Tuesday, June 9, 2015

કદી હીટ એન્ડ રનમાં ના સંડોવે એવી ગાડી જોવી છે ?

'બહેન!' બહારથી અવાજ સંભળાયો. મારી પત્નીએ 'આવ રમેશકહ્યું તે પણ મેં સાંભળ્યું. પણ પછી રમેશનો મારા ઓરડા તરફનો પગરવ મને સંભળાવો જોઈએ તે ના સંભળાયો. હું સજાગ થઈને બેઠો. હાથમાં લખવાનું પેડ હતું તે એક તરફ મૂક્યું. 'રમેશ આવે છે''આ આવ્યો',   'આ દેખાયો' જેવી મનની સ્થિતિ થઈ. પણ રમેશ ક્યાં ? હમણા એનો અવાજ તો કાને પડ્યો હતો !
થોડીવારે મેં જ રક્ષાને બૂમ મારી : 'કેમ રક્ષા ! હમણાં રમેશનો અવાજ આવ્યો હતો ને !'
જવાબમાં રક્ષા જ ઓરડામાં આવી. કપડાં સૂકવતી સૂકવતી આવી હશે તે સાડીના પાલવથી હાથ લૂછતી લૂછતી આવી. મને આમ રમેશના આગમનને માટે ઉત્સુક જોયો એટલે જ કદાચ હસી હશે.  હસીને બોલી : "કેમ આમ ઉભડક થઈ ગયા ?
હમણાં કાંઈ પેલા પ્લમ્બર રમેશ  જેવો અવાજ આવ્યો ને કાંઈ ?
હાવળી રમેશ જ હતો વળી.” પછી બોલ્યો : "કાંઇ પૈસા-બૈસા ઉછીના માગવા આવ્યો હશે પાછો !”
‘પણ મેં સહેજ અકળાઈને પૂછ્યું : આવ્યો કેમ નહીં ? શું ઓસરી એને ગળી ગઈ ? આપણે એનુ કામ હતું. ભૂલી ગઈ? બાથરૂમનો નળ નથી ટપકતો ?
અરે,રસોડાના સિન્કમાં પણ પ્રોબ્લેમ છે. એ બોલી : પણ બસ, ઉંબરે આવ્યો અને પૂછ્યું, 'બહેન, સાહેબ છે ?; એટલું  જ પૂછ્યું. મેં હા પાડી, 'આવ, ભઈલા' કહ્યું. તે સાંભળ્યું, ના સાંભળ્યું, ને પાછા દાદરો ઉતરી ગયો....
‘કમાલ માણસ છે ! હું બોલ્યો : 'આવા લોકો હાથે કરીને ઘરાકી ખોવે છે. આ ચોથી-પાંચમી વાર આવું થયું. દરેક વખતે તને પૂછે છે કે હું ઘરમાં છું કે નહીં ? તું હા પાડે છે એ વખતે હું એના માટે તૈયાર થઈ જાઉં છું. અરે, તને ના ગમે તોય કહી દઉં, એની મા માંદી છે  તે પાંચ રૂપિયા આપવાની પણ મારી તૈયારી છે પણ એ ય અભાગીયો સાલો ખરો છે ! તરત આવતો નથી. તારા હા પાડ્યા પછી પંદરવીસ મિનીટે આવે છે. તો મોઢામાંથી ફાટતો નથી કે શું કામ છે ? હું સામેથી વગર માગ્યે થોડો આપું? પૂછીને પાછો કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે એ પણ એક કોયડો છે.
વાત ચાલતી હતી ત્યાં જ એ આવ્યો. મેલાંઘેલાં કપડાં અને હાથમાં સરંજામની  થેલી. તે એય  સાવ ચીંથેરેહાલ ! એને જોઈને તરત જ પૂછી જોવાની ઈચ્છા થઈ. પણ જે રીતે એ ગરીબડો ચહેરો કરીને કપાળ પરથી પરસેવો લૂછતાં લૂછતાં અંદર આવ્યો, એ જોઈને થયું કે પૂછાશે હવે. શી ઉતાવળ છે ? કેટલે દૂરથી આવ્યો છે ? કંઈક કામ હશે તો જ આવ્યો હશે ને !
બહેન મારી પત્ની તરફ જોઈને એણે જરા મોં મરકાવ્યું : જરા પાણીનો એક ગ્લાસ..
પત્ની અંદર ગ્લાસ લેવા ગઈ કે મેં એની સામે નજર માંડી : કેમ છો ?
મઝામાં..." એણે કહ્યું : તમે ઘેર છો એમ મારાં બહેને કીધું એટલે નિરાંત થઈ. નહીંતર નેવું ટકા તો એવું જ બને છે કે હું આવુ ત્યારે આપ ના હો.
પત્ની આવી. રમેશે પાણીનો ગ્લાસ હાથમાં લીધો. બહુ થાકેલો અને ત્રસ્ત માણસ પીએ એમ એણે પાણી પીધું અને પછી કામની વાત ઉખેળી. વાતમાં ને વાતમાં પંદર વીસ મિનીટ નીકળી ગઈ. આ વખતે રૂપિયા-પૈસાનું નહોતું, એનું છાપરું સુધરાઇની કપાતમાં આવતું હતું એનું હતું. મારા માટેય સહેલું નહોતું. જરા અટપટુ હતું. એના આટાપાટામાં એ જ વખતે હું એવો તો ઊંડો ઉતરી ગયો કે એનું બીજું કશું પૂછવાનું યાદ જ ના આવ્યું. આવ્યું તે છેક એના ગયા પછી યાદ આવ્યું.
કેમ ? રક્ષાએ ફરી મરકલું કર્યું.પૂછ્યું : ના પૂછી શક્યા ?
અરે હા, ભૂલાઇ ગયું , મેં કહ્યું : હવે આવે ત્યારે પૂછી લઈશ. યાદ જ ના આવ્યું. બાકી હવેના વખતે એનો પાર પામ્યે જ છુટકો છે કે તને પૂછ્યા પછી મારો બેટો પંદર વીસ મિનીટ સુધી ક્યાં અંતર્ધ્યાન થઇ જાય છે ?! એ જાય છે ક્યાં? તરત જ આવતો કેમ નથી ?
જો કે, મારે બહુ રાહ જોવી ના પડી. ચોથે જ દિવસે ફરી ઝબક્યો ! હું અંદરના ઓરડામાં બેઠો બેઠો વાંચતો હતો. ને મારા કાને એનો અવાજ પડ્યો.
બહેન !” એનો અતિશય નમ્ર સ્વર કાને પડ્યો. : સ્નેહલભાઈ સાહેબ છે ?
હા, છે ને ! પત્ની બોલી તે પણ મને સંભળાયું : જા, ચંપલ કાઢીને અંદર જા, બેઠા બેઠા વાંચે છે. જા,જા, ટાઇમ બગાડીશ નહીં." પછી ફરી ભાર દઈને બોલી એ પણ સંભળાયું : હમણાં જ જાપછી વળી પંદર વીસ મિનીટ પછી બહાર જવાના છે.
આમ કહ્યું એટલે તરત જ એ અંદર આવ્યો. મેં વાંચવાનું બાજુએ મૂક્યું અને એ ઓરડામાં દાખલ થયો કે આવ્યો કે તરત એને વાતોએ ચડાવ્યો. પછી એના માટે બે ત્રણ ફોન કરવાના હતા તે કર્યા. પછી પેલું પૂછવાનું યાદ પણ આવ્યુંપણ પૂછવાનું મન ના થયું. કારણ કે મારી સામે બેઠા બેઠા પણ રમેશ સતત કશોક સળવળાટ અનૂભવ્યા કરતો હોય એમ લાગ્યું. ઊભા થઈને તરત જ બહાર દોડી જવું હોય એમ વારંવાર બારણા તરફ તાકી રહેતો હતો. વળી પાછું પોતે જે કામ માટે આવ્યો છે એ કામ રખડી પડશે એમ માનીને પાછો બેસી રહેતો હતો. ચહેરા ઉપર દુવિધા બહુ સ્પષ્ટ રેલાઈ ગઈ હતી. જવું કે ના જવું ? જવું કે ના જવું ? ફોન પર વાત કરતાં કરતાં પણ હું આ જોયા કરતો હતો. મને થોડી રમૂજ થતી હતી. થોડી ખીજ પણ ચડતી હતી. કઈ જાતનો માણસ છે આ ? બહુ વિચિત્ર ખોપરી લાગે છે. આવવાનું હોય ત્યારે તરત આવતો નથી. ને આવી ગયા પછી જાઉં જાઉં કરે છે. છતાં જવા માગતો નથી. ને પાછું કામ તો કરાવવું જ છે. એવું કેવું ?
ફોન પતી ગયા કે તરત જ એ ઉઠ્યો. બહુ ઉતાવળ એના મોં પર તરવરી રહી. હું જાઉં ? એ બોલ્યો અને સડાપ દઇને ઉભો થયો. ગયો. 
પત્ની અંદર આવી. ફરી થોડું કટાક્ષથી હસી. પૂછ્યું : રહસ્ય મળ્યું ?
કેવી રીતે મળે ? મેં કહ્યું : ‘આજ તો કામ પત્યું કે તરત જ એ ભાગ્યો.
તમે નહીં પૂછી શકો એ બોલી, "હું જાણું ને" અને થાળીમાં ચોખા વીણવા માંડી.
પણ એના આ હળવા મહેણાને ભાંગવાની તક મને મળી જ ગઈ. બીજે જ દિવસે ફરી સવારમાં બહેન ! સ્નેહલભાઈ સાહેબ છે ? નો સ્વર બહારથી સંભળાયો. કામ એક તરફ હડસેલીને હું સજાગ થઈ ગયો. પણ રક્ષાએ હા, છે, જા ને અંદર! એમ કહ્યા છતાં એ એકાદ મિનીટ સુધી અંદર ડોકાયો નહીં કે, તરત જ હું ઝડપથી આરામખુરશીમાંથી ઊભો થયો. ઓસરીમાં રક્ષા ઊભી ઊભી મરકતી હતી.
આજ તો પીછો કરું મેં પગમાં ચંપલ નાખતાં કહ્યું : જાતે જ જોઉં કે એ મારો બેટો  જાય છે ક્યાં?
દાદરો ઉતરીને હું ડેલીએ આવ્યો. ઉઘાડીને હજુ બહાર પગ દેવા જાઉ’ જ છું કે સામેની ભીંતે મારું ધ્યાન ગયું. રમેશ ત્યાં ઊભો ઊભો એની જૂની સાયકલને તાળું મારવાની મથામણ કરતો હતો.
બારણાના ઉઘડવાનો અવાજ સાંભળીને એણે ચમકીને પાછળ જોયું. મને જોયો એટલે જ કદાચ થોડો ખસિયાણો પડી ગયો..
અરે,શું કરે છે યાર ? મેં પૂછ્યું.
કંઈ નહીં એણે ભોંઠપથી મારી સામે જોયું : આ સાયકલને જરા તાળું મારતો હતો. તમે અંદર છો એમ ખબર પડી એટલે તાળું મારવા નીચે આવ્યો “.
કેમ ? મેં પૂછ્યું : તાળું મારીને પછી જ અંદર ના આવી શકાય ? બહુ વિચિત્ર વાત છે તમારી...

આવી તો શકાય પણ... એ સંકોચથી મારી સામે જોઈ રહ્યો.. પછી બોલ્યો : પણ છે શું કે સાહેબ, આ ગાડી બહુ જૂની છે. ને માડી માંદી છે. એના ખર્ચા જાલીમ છે એટલે નવી લેવાનો જોગ નથી. ને તાળું પણ સેકન્ડહેન્ડ છે. એને બંધ કરતાંય પાંચ દસ મિનીટ લાગે છે. બંધ કર્યા પછી ચાવી જ અંદરથી જલદી પાછી નીકળતી નથી. બહુ ખટાખટ કરવી પડે છે ત્યારે નીકળી શકે છે. બહુ દાખડો કરવો પડે છે. સાહેબ !”
'ગાડી'નું રહસ્ય 
‘પણ મેં કહ્યું : તો તાળું માર્યા વગર જ અંદર આવી જવું જોઈએ ને !”
એમાં શું ? એને મારા શબ્દો માટે બહુ નવાઈ ઉપજી, કપાળે કરચલીઓ ઉપસી આવી : અરે સાહેબ, આજકાલ તાળા વગરની ગાડી એક સેકન્ડમાં ઉપડી જાય છે. આ... એ પોતાની સાયકલ પર વહાલથી હાથ મૂકીને ધીરેથી બોલ્યા : મારું ઘરેણું જો ઉપડી જાય તો પછી હું ક્યાં જાઉં ?
હું કશું બોલ્યો નહીં.
એ બોલ્યો : એટલે પછી તમે અંદર હો તો જ ગાડીને તાળું મારવાની મહેનત કરવી ને તો જ વખત બગાડવો એવું નક્કી કરેલું. તે દિવસે આપ તરત બહાર નીકળી જવાના હતા એટલે તરત અંદર આવ્યો. પણ સાહેબ... મારો જીવ તો અહીં જ ચોંટ્યો હતો. વખત છે ને ક્યાંક આ ગાડી ઉપડી ન જાય....
મેં એની સાયકલ ભણી જોયું. જેને એ “ગાડી” કહેતો હતો. ભારે નવાઈ ઉપજી આવીઅરે, આને, આને ? આ ભંગાર ચું ચું ચરખાને તે વળી કોણ ઉપાડી જવાનું હતું !
મારું મન એણે વાંચી લીધું, વગર પૂછ્યે એ બોલ્યો : “ અરે, સાહેબ, મારી આગલી હર્ક્યુલીસ ચોરીને અને વેચી નાખીને એક જણે તો પોતાના ફેમિલીનો ખાવાનો એક ટંક કાઢી નાખ્યો હતોમને એની ખબર પડી  ત્યારથી નક્કી કર્યું કે...
“ કે ?
એણે સાયકલની ચીરાઇ ગયેલી સીટ પર હાથ પસવાર્યો. બોલ્યો : “કે ગાડીને જીવની જેમ સાચવવી.
હું કશું ના બોલ્યો. અંદર જઈને પત્નીને મેં કહ્યું : ” મને સમજાયું, સવાલ એની ગાડીનો હતો !”
“ગાડી ?એને વળી ગાડી છે ? “ પત્ની ચોંકી ગઈ, “શું બકો છો ?”
“તને નહીં સમજાય,  મેં કહ્યું, “હું જોઈને આવું છું. બી.એમ.ડબલ્યુ.થીય ચડે એવી છે.” પછી વળી ઉમેર્યું: "એને હીટ એન્ડ રનમાં કદી ના સંડોવે એવી !”

(તસવીર: નેટ પરથી) 
(નવગુજરાત સમય ૧૫-૨-૧૫ના રોજ પ્રકાશિત)