Sunday, April 29, 2012

સ્મૃતિઓ સળવળી ઉઠી (ભાગ ૨)


        હકીકતમાં કોઈ પણ સ્મરણ ક્યારેય પણ સંપૂર્ણપણે ભૂતકાળની કબરમાં દટાઈ જતું નથી. એના નાના મોટા તંતુઓ બહાર લટકતા જ રહે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જીવનની શરૂઆતથી પોતાનાં આજ સુધીનાં સ્મરણોનો બંધ પટારો પોતાની સાથે જ લઈને માણસ ફર્યા કરે છે. એના એ પટારામાંથી જે તંતુઓ બહાર લટકતાં રહે છે. એમાંથી ક્યારેય કોઈક તંતુને કોઈકનો કે ખુદ પોતાનો સ્પર્શ થાય છે અને એ ખેંચાય છે ત્યારે એ ખેંચતાની સાથે જ તંતુ સાથે ગંઠાયેલી સ્મૃતિ-દૃશ્ય-કે લાગણી સાદ્યંત બહાર આવીને એના ઉપર છવાઈ જાય છે. આમ, માણસના બંધારણનું આપણે પૃથક્કરણ કરીએ તો ભારે રસપ્રદ તારણો મળી આવશે. માણસ મૂળભૂત રીતે શરીર અનુવંશશાસ્ત્રના સિદ્ધાંતો-જીનેટિક્સના નિયમો મુજબ માતા-પિતામાંથી એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિ લઈને જન્મે છે. આપણો હિંદુ ધર્મ એને પૂર્વ જન્મના સંસ્કારોનું નામ પણ આપી શકે. એ જે હોય તે, પરંતુ દરેક વ્યક્તિને જન્મતાંની સાથે જ એક વિશિષ્ટ સંવેદનતંત્ર કે પ્રકૃતિ મળે છે અને એ પ્રકૃતિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. એમ કહી શકાય કે જેમ માણસના ચહેરા સરખા નથી હોતા તેમજ કોઈ વ્યક્તિની પ્રકૃતિ સર્વથા સરખી નથી હોતી – પ્રકૃતિ કે સંવેદનતંત્રને આપણે રેડિયોના વાયરલેસ સેટની ઉપમા આપી શકીએ. એ બહારના અવાજના મોજાં ઝીલે છે. જ્યારે પ્રકૃતિની ભૂમિ ઉપર એ આંખો દ્વારા જ જુએ છે. કાન દ્વારા જે સાંભળે છે. ચામડી દ્વારા જેનો સ્પર્શ કરે છે. નાક દ્વારા જેની ગંધ અનુભવે છે અને જીભ દ્વારા જેને સ્વાદ છે એ તમામની છાપ અંકિત થઈ જાય છે. આમ છાપ તો અંકિત થાય છે મગજના સ્મૃતિકોષોમાં જ, પરંતુ એ જે તે માણસની પોતાની પ્રકૃતિથી પૂત થઈને એટલે કે અનોખી રીતે ખરડાઈને પછી જ મગજ સુધી પહોંચે છે. એટલે કોઈ પણ સ્મૃતિ સારી કે ખરાબ એ મગજ નક્કી નથી કરતું. પણ પ્રકૃતિ જ એનું એવું સાપેક્ષ વર્ગીકરણ કરે છે અને પછી એ રીતે જ એ મગજમાં છપાઈને સંઘરાઈ રહે છે અને માણસની પોતાની પ્રકૃતિ કોઈ પણ બનાવ કે અનુભવનું કેવું વર્ગીકરણ કરે છે. એનો આધાર એ ઘટનાથી એને મળતા આનંદ કે પીડા સાથે છે.
        થોડા વરસ પહેલાં આપણે ત્યાં ભયંકર વાવાઝોડું અને વરસાદી તોફાન આવી ગયાં. વાવાઝોડું એક ચોક્કસ સમયે જ આવ્યું હતું અને એની ચેતવણી પણ અગાઉથી મળી ચૂકી હતી. આમ છતાં એવું બન્યું કે એક માણસનું આખું ઘર એમાં જમીનદોસ્ત થઈ ગયું. એનું એક બાળક એણે એમાં ખોયું અને એ લગભગ પાયમાલ થઈ ગયો. બીજો એક માણસ ધંધાર્થે બહારગામ ગયેલો અને ત્યાં એને એ વાવાઝોડાને કારણે પોતાની હોટેલની રૂમમાં જ પુરાઈ રહેવું પડ્યું અને સતત એ રંજ સાથે કે આજે કશો ધંધો થઈ શક્યો નહીં. એવી જ રીતે ત્રીજો એક માણસ એ દિવસે એક હીલસ્ટેશનમાં એક રૂમમાં પોતાની પ્રિયતમા સાથે રહેતો હતો અને એ વાવાઝોડાના વરસાદી તોફાને એમના રોમાન્સમાં ભારે ઉષ્મા અને રંગિની રેડ્યાં હતાં. સમય અને સંજોગ પ્રમાણે આ ત્રણે માણસોના અનુભવો અલગ અલગ હતાં અને વાવાઝોડાના શમન સાથે એ ત્રણે થોડા દિવસમાં તો પોતપોતાના દૈનિક કામકાજોમાં પરોવાઈ ગયા હતા.
        પરંતુ ધારી લો કે વર્ષો વીતી ગયાં પછી કોઈ એક દિવસે ફરીવાર એવું વાવાઝોડું ફૂંકાય ત્યારે એના સંઘનના બળે પહેલા માણસના મનમાં તો એ દિવસની એની ખાનાખરાબી જ તાદૃશ્ય થઈ જાય અને એ ઉદ્વિગ્ન બની જાય. બીજા માણસના મનમાં ધંધો ખોવાનો પેલો રંજ એકાદ પળ માટે સ્મૃતિરૂપે સળવળીને શાંત થઈ જાય અને ત્રીજા માણસને પ્રિયતમા સાથે હિલસ્ટેશનના એ એકાંતિક ઓરડામાં પુરાઈને માણેલો આનંદ યાદ આવી જાય અને બનવા જોગ છે કે ઘટા ઝૂકી ઔર હવા ચલી તો હમને કિસી કો યાદ કિયા ની માફક એ પણ એની વિછોડાયેલી પ્રેમિકાને યાદ કરી કરીને ઉદાસ બની જાય. આમ એક વાવાઝોડાના નિમિત્તે એ ત્રણેયના મનમાં પ્રેરાયેલી ઉદાસી અલગ અલગ સ્મૃતિઓએ તરતી મૂકેલી એક એવી લાગણી હશે, જેને માત્ર એ પોતે જ અંદરથી સમજી શકે અને અનુભવી શકે.
            વાવાઝોડું તો ઠીક કે એક સ્થૂળ અને બાહ્ય ઘટના છે અને એનાથી થયેલા અનુભવના સંદર્ભમાં એ હજારો માણસોમાં અલગ અલગ રીતે સારી યા માઠી ભૂતકાળની મીઠી સ્મૃતિઓ માણસને યાદ અપાવવાનું નિમિત્ત બને છે. મારા એક મિત્રને જ્યારે પણ ખાંસી થઈ આવે છે ત્યારે એમને તદ્દન નાનપણમાં એમની માતા કોઈ ચૂર્ણ મધમાં મેળવીને આંગળી વડે ચટાડતી એ દિવસો યાદ આવી જાય છે. આજે એમનાં માતા હયાત નથી, પરંતુ જ્યારે જ્યારે પોતાને ખાંસી થાય છે ત્યારે એમને અચૂક એમની માતાનો એ સ્નેહ એમને ભાવાર્દ્ર કરી મૂકે છે. એવા જ મારા એક બીજા મિત્રે એમનાં પત્નીથી છૂટાછેડા લીધાં છે. પરંતુ એમના પત્ની એમના માટે બનાવતાં એ મસાલાવાળી ચા એમને પત્નીની યાદ અપાવવા માટે પૂરતી છે. મારા બીજા એક મિત્ર શ્રી પ્ર.રા.નથવાણી પૂરા બૌદ્ધિક છે. લાગણીસભર એમનું સંવેદનતંત્ર હોવા છતાં ક્યારેય પણ લાગણીવેડામાં મેં એમને સરી પડતા જોયા નથી. પરંતુ તલત મહેમુદનું ગાયેલું દેવદાસ ફિલ્મનું મિતવા નહીં આયે.. જ્યારે જ્યારે મારી કેસેટ પર સાંભળે છે, ત્યારે અચૂક અચૂક એમની આંખોમાં આંસુના ટીપાં બાઝી જાય છે.

મધુવનમેં ન શામ બુલાઓ(હેમંતકુમારનું બીનફિલ્મી ગીત) સાંભળતા મોહમ્મદ માંકડ જેવા શરીર-મનથી સ્વસ્થ લેખકને મેં વિહવળ બની જતા જોયા છે. એમની એવી ક્ષણોમાં કારણ પૂછીને એમને વર્તમાનમાં પાછા ખેંચી લાવવાની ધૃષ્ટતા મેં ક્યારેય કરી નથી કારણ કે મને ખબર છે કે એ ગીતના, એ સંગીતના, એ લયના તંતુએ તંતુએ એ એમના સ્મૃતિવનમાં દૂર દૂર નીકળી ગયા છે. હશે, કોઈ એમની બિલકુલ અંગત, માત્ર એમના જ સંવેદનને ગમ્ય એવી કોઈ ઘટનાઓ, અને કદાચ એવું ન હોય તો, એમ પણ હોય કે કોઈ સ્થૂળ ઘટનાઓ ન હોય, પરંતુ માત્ર એક વિશિષ્ટ ચોક્કસ પ્રકારની એમની અંગતતમ અનૂભૂતિનું સંધાન-એસોસીએશન એ ગીતના શબ્દો, કે એ ગીતના સંગીત સાથે હોય, અથવા એ ગીતના કાળ સાથે હોય. ગીતના કાળ સાથે સંઘાન હોવું એ નવી વાત નથી. ઘણા માણસ પોતાના જીવનના વ્યતીત થઈ ગયેલા સમયનું વર્ગીકરણ માત્ર જે તે સમયમાં પ્રચલિત એવા ગીતો પરથી કરે છે. શ્રી રશ્મિભાઈ દવે આવી એક વ્યક્તિ છે. પોતાની સ્કુલના, કૉલેજના અને નોકરીના કામના અલગ અલગ શહેરોને યાદ કરવા હોય અથવા આપણી પાસે ઓળખાવવા હોય ત્યારે તેઓ જે તે કાળના પ્રચલિત ગીતોનો હવાલો આપે છે. એટલે એમ કહી શકાય કે એમની સ્મૃતિઓનું મોટાભાગનું એસોસીએશન ગીતો સાથે છે. હું રાજકોટ ધર્મેન્દ્ર કૉલેજમાં હતો ત્યારે એ યાદ કરતાં કહે છે : “ત્યારે મેસમાં જમવા જાઉં ત્યારે આવારાં ના ગીતો અચૂક વાગતા હોય – આજે પણ આવારા  ગીતો સાંભળું છું, ત્યારે એ સમય યાદ આવી જાય છે.
        ગીત સાથે, સંગીત સાથે, શબ્દ, ગંધ અને સ્વાદ સાથે, સ્પર્શ અને શારીરિક કે માનસિક પીડા સાથે, શારીરિક કે માનસિક, પ્રણય કે પ્રણયભંગ જેવી ઘટનાઓ જ્યારે જોડાઈ જાય છે ત્યારે ગમે તે પ્રસંગે સ્મૃતિઓને સળવળી ઉઠતાં વાર નથી લાગતી. અને સ્મૃતિઓમાં માણસ તત્ક્ષણ એવાં આલંબનોને આધારે ખોવાઈ જાય છે.
        પણ પ્રશ્ન એ છે કે માણસને સ્મૃતિઓમાં ખોવાઈ જવું શા માટે ગમે છે ? સ્મૃતિઓમાં ખોવાઈ જવું એ આપણી એક રોજિંદી ઘટના છે અને કોઈ એમાંથી મુક્ત નથી. માણસના મગજને સ્મૃતિ કોષોની ભેટ આપીને કુદરતે એને બીજા પ્રાણીઓથી એટલો બધો તો અલગ પાડી દીધો છે કે એમ કહી શકાય કોઈ એક પુખ્ત વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ આપણે તપાસીએ તો જોવા મળશે કે એમાંથી અર્ધું એની જન્મજાત પ્રકૃતિગત હશે અને બાકીનું અર્ધું એની આજ સુધીની સ્મૃતિએ આપેલા સંસ્કારોનું બનેલું હશે. માણસના મનમાં જન્મતી ગ્રંથિઓ એ શું છે ? બીજું કંઈ જ નહીં, એની જન્મજાત પ્રકૃતિ અને એણે સંચિત કરેલી સ્મૃતિઓનું જ એ સંતાન છે. થતા અનુભવોને પ્રકૃતિ પોતાનો રંગ આપે છે અને પછી વારંવાર ઘૂંટી ઘૂંટીને એને ઘટ્ટ કરે છે. અને એ જ આગળ જતાં ગ્રંથિઓનું રૂપ પકડે છે.
        પણ આ વાતમાં એ પ્રશ્નનો જવાબ નથી કે માણસને-સ્મૃતિઓમાં રાચવું શા માટે ગમે છે ? મારા એક લેખમાં મેં લખ્યું હતું કે માણસની સ્થિતિ ઘડિયાળના લોલક જેવી છે. વર્તમાનરૂપી મધ્યબિંદુ ઉપર એ ભાગ્યે જ એકાદ ક્ષણ માટે ટકે છે. બાકી તો એ ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યકાળના સ્વપ્નાઓના બનેલા બે છેડા વચ્ચે જ આગળપાછળ સતત ગતિમાં રહે છે. આમ,  માણસ ત્રિકાળમાં જીવે છે. પણ એ એમ શા માટે કરે છે ? ત્રિકાળમાં શા માટે જીવે છે ? કારણ કે મનુષ્યની એક એવી આદિમ વૃત્તિ રહી છે કે જે હાથમાં છે એ એને ક્યારેય ગમતું નથી. જે નથી એમાં એને વિશેષ રસ છે. જે હતું એમાં રસ છે. જે હોઈ શકે, હોવું જોઈએ, એનું પણ એને એટલું જ આકર્ષણ છે. વર્તમાનકાળ એ હાથમાં ઝડપાઈ ગયેલી માછલી છે. એમાં જે રસ હતો તે સમાપ્ત થઈ ગયો છે. કારણ કે એને પકડ્યા પહેલાંની જે એને પામવા માટેની મથામણ હતી એમાં જીવન હતું, જીવંતતા હતી. પણ હાથમાં પકડાઈ ગયા પછી એમાંનો રસ પૂરો થઈ ગયો છે. કારણ કે મથામણ પણ પૂરી થઈ ગઈ છે. એટલે એ વર્તમાન હવે મૃતવત્ છે. એટલે હવે આકર્ષણનાં માત્ર બે જ કેન્દ્રો રહ્યાં- ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે પછી પકડવાની જે માછલી છે એ ભવિષ્યકાળ છે. એમાં રસ છે, કારણકે એને પામવા માટેની મથામણ હજી બાકી છે. અને એમાં પહોંચવા માટેની એક થ્રીલ છે. 
રોમાંચ છે. નિષ્કારણ તો નિષ્કારણ, પણ ગતિ એ જીવનની પરિચાયક છે. ભવિષ્યકાળ જીવનને ગતિ આપે છે. એટલા માટે વારંવાર સ્વપ્નાઓ દ્વારા એના તરફ દોડી જવું માણસને ગમે છે. એવું જ ભૂતકાળનું છે. ભલે એ ડેડ પાસ્ટ મૃતકાળ છે, પણ એ વ્યતીતના પ્રદેશમાં પહોંચવા માટે પણ માણસને પાછળ ગતિ કરવી પડે છે. અગાઉ એક વાર પકડી હતી એ માછલીમાં માણસને એટલા માટે રસ છે કે એ ઘટના અને એની વચ્ચે કાળનું અંતર પડી ગયું છે. એટલે ત્યાં પહોંચવા માટે એને યાદ કરવા માટે પણ માણસને પાછળ ગતિ કરવી પડે છે. અને ગતિમાં જ જીવન હોવાની અનુભૂતિ છે. આમ માણસ આગળ કે પાછળ કોઈ પણ ગતિમાં જીવન અનુભવે છે. વર્તમાનકાળ એને અત્યારની ક્ષણ ઉપર સ્થિર કરી દે છે, એ એને ગમતું નથી. અકળાવનારું નીવડે છે. એટલે એ આલંબનના નાના સરખા તંતુ વડે પણ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં સરી પડે છે.
        પણ સ્મૃતિઓ તો મધુર પણ હોય અને કડવી પણ હોય, પ્રિયકર પણ હોય અને અપ્રિયકર પણ હોય. આમ છતાં માણસને એમાં કયો રસ પ્રાપ્ત થાય છે ?
        આનો જવાબ તો તમે જ્યારે કોઈ સ્મૃતિયાત્રા કરો ત્યારે જ મેળવી શકો. ઉદાહરણ તરીકે એક નાનકડી વાત લઈ શકાય. ધારો કે 1965 ની સાલમાં તમે ઘણી તકલીફમાં હતા. સંઘર્ષમાં હતા. ભાંગી પડેલા અને અપમાનિત હતા. આજે 2012 ની સાલ છે. આજે તમે ઘણી સારી સ્થિતિમાં છો. પણ આપણે ઉપર લખ્યા તેવા આલંબનના કોઈ તંતુ વડે તમે તમારા 1965 ના સમયના કાળમાં સરી પડ્યા, તો પણ એ વખતનાં દુઃખ, અવહેલના અને સંઘર્ષની સ્મૃતિ તમારામાં આનંદ જ જન્માવવાની, કારણ કે તમે તમારા ભૂતકાળના એ દુઃખોને યાદ તો કરો છો, પણ તમારા અત્યારના સારા સંજોગોના સંદર્ભમાં યાદ કરો છો. અને એથી એ તુલના તમને તમારા ચિત્ત માટે પ્રસન્નકર નીવડે છે. મોટાભાગના સફળ કલાકારો, વેપારીઓ કે નેતાઓ પોતાના ભૂતકાળના સંઘર્ષોને વધારે મલાવી મલાવીને એટલા માટે કહે છે કે એથી તેમના વર્તમાનકાળના સુખને વધારે ધારદાર રીતે અનુભવી શકાય. 1965 ની સાલ કરતાં તમે આજે 2012 ની સાલમાં વધારે દુઃખી અને પિડિત હો તો એ સમયની સ્મૃતિઓ તમને વિશેષ આનંદ નહીં આપી શકે અને તમને એની યાદ બહુ નહીં સતાવે.
       સ્મૃતિઓ માણસમાં ત્યારે જ ઊછળી આવે કે જ્યારે એ એની અત્યારની સ્થિતિ કરતા કંઈક વિરોધાભાસમાં હોય. અત્યારની સુખી વ્યક્તિ માટે ભૂતકાળના દુઃખની સ્મૃતિ માત્ર એટલા માટે જ પ્રિયકર નીવડી શકે કે એ ખ્યાલથી એને આનંદ આવે કે અત્યારે પોતે એવી પરિસ્થિતિની બહાર છે. અત્યારની દુઃખી વ્યક્તિને ભૂતકાળના સુખની યાદ માત્ર એટલા માટે જ આનંદ આપી શકે કે એના દ્વારા પોતાના અત્યારના ત્રસ્ત વર્તમાનથી છટકીને એ સુખદ ભૂતકાળમાં ઘડીભર જાતને સંતાડી શકે. અને એ રીતે થોડીવાર માટે પણ પોતાની પીડામાંથી છુટકારો પામી શકે. આગળ જીવવાનું બળ મેળવવા માટે એના ભૂતકાળના આનંદની સ્મૃતિઓ એને ઘણી કામમાં આવી શકે.
        પણ પ્રશ્ન એ છે કે માણસને સ્મૃતિઓમાં ખોવાઈ જવું શા માટે ગમે છે ? સ્મૃતિઓમાં ખોવાઈ જવું એ આપણી એક રોજિંદી ઘટના છે અને એમાંથી કોઈ મુક્ત નથી.
        સ્મૃતિઓ ઘણીવાર એક બનાવરૂપે નહીં, પણ માત્ર એક સંવેદનરૂપે પણ યાદ રહી જાય છે. બનાવાજોગ છે કે તમારા પ્રિયજન સાથે વર્ષો અગાઉ તમે કોઈ મતભેદને કારણે છૂટા પડ્યા હો. આજે સાઠ વર્ષ પછી જીવનની સંધ્યાએ તમને એ મતભેદના સ્થૂળ કારણો હકીકતો યાદ ન આવે. યાદ સાથે કેવળ એ વખતની જન્મેલી કડવાશનું તીવ્ર સંવેદન આ જ ચોમાસાની ગોરંભાયેલી ભીની સાંજે એક માત્ર મોરનો ટહુકાર તમને સાઠ વર્ષ પાછા લઈ જાય. તમે એ ટહુકારના આલંબને તમારા એ અત્યંત પ્રિયતમ પાત્રને યાદ કરીને ઉદાસ થઈ જાવ. તમે એનાથી છૂટા પડ્યા હતા?  હા, શા માટે ? કારણો યાદ નથી આવતાં. યાદ આવે છે માત્ર છૂટા પડ્યાની વેળાની થોડી કડવાશ. હકીકતો ગળાઈ ગઈ છે. કાળની ગળણીમાં યાદ છે કે માત્ર કડવાશની અનુભૂતિ. ફિરાક ગોરખપુરીની એક રૂબાઈ આના સંદર્ભમાં ટાંકવા જેવી લાગે છે.
કિસકી થી ઉસ વખત ખતા, યાદ નહીં,
હૂએ હમ કિસ તરહ જુદા, યાદ નહીં
હૈ યાદ વો ગુફતગુકી તલ્ખી લેકિન
વો ગુફતગુ થી ક્યા, યાદ નહીં.
        (એ વખતે કોના વાંકે અમે જુદા પડ્યા હતા એ યાદ નથી. અમે છૂટા પણ શા માટે પડ્યા એ યાદ નથી. અમે કઈ વાતને કારણે જુદા પડ્યા હતા એ વાત પણ યાદ નથી. યાદ છે એ વખતે અનુભવેલી થોડી તડપન, થોડી કડવાશ.)
અખબારમાં છપાયેલી એક એવી તસ્વીર મેં એક વાર જોઇ હતી કે જે કોઇ સામયિકના પાનામાં મસ્તક છૂપાવીને રડી રહી હતી. મને વિચાર આવ્યો કે પહેલા તો એ યુવતી એ છપાયેલા ચિત્ર પર નજર સ્થિર કરીને સ્મૃતિલોકના દૂરના અડાબીડ વનમાં ઘેરાઇ ગઈ હશે, અને પછી કોઇ વિછોડાયેલા પ્રિયજનની સ્મૃતિથી વિંધાઈને હિબકે ચડી ગઇ હશે.
        કવિ રમેશ પારેખની પેલી પંક્તિઓ યાદ આવે છે;
        બની જાઉં છું લોહીલુહાણ હું
સ્મૃતિનેય કેવી અણી હોય છે !”


(સંપૂર્ણ) 
(નોંધ: તમામ  તસવીરો  પ્રતિકાત્મક  છે અને  નેટ  પરથી લીધેલી છે.) 

Sunday, April 22, 2012

સ્મૃતિઓ સળવળી ઊઠી (ભાગ ૧)


(યાદશક્તિ, યાદદાશ્ત, સાંભરણ, સ્મૃતિ અને તળપદી બોલીમાં ઓહાણ  જેવા અનેક ગુજરાતી શબ્દો અંગ્રેજી શબ્દ મેમરીના અર્થવાચી છે. મેમરી એટલે શું અને એની પ્રથમ અંકિત થવાની, સંઘરાવાની, ટકવાની અને પછી ટાઇમ કેપ્સ્યુલ બની જવાની અથવા કામચલાઉ કે કાયમ માટે લુપ્ત થઇ જવાની પ્રક્રિયા એટલે શું તે કાંઇક અંશે કમ્પ્યુટરના મેમરી કાર્ડની કાર્યપધ્ધતિના અભ્યાસ પછી સામાન્ય માણસથી સમજી શકાયું છે. સ્મૃતિકોશના તળીયે સુષુપ્તાવસ્થામા પડેલી સ્મૃતિ ફરી જાગી ઉઠવા કોઇક સંધાન (એસોસીએશન) જોઇએ તે પણ સર્ચના ડિવાઇસથી સમજી શકાયું છે. પરંતુ હજુ જાણ્યું છે તે કરતાં વધુ અણજાણમાં છે. અને અમુકને તો જાણો તે કરતાં માણો તેમાં જ મઝા છે, એમ મને લાગ્યું છે.  
એના લાંબા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં કોષ્ટક્ની રીતે પડવાનું કામ મનોવિદોનું છે, પણ આપણા જેવા રોજેરોજ સ્મૃતિના અડાબીડમા જીવતા, દુઃખી થતા અને એની લિજ્જત લેતા અને એ રીતે એમાં આથડતા રહેતા લોકો માટે અભ્યાસ નહિ, અનુભવ જ રમ્ય કથા જેવા હોય છે..
1983-84 માં મને મારા ગુરુવત મિત્ર અને સંદેશના લવસ્ટોરી મેગેઝીનના સંપાદક મોહમ્મદ માંકડ તરફથી આ વિષય પર કંઇક લખવાનું કહેણ આવ્યું ત્યારે આ લેખના લેખનની મિષે અનેક યાદો ઉભરી આવી.  એ લેખ એ વખતે પ્રગટ થયો અને ઠીક ઠીક વખણાયો, પણ મારા કોઇ પુસ્તકમાં વિષયની રીતે બંધબેસતો ના હોવાથી ફરી ક્યાંય પ્રગટ થયો નહિ. આજે હવે ભાઇ બીરેનના સૂચનથી એમાં હાલની થોડી વાતો ઉમેરીને આ બ્લોગમાં મૂકી રહ્યો છું. જરા ગંભીરતાથી વાંચવો પડશે અને તમારી પોતાની સ્મૃતિઓને એમાં કાલવતા કાલવતા વાંચવો પડશે, મિત્રો !
-રજનીકુમાર પંડ્યા) 
  
        થોડા દિવસ પહેલા મારા વતન જેતપુરમાં એક લગ્નપ્રસંગમાં ગયો હતો. તે રાતે એક નાના કારખાનેદાર વાચક હરેશ પંચમિયા કે જેમને હું અગાઉ એક-બે વાર જ મળ્યો હતો, તેઓ પોતાને ત્યાં એક મહેફીલમાં મને લઇ ગયા. એ આખું આયોજન મારા માટે હતું એટલે બહુ સભાનતાપૂર્વક હું ત્યાં હાજર એવા એકેએકને મળ્યો. ત્રણ ચાર કલાક આનંદમાં વિતાવ્યા પછી પૂરતી નિંદર ખેંચીને બીજે દિવસે બપોરે એ લગ્નના ભોજન સમારંભમાં ગયો ત્યારે એક સજ્જન મને મળ્યા. પૂછ્યું; કેમ છો, સાહેબ ? મઝામાં ? મેં હા તો પાડી, પણ મને એ પૂછનારાની પિછાણ ના પડી. મેં ખસિયાણું હસીને પૂછ્યું:માફ કરજો મિત્ર. પણ આપ....
એમનો ચહેરો જરા તમતમી ગયો.પણ સંયમ રાખ્યો એમણે. બોલ્યા: બસ. ભૂલી ગયા એટલી વારમાં ? રાતે મેં જ તો તમને પાર્ટી આપી હતી! હું હરેશ પંચમિયા.
મને ઓળખાણ પડી પણ એ સાથે જ ભારે ભોંઠામણ ઉપજી આવી. પણ હું એમની પાસે ક્ષમાના બે શબ્દો ઉચ્ચારવા જાઉં ત્યાં તો મારી નજર નજીકથી પસાર થતા એક વૃદ્ધ ઉપર પડી અને અચાનક મારા મનમાં પાંસઠ વર્ષ પહેલાંની એક બપોર ઉભરી આવી. મારી ઉંમર એ વખતે નવ વર્ષની હતી અને તે દહાડો શનિવારનો હતો. નીશાળેથી ખભે દફ્તર ભરાવીને પાછા ફરતી વેળા મને મારી શેરીમાં જ મારા ગોઠીયા ચંદુ લવજી હિંગુ સાથે ભારે ટક્કર થઇ ગઇ. કારણ યાદ નથી, પણ અમે બેઉ મારામારી ઉપર ઉતરી આવ્યા, અમે એક બીજાના શર્ટ ફાડી નાખ્યા. મારાં બહેન કમુબહેન અને તેમની બહેનપણી લલિતાએ અમને માંડ છૂટા પાડ્યા. બસ, તે દિવસ પછી થોડા દિવસે ચંદુ ભણવા માટે એના ફઇને ગામ ગયો અને તે પછી થોડા વર્ષે મારે ભણવા માટે ભાવનગર જવાનું થયું.
પોસ્ટરમાં નવિન નિશ્ચલને જોઈને
મને ચંદુ યાદ આવી  ગયો.
 ચંદુનો અને મારો ભેટો કદિ થયો જ નહિ. 1970-72 માં હું જામનગર હતો ત્યારે સાવનભાદોના પોસ્ટરમાં નવિન નિશ્ચલનો ચહેરો જોઇને ચંદુ યાદ આવી ગયો. બન્નેના નાક પોપટીયા (વળાંકવાળા) હતા તેથી એમ બન્યું હશે. એ પછી જ્યારે કોઇ પોસ્ટરમાં કે ફિલ્મ મેગેઝીનમાં નવિન નિશ્ચલની તસ્વીર જોતાંની સાથે જ દિમાગમાં ચંદુના નામનો ફ્લેશ થતો અને વિલાઇ જતો.  એક વાર મુંબઇમાં જગદીશ શાહના નાટકમાં કામ કરતાં રિધ્ધિ દેસાઇ સાથે હતાં ત્યારે એક ટીવી સિરિયલના શૂટિંગમાં નવિન નિશ્ચલને મળવાનું પણ બન્યું. પણ ત્યારે નવિનના ચહેરા ઉપર વરતાતી આવતી વાર્ધક્યની રેખાઓને કારણે ચંદુ જરા યાદ તો આવ્યો, પણ જીવતો થયો નહિ. બસ. એ વાતને પણ પચ્ચીસ વર્ષ થયાં અને પછી તો ચંદુ સાવ હદપાર હતો, ત્યાં 12 મી ફેબ્રુઆરી, ૨૦૧૨ ના આ લગ્નપ્રસંગમાં એકાએક આ ખખડી ગયેલા વૃધ્ધ માણસને જોયો કે તરત જ સ્મૃતિના અગોચરમાંથી ચંદુ છલાંગ મારીને બહાર આવ્યો અને મારાથી બરબસ બૂમ પડાઇ ગઇ,અરે,ચંદુ. તું?
એક જ ક્ષણ એ અટક્યો. મને જોયો અને નજીક આવીને ભેટી જ પડ્યો, રંજુ, તું?
પછી તો મારા જમાઇ જીગરે અમારા ફોટા પણ પાડ્યા અને પાંસઠ વર્ષના અંતરાલ પછી મળતા એવા અમે અમે એક બીજાના ખબર અંતર પણ પૂછ્યા. એનું બહુ મહત્વ નથી, પણ અચરજ મને એ વાતનું છે કે માત્ર થોડા જ કલાકો ઉપર સતત ત્રણચાર કલાક સુધી જેમની સુરત મારી સામે ને સામે જ રહી હતી એ હરેશ પંચમિયા મારી સ્મૃતિમાંથી કેમ સરી ગયા અને પાંસઠ વર્ષના રાફડાદટ્ટણ પછી પણ ચંદુ સ્મૃતિમાં કેમ સાબૂત રહ્યો? ના, નવિન નિશ્ચલની સિકલનો એમાં કોઇ ફાળો નથી. એ માત્ર એ વાતનો પૂરાવો છે કે મારું સમાધાનવાદી અસંપ્રજ્ઞાત મન ચંદુને આ બધા વર્ષો દરમ્યાન સતત શોધતું રહ્યું હશે. અને એની શોધ આ પાંસઠ વર્ષે પૂરી થઇ ત્યારે સમાધાન કે શિકવા-શિકાયત જેવી કોઇ માનસિકતા રહી નહોતી.
પણ આમ છતાં હું આ ઇતિ સિધ્ધમ જેવા પ્રમેયને સાવ સ્વિકારી લેતો નથી. સ્મૃતિની ઉપલી સપાટી નીચે પાતાળોના પાતાળ અતાગ રહેલા પડ્યા છે. એમાં તરવાની મઝા લઇ શકાય, તળીયાને અડકીને આવ્યાનો દાવો ના કરી શકાય.
એવો થોડો પ્રયત્ન હું કરવા ચાહું છું.
એક સરસ તસ્વીર છે. પાથરેલા એક પલંગના ટેકે નીચે ભોંય ઉપર બેસીને યુવતી કોઈ સામયિકના પાનાં ફેરવે છે. ફોટોગ્રાફ અને લખાણવાળા એક પાના ઉપર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે અને એના મોં ઉપર અધૂરું એવું સ્મિત પ્રસરેલું છે. સ્મિત કંઈ માત્ર હોઠથી જ પ્રગટે એવું નથી. કરુણતા પણ એમાં ઝલકતી હોય. બનવાજોગ છે કે એમાં કટાક્ષની છાયા પણ હોય. સ્મિત તીખું પણ હોય. ડૂસકાંનો પર્યાય થઈને પણ સ્મિત પ્રગટે. કશુંક ખોવાયાનો, કશાકથી વંચિત, કશાકથી દૂર રહી ગયાનો ભાવ પણ એમાં હોય, અથવા એથી ઊલટું ભવિષ્યમાં મેળવવાના સુખની કલ્પના પણ એમાં હોય, ઉઘાડી આંખના સ્વપ્ન જેવું પણ એ હોય.
        અમસ્તું તો આપણે એમ માની લઈએ કે જે પાના ઉપર એ સ્ત્રીની નજર અટકી છે એ પાના ઉપર કોઈ મજાક,કોઈ કાર્ટુન કે કોઈ હાસ્ય જન્માવે એવી વાર્તા હશે અને એ જોઈને એ સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત પ્રસરી ગયું હશે. પણ આ ચિત્ર જોઈને એવું નથી લાગતું, કારણકે સ્ત્રીના ચહેરા ઉપર જે સ્મિત દેખાય છે, તે માત્ર ઉપરછલ્લું કે માત્ર બુદ્ધિમાંથી જન્મેલું નથી લાગતું. એ અંદરથી ખેંચાઈ આવીને ચહેરા ઉપર ફેલાઈ ગયું છે. કૂવામાંથી પાણી ફેંકાઈને થાળામાં ફેલાઈ જાય એ રીતે. એટલે એનું અનુસંધાન એના મન સાથે છે.
        માણસનું શરીર માંસ, મજ્જા અને લોહીનું બનેલું છે. હૃદયથી વાતો આપણે બહુ કરીએ છીએ, પરંતુ હૃદય પણ શરીરમાં જ આવી જાય. પણ મન એ એક એવી વસ્તુ છે કે જે શરીરમાં છે અને શરીરમાં મળતું નથી. એ હંમેશા શરીરની બહાર જ રહે છે. એ હંમેશા યાત્રામાં રહે છે. ભટક્યા કરે છે અને મગજને માત્ર આદેશો આપ્યા કરે છે. ઘણા માણસો મગજને મન કહે છે પણ મગજ તો શરીરની અંદર રહેલું એક અંગ છે, અવયવ છે. એ અસંખ્ય જ્ઞાનતંતુઓ અને નલિકાઓનું બનેલું છે. માણસની ખોપરીમાંથી એને ઓપરેશન દ્વારા બહાર કાઢી શકાય. એનું વજન કરી શકાય, એનો ફોટો પાડી શકાય. પણ મનનું ક્યાં એવું છે ? એનું કોઈ જ નક્કર અસ્તિત્વ નથી. એ અંગ નથી, અવયવ નથી – ઓપરેશન દ્વારા એને છૂટું પાડી શકાતું નથી. વજનની તો વાત જ નથી ઊભી રહેતી, પણ એની તસ્વીર પણ નથી લઈ શકાતી. કારણ કે એનું પવન જેવું છે. જેને અનુભવી શકાય પણ તસ્વીરમાં ઉતારી ન શકાય. માત્ર એ છે એમ જ કહી શકાય.
વિચારો સિવાય મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
        આમ એટલા માટે છે કે મગજ એ અનેક નાના નાના કોષોનું બનેલું છે. જ્ઞાનતુંઓ અને રક્તનું બનેલું છે. જ્યારે મન માત્ર વિચારોનું બનેલું છે. વિચારોને જન્મ આપનાર મગજ છે. પણ મનને જન્મ આપનાર વિચારો છે. એટલે કે વિચારો સિવાય મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.
        વિશ્વની દરેક માનવીય પ્રવૃત્તિની પાછળ વિચાર છે અને એટલે જ એક જગ્યાએ સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે મનઃ એવ કારણમ્ દરેક ક્રિયાની પાછળ માત્ર મન જ કારણભૂત છે. માણસ સિવાયના પ્રાણીઓમાં જાતીયવૃત્તિ એટલે કે કામ એ એક પ્રાકૃતિક વૃત્તિ તરીકે ઉદ્દભવ પામે છે. જ્યારે મનુષ્ય પાસે તો વિચાર છે અને એની પ્રાકૃતિક વૃત્તિની ભૂમિ ઉપર જ્યારે મનમાં વિચાર પ્રગટે છે ત્યારે માણસમાં કામ જન્મે છે, એટલે કામદેવતાનું બીજું નામ મનોજ છે. મનસિ જાયતે ઈતિ મનોજ – મનમાં જન્મે છે તે કામ.
        પરંતુ સ્મૃતિ એટલે કે યાદની સાથે મનનો શો સંબંધ છે ? વૈજ્ઞાનિકો તો કહે છે કે માણસના મગજમાં અનેક નાના નાના સજીવ કોષો હોય છે અને એ કોષોમાં અનુભવો દ્વારા મળતી માહિતી સંઘરાઈ જાય છે અને એને આપણે સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. એમની એ વાત સાચી છે. તમે તમારી બાર વર્ષની ઉંમરે તમારા ઘરની બહાર એક ધડાકો સાંભળ્યો. તમે ઘરની બહાર દોડી ગયા અને જોયું તો એક માણસ લોહીલુહાણ પડ્યો હતો. એ ધડાકો, એ લોહીલુહાણ માણસનું દૃશ્ય અને એ સમય-તમારા મગજના કોષોમાં એ સ્મૃતિરૂપે સંઘરાઈ ગયાં. આ પછી વરસો વીતી ગયાં અને તમારી ઉંમર સાઠ વર્ષની થઈ ગઈ. પણ તમારી એ સાઠ વર્ષની ઉંમરે પણ જો તમે કોઈ ધડાકો તમારા ઘરની બહાર સાંભળશો તો તમારા મગજના સ્મૃતિભંડારમાં ઊંડે ઊંડે ધરબાયેલી એ દૃશ્યની સ્મૃતિ થોડી સળવળશે. બનવાજોગ છે કે તમે એ વખતે તમારા બીજા કોઈ કામમાં મશગુલ હો તો એ સ્મૃતિ પ્રગટપણે તમારા મનમાંથી બહાર ન આવે. પરંતુ જો તમે એ વખતે બીજા કશા જ ભારે વિચારમાં ન હો તો એ વખતે અડતાલીસ વર્ષ પહેલાંની એ સ્મૃતિ તમારા મગજમાં એક પુરા જીવંત દૃશ્ય તરીકે તમારા મગજમાં છવાઈ જાય.
લાલ રસો જોઈને મેં શાક ખાવાની ના પાડી દીધી હતી. 
મારી બાર-તેર વર્ષની ઉંમરે મને યાદ છે કે અમારા ઘરથી થોડે દૂર રહેતા રવજી પટેલ નામના ખેડૂતનું એના ખેતરમાં જ ખૂન થયું હતું. અમે છોકરાઓ જ્યારે કુતૂહલવશ એના ઘર પાસે એકઠા થયા ત્યારે એની ડેલી પાસે બળદ છોડી નાખેલા ગાડામાં એની સફેદ પછેડીથી ઢંકાયેલી લાશ પડી હતી. મૃતદેહનો આકાર ઊપસી આવ્યો હતો અને આંખો સફેદ, પરંતુ મેલી પછેડી ઉપર લોહીના લાલ લાલ ધાબા પડી ગયાં હતા. માખીઓ ગણગણતી હતી અને બે પોલીસ-કોન્સ્ટેબલો એની બાજુમાં ચોકી કરતા ઊભા હતા. – આ દૃશ્ય સારી વાર જોયા પછી હું મારે ઘેર ગયો હતો અને જમતી વખતે મારા બાએ બટાકાના શાકમાં બનાયેલો લાલ લાલ રસો જોઈને મેં શાક ખાવાની ના પાડી દીધી હતી. એ પછી દિવસો સુધી હું એવું શાક ખાઈ શક્યો નહોતો. પછી તો એ વખતે વરસોનાં વરસો પસાર થઈ ગયાં. એ સ્મૃતિ ઉપર ધૂળ ચડી ગઈ. બટાકાનું શાક ખાવાની કોઈ સૂગ રહી નહીં. પરંતુ આજે પણ મારી એ સ્મૃતિ ઉપર જરા સરખુંય જોર આપું તો એ આખું દૃશ્ય અને તે દિવસે થાળીમાં પિરસાયેલું લાલ રંગના રસાવાળું બટાકાનું શાક યથાવત્ યાદ આવી જાય છે. સવારનો સાડા દસ વાગ્યાનો સમય, રસોડામાં ઢાળવામાં આવેલો પાટલો અને બાની મૂર્તિ આખી એમ ને એમ સજીવન થઈ જાય છે.
        એમ કેમ બને છે તેનો જવાબ મેળવવો અઘરો નથી. આપણે તો દિવસનાં અનેક દૃશ્યો જોઈએ છીએ. તેમાંથી અમુક જ દૃશ્ય આપણને કેમ યાદ રહી જાય છે ? બીજાં કેમ નહીં ? શું બીજા દૃશ્યો સ્મૃતિકોષમાં નહીં સંઘરાતાં હોય ? મગજની સ્મૃતિકોષ તો ટેપ-રેકોર્ડર જેવાં છે – અને ટેપરેકોર્ડર તો કોઈ પણ અવાજને રેકોર્ડ કરવાની ના નથી પાડતું. તલત મહેમુદની સુંદર ગઝલ તમે રેકોર્ડમાંથી કેસેટમાં ઉતારતા હો એ વખતે શેરીમાં કૂતરું ભસતું હોય તો એનો અવાજ પણ તલત મહેમુદના અવાજ સાથે જ રેકોર્ડ થઈ જાય છે. અને જ્યારે એને ફરી વગાડો છો ત્યારે એ બન્ને સાથે જ સંભળાય છે. 
વાસ્તવમાં કોઈ પણ દૃશ્ય સારું છે કે ખરાબ, પ્રસન્નકર છે કે અરુચિકર, રમણીય છે કે ભયાવહ તેનો નિર્ણય મગજના સ્મૃતિકોષો નથી કરતા. એ તો તમારી સમગ્ર દિનચર્યાને એના ભંડારમાં રેકોર્ડ કરીને રાખે જ છે. પરંતુ કોઈ પણ દૃશ્ય સારું છે કે ખરાબ, એનો નિર્ણય આપણું મગજ નહીં, પણ મન તો જરૂર કરે છે. ને એટલે જ કહેવું જોઈએ કે મન એ માણસ છે – શરીર નથી – અને મગજ એ શરીર છે. માણસ નથી. મન શબ્દ પરથી જ માનવ શબ્દ બન્યો છે – અને મનને સંસ્કારગત રીતે, વિચારોથી બંધાયેલી પ્રકૃતિરૂપે ગમા-અણગમા રુચિ અને અરુચિ હોઈ શકે છે – હોય જ છે. અને એટલે જ જ્યારે મગજ કોઈ પણ દૃશ્યને રેકોર્ડ કરે છે ત્યારે મન પોતાના ગમા-અણગમા વ્યક્ત કરીને એ રેકોર્ડિંગમાં પૂરી દખલ કરે છે. કોઈ રેકોર્ડિંગને એ પૂરી દૃઢતા અને વજન સાથે રેકોર્ડ થવા દે છે અને કોઈને એ માત્ર ઉપરછલ્લી રીતે જ રેકોર્ડ થવા દે છે. પરિણામે કોઈ બનાવ આપણને વારંવાર યાદ આવ્યા કરે છે અને કોઈ બનાવ માત્ર આછોપાતળો જ યાદ રહે છે અને મગજને પૂરું જોર આપ્યા પછી જ યાદ રાખે છે. અત્યંત નીચા સ્વરે કોઈ પણ ગીત રેકોર્ડ કર્યું હોય અને તેને ફરી સાંભળવું હોય તો પૂરા વોલ્યૂમ સાથે એને વગાડવું પડે તે રીતે જ. પરંતુ એનો અર્થ એમ નથી કે એ રેકોર્ડ થતું જ નથી.
ટેપરેકોર્ડર કોઈ પણ અવાજને
 રેકર્ડ કરવાની ના  નથી પાડતું
        સ્મૃતિનું પણ એ રીતે સ્વપ્ન જેવું જ છે. વૈજ્ઞાનિક કહે છે કે ક્યારેય પણ કોઈની ઊંઘ સ્વપ્ન વગરની હોતી જ નથી. મગજનો એક નાનો ભાગ તો માણસની સુષુપ્તાવસ્થામાં પણ કામ કરતો હોય છે. માણસની ઊંઘ દરમ્યાન પણ એની ઈચ્છાઓ, આકાંક્ષાઓને, પીડાઓને, ભયને અને ગ્રંથીઓને એ સતત માનસપટ પર એક યા બીજી રીતે પ્રોજેક્ટ એટલે કે વ્યક્ત કર્યા જ કરે છે અને એને જ સ્વપ્નું કહેવાય છે. સ્વપ્ન એટલે વ્યક્તિની અભિલાષાઓ એવો પર્યાય એટલે જ બન્યો છે. પરંતુ ખૂબ જ આછાં-ધીમાં સ્વપ્નાં ઊઠતાંની સાથે તરત જ ભુલાઈ જાય છે. કેટલાંક ઊઠ્યા પછી થોડા કલાક યાદ રહે છે અને પછી વીસરાઈ જાય છે અને કેટલાંક દિવસો કે વરસો સુધી યાદ રહે છે. ખૂબ જ આછાં અને તરત જ ભુલાઈ જાય એવાં સ્વપ્નવાળી ઊંઘને વૈજ્ઞાનિકો ગાઢ ઊંઘમાં ખપાવે છે. એનો અર્થ એવો થયો કે ગમે તેવી ગાઢ નિદ્રા પણ સ્વપ્નવિહીન તો હોઈ જ ન શકે. માત્ર ગાઢ ઊંઘમાં જોયેલાં સ્વપ્ન મગજના સ્મૃતિકોષમાં એટલી મંદ રીતે એને તાદૃશ્ય કરી શકયાં નથી એટલું જ. પણ એથી કરીને એ સ્વપ્ન આવ્યાં જ નહોતાં એવું નથી.
કંઈક એવું જ સ્મૃતિઓનું છે. જીવનના દરેક બનાવની પ્રિન્ટ મગજના સ્મૃતિભંડારમાં તો પડી જ હોય છે. માત્ર એને ફરી બહાર કાઢીને ફરી માનસપટ પર પ્રોજેક્ટ કરવા માટે કરેલું જોર દેવું પડે છે, એની ઉપર એ સ્મૃતિની તીવ્રતાનો આધાર છે. કેટલીક સ્મૃતિઓ યાદ અપાવ્યા છતાં ફરી અનુભવી શકાતી નથી – એવી સ્મૃતિઓ મગજમાં ભારે મંદ સ્તરે સચવાયેલી હોય છે. કેટલીક સ્મૃતિઓ જરા સરખું આલંબન મળતાં બહાર આવી જાય છે. અને ઘણી એવી પણ સ્મૃતિઓ હોય છે કે જે આપણા વર્તમાનની સમાંતરે, એકબીજા વર્તમાનની જેમ સતત આપણી સાથે જ ચાલી આવે છે.
        તે સ્મૃતિઓને બહાર આવવા માટેના બહાનાં એટલે કે આલંબનો પણ કેવાં કેવાં હોય છે ?
        મારી સાત-આઠ વર્ષની ઉંમરે અમે સૌરાષ્ટ્રમાંના બાબરા ગામ પાસેના ચરખા નામના નાનકડે ગામે રહેતા હતા. અમારા રહેઠાણની આજુબાજુ એક મોટો બગીચો હતો. જેની વચ્ચે લીમડાનું એક મોટું વૃક્ષ હતું. એની ચારે તરફ રેતી પાથરેલો રસ્તો હતો અને એ પછી ગુલાબના ક્યારાઓ હતા. એની ફરતે બીજા અનેક જાતના ફૂલછોડ. પણ પરંતુ કોણ જાણે કેવી રીતે એમાં એક મકાઈનો છોડ પણ ઊગી ગયો હતો અને એમાં પીળાશ પડતા, આછા કોમળ લીલા રંગના પાનવાળા મકાઈના ડોડા ઝૂલતા રહેતા હતા. બગીચાના એક છેડે કૂવો હતો અને આખો દહાડો લાંબી રાશવાળી કોશ વડે એના થાળામાં પાણી ઠલવાયા કરતું હતું. બગીચાથી થોડે દૂર બાબરાથી ઊંટવડ જતી કાચી સડક અને એની ઉપરથી જૂની ઢબની- આગળ લાંબા નાક જેવા એન્જીનવાળી પીળા રંગની બસો આવ-જા કર્યા કરતી.
        આ આખું ય એક દૃશ્ય થયું – એ દૃશ્ય એના તમામ હવાઈ પરીવેશ, અને પરિમાણો સહિત મારા મગજના સ્મૃતિકોષમાં અકબંધ સચવાયેલું પડ્યું છે. પરંતુ આમ છતાં ચોવીસેય કલાક હું મારા માનસપટ પર આ દૃશ્યને લઈને ફરતો નથી. પરંતુ ક્યારેક કોઈ એક નાનકડા એવા આલંબને એ એકાએક મારા મગજમાંથી બહાર આવીને મારા મનમાં છવાઈ જાય છે. એ કયું આલંબન ?
આજે ક્યારેય પણ ગુલાબનું ફૂલ મારા હાથમાં આવે ત્યારે..
        એ આલંબન છે સુગંધનું. મારા એ શૈશવકાળમાં ગુલાબની લુંબે-ઝુંબે ક્યારીઓ વચ્ચે હું એકલો એકલો રમતો હતો. મારો મોટોભાઈ બહારગામ ભણતો હતો અને સરકારી અધિકારીના પુત્ર અને અલગ બંગલામાં રહેવાના કારણે કોઈ ગામડિયો છોકરો મારો જોડીદાર નહોતો. એટલે એમ બન્યું કે એ બગીચાને જ મારા સાથીદાર તરીકે મેં સ્વીકારી લીધો. એ વાતાવરણ – એ પરિવેશ અને એ એકાંતિક સવાર-બપોર કે સાંજને મેં મારા અસ્તિત્વમાં ઓગળી લીધાં. ગુલાબની ક્યારીઓમાંથી ફૂલ ચૂંટીને એના વડે રમતો થતી અને એટલે જ આજે જ્યારે ક્યારેય પણ ગુલાબનું એક ફૂલ કે એકેય પાખંડી મારા હાથમાં આવે છે ત્યારે તરત જ નાકે લગાડીને એને સુંઘી લઉં છું – અને એ સુગંધ નાકમાં પ્રવેશતાંની સાથે જ સિત્તેર વરસ પહેલાંનો એ બગીચાવાળો શૈશવકાળ એવા તમામ સ્થૂળ અને સૂક્ષ્મ પરિવેશ સહિત મારા માનસપટ પર છવાઈ જાય છે. અને માત્ર એનું સ્મરણ થાય છે એમ કહીશ તો એ અધૂરું ગણાશે. એમ કહીશ કે ફરી એ કાળમાં થોડી ક્ષણો પૂરતો હું સંદેહે પ્રવેશ કરી લઉં છું.
        આમ મારી એ સ્મૃતિનું સંધાન-એસોસીએશન-માત્ર સુગંધ અને તે પણ ગુલાબના ફૂલની સુગંધ સાથે છે. પરંતુ દરેક કિસ્સામાં સ્મૃતિઓનું સંધાન ગંધ સાથે હોવું જરૂરી નથી. ઘણાં વર્ષો પહેલાં સંજોગ નામની એક ફિલ્મ આવી હતી. મેં તે જોઈ નથી. પણ એની વાત સાંભળી છે. એમાં એક પાત્રની બચપણની સ્મૃતિ સાથે ટ્રેનની વ્હીસલ સંકળાયેલી હતી અને એ વ્હીસલ સાંભળતાંની સાથે જ એના બચપણની તમામ યાતનાઓ એના સ્મૃતિકોષમાંથી બહાર આવી આવીને એને પીડવા માંડતી હતી. આવી જ વાત પાકિઝા ફિલ્મમાં પણ હતી. એમાં નાયિકાને કાને ગાડીની વ્હીસલ પડતાં જ એ નૃત્ય કરતાં કરતાં પણ સ્થિર થઈ જતી હતી અને પ્રણયના પ્રારંભની ક્ષણોમાં સરી પડતી હતી.
(મનના અતાગ ઊંડાણ વિષેની વધુ વાતો બીજા ભાગમાં) 
(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.) 

Monday, April 16, 2012

લીલા ચીટણીસ યાદ આવે છે ?જગતનો આ વિરાટ મેળો પણ એક ભારે અચંબો પમાડનારી ચીજ છે. કોણ એમાં ક્યારે ભેટી જશે અને ક્યારે છૂટું પડી જશે તેનો જરા સરખો પણ વર્તારો કદિ કરી શકાતો નથી. એના કરતાંય ભારે અચરજભરી વાત તો એ કે પળ-અર્ધી પળ માટે માત્ર આકસ્મિક રીતે અલપઝલપ મળી જનારી  કોઇ મૂર્તી ભેટી જાય એ ક્ષણે આપણે  તો એને પીછાણી શકતા નથી, પણ એની વિજળીક વિદાયની  ક્ષણ પછી તરત આપણા મનમાં એકાએક ઝબકાર થાય છે કે અરે, એ તો એ જ હસ્તી હતી જેને એક વાર જોવા-મળવા-વાત કરવા માટે આપણે વર્ષોથી ઉત્સુક હતા ! જેને આપણે રૂપેરી પર્દે સાવ નાનપણથી જોતા આવ્યા છીએ અને એક પ્રકારની પરોક્ષ પણ પ્રબળ અને એકપક્ષી આત્મિયતા એની સાથે બાંધી ચૂક્યા છીએ.અરેરે, આપણે એને ઓળખી કેમ શક્યા નહિ? એ વસવસો શમે તે પછી આપણે એનો પીછો કરીને એને એકવાર ઝડપી પાડીને મળી લેવાની અદમ્ય મંશા પૂરી કરવા માટે  બહાર ડગ દઇએ છીએ ત્યારે ખબર પડે છે કે  એ વ્યક્તિ તો હવે અફાટ ભીડમાં ઓગળી ગઇ છે. હવે  એને મળવાનું ક્યારેય શક્ય  નથી બનવાનું. બસ. એ ચચરાટ પછી જીવનભર રહ્યા કરે છે. એવા જ એક ચચરાટની  વાત...
****  ****  **** 

        કોણ ?” જરા જરા પટીયાં પાળેલા વાળ હતાં એ ?”
        ત્યારે ? તમે ઓળખી ન શક્યા ?”
      જવાબ દેવાનો મને સમય નહોતો. મેં કહ્યું : “હું હમણાં જ પાછળ પાછળ જાઉં - હજું તો આટલામાં જ ક્યાંક હશે ?”
      આ ન્યુયોર્કની ભીડમાં તમને હવે ન મળે. રહેવા દો. શાંતી રાખો. તમને હું વાત કરું.
      ખરી વાત. સૂર્યપ્રકાશના તેજથાંભલામાં કોટી કોટી રજકણો હોય.એમાંથી એકાદું આપણા કાંડા પર આવીને વિરમી જાય અને ઉડી જાય. છતાંય આપણને એની ખબર ના પડે.લીલા ચીટણીસનું પણ એવું જ. 1994માં અશ્વત્થામાની જ જેમ અમરત્વનો અભિશાપ લઈને એ ન્યુયોર્ક અને ન્યુ જર્સીની વચ્ચે આથડતાં હતાં. ક્યાંક ઝબકતાં હતાં . પછી વિલાઈ જતાં હતાં.  બધા જ કહેતા, 'અરે, હમણાં જ તો એમને જોયાં હતાં! પણ અત્યારે ક્યાં ? ખબર નથી.' એમનો ખરો ફોન નંબર પણ કોઇને કહેતાં નથી. આપણી ડાયરીઓ ભરચક્ક છે. નકશામાં ધોરીમાર્ગ જડે, પણ જે ધોરીમાર્ગ નાની કેડી બની ગયો હોય એની લીટી ન મળે. એમ લીલા ચીટણીસનો નંબર પણ... 
        1935 પછીના આખા એક દસકા સુધી,અશોકકુમારની સાથે એમની જોડી હતી .એક ફિલ્મી યુગાંતરે રાજ-નરગીસ. દેવ-સુરૈયા, દિલીપ-મધુબાલાની જેમ એમનું નામ અશોકકુમાર-લીલા ચીટણીસ એમ બોલાતું હતું. આપણે ત્યારે અંતરિક્ષમાં હતા. જનમ ધરીને  શરૂઆતની જે ફિલ્મો જોઈ તેનાં નામ લેવા બેસીએ તો પાર ન આવે એટલી ફિલ્મોમાં એ હતાં. ન ભૂલતો હોઉં તો આવારામાં પણ હતાં. દિકરા(રાજકપૂર)ની બ્રિફકેસમાં રિવોલ્વર જોઈને એ જે હબક ખાઈ જાય છે એ યાદ કરીને અનેકવાર હું માતાને સામાન્ય વાતમાં પણ છેતરતાં અટકી ગયો છું. રાજકપુર (પુત્ર) એમને ઇધર કા માલ ઉધર અને ઉધરકા માલ ઇધર નો મારો કારોબાર છે એમ સમજાવે છે ત્યારે એ ગળે ઘુંટડો ઉતારે છે. એના નિશાન એમના કંઠ પર લીલા રંગના નથી પડતા. પણ દેખાય છે - તો ય દેખાય છે. લીલા ચીટણીસ, લીલા મિશ્રા, પ્રતિમા દેવી, અચલા સચદેવ, લલિતા પવાર, દુર્ગા ખોટે, સુલોચના (રૂબી માયર્સ) આ બધી પડદાની માતાઓ છે. એમાં સૌથી વધુ દયામણી, પ્રેમાળ, સમાધાનકારી છતાં ગરવી માતા લીલા ચીટણીસ. ચાલીસ પછી જન્મેલા એને હિરોઇન તરીકે એને કલ્પી જ ના શકે. જૂની ફિલ્મોના વિડીયો જોવા બેસે ત્યારેય મગજમાં તો બેસે જ નહીં. આજે ફિલ્મી તારીકાઓ  'લક્સ' સાબુની જાહેરાત  'મેરે સૌંદર્ય  કા રાઝ' કહીને કરે છે, પણ  એ  જાણીને નવાઈ  લાગશે કે આ  પ્રથા શરૂ કરનારાં પણ લીલા ચીટણીસ  જ હતાં. 'લક્સ'નાં એ  પહેલવહેલાં ફિલ્મી મોડેલ  હતાં. 

'લક્સ'નાં પહેલવહેલાં ફિલ્મી મોડેલ 

        આખા અમેરિકામાં 8 મી મે, 1994 એ મધર્સ ડે ઉજવાયો એ પછીના થોડા જ દિવસોમાં મને એ વિનોદ અમીન, કપિલાબેન અમીનના ઘેર આવતાં રસ્તામાં અથડાયાં. મેં નજર કરી. મનમાં છબી પડી અને એ ઉઘડીને મનમાં પડે ત્યાં તો અદૃશ્ય! 
 હમણાં ગયાં એ લીલા ચીટણીસ એમ કપિલાબેને કહ્યું ત્યારે મોટી થપ્પડ પડી.
        હવે ?’ મેં પૂછ્યું ફરી આવશે ?”
      ના કપિલાબેને કહ્યું : “ભટકવું જ એમનું જીવન છે.
      એમ ?” મેં પૂછ્યું ઘરબાર નથી ?”
      શિકારી મન તરત જ મારણ માગે એવી રીતે  એમના જીવનની કારૂણી તો લેખકને મન એક જાતનું  મારણ જ. ધીરે ધીરે તંતુએ તંતુ જુદા કરીને ચાખવાથી એનો સ્વાદ આવે.
        1986 માં અમે 42/55, મેઇન સ્ટ્રીટમાં રહેતા હતા કપિલાબેન કહ્યું આને ન્યુયોર્કનું ફલશીંગ નામનું પરું કહેવાય. અમે એક અશોકભાઈ ગાંધીના ઘરમાં રહેતા હતા. ત્યારે એમણે ભલા થઈને કોઈ પેંઇગ ગેસ્ટ રાખવું હોય તો રાખવાની રજા આપી. આવકનો ટેકો રહે એ વખતે અમને કોઈની મારફત પહેલાં પેઈંગ ગેસ્ટ મળ્યા તે આ લીલા ચીટણીસ !”
      પણ એમને પેઈંગ ગેસ્ટ તરીકે શા માટે રહેવું પડે ?”
      જવાબમાં ધીરે ધીરે જવાબનું આખું કપડું તો નહીં, પણ થોડી ચીંદી મળી- કર્ણાટકના ધારવાડમાં સ્કૂલમાં પ્રિન્સીપાલ એવા પિતાને ત્યાં એ 30-9-14( કે 1912)માં જન્મ્યાં અને 1934માં ગ્રેજ્યુએટ થયા.યુવાનીમાં પ્રેમલગ્ન કર્યા. સાસરીયાંઓની મરજી વિરુદ્ધ ફિલ્મોમાં કામ કર્યું ને છોકરાંને મોટા કર્યા-પતિથી અલગ થયાં અને ફિલ્મોમાં વિશેષ ધ્યાન આપ્યું, કમાયાં તે છ સંતાનો પાછળ ખર્ચ્યું. અમેરિકા વસાવ્યા. એમાં એક તો અમેરિકન લેડીને પરણ્યો. બાલબચ્ચાં થયાં. અમેરિકન કાયદા મુજબ સૌને અલગ અલગ બેડરૂમ્સ જોઈએ. એમાં વિધવા માતાનો બેડરૂમ  બાતલ થયો.. અહીં આ દેશમાં રસોડામાં માજી પડ્યા રહે એમ નહીં થતું હોય એટલે છોકરાના છોકરાઓ વેકેશનમાં ઘેર પાછા ફરે ત્યારે ડોશી ક્યાંક પેઈંગગેસ્ટ તરીકે રહેવા જાય.        સ્થિતિ ?” મેં પૂછ્યું : “બેહાલ ?”
            “ના,એવું નહિ. વિનોદ અમીને કહ્યું : ઉલટાના થોડા વધારે, એટલે કે અઠવાડિયાના સાઠને બદલે એંસી ડોલર આપે.
      ત્યારે તો લાડેય કરતાં હશે ને ?”
        ના,જરા ય નહીં. સ્વભાવ જ ભલો, અને મળતાવડો. આપણા દાળ-ભાત શાક સ્વાદથી ખાય. સવારે જાતે બ્રેડ-કુકીઝ, બટર, ફ્રુટ લાવ્યા હોય તે ખાય. હા, ટાપટીપમાં એ ઉંમરેય પૂરાં, પફ-પાવડર-કર્લી હેર. વાળને વાંકડીયા બનાવવા રાતે માથામાં પીન ખોસીને સૂએ. ને ડ્રાયર ફેરવે. એમના સરસામાનમાં માત્ર એક પતરાની ટંકડી. એમાં અર્ધો સામાન તો આ ટાપટીપનો હોય.
        ત્યારે તો વાતો ય રંગીન - રોનકભરી કરતાં હશે.

      ફિલ્મી દુનિયાની વાતો કરે, વાતરસિયા બહુ એટલે સરસ વાતો કરે. એમાં વચ્ચે વાતવાતમાં અશોકકુમાર આવે ને આવે જ. આંખોમાં ચમકારો આવી જાય. અસલી ઓતારમાં આવી જાય. ડાયલોગ બાયલોગ બોલવા માંડે પણ... એ કંઇક બોલતાં બોલતાં વાતને મનમાં જ ઉતારી ગયાં.

એમ તો નવરા પડે ત્યારે ચંદેરી દુનિયા શિર્ષકથી આત્મકથા જેવું કંઇક લખતાં હતાં. કોઇને બતાવતાં નહોતાં, એમાં પરોવાઈ જતાં.ત્યારે ગંભીર થઇ જતાં, એ સિવાય હસાવતાં બહુ.
      તમે પેલી વાત ચોરી ગયાં મેં કહ્યું કહોને ! ડાયલોગ બાયલોગ બોલતાં બોલતાં લીલા ચીટણીસ શું કરે ?”
      કપિલાબહેને સંકોચ ખંખેરી નાખ્યો. મોં ધોઈને આવ્યા હોય એમ સ્વસ્થ થઈ ગયાં - બોલ્યાં, "એ તો ક્યારેક ડાયલોગ બોલતાં બોલતાં પોતાના અસલી ડાયલોગ બોલવા માંડે, અસલી જીવનના ડાયલોગ. જેમ કે - કભી બોમ્બે આઈ તો દેખ લુંગી. તુમ કૈસે મેરી જીવનભરકી કમાઈ નિગલ સકતે હો! ક્યા મેરી પ્રોપર્ટીમેં સે તુમ મૂઝે એક પાઈ ભી નહીં દોંગે ?”
        મુંબઈમાં કોણ હતું એમનું ? સાસરીયાના સગાંઓ-દેરીયા-જેઠીયા..... ઓહ, સમજાયું ! ઇધર કા માલ ઉધર. આવારા સંવાદોનો અહિં એમણે અમલ જોયો હશે ?
થોડી વાર રહીને મેં એમને પૂછ્યું:મારે એમને મળવું છે.  મેં કહ્યું: પત્તો મેળવી આપશો ?
એમણે જવાબ આપ્યો નહિ. મૌનમાં પડેલો નકાર કોઇ જીવતા માણસને ગળી ગયેલા દરિયાના અતાગ પાતાળમાંથી જન્મેલો હોય છે.
                                                               ****  ****  ****

સુરતના ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશી માહિતી આપે છે કે 15-7-2003ના રોજ અમેરિકાના એક નર્સિંગ હોમમાં દરીદ્ર અવસ્થામાં અવસાન પામનારાં લીલા ચીટણીસને એ અવસ્થામાં ચરિત્ર અભિનેત્રી શશીકલાએ શોધી કાઢ્યાં ત્યારે એ લીલાજી એમને ઓળખી પણ શક્યાં નહોતાં, એટલા બધા સ્મૃતિહ્રાસથી પીડાઇ રહ્યાં હતાં. અનેક ગીતોના ગાનારાં એ અભિનેત્રીએ 1935 ની ફિલ્મ ધુંઆધાર”/ Dhuwandhar થી પોતાની કારકિર્દી શરુ કરી હતી, હિરોઇન તરીકે તેમણે બંધન”/ Bandhan (1940) ઝૂલા/Jhoola અને કંગન/ Kangan ( 1941) સહીત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. એ પછી ચરિત્ર અભિનેત્રી તરીકે પણ તેમની કારકિર્દી અતિ યશસ્વી રહી હતી. તેમની રજુ થયેલી છેલ્લી ફિલ્મ રામુ તો દિવાના હૈ”/ Ramu to diwana hai (2001) હતી,બનવાજોગ છે કે તેનું શૂટિંગ અગાઉ થઇ ચૂક્યું હોય યા તેઓ અમેરિકાથી થોડા સમય માટે આવ્યાં હોય.

                                         ****  ****  ****

આ અનોખી અભિનેત્રી પર ફિલ્માંકીત થયેલું અને તેમણે જ અશોકકુમાર સાથે ગાયેલું 'બંધન' (૧૯૪૦) ફિલ્મનું આ અતિ વિખ્યાત અને લોકપ્રિય ગીત જોઈને તેમની સ્મૃતિને તાજી કરીએ. (ગીતકાર: પ્રદીપ, સંગીતકાર:  આર.સી.પાલ)