Thursday, March 20, 2014

લે,ઉતાવળ કર ખુદા, એનો ન કર લાંબો હિસાબ !


એક કંપતો, દબાયેલો અને કંઇક દબાયેલો સ્ત્રી-સ્વર પૂછે છે: આપ એ જ ?
કેમ સવાલ અધૂરો લાગ્યો ? ના, અધૂરો તો આપણને લાગ્યો. સાંભળનારને તો પૂરેપૂરો પહોંચ્યો. ભલે એના ચહેરા પર આગથી ચકામા પડી ગયા હતા, નેણ અર્ધાં બળી ગયાં હતાં અને ગળે પાટો બાંધ્યો હતો. પણ દિમાગ સાબૂત હતું. જબાનને પણ વાંધો નહોતો આવ્યો, આંખોનો જ્યોતિ આ હવાઇ અકસ્માતમાં પણ અખંડ રહ્યો હતો. એમણે કહ્યું: "હા,બહેન હું એ જ. એ જ ત્રિપાઠી. કમભાગી ગણો કે સદભાગી,પણ હું એ જ. 
સ્ત્રીની આંખો ભીની થઇ ગઇ. બોલી : "સદભાગી જ વળી. એકસો ને વીસ પેસેન્જરમાંથી એકસો એકવીસ  કમભાગી.
હા, મારા ઉપરાંત બીજા એક અગરવાલજી પણ બચી ગયા છે.” ત્રિપાઠીએ કહ્યું:તમે તેમની પાસે જઇ આવ્યાં?
એમની પાસે જઇને શું કરું ? સ્ત્રી બોલી : "એ કંઇ કહી શકે એમ નથી. મુંબઇ એરપૉર્ટથી એરક્રાફટ બૉર્ડીંગ કર્યું ત્યાં સુધીનું જ અને ત્યાર પછી છેક અમદાવાદમાં બેભાનીમાંથી બહાર આવ્યા ત્યાર પછીનું જ એમને યાદ છે. પ્લેન ક્રેશ થયાની કોઇ વાત એમને યાદ નથી.
ખરી વાત છે,” ત્રિપાઠી બોલ્યા, "એને એમ્નેશિયા કહેવાય. જે હકિકતો એમની માનસિક સ્વસ્થતાને હચમચાવી નાખે તેવી છે તેને કુદરતે એમના મેમરી કાર્ડમાંથી હટાવી દીધી છે,નહિંતર ...
સ્ત્રીએ નજરમાં સવાલ પેદા કર્યો એટલે ત્રિપાઠીએ જવાબ દેવો જ પડ્યો: નહિંતર એ ક્રેશમાં એમણે પોતાની પત્ની શોભાદેવીને અને અગીયાર માસની દીકરી રૂહીને ગુમાવી છે,એ હકિકતે એમને પાગલ કરી દીધા હોત.
તો શું એ હજુ જાણતા નથી કે એમનાં વાઇફ અને ડૉટર હવે આ દુનિયામાં નથી ?
ના,એવું નથી બહેન, લોકોએ એમને એ તો કહ્યું જ હોય અને એ એમણે સ્વિકારી પણ લીધું હોય પણ એમને એટલી બે લીટીની જાણકારી આપનારા લોકો પણ જાણતા ના હોય એવી બીજી ઘણી વાતો હોય છે. જે સાંભળી ના શકાય તેવી હોય. કહેનારાઓએ જોયું નથી હોતું એ સારું છે. અને જેણે જોયું છે એ ખુદ અગરવાલજીના મગજમાંથી કુદરતે એ ભૂંસી નાખ્યું છે.એ પણ સારું છે.
થોડીવાર મૌન છવાઇ રહ્યું, ત્રિપાઠીને જાણવું હતું કે આ બાનુ મારી પાસે શા માટે આવ્યાં છે ?એમને શું જાણવું છે?
તમારે મને કંઇ પૂછવું હતું ? તમારા કોઇ સ્વજન એમાં હતા ?
આ સવાલ પૂછ્યા પછી ત્રિપાઠીને થયું કે એ સવાલનો જવાબ તો બહેનના સફેદ સાડલા, ઉજ્જડ સેંથો અને અડવા હાથ પરથી જ મળી જવો જોઇતો હતો. પૂછવું જોઇતું નહોતું.
સ્ત્રીએ હોઠ બીડી દીધા. કદાચ અઘરું એવું કંઇ બોલવાની તેયારીમાં એમ કર્યું હશે ! પણ ના, અંદરથી ઉમટી આવેલી પીડાના પૂરે કદાચ એનો સ્વર રૂંધી દીધો હતો,
લોકો ઘણી ઘણી આશાઓ લઇને મારી પાસે આવે છે,” ત્રિપાઠીએ એને એ મનોદશામાંથી બહાર કાઢવા ખાતર  કહ્યુ:કારણ કે પ્લેનમાં જેટલા પેસેન્જરોએ બૉર્ડ કર્યું હતું એ બધાના અવશેષો નથી મળ્યા. હું સમજું છું કે એ બધા ભસ્મિભૂત થઇ ગયા છે અને એમના સ્વજનો માને છે કે એ જીવિત છે અને કોઇને કોઇ અજ્ઞાત સ્થળે બેભાન અવસ્થામાં પડ્યા છે. જે એરહૉસ્ટેસ પ્રતિભા મારી નજર સામે જ આગનો ગોળો બની ગઇ તેના સ્વજનોને કોઇ જ્યોતિષીએ કાચના ગોળામાં જોઇને કહ્યું કે એ જીવિત છે અને અમદાવાદની પશ્ચિમ દિશામાં આવેલા હનુમાનજી કોઇ મંદિરમાં એક બાવાજીને ત્યાં બેભાન અવસ્થામાં પડી છે. એ લોકો છેક બેંગલોરથી અહિં દોડી આવ્યા. વિજયા બેંકના એક કર્ણાટકી મેનેજરને મળ્યા,એમણે એક ગુજરાતી ઑફિસરને તેમની સાથે ગુજરાતી ભાષામાં છાપેલી પ્રતિભાના ફોટાવાળી અપિલનો થોકડો આપીને મોકલ્યા. ચાર ચાર દિવસ સુધી એ લોકો એ દિશાના ખૂણે ખાંચરે ફરી વળ્યા, પણ પ્રતિભા આ દુનિયામાં હોય તો મળેને ?” ત્રિપાઠીએ આટલું બોલ્યા પછી બહેન સામે સીધી આંખ માંડી. કહ્યું :એવી કોઇ અપેક્ષા હોય તો મારી બહેન. સ્વરમાં સંવેદન ઘોળીને એમણે વાક્ય પૂરું કર્યું:  "તો એ વ્યર્થ છે
સ્ત્રીએ રૂમાલથી આંખો લૂછી, જરા સ્વસ્થ થઇ. "મારી એવી કોઇ અપેક્ષા નથી. મને પણ એમનું ડેડ બૉડી મળ્યું નથી.
શું નામ હતું એમનું ?
રાગીલ ધોળકીયા
ઓહ!” ત્રિપાઠીથી ઉદગાર થઇ ગયો.: " એ તો મારી બાજુમાં જ હતા. અને છેલ્લે છેલ્લે ચા પણ સાથે જ પીધેલી. અને  એક ભયાનક ધડાકા પછી મેં એમને મારી નજર સામે જ ....
ના બોલી શકાયું આગળ. ગળા નીચે ઘૂંટ ઉતારીને ત્રિપાઠીએ વાતને વાળી લીધી તમને હું કહેતો હતો ને બહેન, કે અમુક વાત ન સાંભળવી જ સારી,.  તે આ..
મારે સાંભળવી છે.” સ્ત્રી મક્કમ અવાજે બોલી: "મેં વગર સાંભળ્યે સાંભળી લીધી અને મારા મનના સાતમા પાતાળ સુધી ઉતારી લીધી. પણ મારે જે તમારી પાસેથી જે જાણવું છે તે બીજું જ કાંઇક છે." 
ત્રિપાઠી એની સામે તાકી રહ્યા.
કે એમને બળતા બહુ વાર તો નહોતી લાગી ને ?એ છલોછલ ભીના અવાજે બોલતી હતી. આ પૂછવાનું કારણ એટલું જ કે નાનપણથી જ્ એમને અગ્નિનો બહુ ડર રહેતો, દિવાળીના દિવસોમાં દીવા કરવાની કે ફટાકડા ફોડવાની પણ અમારા ઘરમાં મનાઇ રહેતી, એટલે એટલે ,,,.." 

ત્રિપાઠીએ આંખો બંધ કરી દીધી.


(શિર્ષક: શાયર મહેન્દ્ર સમીરની એક પંક્તિ, થોડા ફેરફાર સાથે)

('નવગુજરાત સમય'માં પ્રકાશિત 'ઝબકાર', તા: ૯-૦૩-૨૦૧૪) 

Sunday, March 2, 2014

મોં

કદાચ એક વાર પણ એ મોં જોઈ શકાયું હોત !
તો પછીની કલ્પના હું કરી શકતી નથી. કારણ કે મારા નાનાનું શબ સામે જ પડ્યું છે. સફેદ ચાદર ઓઢાડેલી છે, અને એક તરફથી હાથનો કૃશ પંજો બહાર નીકળી આવ્યો છે. સામે જ હડપચીએ હાથ દઈને મામા બેઠા છે. પ્રવાહીનું બન્યું હોય એવું એમનું મોં લાગે છે. એ ઘણું રડ્યા હતા એમ પાડોશીઓ કહે છે. બાપનું મૃત્યું થાય એટલે દીકરો ઘણું રડે. મારી મમ્મી તો છેક લંડન બેઠાં-બેઠાં પોતાના પિતા મરણપથારીએ હોવાના સમાચારથી જ ખૂબ રડી હતી. પણ પપ્પા રડ્યા નહોતા. નાનાની અંતઘડીઓ ગણાય છે એવો કેબલ આવ્યો ત્યારે જાણે કશું વાંચતા જ ન હોય એવી રીતે વાંચી સંભળાવ્યો હતો. વાંચ્યા પછી એમના મોં પર ખૂન કરવું હોય એવી ક્રૂરતા જન્મી હતી. મારી પાસે આવીને મારી પીઠ પર હાથ પસવારીને એ બોલ્યા, તને હવે બહુ જલદી લાખો રૂપિયા મળશે, મને ખબર તો હતી જ કે નાનાએ વસિયતનામામાં મારા નામે થોડા લાખ રૂપિયા અલગ મૂક્યા છે. એવી જાણથી વારંવાર આનંદ પણ થતો હતો, પણ એક ખટકો રહ્યા કરતો હતો મનમાં, કે બીજું કંઈ નહીં પણ એકાદવાર નાનાને જોયા હોય તો ઠીક, ઠીક કરતાં પણ કંઈક વિશેષ સારું. પપ્પાએ મને લાખો રૂપિયાવાળી વાત કરી કે તરત જ દુશ્મન હોઉં તેમ મને પપ્પાના જ મોતની કલ્પના આવી ગઈ. એ ભોંય પર લાંબા થઈને પડ્યા હોય અને એમના મોં સુધી ચાદર ઓઢાડી હોય એવું મારી સામે દેખાયું. જો કે એ દ્રશ્ય ભૂંસી નાખવા માટે મેં તરત જ એમને મમ્મી  સામે કંઈક બબડતા જોઈ લીધા. નિરાંત થઈ. જો કે મમ્મી કેબલ હાથમાં લઈને ધ્રુસકેધ્રુસકે રડતી હતી. મોં તો જોઈ શકાતું નહોતું, પણ મોં ઊંચું કર્યા પછી એ કેવી લાગશે એની કલ્પના આવી ગઈ. પપ્પા એની પાસે ગયા. મમ્મીની સફેદ પીઠ આંચકા લેતી ઊંચે-નીચે થતી હતી. એની પર હાથ મૂકીને એ બોલ્યા, મારા વતી રડીશ મા. તારા ભાગનું જ રડજે ને વળી મારા તરફ જોઈને એમ બોલ્યા કે એક સથવારો છે. તારે એકલીને ઈન્ડિયા જવું હોય તો જલદી જા. તને એમને મરણ પામતા જોવાની તક મળશે આવું બોલ્યા. હું તો સાંભળી જ રહી. શું કહું ?
મમ્મી  વારંવાર કહેતી કે પપ્પાને નાના સાથે કરપીણ વેર થઈ ગયું છે, મને એટલી તો ખબર છે કે વેર શબ્દ સાથે કંઈ કરપીણ શબ્દ ન વપરાય. પણ એ બન્ને વચ્ચેના વેરની તીવ્રતા જોતાં કરપીણ શબ્દ મને વધારેમાં વધારે નજીકનો લાગે છે.વેરનાં ઘણાં કારણો મમ્મીએ મને કહ્યાં હતાં, પણ મને એમાંથી કોઈ કારણ વેરની ગરમી જોતાં બંધબેસતું લાગતું નહોતું. મને તો ઊલટું એમ લાગે છે કે એ તો બધાં એમની વચ્ચે ઘર્ષણ પેદા થઈ શકે એટલા માટે જરૂરી નિકટતા સ્થાપવાનાં કારણો હતાં. મને તો લાગે છે કે આવાં કેટલાંક વેર કારણોની પરવા કર્યા વગર જ પેદા થતાં હશે. -મમ્મી પપ્પાના પ્રેમલગ્ન થયા એથી નાના ભારે-ભારે એટલે ભારે નારાજ થયા હતા. અને એ નાલાયકનું નામ જ મારા સામે લઈશ મા. એમ મમ્મીને કહ્યા કરતા, ને એમ કહ્યા પછી આંખો કરડી કરીને આગ વરસાવતા હતા, એમ પણ મમ્મી  કહેતી હતી. પણ એથી શું ? લગ્ન તો આખરે થયાં જ. એ લગ્નને કારણે જ નાના અને પપ્પા વચ્ચે સસરા-જમાઈનો સંબંધ સ્થપાયો. એ બન્ને વચ્ચે એટલી નિકટતા તો જન્મી ! બરાબર. પછી હું જન્મી. ઈંગ્લેંડમાં જન્મી. પપ્પા મારા પપ્પા બન્યા અને નાના મારા નાના બન્યા. સંબંધોનો દોર મારી આસપાસ જ વીંટળાયો. મારા જન્મ વખતે મમ્મી  ઉપર નાનાનો પત્ર આવ્યો કે દીકરી જન્મી જાણીને ઘણો સંતોષ થયો છે. કોણ જાણે કેમ આમ લખ્યું હશે ! પછી પાંચ-છ વરસે નાનાએ મમ્મીને લખ્યું કે તારી છોકરીનો ફોટો મોકલ. મોટો ફોટો, એકદમ ક્લોઝ-અપ ગયો. એ વખતે પપ્પાએ ઘણો વિરોધ કર્યો. પણ મમ્મીએ કોઈક યુક્તિથી કામ લીધું. હું ભૂલી ગઈ છું, પણ એવી કોઈ યુક્તિ હતી કે મારો ફોટો મોકલી શકાયો. મને લાગે છે કે એ પણ નિકટ આવવાનું જ એક કારણ થયું. આ પછી મારી આઠ વર્ષની ઉંમરે અમે ખ્રિસ્તી બન્યા. લંડન ટાઈમ્સમાં ડેકલેરેશન આપ્યું-ફોટા સાથે. તે દિવસે રાતે કંઈક ગરમાગરમ ચર્ચા થઈ હતી. મોકલ, મોકલ કહું છું. ડેકલેરેશનની આ કાપલી ઈન્ડિયા મોકલ, ખરી હો તો ! કહું છું. એમ ધગીને પપ્પા બોલ્યા. (પપ્પા નાનાનું નામ ન લેતા. ઈન્ડિયા કહેતા એટલે સમજી જવાનું) ને નવાઈ ! મમ્મીએ ખરેખર એ કાપલી કાપીને નાનાને મોકલી. મમ્મીએ કોઈ યુક્તિથી કામ ન લીધું. નહીંતર અમારા ખ્રિસ્તી થવાના ખબર નાનાને લાંબા સમય સુધી ન પડ્યા હોત. પણ મમ્મીએ હિંમત કરી. કોણ જાણે કેમ, પણ કરી જ. મમ્મીએ જવાબની આશા નહીં રાખેલી, પણ પંદર જ દિવસમાં ટપાલ આવી. પપ્પા હાજર હતા. સરનામા પર ઝડપથી નજર ન ફેરવી હોય એમ ફેરવી, હોઠ ચાવ્યા. અને ભ્રૂકુટી ઊંચી કરી. મમ્મી તરફ કવર એવી રીતે લંબાવ્યું કે જાણે કે કશેક ફેંકતા હોય, આવી અંગારા જેવી ક્ષણોને સહન કરી લેવાની તેવડ મમ્મીએ કેળવી લીધી હતી, એટલે વાંધો ન આવ્યો, એમણે મૂંગામૂંગા કવર લીધું. સરનામા પર બરાબર નજર ફેરવી. કવર ચીર્યું. અંદરથી ગુલાબી રંગનો કાગળ નીકળ્યો. નાનાના ડાબી જમણી બન્ને તરફ ઢળતા અક્ષરોને હું દૂર ઊભી ઊભી ઓળખી ગઈ. અંદર લખ્યું હતું : છોકરીનો ફોટો જોઈ ઘણો જ રાજી થયો છું. તારા જેવું જ અસલ એનું મોં ન હોત, તો આ પત્ર લખવા મન કરત નહીં. પણ અદલ તારા જેવું જ મોં છે. કોઈ ભલે ગમે તેમ કહે, પણ હું તો એને સોનિયા જ કહીશ. એને એકાદ વાર અહીં જરૂર મોકલજે..
પપ્પાએ ઘડીક પછી એ પત્ર હાથમાં લીધો ને પછી જલ્દી જલદી નજર ફેરવી ગયા. એમની ભ્રૂકુટિ યથાવત થઈ ગઈ. પછી એ બોલ્યા : મને આ માણસ...મમ્મીને એમણે એવું એક વાક્ય સંભળાવ્યું કે કોઈ વ્યક્તિ કદી પણ પોતાના પિતા માટે એવું વાક્ય સાંભળવા તૈયાર ન હોય. એ બોલ્યા : મને ક્યારેય આ માણસ તારો બાપ લાગ્યો નથી. તારા મોંમાં એના ડાચાની કોઈ ઝલક દેખાતી નથી. મમ્મી  આટલું સાંભળી ઊભી ઊભી સળગી ગઈ હશે એમાં કાંઈ શંકા નથી. તણખા ઝરતી આંખે એણે પૂછ્યું : એટલે ?પપ્પા જવાબમાં બે દાંત જ દેખાય તેવું હસ્યા અને કહ્યું :સમજીશ તો દુઃખ થશે આટલું બોલતાં બોલતાં એ મારી નજીક આવ્યા. હડપચીમાંથી મારું મોં ઊંચુ કરીને એ બોલ્યા : જો આંધળો માણસ પણ અમારા બન્નેના મોં પર હાથ ફેરવીને કહી શકે કે આ મારી દીકરી છે, સમજી ? એમણે ધાક પાડવા માગતા હોય એમ મમ્મી  સામે જોયું, પછી વળી પાછું બોલ્યા : હું તો એમ પણ કહું છું કે ....”“માણસ શબ્દ ગળી જઈને એમણે વાક્ય પૂરું કર્યું : ...કોઈનો બાપ હોઈ શકે એમ મને લાગતું જ નથી.
મમ્મીનું મોં જાણે કે સળગતો જ્વાળામુખી બની ગયું. એ કશું કરતાં કશું જ ન બોલે એમ હું ઈચ્છવા માંડી. એના પાતળા-પાતળા હોઠ, દાઢીની નીચેની અણી અને ગાલ-આંખ વચ્ચેનો ભાગ કંપારી બતાવવા માંડ્યાં. પપ્પા આગળ બોલ્યા : તારા નામની પાછળથી એના નામને મેં ઠોકર મારીને કાઢી ન નાખ્યું હોત તો પણ એ તારો બાપ હોય એમ કોઈ ન માને.
                                                                         ****  ****  ****
               કેટલાંક વરસ પછી એક વખત એવો પણ આવી ગયો કે નાનાના પત્રો મારા પર પણ આવવા માંડ્યા. ધીરેધીરે મારા પર જ આવવા માંડ્યા. મમ્મી  કહેતી કે ઈર્ષા આવે છે. મારા બાપને તું છીનવી ગઈ છે. કાગળમાં નાના લખતા કે તારી મમ્મીને કહેજે કે તબિયત સંભાળે. પત્ર આવે કે તરત પપ્પા સીધો મને સોંપી દેતા. પણ કવરને હાથમાં લેતી વખતે એવો ભાવ એમના મોં પર જન્મતો કે જાણે હાથમાં કંઈ જ નથી. નાનાના અક્ષરો સાથે જાણે યુદ્ધ કરતી હોય એવી એમની આંખો થઈ જતી. મોટે ભાગે ટપાલ આવી હોય અને હું હાજર હોઉં તો પપ્પા માત્ર આંખો અને નેણ વડે કવર ચીંધતા. હું કવર લઈ લેતી. ખોલીને મનમાં વાંચતી હોઉં તેટલી વારમાં મમ્મી ચશ્મા શોધતી, ક્યારેક કિચનના રેક પરથી, સીવવાના સંચા પરથી, ઈસ્ત્રીના ટેબલ પરથી કે આરામખુરશીમાં બેઠાં બેઠાં જ્યાં જમીન પર હાથ અડકી શકે એવી જગ્યાએથી ચશ્મા મળી આવતા. ચશ્મા ચડાવી મમ્મી પહેલાં ઉત્સુક થઈને પત્ર પર ઝડપથી દ્રષ્ટિ ફેરવી જતી. પછી એક વાર જલદી વાંચી જતી. પછી નવરી પડે ત્યારે ફરીથી પત્ર લઈને ખૂબ નિરાંતનો ભાવ મોં પર લાવીને પત્ર-સરનામાના અક્ષરો સુદ્ધાં-ચીવટથી વાંચી જતી. નાનાએ પત્રમાં ક્યાંક એને માટે લખેલી બે-ત્રણ લાઈન શોધવા માટે એની નજર દોડાદોડ કરી મુકતી, જેમાં નાના માલૂમ થાય કે... કહીને એને ઉદ્દેશીને મારા ઉછેર અંગેની સૂચનાઓ લખતા. એમાં એ બહુ સ્પષ્ટ લખતા કે એના પર કોઈની છાપ ન પડે તે જોવુ. (કોઈ એટલે કોણ એ હું બરાબર સમજતી.) મારો સ્વભાવ, મારું ચારિત્ર્ય, મારું વર્તન કેવી રીતે સારું બનાવવું એના વિષે આદેશ આપતા હોય તેમ સૂચનો લખતા. એમ પણ લખતા રહેતા કે છોકરીનો ફોટો દર વર્ષે મોકલતા રહેવું.
મમ્મી વૃદ્ધ થતી જતી હતી, પણ હું સમજદાર થતી જતી હતી. પપ્પા એવા ને એવા ગંભીર, કરડાકી ભરેલા ચહેરાવાળા, મિજાજી અને ક્રોધી લાગતા. મમ્મીપપ્પા ઘણીયે વાર પરાયાની જેમ એકબીજાની સામે જોતાં બે અજાણ્યા માણસો જ્યારે એકબીજાને પહેલી વાર મળે ત્યારે સૌથી પ્રથમ પરસ્પરના મોં સામે જુએ અને એમાંથી જેમ પરિચય પામી લેવા માગે તેમ. નાનાનો પત્ર આવે એ દિવસે આખો દિવસ આવું રહેતું. નાનાનું મોં જાણે કે મમ્મીના મોં પર છપાઈ ગયું હોય એમ પપ્પાનો ચહેરો આખો દિવસ કશુંક કહી બેસીશ.ના ભાવથી ગોરંભાયેલો રહેતો.
                                                                          ****  ****  ****
              જે વ્યક્તિને મેં ક્યારેય જીવંત ન જોઈ, એનું સફેદ ચાદર ઓઢાડેલું શબ મારી સામે પડ્યું હતું. ઉપરના ભાગે આછો આકાર ઊપસતો હતો. પણ એટલા માત્રથી હું આખું મોં કલ્પી શકતી નહોતી. મામા મને જલદી એ મોં બતાવવા પણ માગતા નહોતા. એમને ડર હતો કે હું ક્દાચ હબકી જઈશ. કારણ કે નાનાને જીવતા તો મેં કદી જોયા જ નહોતા. એમણે દેહ છોડ્યા પછી બે કલાકે હું પહોંચી હતી. ત્યારે મામા કલ્પાંતમાં ડૂબેલા હતા. રડવું જોઈએ એમ હું દિલના ઊંડાણમાંથી અનુભવતી હતી. પણ કોને, ક્યા મોંને યાદ કરીને રડું? ડાબી જમણી તરફ ઢળતા અક્ષરોવાળા અસંખ્ય ગુલાબી કાગળોને યાદ કરીને રડું ? સફેદ ચાદર ઉપર ઊપસતી એમના મોંની રૂપરેખાને જોઈને રડું ? ચાદર બહાર ધસી આવેલા તેમના જમણા કૃશ હાથને જોઈને રડું ? બધાં રડતાં રડતાં મારી સામે ત્રાંસી આંખે જોઈ લેતાં હતાં-એક મામા સિવાય. એમણે જ્યારે મારી સામે જોયું ત્યારે એમનો ચહેરો પ્રવાહીનો બન્યો હોય એવો લાગતો હતો. મેં એમને રૂક્ષ છતાં દબાયેલા અવાજે કહ્યું કે મારે નાનાનું મોં જોવું છે. એમણે દુઃખી મોંએ મારી સામે જોયું. પછી કહ્યું : જો-બોલતાવેંત એમણે સફેદ ચાદર ઊંચી કરીને કહ્યું : મરતાં સુધી તારું જ નામ લીધા કરતા હતા. નાનાની લાશના મોં સામે જોયું, બરાબર જોયું. હોઠ થોડા ખુલ્લા રહી ગયા હતા. આંખોનાં પોપચાં વચ્ચે થોડી તિરાડ રહી ગઈ હતી. એમાંથી તદ્દન સફેદ પડી ગયેલી કીકીઓ દેખાતી હતી. મમ્મી જેવાં બરાબર, થોડાં ઘાટાં છતાં કમાનદાર નેણ હતાં. ગાલ પર કરચલીઓ પડી હતી. મને થયું તો ખરું કે આ આખું મોં અમાનુષી લાગે છે. છતાં એમ પણ થયું કે મારા નાના. જેવા શબ્દો સાથે આ મોં બરાબર બંધ-બેસતું આવે.આમની એકમાત્ર દીકરીનું હું એક માત્ર સ્ત્રીસંતાન હોઈ શકું. એમનું લોહી મારી નસોમાં ફરતું હોઈ શકે. એકાએક મને એવો ભાસ થયો  કે પોપચાં વચ્ચેની તિરાડ પહોળી કરીને એમણે આંખો ખોલી. સફેદ કીકીઓનો રંગ પલટાઈને મમ્મીની આંખના રંગ જેવો બ્રાઉન થઈ ગયો. એમણે મારી સામે આંખો માંડી. હોઠ નોર્મલ માણસની જેમ બંધ થયા. આખું મોં, અંદર કશોક સંચાર થયો હોય તેમ, પવનની લહેરમાં પાંદડું હલે એમ ધ્રુજ્યું. પછી કમરમાંથી એ બેઠા થયા. બોલવાની તૈયારીમાં એ જેમ કંપે એમ હોઠ થોડા કંપ્યા. હું વધારે નજીક જવા માટે જાણે કે ઉશ્કેરાટ અનુભવી રહી. આવકારતા હોય એમ એમણે કૃશ થઈ ગયેલો હાથ લંબાવ્યો. આવી ગઈ ? એકલી જ આવી છે કે કોઈ મૂકવા આવ્યું છે?કોઈ શબ્દ સાંભળતાં જ  અચાનક કોઈ કાંકરીઓવાળા ઢોળાવ પરથી હું સરકી પડતી હોઉં એમ મને લાગ્યું. નાના હસ્યા અને ફરી પાછા કમરમાંથી સૂઈ ગયા. ફરી વાર આંખોમાં તિરાડ રચાઈ ગઈ. કીકીઓ ફરીથી સફેદ થઈ ગઈ. હું ક્ષુબ્ધતા અનુભવી રહી. પણ મને થયું કે મેં નાનાને જીવંત જોઈ લીધા હતા. કોણ જાણે કેમ મને જોરજોરથી રડવું આવવા માંડ્યું. ઘૂંટણો વચ્ચે મોં છુપાવીને હું હીબકવા માંડી, મામાએ આવીને મારી પીઠે હાથ પસવાર્યો અને કોઈએ કહ્યું કે છોકરી ડરી જશે. એની અમને પહેલેથી જ ખાતરી હતી પણ હઠ લીધી એટલે મોં બતાવવું પડ્યું.
      ફરી મારું ધ્યાન નાનાના મૃતદેહ પર ગયું. મામાએ ફરીથી ચાદર મોં સુધી ઓઢાડી દીધી. પણ નાનાના કૃશ હાથનો પંજો થોડો બહાર રહી ગયો હતો, હજુ પણ મેં વિચાર્યું કે એ જ હાથમાં મારો પત્ર પકડાયો હશે. એ જ હાથથી મારા ઉછેરની સૂચનાઓ મમ્મીને લખાઈ હશે. એ જ હાથથી વસિયતનામાં સહી થઈ હશે અને એ જ હાથથી ક્યારેક, કોઈ ધગધગતી પળોમાં મમ્મી અને પપ્પાને યાદ કરીને મુઠ્ઠી વળી ગઈ હશે.
બાકી મોંનો તો માત્ર આકાર જ ચાદર પર ઊપસતો હતો.
મામા બોલ્યા,કેબલ કરી દીધો છે પણ એ લોકોથી એમ તાત્કાલિક અવાય તેમ નથી લાગતું.
****  ****  ****  
મમ્મી  તો ઘરમાં દાખલ થતાં જ ઉંબરમાં ફસડાઈ પડી. મામા તૈયાર જ ઊભા હતા. દોડીને એમણે મમ્મીને બેઠી કરી. બન્ને ભાઇબહેન એકબીજાને ખભે મોં છુપાવીને ખૂબ ખૂબ રડ્યાં.પપ્પા મક્કમતાપૂર્વક પગલાં ભરતા અંદર ખુરસીમાં બેસી ગયા હતા. હું ખૂણામાં ઊભી હતી. મને એમણે પાસે બોલાવી પૂછ્યું : તું મરણ વખતે હાજર નહોતી ? હું જાણતી હતી કે પપ્પા એમના મરણ શબ્દ નહીં જ બોલે. કંઈ નહીં. મેં કહ્યું : ના, બે કલાક મોડી પહોંચી. એમની આંખોમાં કશોક ન સમજાય તેવો પણ અણગમો ઊપજે તેવો ચમકાર થયો. એ બોલ્યા : ત્યારે તો તું જીવતા જોઈ જ ન શકી ખરું ?
હા.
ત્યારે તો તને બહુ રડવું પણ શાનું આવે ? એ કોટની બાંય જરા ઊંચી કરીને ઘાટા વાળવાળું કાંડું ખંજવાળવા માંડ્યા. તરત  મને ચાર દિવસ પહેલાં જોયેલો સફેદ ચાદરની બહાર ધસી આવેલો નાનાનો કૃશ હાથ. એમનું કમરમાંથી બેઠાં થવું. અને એમની બ્રાઉન કલરની થઈ ગયેલી કીકીઓ યાદ આવી. મારી છાતી ધમણની જેમ ઊંચી નીચી થવા માંડી, પપ્પાના મોંની સામે મેં પરાયા માણસની જેમ જોયું. એ ઊભા થઈ ગયા અને નાનાના એન્લાર્જ કરાવેલા ફોટા પાસે ગયા. પોતાનું મોં કાચમાં જોવા માંડ્યા. કોણ જાણે શું થયું. મારી આંખોમાં સળવળાટ થયો. મને રડવું આવવા માંડવું. કેટકેટલો અંકુશ રાખવા પ્રયત્ન કર્યો. પણ ક્યાંકથી કેટલાં બધાં આંસુ ફૂટી નીકળ્યાં. સામેની દીવાલ પરનો નાનાનો એન્લાર્જ્ડ ફોટો પ્રવાહી બનીને ભીંત પરથી નીતરી રહ્યો, હું નીચે બેસી પડી. ઘૂંટણ વચ્ચે મોં નાખીને જોર જોરથી ધ્રુસકાં ભરવા માંડી. કોણ જાણે કેટલી વાર સુધી રડી હોઈશ, યાદ નથી; પણ જ્યારે હું શાંત  થઈ ગઈ અને મારું મોં મોળું થઈ ગયું ત્યારે હું ઊભી થઈ ગઈ. પપ્પા નહોતા. બાજુના રૂમમાં ગઈ તો ત્યાં પપ્પા થાકીપાકીને સૂતા હોય એમ ચટાઈ પર લાંબા થઈને સૂતા હતા. એકાએક મને એવી કલ્પના આવી ગઈ કે જાણે એ લાંબા થઈને સાવ ભોંય પર પડ્યા છે. સફેદ ચાદર એમના મોં સુધી ઓઢાડી દીધી છે, અને એમનો ઘાટા વાળવાળો હાથ બહાર ધસી આવ્યો છે.
-અને મોંનો તો માત્ર આકાર જ ચાદર પર ઊપસે છે.