Thursday, April 10, 2014

પાંત્રીસ વરસ પહેલાના કાંટા ટાયરમાં છેક આજે ભોંકાય ને પંક્ચર પાડે !


કાગળ તો હાથમાં સારા સારા લીધા હોય પણ આ કાગળની વાત જ જુદી. એટલી બધી ભલામણ પંડ્યાસાહેબે કરી હતી કે કાગળીયો પકડીને આકાશમાં ઉડવાનું મન થાય.
પણ રાજુએ આટલો રોમાંચ અનુભવી લીધા પછી દિમાગને સમથળ કરી નાખ્યું. વિચાર કર્યો કે આમાં જશ આપવો તો વિધાતાને આપવો. એ ધારે એમ કરી શકવા શક્તિમાન છે. આપણા કપાળના  અદૃશ્ય લેખ એ આપણને અગાઉથી વંચાવતો નથી એટલું જ, બાકી લખી રાખે છે એ ચોક્કસ ! જૂઓને, કેવું સરસ પ્લાનીંગ કર્યું હતું એણે ? આપણને ખબર હતી કે સાયકલના બે ટાયરને ત્રણ વાર પંક્ચર પડશે? બે ટાયરને ત્રણ વાર કેવી રીતે પડે ? રાજુને એ મામલે એક વાર નસિબના લખનારા પર્ ભયંકર ગુસ્સો આવ્યો હતો. આજે પોતાના એ ગુસ્સા પર ગુસ્સો આવ્યો, યાદ કર્યું. આગલા ટાયરને પડ્યું એટલે સાયકલને દોરીને ચોથી ગલીમાં આવેલા કેરાલિયન સુધી દોરી જવી પડી. ત્યાં વળી ત્રણ જણા અગાઉથી ટીચાતા હતા. પોતે ચોથે વારે ઉભો રહી ગયો. ત્રીજા વારાવાળાએ વગર ઓળખાણે એના પડખામાં કોણી મારીને કહ્યું: 'આ લોકો મારા બેટા અમુક જગ્યાએ નાની નાની ખીલીઓ પાથરી રાખે છે. સાયકલ તો શું, ભટભટીયાના ટાયરને ય ફાંકા પાડી દ્યે. આ બધી આ મદ્રાસીઓની કમાણીના કારસા.' 
"આવડો આ મદ્રાસી નથી, કેરાલિયન છે.
ત્રીજા વારાવાળો મિથ્યાભિમાની બોલ્યો : 'મુંબઇ વટો એટલે બધા મદ્રાસી
અર્ધા કલાકે વારો આવ્યો અને પત્યો. બે ગલી વટાવી ત્યાં પાછલું ટાયર ફુસ્સ.......! કપાળ કૂટ્યું. સામે પાનના ગલ્લાને અડીને એક મદ્રાસી બેઠો હતો. ના, મદ્રાસી ના કહેવાય. કેરાલિયન જ કહેવાય. એણે બાર મિનિટ લીધી. પણ પાંચની નોટના છૂટ્ટા આપવામાં લગભગ એટલી જ મિનિટનો કાવો કર્યો. પત્યું ! આગળ જવા ઉતાવળે પેડલ માર્યા અને હજુ  એક ફર્લાંગ પણ નહિં કપાયો હોય ત્યાં આગલું ટાયર ફરી વિફર્યું !  તાજા થીગડાએ જ દગો દીધો. હવે ? હવે શું ? બસ સ્ટેન્ડ પાસે એક (હા,કેરાલિયન) બેઠો હતો, એણે રાજુને સેઠ કીધો. ડબલ ચાર્જ માગ્યો.તે આપવો પડ્યો. ને ત્યાં જ સામેથી ગણાત્રા ટાઇપિસ્ટ સ્કૂટર પર આવતો દેખાયો. જોઇને સ્કૂટર ઉભું રાખ્યું. દયા ખાવી તો એક તરફ, પણ ઉલટાની ઠઠ્ઠા કરી. શુ.રાજુભાઇ સાહેબ, હજુય સાયકલ ફેરવો છો ! તમે તો બેંકવાળા ! બેંક પાસેથી ઓછે ટકે લોન લઇ લો! તમારે તો એવી સ્કીમો હોય છે ને! 
અમારે ત્યાં નથી. મારી તો સાવ મામૂલી કો-ઓપરેટીવ બેંક છે." 
ગણાત્રાએ કોઇ માઠા સમાચાર જાણ્યા હોય એમ મોઢું ગંભીર કરી નાખ્યું. "ના હોય ! ખરેખર? મને તો ખબર જ નહિ !
કેવી રીતે હોય ? રાજુ બોલ્યો, "આપણે વાત જ ક્યાં કદિ થાય છે ? અરે, કોઇ દિવસ ભેગા જ થતા નથી ને ! આ તો મારી સાયકલને ત્રણ ત્રણ વાર પંક્ચર.....
એ પછી પંદર મિનિટ વાત ચાલી. સાયકલને ત્યાં જ મુકાવીને ગણાત્રો રાજુને પોતાના સાહેબ પાસે લઇ ગયો. એ તો રિજીયોનલ મેનેજર હતા. બેંકના નેશનાલાઇઝ્ડ થયા પહેલાના એ દિવસો!  તરત જ અરજી લીધી. સર્ટિફિકેટો જોયા. ત્રીજે દિવસે લેખિત ટેસ્ટ લીધો. રિઝલ્ટ જોઇને આફ્રીન થઇ ગયા. ચોથે દહાડે મૌખિક ઇન્‍ટરવ્યુ, પાંચમે દિવસે એપોઇન્ટમેન્‍ટ લેટર ? ના,ના. એ સત્તા તો મુંબઇ હેડ ઑફીસને જ હોય. પણ એ તો ખાલી ફોર્માલીટી જ. ત્યાં એ લોકો આ ઓફીસની પસંદગીને મંજૂર તો રાખે જ, પણ સેલરી-વગેરે નક્કિ કરવાનું અને ફાઇનલ એપોઇન્ટમેન્‍‍ટ લેટર આપવાનું કામ તો મુંબઇ હેડ ઑફીસનું જ
પણ એને માટે છેક મુંબઇ જવું પડશે ?
રીજીયોનલ મેનેજર પંડ્યાસાહેબ રાજુની મૂંઝવણ પામી ગયા. બોલ્યા: 'શું વિચારમાં પડી ગયા, યંગ મેન?પછી મરકીને બોલ્યા: 'મુંબઇ જવા-આવવાનો ફર્સ્ટ ક્લાસ ફેર, રસ્તાના એક્સપેન્સ અમારી બેંક ભોગવશે. ત્યાં રહેવા-જમવાનું અમારા ગેસ્ટ હાઉસમાં..  લો. આ લેટર, ત્યાં જઇને મિસ્ટર ઝાલાને આપજો. તેઓ તમારી સાથે સેલરી બાબત નેગોશીએટ કરશે. એપોઇન્ટમેન્‍ટ તો કન્ફર્મ્ડ છે જ.        
રાજુ લેટર હાથમાં આવતા રોમાંચિત થઇ ગયો. માત્ર એક અઠવાડીયામાં આ બધું કેવી રીતે બની ગયું! ગણાત્રા....યેસ, યેસ. એ તો ખરો જ. પણ એ મળ્યો કોના કારણે ?  આપણી સાયકલના બન્ને ટાયરોના પંક્ચરોને કારણે  ! સાજાસમા સારા ટાયરો જ્યાં ના લઇ જઇ શક્યા ત્યાં આ જાત પર કાંટા ઉપર કાંટા ઘોંચાવીને પણ આ પંક્ચરવાળા બન્ને ટાયરોએ આપણને પહોંચાડી દીધા ! 
હવે મુકામ મુંબઇ.................
હોર્નિમેન સર્કલ, સાતમો માળ ! આવી જંગી ઑફિસ તો કદિ જોઇ જ નથી. ચપરાશીઓ પણ ચકચકતા પિત્તળના બિલ્લાવાળા- એમાંથી એક નજીક આવ્યો, "કિસ કા કામ હૈ ?
ઝાલા સાહેબકા" રાજુ બોલ્યો અને હાથમાંનું કવર બતાવ્યું. "ઉનકા ચેમ્બર કિધર ?
"વો તો છૂટ્ટી પે હૈ. અપને ગાંવ જૂનાગઢ ગયેલે હૈ." પછી બિલ્લો સરખો કરીને પૂછ્યું: "ક્યા કામ હૈ?    
 એપોઇન્ટમેન્‍ટ...
"ઉનકી જગહપે ભટ્ટસાહેબ બૈઠતે હૈ. ઉન કો મિલ લો ના !
ઠીક છે. ભટ્ટસાહેબ તો ભટ્ટસાહેબ. આપણે તો કામથી કામ છે ને...
ભટ્ટસાહેબને માથે ટાલ, પણ કાને વાળના ગુચ્છા. માથું ઉંચુ કરીને જોયું તો મૂછો પણ એ ગુચ્છાના કુળની નીકળી. રાજુએ એનાથી શી લેવાદેવા ? એણે કવર લંબાવ્યું. ભટ્ટસાહેબે કાગળમાં માથું ખોસીને આંગળીના ઇશારા વડે ખુરશી ચીંધી. રાજુ બેઠો. ભટ્ટસાહેબના ભાવ અવલોકી રહ્યો. પણ ત્યાં તો એમણે માથું ઉંચુ કરીને લાગલું જ પૂછ્યું,  પંડ્યાના તમે શું સગા થાઓ ?
રાજુ ચમકી ગયો. પહેલા તો સવાલ જ સમજાયો નહિં, પણ સમજાયો એટલે તરત કહ્યું: હું એમનો કાંઇ સગો થતો નથી સાહેબ !
એણે પઢાવ્યું હોય એવું બોલશો નહિં ભટ્ટસાહેબ કરડા અવાજે બોલ્યા, "તમે રાજુ પંડ્યા અને એ રવિશંકર  પંડ્યા ! સગપણ તો હશે જ ને ? એ વગર ...
સાહેબ, ખરું કહું છું અમારી વચ્ચે કોઇ જ સગપણ નથી, ખાલી સરનેમનું સરખાપણું છે." 
પણ હું જાણું ને, સગપણ ના હોય તો એ પંડ્યો કોઇની આટલી જબરદસ્ત ભલામણ કરે નહિં." 
પણ સાહેબ... રાજુ બોલવા ગયો પણ ભટ્ટસાહેબની આંખોની આંચ એ શબ્દોને તણખલાંની જેમ બાળી નાખતી હતી, એ થોડા સાચા શબ્દો પણ ખોટા સિક્કા બની ગયા.
પાછા રાજકોટ.................
સાહેબ.." પંડ્યાસાહેબને રાજુ દુઃખી સ્વરે કહેતો હતો, "એમણે મને સીધી રીતે ના ન પાડી, બસ, કહ્યું કે યસ, યુ આર સિલેક્ટેડ, પણ પોસ્ટ ક્લાર્કની મળશે અને પગાર આઠસો. મેં દલિલ કરી કે સાહેબ હું જ્યાં છું ત્યાં ઓફિસર છું અને પગાર બારસો છે, તો બોલ્યા કે ત્યાં હશે, પણ હીઅર યુ કેન નોટ ડિક્ટેટ મી યોર ટર્મ્સ. લેવું હોય તો આ  લો...અને તમારા પડ્યાસાહેબને કહેજો કે 'ભટ્ટસાહેબની આ ઓફર છે, સ્વિકારું?
પંડ્યાસાહેબ બહુ ઉંડા વિચારોમાં ઉતરી ગયા. પાંત્રીસ વર્ષ અગાઉની પોતે તોડી નાખેલી પોતાની સગાઇની એમને યાદ આવી ગઇ. બરાબર, એ વખતે આ ભટ્ટની ભલામણ એમણે સ્વિકારી નહોતી. કેવી રીતે સ્વિકારે ? એની પાગલ બહેનનો હાથ પોતે કેવી રીતે પકડે ?
રાજુએ ફરી ભોળેભાવે પૂછ્યું: "એમણે એમ કેમ કર્યું હશે, સાહેબ ?
સાહેબ પાસે કશો જવાબ નથી, એમ સમજીને પછી એણે બીજી વાર ના પૂછ્યું, બસ એને સાયકલના બે ટાયરોને પડેલા ત્રણ પંક્ચરો યાદ આવી ગયા. એ ટાયરો મૂકામે પહોંચ્યા પહેલા ફરી પંક્ચર થઇને જ રહ્યા !

('નવગુજરાત સમય'માં પ્રકાશિત 'ઝબકાર', તા.૨૩/૦૨/૨૦૧૪)  

(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે.)