[ ગયે મહિને પ્રકાશિત થયેલા અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્ત (કે.કે.) નાં ફિલ્મી જીવનનાં સંભારણાંના પુસ્તક 'ગુઝરા હુઆ ઝમાના' વિષે અહીં કશું લખવાનો જોગ બને એ પહેલાં તો તેની પ્રથમ આવૃત્તિની તમામ નકલો ખતમ થઈ ગઈ. અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં તેની બીજી આવૃત્તિ કરવાનો નિર્ણય લેવાનો થયો. આ પુસ્તકને મળેલા આવા અભૂતપૂર્વ પ્રતિસાદથી આનંદ અવશ્ય થાય છે, પણ આશ્ચર્ય નથી થતું. હવે બીજી આવૃત્તિ નિમિત્તે એ પુસ્તકના સ્વાગતવચન તરીકે લખેલું આ લખાણ અહીં મૂકતાં અત્યંત આનંદ થાય છે.]
મારા વતન જેતપુરની
કેપિટોલ ટૉકિઝ અને સાલ ૧૯૫૨ની. ફિલ્મ ‘દાગ’
એમાં લાગી ત્યારે મારી વય ચૌદ વર્ષની હતી. એ ઉંમરે ફિલ્મોમાં આવતા સંવેદનાત્મક
દૃશ્યો ઝીલવાની પાકટતા તો આવી જ ગઇ હોય. એ ફિલ્મનું એવું જ એક દૃશ્ય: દિકરા
દિલીપકુમારે (ફિલ્મમાં નામ શંકર-જે એક શિલ્પી હોય છે) દારુની લતમાં દેવું કરવાથી
એની ગેરહાજરીમાં વિધવા માતા(લલિતા પવાર)ને ઘર ખાલી કરાવવા ગામનો શાહુકાર અને એની
સાથે એક જપ્તીદાર આવે છે અને ડોશીને ખાલી હાથે ઘરમાંથી હાંકી કાઢવાની
કાર્રવાઇ કરે છે. કકળતા હૈયે ડોશી ઘરમાંથી
નીકળવા તો જાય છે પરંતુ નીકળતાં નીકળતાં એક લોટી પોતાની સાથે લઈ જવાનું મન કરે છે.
જેની આમ તો છૂટ નથી. તે
લોટીને અડકવા જાય છે એ સાથે જ શાહુકાર તેને ધધડાવી નાંખે છે. લલિતા પવાર રીતસર ડરી
જાય છે. લોટી લીધા વિના તે આગળ વધે છે. ત્યાં પોતાની ટેકણલાકડી પડી હોય છે. એ ખોફ ખાધેલી નજરે શાહુકાર તરફ જૂએ છે. ત્યારે શાહુકારની
સાથે આવેલો જપ્તીદાર એની પર દયા ખાઇને એ છૂટ આપે છે. “લે લો,
માજી. લે લો !”
એ દૃશ્ય મારા મનમાં
આજે એકસઠ વરસ પછી પણ હું મનના પર્દા પર જોઇ શકું છું. કારણ કે એમાં લલિતા પવાર
ઉપરાંત એ બે જણાનો અભિનય પણ અતિ વાસ્તવિક છે. એ બે જણામાં શાહુકારની સાથે આવેલો
જપ્તીદાર હતા ચરિત્ર અભિનેતા દુબે અને બીજા પેલા ખોફ ઉભો કરનાર શાહુકાર તે આ આપણા
કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત! હોય તો એકાદ ક્લોઝઅપ વૃધ્ધાનો હશે, પણ આ બેમાંથી એકનો પણ ક્લોઝ અપ નથી. માત્ર મીડ
શોટ જ છે. અને તેમાં પણ દાયકાઓ સુધી
જોનારાના મનમાં જળવાઇ રહેનારી પ્રભાવકતા પેદા કરવી એનો યશ દિગ્દર્શકને તો ખરો જ, પણ અભિનેતાઓની પણ એમાં એટલી જ હિસ્સેદારી .
એ અભિનેતા કે.કે.
ક્યારેક મારા વડિલમિત્ર બની રહેશે તેવી કલ્પના પણ રોમાંચ પ્રેરે છે. પણ એ બન્યું
છે અને એથી વધુ પણ બન્યું છે. ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીની ગુજરાત રાજ્યની ફિલ્મ એવૉર્ડ
જ્યુરીમાં કે.કે. અમારા ચેરમેન હતા. ગુજરાતી ફિલ્મોની વાહિયાતતાથી ઉબાઇ ગયેલા મારા
જેવા અધિરીયાને ગમે તેવી કચરા ફિલ્મને પણ આખેઆખી જોઇ લેવાની શીખ આપતા. એ એમના
કાયમી મૃદુ સ્વરે મને સમજાવતા, “જૂઓ ભાઇ, એમ કંટાળવાનું નહિં કે ઝોલાં પણ નહિં
ખાવાના, કારણ કે આપણે ડાઇરેક્ટરથી માંડીને ડેન્સમાસ્ટર સુધીની તમામ કેટેગરીમાં
ઇનામો આપવાના છે. કેમ ખબર પડે કે છેલ્લા દૃશ્યોમાં કોઇ ઉત્કૃષ્ટ ગીત-સંગીત કે
નૃત્ય નીકળી આવે ? આપણાથી કોઇને અન્યાય ના થવો જોઇએ.” એમની વાણીમાં રહેલા
ન્યાયીભાવ અને વાતની સચ્ચાઇ મને સ્પર્શી જતા અને એમની હિદાયતનું હું પાલન કરતો ( એ
વાત જુદી છે કે ત્રણ વર્ષને અંતે કંટાળીને મેં એમાંથી “વૉક આઉટ” કરી નાખેલું). એ
પછી એથીય સારો યોગ થયેલો. જેનો ઉલ્લેખ કદાચ આ પુસ્તકમાં નથી, તે એ કે ગુજરાત રાજ્ય
ફિલ્મ નિર્માણ નિગમ હતું ત્યારે વિનોદ જાની (હવે તો સ્વર્ગસ્થ) એના ચેરમેન
હતા. એની અંતર્ગત ફિલ્મનિર્માણ પણ કરવાનું
રહેતું. એક ફિલ્મ બનાવવાનું કે. કે.ને સોંપાયેલું ત્યારે મારી વાર્તા ‘સિનો’ એ માટે પસંદ થયેલી. શરૂઆતના શૂટિંગમાં હું પણ
ગયેલો અને કે.કે.ને મારી વાર્તા પર ડાઇરેક્શન આપતા જોયેલા ત્યારે ભારે રોમાંચ થયો
હતો. અલબત્ત. પછી એ પ્રોજેક્ટ તો શું. પણ એ નિગમ જ બંધ પડી ગયું.પણ એક વાર તો મને
મારા ભાગનો રોમાંચ આપી ગયું.
**** **** ****
![]() |
| 'ગુણસુંદરીનો ઘરસંસાર'માં માનચતુરની ભૂમિકામાં કે.કે. |
એવરગ્રીનની જેમ એવરઓલ્ડ ફિલ્મી લોકો પણ હોય છે. એ
લોકો ક્યારેય યુવાન નહિં હોય એમ લાગે. આ અનુભુતિ મને કે.કે.ને ‘સીમા’ ફિલ્મમાં જોઇને ૧૯૫૫માં પણ થઇ હતી. આશ્રમમાં આશરો
લઇને રહેતી એક સ્ત્રીને તેનો દારુડીયો પતિ મળવા આવીને જે ઉધામો મચાવે છે તે જોઇને
એમ જ લાગ્યું હતું કે આ યુવાન સ્ત્રીનો પતિ આટલો ઉંમરવાન? એમાં એમને ઉંમરવાન
દેખાવાની કોઇ પાત્રગત આવશ્યકતા નહોતી. પણ તેમનો ઉશ્કેરાટનો અભિનય એટલો હૂબહુ હતો
કે મારા પર એની કાયમી છાપ રહી ગઇ. હું કબૂલ કરું છું કે મારી નવલકથા ‘એકલપંખી’માં મેં એક પાત્ર એમના એ દૃશ્ય પરથી બનાવ્યું છે.
એવો ઉશ્કેરાટ, બલકે પુણ્યપ્રકોપ તેમણે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’
નામની ગુજરાતી ફિલ્મમાં ઘરના વડિલ તરીકે બતાવ્યો હતો. અભિનય કરવાની કે,કે ની ધાટી એમની પોતાની છે.
ગુસ્સો એમના સ્વભાવમાં હશે તોય એ સ્થાયીભાવ નહિં જ હોય, છતાં એ એ ભાવનો જાનદાર
અભિનય કરી શકે છે, તો મૃદુતા એમના
સ્વભાવમાં તો સ્થાયીભાવ તરીકે કોઇ પણ વરતી શકે તેમ છે, તો તેવો અભિનય એમને સહજ છે પણ એ અભિનયગત મૃદુતા
જોતાં એ એમની એટલે કે કે. કે. તરીકેની
વ્યક્તિગત નહિં, પણ જે તે પાત્રની
લાક્ષણિક લાગે. આ અઘરી વાત જરા બીજા ઉદાહરણથી સમજાવું તો અભિનેતા રાજકુમારની કડકાઇ
કોઇ પણ પાત્રમાં રાજકુમારીય જ લાગતી (જે એમના સ્વભાવમાં જ હતી) એમની મગરૂરી એમના
અસલ વર્તનમાં હતી તેની તે જ પાત્રમાં વરતાતી, તેનો કોઇ અલગ “શેડ” નહોતો જોવા મળતો. નાના પલસીકરનું રાંકપણું,
હંગલનું દયામણાપણું અને નાઝીર હુસેનનો
રૂઆબ, જે તેમની પોતાની મૂડી તરીકે તેમને જન્મથી મળેલું હતું તેના બળ ઉપર જ એ
પાત્રોને નિભાવતા. પણ નાટ્યશાસ્ત્ર એમ કહે છે કે જે પોતાના સ્વભાવમાં હોય તો પણ તે
વસ્તુને પોતાની સ્ટાઇલમાં નહિં, પણ સોંપાયેલા પાત્રની વર્તન-ઢબમાં ઢાળનારો કલાકાર
વધુ પ્રતિભાશાળી ગણાય. એની વધુ છણાવટ કરવાની આ જગ્યા નથી.પરંતુ એક વાત બેશક. તેમને
બીજા ચરિત્ર અભિનેતાઓ કરતાં અલગ સ્થાનના અધિકારી બનાવે છે. એમના જૂના સાથી
કલાકારોમાંથી એક માત્ર શકીલાજીને મળવાની અને વધુ પરિચયમાં આવવાની મને તક મળી
ત્યારે એમણે પોતાની મુખ્ય ભૂમિકાવાળા ‘બેગુનાહ’ની વાત કરતાં કે.કે.ને પણ પ્રશંસાના ભાવથી યાદ કર્યા
હતા. અને આ મુદ્દો પણ મને તેમણે જ સ્પષ્ટ કરી આપ્યો હતો. તે ફિલ્મમાં કે.કે.ની
અગત્યની ભૂમિકા હતી, પણ કમનસિબે તે
ફિલ્મ તેર અઠવાડિયાં ચાલ્યા પછી પ્રતિબંધિત થઇ ગઇ હતી, કારણ કે તે હોલીવુડની એક ફિલ્મની નકલ હતી.
શકીલાજીની ભૂમિકા એક ડોકટરની હતી તેમ તેઓ કહેતાં હતાં.
**** **** ****
આ પુસ્તકમાં
આલેખાયેલાં સંસ્મરણોમાં કેન્દ્રસ્થાને કે.કે. છે પણ એમણે ફોકસ પોતાના પર નથી
રાખ્યું (કાઠીયાવાડી બોલીમાં કહું તો એ વચ્ચે છે પણ વચાળે નથી). મારું આ વાક્ય જરા
એબ્સર્ડ લાગશે, પણ ઝીણવટથી સમજવા
જેવું છે. કોઇ પણ ઘટનાને એમણે પોતાની આસપાસ નથી ગૂંથી, પરંતુ પોતે તે ઘટનાજાળમાં ક્યાં અને કેવી રીતે
ગુંથાયા હતા તે આલેખ્યું છે. આમ એમણે પોતાની જાતની વાતને નહિ પણ ઇતિહાસની કોઇ રસિક
વાતને મહત્વ આપ્યું છે. ઇતિહાસની એ વાતને
નિમિત્તે એમણે બોમ્બે ટૉકિઝ, અમર પિક્ચર્સ, અમીય ચક્રવર્તીના ‘માર્સ એન્ડ મૂવીઝ’, મહિપતરાય શાહ-અનુપચંદ શાહની નિર્માણસંસ્થા જેવી
ચિત્રનિર્માણ સંસ્થાઓની ચડતી-પડતીની કથાઓ વર્ણવી છે, તો એમની પૂરી-અધૂરી ફિલ્મોની
દશા-અવદશા-સફળતા-નિષ્ફળતાની અધિકૃત હકિકતો પણ આપી છે. ગુજરાતી ફિલ્મો અને તખ્તાની
રસપ્રદ વાતો તો આમાં છે જ, પણ હિંદી ફિલ્મજગત
અને ઉદ્યોગ તેમાં વધુ વિશદ રીતે ઉપસાવાયા છે. અને મને સૌથી વધુ રસ પડ્યો છે તે
તેમના વ્યક્તિચિત્રોમાં.
![]() |
| નિતીન બોઝ (હેટ પહેરેલા) ના યુનિટમાં કે.કે. (સૌથી જમણે) |
એમના દરેક વ્યક્તિચિત્રોમાં એટલું બધું જીવન એમણે પૂર્યું
છે કે આપણી નજર સામે એ હરતા-ફરતા અને કામ કરતા નજર સામે આવે છે. નિતીન બોઝનું
વ્યક્તિચિત્ર એમાં સૌથી વધુ તાદૃશ્ય નિપજી આવ્યું છે. એમને ગુરુ માનનારા કે.કે. એ
એમની પૂરતી ગરિમા બરકરાર રાખીને પણ એમની હતાશાને વ્યક્ત કરી આપી છે. કેટલીક હકિકતો
તેઓ જાણતા હશે, પણ એના ઉલ્લેખ
માત્રથી પણ કે.કે. દૂર રહ્યા છે. નિતીન બોઝને ‘ગંગાજમુના’નું દિગ્દર્શન સોંપીને દિલીપકુમારે ગુરુ પરત્વે
કૃતજ્ઞતા તો બતાવી, પણ પાછળથી એ
ફિલ્મના દિગ્દર્શનની તમામ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી અને ગુરુને નેપથ્યમાં મૂકી
દીધા એ હકિકત તો ફિલ્મનો ઇતિહાસ જાણનારા સૌ કોઇ જાણે છે, પરંતુ કે.કે.એ એ વસ્તુને સ્પર્શ ના કરીને આ
પુસ્તક પૂરતી દિલીપકુમાર-અને નિતીન બોઝ બન્નેની ઇજ્જતને જાળવી લીધી. બીજા અનેક અનેક વ્યક્તિચિત્રો- રાજ કપૂર, અમીય ચક્રવર્તી,સાધના બોઝ, શુભા ખોટે, લીલા દેસાઇ
અને રવિન્દ્ર દવે જેવાના માત્ર વાક્યોના એક-બે લસરકાથી કે.કે.એ રસળતી બાનીમાં
નિરુપ્યાં છે. અને એ બધા નિરુપણોની સમાંતરે એ જમાનાની ફિલ્મનિર્માણની પ્રક્રિયાઅને
ગતિવિધીઓ, કલાકારોની સ્થિતી, આર્થિક અને
સામાજિક પરિસ્થિતી, શૂટિંગની રીતરસમો અને ટેક્નિક અને તે વખતનો દેશકાળ સુધ્ધાં
કે.કે.એ ઇતિહાસજ્ઞ હોવાના કોઇ અભિનિવેશ વગર આ પુસ્તકમાં પ્રતિબિંબિત કરી આપ્યો છે.
આ ગ્રંથ ‘ગુઝરા હૂઆ ઝમાના’ ને હું કે.કે.ની પહેલા પુરુષ એકવચનમાં આલેખાયેલી
આત્મકથા ગણતા અચકાઉં છું. આ તો એક ચોક્કસ સમયની ‘ડોક્યુમેન્ટરી’ છે, જેના કે.કે. માત્ર પ્રવક્તા જ છે.
એક એવા પ્રવક્તા કે જેઓ પોતે એ ચોક્કસ સમયખંડનો સક્રીય હિસ્સો હતા. એટલે એમને એમાં
“હું”ને સંડોવવો અનિવાર્ય છે, અને એ સંડોવણી
એ ઇતિહાસને કિંવદંતી હોવાના શકથી દૂર રાખે છે. જેને નકારી શકાય એવી કોઇ પણ વાત
તેમણે લખી નથી. પોતાને થયેલા અન્યાયો કે અવગણનાઓને તેમણે દસ્તાવેજી વજન આપ્યું નથી. એવી વાતો આમાં
બહુ ઓછી છે અને જે છે તે પણ કોઇ એક ઐતિહાસિક તથ્યને મુકર્રર કરવાને માટે જ છે એનું ‘ગાણું’ બનાવવાને માટે નહિં.
કોઇ
પણ ક્ષેત્રનો કલાકાર પોતાના અધિકૃત ‘ઇન્વોલ્વમેન્ટ’વાળી છતાં સ્વલક્ષી નહિં, એવી ચોક્કસ સમયગાળાની ક્ષેત્રકથાઓ લખે
તો એ તટસ્થ ઇતિહાસના આલેખકને બહુ ખપમાં આવે. આ પુસ્તકનું પણ કોઇ સાહસિક નિર્માતા
જરૂરી ‘ડ્રામેટાઇઝેશન’ સાથે ફિલ્મીકરણ કરે તો એક નવી જ તરાહની
હિસ્ટરીકેપ્સ્યુલ (કાલસંદૂક) તરીકે એ આવનારી પેઢીના સંશોધકોને બહુ ખપમાં આવે.
વરસોથી
ખોરંભે પડેલા આ કામને મિત્ર હરીશ રઘુવંશી અને સમર્થ સંપાદક અને સંકલક ભાઇ બીરેન
કોઠારીએ કે.કે. સાહેબને મનાવી મનાવીને હાથમાં લીધું અને પાર પાડ્યું, તે એમનો ગુજરાતી ચરિત્રસાહિત્ય અને
ફિલ્મસાહિત્ય પરનો મોટો અનુગ્રહ છે.
અપૂર્વ આશર જેવા દૃષ્ટિવંત કલાકારની સૂઝ આ પુસ્તકની સજાવટમાં ઉમેરાઈ અને દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી તેમજ ઉર્વીશ કોઠારી જેવા મિત્રોએ પોતાના અનોખા સાહસ 'સાર્થક પ્રકાશન'ના આરંભે જ આ પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ રીતે અનેક શુભ બાબતોનો આ પુસ્તકમાં સુયોગ સાંપડ્યો છે.
અપૂર્વ આશર જેવા દૃષ્ટિવંત કલાકારની સૂઝ આ પુસ્તકની સજાવટમાં ઉમેરાઈ અને દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી તેમજ ઉર્વીશ કોઠારી જેવા મિત્રોએ પોતાના અનોખા સાહસ 'સાર્થક પ્રકાશન'ના આરંભે જ આ પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ રીતે અનેક શુભ બાબતોનો આ પુસ્તકમાં સુયોગ સાંપડ્યો છે.
કે.કે.સાહેબ, આપને આ અવિસ્મણીય ભેટ ગુજરાતને આપવા
બદલ અનેક અનેક વંદન-અભિનંદન.
(ગુઝરા હુઆ ઝમાના, લેખન: કૃષ્ણકાન્ત (કે.કે.), સંપાદન: બીરેન કોઠારી, સાર્થક પ્રકાશન, ૩, રામવન ફ્લેટ્સ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, નેહરુ પાર્ક, દિલીપ ધોળકીયા માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦ ૦૧૫.
કિંમત: ૩૦૦ રૂ., પૃષ્ઠસંખ્યા: ૩૦૪, ઈ-મેલ: spguj2013@gmail.com)





.jpg)

