા બે ત્રણ વાર એમ લાગ્યુકે હવે લેખ પૂરો થશે, ત્યાંજ નવા ફકરામાં આચાર્યજીની કંઈક નવી જ પ્રવૃત્તિ વિષે જાણવા મળે. અદભૂત શબ્દ ઓછો પડે, પણ સહસ્ત્રાવધ્યા(ધા)ની જેવો કર્મને લગતો કોઈ શબ્દ હોય તો એમને માટે એ શબ્દ વપરાય. ( સર્વકર્મજ્ઞ ચાલે ??).
    કદાચ આ પહેલોજ માનવી હશે કે જેને માટે એમ કહેવાય કે એમણે જીવ્યા કરતા જાયું ભલું (ના જોયું નહિ પણ જાયું)
    ધન્ય એવા સર્વજ્ઞને!!
    દાદુ શિકાગો,

    ReplyDelete
  3. આવા રત્નો પણ આપણા સાહિત્ય જગતમાં ગોપિત છે જેને તમે પ્રકાશમાં લાવીને ખરેખર સુંદર કાર્ય કરો છો. ધન્યવાદ ! એમને પણ અને આપને પણ !

    ReplyDelete
  4. પ્રિય રજનીભાઈઃ

    આચાર્યસાહેબ વિષેનો તમે ઝીણવતથી રજુ કરેલા અભ્યાસ્પૂર્ણ લેખ માટે અનેક ધન્ય્વાદો.
    તે વાંચીને અનેક સંસ્મરણો ઉભરાઈ આવ્યાં.
    તે અને મારા પિતાજી (કલાગુરુ રવિશંકર રાવળ) પુરાણા મિત્રો. તે વખતો વખત અમારે
    ઘરે 'ચિત્રકુટ'માં બગી જોડેલી મોટરસાઈકલ પર આવતા.
    સદા પ્રસન્ન મૂખાક્રુતી, તેજસ્વી શરીર સૌષ્ટવ અને ઘેરો સત્તાવાહી અવાજ તેમનું વ્યક્તિત્વ.
    પ્રેમાભાઈ હોલ પાસે તેમણે નાનું મુઝીયમ પણ શરુ કરેલુ જ્યાં હું અવારનવાર જતો.
    વૌઠાના દરિયા કિનારે તણાઈ આવેલી વ્હેલની ૮ ફીટ લામ્બી પાંસળીયો ગુજરાતકોલેજના
    સાયંસ ડીપાર્ટમેંટના દરવાજા પર રાખેલી. કોલેજના દિવસોમા રોજ તે નીચે પસાર થઈએ
    ત્યારે આચાર્ય સાહેબ યાદ આવે. તેમના મિત્ર શ્રી.ખરાદી પણ ત્યારે ત્યાં હતા.
    તે દિવસોમાં (૧૯૪૭-૪૮) મેં 'ગુજરાત સમાચાર'માં સાયંસ કોલમ લખવાનુ શરુ કરેલું
    -કનક્ભાઈ રાવળ

    ReplyDelete