Sunday, September 25, 2011

દેવ આનંદ: ઉદય, મધ્યાહ્ન અને સંધ્યા મારા ચિત્તમાં (ભાગ-૧)(26મી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ જન્મેલા દેવ આનંદના ૮૮મા જન્મદિન નિમિત્તે આલેખેલી મનોછબી) 

જેતપુરમાં અમારા વિસ્તાર ખોડપરામાં રામદાસ ગંગાજળીયા નામના બાવાજીની બારણાની હોટેલ હતી. બે બારણાની હોવાના કારણે તેનો સારો પડતો હતો. પ્રવેશદ્વારના ઉંબરે જ બાવાજી રેંટીયાની જેમ ચક્કરડાથી ચાલતી ભઠ્ઠી ઉપર સતત ચા ઉકાળતા રહેતા. એમનો દિકરો અમરતલાલ ગંગાજળીયા મારી સાથે ભણતો. ઘણીવાર મફત ચાની સલાહકરતો. (અમારા પંથકમાં સલાહનો અર્થ "આગ્રહ વગરનો વિવેક" એવો થાય.) મને ચાનો બહુ શોખ નહીં. પણ હોટેલમાં આવેલું છાપું વાંચવા મળે- પછી ભલેને તેની ઉપર ચાના કપથી કાળા કુંડાળા પડી ગયા હોય તો ય-તે બહુ ગમે. તેથી એ ઓફરનો લાભ લેતો. હોટેલના બીજા ખુલ્લા બારણા પાસે મુકેલા બાંકડે બેસીને સેકેરીનવાળી ચા પીતા પીતા વળી બહાર બજારનું દૃશ્ય પણ જોવા મળે. પંદર-સત્તર વર્ષની ઉંમરે (૧૯પ૩-પપ ની સાલમાં) આ વૈભવ અહો, અહો હતો.
પણ એક દહાડો હું જે બારણામાંથી બજારદર્શન કરતો તેની આડે એક મોટો અવરોધ આવી ગયેલો જોયો. બારણાને લગભગ અડધા ઉપર ઢાંકી દે તેવું સિનેમાનું બોર્ડ. લાકડાની ચોખંડી પટ્ટીઓ, વચ્ચે એવી જ પટ્ટીઓની ચોકડી, આટલા માળખા ઉપર ખડીથી રંગેલું સફેદ કપડું - ને એની ઉપર અમારી બેમાંથી એક એવી કેપિટોલ ટોકિઝમાં ચાલતી ફિલ્મ મિલાપની જાહેરાત. જાહેરાતમાં શું ? એક પોસ્ટર અને બાજુમાં પેન્ટર ખાન કે જે થિયેટરમાં પ્રોજેક્ટર ઓપરેટરનું પણ કામ કરતા હતા, તેના હાથે બ્લ્યુ અને કથાઈ રંગમાં મોટા અક્ષરે ચિતરેલા મિલાપઅક્ષરો. બાજુમાં વાંકા-વાયડા અક્ષરે લખેલા કલાકારોના નામ, નીચે શોના ટાઈમ - શબ્દો રોજના બે ખેલ, બપોરે ચાર અને સાંજે સાત-તમારા માનીતા છબીઘર કેપિટોલમાં.
મારી બહાર જોવાની બારી આ રીતે બૂરાઈ ગઈ. તેથી હું ભારે ધૂંધવાયો. હું એ પણ ભૂલી ગયો કે હું અહીં  વારંવાર ને તે પણ મફત ચા પીવા આવું છું. એ પણ ભૂલી ગયો કે હું હજુ કોઈ ભડભાદર જણ નથી, બલકે કિશોર છું. આ બધું ભૂલી જવાના કારણે મારી અને બાવાજી વચ્ચે આવા-આટલા સંવાદો થયા.
 "હવે હું તમારે ન્યાં ચા પીવા નહીં આવું."
 કઠોર જવાબ: "નો આવતો."
 "પણ પૂછો તો ખરા કે હું આવું કેમ બોલ્યો ?"
 "ટેમ નથી."
 હું સમસમી ગયો. બાવાજી જોરજોરથી ભઠ્ઠી પ્રજવલીત કરતું ચક્કર ફેરવવા માંડ્યા. પાણીમાં ચા નાખી, ખાંડ નાખી - તળીયા સામે જેના ઘસાવાનો કર્કશ અવાજ આવે એવો પીત્તળનો કાળો પડી ગયેલો ચમચો તપેલામાં ઘુમેડતા રહ્યા - ચાનો રંગાડો ઉકળતો રહ્યો.
દેવ આનંદનો પહેલો પરિચય અહીંથી થયો
લાગે છે કે મારા વિદ્રોહનો આ પ્રોપર જવાબ હતો. બાવાજીની આવી બેરુખી જોઈને હું પગથિયાં ઉતરી ગયો. બજારમાં આવી ગયો. મારા દુશ્મન જેવા સિનેમાના એ બોર્ડ ભણી નજર કરી ન કરી ત્યાં જ અમરતલાલ ગંગાજળીયો ભટકાઈ ગયો. એ તો મિત્ર હતો. રાવ તો સાંભળે ને ! મેં રાવ કરી. ત્યારે એણે તહલકાકાંડખોલ્યો. એણે કહ્યું કે અમને ફિલ્મના સેકન્ડ ક્લાસના બે ફ્રી પાસ મળે. એટલે બાપુએ બોર્ડ મૂકવાની હા પાડી છે. બીજું એક કારણ છે. હમણાં હમણાંની હોટેલમાં ઘરાકી જામી હતી. એમાં એક દિ કોઈ ભારે નજરવાળાની નજર પડી હશે, તે આખા દિવસમાં માત્ર સાત જ કપની ઘરાકી. એમાં ય તારો કપ તો મફત ! એટલે બાપુ કહેતા હતા કે સિનેમાનું આ બોર્ડ મૂકવા દઈએ તો ગાલે મેશનું ટપકું કર્યું હોય એમ કોઈની મેલી નજર ના લાગે.
ત્યારે મને વળી અફલાતુન વિચાર, મારા લાભાર્થે આવ્યો: પણ તો પછી હોટેલની અંદર બેઠેલું માણસ વાંચે તેમ અંદર વંચાય તેમ રખાય ને? આ આપણને ખાલી સફેદ કપડું અને ફ્રેમ જ દેખાય એમાં શું મજો આવે?’
છોટો ગંગાજળીયો ગમ ખાઈ ગયો. મને ચાની સલાહકર્યા વગર પગ પછાડતો ચાલ્યો ગયો. હું બે ઘડી રસ્તામાં ઉભો રહ્યો. ત્યારે યાદ આવ્યું કે આવા મૂડમાં તો ચા પીવી બહુ જરૂરી ! નીચી મુંડીએ હું પાછો હોટેલમાં પેસી ગયો. બડે ગંગાજળીયા (બાવાજી) મોટા મનના હતા. ટેબલ પર સહેજ કપ પછાડીને, પણ ચા તો આપી.
આ બધી વાત આમ તો દેવ આનંદના વિષય સાથે કોઈ સંબંધ ધરાવતી ના લાગે. પણ મારા માટે એ એટલા માટે અગત્યની છે કે જે સાંજે (૧૯૯૬ના માર્ચમાં) દેવ આનંદે પોતાના આનંદ ડબીંગ સ્ટુડિયોમાં આવકારીને મને શેમ્પેઈનની સલાહકરી હતી. (ને મેં ના પાડી હતી) ત્યારે એક આગીયાના ચમકારાની જેમ આ યાદ મારા મનના અંધારા ખૂણામાં માત્ર એક નિમિષમાત્ર માટે ઝબકી ગઈ હતી - કારણ કે જે ફિલ્મના હોર્ડિંગની વિષે મારે હોટેલના માલિક સાથે માનસિક ઝપાઝપી થઈ હતી તે બોર્ડ મિલાપફિલ્મનું હતું. જેનાં હિરો-હિરોઈન દેવ આનંદ-ગીતાબાલી હતા. દેવ આનંદનામના ગાઢ પરિચયની (હા, ગાઢ પરિચયની) એ મારી પહેલી ક્ષણ હતી. એ ઉંમર (સત્તર વર્ષ) લગી મેં બહુ ઓછી ફિલ્મો જોઈ હતી ને જે જોઈ હતી તેમાં જયરાજ, પ્રેમ અદીબ, અશોકકુમાર જેવા કેન્દ્રસ્થ હતા. બાર-તેર વર્ષની ઉંમરે બાઝી કે ટેક્સી ડ્રાઈવર ફિલ્મોના નામ સાંભળ્યા હતા. ગીતો પણ, પણ જેટલું નામ બૈજુ બાવરાના ભારત ભુષણનું સ્મૃતિકોશમાં રજીસ્ટર્ડ થયું હતું. એટલું તો શું, બલકે લગભગ કાંઈ જ ના કહી શકાય તેવું નામ દેવ આનંદનું થયું હતું. અરે જીયા બેકરાર છાઈ બહાર હૈની ધૂન પર પેરોડી પંક્તિ જીયા બેકરાર હૈ, સુરૈયા બિમાર હૈ, આ જા ડાક્ટર દેવ આનંદ, તેરા ઈંતઝાર હૈપ્રચલિત થઈ હતી પણ દેવ આનંદના નામની બહુ નોંધ, ચિત્ત પર ઉપસી શકી નહોતી. કારણ કે એ દિવસોમાં આવી પેરોડીઓ અમારા જેવા નિશાળીયાઓની જીભે રમતી રહેતી, જેમ કે હાથમાં બીડી, મોઢામાં પાન, લઈ લે ઝીણા પાકિસ્તાનઅથવા યા સર સૈયદ અહમદ કર દો બેડા પાર, યા ખુદા કી ખટમીઠ્ઠી ચટણી, ચેવડો મસાલેદારઅથવા દારૂ પીના બંધ કર ભૈયા, નકર પછી મર જાના, બંદે જીવન હૈ સંગ્રામ’. આમાં દેવ આનંદ કોઈ જાણવાજોગ વિશેષ વ્યક્તિત્વ નહીં લાગેલું. 
એના કરતાં જોન કાવસ જંગબહાદુર લાગતો. જો કે,મારી બાની જાલીમ મનાઈને કારણે ફિલ્મો જ ઓછી જોવા મળતી, ને જે જોવાની પરમીશન મળતી તે ધાર્મિક અથવા હદમાં હદ ઐતિહાસિક હતી. (રામરાજય, ભરત મિલાપ, વીર ઘટોત્કચ્છ, રાજા ભર્તુહરી, નરસિંહ મહેતા, કાદમ્બરી, હુમાયુ, બાબર, નિલમપરી, રાધેકૃષ્ણ, કાલીયમર્દન, વીર રાજપૂતાની જેવી) આમાં જે પાઘડા-મુકુટધારી, તલવાર- ગદાધારી, ધનુષધારી, ઓડિયા, ઝૂલ્ફા, તિલ, ગળે મોતીમાળ, બખ્તરધારી, ચમત્કારી હિરો જોવા મળતા. તેમાં દેવ આનંદ નામના માંદલા દેખાતા જીવની કોઈ હસ્તી નહોતી. જો કે, એ વાત સાચી કે ૧૯પપ સુધીમાં તેમનું નામ ઠીક ઠીક જામી ચૂક્યું હતું. પણ તે ઈલાકામાં મારો હજુ પ્રવેશ થયો નહોતો. તેથી પાકિસ્તાનના કોઈ સારા એક્ટરને આપણે ન જાણતા હોઈએ તો એમાં આપણો શો વાંક ? એવું હતું.
એ જ દિવસોમાં એક અજીબોગરીબ ઘટના બની. અમારા ગામમાં કમરીબાઈ હાઈસ્કુલમાં સહશિક્ષણ હતું. છોકરીઓ થોડી, છોકરા ચાર ગણા. કિશોવસ્થા કોઈ બાલ્યાવસ્થા જેવી સાવ અપ્રદુષિત અવસ્થા નહીં, થોડી ઘણી, કાચી-કાચી જાતીય સભાનતા પ્રગટી હોય, પણ એ જમાના પ્રમાણે છોકરા-છોકરી વચ્ચે વાતચીતના જડબેસલાક નિષેધો, વણલખ્યા, વણફરમાવ્યા હતા. છોકરાઓ ક્લાસમાં ધમાલ કરતા હોય, પછી સાહેબ આવે, ને પછી જ ગર્લ્સરૂમમાંથી છોકરીઓ નીકળીને ક્લાસરૂમમાં આવે અને પોતાના અલાયદા કોર્નર સંભાળે. સાહેબો પણ વારંવાર હોશિયારીની સ્પર્ધા, બે અલગ અલગ જાતના પ્રાણીઓ વચ્ચે કરાવાતી હોય એમ કરાવે. (ને એથી છૂપી રીતે જાતીય ભેદભાવને વધુ ઉંડો આંકી આપે) એમાં ત્રીસ પાંત્રીસ છોકરાઓમાં પહેલો, બીજો, ત્રીજો નંબર, મારી, વિનાયક કામદાર અને બકુલ  વચ્ચે રહેતો. ને છોકરીઓમાં તિલોત્તમા વસાવડા, લીલા દેસાઈ અને કમલા કોઠારી વચ્ચે રહેતો. એ બન્ને અલગ જાતીની ત્રિપુટીઓ વચ્ચે ફાઈનલ સ્પર્ધા થતી. એમાં નંબર આપવામાં સાહેબો (એટલે પુરૂષો) જન્મજાત નારીવાદી હોવાના કારણે છોકરીઓ પ્રતિ ભારે પક્ષપાત કરતા. અમે ઉકળતા, પણ છોકરીઓની નજરમાંથી સાવ ઉતરી ના જવાય તેટલા ખાતર અમારે બહુ ગમ ખાઈ જવો પડતો. પણ અન્યાય ચચરતો એમાં ના નહીં. પણ એક બુદ્ધિશાળી શિક્ષક થાનકીસાહેબે આનો રસ્તો કાઢ્યો. એમણે એક છોકરો અને એક છોકરીની એક એવી ત્રણ જોડી બનાવી. ને એ ત્રણ જોડીઓ વચ્ચે માર્કસની સ્પર્ધા થાય તેવું ગોઠવ્યું. એટલે જોડીના માર્કસ સંયુક્ત ગણાય. વ્યક્તિગત છોકરા કે છોકરીના નહીં. આના કારણે છોકરા-છોકરીઓ વચ્ચેનો વર્ગવિગ્રહ દૂર થયો.
રૂપેરી પરદાના ત્રિદેવ: દિલીપ, દેવ અને રાજ 
પણ આના કારણે અમારા ત્રણ સિવાયના છોકરાઓમાં કેવી ભયંકર મનોવૈજ્ઞાનિક સમસ્યા સર્જાશે તેનો કોઈને અંદાજ નહોતો. પણ એનો પરચો તરત મળ્યો. ત્રીજા જ દિવસથી અમારા ત્રણેના નામે બાજુના નવાગઢ ગામની પોસ્ટ ઓફિસના સિક્કાવાળા બંધ કવરો આવવા શરૂ થયા. એમાં અમારી ત્રણેની જોડીઓને દિલીપકુમાર-નિમ્મી, રાજકપુર-નરગિસ અને દેવ આનંદ- સુરૈયાની જોડી તરીકે બહુ બિભત્સ અવસ્થામાં રેલ્વેના ટોઈલેટમાં હોય એવી ગ્રાફીટીથી ચિતરવામાં આવી હતી. બકુલ દિલીપકુમાર તરીકે (કારણ કે તે બહુ નમણો, લટ રાખનારો હતો) વિનાયક ભૂરી આંખોને કારણે રાજકપુર અને હું માંદલા જેવા દેખાવાના કારણે ના છૂટકે દેવ આનંદ તરીકે ચિતરાયો હતો. આમ તો હું મોઢા ઉપર માખ પણ ન ઉડવા જેવો હોવાના કારણે ફારસીયા (કોમેડીયન) તરીકે પણ ના ચાલું, પણ  ભણવામાં હોંશિયારીને કારણે મારી જોડી લીલા દેસાઈ સાથે બની હતી. લીલા દેસાઈ અસલી નામ, બાકી સુરૈયા. આવા ટપાલી કવર શિક્ષક ઉપર આવવાને કારણે સૌ ચોંકી ગયા. તમ્મર ચડી ગયા જેવું થયું. પણ એની કળ વળે એ પહેલાં બીજા એવા જ ચિતરામણો - લખાણો આવવા શરૂ થયા. ખળભળાટ મચી ગયો. બધા અમારી ઠેકડી ઉડાડવા માંડ્યા. છોકરીઓને તો બીચારીઓને મોં બતાવવા જેવું ના રહ્યું. એક બે તો સ્કૂલ આવતી બંધ થઈ. હેડમાસ્તર માર્કંડ વિષ્ણુ સિતૂતનો ચહેરો તંગનો તંગ રહેવા માંડ્યો. તહકીકાત’ - તપાસ ચાલી. અંતે જેનો ભાઈ નવાગઢ પોસ્ટ ઓફિસમાં ટપાલી હતો તેવો છોકરો, ખુંધવાળો નટવર લાલજી પકડાયો. તેણે જલનવશ આ બધું કર્યું હતું ને વિશેષ તો અમારા સ્ટડીઉપર તેની સીધી અસર પડે તેવો એનો મકસદ. પણ જીંદગીની અમારી આ વગર ગુન્હાની સજાએ મારા ચિત્તમાં અનેક આંદોલનો જગાડ્યાં. બીજા માનસિક આંદોલનોની વાત અહીં ક-ઠેકાણે ગણાશે પણ આ લેખને લાગેવળગે તેટલા પૂરતી વાત કરૂં તો આ બનાવથી દિલીપકુમાર-રાજકપુર-દેવ આનંદ ભણી મારૂં સભાન ધ્યાન ખેંચાયું. 
હું જેને જાણતો હતો - માણતો હતો, જેમનાથી અભિભૂત હતો તે અભિનેતાઓના જગતની બહારના આ લોકો હતા, પણ હતા ગણનાપાત્ર તેવી છૂપી નોંધ મારા મનમાં લેવાઈ. એના કારણે બે જૂના જખમ યાદ આવ્યા. બંધન’ (અશોકકુમાર) જોવાની મારી ઈચ્છા હતી (રી-રનમાં આવી ત્યારે) તે મારી બાએ પૂરી થવા નહોતી દીધી તે, અને આનફિલ્મમાં પણ આ જ કારૂણી રિપીટ થઈ હતી તે. આને કારણે દિલીપકુમારની ફિલ્મ જોવાની તક નહોતી મળી. આ બન્ને ફરિયાદોના નિકાલ પડતર હતા ત્યાં રાજકપુર અને દેવ આનંદને પરદા ઉપર જોવાની ઈચ્છા આ વિચિત્ર બનાવને કારણે જાગ્રત થઈ. દેવ આનંદને જોવાની વિશેષ, કારણ કે તેમાં થોડો હુંપણ ભળેલો હતો કારણ કે પરદા ઉપર જોઉ ત્યારે મારે એને મારા ડમીતરીકે જોવાનો હતો. એટલે લગભગ જાતની છબી જોવા જેવું કુતૂહલ. નિખાલસપણે, પ્રામાણિકપણે કહું કે આગળ ઉપર કોઈ મને દેવ આનંદ સાથે સરખાવતું ત્યારે ગમતું અને રોમાંચ થતો તે ગાળો લગભગ મારી વીસેક વર્ષની વયથી શરૂ કરી પિસ્તાલીસની વય સુધી ચાલ્યો. મતલબ કે હવે તો નથી જ નથી, હવે તો અણગમો જ ઉપજે છે. પણ ઉપર લખ્યા તે શાળાજીવનના ગાળામાં પણ ગમતું નહીં. અણગમતો કોટ કોઇ પરાણે પહેરવાની ફરજ પાડે તે પ્રકારનું હતું. કારણ કે એ દિવસોમાં દેવ આનંદ ખરેખર સ્ટફલેસ (નમાલા) ગણાતા. એના કરતાં કરણ દિવાન જામે છે હોંકહેવાતો. કે જેને લોકો બેધડક દિવેલીયા ડાચાવાળો ગણતા. મતલબ કે દેવ આનંદ બી દિવેલીયો’  પણ એક પગથિયું હેઠ!
પણ મારૂં "ઓટો પોસ્ટીંગ" એના સ્થાને થવાને કારણે એને પણ પરદા ઉપર જોવાની મારી ઈચ્છા સળવળી. (સુરૈયાને મનમાં શું થયું હશે તેની તો કેવી રીતે ખબર પડે ?) એ કેમ પૂરી કરવી ? ફિલ્મ જોવા માટે બા પાસેથી પાંચ આના માગવા પડે. બા મંજૂર ના કરે, સિવાય કે દેવ આનંદે પૌરાણિક ફિલ્મમાં કામ કર્યું હોય અને માથે મુકુટ ચડાવ્યો હોય. બસ, આ જ તબક્કે મને પેલા રામદાસ બાવાજીની હોટેલ આડે મુકાયેલું દેવ આનંદની ફિલ્મ મિલાપનું (કે બીજી કોઈ?) હોર્ડિંગ યાદ આવ્યું, હા, એ મને આમાં કામ આવી શકે. કારણ કે એ પાટીયાને કારણે બાવાજીને રોજના બે ફ્રી પાસ મળતા હતા. એમને રોજરોજના પાસને શું ધોઈ પીવાના? શા કામના ? મને કામ ના આવે ? આમ વિચાર કરીને મેં મારા મિત્ર અમુ ગંગાજળીયા(છોટા)ને સાધ્યો. એના બાપા પાસે આ પેશકશ કરવાની વાત મેં એને કરી. તો એણે કહ્યું, ‘હું તો જોઈ આવ્યો છું, સાવ ડચ્ચર ફિલીમ છે. ટકાટકી (મારામારી) નથી આવતી, નથી આવતું ફારસ.નાચ બી નહીં. જણ (હિરો) તો સાવ સખી (સ્ત્રી) જેવો છે. એના કરતાં આના પછી વીર હનુમાનની પેટી (પ્રીન્ટ) આવવાની છે ત્યારે જોવા જઈશું.એણે અમારી જેતપુરની ફિલ્મી જાર્ગનમાં મને આટલું સમજાવ્યું. એમાંથી મને વીર હનુમાનવાળી વાત હવે પછીના સ્લોટમાં રાખવાજોગ લાગી એમાં ના નહીં, પણ દેવ આનંદને જોવો હતો એનું શું? ( કારણ કે મારા જેવો લાગનારો છે કોણ? એ જોવાની ઈંતેજારી વધી ગઈ હતી. ) એટલે મેં બાવાજી પાસે હિંમત કરી. તો એમણે તો ટોણો માર્યો. કાં? તને એનું પાટીયું બી નડતું હતું ને ? ને હવે કેપિટોલ લગી (સુધી) હડી કાઢવી છે?’ અલબત્ત, નવાઈની વાત તો પછી એ બની કે એક દિવસ છોટે ગંગાજળીયાને ભઠ્ઠીના ચકરડા પર બેસાડીને  લંગડાતા પગે એ ખુદ મારી જોડે મિલાપ ફિલ્મ જોવા આવ્યા. પણ ત્રીજા જ સીનથી ઝોલા ખાવા માંડ્યા.એમના નસ્કોરાનાં અવાજથી ત્રાસીને ડોરકિપરે એમને બહાર બાંકડે જઈને બેસવાની હિદાયત આપી. બાવાજીને તો ઘેર જઈને પોઢી જવાનું મન હશે પણ મારા જેવા છોકરાને લીધા વગર કેવી રીતે અર્ધી રાતે જઈ શકે ? એટલે બિચારા અંત સુધી બહાર પીળા મેલા બલ્બ નીચે ઉડતી જીવાતો વચ્ચે બેઠા રહ્યા. ગાલે થપાટ મારતાં મારતાં ઝોલા ખાતા રહ્યા.
પરદા ઉપર મેં તે દિવસે દેવ આનંદને પહેલી વાર જોયા. કોઈ પણ રીતે ઈમ્પ્રેસ ના થયો. ગામ ગાંડીનું નથી, સાચું જ કહે છેએવો જ ભાવ પેદા થયો. મને આ બાઈ જેવા ભાઈ સાથે નટીયાએ શું જોઈને સરખાવ્યો હશે એવો વિચાર આવ્યો. જો કે, યે બહારોં કા સમાગાયન ગાતી વખતે એ જરા વ્યવસ્થિત લાગ્યો. પણ આખો દિવસ એને ગાણાં ગાવા કોણ આપવાનું હતું મતલબ કે બાકીના વખતમાં તો જોન કાવસનો દસમો ભાગ બી નહીં ને!
ઠીક, પણ પહેલીવાર એને જોયો. સનો ભાંગ્યો. સનો એટલે અભરખો.

**** **** **** 

 ૧૯પપ માં જેતપુરની બહાર ભાવનગર કોલેજમાં ભણવાનું થયું અને કોલેજના પહેલે દિવસે, ર૦મી જુને રૂપમ ટોકિઝમાં પહેલી ફિલ્મ જોઈ તે મિસ્ટર એન્ડ મિસીસ ફીફટી ફાઈવ’. એમાં હિરો ગુરૂદત્ત અને સહનાયક કોમેડિયન જોની વોકર. કોલેજના પ્રથમ દિવસનો રોમાંચ અવર્ણનીય હતો. યુવાનીમાં પદાર્પણ થયું હતું. હિરો સાથે જાતને રિકન્સાઈલ કરવાના દિવસો શરૂ થતા હતા. ત્યારે ખબર પડી કે જેતપુરમાં મેં જોયેલી પૌરાણિક - ફેન્ટસી – સ્ટન્ટ - કોસ્ચ્યુમ ફિલ્મો કરતા આવી સોશ્યલ ફિલ્મોની દુનિયા વધારે રિયાલિસ્ટીક, વધુ દર્શનીય હતી. ગુરૂદત્ત એકદમ આમ આદમી જેવા લાગતા હતા, તો જોની વોકર તો ડબ્બા-ડુબ્બીને રેણ કરતા ઘરની બાજુમાં બેસતાં મિયાંજી જેવા. આમ ચહેરાઓની ઓળખ પરેડ, મનમાં સચવાયેલા ચહેરાઓના આલ્બમ સાથે થવા માંડી. રાજકપુર કટલેરીના વેપારી જેવો, દિલીપકુમાર જેતપુરના જીમખાના ગ્રાઉન્ડ પર રમતા અબ્દુલ્લા મોતીવાલા જેવો મનમાં બેસવા માંડ્યો. જયારે દેવ આનંદ તો અડોશ-પડોશમાં મુંબઈથી આવતા કોઈ હસમુખા, આપણા કરતા પાંચ-દસ વર્ષ મોટા જુવાન જેવો જણાવા માંડ્યો. પહેલીવાર એમની ફિલ્મો જોઈને લાગ્યું કે ના માણસ સખીજેવો નથી. બલકે ઈમ્પ્રેસીવ છે. સારા ઘરનો, શાલીન, ભદ્ર, ભણેલો જુવાન લાગે. એનું હાસ્ય ત્રણેયમાં સારૂં. એક દાંત તૂટેલો દેખાય તે તો એના ચહેરાની મોહકતામાં ઉમેરો કરે છે.રાજકપુરની આંખો ભારે ચંચળ, ‘ડોફફરતોફાની, શિકારી, વિલાસી, લુચ્ચી લાગે. દિલીપકુમારની તો ભારે બોલકી અને સ્ત્રીઓ માટે નિમંત્રક લાગે, જયારે દેવ આનંદની આંખો નિર્મળ, વિશ્વાસ મૂકી શકાય તેવી, અનુકૂલન સાધનારી લાગે.
 આ ત્રણેની ફિલ્મો આવતી ગઈ. ભાવનગરમાં એ વખતે છ થિયેટરો હતા. રૂપમ, સંગમ, દિપક, પેલેસ, અલકા અને હજુ એક નામ ભૂલી ગયો છું તે. આ થિયેટરો અમારી હોસ્ટેલથી ખાસ્સા દૂર હતા,પણ નાનકડા ગામથી શહેરમાં આવી ગયેલા છોકરાઓના પગના જોમ આગળ વળી અંતર શું ? ઘેરથી રૂપિયા પિસ્તાલીસનું માસિક મનીઓર્ડર આવતું, એના ઉપર ફિલ્મોના ખર્ચાનું ભારણ ઠીક ઠીક રહેતું - પણ ગમે તેમ કરીને સાંધામેળ કરી લેતા.
આ ગાળામાં જે ફિલ્મો જોઈ, તેમાં ભાઈ ભાઈ’, ‘ન્યુ દિલ્હીજેવી ફિલ્મોએ કિશોરકુમારની છબી સારી આંકી આપી, તો રાજકપુરની શ્રી ૪ર૦’, ‘જાગતે રહોજેવી ફિલ્મોના કારણે રાજકપુર પણ ગમવા માંડ્યા. દિલીપકુમારની કેટલીક ફિલ્મો અહીં રી-રનમાં જોઈ, એમાં આનવાળું મનનું જૂનું લેણું વસુલ કરી લીધું. એમાં વળી આઝાદજોઈ. દિલીપકુમારના આ બન્ને પાત્રો આધુનિક વેશભુષાવાળા નહોતા, તેથી તેમની સાથે આપણી કે આજુબાજુના કોઈની છબીને ફીટ કરવાનું શક્ય નહોતું. 
એક માત્ર દેવ આનંદ શહેરી યુવાન હતા. (રાજકપુર નહીં, કારણ કે એમના પાત્રોની રેખાઓ ગમાર, ભોળા, ગામડીયા, મુફલીસની હતી, તે જોવી ગમે, એવા થવુંના ગમે) દેવઆનંદ જે સોહામણા, રંગીલા, રમતીયાળ, મોહક, અતિશય સ્ટાઈલીશ, હેન્ડસમ, વેલ-ડ્રેસ્ડ હતા. આ એમનું રૂપ સી.આઈ.ડી.અને મુનીમજીમાં બરાબર નિખર્યું. અમારા જેવા કોલેજીયનોમાં મનમાં બરાબર હું આવો હોઉં તો ?’ ("હોઉં પણ ખરો"- "છું પણ ખરો"- "ના, ના અમુક રીતે તો લાગું બી છું") ની રીતે દેવ આનંદની આ હેપી-ગો-લકી ઈમેજ બરાબર બેસતી હતી. દિલ કી ઉમંગે હૈ જવાંજેવા અદભૂત ચિત્રીકરણ પામેલા ગીતમાં નલિની જયવંત અને દેવ આનંદ સેટ ઉપરના જંગલમાં પ્રાણની જે દશા કરે છે તે જોવા, અને હેમંત - ગીતાના મધુર સ્વરમાં એ ગીત સાંભળવા ખાસ રવિવારના મોર્નિંગ શોમાં જતા. આ મઝાનું ગીત તમે પણ સાંભળો.સવાર એટલે સવાર. એનું વર્ણન શું કરવાનું હોય
છતાં મુનીમજીવાળી ૧૯પપની સાલની મારી સત્તર વર્ષની વયની રવિવારી, શિયાળાની ઠંડકભરી સવારની મારી માનસિકતામાં બે ચીજ કેન્દ્રસ્થાને રહેતી. એક તો મોર્નિંગ શો. મોર્નિંગ શો એટલે ઓછી ગીરદી, ઓછા ભાવ, બહાર થિયેટરના કમ્પાઉન્ડમાં અડધી ચાની ચૂસકી. ભાવનગરમાં એ વખતે લશ્કરીચા એક આનામાં મળતી. લશ્કરી શબ્દ લકઝરીનું અપભ્રંશ હતો. એ ચાની ચૂસ્કીનો સ્વાદ મોમાં હોય ત્યારે મોર્નિંગ શોમાં જોવાની લજજત આવતી. મુનીમજીએવા મોર્નિંગ શોમાં પાંચ-સાત વાર જોયેલી. દિલકી ઉમંગે હૈ જવાંવાળો દેવ આનંદ રવિવારની સવારનો એક અંશ બની ગયો હતો. 
વરસો પછી  દેવ આનંદ સાથે મૈત્રી પરિચય 
બીજી કેન્દ્રસ્થ મનોગત ચીજ તે બપોરે મેસમાં મળનારૂં ફીસ્ટનું જમણ. ફીસ્ટ એટલે કે મિષ્ટાન્ન સમેતનું ભોજન. આ મિષ્ટાન્ન હવેના રવિવારે શું હશે તેની કલ્પના ગુરૂવારથી શરૂ થઈ જતી. આ આખી કલ્પના વિચારણામાં ફીસ્ટ, દેવ આનંદ કે પછી બીજી કોઈ મોર્નિંગ શોની ફિલ્મના દૃશ્યો, એકાદ મિત્રનો સંગાથ, ચીનાઈ શીંગ (ખારી શીંગ), ચૂસ્કી ચા, જેવા ઘટકોનું એક રસાયણ બની રહેતું, જેનો સ્વાદ આજ અર્ધી સદી પછી પણ સ્મૃતિસંવેદ્ય રહ્યો છે.

(દેવ આનંદની મારી મનોછબિની વધુ વાતો આવતા રવિવારે.)

Sunday, September 18, 2011

વધસ્તંભેથી છૂટેલો જીવ લીલાકુંજારમાં જઇને પોઢ્યો.....ફીઝાબહેન: અબોલ જીવોના હમદર્દ 
નામ શું પાડવું ?
માણસો બાળકનાં નામ અગાઉથી જ ધારી રાખતા હોય છે. કારણ કે એનું આગમન નક્કી હોય છે.પણ અત્યારે જેનું નામ પાડવાનું છે તેનું આગમન અણધાર્યું  છે. એનું આવવાનું માની કૂખમાંથી નહિ, મોતની ગૂહામાંથી છે. વળી એ નામવિહોણી છે. કારણકે એ માણસનું જણ્યું નથી. એ ઉંટડી છે અને એને છેક ડોંગરીથી બકરી ઇદની કતલગાહ ઉપરથી ઉગારીને અહીં લઇ આવવામાં આવી છે. એ બેજીવસોતી છે. થરથરતી ઉભી છે .એના પેટની અંદરનો  વણજન્મ્યો જીવ પણ બેશક એ કંપારી અનુભવતો જ હશે. લાવનારા એની અબોલ અને ભીની ચળકતી આંખોમાં હજુય ભયનો ઓથાર જુએ છે.કાતિલનો છૂરો એની ગરદન પર પડે એ પહેલાં કોઇ જાણભેદુ જીવદયાપ્રેમીએ ઇન ડિફેન્સ ઓફ એનીમલ્સના પ્રમુખ ફીઝાબહેન શાહને એની  જાણ કરી દીધી હતી. એમણે તરત સંપર્ક સાધ્યો  હતો ક્રૂરતાનો ભોગ બનતા પ્રાણીઓની વહારે ધાતી સંસ્થા ધી સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ઓન એનીમલ્સ જે SPCAના ટૂંકા નામે ઓળખાય છે તેનો. અને હવે  ?
શિવો અને કાવેરી: પાછળ ઉભેલાં- ફિઝાબહેન અને કર્નલ ખન્ના
અને હવે SPCAમાં સાચવવા માટે એને એક ઓળખ આપવી જરૂરી હતી.ઓળખ એટલે કોઇ કેદીની જેમ નબર નહીં, પણ માણસસમોવડું એક ચોક્કસ નામ. જે નામથી એની એક પીછાણ ઉભી થાય. એથી નામ આપવામાં આવ્યું કાવેરી. કાવેરી એક એવી નદી છે જેના બહુ જલ્દી બે ફાંટા પડે છે, જેમ આ જીવમાંથી પણ બે ફાંટા પડવાના હતા. આ સંસ્થામાં એને સારવાર અને સંભાળ આપવામાં આવી. 
ત્યાં મહાશિવરાત્રીને દિવસે એણે એક નર બચ્ચાને જન્મ આપ્યો. એટલે એ બચ્ચાનું નામ પાડવામાં આવ્યું શિવો. પણ શિવો આઠ દિવસમાં જ માંદો પડ્યો અને અનેક સારવાર છતાં  મરણને શરણ થયો. કાવેરી સતત દસ દિવસ સુધી બાંબરડા નાખતી રહી અને પછી સૂનમૂન થઇ ગઇ. તારણ એ આવ્યું કે મુંબઈની ભેજવાળી હવા એને લાગી ગઇ હતી. રણની સુક્કી ગરમ હવાના જીવ એવી કાવેરીને માટે પણ એ ઘાતક સાબીત થાય. મુંબઇ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ પણ એને સુક્કી અબોહવામાં ફેરવવાનું ફરમાવતો હતો. એટલે હવે કાવેરીને ક્યાં મૂકવી એ સમસ્યા આવી પડી. ફીઝાબહેનને એની સાથે અજબ માયા બંધાઇ ગઇ હતી.નજરથી અળગી કરવા દિલ ચાહતું નહોતું. પણ કાવેરીને જીવતી રાખવાને વાસ્તે એ જરૂરી હતું એટલે હતું જ.
જીસકા કોઈ નહી ઉસકા... 
ફીઝાબહેનના પતિ કચ્છના ખાણ ઉદ્યોગના મહારથી નવનીતલાલ શાહ. એમણે રસ્તો સૂઝડ્યો. કાવેરીને ભુજ મોકલી શકાય અને ત્યાં આપણા જાણીતા રબારી જીવાકાકાને માસિક અમુક વળતરના બદલામાં સાચવવા આપી શકાય. વાત સાચી હતી. એ ગોઠવણ ખરેખર પાર પડી ગઇ. લઈ જતા.ફિઝાબહેનનું મુંબઇ રહ્યે રહ્યે પણ ચિત્ત કચ્છમાં વસતી કાવેરી પર ચોંટેલું રહેવા માંડ્યું. અવારનવારની કચ્છની મૂલાકાતો  વધી ગઈ. ઓફિસના એક અધિકારી સુધીર પંચાલને તો મહિને એકવાર ભુજ જવાનું થાય જ. એ વખતે હજાર કામ વચ્ચે પણ જીવાકાકાની વિઝીટ લેવાની જ અને કાવેરીના કુશળમંગળ જાણવાના જ અને એની  તસ્વીરો પાડીને ફીઝાબહેનને પહોંચાડવાની જ.
અને ફરી કુદરતે કુદરતનું કામ કર્યું, તંદુરસ્ત કાવેરી ફરી ભારેપગી થઇ. એની ભારે સરસ સુશ્રુષા થઇ. પૂરા દિવસે એણે એક માદા બચ્ચાને જન્મ આપ્યો. બહુ વહાલકુડું એ બચ્ચું. એથી નામ પાડ્યું પ્યારી.
ફરી બે વરસ વીતી ગયા. કતલખાનું તો દૂરના ભૂતકાળની વાત બનીને રહી ગયું. હવે તો મહોરવાના દિવસો આવ્યા. એક વાર ફરીથી કાવેરીએ ગર્ભધારણ કર્યો. આ વેળા નર બચ્ચું! ગટ્કુડા જેવું ગોળમટોળ હતું એથી નામ પાડ્યું ભોલા.
પૂરી ડિફેન્સ ઓફ એનિમલ  સોસાયટીને ફીઝાબહેને એ દિવસે મોં મીઠું કરાવ્યું.
**** **** **** 
પણ કાળ કાવેરી નદીનેય છોડતો નથી તો કાવેરી નામધારી આ પ્રાણીને તો કેમ છોડે?
ત્રણ ત્રણ સુવાવડો વેઠેલી કાવેરી પોતાની જાતના પ્રાણીની આયુષ્યમર્યાદા પ્રમાણે હવે તો વૃધ્ધા થવા આવી. દિવસે દિવસે અશક્તિ વધતી ચાલી. એક આંખના તો દીવા પણ હોલવાયા.
તો આ તરફ જીવાકાકા પણ અવસ્થાના માર્યા ખળભળી ગયા. એમણે બિચારાએ ઘણું રોડવી દીધું. પણ હવે હામ જવાબ દઇ ગઈ હતી. એમણે મુંબઇ કહેણ મોકલ્યું. હવે મારાથી આ કાવેરીમૈયા અને એના વસ્તારની આવળગોવળ થાય એમ નથી બાપલા, કાંઇક બીજી ગોઠવણ કરો તો સારું.
 પણ કોઇ દૂઝાણું હોય તો સૌ ઝટ તૈયાર થાય. પણ કોઇ કામની નહિં એવી ઉંટડીને અને એના બે બચ્ચાંને કોણ જોગવે? કોઇ ધીંગા રબારી કુટુંબ કે જેની ગમાણમાં  મોટા મોટા ખાંડા પણ નભ્યે જતાં હોય એવાઓ પણ હરેરી ગયા, હાથ જોડ્યા.
છેવટે ફીઝાબહેનનું જ ભૂજ નજીકના સડોતા ગામે આવેલું ફાર્મ હાઉસ નજરમાં આવ્યું. કાવેરીના કબિલાને ત્યાં દોરી જવામાં આવ્યો. ભારોભાર અશકતિ, એક આંખનો સદંતર અંધાપો અને ધ્રૂજતા ચારે ટાંટીયાની હાલતમાં કાવેરી ઘણા દિવસ ખુશ રહી. પણ અનેક સારવાર છતાં અંતે એક દિવસ મોતનું તેડું આવી જ ગયું.  બે બચ્ચાંને વલવલતાં છોડીને મારવાડ ભણી મોં કરીને એણે છેલ્લા શ્વાસ લીધા.
કાવેરીને અલવિદા 
એની  રોજિંદા ચાકરી કરનારા એવા ગુલાબસિંહ બાપુ અને જીતુભાઇએ મુંબઇ સમાચાર આપ્યા. એમને કહેવામાં આવ્યું કે એનો કોઇ અંતરીયાળ વનવગડામાં નહિં, આપણા ફાર્મહાઉસમાં જ દફનવિધી કરો. એણે કતલખાનાથી લીલાકુંજાર ફાર્મહાઉસ સુધીની ભરીપૂરી સફર તય કરી છે અને પૃથ્વીને બે જીવ ભેટ આપીને પછી વિદાય લીધી છે.
21મી ઓગષ્ટ, 2010 ના દિવસે પૂરા સન્માન અને હારતોરા સાથેમ ધૂપદીપ સાથે એના માપનો ખાડો તૈયાર કરીને એને ફાર્મ હાઉસમાં જ દફનાવવામાં આવી.
આ આખી કરૂણ અને કરૂણાકથા જાણનારાઓએ એના ખરખરાના કોણ જાણે કેટલાય ઈ-મેલ ફીઝાબહેનને fizzah@ashapura.com  પર મોકલ્યા હશે.
અગત્યના સરનામાં:
1.ધ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ઓન એનીમલ્સ(Society for Prevention 
of Cruelty on Animals- SCPA)
કર્નલ જે સી ખન્ના,
Bombay S P C A, 
ડૉ. એસ. એસ. રોડ.
પરેલ, મુંબઇ-400 012
ફોન-022-24131007-24137518

2.ઇન ડીફેન્સ ઓફ એનીમલ્સ (In defense of animals) 
શ્રીમતી ફીઝાબહેન શાહ,પ્રેસિડેન્ટ.
2જો માળ, લૉરેન્સ એન્ડ મેયો હાઉસ,
286, ડી એન રોડ,ફોર્ટ,મુંબઇ-400 001
ફોન: 022-6622 1852/ સેલ નંબર: +91 98210-36075

Sunday, September 11, 2011

ત્યારે અને અત્યારે: મેરા સંદેશા લે જાનાહજુ થોડા સમય પહેલા જ ‘મેઘદૂત’ નું સંપાદન પુરું કર્યું, પણ એ કરતો હતો ત્યારે સહેજે વિચાર આવતો રહ્યો કે કાલિદાસના જમાનામાં સેલ ફોનની શોધ થઇ ચુકી હોત તો ‘મેઘદૂત’ની રચના ના જ થઇ હોતને! કારણ કે એ અમર સાહિત્યકૃતિની રચનાનો પાયો જ સંદેશાનું વહન છે, જે એ દિવસોમાં સંદેશાવ્યવહારના કોઇ પણ સાધનના અભાવે મેઘ કહેતાં વાદળને સોંપવામાં આવ્યું હતું.

'મેઘદૂત'નો યક્ષ: વાદળ દ્વારા સંદેશ
કાલિદાસ જેવા અજરામર કવિની રચના અમર એના ઉત્તમોત્તમ કાવ્યતત્વને કારણે છે. નહિ કે સંદેશાવાહકને કારણે.પણ કોઇ સામાન્ય સાહિત્યકૃતિના કથા પ્રવાહમાં જો સંદેશાવ્યવહારના સાધનોની ભૂમિકા મહત્વની હોય તો એ કૃતિને અત્યારે ટીવી સિરિયલમાં ઢાળવાને માટે કોઇ હાથ પણ ના લગાડે, બીજા શબ્દોમાં કહું તો હવે એ વાસી થઇ ગઇ ગણાય. માત્ર દસેક વર્ષ અગાઉ મેં લખેલી નવલકથા ‘ફરેબ’માં ટેલિફોન અને ઈન્ટરકોમની એટલી અગત્યની ભૂમિકા છે કે અત્યારે સેલ ફોન અને ઈન્ટરનેટના જમાનામાં એને ટીવી સિરિયલમાં રૂપાંતરિત કરવા માટે એને નવેસરથી લખીને એમાંથી સાદા ફોન કે ઈન્ટરકોમને હટાવીને એમાં સેલ-ફોન,એસ,એમ,એસ, અને ઇ મેલને ગોઠવવા પડે અને એમ કરવા જતાં આખી નવલકથાને નવેસરથી લખવી પડે.
ખેર, પણ આ નિમિત્તે બીજો વિચાર એ આવ્યો કે સંદેશાવ્યવહારના ક્ષેત્રે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ચમત્કારોથી આપણે હવે ટેવાઈ ગયેલા છીએ. પણ ખરું આશ્ચર્ય ચમત્કારોનું નથી. એ તો ઝડપનું છે. ઝડપ એ આ યુગનું પ્રધાનલક્ષણ છે. વાહનવ્યવહારમાં પ્રગતિની જે ઝડપ છે તેના કરતાં અનેકગણી ઝડપ સંદેશા વ્યવહારની પ્રગતિની છે.

0 0 0
1994 ની સાલનો મે મહિનો - મારી નવલકથા ‘પુષ્પદાહ’ના લેખન મિષે હું અમેરિકાના શિકાગો શહેરમાં ઇશ્વર પટેલને ઘેર હતો. શહેરમાં કોઇ ગુજરાતી સાહિત્યિક હોય તો એને મળી લેવાની લાલચથી જરા ફૂરસદ મળ્યે પિંક પેઇજીસ નામની એક ટેલિફોન ડિરેક્ટરીની પાનાં ઉથલાવતો હતો, ત્યાં ડૉ. અશરફ ડબાવાલાના નામ પર નજર સ્થિર થઈ. ગુજરાતી ભાષાના એક નામવર કવિ. 1970 થી ’72 માં એ જામનગર મેડિકલ કૉલેજમાં ભણતા હતા ત્યારે દોસ્તી થઈ હતી. પછી ડૉકટર થઈને ડૉ. મધુમતીબહેન સાથે પ્રેમલગ્ન કરીને પરણીને એ બન્ને અમેરિકા સ્થાયી થયા હોવાનું જાણ્યું હતું. પત્તો જાણતો નહોતો, પણ પિંક પેઇજસે પત્તો આપ્યો. ફોન નંબર હતા. સંપર્ક કર્યો. એ એકદમ રોમાંચિત થઇ ગયા અને એ જ સાંજે એમણે શિકાગોના ડેવન એવન્યુ પર એક સારા રેસ્ટોરાંમાં ડિનર માટે નિમંત્રણ આપ્યું.
એ સાંજે અમે લાંબા અંતરાલ પછી મળ્યા, લગભગ બાવીસ વર્ષે. પતિપત્ની બન્ને આવ્યા હતાં. બહુ આનંદથી જૂનાં સંસ્મરણો તાજાં કરતાં હતાં. અતિશય વ્યસ્ત નામાંકિત ડૉકટર છતાં મારા માટે ખાસ સમય કાઢીને આવ્યા હતા. પણ મારા મનમાં જરા ચરેરાટ હતો કે કોઈ દર્દીને એમની તાકીદની જરૂર પડે તો અત્યારે એ દર્દીનું શું થાય ? ડૉ. અશરફ હૃદયરોગના નિષ્ણાત ગણાતા હતા. બીજા ડૉકટરની વૈકલ્પિક વ્યવસ્થા કરી જ હશે, પણ છતાંય જ્યાં તેમની પોતાની ‘એક્સપર્ટાઈઝ’ની જરૂર પડે ત્યાં, એ ના હોય તો દર્દીની શી હાલત થાય?
મેં જોયું કે ડૉ. અશરફ પણ વારેવારે ઊંચાનીચા થતા હતા, અસ્વસ્થ થઈ જતા હતા. પણ એવે વખતે વારંવાર નીચી નજર કરી લેતા હતા ને પછી કોણ જાણે કેમ પાછા સ્વસ્થ પણ થઈ જતા હતા. બેએક વાર ઊઠીને બહાર પણ જઈ આવ્યા પણ જઈ આવ્યા પછીય એમનું વારંવાર સળવળવાનું જારી રહ્યું હતું.
“કેમ ?” મે પૂછ્યું : “ડૉકટર ખુદ બેચેન ?”
“ના રે.” એમણે હસીને કહ્યું : “એવું કંઈ નથી. આઈ એમ ક્વાઈટ નોર્મલ.”
પણ એમના ખુલાસાથી મને સંતોષ થતો નહોતો. મેં હસીને કહ્યું, “તમને તમારા પેશન્ટ્સની સ્થિતિ વિષે ચિંતા થતી હશે કે ક્યારે આ મહેમાનને જમાડીને પાછો ક્લિનિક પર જાઉં, ને ક્યારે પેશન્ટની પોઝિશન જાણું !”
“એની તો મને અહીં બેઠાં-બેઠાંય ખબર પડે!”
“એમ ?” મેં જરી મશકરીના ભાવથી કહ્યું, “તમે અંતર્યામી ડૉકટર છો એ આજે જ ખબર પડી !”
જવાબમાં એમણે પોતાની કમરેથી પિસ્તોલ કાઢતા હોય એમ એક કાળી ડબ્બી કાઢી, બાકસની ડબ્બીથી જરાક જ મોટી. મને સમજાયું નહીં. મેં પૂછ્યું - ‘શું છે આ ?’
પેજર: હવે લુપ્ત પ્રજાતિ

“અંતર્યામીનું અંતર.”
એમનું એ જરા લાઉડ કહેવાય તેવું હાસ્ય આજ સત્તર વર્ષ પછી પણ મને એવું ને એવું યાદ છે. અમેરિકાની હવામાંથી હજુ ઠંડી સાવ ગઈ નહોતી એવી એ સાંજે મેં જિંદગીમાં પહેલી વાર પેજર જોયું. હું જોઈ જ રહ્યો. એમની હથેળીની વચ્ચે હતું ત્યાં જ ફરી એનામાં જીવ આવ્યો હોય એમ એ ધ્રૂજવા માંડ્યું ને એની ઉપરના પટ્ટી જેવા નાનકડા પર્દા ઉપર પ્રકાશનું લબકઝબક શરૂ થયું. ડૉકટરે અંગૂઠાથી એની ઉપરની એક સ્વીચ દાબી. લાઈટ બંધ થઈ. ડૉકટરે એ સ્ક્રીન પર કાળા અક્ષરે છપાઈ આવેલો સંદેશો વાંચ્યો. ‘પેશન્ટ ઈઝ પ્રોપરલી રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ !’
એમણે નિરાંતનો દમ લઈને પેજર મારા હાથમાં મૂક્યું. અર્ધી હથેળી માંડ રોકે એવું એ ઉપકરણ. વગર વાયર, વગર ઈલેક્ટ્રિક કનેકશને અવકાશમાંથી અક્ષરો ઝીલીને તત્ક્ષણ સ્ક્રીન પર છાપી આપતું હતું ! ડૉકટર અહીં બેઠાં-બેઠાં પચાસ માઈલ દૂર શામબર્ગમાં આવેલા પોતાના ક્લિનિકમાં દાખલ કરાયેલા દર્દીની પરિસ્થિતિથી વાકેફ રહેતા હતા. તેમણે મને એ પણ સમજાવ્યું કે આમ તો એમાં સંદેશાના ઉતર્યાની સૂચક ઘંટડી વાગે, પણ આપણે ડિનર પર હતા અને ડિસ્ટર્બ ના થઈએ તે ખાતર એને સાયલન્ટ અને વાઈબ્રેટિંગ મોડ ઉપર રાખ્યું હતું અને કમર ઉપરના બેલ્ટ સાથે એક ખાનામાં રાખ્યું હતું. સંદેશો આવતાંવેંત એમાં ધ્રુજારી આવતી હતી અને ડૉકટર એનાથી ઊંચાનીચા થતા હતા.
અદ્દભુત હતી એ ડબ્બી !
બે જ વર્ષ પછી ભારતમાં પણ પેજર આવી ગયાં. ચોથે વર્ષે મેં ખુદ “વસાવ્યું.” 1997 માં મારા મોટાભાઈ અવસાન પામ્યા. મારાં ભાભી કોઈ તાંત્રિક પાસે જઈને એમના આત્માની સાથે વાત કરવા માંગતા હતાં એવી મને ખબર પડી. તાંત્રિક કોઈ કીમિયા વડે એકાદ કપને ધ્રુજાવી બતાવીને મારા ભાઈનો આત્મા એમાં આવી ગયો છે એવું ભાભીના મનમાં ઠસાવીને સવાસો રૂપિયા ધૂતી ગયો હતો. આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. પણ અહિં બેઠા બેઠા શું કરવું? પણ એકવાર ઉપલેટા રહેતાં એ ભાભી મારે ત્યાં અમદાવાદ આવ્યાં ત્યારે મારા પેજરને વાઇબ્રેટિંગ-સાયલન્ટ મોડ ઉપર રાખીને એમની હથેળીમાં પકડાવ્યું. મારી પુત્રીએ બીજા રૂમમાં જઈને એની ઉપર મેસેજ મોકલ્યો. “આઈ એમ હેપ્પી ઈન હેવન.” ભાભીની હથેળીમાંનું પેજર ધ્રૂજ્યું - “મારા ભાઈનો આત્મા એમાં સંચર્યો છે.” એમ મેં ભાભીને સમજાવ્યું. પછી પેજર હાથમાં લઈને “સ્વર્ગસ્થનો સંદેશો” સંદેશો વાંચ્યો, ભાભી તો આભાં જ થઈ ગયાં. મને કહે : “શું વાત છે, રંજુભાઈ ? તમને આવુંય આવડે છે ?”
ભોળાં ભાભીને એ પછી મેં સાચી સમજણ પાડી.

0 0 0
જો કે આપણે વાત ચમત્કારોની નહીં, ચમત્કારોની ઝડપની કરતા હતા. 1994માં મેં જે પહેલી વાર અમેરિકામાં જોયું ને જેને જોઈને “ઢાળીયો” થઈ ગયો. તે જ પેજર 1997-98માં મારા માટે એક રોજિંદી અને લેશમાત્ર નવાઈ વગરની, થ્રીલ વગરની એવી વસ્તુ બની ગઈ કે તેના વડે હું ગમે તે રમત રમી શકું.
પણ આજે હવે 2011માં પેજર ક્યાં ?
આજે નહીં પણ છેક 2003ની સાલથી આપણાં ઘરોમાં પેજર શોધ્યું જડતું નથી. (ખરેખર ક્યાંક પડ્યું હશે, પણ શોધવાની કોઈ જ જરૂર નથી.) - હવે સેલફોન આવી ગયા છે. 2004 માં મને પેજર વાપરતો જોઈને એક નવજુવાન મિત્રે મોબાઈલ વાપરવાની સલાહ આપી. “આપણને શી જરૂર છે ? પેજર છે - મેસેજ મળી જાય - જરૂર પડ્યે સામે ફોન કરવો હોય તો નજીકમાં ક્યાંકથી ફોન શોધી લેવાનો.” એમ કહીને મેં એની વાતને અવગણી હતી.પણ અનુભવે સમજાયું ને ત્યારે જ સાચું સમજાયું કે પેજરનો સંદેશો વાંચીને આપણી સિકલ પરની વ્યાકુળતા જોઈને કોઈ ત્રાહિત માણસ આપણને પોતાને સેલફોન વાપરવાની ‘ઉદારતાભરી’ ઑફર કરતું ને આપણને એ હાથમાં આવતો ત્યારે વાપરતાં ના આવડતું. ‘તમે જ લગાડી આપો ને પ્લીઝ !’ એમ જરા લઘુતા અનુભવીને કહેવું પડતું. એ વખતે સેલફોનના વાત કરવાના દર પણ ઊંચા હતા. એટલે આવી કોઈની ઉદારતા ખરેખર સખાવતની કક્ષાએ પહોંચતી હોય એમ લાગતું અને મનમાં હીણપતનો ભાવ અનુભવાતો.
એટલે પછી ‘કેટલામાં પડે ?’, ‘ખર્ચો આકરો પડે તો !’, ‘જોઈએ કેવોક પરવડે છે ?’ એવું બોલી-બોલીને દુવિધાભર્યા મનથી સેલફોન લીધો, ને પછી નિર્ણય જાહેર કર્યો.“જરૂર - ખરેખરી જરૂર હશે તો જ વાપરીશ. ના, ના, ના, બને ત્યાં સુધી બાજુમાં લૅન્ડલાઈન હોય તો ત્યાં જ જઈને ફોન કરવો. અરે, આ તો અ-તિ-શ-ય જરૂર હોય તો જ.”
પણ એની ઉપયોગિતા બલકે કમ્ફર્ટનો સ્વાદ ચાખ્યા પછી એ બધાં વ્રત વીસરાઈ ગયાં. હવે રાતે પણ ઓશિકાની બાજુમાં એનું સ્થાન અવિચળ છે !
સેલફોન: રાજાથી રંક સુધી  
ઝડપ જુઓ ઝડપ ! 2001ની સાલમાં ગુજરાત એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ જતો હતો ત્યારે મારી બાજુના મારવાડી વેપારી સેલફોન કાઢીને એની પેઢી સાથે સતત સંપર્કમાં રહેતો હતો - છેક વાપી સુધી એ ટ્રેનમાં બેઠાં-બેઠાં પોતાનો કારોબાર એવી રીતે ચલાવતો રહ્યો કે એ સાંભળ્યા પછી એના ધંધાના ટ્યૂશન ક્લાસ હું લઈ શકું ! બાપ રે, આટલી બધી સુવિધા આ રમકડાને કારણે ? જાદુ જ કહેવાય.
2005ની સાલ સુધીમાં એ રસ્તાના ફેરિયા સુધી પહોંચી ગયો. હું એના બીજા આડાતેડા ઉપયોગ - દુરપયોગ - કુપ્રયોગ - અપપ્રયોગની વાત નથી કરતો, માત્ર જરૂરી ઉપયોગની જ વાત કરું છું.

રાજકોટમાં રહેતા એક અધ્યાત્મરંગી દોસ્ત પાસે બેઠો હતો ને એ જ વખતે મારા સેલફોનની ઘંટડી રણકી. મિત્રે મોઢું કટાણું કર્યું : “ખરું ન્યુસન્સ છે આ મોબાઈલનું ! આઈ હેઇટ ઇટ !”
ફોન મેં કર્યો જ નહોતો, બહારથી આવ્યો હતો, ને મેં એ રણક્યો એ જ ક્ષણે બહાર જઈને વાત કરી હતી. છતાં મિત્રનો આ અણગમો !
હું જરા લેવાઈ ગયો, પણ ખામોશી રાખી. મોબાઈલના અપાર લાભ અને ઉપકારો, ઉપયોગિતા વિષે અધ્યાત્મપ્રેમી સજ્જન સામે નવી જાતનું ‘તત્વચિંતન’ કરવાથી કોઈ અર્થ સરે એમ નહોતો.
પણ એક મહિના પછી એ જ સન્મિત્રનો ફોન આવ્યો : “મારો નંબર ‘સેવ’ કરી લેજે. મેં મોબાઈલ લીધો છે.”
“ના હોય !”

દોહીત્રી અનુશ્રી: નાનું છોકરુંય  વાપરી જાણે સેલફોન 
“અઠવાડિયા પહેલાં મને એટેક આવ્યો - મારા ખાસ ડૉક્ટર ઘેર નહોતા - આરતી મૂંઝાઈ ગઈ - ત્યાં ડાયરીમાંથી ડૉક્ટરનો મોબાઈલ નંબર નિકળ્યો - તરત જ કર્યો - એ કોઈ ફાર્મહાઉસ પર પાર્ટીમાં હતા. મારંમાર આવ્યા અને તાત્કાલિક....” પછી એ અટક્યા ને જરા ભારે અવાજે બોલ્યા : “તે દિવસે મેં તને ખોટી રીતે નારાજ કર્યો, રજની, સોરી ! યાર !”
જે લોકો ધર્મ-અધ્યાત્મને એક છાવણી અને વિજ્ઞાન અને ટેક્નૉલોજીને સામી છાવણી ગણે છે તેમને પણ આ બધા અધુનાતન આવિષ્કારો વગર ચાલતું નથી.
પણ મને થ્રીલ આ ચમત્કારોની નથી, એની બેહદ ઝડપની છે.

0 0 0

પૃથ્વીના ખંડ પાડો, પણ વહેતા જળના ખંડ કેવી રીતે પાડો ? સમય વહેતું જળ છે એનું સાતત્ય જ એની ઓળખ છે. પણ માણસને કોઈ પણ ચીજને ખંડખંડમાં વિભાજિત કર્યા વગર એનું વિશ્લેષણ કરવાનું ફાવતું નથી. નર્મદા નદી એક જ, પણ આ નર્મદા મધ્યપ્રદેશની ને આ ગુજરાતની. નાના-નાના ખંડ પણ માણસજાત પાડે: આ ભાદર જેતપુરની, આ ભાદર પોરબંદરની.
એમ સંદેશાવ્યવહારની વિકાસયાત્રા માપવા માટે પણ સમયનાં વહેતા વારિના ખંડ પાડવા પડશે. એમાંય જો આ લેખનો વિષય “ત્યારે અને અત્યારે” હોય તો “અત્યારે” એટલે અત્યારે એ તો સ્પષ્ટ છે, પણ ત્યારે એટલે ?
ત્યારે એટલે આ લખનારના જીવનનું પ્રભાત..... એ અર્થ સ્વીકારવો પડે. ‘ત્યારે’ની સીમારેખા એ પ્રભાતથી શરૂ કરીને તાજી ગઈ કાલ સુધી લઈ આવવી પડે.
એટલે આ લખનારે પોતાની સાંભરણની વાતો જ આદરવી પડે.

0 0 0

“આજની બસમાં કાગળ આવે તો આવે.”

આદિયુગનો ટપાલી
આ શબ્દો 1947-48ની સાલના જમાનામાં રોપાયેલા મારા શૈશવમાં સાંભળતો. પિતાજીની અમલદારી બ્રિટીશ સરકારના જમાનામાં બિલખા, બાબરા, ચરખા, ઢસા(ગોપાળગ્રામ), જેવાં નાનાં ગામડાઓમાં હતી. એમાં બિલખા ઠીકઠીક મોટું હતું, પણ ચરખા-ઢસા (ગોપાળગ્રામ) તો સાવં ગામડાં હતાં. બાબરાથી બે કિલોમીટર દૂર રાજકોટ-ભાવનગરને જોડતી સડક હતી, જે અમારા બગીચાવાળા નિવાસથી, હડી કાઢીને પહોંચાય તેટલી નજીક હતી. કોઈ ખાનગી કંપનીની આગળ નાક જેવા નાળચાવાળી લાલચટક રંગની બસ દિવસમાં એક વાર જતી-આવતી. બહારવટિયાએ કોઈ કારણસર જેનું નાક કાપી નાખેલું એવો શીળિયાતા ચહેરાવાળો એક કંડક્ટર જીવો હતો. એની ફરજ નહોતી, છતાં એ ખાનગી ટપાલ લાવવા અને લઈ જવાનું છૂપું કુરિયર-કર્મ કરતો. બે પૈસા મળતા યા બે દુવા મળતી. સમાચાર માઠા હોય તો “કાળા-મોઢાળો” એવી ગાળ પણ મળતી. પણ એ ખંધો હતો. એ નગદની ગણના કરતો ને નિરાકારની (ગાળ કે દુવા)ની અવગણના કરતો. બસ ઊપડી જતી. પાછળ ધૂળના ગોટા રહેતા જે ધીરે ધીરે શમી જતા. એ શમે એટલે અમારો ચોરણીદાર, મેલખાઉ કોટવાળો પસાયતો અમને ભર્યા યા ખાલી હાથે નજરે પડતો. ટપાલ ના હોય તો એ દૂરથી ટોકરીની જેમ અંગૂઠો હલાવીને એવા નિરાશાના સમાચાર આપતો. ટપાલખાતું એ વખતે નહોતું એમ નહીં, પણ આજની જેમ જ એ વખતે પણ એ આવી પર્સનાલાઈઝ્ડ સર્વિસ આગળ સેકન્ડરી ગણાતું. જો કે એવી અંગત સેવાઓની રેન્જ આગળ-પાછળના પાંચ-દસ ગામો પૂરતી જ રહેતી.
પણ મને એ “જીવા કુરિયર સર્વિસ”નો અનુભવ બહુ થયો નહીં. બીજે ગામ બદલી થઈ, જ્યાં અમારા હેડમાસ્તર ખુદ અધિકૃત રીતે પોસ્ટખાતું સંભાળતા. એ દિવસોના શરૂઆતમાં એક વાર ટપાલખાતાની ભભકથી અંજાઈને જાતે જ કોઈને અગડમ-બગડમ ટપાલ લખવા દેવા માટે મેં મોટો કજિયો કરેલો. પછી તો જરા સમજ આવી એટલે જૂના પોસ્ટકાર્ડનો પત્તાનો મહેલ બનાવતો.. મારા મોટાભાઈને વાચનનો શોખ તે “બાલજીવન કાર્યાલય, બાજવાડા, વડોદરા”થી સૂચિપત્રો મંગાવતા.એ વાંચીને હું મારા નામે બાળસાહિત્યનાં પુસ્તકોનો ઓર્ડર નોંધાવવાની જીદ કરતો. મારા પિતા મંજૂર રાખતા.પણ મુશ્કેલી ત્યારે થતી કે જ્યારે હું સગીર બાળક છું એ વાતથી અજાણ એવા એ કાર્યાલયવાળા મારા નામે વી.પી.પી. મોકલતા. જે ગામડામાં વરસને વચલે દહાડે એક-બે સાદાં પાર્સલેય ના આવતાં હોય એ ગામમાં વી.પી.પી. જોઈને મોહનલાલ હેડમાસ્તર ભારે જીવચૂંથારો અનુભવતા. (કારણ કે એની વહીવટી વિધિઓ) ભૂલ પડ્યા વગર ના જ રહે એવી અટપટી હતી !) એમને પ્રથમ પ્રશ્ન નડતો એની ડિલીવરીનો. સામે બેઠેલો ટબુકડો વિદ્યાર્થી જ એનો લેવાલ. પણ એક તો એ સગીર ને વળી સાહેબનો દીકરો. એમાં વળી બીજો પ્રશ્ન એ કે રૂપીયા વસૂલ્યા વગર પાર્સલ અપાય શી રીતે ? એટલે મારી પીઠ થાબડીને કહેતા : “શાબ્બાસ, ઘેર જાવ બાબાભાઈ, હું પારસલ લઈને તમારી પાછળ પાછળ જ આવું છું” –મને એની સામે વાંધો હતો. મારો જીવ પાર્સલની અંદરના પુસ્તકોમાં મનોમન વિહાર કરતો હોય ને છતાં એને લીધા વગર ઘેર જવું પડે એ કેવું? પણ ઢીલે પગલે નીકળી જતો,પાછળ પાછળ મારું પગલું દબાવતા હેડમાસ્તર આવે. પાર્સલ ઉપર ધોતિયાનો છેડો ઢાંકેલો હોય અને સિકલ પણ એવી થઇ જતી જાણે કે કોઈ ભેદી કામ કરતા હોય. હું તો ટાંપીને જ બેઠો હોઉં. દાણચોરીનો માલ બૉસ પાસે પેશ કરતા હોય એમ એ મારા પિતાજી સામે પાર્સલ પેશ કરે. હું લુબ્ધ નજરે એ તરફ એકીટશે જોયા કરું. પિતાજી શાહીના ખડિયાનું ઢાંકણું હટાવીને એમાં કલમ બોળે અને હેડમાસ્તરે ધરેલા ફોર્મમાં સહી કરે. સાહેબ વળી જુદી ચબરખીમાં મૂળ રકમ પ્લસ કમિશન જેવા આંકડા પાડીને ટોટલ કરીને મારા પિતાજી પાસે ધરે- પિતાજી ચશ્માં ચડાવીને બધું ‘વેરીફાય’ કરે. એ દરમ્યાન મારી ધીરજ ના રહે ને હું સબૂરી ગુમાવીને પાર્સલને હાથ કરવા જાઉં તો મારા હાથને બેશક પાછો ઠેલવામાં આવે.પાર્સલ તો પિતાજીની સહી થયા પછી, પૂરી રકમ મળે તે પછી જ મારા હાથમાં આવે.

મારી બાએ  લખેલું  પોસ્ટકાર્ડ 
આજે ?

હમણાં પંચોતેરનો થઈશ. હું ઓન-લાઇન પુસ્તક ખરીદીની વાત નથી કરતો કારણ કે હું હજુ એનાથી ટેવાયો નથી.પણ ટપાલો મેળવવામાં જે સુખ અનુભવાતું હતું એ જતું રહ્યું છે, રોજની સરેરાશ દસ-બાર ટપાલો કુરિયરમાં આવે છે. વી.પી. તો બેચાર વરસે ભાગ્યે જ ક્યારેક આવ્યું હોય તો ! કુરિયરમાં સાદા કાગળો અને લિફાફા ઉપરાંત, લેખક હોવાના કારણે પુસ્તકો ઢગલા મોઢે રોજ ઘરમાં ઠલવાય છે. મોટે ભાગે હું મારા ઓરડામાં કામમાં હોઉં ને કુરિયરમૅન ઘરના દરવાજે આવે ત્યારે હાજર હોય તો મારા ‘મહાદેવ દેસાઈ’ એવા હરગોવિંદદાસ સહી કરીને લઈ લે. મોટા ભાગના કુરિયરમેન સાથે એમને ભાઈબંધી થઈ ગઈ છે. હરગોવિંદદાસ ન હોય તો અમારાં રસોઈકામ કરનારાં બહેન હંસામાસી કે ભાઈનાં પુત્રવધૂ રક્ષા પણ લઈ લે. એ પછી નોંધવા લાયક વાત તો એ છે કે અણધાર્યાં જ આવ્યાં હોય એવાં પાર્સલો બે-ત્રણ દિવસ લગી ખોલાયાં વિના પડ્યા રહ્યાં હોય એવું પણ બને - ક્યારેક હરગોવિંદદાસ ખોલીને રાખે તો માત્ર એક નજરનાં જ ઘરાક એવાં અજાણ્યાં, પ્રચારાર્થે આવતાં પુસ્તકો જોવાયા વગરનાં જ દિવસો લગી પડ્યાં રહે. પુસ્તકો, સીડી, વીસીડી, વસ્તુઓ વગેરે મોકલવા-મેળવવાનું કેટલું સહજ, કેટલું ઝડપી, કેટલું રૂટીન-રાબેતો થઈ ગયું છે? એ મેળવવાની થ્રિલ ક્યાં ચાલી ગઇ?
આ આખી વાતમાં એક છૂપી વેદનાનો સૂર એવો પણ છે કે આજ સુધી યથાવત રહેલી ટપાલખાતાની મંદતા અને બિનંગતતાની સરકારી મનોદશાને કારણે આંગડિયા, કુરિયર, એર કુરિયર અને નાણાકીય લેવડદેવડમાં બિનસરકારી ખાનગી સેવાઓ ક્યાંય આગળ નીકળી ગઈ છે. મનીઑર્ડરથી મોકલવામાં આવતી સો રૂપિયાની રકમને અમદાવાદથી રાજકોટનું અંતર કાપતાં અગાઉ જેટલો સમય લાગતો હતો તેટલો જ આજે પણ લાગે છે, (હજી મનીઓર્ડરનાં નાણાં સેટેલાઈટથી એના એ દિવસે બધે મોકલાતાં થયાં નથી.) જ્યારે લાખોની રકમ સંદેશવ્યવહારની વીજળીક ચેનલને કારણે એક કલાકમાં મુંબઈથી અમદાવાદ તો શું, કન્યાકુમારી સુધી પહોંચી શકે છે. લોકોને મન સેવાની હવે નવાઈ નથી, હવે એમને મહત્તમ ઝડપ જોઈએ છે.

0 0 0

1952-’53 ની સાલ હતી. આજથી પંચાવન વર્ષ પહેલાંનો સમય, પિતાજી વાંકાનેર નોકરીમાં હતા અને ઘરનાં અમે સૌ જેતપુર. મોટીબહેન માટે પ્રાઇમરી ટીચર્સ ટ્રેઇનિંગ કોર્સમાં ઍડમિશન મેળવવાની ભારે કઠિન કામગીરી મારે ચૌદ વર્ષની ઉંમરે પાર પાડવાની હતી. મારી છાપાં વાંચવાની ટેવને કારણે એક દિવસ તે પાર પાડી અને ઉત્સાહથી છલકાતા સ્વરે બાને વાત કરી. બા કહે : “તારા ભાઈ (પિતાજી)ને જલદી સારા સમાચાર આપી દે.” જેતપુરથી વાંકાનેર માત્ર સો કિલોમીટરની આસપાસ, પણ ટપાલ ક્યારે મળે ? અઠવાડિયે ! ટેલિફોન ? મહામુશ્કેલ, કારણ કે અહીંથી નંબર લગાડીને લાંબી ક્યુમાં પોસ્ટઑફિસના તૂટેલા બાંકડે બેસવાનું. દસ-પંદર જણા આપણી પહેલાં લાઈનમાં હોય જ. ટેલિફોન ક્લાર્ક પાસે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. એની પાસે સૌ કાલાવાલા કરતા હોય. ખરેખર કોઈની ગંભીર માંદગીના ખબર આપવા-લેવાના હોય, યા કોઈના સગાઈ-લગન પાકાં થયાના સમાચાર હોય, કોઈની કાંઈ તાકીદ,કોઇની કાંઇ,ઉચાટભરી, ઉત્સુક, અધીર, ઘૂંઘવાટભરી, ખિજવાયેલી, ઍબ્નોર્મલ શકલોની વચ્ચે બેસીને ટેલિફોન લગાડવા કરતાં તાર મુકવાનું મને વધારે ઠીક લાગ્યું, કારણ કે એમાં વન-વે વાવડ જ આપવાના હતા.


કવિ રમેશ પારેખે મોકલેલો ટેલિગ્રામ:
મેં તારનું ફોર્મ લીધું. તાર અંગ્રેજીમાં જ થાય. “ઍડમિશન મળી ગયું છે” એવો તાર તો પહેલા કદી કરેલો જ નહીં. ‘કમ સૂન’ સિવાય તારની બીજી કોઈ ભાષા નહોતી આવડતી. એટલે આ સમાચાર અંગ્રેજીમાં કેવી રીતે લખવા ? તારમાસ્તરને કહ્યું કે ભાઈસાહેબ, એડમિશન મળી ગયું છે એટલા સમાચારનું અંગ્રેજી કરી આપો. તારમાસ્ટર કોઈ ઠક્કર હતો. ચિડાઈને એણે મારી સામે લાલ આંખે જોયું. પછી કાગળનો ઘા મારા મોં પર કર્યો. અંગ્રેજી નહીં જાણવાની મને આ સજા મળી. ત્યાં તો વળી કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસવાળાના પુત્ર ચંદ્રકાંત કવિ પર મારી નજર પડી. એમને મારી મદદે બોલાવ્યા. તેમણે તરત અંગ્રેજીમાં કરી આપ્યું, “એડમિશન ઓબ્ટેઇન્ડ.” ઠક્કરને પણ એમણે જ આપ્યું. ઠક્કરે પેન્સિલની અણી વડે શબ્દો ગણ્યા. એણે “ઓબ” અને “ટેઈન્ડ” એમ બે શબ્દો ગણ્યા, કારણ કે જરા છૂટા લખાયા હતા. ચંદ્રકાંત કવિએ વાંધો ઉઠાવ્યો ને બેનો એક શબ્દ કરાવ્યો, ત્યારે મને સમજાયું કે ઠક્કરે મારા ઉપર કરેલો ગુસ્સો શેનો હતો ! એનું પણ અંગ્રેજીનું જ્ઞાન અધુંરું ને મારું તો અજ્ઞાન જ. અધુરા જ્ઞાનથી અજ્ઞાનનો મુકાબલો થાય ત્યારે તિખારા ઝરે એમાં નવાઈ નહીં.

નમ્બર લગાવવા ઘુમાવો ચકરડું 
આ અલ્પજ્ઞાન -અજ્ઞાન, તારમાસ્તરની આ તુમાખી, અને એવાઓની કરવી પડતી “મોથાજી” (મહોતાજી), કલાકોનો વિલંબ, ટેલિફોન લગાડવામાં લાગતા કલાકોના કલાકો અને મળે ત્યારે દસ ગલી દૂર સંભળાય તેવા બૂમબરાડાની કક્ષાએ કરવી પડતી વાતચીત, ત્રણ મિનિટ પૂરી થાય તેની માથે તોળાતી તલવાર (અને તે પણ આપણી તંગ મનોદશામાં) ને જો ‘પી.પી.’ (પર્ટિક્યુલર પર્સનને બોલાવો) પ્રકારનો ફોન નોંધાવ્યો હોય ત્યારે સામેની વ્યક્તિ મળશે કે નહિ તેનો “ એ નહીં જ મળે” એવો પાકો સંશયભર્યો ઉચાટ. આ બધી વસ્તુ છતાં મારા જેવા કેટલાક વિજ્ઞાનને દુવા દેતા હતા. “પહેલાના જમાનામાં તો આટલું ક્યાં હતું, હેં ?” થી શરૂ કરીને “મોઢામોઢ વાત થઈ ગઈ ! કે’વું પડે બાકી !” જેવા અહોભાવભર્યા ઉદ્દગારો સાંભળવા મળતા.
એ જમાનામાં જે વૃદ્ધો થઇ ચુક્યા હતા તે અત્યારના યુગની તિલસ્માતી અજાયબી જોવા જીવતા નહીં રહ્યા હોય - કદાચ કોઇ રડ્યા-ખડ્યા હોય પણ ખરા, પણ મારા જેવા એ વખતના છોકરડાઓ આજની સંદેશાવ્યવહારની હેરતઅંગેજ સરળતા, એના હજાર જાતના તરીકાઓ અને નાના-નાના ગામડાંઓમાં પણ એની સુલભતા, અનંત અંતર કાપવાની ક્ષમતા અને છતાં કોઈ પણની ગરજ વગરની ‘અવેલેબિલિટી’ ને છતાં એની સિંગ-ચણાના ભાવ જેવી સસ્તાઈ, અને સૌથી છેલ્લે અકલ્પ્ય ઝડપ - આ બધાં પરિબળોએ ભેગાં થઈને પૃથ્વીના ગોળાની વિરાટતાને ઓગાળી નાખી છે એમ તો નહિ કહેવાય , પણ આપણી બાથને વિરાટ કરી આપી છે તે ચોક્કસ છે.. ઈન્ટરનેટ, ઈ-મેઈલ અને બીજાં (હજુ મનેય પૂરી ખબર નથી એવાં) અનેક માધ્યમોએ માત્ર સંદેશાવ્યવહાર જ નહીં, માર્કેટિંગ, શૉપિંગ, ટ્રેડિંગ અને ટર્નઓવરને, અરે, મેડિકલ કન્સલ્ટેશન, નિદાન અને સારવારને અને સામાન્યમાં સામાન્ય જ્ઞાનથી માંડીને વિશેષમાં વિશેષ જ્ઞાનને, આજ લગી દુર્લભ રહી હતી તેવી માહિતીને એ વિરાટ બાથમાં આવરી લીધી છે.

ધૂમકેતુની નવલીકા થકી અમર બની ગયેલી પોસ્ટ  ઓફીસ 
ધૂમકેતુની વાર્તા કોચમીન અલી ડોસાની ટપાલ મેળવવાની પ્યાસ હજુ હમણાં લગી આપણામાં જીવતી હતી. ટપાલ એ ઘણી જ અગત્યની જણસ ગણાતી. મારા જેવા અધીરા સંભવિત લેખકો વાર્તા મોકલ્યા પછી ચોથા-પાંચમા દિવસથી જ સવારના દસ વાગ્યામાં જેતપુરમાં પોસ્ટઑફિસની ચોક્કસ બારી પાસે જઈને ઊભા રહી જતા. કમનસીબે એ બારીની નીચે જ ટપાલ નાખવાની પેટી હતી એટલે બારી પાસે ઊભાં-ઊભાં રસમિશ્રિત ઉત્સાહપૂર્વક ગામ આખાની આવેલી ટપાલોના ઢગલા ઉપરની ટપાલીઓના સમૂહ દ્વારા થતી પ્રક્રિયા જોઈ રહેતા. ત્યારે ટપાલ નાખવા આવનારા મોટેરાઓ અમને કોણીઓ મારી-મારીને આઘા ઘસેડતા, જેથી ટપાલ નાખી શકાય. પણ ફરી અમે ત્યાં ગોઠવાઈ જતા અને બારીના સળિયાની આરપાર દેખાતા ટપાલોના ઢગલામાંથી અમારી પણ કોઈ હોય તેવી આશાભરી નજરે જોઈ રહેતા. આશા ફળતી, ના ફળતી. ટપાલ મેળવવાની આશા ફળતી તો અંદર વાર્તાસ્વીકારના સારા સમાચારની આશા ફળતી, ના ફળતી. આમ, આશા-નિરાશાનો સમગ્ર હીંચકો ટપાલ પર એટલે કે સંદેશ-વ્યવહારના દોર પર ઝૂલતો રહેતો.
ટપાલની ઉત્કંઠા હજી સાવ લોપાઈ નથી, અને હજુય એમાં “સારા સમાચારો” ની અપેક્ષા ઘોળાયેલી રહી છે. અલબત્ત, સારા સમાચારોની વ્યાખ્યા બૃહદ્ બની છે. ટપાલનાં વર્ગીકરણ મનમાં પડી ગયાં છે : લાભકારી અને સામાન્ય કામની, વગર કામની, વાચકોની, અપરિચિતોની, હુમલાખોર માર્કેટિંગની, છાપાં ચોપાનિયાં ને એવું બધું. પણ મેં જોયું છે કે એમાં પણ સરકારી ટપાલખાતાની ટપાલો ઉપર ખાનગી કુરિયરોની ટપાલો સરસાઈ ભોગવે છે, ઝડપમાં અને ચોકસાઈમાં. સંદેશાવ્યવહારની અનિવાર્ય ક્વૉલિટી મહત્તમ ઝડપ અને સરળ કાર્યવાહીમાં રહેલી છે. સરકારી ટપાલખાતું “ત્યારે” જેટલું ચુસ્ત હતું એટલું જ આજે છે. અલબત્ત - હવે એમાં પણ ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ટેલિ-મનીઑર્ડર, સ્પીડ પોસ્ટ જેવા નવા-નવા ચમત્કારો અમલમાં મૂકાઈ રહ્યા છે, પણ ખાનગી માધ્યમો એના કરતાં અનેકગણી ઝડપે દોડે છે.
સેટેલાઈટ દ્વારા જે ક્રાંતિ જન્મી છે તેનો જોટો નથી. ફ્લોરિડાના જગદીશ પટેલ હજુ ફ્લૉરિડા (અમેરિકા) માં જ બેઠા છે ને તેમનાં પત્ની પ્રીતિ પટેલ વલસાડ આવ્યાં છે. દસ-બાર હજાર માઈલનું દરિયાપારનું અંતર છે. પણ પ્રીતિબહેન નવસારીમાં એક જ્વેલરની દુકાને જઈને એક દાગીનો ઘડાવવા ચાહે છે. એમના મનમાં પોતાના એક જૂના દાગીનાની ડીઝાઈન સંઘરાયેલી છે, પણ ઝવેરીને તે કેવી રીતે સમજાવે ? કાગળ ઉપર આડાઅવળા લીટા કરે છે, પણ ઝવેરીને એ ચોક્કસપણે સમજાવી શકતાં નથી. “તમારી પાસે ઈન્ટરનેટ છે ?” એ બહેન ઝવેરીને પૂછે છે. “છે.” ઝવેરી હા પાડે છે બીજી ક્ષણે પ્રીતિબહેન અમેરિકા બેઠેલા પતિનો સંપર્ક કરીને ત્યાં તિજોરીમાં પડેલા પોતાના દાગીનાની ડીઝાઈનનો ફોટો સ્કેન કરીને મોકલવાનું કહે છે. દીપકભાઈ તરત જ એ દાગીનો કાઢી એને સામે મૂકીને એનો ફોટો સ્કેન કરીને ઈ-મેઈલ પર મોકલે છે. તત્ક્ષણ એ ડીઝાઈન નવસારીના ઝવેરીના કમ્પ્યુટર પર ઈ-મેઈલ દ્વારા ઊતરે છે. પ્રશ્ન પતી જાય છે.
એક બે મિનિટનો આ ખેલ હતો. ક્યાં ગયું એ ભૌગોલિક અંતર ? ક્યાં ગયો એને કાપવાના માટે જોઈતા સમયનો લાંબો પટ ? ક્યાં ગયાં કુદરતનાં વિપરીત પરિબળો ? કશું જ નથી નડ્યું. અવકાશમાં તરતા કૃત્રિમ ઉપગ્રહોએ એ બધાનો હ્રાસ કરી નાખ્યો.
એસ.એમ.એસ. મોબાઈલની શૉર્ટ મેસેજિંગ સર્વિસ દ્વારા નિ:શુલ્કથી લઈને માત્ર પચાસ પૈસામાં તમે આકાશમાં શબ્દોને ફેંકી શકો છો ને તમારી ઈચ્છિત વ્યક્તિ એને પોતાના મુઠ્ઠીમાં રાખેલા મોબાઈલના એક સાદા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ જ ક્ષણે અવતારી લે છે. અંતરિક્ષમાં એકસાથે એવા કરોડો-અબજો શબ્દો તરે છે - પણ છતાંય એકસાથે અથડાતા નથી, સેળભેળ થઈ જતા નથી. એ ખોટે ઠેકાણે ઝિલાતા નથી. તમે સંકેત આપ્યો હોય છે, ત્યાં જ ઊતરે છે ને ઝિલાય છે. મોબાઈલ ફોનમાં એવી પણ સગવડ છે કે ચોક્કસ વ્યક્તિનો નંબર અંગૂઠા-આંગળી વડે બટન દાબીને લગાડવો ના પડે - તમે ઈન્સ્ટ્રુમેન્ટને નજીક લાવીને નામ બોલો એટલે એ નંબર જોડાઈ જાય છે. આવી સગવડ સામાન્ય ગણાતા ફોનમાં પણ છે એને ‘વોઈસ ઍક્ટીવેટેડ ડાયલિંગ’ કહેવાય છે. ઈ-મેઈલ કે ઈન્ટરનેટની સગવડ માટે મોટા કમ્પ્યુટરની જરૂર નથી. નાનકડા મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં પણ એ હોઈ શકે છે. એના દ્વારા ફોટા લઈ શકાય છે ને ફોટા કાચી સેકંડમાં દૂર દેશાવર મોકલી પણ શકાય છે. ફોનના સ્ક્રીન પર ચહેરો જોઈને વાત કરી શકો છો.
અને આ બધું હવે ‘રેર’ નથી, કોમનમૅનને માટે પણ ઉપલબ્ધ છે.
કબૂતર જા જા જા... 
આ તીવ્ર ઝડપ આપણને ક્યાં લઈ જશે. હજુ કેટલા અંતરની ખેપ કાપશે તે આપણે જાણતા નથી. આપણી ‘જાણ’ની દિવેટનું દિવેલ ખૂટશે - પણ આ પ્રગતિ, આ દડમજલ અટકવાની નથી.
એના ગેરકાયદા, એના દુરુપયોગ ઘાતક હોવાની વાતો અખબારોમાં વારંવાર ઊછળે છે. એક જમાનામાં ‘દીવાસળી દાનવનું હથિયાર છે’ એમ ચકમકથી ચલમ પેટાવીને ગાંજો ફૂંકતા એક સ્વામી મનોતીતાનંદે કહ્યું હતું (સાલ 1884). સ્વામીજી એ ભૂલી જતા હતા કે ભગવાનની આરતીનો દીવો ચકમકથી નહિ, દીવાસળીથી જ પ્રગટાવી શકાતો હતો. ગેરફાયદા, હાનિ, દુરુપયોગ - એ બધું જ વાપરનારની વૃત્તિ, પ્રકૃતિ ઉપર અવલંબે છે.
To whomsoever it may concern 
સંદેશો પહોંચાડવાની વૃત્તિ માણસમાં જન્મજાત છે. ‘ભૂખ લાગી છે’ તેવો સંદેશો ચાર વાસાનું બાળક એની માતાને પહોંચાડવા ચાહે છે. તે એ રડીને પહોંચાડે છે. એ જ બાળકના સંદેશાવહનના પ્રકારો અને તદબીરો આગળ જતાં વિકસે છે, વિસ્તરે છે, એ સાથે જ એ સંદેશો પહોંચાડવાના બીજાં માધ્યમોનો વિનિયોગ કરે છે. “પારેવડા, જાજે વીરાના દેશમાં, એટલડું કે’જે સંદેશમાં” વાળી બહેનડી દુનિયાના અંત સુધી જીવવાની છે. “ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેશા લે જાના” વાળો પ્રેમી યક્ષ સૃષ્ટિના પટ પરથી કદી વિદાય લેવાનો નથી. “એ શામકી હવાઓ, મેરા પયામ દેના” વાળો પ્રેમી અજરામર છે. પારેવડાં, “બરસાકા બાદલ”, પવન, કબૂતર, સમુદ્રમાં તરતો મુકાતો ખાલી શીશો કે જેમાં કાગળ મૂકીને બૂચ મારવામાં આવ્યું હોય - આ બધાં માધ્યમોનાં સ્વરૂપ જરૂર બદલાયાં છે, પણ ક્રિયા બદલાઈ નથી. બદલાઈ છે માત્ર ગતિની માત્રા. પહેલાં પણ સંદેશા પહોંચતા હતા, પણ સમયની પીઠ પર લદાઈને, હવે અવકાશની સવારી પર પહોંચે છે.
આ લેખ “અત્યારે” લખાયો છે, પણ થોડાં જ વરસ પછી એ “ત્યારે”ના ખાનામાં આવી જશે.
આવનારા એ વખતનું “અત્યારે” કેવું હશે ?
આપણને એનો સંદેશો આપવા કોઈ નથી આવવાનું !


(દિનકર જોશી સંપાદિત પુસ્તક ‘ત્યારે અને અત્યારે’ માટે લખાયેલો લેખ. પ્રકાશક: પ્રવિણ પુસ્તક ભંડાર, રાજકોટ.)
(મેઘદૂતનું ચિત્ર સૌજન્ય : કનુ દેસાઈ) 

Sunday, September 4, 2011

લોહી        તાવ ચડે ત્યારે ટોળાબંધ વિચારો ક્યાં-ક્યાંથી ચડી આવે! વિચારોનો ચરુ ખદખદે અને એમાં સાજા અને ગાંડા બંને પ્રકારના, ક્યારેય પણ ન કર્યા હોય એવા વિચારો હોમાયા કરે, કદી પણ યાદ ન આવતા હોય એવા ચહેરાઓ યાદ આવે અને આવે એટલું જ નહિ, પણ મગજને કબજે કરી લે, તાવનો પરિતાપ એથી અનેકગણો વધી જાય.
        1948 ની સાલમાં કેશવે મારી સામે રાઈફલ તાકી હતી, એ સાવ અણધાર્યું જ યાદ આવી ગયું. એ બનાવનું કોઈ કરતાં કોઈ જ વજન નહીં માનસ પર, પણ છતાં ચિત્ર સાંગોપાંગ અંકાઈ ગયું. કોઈએ આપણી સામે રાઈફલ તાકી હતી એ બનાવનું વજન કેમ નહીં? નહીં, કેમ કે, કોઈ વેરઝેરથી તાકી નહોતી; મજાકમાં પણ નહીં. બસ તકાયેલી રાયફલ સામે આકસ્મિક રીતે જ ખભે સ્કૂલનું દફતર ભેરવેલી હાલતમાં હું ઊભો રહી ગયો હતો. એક મોટા ઓરડામાં બારણા આગળ આઠ-નવ વર્ષના કોઇ છોકરાને કેશવ કંઈ સેવાદળ કે એવી સંસ્થામાં રાઈફલ શૂટીંગ શીખવે, મારું નીકળવું અને કૂતુહલથી જોવા ઉભા રહી જવું, અને રાઈફલ પણ ભરેલી નહીં હોય, નહીં તો જેતપુરના ખોડપરા, મેઈનરોડ જેવા જાહેર રસ્તા પર કંઈ કોઈ એને તાકવા દે પણ નહિ.
મારી છાતી સામે રાઈફલને તકાયેલી જોવા છતાં હું જોવા ઊભો રહી ગયો.જિજિવિષા કરતાં  જિજ્ઞાસા પ્રબળ નીકળી.
ડાકુ ભૂપતની એ વખતે ત્યારે ભારે બીક હતી.
        મારી સાથેના છોકરાએ મને  કહ્યું : ત્યાં ક્યાં ઊભો રહ્યો ? ડાકુ ભૂપત હમણાં ફૂંકી મારશે.
જા જા હવે !’ મેં કહ્યું : એ તો કેશુભાઈ છે, કંઈ ભૂપત નથી, હોં !’
        એ વખતે હું એમના નિશાનની આડે આવતો હતો એટલે કેશવે ચિડાઈને મારી સામે જોરથી માખીને ઝાપટ મારીને ઉડાડતો હોય એમ એક હાથ વીંઝ્યો. હું ડરીને દૂર ખસી ગયો.
        તાવના ઘેનમાં આટલું યાદ આવીને ભજવાવા માંડ્યું નજર સામે. ત્યાં તો બાનો શીળો હાથ કપાળે ફર્યો. પૂછ્યું : કેમ ઊંહકારા કરે છે, ભાઇ! શાંતિથી સૂઈ જાને !’
        બા !” મેં કહ્યું : તારો ફોટો પડાવવા જવું છે ને ?’
        મારે તો કંઈ ફોટોબોટો પડાવવો નથી, હવે આ ઉમ્મરે. પછી મારી પત્ની સામે જોઈને કહે : “ઘેનમાં લવારો કરે છે. દવાનો બોજો ડોઝ આપી દેવો છે ?”
            આટલી વાતચીત કાને પડી ત્યાં કેશવ ફરી ગોઠણિયાભેર જમીન પર બેસીને રાયફલ તાકતો મનમાં તાદૃશ્ય થયો. મૂછનાં મોટાં મોટાં થોભિયાં અને રાક્ષસની જેમ વાળથી ઘેઘૂર ગાલોશિયા.કાનની બાલપટ્ટી અને દાઢીની જટાજૂટ ક્યાં એક થયા એની ખબર ન પડે. કેશવની આંખો કેશવની આંખો ન લાગે. કાળા હનુમાન પર સફેદ કોડી ઊંધી ચોડેલી હોય એવું લાગે..એ ગોઠણિયાભેર બેસતો હતો છતાં ગામના બીજા જુવાનિયાઓના માથાં સુધી પહોંચતો હતો. ઊભો થાય તો માથું ખોરડાની વંજી સાથે અથડાય ને બેચાર નળિયાં ખળભળવાનો અવાજ આવે. મારા બેચાર ગોઠિયા કહેતા હતા કે આંદામાન-નિકાબારની કાળા પાણીની જેલનું પાણી કેશવને સદી ગયું હતું. એમાં એ શરીરે આવો વકરી ગયો હતો. કેટલાં બધાં વરસ થયાં એ વાતને પણ!  અત્યારે તાવમાં આ વિચાર આવ્યો કે તરત જ આંદામાનના કાળા દરિયાનાં પાણી નજર સામે લોઢાવા માંડ્યા અને એથી માથામાં સણકા આવવા મંડ્યા.કોઇ સંબંધ ખરો એ એકબીજી ચીજને ?
        એથી મેં પડખું ફરીને બાને કહ્યું : બા, અત્યારે કેશવ ક્યાં છે, ખબર છે ?’
        બાએ મારી પત્નીને કહ્યું : મારો પીટ્યો કેશવો આને અત્યારે ક્યાંથી યાદ આવ્યો આટલે વરસે ?’ પછી મારે માથે હાથ ફેરવીને કહે : માથે ઓઢીને સૂઈ જા.... અત્યારે ક્યાં ઈ મૂવાને યાદ કરશ ?’
            ‘કેશવો કોણ ?’ મારી પત્નીએ મારી બાને પૂછ્યું.
        હતો રોયો એક અમારા જેતપુરમાં બા બોલ્યાં : સગા બાપનો ખૂની. બિચારા રામ જેવા રાજારામને સમી સાંજે ઊભી બજારે છરી હુલાવી દીધી.
        પછી વળી  સમયમાં સફર કરતાં હોય એમ આંખો બીડીને બોલ્યા : ‘ચાળીસ વરસ ઉપર થઈ ગયા.
        ધગધગતા કપાળ પર રજાઈ ઓઢ્યા છતાં મારા કાને બાના આ શબ્દો પડ્યા અને આંદામાનનો દરિયો ફરી લોઢાવા માંડ્યો. કલ્પના પણ કેવી ? કાળુંભમ્મર આકાશ અને કાળું કાળું ડામર જેવું પાણી, ઊખડી ગયેલા લાલ રંગવાળી, કટાઈ ગયેલ બોડીવાળી ચાર-છ યાંત્રિક હાલક ડોલક હોડીઓ દેખાઈ. બે-ચાર એકલદોકલ કાળી ચોકડી ચીતરેલા કપડામાં કેદી દેખાયા. એમાં કેશવ પણ ખરો. વધેલી કાળી દાઢી અને કલંકિત કાલિમાવાળું મોં, ચરૂમાં પાણી ઊકળે એમ તાવીયેલ મગજમાં આ આખું દૃશ્ય ખદબદવા માંડ્યું. બંને લમણાંમાં તપારો તપારો થઇ ગયો. માથેથી રજાઈ ફેંકી દીધી. એટલે પત્નીએ પૂછ્યું : બામ ઘસી દઉં ?’
            ‘ના. મેં કહ્યું : પણ એક કામ કર..... વાસુદેવના ઘરની બાજુમાં ફોન છે. નંબર જોને, મારી ડાયરીમાં ક્યાંક લખ્યો હશે. એને ફોન કરીને કહી દે કે મને આજે તાવ છે. બેંકે પણ ગયો નથી એટલે આજે બાનો ફોટો પડાવવા નહીં અવાય. બનશે તો કાલે યા ગમે ત્યારે પાછળથી એક દિવસ આવી જઈશું.
        પત્ની ડાયરી શોધીને ફોન કરવા ગઈ. એટલે  બાને કહ્યું: તું સમજતી નથી બા, બિચારો વાસુદેવ અઠવાડિયાથી કહ્યા કરે છે, બાનો ફોટો પાડવો છે.એક વાર લઈ આવો.આપણે જેતપુરના ને વેરાવળના આટલે વરસે ભેગા થયાં છીએ. બાને તો ત્રીસ-પાંત્રીસ વરસે જોયાં હશે. એક વાર મારા સ્ટુડિયોએ લઈ આવો.
રજનીકુમાર: એક વર્ષની ઉમરે 
        બા બોલ્યાં : બિચારો બહુ ભલો છોકરો.... એના સગ્ગાભાઈ કેશવાથી સાવ જુદો. ઓલાએ બાપને ઊભી બજારે વેતરી નાખ્યો જ્યારે આવડો આ વાસુદેવ તો એનાથી પાંચ વરસ નાનો, તોય એના બાપની પડખે ધંધામાં ઊભો રહેતો. જોને તારો પેલો એક વરસની ઉમ્મરનો ફોટો નહીં ? તે ઈ રાજારામ ડ્રોઇંગ માસ્તરને બદલે ઇ જ આવીને પાડી ગયેલો ને !’
        આટલી વાત થઇ ત્યાં એ આવી ગઈ. એના તરફ જોઈને બોલ્યા : રંજુનો ઓલો નાનો ફોટો નહીં ? ઈ વાસુદેવે જ પાડેલો, રાજારામ ડ્રોઈંગ માસ્તરના છોકરાએ.
        ફોન કર્યો. મારી પત્ની બોલી: વાસુદેવભાઈ કહે છે, ભલે તબિયત સારી થાય ત્યારે આવજો – પણ આવો ત્યારે સૌ જમવા જ આવજો.
        ફરી ટાઢ ચડી. રજાઈ ઓઢવી પડી. આંખો પર ઊંઘની થોડી થોડી ફોતરી બાઝવા માંડી, પત્ની કશુંક પૂછતી હતી. બા એને કહેતાં હતાં. એમાંથી થોડાં ત્રુટક ત્રુટક વાક્યો મારા તાવિયેલ મગજમાં ઊકળતા વિચારોના ચરુમાં આવીને પડ્યા
**** **** ****

કેશવો જુગારની લતે ચડી ગયેલો. રોજ ઊઠીને બાપ રાજારામ પાસે રૂપિયા માગે. ફાટીને ધૂમાડે ગયેલો. એકવાર રાજારામ સાંજે ઓળખીતાની દુકાને બેઠા હતા. કેશવાએ પૈસા માગ્યા. રાજારામે આનાકાની કરી. કેશવાએ કહ્યું : ગામ આખાના ફોટા પાડી પાડીને રૂપિયા પાડો છો તે કોને માટે ? આપો છો કે નહીં ? નહીં તો જોવા જેવી કરીશ. રાજારામભાઈ બોલ્યા:નહીં આપું જા, શું કરી લઈશ ?’
        જવાબમાં કેશવે છરી કાઢી ને ત્યાં જઈ બાપના પેટમાં પરોવી દીધી.
        લોહીનું ખાબોચિયું.... પોલીસ પકડી ગઈ. કેસ ચાલ્યો... જુવાન હતો એટલે ફાંસી નહીં પણ કાળા પાણીની જનમટીપ થઈ. એમને તો એમ કે ગયો જંતર વગાડતો, પણ....
        મારું મગજ તાવથી ફાટફાટ થઈ રહ્યું. બેચેની ઉભરાઈ આવી. રજાઈ એક તરફ ફેંકીને મેં જ પત્નીને કહ્યું : એ તો આપણને સ્વરાજ્ય મળ્યું ને સુડતાલીસમાં, એની ખુશાલીમાં છૂટી ગયો. પાછો જેતપુર આવ્યો. વકરીને વાઘ બની ગયો હતો. સેવાદળ કે હોમગાર્ડમાં ગામના જુવાનોને રાઈફલની તાલીમ આપવા માંડ્યો. જેતપુર ગામમાં એની એવી ધાક પડી ગઈ. બોલતાં બોલતાં મને થાક ચડ્યો અને મારી છાતી સામે તકાયેલી એની રાઈફલ યાદ આવી ગઈ.
**** **** ****
        બાનો ફોટો પાડી લીધા પછી વાસુદેવ કહે : હવે ભાઈ, એક ફોટો તમારોય પાડી લઉં  અને એક તમારો દંપતીનો....
        મેં કહ્યું : શી જરૂર છે ?’ વાણીમાં કૃત્રિમ વિવેક આવી ગયો : ચાલશે હવે, રહેવા દોને ! તાવમાં મોઢુંય જુઓને,  કેવું લેવાઈ ગયું છે ?’
        તમે એક વરસના હતા ત્યારે ફોટો પાડેલો. આજે એને ચાલીસ વરસ થયાં લગભગ. હવે પાછો હું જ તમારો ફોટો પાડું એમાં કેવો રોમાંચ થાય ?’
        એ મારી સામે ઘોડી ગોઠવીને કેમેરા એડજસ્ટ કરતો હતો ત્યાં મારાથી બોલાઈ ગયું :
        એક વાર વાસુદેવભાઈ, તમારા ભાઈ કેશવે મારી છાતી સામે આમ જ રાઈફલ તાકી હતી.
        હું ખડખડાટ હસ્યો : મજાકમાં જ હોં !’
        વાસુદેવ ઘડીભર થંભી ગયો, એક જ ક્ષણ. પછી ફરી કેમેરાનો લેન્સ બરાબર કરવા માંડ્યો. કહે : ‘એમ ને ! બાકી એ તો સાચોસાચ તાકે એવા હતા હોં !’
        હાલ એ છે ક્યાં ?’ મેં પૂછ્યું પણ વાસુદેવે કંઈ જવાબ દીધો નહિ.
        કદાચ સાંભળ્યું જ ન હોય. જાણે કદાચ આવી પૂછપરછ ગમતી ન હોય.
રજનીકુમારનાં બા હીરાબહેન:
વેરાવળના સ્ટુડીયોમાં પાડેલો  ફોટો 
        પણ બાનો હાથ ઝાલીને એ સ્ટુડિયોનો દાદરો ઉતરાવતા હતા ત્યાં બા કહે : વાસુદેવ, તારી ભાભી હમણાં છ મહિના પહેલાં જ મળી હતી હોં ! બહુ રોદણાં રેતી હતી.
        ભાભી એટલે કેશવની બૈરી? કેશવ પરણ્યો હતો? એને કોઈએ કન્યા આપી હતી? એને? આવા રાક્ષસ જેવા ખૂનીને ?’ બાને પૂછ્યું તો બા કહે : હા, જેલમાંથી છૂટીને એ હોમગાર્ડમાં રહ્યો ત્યારે વળી પરણ્યો પણ હતો. એક છોકરો પણ થયો હતો. બધાય રાન રાન ને પાન પાન.
કેમ ?’ મેં પૂછ્યું તો જવાબમાં વાસુદેવે જ કહ્યું : ભાભી નિશાળમાં નોકરી કરતી હતી. પણ કેશવભાઈ એને મારે બહુ ને ? છોકરાને મારી મારીને ધોઈ નાખે. ફેંકી દઈશ, ફૂંકી દઈશ એમ કહ્યા કરે. મૂળ રાઈફલ ચલાવતાં બહુ સારી રીતે આવડે ને !’
તે હાલ કેશવો છે ક્યાં ?’ બાએ પૂછ્યું.
બાપુજીનું આવું થયા પછી હું જેતપુર છોડીને અહીં વેરાવળ આવતો રહ્યો – ને કેશવભાઈને હોમગાર્ડમાંથી કાઢી મૂક્યા પછી એ પણ અહીં આવતા રહ્યા. હું અહીં ખરોને, એટલે !’
અહીં કરે છે શું ?’ મેં પૂછ્યું. પણ લાગે છે કે વાસુદેવે ફરીવાર બરાબર સાંભળ્યું નહિ.
વાસુદેવે બાને પૂછ્યું : જેતપુરમાં આપણા જૂના સૌ શું કરે છે ?’
વાસુદેવ ખરેખર સુખી હતો. છૈયાં-છોકરાંથી ઘર ભર્યુંભર્યું. સ્ટુડિયો બહુ સરસ ચાલતો હતો એની સાબિતી એનું ઘર આપતું હતું. રાચ-રચીલું-ફર્નિચર, સૌના ચહેરા પર સુરખી. બા બહુ રાજી થયાં. બહુ એટલે બહુ જ.
પણ થોડીવારે પાછું પૂછ્યું : કેશવો ક્યાં છે એ તો કહે, વાસુદેવ ?’
જે ગલીને છેડે વાસુદેવ સુખી નિવાસ કરતો હતો તે ગલીને બીજા છેડે એ અમને એક ખોલી પાસે લઈ ગયો. બારણું ખખડાવ્યું. તે ખખડાવતાં જ ખૂલી ગયું. કદાચ અટકાવેલું હશે. અંદરને ઉંબરે એક ક્ષીણ દેહ માથું ટેકવીને લાંબો થઈને સૂતેલો. અવાજથી યા સંચારથી ઊઠી ગયો. ઊઠ્યો ત્યારે ખબર પડી કે ઊઠવું પડ્યું એટલે એ ઊઠ્યો. કષ્ટ પડ્યું. હાડકાંનો માળો ઊભો થયો. આખો હલબલ્યો, હાથ જોડ્યા, વાસુદેવને અમારી ઓળખાણ પૂછી, જે એણે આપી. એટલે મહામહેનતે ખેંચાતી રબ્બરપટ્ટીની જેમ મોંફાડ પહોળી થઈ. તૂટેલી કમાનવાળું તીર તાકે એમ નજર તાકી અને ઢળી પડી. બાજુમાં ઓધરા ઓધરા પ્રાઈમસ અને ટીનની તપેલી પડેલી. માખીઓનું ઝુંડ બણબણે. એ તરફ નજર કરી એટલે મારાથી બોલાઈ ગયું :
નથી પીવી. નથી પીવી, કેશવભાઈ, હમણાં જ જમીને આવ્યા.
        વધુ આગ્રહ નહિં. સૂઈ જવાની રજા માગતો હોય એમ અમારા તરફ નમેલી ડોકે જોયું.
        એ બોલ્યા : સૂઈ રહે કેશવા, સૂઈ રહે.
        એના બાપનો લોહીથી લથપથ દેહ એકાએક મારી કલ્પનામાં વ્યાપી ગયો. મગજમાં લોહી લોહી થઈ ગયું. એ સાથે જ બીજા પગથિયાની જેમ કેશવાના છોકરાનો મને વિચાર આવ્યો. વાસુદેવનો ભર્યોભર્યો સંસાર ગલીને આ છેડે વસેલો હતો, તો ગલીને બીજે છેડે મરવા પડેલા આ કેશવાનો પરિવાર ?
        મેં વાસુદેવને પાછાં વળતાં પૂછ્યું : એના વાઇફ ક્યાં ?અને છોકરો?’
            વિચારમાંથી ઝબકીને એણે જવાબ આપ્યો: ભાભીના જીવ્યા-મર્યાનો કાંઇ પત્તો નથી ને છોકરો તો સાવ ઓટીવાળ... એણે ય હમણાં જાતે જ પેટમાં છરી ખાઇ લીધી. સવા વરસ થઇ ગયું,ગઇ ગોકળ આઠમના દિએ બરાબર.
અરે ! કેમ ?
પાટલા પર(જુગારમાં) હારી ગયો હતો ને, લાખો કહેતાં લાખો રૂપિયા.
ફરી મારા મગજમાં લોહી લોહી થઈ ગયું.