Wednesday, November 27, 2013

આરસનો અંજામ (ભાગ ૨)( ગયા હપ્તાથી ચાલુ
પ્રથમ હપ્તો વાંચવા માટે અહીં ક્લીક કરો.)

1987ના ચિત્રલેખાના દિવાળી અંકમાં મેં એમના વિશે બહુ વિગતવાળો અને ફોટોગ્રાફ્સવાળો લેખ લખ્યો. શીર્ષક હતું : ઝળહળતો મધ્યાહન, ઝંખવાઈ ગયેલી સંધ્યા.
પણ તે પછી જે બન્યું એણે જ મને જિંદગીના અસલી રંગ બતાવી દીધા !
                લેખ પ્રગટ થયા પછી વિવેચકો તો રાજી થયા જ પણ વાચકોના તો અનેક પત્રો આવ્યા પણ હીરાબાઇ ખુદ ? અરે, .એ તો બહુ રાજી થયાં - એક અંકમાંથી પાનાં ફાડીને પોતાની ખોલીની દીવાલો પર છૂટાંછૂટાં લગાડ્યાં !
                હીરા ડોશીની આવનજાવન મારે ત્યાં શરૂ થઈ ગઈ. બસમાં અથડાતાં-કુટાતાં એ મારે ઘેર આવે. ક્યારેક મારી દીકરી માટે ક્યાંકથી ગમે તેમ જોગ કરીને સુખડી બનાવી હોય એ લઈ આવે. એમાંથી અર્ધા ઉપરાંતની તો મારા જ ઘરમાં મારી સાથે બેસીને પોતે જ આરોગે. કલાક-દોઢ કલાક બેસે, ચાપાણી પીએ. અમે થોડાંક જૂના કપડાંની પોટકી તૈયાર રાખી હોય. થોડી આનાકાની સાથે એ સ્વીકારે, પણ ઉદાસીન ભાવથી એને અડે. એ જોઇને અમને એમ થાય કે એમને નહીં ગમતું હોય, પણ બીજી વખત આવે ત્યારે એ જ કપડાં ચડાવીને આવે એટલે દૃશ્યમાન ખાતરી જન્મે કે ના, ના ડોશી રાજી થયાં છે. વરસમાં પાંચ-છ વાર એમની વિઝિટ ખરી.
                એવામાં ફરી ત્રણ-ચાર વરસનો ઝોલ પડી ગયો. આપણે પણ કેટલા સંબંધોના ભાર વેંઢારવા ? એ પણ ભૂલી ગયાં હશે. ખરસાણી મળે ત્યારે પૂછું તો કહે કે ત્રણેક વરસથી રાખડી બાંધવાના મિષે પણ ઝબક્યાં નથી. એક વાર મારી પૃચ્છાના જવાબમાં ખરસાણી જરા કટાક્ષમાં બોલ્યા : એ મરે ત્યારે આપણને સમાચાર મળે તેવી ગોઠવણ કરી છે. ત્યાં લગી માનવું કે જીવે છે.
                સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બૉર્ડ (નાટકો માટેનું સેન્સર બૉર્ડ)ની મિટિંગમાં એક વાર અમે સરકારની ગ્રાન્ટ વાપર્યા વગર પાછી વાળવાના હતા પણ મને વળી સૂઝ્યું કે એમાંથી કોઇ ગરીબ-અશક્ત કલાકારોને મદદ કરીએ તો કેમ ? સૂચન કર્યું તો અધ્યક્ષ મણિભાઇ શાહને ગળે તરત ઉતરી ગયું. એમના ભારેખમ સ્વરે મને તાકીને કહે કે તું પોતે જ એવું કોઇ નામ સૂચવ ને ! આપણે કરીએ.”  મને આ હીરાબાઇ જ એ મદદ કરવા જોગ પાત્ર તરીકે અચાનક યાદ આવ્યાં. મેં દરખાસ્ત મૂકી - સૌએ મંજૂર કરી, પણ હવે એમને શોધી કાઢવાની જવાબદારીય મારી ! હવે મારે એમને શોધવાં ક્યાં ? સંકટ સમયની સાંકળ જેવા ખરસાણી યાદ આવ્યા. એ ભલા માણસે મને બે-ત્રણ દિવસમાં જ એમનું સરનામું મેળવીને એમને પોસ્ટકાર્ડ લખ્યું. મેં પણ લખ્યું. 'મળવા આવો તાબડતોબ. તમને લાભ થાય એવી વાત છે.' 
હીરાબેનને મેં લખેલો પત્ર:
'તાત્કાલિક મળવા આવો.' 
ચાર જ દિવસ પછી ધ્રૂજતા સ્વરે એમનો ફોન આવ્યો :
મારા ટાંટિયા કામ કરતા નથી. ફોનની કૅબિન લગીય માંડ-માંડ આવી છું. આવવું હોય તો તું મને મળવા આવી જા.
                ‘મારાથી નીકળાય એમ નથી.મેં જરા ચીડથી કહ્યું : તમે આવી જાઓ. તમારા ફાયદાની વાત છે.
                ‘તો મને ફોનમાં સમજાવ ને, ભઈલા.
                એમના ટેલિફોન બૂથની બાજુમાં કૅસેટની કોઈ દુકાન હોવી જોઈએ. દાંડિયા, ધમાલનો બોકાસો એમાંથી સંભળાતો હતો. છતાં ડોશીને મેં વાત સમજાવી તો ફોનમાં જ એમણે કકળાટ કરી મૂક્યો : મારે શું રૂપિયાને પૂળો મેલવો છે હવે ?’ પંચાસીની થઈ. ટાંટિયા તો ગયા હતા, હવે હાથ પણ જવા બેઠા છે. સંભાળ રાખનારું કોઈ નથી. મને કોક ઘરડાઘરમાં દાખલ કરાવી દે, તો તારો પાડ.
                એક ક્ષણમાં મેં વિચારી લીધું, કહ્યું : તમે રિક્ષા કરીને મારે ત્યાં આવી જાઓ. ઘરડાઘરનું કાંઈક ગોઠવું છું.
                બે કલાકમાં તો નાનકડી બચકી બગલમાં ઘાલીને ડોશી હાજર થઈ ગયાં. હાંફતાં-હાંફતાં દાદરો ચડીને આવ્યાં. આવીને ધબ દઈને ખુરશીમાં બેસી ગયાં.

એ મળવા આવ્યાં... 
રિક્ષાવાળાને તો મેં છત્રીસ રૂપિયા આપીને રવાના કર્યો
, પછી આમના ભણી મીટ માંડી - ઓહ ! આ ત્રણ-ચાર વરસમાં તો શરીર પર જાણે રંધો ફરી ગયો હતો. ખપાટ જેવા કાંડા થઈ ગયાં હતાં. કમરેથી વળી ગયાં હતાં - હાથના પંજા ઉપર લીલી નસોનું જાળું ઊપસી આવ્યું હતું. પગમાં ચંપલ નહીં, જૂના સ્લીપર હતા - એક વાત ભારે અચંબો પમાડનારી નીકળી. સો ડોશીઓને લાઈનબંધ ઊભી રાખો તોય સાવ જુદો પડી આવે એવો માંજરી આંખોવાળો, ગોરો લંબતરડો, લચી પડેલા છતાં સુંદર ગુલાબી ગાલવાળો ચહેરો હતો એમનો.
                ખબરઅંતર પૂછ્યા - ચાની ના પાડી એટલે પછી જમાડ્યાં. ઘણા દિવસથી પેટપૂરણ જમ્યાં નહીં હોય એમ ઝડપથી જમતાં હતાં- એકદમ રસલીન થઈને, પણ જમી રહ્યાં કે તરત જ હાથ લૂછીને પૂછ્યું : મારું કાંઈ ઠેકાણું પાડ્યું ભઈલા ?’
                ‘હા.મેં કહ્યું ને કેમ પાડ્યું એની પણ એમને સાંભળવી ગમે એવી વાત કરી. અહીં મણિનગરમાં ઘરડાઘર છે. એનાં પ્રમુખ વીરબાળાબહેન નાગરવાડિયા છે. મારાં ઓળખીતાં છે. છતાં જગ્યા જ નથી એમ કહીને છૂટી પડતાં હતાં ત્યાં બા, મેં તમારું નામ આપ્યું ને બાજી પલટાઈ ગઈ. અરે, એ તો તમારાં જૂનાં ફેન નીકળ્યાં.
                એમની આંખોમાં ચમક આવી, પણ એ સાથે જ ઉધરસ ચડી. લોટપોટ વળી ગયાં. પાણી ધર્યું તો પીને હાંફતાં-હાંફતાં બોલ્યાં : જોયું ને, મારા નામના હજુ પણ - હજુ પણ સિક્કા....સિક્કા... બસ, તને એમ કે બસ હું કહું તો જ થાય. કાં ?’
                એ બપોરે જ અમે એમને મણિનગરના ઘરડાઘરમાં ભરતી કરવા ગયા. જરૂરી રકમ ભરી. (એમની પાસે તો ક્યાંથી હોય ?) 
ઘરડાઘરમાં પ્રવેશ 
બહુ કચ્ચરપચ્ચર હતી મહિલા વિભાગમાં. સફેદ વાળનાં ગૂંચળાં જ્યાં-ત્યાં પગે અથડાતાં હતાં. એક પલંગ પર એમને સુવાડ્યાં. એમની પોટકીમાં મેં મારા બે-ત્રણ વિઝિટિંગ કાર્ડ મૂકી દીધાં. એક થરમૉસ આપ્યું. એમને ગોઠવીને પાછા વળતા હતા ત્યાં એમણે મને પાછો બોલાવ્યો - શું હશે ? નજીક ગયો તો જોરથી મારો હાથ પોતાના હાથમાં દાબી દીધો. હું જ્યાં ઝૂક્યો કે મારા માથે હાથ ફેરવી લીધો. આંખમાં પાણી તગતગી રહ્યાં. હોઠ કંઈક બોલવા માટે કંપ્યા, પણ શબ્દ તો શું, ઉદ્‍ગાર પણ નીકળી શક્યો નહીં. મેં મારાં પત્નીને કહ્યું : મારાં બા એંસીની સાલમાં ગયાં. આજે ફરી આટલા વર્ષે હથેળીની આવી ઉષ્માનો અનુભવ કર્યો.
                ‘પૂરણપોળી ખાવી છે - મોકલ.એક દિવસ ઘરડાઘરમાંથી એમનો ફોન આવ્યો. હું સખત કામમાં હતો. મને ખીજ ચડી. જીભના કેવા-કેવા ચટકા છે, આ ડોશીને ! કોણ નવરું હોય એમના આવા બધા શોખ પૂરા કરવા ? હું વાતને ઓળંગી જવા માગતો હતો, પણ તરુનો જીવ ન રહ્યો. મારે હીરાબાઈ એકલાં માટે નહીં, બીજી પાંચ-દસ ડોશીઓ માટે પૂરણપોળીનો ટોપલો ઊંચકીને જવું પડ્યું. મારા જવાથી એ બિછાનામાં અર્ધાં બેઠાં થયાં. જોયું ?’ એમણે એમની પડોશણ પલંગવાળીઓ તરફ જોઈને કહ્યું : હું નહોતી કેતી ? બોલો, હવે આવતા ગુરુવારે શેનો સ્વાદ કરવો છે ?’
                હું સમસમીને સાંભળી રહ્યો. કઈ કમાણીના જોર પર ડોશી...
                આમ ને આમ દિવસો વીત્યા. વળી એક દિવસ ઘરડાઘરની કોઈ નોકરડીએ કરેલા અપમાનના ઘાથી એ મારે ત્યાં રિક્ષા કરીને આવી ચડ્યાં. ના, હવે ત્યાં પાછી નહીં જાઉં. હું કોણ ! મિસ હીરા!
                બહાર જવાનું મુલતવી રાખીને બે કલાક એમની સાથે ખપાવ્યા. એમને ભાવતું ભોજન જમાડ્યું. કાકલૂદી કરી ત્યારે માંડ એ ફરી વાર ઘરડાઘરમાં મારી સાથે આવવા તૈયાર થયાં.... તારે મારી નજર સામે એ બાઈને એક થપ્પડ ઝીંકી દેવી પડશે. બોલ! તો આવું.આવી શરત સાથે હું એમને લઈને ઘરડાઘર પહોંચ્યો ત્યારે મારા ખુશનસીબે એ નોકરાણી છોકરું ધવડાવવા ઘેર ગઈ હતી. ત્યાં લગીમાં તો ડોશીનો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. એટલે પેલી શરત રદબાતલ કરાવી ! વીરબાળાબહેનને પરિસ્થિતિ સમજાવી. બધું સમુનમું કરીને ઘેર પાછો આવ્યો ત્યારે ત્રણ વાગ્યા હતા. ભીતરથી ઠપકો મળતો હતો. શું કરવા આવાં સળગતાં લાકડાં લેતો હોઈશ ?
                એક વહેલી સવારે કોઈ ડૉકટર દવેનો ફોન આવ્યો. ડૉકટરના અવાજમાં ધીરી ધારણ હોય, આમનામાં નહોતી. જરા ગભરાયેલા હતા. તમારું કાર્ડ ડોશીની બચકીમાંથી નીકળ્યું એટલે તમને ફોન કરું છું.
                મને ફડકો પડ્યો : શું થયું ? ડોશી ગયાં ?’
                ના, ડોશીની દોરીનો માંજો પાકો હતો. હું દોડાદોડ ગયો ત્યારે ડોશી પલંગમાં માથું આમતેમ ફેરવતાં પડ્યાં હતાં. ડૉકટર દવે પણ હતા.
'ના. ડોશીનો માંજો પાકો હતો.' 
હિસ્ટરી મળી. ડોશીને રાતે બ્લડપ્રેશર ભયાનક સપાટીએ વધી ગયું હતું. તાબડતોબ ઘરડાઘરમાં ડૉકટર ન આવ્યા હોત તો સ્વધામ પહોંચી જાત. માંડ ખીણની ધારે ઊભાં રાખ્યાં છે. હવે જો કોઈ ખાનગી નર્સિંગ હોમમાં લઈ જાઓ તો ખીણમાંથી પાછા ભેખડ પર આવે, નહીં તો જે ભગવાન.
                માથું ખંજવાળ્યું. વિચાર કરતો હતો ત્યારે ડોશી મારો હાથ પકડીને પંપાળતાં હતાં, એક વાર તો મને રીતસર ખેંચીને કપાળે બચી પણ કરી. મને બહુ સારું લાગ્યું. છેક હમણાં લગી કાળીચૌદશની રાતે અમને ઢાંગરા જેવડા થઈ ગયેલા ભાઈઓને અમારાં બા-એમનું નામ પણ હીરાબા -ખોળામાં માથું રાખીને આંખમાં મેશ આંજતી તે યાદ આવી ગયું. ચૌદશનો આંજ્યો, જાય ન કોઈથી ગાંજ્યો.એમ બોલતી.
આ હીરાડોશી કાકલૂદી કરતાં હતાં, “બચાવી લે, બચાવી લે દીકરા..મને બચાવી લે..
મારી ઝાઝી હેસિયત ક્યાં હતી ? ડૉ. અશોક પારેખ યાદ આવી ગયા. તે આપણા ડૉ. મધુસૂદન પારેખ પ્રિયદર્શીના પુત્ર. એ વખતે મણિનગરમાં જ ડૉ. અતુલ પરીખ સાથે પરિમલ હૉસ્પિટલ ચલાવતા હતા. સાહિત્યકળાના જબ્બર શોખીન. એ કાંઈ થોડો જાકારો આપશે ? ચાલો, ચાલો, પડશે એવા દેખાશે.
                કારમાં ડોશીને પાછલી સીટ પર સુવાડીને લઈ ગયા. ધારણા મુજબ બંને ડૉકટરોએ ફીની વાત પણ કર્યા વગર દાખલ કરી દીધાં – જો કે દવા જેવો મામૂલી ખર્ચ થયો, પણ એ તો હવે સમજ્યા. આપણીય કાયા કયાં કંચન છે ? નથી થતા ખર્ચા ? પણ આવો સાંધામેળ બેસાડતાં-બેસાડતાંય અંદરથી એક લપાટ પડી - સગ્ગી મા હોત તો આવા દાખલા ગણવા બેસત !
                ડોશી એક દિવસ રહ્યાં, કંઈક ઠીક થયાં એટલે લાડ કરવા માંડ્યાં. જો, મને આ સૌની સહિયારી નર્સ ન ચાલે - મારે તો મિનિટે જરૂર પડે. લોભિયો ક્યાંયનો ! એકાદ બાઈની ગોઠવણ કરી દે ને ! ફરી મારા મનમાં ખીજ, ને ફરી સમાધાન - શોધી આપી એક મરાઠણ ડોશી. રોજના ત્રીસ રૂપિયા. એય ઘરની બળેલી હતી. આશરો જ શોધતી હશે, આવી ગઈ. ત્યાં વળી હીરાબાની વાનગીઓની ફરમાઈશો શરૂ થઈ. સમોસા, પુડલા, ઢોંસા, બટાકાવડા.
                ડૉકટરને હું ફોનમાં પૂછું - એમની આ માંદગીમાં આવું-આવું અપાય ? ડૉકટર બાંધ્યા ભરમે મારી સાથે વાત કરે : ટ્રેન ઊપડવાની તૈયારીમાં છે. આપોને જે માગે એ થોડું-થોડું ! હવે એ પ્લૅટફૉર્મ  પર ઉભાં છે. પ્લૅટફૉર્મ પર મળે એ બધું જ એમને ખાઈ લેવા દ્યો. નહીં તો પછી તમને જીવનમાં એ બધું ખાતી વખતે ડોશી યાદ આવશે.
                સારું ત્યારે, કરો પૂરી બધી ફરમાઈશો! 
                દસેક દિવસ લગી આ ઇચ્છાપૂર્તિ ચાલી. ડોશીના મોં પર તેજ આવી ગયું. રોજ રાતે પાડોશના ખાટલાવાળા દર્દીઓ અને એમનાં સગાંવહાલાંઓને ગમ્મત કરાવે. પલંગમાંથી નીચે ઊતરી પટમાં આવે. સંવાદોમાં પોતે બોલતાં તે ઉર્દૂ બેત સંભળાવે. પૃથ્વીરાજ સંયુક્તામાંથી સંયુક્તાના ડાયલૉગ્ઝ સંભળાવે. પોતે જ સૂત્રધાર ને પોતે જ પાત્ર. વચ્ચે હું કોણ ? હું મિસ હીરા !શબ્દો તો કાવ્યમાં આવતી ટેકની જેમ આવે જ. એક વખત હુંય જઈ ચડ્યો હતો ત્યારે ઝાંસીની રાણીના પાઠમાં હતાં - સિકલ પર ધાગાધાગા ખુમારી પ્રગટાવી દીધી હતી ત્યારે સમજ પડી કે જુવાનીમાં એમની માંજરી આંખો કેવડી મોટી અસ્ક્યામત હશે ! અરે, કોક જ અભાગિયો ઘાયલ નહીં થતો હોય.
                એક વહેલી સવારે ફોન આવ્યો - ડોશી ગયાં. તમે એમના શું સગા થાઓ ?’ મારી પાસે જવાબ નહોતો. ખોટું બોલવું નહોતું ને સાચું કાંઈ સૂઝતું નહોતું. દોડાદોડ ગયો. ડોશી ઉઘાડા મોંની ડાબલીએ મરેલાં પડ્યાં હતાં. માંજરી આંખો રતન વગરની થઈ ગઈ હતી. એક વાર એનું તેજ ખમાતું નહોતું. હવે એની નિસ્તેજતાનો સામનો થતો નહોતો. મેં પોપચાં હળવેથી બંદ કરી દીધાં અને માથે ચાદર ખેંચી દીધી. બાજુમાંથી કોઈ દર્દી સ્ત્રી બોલી : હજુ કાલે રાતના દોઢ સુધી અમને હસાવતાં હતાં. રંગીલી રમજૂડીનો પાઠ ભજવી બતાવ્યો હતો. બહુ કૂદ્યાં-કૂદ્યાં એમાં જ કદાચ.....
                હવે ? કોને બોલાવવા ? ખરસાણીને ફોન કર્યો એ અને એમનો દીકરો ચીકો આવી ગયા. અને બીજા થોડા જૂના નાટકના ઊતરેલા અશ્વ જેવાં પાત્રોને બોલાવ્યાં - આવી ગયાં, પણ કુલ દસથી વધારે નહીં. નવા નવા પરિચિત બનેલા વાચક (હવે તો નાનેરા મિત્ર એવા) બિનીત મોદીને પણ બોલાવી લીધા.
                ઘર તો હતું જ ક્યાં ? નનામી દવાખાનામાં જ બાંધી. કાંધ આપતી વેળા કંઈકેટલીય પુરાણી ફિલ્મી યાદો મનમાં ઊમટી આવી. નિયંત્રણ બહાર જ. પણ દાટો મારી દીધો. એની પર પાકો વાટો મારી દેવા જ હું બીજાઓની સાથે જોરથી બોલી ઊઠ્યો : રામ નામ સત હૈ.
                વાડીલાલ સારાભાઈ પાછળની સ્મશાનભૂમિમાં ચિતા પર એમનો દેહ ગોઠવ્યો. અજાણ્યા કોઈએ કહ્યું : પુત્ર હોય એ જમણા પગના અંગૂઠે અગ્નિ મૂકે.
અગ્નિસંસ્કારની વિગત, જેમાં રજનીકુમારનું સરનામું છે. 
શબવાહિનીની પહોંચ, જે બિનીત મોદીના નામની છે. 
                મેં ખરસાણી સામે જોયું. આગળ વધવા ઇશારો કર્યો, પણ એમણે તો મારા હાથમાં સળગતા દર્ભની સળીઓ મૂકી. લાકડાંથી પૂરા ઢંકાયેલા દેહનો શુભ્ર, સફેદ આરસમાંથી કોતર્યો હોય એવો  અંગૂઠો દેખાતો હતો. એકાએક ગાડાનો બેલનો એમનો ડાયલૉગ યાદ આવીને ચિત્ત પર છવાઈ ગયો.
                ‘રૂપ તો અમારાં.એ રૂપને હવે શું આગ ચાંપવાની હતી ! મારો જીવ નહોતો ચાલતો છતાં પણ....
                કેમ ? સગી મા હોત તો આપણે ખચકાત  ?
અરે વળી ખુલાસા, ખુલાસી ? કેમ, ખુલાસા વગરનું કોઈ કામ કરાય જ નહીં ?

(સંપૂર્ણ)

**** **** ****  


હીરાબાઈ ઉર્ફે મિસ હીરાના જીવનની શાબ્દિક ઝલક પછી હવે તેમની તસવીરી ઝલક


ઝળહળતો મધ્યાહ્ન.... 

'મનોરમા' ફિલ્મમાં નાયિકા તરીકે હીરાબાઈ

હીરાબાઈ
હીરાબાઈ એક નાટક 'અરમાનોના ઈન્‍ટરવલ'માં 
ત્રિચૂરના એક થિયેટરનો ૧૯૩૨નો પત્ર: 'વકરાનો
ચાલીસ ટકા ભાગ તમારો'  
ઉટીના એક થિયેટરનું ૧૯૩૨માં અપાયેલું પ્રમાણપત્ર
નાટકની બુકલેટ
૧૯૩૨નો એક ટેલિગ્રામ: શરતો નક્કી કરવા
પ્રતિનિધિ મોકલીએ છીએ. 
પતિ બિપીન મહેતા સાથે હીરાબાઈ
બિપીન મહેતા એક દૃશ્યમાં (સૌથી આગળના ઘોડા પર) 
દીકરી વાસંતી સાથે હીરાબાઈ 
નાટક 'અરમાનોના ઈન્‍ટરવલ' માં હીરાબાઈ 
સંગીત નૃત્યનાટ્ય અકાદમીનું પ્રમાણપત્ર

અમદાવાદ મ્યુ. કો. દ્વારા
અપાયેલું સન્માનપત્ર 
હીરાબાઈના સ્વહ્સ્તાક્ષરમાં તેમનાં
નાટકોનાં નામોની યાદી
...અને ઝંખવાઈ ગયેલી સંધ્યા

આરસમાંથી કોતરેલાં ડોશીમા 
સ્ટેજ પરથી સમોસા વાળવા સુધી 

સમોસાં વાળતાં હીરાબાઈ 
હીરાબાઈના સાથીદાર મોજીલાલ, જેમણે હીરાબાઈને
સમોસાં વાળવાનું કામ આપ્યું 
'છેલ્લો પાઠ' 
મૃત્યુ પામ્યાનું તબીબી પ્રમાણપત્ર
આરસનો અંજામ:
 (સૌથી ડાબે રજનીકુમાર પંડ્યા) 
મરણનું પ્રમાણપત્ર, જેમાં રજનીકુમારના
ઘરનું સરનામું છે. 

Tuesday, November 19, 2013

આરસનો અંજામ (ભાગ ૧)


હીરાબહેન! તમે તમારા નામમાં પાછળ બિપિન મહેતાનું નામ લગાડો છો એ તો થયું પતિનું નામ. પણ તમારા પિતાનું નામ ?’
            ‘નરબદાબહેન !’
      બ્યાંસી વરસની ઉંમર થઈ એટલે કાનમાં ખોટકો આવ્યો હોય. મારો સવાલ બરાબર ના સમજ્યાં હોય એમ માનીને ફરી પૂછ્યું : તમારા બાનું નહીં, બાપનું નામ પૂછું છું, મૅડમ !’
            એમના સુવર્ણકાળમાં ફિલ્મી દુનિયામાં એમને સૌ મૅડમ કહેતા. એટલે મારું આ સંબોધન ડોશીએ સ્પર્શી ગયું. આજે આરસમાંથી કોતરેલી ડોશી જેવાં ગ્લેમરસ તો લાગતાં જ હતાં, એમાં પાછો ગળાનો લટકો કર્યો. કરીને કહે : ‘તે આ બાપનું જ નામ કહ્યું ને ભાઈ, નરબદાબહેન, નરબદાબહેન.
      1987માં અમદાવાદમાં નવતાડની પોળમાં મોજીલાલ સમોસાવાળાની દુકાન નીચે ફૂટપાથ પર બેસીને સમોસા વાળવાની મંજૂરી કરતાં ડોશી સાથે મારો આવો સંવાદ ચાલતો હતો ત્યારે અચાનક જાણે કાળાંડિબાંગ ઘનઘોરમાં ચમકતા વીજળીના લિસોટાની જેમ એક યાદ ઝબકી ગઈ. આ જ ગલીના નાકે જ્યાં આજે પ્રકાશ ટૉકીઝ છે ત્યાં પચાસ વર્ષ પહેલાં ભારતભુવન નાટકશાળા ચાલતી હતી. મારી તો સાંભરણ બહારની એ વાત. પણ મારા પિતા કહેતા એ શબ્દશઃ યાદ આવ્યું : ‘હીરાબાઈના નવા નાટકનું મોટું ચિતરામણ મુકાય તો એમાં એકલી હીરાબાઈની જ ચાર બાય છ ફૂટની સિકલ ! ટ્રાફિક જામ થઈ જાય હો, ટ્રાફિક જામ !’ આ વાત તો હવે સિત્તેર વર્ષ પહેલાંની. પછી તો સમયની રેતીના ઢગ ફરી વળ્યા એ વાત પર. 
"રૂપ તો અમારાં...
એ 1950 ના ગાળામાં જેતપુરથી ડાયમન્ડ ટૉકીઝમાં મેં ફિલ્મ જોઈ હતી. ગાડાનો બેલ એના પોસ્ટર્સમાં હીરો મનહર દેસાઈના નામ પહેલાં પણ નામ મુકાયું હતું હીરાબાઈનું - નિરુપા રૉયની જાલિમ સાસુની ભૂમિકામાં. એ શ્વેતશ્યામ ફિલ્મમાં પણ એમની આંખોની માંજરાશના કેટલાક ક્લૉઝ-અપ દિગ્દર્શક રતિભાઈ પૂનાતરે લીધા હતા. એ ફિલ્મમાં એમના મોંએ એ સંવાદ હતો. નિરુપા રૉયને ઉદ્દેશીને કહેવાયો હતો : ‘રૂપ રૂપ શું કરો છો,  વહુ! રૂપ તો અમારાં.... એ સંવાદની યથાર્થતા સમજાવવા માટે દિગ્દર્શકે હીરાબાઈના રૂપની રેખાઓ એમની જરા ઢળતી વયની સિકલમાં પણ સ્પષ્ટ કરી આપી હતી. કૅમેરાની ભાષામાં.
એક જમાનાનાં મિસ હીરા..... 
        એ હીરાબાઈ મારી સામે ફૂટપાથ પર એક પાથરણા ઉપર બેઠાંબેઠાં સમોસા વાળી રહ્યાં હતાં ! ઇન્ટર્વ્યૂ આપવાની એમની જરા પણ તૈયારી નહોતી. સામેથી આવતા લૂના ઝપાટાને ખાળવા માટે માણસ બીજી દિશામાં મોં ફેરવ્યા કરે એમ વારેવારે પાછળ મોં ફેરવી લેતાં હતાં. એક વાર તો હવે જાને, ભાઈ એવો છણકો પણ કરી લીધો. જુઓ ને બહાર નીકળીને મેં ખરસાણીને મારા સ્કૂટર પછવાડે બેસાડતાં જરા નારાજગીથી કહ્યું, કેવા-કેવા ઉડાઉ જવાબો આપે છે ડોશી ! આવાનો ઇન્ટર્વ્યૂ શું કરવાનો ?
            ‘તો માંડી વાળો એમણે કહ્યું, પણ એમના શબ્દોમાં સાચી સંમતિ નહોતી. ઉપાલંભ હતો. મેં ખભા ઉલાળ્યા. અમે બંને ઘીકાંટાનો ભરચક ટ્રાફિક વીંધીને ખુલ્લા રસ્તા ઉપર આવ્યા. એક ઠેકાણે અમે ફ્રૂટ જ્યુસ લીધો. ગળા નીચે ઉતાર્યો પણ ઠંડક ન થઈ. ગળાને કદાચ ઠંડક પહોંચી હશે, પણ અંદર ધીમી બળતરા હતી. મારે ખરસાણી સાથે બીજી બીજા વિશેની ઘણી વાતો કરવી હતી. પણ એ દાબડી ખૂલી જ નહીં. નહોતું પૂછવું, નહોતું પૂછવું તોય વારંવાર એ ડોશી વિશેના સવાલો જ પેદા થઈ જતા હતા. ખરસાણી મનોમન મરકતા હશે. મારા ન જવાબ આપો તોય ચાલશે જેવા સવાલોના જવાબમાં એ પોતે જાણતા હતા એટલું બોલતા ગયા. ડોશીની વાતમાં ઉડામણી નહોતી. પણ પોણોસો વર્ષથી દુનિયાભરના પુરુષો તરફથી મળેલી સતામણી સામેનો છૂપો ઘુરકાટ હતો - બાપ વિશે તો ધારણાઓમાં બેસે તેવું પણ કોઈ નામ નહોતું. મા તો નક્કી હતી પણ એ છતરીય જલદી છીનવાઈ ગઈ. એ પછી તો કેટલાંય ઠેસ-ઠેલા-હડસેલા આવ્યા. જુવાનીના ઇલાકામાં આવ્યા પછી આંગળી આપીને પહોંચો પકડનારા ઘણા મળ્યા. એમાં એક મુંબઈના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારકાદાસ સંપત કંઈક સાચા સમભાવી મળ્યા - એમની મૂંગી ફિલ્મોમાં એમણે હીરાબાઈને કામ આપ્યું, મિસ હીરા તરીકે. પછી તો એ હિંદી ફિલમોમાં પણ ચમક્યાં.
મશહૂર અભિનેત્રી ગાયિકા નૂરજહાં પહેલાં પોતાનું નામ ક્રેડિટ ટાઇટલ્સમાં મુકાય એવી એમની હઠ પૂરી થતી, કારણ કે એમનું નામ ચલણી સિક્કા જેવું હતું, જ્યારે નૂરજહાં તો નવી હતી. એ પછી એ જાહોજલાલી આથમી એટલે એમના સોલો - એકલ નૃત્યના શો થતા. 
૧૯૩૨નો એક પત્ર: તમે કહો છો એમ- વકરાના ૫૦% તમારા, બસ!
અમદાવાદ તો ઠીક, ઉટાકામંડના બ્લુ માઉન્ટ ટૉકીઝ, બેંગલોરના વેરાઇટી સિનેમા, રાયચુરના પાશા પિક્ચર પેલેસ, હૈદરાબાદ, વેલોર, અરે રંગૂન, બર્મા, ઢાકા જેવાં સ્થળોએ મિસ હીરાના નૃત્યના જાહેર શૉ અને રૂપિયાનો વરસાદ. એ જમાનામાં, 1930 થી 1934ના જમાનામાં રોજનો આઠસોથી હજારનો કૉન્‍ટ્રાક્ટ, ક્યાંક શૉના કલેકશનના પૂરા પચાસ ટકાની માન્ય કરાતી શરત....ચારે તરફ રોશની જ રોશની, ઝાકઝમાળ, પગની ગુલાબી ચૂમકીવાળી પાની ધરતીને ન અડે, સુખની બિછાત અને ફૂલોનો બનેલો રાજમાર્ગ.
        પણ તો પછી આજે સમોસા-ગલીની ફૂટપાથ પર ક્યાંથી ?’
            ખરસાણીએ જેમાં નિઃશ્વાસનો પાસ હોય એવું સ્મિત કર્યું : તમે રજનીભાઈ, નરગિસ વિશે લખો, નૂરજહાં વિશે લખો, આનું રહેવા દો.
      ખરસાણીએ ઘોંચેલી ટાંકણીએ ધારી અસર નીપજાવી એટલે અંતે પછી હું એમને મળ્યો - જોકે મળવા માટે ખરસાણીની મદદ છતાં દાખડો ભારે કરવો પડ્યો - ક્યાં ઘાટલોડિયા ? ક્યાં મણિનગર, મારું ઘર ? સમયની પણ કેવી ખેંચાખેંચ.
        પણ મળ્યો. પહેલાં તો મને એમની પોતાને ઘેર આવવા દેવાની ઇચ્છા ન મળે એટલે મળવા સરદારબાગમાં બોલાવ્યો. થોડોક વિશ્વાસ પડ્યો હશે એટલે એમનો મૂળ ટીખળી સ્વભાવ પણ ઊખળી આવ્યો. ફોનમાં મને કહે : તને કોઈ હિરોઈન બગીચામાં મળવા બોલાવે છે એ જેવી તેવી વાત છે ?’ યાદ રાખજે આપણે ઝાડવાની આજુબાજુ ફરીને ગીતો ગાવાનાં છે. વરણાગિયો થઈને આવજે. એ એમની ખંડિત મૂર્તિના ટુકડા આમ બોલીબોલીને જોડી લેતાં હતાં. મને એમનાં હવાતિયાંની વિફળતા સ્પર્શતી હતી. હું હસી દેતો હતો. મેં એમને કહ્યું : મારી બાનું નામ પણ હીરાબહેન હતું - એટલે હું મારી બાને મળવા આવીશ, બા !’

      બગીચામાં ઘાસની લૉન પર બેઠાં-બેઠાં એમણે થોડી વાતો કરી, પણ એમાં પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિની વાતો વધારે હતી. મને લેખક-પત્રકાર જાણીને એમણે મને પોતાના ભૂતકાળથી પ્રભાવિત કરવામાં મણા ન રાખી, પણ એમની વાતચીત વખતે વાક્યોમાં વચ્ચે-વચ્ચે જ્યાં ખાલી જગ્યા આવતી હતી એમાંથી શૂન્યતાનો ગજવાટ પકડાતો હતો. હું એમાં પેસવાનો પ્રયત્ન કરતો ત્યારે એ કહેવા માંડતાં, એ ન પૂછ, એ ન પૂછ.... એ બધું તારે સાંભળવા જેવું નથી. પણ હું તંત ન મૂકતો.
છેવટે એમણે મને પોતાના ઘેર બોલાવ્યો. ઘર તો શું ? ચાર બાય છની ઓરડીનો વેરણછેરણ ટુકડો હતો. થોડાક ઍવોર્ડ્ઝ, મામૂલીથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા. ત પણ કોઈની કોર તૂટેલી તો કોઈ પર ધૂળના થર જામી ગયેલા હોય તેવા, થોડાક કાગળિયાં, એક બે સુવેનિયર જેમાં એમના ફોટા છપાયા હોય તેવા અને ભીંતે ટીંગાડેલો પોતાનો ફિલ્મ હંટરવાલીનો હંટર સાથેનો ઠસ્સાદાર ફોટોગ્રાફ જેની એક કોર પર પાણી ઢોળાયાની નિશાની અને ચાદર વગર નીચે પાથરેલું ગાંઠાગડબાવાળું ગાદલું. આ ગોડાઉન જેવી અગોચર જગ્યામાં આરસની પણ જૂની ખંડિત મૂર્તિ જેવાં પોતે. સ્ટવ પર પડેલી ચાની તપેલીમાં જૂની પલળેલી ચા એમ ને એમ પડી હતી. એમાં એમણે ચા ફરી બનાવીને મને જૂના બર્મીઝ કપરકાબીમાં (જે ત્રાંસી અભરાઈ પરથી મારે જ ઉતારી દેવા પડ્યાં) પાઈ. મને સબડકે સબડકે ચા પીતો જોઈને એને થતો આનંદ એમની માંજરી આંખોમાં છલકાતો દેખાતો હતો.
                અચાનક મારું ધ્યાન ગાદલા નીચે દબાવેલી એક છબી પર પડ્યું. જૂની હતી, પણ રોગાન સલામત હતો. સરસ ઍંગલથી લેવાયો હતો. એમાં એક જુનવાણી હૂડવાળી ઘોડાગાડી હતી. કોચવાનની જગ્યાએ પોતે બેઠાં હતાં, બાજુમાં એક સાત-આઠ વરસની બાળકી.

દીકરી વિનોદીની સાથે હીરાબાઈ 
                ‘મારી દીકરી વિનોદિની અને હું.એ બોલ્યાં. સાડલાના છેડાથી ફોટોગ્રાફ પરની રજોટી લૂછી તસવીરને ક્યાંય સુધી એમણે નજરથી પંપાળ્યા કરી.
                મારા માટે વાતનો નવો ખૂણો હતો. ખરસાણી તો કહેતા હતા કે તમારે કોઈ સંતાન નહોતું !
                મારા આશ્ચર્ય વચ્ચે એમણે નાની બાળકીની જેમ ડોકી ઊંચીનીચી કરીને હા પાડી. બોલ્યા : વગર ફેરે પરણી અને વગર સુવાવડે મા બની.
                પછી તો ડોશી રંગમાં આવી ગયાં. હા, એમના સ્મૃતિપરદા પર જે બે-ચાર મરદોની છબી ઊપસી આવી તેમનાં એમણે એક પછી એક નામ દીધાં. જૂનાગઢ નવાબની રખાતનો છોકરો, બાબુ પેટીમાસ્તર, એ પરણેલો માણસ બચરવાળ હતો.... છતાં એની જોડે સંબંધ થયો. એ મર્યો પણ હીરાબાઈના ખોળામાં જ. પછી બીજો એક જનાર્દન મદ્રાસી, એ પણ પરણેલો અને વસ્તારી. એના સંબંધથી એક બેબી થઈ, પણ એક મહાશિવરાત્રીના પર્વના ટાણે ત્રણ વરસની હતી ત્યાં ઊકલી ગઈ. પછી ? એનો પડેલો ખાડો પૂરવા એક ક્રિશ્ચિયન કામવાળીની દીકરીને ખોળે બેસાડી, આ વિનોદિની. એ પણ પ્રાંતિજમાં ઋણાનુબંધનાટક ભજવવા ગયા ત્યાં શીતળા નીકળ્યા અને એમાં જ ફેંસલ થઈ ગઈ. આ ફોટો એનો, એની સાથેનો. પછી એવો જ ત્રીજો બાલગોપાળવાળો બિપિન મહેતા ભેટી ગયો. એને પતિ માનીને સર્વસ્વ લૂંટાવી દીધું, પણ 1969ની સાલમાં એ ગત થઈ ગયો. એનો વારસો બધો એની અસલ બૈરી પાસે. હીરાબાઈએ બધું જ એના પર ઓળઘોળ કરી નાખેલું, એટલે એ બધી નાનીમોટી વસ્તુ, રૂપિયા પણ એના ઘરવાળા લઈ ગયા. હીરાબાઈ પાસે યાદો સિવાય કંઈ ન રહ્યું. જુવાની પણ ઓસરી ગઈ. નાટકો બંધ થયાં, ને નૃત્ય તો સમૂળગું પગમાંથી ચાલ્યું ગયું. આર્થરાઈટીસ ! હીરાબાઈ બેહાલ થઈ ગયાં. એમાં નાટકના જૂના સાથી મોજીલાલ મદદે આવ્યા. નાટકમાં એમની સાથે ઘણા રોલ કર્યા હતા, પણ એય હવે એમાંથી ફારેગ થઈને સમોસાની દુકાન માંડીને બેસી ગયા હતા. એમણે જ કહ્યું : બહેન, આવી જાઓ, આપણો તો નાટકનો જૂનો નાતો - સમોસા વાળવાની મજૂરી કરશો ? રોજેરોજની મજૂરી આપી દઈશ.
                એ પછી તો અનેક વાતો તેમણે કરવા માંડી. મારે જવાનું મોડું થાય ને વારે ઘડીએ કાંડાઘડિયાળ તરફ જોયા કરું. એમને વધારે બોલવાનું તાન ચડતું જાય. ચાના એક ને એક કૂચામાંથી બીજી વાર ચા બનાવીને પાઈ.
                એ પછી 1987ના ચિત્રલેખાના દિવાળી અંકમાં મેં એમના વિશે બહુ વિગતવાળો અને ફોટોગ્રાફ્સવાળો લેખ લખ્યો. શીર્ષક હતું : ઝળહળતો મધ્યાહન, ઝંખવાઈ ગયેલી સંધ્યા.

'ચિત્રલેખા'નો એ લેખ

( એ લેખ પ્રગટ થતાં વેંત અતિ વખણાયો. વાસુદેવ મહેતા જેવા તીખી સમીક્ષાત્મક દૃષ્ટિવાળા પત્રકારે એને પોતાની કૉલમમાં તમામ દિવાળી અંકોના લેખોમાં 'ફ્લેગશીપલેખ કહ્યો. એ શબ્દનો અર્થ મેં પછી જાણ્યો. એ અર્થ થાય છે, 'સૌનું અગ્રેસર વાવટો ફરકાવતું જહાજ.' 

ખેર. પત્રકારી ધોરણે 'આરસમાંથી કોતરેલાં ડોશી' હીરાબાઇ સાથે શરુ થયેલો આ સંબંધ આમ તો આ લેખના પ્રગટ થવા સાથે પૂરો થઇ જવો જોઇતો હતો, પણ એમ ના થયું. 
આગળ જતાં એ સંબંધ કયા અંજામને પામ્યો તેની વાત હવે પછીની પોસ્ટમાં, થોડા દિવસ પછી..)