Saturday, July 14, 2012

કહ રહી હૈ જિંદગી, જી સકે તો જી, એક જામ પ્યાર કા, પી સકે તો પી



          વરસાદના દિવસો હતા. આજથી તોંતેર ચુમ્મોતેર  વર્ષ પહેલાં તો જેતપુર જેવા નાનકડા ટાઉનમાં ડ્રેનેજની વ્યવસ્થા તો કેવી હોય ? પણ શહેર સમૃદ્ધ હતું, કારણ કે કાઠી રજવાડાના જૂનાગઢથી ત્રીસ જ કિલોમીટર દૂરના એ શહેરની મોટા ભાગની મેમણોની વસ્તિ તાલેવંત, કારણ કે એ વ્યાપારી કોમના પુરુષો મોટે ભાગે બર્મામાં ચોખાની મિલના માલિકો હોય અથવા બીજા કસદાર વેપારમાં પડેલા હોય. આઝાદી મળ્યા પહેલાંના એ કાળમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભારે સંપ. બર્મા રહેતા ધનવંત મેમણો પોતાના ત્યાં કમાયેલા દ્રવ્યનો સદુપયોગ જેતપુરમાં કરતા. પોતાને અને પરિવારને રહેવા માટે અય્યુબ મહાલ, મોતીવાલા બિલ્ડિંગ, બાવાણી મેન્શન, મોહમ્મદી મંજિલ જેવી દરવાજે બબ્બે હથિયારધારી દરવાન ધરાવતી મહેલાતો તો ખરી જ, પણ સખાવતી સંસ્થાઓ પણ એટલી જ અને એ બન્ને કોમને માટે ખુલ્લી, એક અંજુમન--ઈસ્લામ મદરેસા હતી. એક મુસ્લિમ હાઇસ્કૂલ હતી, જેમાં હિંદુઓને પણ પ્રવેશ હતો. પાછળથી જે પાકિસ્તાનના ધીરુભાઈ અંબાણી કે ટાટા બિરલા થયા એ સર આદમજી હાજી દાઉદ જેતપુરના હતા અને ત્યાં એમણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવડું મોટું કમ્પાઉન્ડ અને એ વખતે અદ્યતન ગણાય એવી સગવડો ધરાવતી સર આદમજી હાજી દાઉદ હૉસ્પિટલ બંધાવી હતી. જ્યાં જર્મનીનાં મિસ બોન્ડ નામે ભારે રહસ્યમય અતીત ધરાવતાં લેડી ડૉક્ટર હતાં અને એમની અહર્નિશ સેવામાં દયાબહેન નામનાં અપરિણીત ગુજરાતી સન્નારી હતાં.


સર આદમજી દાઉદજી હોસ્પિટલ, જેતપુર 
          આ હૉસ્પિટલના એક મોટા કન્સલ્ટિંગ ખંડમાં મિસ બોન્ડ બેસતાં. એક વખતે એમ કહેવાતું કે અડધા જેતપુરનો જન્મ મિસ બોન્ડના કુશળ હાથો દ્ધારા  થયો હતો. એ વખતે ઈન્ડોરની પ્રથા કમ, આઉટડોર પ્રથા વધારે હતી. કોઈ પણ ઘેરથી રાત-મધરાત-અધરાત તેડું આવે. પેટ્રોલનો કૂવો પીનારા રાક્ષસ જેવી શેવરોલેટ કાર આવે, ઘોડાગાડી (ટપ્પો) આવે યા રંક માણસ પગપાળા આવે. કશાં પણ નખરાં વગર મિસ બોન્ડ અને દયાબહેન ટાઢ-તડકો-વરસાદ જોયા વગર એની સાથે ચાલી નીકળતાં. ગારો, કીચડ  ખૂંદતાં, પણ બહુ બહુ તો લેવા આવનાર માણસ બહેન પર છત્રી ધરી રાખે અને મોટે ભાગે ડૉકટર મેડમ એ છત્રી નીચે પોતાનું મસ્તક ન રાખે, દવા-સરંજામની લેધરબેગ રાખે, જેથી જેતપુરની ધરા-ગગનમાં જિંદગીનો પહેલો શ્વાસ લેનાર શિશુના અવતરણમાં કોઈ ખામી રહી ન જાય.
           હિંદુ-મુસ્લિમ બન્ને માટે આ તત્પરતા એકસરખી જ. હા, એક વાત !
           સર આદમજી હાજી દાઉદ ખુદ મેમણ હતા અને કવમ (કોમને ગુજરાતીમાં કવમ લખાતું) પરત્વેની ફરજ પહેલી એ ભાવનાને અનુરૂપ એવી શરત કરેલી-હિંદુ અને મુસ્લિમ એ બન્ને સુવાવડીઓના ઘેરથી (ન કરે નારાયણ, કે ન કરે ખુદા અને) એકસાથે જ તેડાં આવે તો ? તો મુસ્લિમને પ્રાયોરિટી આપવાની!
           ટ્રસ્ટની શરત, ટ્રસ્ટના જ પગારદાર ડૉ. મિસ બોન્ડ પાળવા બંધાયેલા હતાં-હોય જ, પણ આવું ધર્મસંકટ કદી ઊભું થયું નહોતું.
           હવે જે વરસાદી રાતની હું વાત કરું છું એ રાત ૧૯૩૮ના જુલાઈની પાંચમીની હતી. ત્રણ દિવસથી વરસાદ મુશળધાર ચાલુ હતો. ભાદરમાં તો ઠીક, ગલીઓમાં પાણી ભરાયાં હતાં. વચ્ચે વરસાદ જરા પોરો લેતો હતો એટલું જ, બાકી, ઘનઘોર ટાઢોડું થઈ ગયું હતું.
          જુલાઈની છઠ્ઠીએ વહેલી સવારે પણ વરસાદે થોડો પોરો લીધો. એ વખતે સવારે છ ને દસ મિનિટે મિસ બોન્ડને ઉઠાડવામાં આવ્યાં. ફોનસુવિધા બન્ને છેડે નહોતી એટલે એક હિંદુ અમલદાર નામે દેવરામભાઈ ખુદ આવ્યા હતા. એમના પત્નીને પાછલી રાતથી વેણ ઊપડી હતી. પૂરા દિવસો હતા. મિસ બોન્ડ અગાઉ બે-ચાર વિઝિટે આવી ગયાં હતાં. કહ્યું, પ્રસૂતિ જરા જોખમી થશે એમ લાગે છે. પણ અમુકતમુક લક્ષણો જોવા મળે કે તરત જ એક પળની ઢીલ કર્યા વગર મને બોલાવી લેજો’.
          એ જ દેવરામભાઈ ગાભરા ચહેરે સામે ઊભા હતા. કાળો હાફ કોટ, પાનીઢંક ધોતિયું, સુઈબાલની ઊંચી દીવાલની ટોપી, કાંડે લટકતી છત્રી. હોઠે એક જ આજીજી:
          “જલદી આવો.... મોડું થશે તો....”
અડધું જેતપુર જેમના હાથે જન્મ્યું
હશે એ મિસ બોન્ડ 
          આગળના શબ્દો ન બોલાય તો જ વધુ અસર કરે, કારણ કે એમના કાને પત્નીના બોકાસા, કરાંજ, ઊંહકારા હજુ આટલે દૂરથી પડતા હોય એમ લાગતું હતું
          ‘આવું છું.  મિસ બોન્ડે દયાબહેન ભણી જોઈને કહ્યું : ‘આપણી પેટી તૈયાર કરો. ગુઝ (રૂ) વધારે લેજો. હેવી બ્લીડિંગ પણ થઈ શકે.’

          દેવરામભાઈના ચહેરા પર થોડા હાશકારો પ્રગટ્યો એ જ ક્ષણે વિલાઈ ગયો. સામે જ બીજા બારણે ગફારશેઠ પ્રગટ્યા! ચહેરા પર દેવરામભાઈ જેવી જ આજીજી. એ જ સબબ, એ જ પરિસ્થિતિ:
          ‘યા અલ્લાહ, બીબીની ચીસો સંભળાતી નથી ને એટલી છટપટે છે કે સુયાણીઓએ હાથ-પગ થામી રાખ્યાં છે. મેડમ, જલદી કરો. એક મિનિટ પણ મોડો ના કરો.’
          મિસ બોન્ડ માટે ખરા અર્થમાં ધર્મસંકટ ઊભું થયું. બન્ને જ કૉલ જેન્યુઈન હતા. બે સ્ત્રીઓની જિદગી એકસરખી રીતે જ આફતમાં હતી. શું કરવું ? પણ ડગમગતા મનને એમણે એક ક્ષણમાં સંભાળી લીધું.
          કાયદો ! હું જે ટ્રસ્ટની સર્વન્ટ છું એનો જ રૂલ છે મુસ્લિમ પહેલાં. સૉરી....સૉરી.....સૉરી.... મુસ્લિમ દરદી પહેલું. સૉરી.   બહુ રકઝક ન થઈ, કારણ કે બંન્ને પેશન્ટના ધણી એકબીજાને ઓળખતા હતાં. ભલે આતંકિત હતા, પણ સમજદાર હતા.
          ‘ગફારભાઈને ત્યાં પતાવીને તરત જ તમારે ત્યાં આવું છું. કીપ પૅશન્સ, દેવરામભાઈ, પ્લીઝ! બેર વિથ મી.’ આ શબ્દો એમની બોબડી ગુજરાતીમાં લેડી ડૉક્ટર બોલ્યાં.
          ઠીક છે. હિંદુના ભાગે નિસાસો હતો. મુસ્લિમના ભાગે રાહતનો દમ. બન્ને અલગ અલગ દરવાજેથી જતા રહ્યા. જતાં જતાં ગફારશેઠ મિસ બોન્ડને કહેતા ગયા :
          ‘ગાડી લઈને આવ્યો છું. બહાર પોર્ચમાં  છે. એમાં હું ઈન્તજાર કરું છું. આવો.’
          થોડી વારે મિસ બોન્ડ દયાબહેન સાથે નીકળ્યાં. હજુ વરસાદ ધીમી ધારે ચાલુ હતો. અગાસીનાં અનેક ભૂંગળાંમાંથી દદૂડાનો જમીન પરના પાણીમાં જોરથી રેડાવાનો અવાજ આવતો હતો. વહેલી સવારે પણ ઘટાટોપ હતું. ટોર્ચનો શેરડો વરસાદની ઘનતાને છતી કરી આપતો હોય એવા પ્રકાશિત થાંભલા જેવો વરતાતો હતો.
          દયાબહેને ટોર્ચનો શેરડો ફેંક્યો. કાળી, લાંબી, શેવરોલેટ ખડી હતી. પતરા પર ઈસ્લામી ચાંદ-તારાનાં નિશાન ક્યાંક ક્યાંક હતાં. એમની પાછળ ઝડપથી મિસ બોન્ડ પોતાના સફેદ ફ્રોક ટાઈપના, ઘૂંટણથી જરા નીચેના એવા ડ્રેસને સંભાળીને ચાલ્યાં. આગળ બેઠેલાએ પાછલી સીટનો દરવાજો ખોલ્યો. એ બન્ને સ્ત્રીઓ બેઠી કે તરત જ પુરુષે ડ્રાઈવરને આદેશ  કર્યો :
         ‘ઝડપથી.’
          જેતપુર તે વળી કયું એવડું મોટું શહેર ? ગલીકૂંચીઓ પાર કરીને પાંચ જ મિનિટમાં મુકામ પર આવી ગયાં. હવે જરા મોંસૂઝણું થયું હતું એટલે આકારો વરતાતા હતા. પણ એ ઊપસતા આકારો વચ્ચે મિસ બોન્ડે શું જોયું ? અરે, ગફારશેઠની મહેલનૂમા કોઠી ક્યાં? આ તો શહેરના નાનકડા એવા ખોડપરાની ગલી. અરે ! એમને આશ્વર્યનો બીજો આંચકો લાગ્યો : આ તો દેવરામભાઈનું ઘર ! ઓ માય ગોડ ! આ કેવી રીતે બને ? ગાડીમાં મને કોણ લાવ્યું ?
એમણે આગલી સીટમાં બેઠેલાની પીઠ પર બેટરીનો શેરડો ફેંક્યો.
          અરે, આ તો દેવરામભાઈ ! દેવરામભાઈ જેવા નોકરિયાત પાસે ગાડી ? અને એ પણ મુસ્લિમ ધર્મનાં નિશાનોવાળી ! એ કેમ બને ?
પિતાજી દેવરામભાઈ પંડ્યા
          પણ વધુ વિચારવાનો સમય શૂન્યના આંક પર હતો, કારણ કે દેવરામભાઈના ઘરની બહાર પણ એક પ્રસૂતિની સાવ નજીક આવી ગયેલી સ્ત્રીના કષ્ટભર્યા ઊંહકારા સંભળાતા હતા અને એ એક એવી લેડી ડૉકટરના કાને પડતા હતા કે જેના હાથે અડધું જેતપુર જન્મી રહ્યું હતું.
          સવાલ-જવાબ કરવાનું માંડી વાળી એ દેવરામભાઈની પાછળ પાછળ અંદર પ્રવેશ્યાં. બેશક, મનમાં એક ફડકો હતો. ત્યાં ગફારભાઈની ઓરતનું શું થશે ? ટ્રસ્ટના નિયમના ઉલ્લંઘન બદલ મારું શું  થશે ?
          પણ ખેર, એમણે બધાં સવાલોને એક તરફ હડસેલી દીધા. પણ ઉતાવળનો એક અંશ શેષ રહી ગયો હશે એટલે એમણે અંદર આવીને ઝડપથી હીરાલક્ષ્મી દેવરામની પ્રસૂતિ પતાવી-ઝડપથી બાળકનો હાથ બહાર ખેંચીને એને માના ઉદરમાંથી પૃથ્વી પર ખેંચી લીધો. બાળકે કંઈક અસામાન્ય એવી ચીસ પાડી હશે, પણ જે હશે એનો ઈલાજ પછી થશે એમ પણ મિસ બોન્ડે વિચાર્યુ હોય, પણ સ્ત્રીનો છેડાછૂટકો થયો. વળી, બાબો હતો. એ બન્ને વાતે એના ઘરનાં રાજી હતાં.
           વળતા ગફારભાઈના યાકુબ મંજિલ સુધી પહોંચતાં મિસ બોન્ડને માત્ર ત્રણ જ મિનિટ થઈ. દેવરામભાઈ વિવેક ખાતર ત્યાં સુધી મૂકવા સાથે આવ્યા ને ત્યારે એમણે ખુલાસો કર્યો :
           ‘હું તો બ્રિટિશ ગવર્નમેન્ટનો નાનો એવો નોકરિયાત ! મારી પાસે ગાડી ક્યાંથી હોય ? હું રજાક શેઠ મિલવાલાની ગાડી માંગી લાવેલો અને પોર્ચના દક્ષિણ છેડે ઊભી રાખેલી. આપે ગફારશેઠને ત્યાં જવાનું હોવાથી મને ના પાડી. હું નિરાશ થઈને ડ્રાઈવરની બાજુમાં જઈને બેઠો. વરસતા વરસાદનો આભાસ હું એ માગી લાવેલી શેવરોલેટના કાચમાંથી જોઈ રહ્યો હતો. મારા કિસ્મતને કોસતો હતો કે માત્ર બે જ મિનિટ વહેલાં આવવાનું મને કેમ ન સૂઝ્યું ? તો આ ગફારશેઠનું ગ્રહણ તો મને ના નડત ! હવે ? શું થશે મારી વાઈફનું અને મારા આવનાર બચ્ચાનું ? પણ ત્યાં જ આકાશમા વીજળીનો કડાકો થયો ને અહીં ચમત્કાર થયો. તમે અને દયાબહેન તો મારી જ ગાડી તરફ આવતાં દેખાયાં ! એને કુદરતનો કોઈ શુભ સંકેત સમજીને મેં જરા હાથ લંબાવીને પાછલી સીટનો દરવાજો ખોલી દીધો. તમે બન્ને બેઠાં અને મેં હળવેથી ડ્રાઈવરને સૂચના આપી : ઝડપથી.
          ઓહ !
       મિસ બોન્ડના દિમાગમાં પણ ગડ બેઠી. ગફારભાઈ અને દેવરામભાઈ બન્નેને રવાના કર્યા ત્યારે ગફારભાઈ કયા દરવાજેથી બહાર ગયા એની સરત ના રહી. પણ એનો વાંધો નહીં. ગફારશેઠ જથ્થાબંધ કટલરીના મોટા વેપારી છે. એમની ગાડી બહાર ખડી જ હોય, ધાર્મિક માનસવાળા છે. ગાડી પર ડેકોરેશન પણ એવા જ હોય. હકીકતે બન્યું હશે એવું કે ગફારભાઈની ગાડી ઉત્તરના દરવાજે ખડી હતી. દેવરામભાઈ માગી લાવેલા એ દક્ષિણના દરવાજે ખડી હતી. એ પણ કોઈ મેમણ શેઠિયાની જ હોય- ને એ પણ એવી જ નિશાનીવાળી- ગફારભાઈ બીજી તરફ રાહ જોતા રહ્યા અને મારા પગ મને દેવરામભાઈવાળી ગાડી તરફ લઈ ગયા. હું એને ગફારશેઠની ગાડી સમજી. ચલો, જે થયું તે, કુદરતના ખેલ ગજબના છે ! પણ જન્મતાંવેંત બાબાએ અસામાન્ય લાગે એવું રુદન કેમ કર્યું ? ઠીક છે, જે હશે એ પાછળથી પૂછી લઈશું. અત્યારે તો ગફારભાઈને ત્યાં....કશું અમંગળ ન બની ગયું હોય તો સારું. ઓ ગોડ !
**** **** **** 

            વાચકો સમક્ષ આ આટલી વાત નામ, ઠામ, ગામ, તારીખ, સમયની ચોક્ક્સાઈથી હું કેમ લખી શક્યો ? એ રાતે વરસાદ મુશળધાર હતો એ વાત પણ એટલી જ સાચી. એક સર્જક તરીકે એમાં વર્ણનાત્મકતાના અંશો મેં બહેલાવીને મૂક્યા હોય તેમ બને, પણ આટલી ઝીણવટથી હું એનું દસ્તાવેજીકરણ કેમ કરી શક્યો ?
           કારણ સાફ છે. એ જન્મનાર બચ્ચું તે હું હતો !
           કુદરતે જો આ વીજળીના ચમકારા જેવો એક આટલો કરિશ્મા ન બતાવ્યો હોત તો જન્મ પહેલાં જ મારું અવસાન (મેડિકલ ટર્મમા ટર્મિનેશન ) થઈ ગયું હોત એમ મિસ બોન્ડ પાછળથી મને કહેતાં હતાં :
અને કહેતાં હતાં કે  માય બોય, જિંદગી જીવવા જેવી ન હોય તો ગ્રેટ જીસસ મારા કદમને યાકુબ મંજિલને બદલે તારા ઘર ભણી ન વાળત.’
           પણ પેલા ગફારભાઈની ઓરતનું શું ?
           મારો કોઈ દોષ નથી, કોઈ અપરાધ નથી, કોઈ જવાબદારી બનતી નથી. મારા સ્વર્ગસ્થ પિતા દેવરામ જયશંકર પંડયાની પણ કોઈ જ ગુનેગારી નથી. છતાં અપરાધભાવે સાથે જણાવું કે ડૉ. બોન્ડના મોડા પડવાથી માતા અને બાળક બન્નેનાં અવસાન થયાં હતાં અને બહુ મોટપણે એ ગફારભાઈને હાથે જ એક વાર મને શાળામાં ઈનામ મળ્યું હતું અને એ હતી વિલ્સનની એક ફાઉન્ટન પેન.
           ગફારભાઈ આઝાદી મળ્યા પછી આમ તો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, પણ ઓગણીસસો ચોપનની સાલમાં કોઈ પ્રસંગે એ ભારત આવ્યા હતા ત્યારે શાળાના એન્યુઅલ ગેધરિંગમાં મને નિંબધસ્પર્ધામાં એમને હાથે ઈનામ મળ્યું. હેડમાસ્તર સિતૂતસાહેબે આ દેવરામભાઈનો દીકરો કહીને ઓળખાણ પણ કરાવી હતી.મારા પિતા પણ એ વખતે સામે જ હતા. સો ટકા કહી શકું કે એ વખતે મને જોઈને ગફારભાઈને એ વરસાદી છતાં ઊજળીને બદલે કાળી ડિંબાગ બનેલી પરોઢ યાદ આવી ગઈ હશે. એમની આંખોમાં એક ચમકારો આવીને વિલાઈ ગયેલો જોયાનું મને આજે પણ તાજું હોય એવું ભીનું સ્મરણ છે. પણ સદા ખટકતી રહેતી એ પત્ની-બાળક ગુમાવ્યાની સ્મૃતિશૂળ છતાં શું એ જિંદગી હારી ગયા હતા ? ના, આ પણ હું પ્રતીતિપૂર્વક કહું છું. મારી પાસે એનો સબળ પુરાવો છે. એ સમારંભમાં અંતે ગ્રાન્ડ ફીસ્ટ (જમણ) વખતે ગફારશેઠની આજુબાજુ દસ-બાર વર્ષનો એક રૂપકડો કિશોર પણ શરારત કરતો ફરતો હતો.
           મારા પિતાએ મને નજીક બોલાવીને કહ્યું :’ગફારશેઠે પાકિસ્તાન ગયા પહેલાં જ કાસમ ઓસમાણની બહેન સાથે બીજી શાદી કરેલી. આ એનો જ છોકરો છે.’
           હાસ્તો, કોઈ જિંદગી શા માટે હારી જાય ? ભૂંકપમાં જમીનદોસ્ત થયેલી ઈમારતો પાછી નવાં રંગરૂપ સાથે આસમાનને ચૂમતી થઈ જાય છે. કાળી પરોઢ પછી પણ ગફારશેઠે પોતાની રીતે બપોરને ચમકતી બનાવી દીધી હતી.
**** **** **** 

પણ છઠ્ઠી જુલાઈ, ૧૯૩૮ની વરસાદી સવારે જન્મેલા બાળકની ચીસ અસામાન્ય શા માટે હતી ? એનો જવાબ હવે આપું. હવે ભેદ ખુલી ગયો છે. પડદો ઊંચકાઈ ગયો છે ત્યારે રહસ્ય અકબંધ રાખવાની વાર્તાકારની ખસલત બાજુએ મૂકીને સીધા જ આત્મકથન રૂપે એ કહું તો સારું.....
          એ ચીસ મારી જિંદગીની પ્રથમ પીડાની ચીસ હતી. એ અવતરવાની પ્રથમ ક્ષણે જ થયેલા અકસ્માતને કારણે મારા જેવા માત્ર અડધી જ મિનિટની ઉંમરના બાળકને થતી અસહ્ય વેદનાની ચીસ હતી. મને જન્માવવાની ભીતીભરેલી ઉતાવળમાં મિસ બોન્ડે મારું બાવડું જોરથી ખેંચી લીધું એમાં મારા બાવડાની હાડકી એ જ ક્ષણે તૂટી ગઈ. હાથ ખડી ગયો એમ કહી શકાય. મારી બાનો છેડાછૂટકો કરાવીને મિસ બોન્ડ તો ત્વરાથી રવાના થઈ ગયાં, પણ મારી જિંદગીની પ્રથમ પીડાનું પ્રકરણ શરૂ કરતાં ગયાં, અજાણતાં જ.
          ચુમ્મોતેર વર્ષ અગાઉના એ જમાનામાં ઓર્થોપેડિક સર્જન તો જેતપુરમાં ક્યાંથી હોય ? મોટા શહેરમાં હોય તો પણ આવું જીવનની પહેલી ક્ષણનું ફ્રેક્ચર એ કેવી રીતે, કયા સાધનો, કઈ તરકીબથી ઠીક કરત એ માત્ર કલ્પનાનો વિષય છે. એ યુગમાં અણધડ વાળંદો કે એવા કોઈ અધકચરા હાડવૈદ્યને હાથે હાડકાંનાં કામ થતાં, પણ આવો અનોખો કેસ કોણ હાથમાં લે ? મારાં મા-બાપ બહુ મૂંઝાતાં હતાં. અરે, રડતાં જ હતા. બાબલો જન્મ્યો તો તંદુરસ્ત, પણ જમણા હાથે ઠૂંઠો થશે એ વાત સૌ કોઈએ નિયતિ ગણીને સ્વીકારી લીધી, પણ મારું પીડાનું આક્રંદ કોઈથી જોયું જતું નહોતું. એ સાથે જ ઠૂંઠા હાથે આ છોકરો મોટો થઈને શું કરી શકશે એની બહુ આઘેની કલ્પના સૌના મનમાં બહુ કરુણ ચિત્રો ઉપસાવતી હતી. એ જમાના મુજબ તો ઠૂંઠો માણસ ભિખારી સિવાય બીજું શું બને ?
            એ જ દિવસોમાં એક લાંબો-પડછંદ, બલૂચિસ્તાનનો પઠાણ અમારે ત્યાં આવ્યો. જેતપુરમાં એ ઉસ્તાદ બંદૂકિયાના નામે ઓળખાતો હતો, કારણ કે એ દરબારોની બંદૂકો રિપેર કરતો હતો ને ખૂદ બંદૂકો વેચવાનો પરવાનો ધરાવતો હતો. મારા પિતાને એવા પરવાના રિન્યુ કરવાની સત્તા હતી એટલે એવા સંબંધની મિષે એ અમારે ત્યાં આવ્યો અને સાહેબના બાબલાના હાથમાં કંઈક મૂકવું જોઈએ એવા ઔપચારિક વિવેકથી એણે મારી હથેળીમાં એક રૂપિયાનો ચાંદીનો રાણીછાપ સિક્કો મૂકવાની ચેષ્ટા કરી અને એ નિમિત્તે મારા હાથનું જરા હલનચલન થતાં જ ફરી મારી ચીસ ફાટી ગઈ. ઉસ્તાદ હબકી ગયા. અપરાધભાવથી મને થપથપાવવા માંડ્યા તેમ તેમ મારી ચીસો મોટી થતી ગઈ.
          મારી બાએ મને ગોદમાં લીધો ત્યારે ઉસ્તાદની અનુભવી નજરે પારખી લીધું કે ભાઈના જમણા હાથમાં, બલકે બાવડામાં તૂટ છે. એમણે માંગીને મને એમના ખોળામાં લીધો. ઝભલું ઊંચું કરીને જોયું તો ઉપર હળદરનો લેપ હતો અને માનતાનો એક કાળો દોરો.
          એ ઉસ્તાદ બંદૂકિયાએ મારી બાને કહ્યું : ‘ તમે ફિકર ન કરશો, મારી બહેન, તમને ખબર નહીં હોય કે હું હાડકાંનું કામ પણ કરું છું. અલ્લાતાલાનો કરમ હશે તો ભાઈનો હાથ હું દુરસ્ત કરી આપીશ.’
          મારી બા નિરાશાથી ઘેરાયેલી હતી :’બે મહિનાના આ પોચા રૂ જેવા પુંખડાનો હાથ તમે શું ઠીક કરવાના ? દાક્તરેય હાથ ધોઈ નાખ્યાં છે. એ ઠૂંઠો જ રાહેવાનો. જેવા અમારાં ભાગ્ય !’
          ‘ના, ના, જો જો ને! ’ ઉસ્તાદ બોલ્યા : ‘એ હાથે તો એ સારાં સારાં કામ કરશે, કુદરત ખુદા કી.’
"તમે ફિકર ન કરો, બહેન!" 
           ના. એ કોઈ નજૂમી-ઓલિયો નહોતો. એ આશા અનુભવનારો અને આશાનાં બીજ ઠેર ઠેર વેરનારો અભણ મુસલમાન કારીગર હતો. અહીં તો આવું સારું સારું જ બોલાય તેવી સભાનતા પણ કદાચ એનામાં નહોતી. ઈરાદા વગર, જેમ સહજતાથી, સભાનતા વગર આપણે શ્વાસમાં પ્રાણવાયુ લઈએ-ખેંચીએ છીએ તેમ રોજિંદા જીવનમાંથી એ માણસ આશા ખેંચતો  રહેતો હતો અને સૌને વહેંચતો ફરતો હતો. અલબત્ત, મારાં મા-બાપને એણે આપેલી આશા થોડી વજુદવાળી લાગી હતી, કારણ કે એ થોડું થોડું હાડવૈદું  જાણતો હતો.
          મારા બાવડે બાંધેલો કાળો દોરો એણે દૂર કર્યો અને રોજ સવારે દસના ટકોરે આવીને મારા કોમળ હાડકાંને માલિશ કરવાનું શરૂ કર્યું. કયું ઔષધ, કયું તેલ, કયો લેપ, એ યુનાની કે દેશી એની પણ ખબર નહોતી. પરિણામ સાથે નિસબત હતી. ગોઠવીને મુકાતી બે ઈંટોની જેમ હાડકીના તૂટીને જરા ઉપર-નીચે થયેલા ટુકડાને એમણે કોઈ ગજબની સિફતથી લાઈનમાં મૂકી દીધા.એલાઇનમેન્ટ કરી દીધું. ધીરે ધીરે એટલે કે લગભગ ચાર માસમાં મારું બાવડું નોર્મલ થયું. મારી નવ-દસ માસની ઉંમર સુધીમાં તો હું બીજાં બાળકોની જેમ બન્ને હાથ-પગ ઉછાળીને ઘૂઘવાટા કરતો થઈ ગયો હતો એમ મારાં મોટાબહેન કમુબહેન આજે પણ યાદ કરીને કહે છે.
          જરા સમજણો થયો ત્યારે મને એ માણસને જોવાની તીવ્ર ઈચ્છા થઈ આવી હતી. પણ એ તો પાકિસ્તાન થતાં પહેલાં જ બલૂચિસ્તાન ચાલ્યો ગયેલો. એણે તો મારી જિંદગી જીવવા જેવી બનાવી હતી, પણ સોળેક વર્ષની ઉંમરે મેં મારી શાળા કમરીબાઈ હાઈસ્કૂલના હસ્તલિખિત મેગેઝિન પરાગમાં જીવનની  વસંતતિલકા છંદમાં પહેલી કવિતા લખી ત્યારે ભારે અનુગ્રહભાવથી એ ઉસ્તાદ બંદૂકિયા મને યાદ આવ્યા હતા. એમ થયું હતું કે આ જમણા હાથે લખેલી કવિતામાં એની પણ દેણગી છે.
           એ પછી વર્ષો વીતી ગયાં. મારી સત્તાવીસ વરસની વયે મને સવિતા મેગેઝિનની વાર્તાસ્પર્ધામાં પહેલું ઈનામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે રાજકોટમાં એનો સમારંભ યોજવાના દિવસોમાં એમણે અચાનક દેખા દીધી. બલૂચિસ્તાન પછી આમ તો પાકિસ્તાનના કોઈ નાના ગામમાં સેટલ થયા હતા. ભારત આવવાનું કોઈ કારણ નહોતું. પણ ૧૯૪૧-૪૨માં એ હિંદુસ્તાનમાં હતા ત્યારે દીકરી જન્મી હતી. હવે એ ઉંમરલાયક થઇ હતી, એનાં લગન હવે લેવાનાં હતાં. એના જન્મનો દાખલો જેતપુર મ્યુનિસિપાલિટીમાંથી લેવાનો હતો.
          એમાં જરા મુશ્કેલી હતી. એમાં મારા પિતાની  મદદ લેવા આવ્યા ત્યારે હું પણ જેતપુરમાં હાજર હતો. અમે સૌ એમને જોઈને રાજીરાજી થઈ ગયા, પણ ઉસ્તાદ દુઃખી હતા, કારણ કે મ્યુનિસિપાલિટીમાં એમને કોઈ દાદ આપતું નહોતું. કારણ કે એ પાકિસ્તાની નાગરિક હતા. મારા પિતા પાસે એમણે આમાં મદદરૂપ થવા વિનંતી કરી કે એમણે મારા ભણી આંગળી ચીંધી :
          ‘જુઓ ઉસ્તાદ, હું હવે અમલદાર નથી. સામાન્ય અરજી લખવા-ઘડવાનું કામ કરતો પરવાનેદાર છું હવે આ રંજુ (મારુ હુલામણું નામ ) સાહેબ છે. તમારા જ સાજા કરેલા હાથે એ ભણીગણીને....’
           આટલું સાંભળતા જ  ઉસ્તાદ ધ્રૂસકે ચઢયાં. પીળો સાફો, સફેદ લાંબી દાઢી, એકદમ કરચલીવાળી સિકલ, ગોરો વાન ને સફેદ ભવાં નીચે માંજરી પારદર્શક આંખોની ઉપર એક તરફ તૂટેલી દાંડલીની જગ્યાએ દોરી બાંધીને કાનમાં ભરાવેલી ચશ્માંની ફ્રેમ ને છતાં પૂરા પઠાણી. પહોળા-શિથિલ પણ મેલા ડ્રેસમાં એમને આ રીતે રડતા જોઈને મને એ ન સમજાયું કે એ શા માટે ભાંગી પડયા ? પણ પછી જે રીતે નજીક આવીને એમણે મારા માથે હાથ ફેરવ્યો એ જોઈને સમજાયું કે એ આંસુ હરખનાં હતાં. એમનો અવાજ બેસી ગયેલો તો હતો જ ને એમાં વળી ડૂમો ભળ્યો. પણ બોલ્યા એ હૃદયના તળિયે જઈને ઠરી ગયું : ‘ઈધર સે ઉધર ઔર ઉધર સે ઈધર બોરિયા-બિસ્તરા પીઠ પર ઢો કર જિંદગી સે તંગ આ ગયા થા, મગર આજ લગતા હૈ કિ જિંદગી કે કુછ મોડ ખૂબસૂરત ભી હોતે હૈ, જીતે હૈ,બસ, જી લેના ચાહિયે.’
         જોગાનુજોગ એ વખતે હું સરકારી ઑડિટર હતો. (સાહેબ હતો ) ને  સુધરાઈઓમાં ઑડિટ કરતો હતો. સુધરાઈમાં મારી બરોબર વગ ચાલે. ને વળી રિટાયર્ડ ચીફ ઑફિસર ( હવે તો સ્વર્ગસ્થ ) ચત્રભુજ દવે કે જે માણસ બેઝિકલી જ ભલા હતાં, એ મારી મદદે આવ્યાં. જૂના રેકૉર્ડ ફેંદાવ્યા. મળ્યું, પણ તકલીફ એ થઈ કે એમાં જન્મેલી પુત્રીનું નામ મુન્ની લખાવ્યું હતું. જયારે એમની પુત્રીનું નામ એમણે રઝિયા પાડ્યું હતું. સર્ટિફિકેટ કેવી રીતે મળે ? પણ ખેર, રસ્તો કાઢયો. એક સોગંદનામું કરાવવામાં આવ્યું. પણ ઉસ્તાદથી તો એ ન થાય, કારણ કે એ પાકિસ્તાની નાગરીક હતા. છેવટે જાણકાર વ્યક્તિ તરીકે મારા પિતાએ કર્યું. એ માન્ય રહ્યું (બલકે રખાયું ) ને રઝિયાનું બર્થ સર્ટિફિકેટ મેળવીને એમના હાથમાં સોંપ્યું. ત્યારે ઉસ્તાદ બંદૂકિયા બોલ્યાં: મૈને આપ કે બેટે કો વાપસ કિયા, આજ આપને મેરી બેટી દિલવા દી.’
          એ પછી થોડા જ દિવસોમાં રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડમાં આવેલા રેલવે હૉલમાં સવિતાનો સુવર્ણચંદ્રક સમારંભ થયો ત્યારે મારું એક લેખક તરીકે દબદબાભેર સમ્માન થયું. મારી છાતીએ સુવર્ણચંદ્રક ઝુલાવવામાં આવ્યો, ત્યારે ભારતીય બેઠકોવાળા એ હૉલમાં ખૂબ છેવાડે ઉસ્તાદ પલાંઠી નહોતા વાળી શકતા એટલે પગ લાંબા કરીને બેઠા હતા. એમણે મારો જમણો હાથ ઠીક કરી આપ્યો હતો ને હાથે મેં એવું કાંઈક કર્યું હતું, જેને સમાજ વચ્ચે સુવર્ણચંદ્રકનું બહુમાન મળતું હતું એ જોઈને એમની નજરમાં કેવી ખુશી છલકાતી હશે એ હું જોઈ શકતો નહોતો, કારણ કે એ બહુ દૂર બેઠા હતા. બાજુમાં એમની જુવાન દીકરી રઝિયા બેઠી હતી.


સવિતા વાર્તા હરિફાઈના આ સુવર્ણચંદ્રક સમારંભમાં ઉસ્તાદ હાજર રહ્યા. 

         અચાનક એ મને મળવા ઘેર આવ્યા. મારી જિંદગી એ વખતે બીજા એક ભયાનક સંઘર્ષમાં અટવાયેલી હતી. મારી પાસે પૈસા નહોતા, પણ એમણે આવીને એ સુવર્ણચંદ્રક જોવાની ઈચ્છા વ્યક્ત કરી. હકીકતે મારે એ વખતે રૂપિયાની સખત જરૂર હોવાથી એને વેચી નાખવાનો હતો એટલે એનો ફોટો પડાવી લેવા બહાર લઈ જતો હતો ત્યાં જ એ આવ્યા. એમણે ચંદ્રક હાથમાં લીધો ને પછી રઝિયાના ખભાનો ટેકો લઈને ખુરશીમાંથી ઊભા થયા. મેં ન કલ્પી હોય એવી એક ચેષ્ટા એમણે કરી. એમણે મારા જમણા બાવડે, પેલા દૂર કરી નાખેલા કાળા દોરાની જગ્યાએ ચંદ્રકને એની લાલ રિબન વડે બાંધી દીધો. એ વખતની થ્રિલ આજે પણ હું અનુભવી શકું.
કાશ, એ દૃશ્ય હું કેમેરામાં ઝડપી શક્યો હોત ! મેં મારી પાસેની એક ચશ્માંની ફ્રેમ તેના નવા ઘરા (કેસ) માં મૂકીને એમને આપી, એમણે એ સ્વીકારી અને એટલું જ કહ્યું :
         ‘અલ્લાહ કરે, જોરે કલમ ઔર જિયાદા.....ખુદા કરે, તારી કલમમાં વધુ તાકાત પ્રગટે.
        પછી એ પાકિસ્તાન ચાલ્યા ગયા. દૂર બહુ દૂર. હવે કદાચ એ આ દુનિયામાં ન પણ હોય અને હોય તો રૂબરૂ મળવાનું ક્યાં બનવાનું છે ? પાકિસ્તાનમાં એ ક્યાં હશે, કોને ખબર ? રઝિયા પણ મારી જેમ વયસ્ક-વરિષ્ઠ નાગરિક બની ગઈ હશે.
          કંઈ નહિં. છેક ગયા દસકા સુધી પાકિસ્તાનના ગુજરાતી પત્રોમાં વિશેષ તો જનાબ પ્લાણીનુંમેમન ન્યુસ અને બીજું વતનમાં અવારનાર મારાં લખાણ પ્રગટ થતા હતાં અને મને મારા બાળપણના શેરીગોઠિયા પત્રકારમિત્ર યાહ્યા હાશિમ બાવાણી કયારેક એ મોકલતા હતા (હવે એ જન્નતનશીન છે), પણ  છપાયેલાં મારાં એ લખાણો જોઇને બહુ રોમાંચક કલ્પનાઓ મનમાં જાગતી હતી. ખ્વાઈશ પણ ઉપજી આવતી હતી કે કે ક્યારેક ઉસ્તાદ બંદૂકિયા કે એના વંશજો મારું નામ વાંચીને મને મારા જમણા હાથના બાવડાના સંદર્ભમાં ઓળખી પાડે-કે અરે, આ તો એ લેખક કે જેને આપણા અબ્બાજાને લખવાજોગ બનાવ્યો.
          મિસ બોન્ડ, ઉસ્તાદ બંદૂકિયા આ તો મારી જિંદગીમાં મળેલા આવા જીવનની બેટરી ચાર્જ કરી આપનારાં અસંખ્ય પાત્રોમાંથી માત્ર બે જ છે કે જે જીવન પ્રત્યે ક્યારેક પ્રગટતી કડવાશ, ફરિયાદ, કંટાળાની ક્ષણોમાં જિંદગી જીવવાલાયક બનાવી દે છે !   

6 comments:

  1. Sumant Vashi ChicagoJuly 14, 2012 at 11:31 PM

    સ્નેહાળ ભાઈશ્રી રજનીભાઈ, બિરેનભાઈ
    આભાર ..સદગત મિસ બોન્ડ અને ગુમસુદા બંદુકિયા બંને મગજમાં ઘર કરી ગયા, અશક્ય છે કે એ ત્યાંથી દુર ખસે.
    સુંદર અતિસુંદર.
    દાદુ શિકાગો

    ReplyDelete
  2. રજનીભાઈ: અદભુત, અદભુત કથા.
    "Fact is Stranger Than Fiction"

    ReplyDelete
  3. રજનીભાઈ: અદભુત, અદભુત કથા.

    ReplyDelete
  4. સુધા મહેતાJuly 15, 2012 at 11:17 AM

    આ વાત વાંચીને ભાવવિભોર થઇ જવાયું. ક્યાંથી કોઈ ને કોઈ રીતે ભગવાન પોતાના હજારોમાંથી આ રીતે એકાદ બે હાથ ફેલાવીને મદદ કરતો રહે છે? બહુ જ હૃદયસ્પર્શી રીતે અનુભવની વાત લખી છે અને તમે જેમ કહ્યું છે તેમ જિંદગીમાં આવતા કંટાળા કે ફરિયાદ કે કડવાશના સમયે અમે સહુ વાચકો પણ આ પળો અને બનાવોને યાદ કરીને ફરીથી જીવવાનું જોમ મેળવી શકીએ આ તેવી વાત છે. તમારો અભાર.

    ReplyDelete
  5. નરેન્દ્રસિંહ રહેવરJuly 16, 2012 at 7:25 PM

    આપના વતન જેતપુરની સર આદમજી હોસ્પિટલ,ડો.મિસ બોન્ડ અને ઉસ્તાદ બંદુકિયા
    સાથે રૂબરૂ મુલાકાત કરાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર. મઝા આવી ગઈ.

    ReplyDelete
  6. આ લેખ વિષે મારી પાસે કહેવા માટે કશુંયે નથી. બસ એ લેખનાં તમામ પાત્રો અને એ વરસાદી રાતને હું ખુલ્લી આંખોએ મહેસુસ કરતી જ રહી અને કરી રહેલી છું.

    ReplyDelete