"ઓહો !.ઘણા દિ’એ કાંઈ?"
"બે ચાર વરસ કાંઇ
ઘણા દિ’ કે’વાય ?" ગોલુભા બોલ્યા: "જિંદગાની સો વરસની હોય ત્યાં બે-ચાર વરસ તો
બગાસામાં જાતા હોય એને ઘણા દિ’નો કે’વાય."
"સાચું,સાચું," વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે ‘સાચું,સાચું,’એમ બે
વાર ભણવાથી સામાનો વિરોધ મોળાઈ જાય એમ શાસ્ત્રમાં ભાખેલ છે.(બનતા સુધી) એ હું
સમજું..એટલે પછી મેં પૂછ્યું : "ફરમાવો, કામ ફરમાવો."
"નાનાના
ચાંદલાની વાત હલવું છું."
“મોટા કુંવરનું પતી
ગયું ?”
"અરે!એને ઘર્યે તો દોઢ વરસનાં બેબીબા ઘુઘવાટા કરે છે."
" અમે તો લક્ષ્મી
પધાર્યા એની પાર્ટીમાંથીય ગયા ને ?"
"નાનાના ગોળધાણા ખાશું ત્યારે ભેળાભેળી
એનીય પાલ્ટી કરી નાખશું,પણ છોટુ મા’રાજ! તમે વાતને આડે પાટે લઈ જાવ છે. મને ફરમાવવાનું
કીધા પછી સામુંકના તમે મને ફરમાવવા માંડ્યા છો! મારી વિપદાને તો કાનસરો આપતા જ
નથી !"
"ફરમાવો."


"બાબતે એમ
છે કે સામાવાળા કાકુભા ગોહીલ મૂર આપણા ડેડાણના પણ તૈણ પેઢીથી લંકે મતલબ સિલોન રહે છે. આપણને ઓરખતા નથી, તે આપણી આબરુનું આઈ.ડી.માગે છે.”
"આબરુનું
આઇ ડી ? એ વળી શું ?”
‘મતલબ
આપણી આબરુનો કાંક પુરાવો .અસલમાં આ સાલ ઘાલ્યું વાત હલવનાર
ધંધાદારી વચેટિયા ગોકળ નેણશીએ, આ લોકો હાલ લોકિકે ડેડાણ
આવ્યા હશે ન્યાં આ ગોકળ નેણશી પોગી ગ્યો, એણે
મોકો જોઇને વેણ નાખ્યું કે કાકુભાબાપુ, અમારા ગામના ગોલુભાની
ફેમિલીમાં એક લાયક મુરતિયો છે.નામ સુરુભા ગોલુભા રાજવંશી, ખાધે અને પીધે બહુ સુખી છે. બિલ્ડિંગના કંત્રાટી છે,
રૂપિયો ઘરમાં આરે ફાટ્યો બારે જાય છે. બિલકુલ તમારી કુંવરીબાને લાયક ઘરબાર-વર છે.
બસ, એક વાર આવીને પધરામણી કરો. જાત્યે આવીને જોઈ જાવ."
“વીસેક ટકા તો ઈવડો ઈ સાચું જ બોલ્યોને !" મેં કહ્યું, ”બાકીમાં એણે ક્યાં એમ કીધું કે પોતે
રાજા હરિચંદનો અવતાર છે?”
‘પણ તોય એ
કાકુભાએ આબરુનું આઈ ડી પ્રૂફ માગ્યું!” ગોલુભા સફેદ મૂછો પર જમણા હાથની આંગળી
હળવેકથી ફેરવતા બોલ્યા;” ક્યે કે દરબારની આબરુ-ઇજ્જતની જી
હોય ઈ વાત કરો, ગોકળ નેણશી ! રૂપિયાને તો કૂતર્યાય સુંઘતા નથી."
“વાજબી છે." મેં કહ્યું :"તમારામાં જ્યાં પેઢી દર પેઢી સોળે સાન અને વીસે પોલિસવાન જેવું હાલ્યું આવતું હોય ત્યાં સામેની પાર્ટી એવું
ચોખવાડું માગે, વાજબી છે.”
“ શું તમેય તે 'વાજબી છે', 'વાજબી છે' એમ ઝીંક્યે રાખો છો, છોટુ મા’રાજ ! આબરુ ઈજ્જતના તે કાંઇ આઈડા-બાઇડાહોતા હશે ?"
“ લંકામાં સૌના આઈ.ડીએ. નિકળતા હશે, રાજા
રાવણના ગયા પછી આ ઈસ્ટાર્ટ થયું હશે. તો જ એ પાર્ટી માગતી હશે ને બાપુ!”
“અરે, પણ લંકામાં તો
રાજા રાવણ મૂઓ’તો, પણ આયાં
કણે તો રાજો રામ હતો ને ?"
“તો બી એનો ખપ પડતો
હશે ગોલુભા, સીતામાતા એવું આઈ.ડી.ના આપી હક્યાં એમાં
તો એમને વનવાસ ભેળા થાવું પડ્યું ને!"
ગોલુભાની આંખોમાં
લાલ દોરા ફૂટ્યા, એ મેં
એમણે કાળા ચશ્મા ઉતાર્યા તે ઘડીએ જોયું. મેં ટેબલનું ખાનું
ખોલ્યું, લીલા રંગની ટ્યુબ કાઢી. ‘ લ્યો
, જરી દબવીને આંખમાં પીંછીની જેમ ફેરવો . કંજેકટીવાઈટીસમાં આનાથી સુવાણ્ય રહે છે. ને પછી મને બી તમારો ભો નહિં. કારણ કે આ તો મારો બેટો આંખ મિલાવવાથી
પણ સામા આસામીને લાગુ પડી જાય એવો મહાચાલુ રોગ છે.”
ગોલુભા એને અડ્યા
પણ નહિં, પાછા
ચશ્મા ચડાવી લીધા : ”હું તમારી પાસે શું કામે આવ્યો છું એ તો
મા’રાજ તમે પૂછતા જ નથી.”
"આ
પૂછ્યું," મે કહ્યું: "ફરમાવો."
“તમે સરપંચ છો એટલે
મને એક એવું આઈ ડી ફાડી દ્યો.” પછી આટલી
વારમાં પહેલીવાર છાને અવાજે બોલ્યા: "વે’વાર સમજી લેશું, ગઢમાં
હાલ્યા આવજો રાતના આઠ પછી."
“આ ગામમાં વળી
ક્યાં કોઇ ગઢ છે ?”
“મારા એકઢાળીયા રહેણાકનું નામ મેં ‘ગઢ’ રાખેલ છે. પરતાપી વડવાઓની
એટલી યાદી તો ચિતરી રાખવીને ?”
“સારું." મેં કહ્યું:” પંચાયતના લેટરહેડ પર લખી
દઉં. નીચે સહી અને માથે સિક્કો પણ ઠોકી દઉં. પણ એક વાતે મૂંઝાઉ છું કે મહીં લખવું
શું.?વખાણવાજોગું કાંઈ નીકળશે આપના કુટુંબની માલીપામાંથી ?”
“ હા, ઈ કો'! ” ગોલુભા
પહેલીવાર વિચારમાં પડી ગયા,મને ગમ્યું. બાપુ વિચારક ભલે ના
હોય,વિચારશીલ બી ભલે ના હોય .અરે, વિચારમગ્ન
પણ ભલે ના હોય. પણ એમને સાવ નાખી દીધા જેવો પણ વિચાર તો આવે જ છે એ બાબતે હું રાજી
થયો.
ત્યાં તો એમની નજર
સામી ભીંતે પંચાયતે ગામના કોક કોક રહીશોને મળેલા જાતજાતના એવૉર્ડ્સની યાદીના
પાટીયા પર પડી.એની ઉપર એક પટ્ટીમાં લખ્યું હતું: “ગૌરવવંતા લાટા એવૉર્ડ ધારકો”
“મા’રાજ! ” બાપુની આંખો ચશ્મામાંથીય ચમકી: ‘આ લાટા એવૉર્ડ વળી કઈ જણસ છે ?”
“લાટા એવૉર્ડ
એટલે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ! એટલું લાબું બોલતા જેને ના ફાવે એના સાટુ આ
ટૂંકામાં ટપકાવેલ છે. ‘લાટા એવૉર્ડ'. મતલબ, ગામના જે
જણ કે જણીએ જીંદગીમાં કોઈ ખાસ કામ કરી બતાવેલ હોય એને આપણી પંચાયત તરફથી આ લાટા
એવૉર્ડ અપાય છે .સમજ્યા, બાપુ ?”
“ એમ !” બાપુ
બોલ્યા; “ તો એ
આપણે લેવો હોય તો કેટલા રૂપિયા આપવા પડે ?”
"અરે, બાપુ, એમાં રૂપિયા
આપવાના ના હોય. પંચાયત સામુકના એ
મેળવનારને પાનસો-હજાર બક્ષીસના કરીને આપે.‘”
“ના પણ..."બાપુએ વળી મૂછે હાથ દીધો : "આપણને એવું મફતનું લેવું અગરાજ છે. જી ભાવ અત્યારે હાલતો હોય ઈ બોલો.
આપણે મૂલ ચુકવીને જ લેવો છે. બસ,આવો એકાદો લાટા એવૉર્ડ પંચાયત તરફેથી અમારી ફેમિલીને નામે અપવી દ્યો, મા’રાજ ! “ પછી
બોલ્યા: ‘એવૉર્ડ્ એટલે તો આબરુનું ફરફરતું છોગું, નહીં? ઈ થી મોટું આઈ ડી બીજું શું હોય ? આ જ આબરુનું આઈ ડી
!’”
મારા મનમાં એ
વિચારને હું ખુરશી આપવા જતો હતો ત્યાં જ બુધ્ધિએ મને રોક્યો. હું બોલ્યો :.’એવૉર્ડ્ ફેમિલીને નથી અપાતા,બાપુ, વ્યક્તિગત અપાતા હોય છે , તમારા ફેમિલીની કોઈ વ્યક્તિએ કોઈ સારો કામો, સોરી,સારું કામ કર્યું હોય તો એની વાત મને કરો. જોગવી દઉં એકાદો એવૉર્ડ એ કરનારના
નામે."
“સારું એટલે ?” એ જરા ચિડાયા : ‘તમે મા’રાજ, દાઢમાં તો નથી
બોલતા ને ?" વળી અટકીને બોલ્યા: “તમે વળી અમારું કયું કામ
નબળું જોયું ?”
‘અરે, એમ તપી મા જાઓ બાપુ , સારું એટલે સમાજસેવાનું ,યા કોઈ ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિ મેળવી હોય, પરાક્રમ
કર્યું હોય, ઉમરના પ્રમાણમાં મોટું સાહસ કર્યું હોય, બીજા લોકોને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, દિશા મળે અને આગળ ધપવાનું બળ મળે, બસ,એવું કાંઈક,એવું કાંઈક,એવું કાંઈક ..”
"એવાં તો
અનેક છે અમારા નામે, જેમ કે, એક વાર મેં... એક વાર મેં ..એક
વાર મેં,,”
"એક વાર
નહિં પણ અનેક વાર હશે બાપુ ,પણ એક વાર પોલીસના ચોપડે ભલે ને કોઇ પરાક્રમ કરતા
પણ ચડી ગયા હો તો પણ એવૉર્ડમાંથી બાતલ
ગણાઓ.” મને એમનો એક ‘મામલો’ આખો યાદ આવી
ગયો. "આપ,આપના ઠકરાણાં, મોટા અને આ જેના ગોળધાણા ખવાવાના છે એ ફટાયા કુંવર રાયોટિંગના, ભલે ને હુંય જાણું કે સાવ ખોટા ગુને ચોપડે ચડી ગયા હતા પણ ..સાલા કાયદા બી આંધળા છે, બાપુ! એને તમારી બ્લેક
સાઇડ જ દેખાય. એને એ ના દેખાય કે ભલાઈના કામો તો આપે અનેક
કીધેલા છે. જેમ કે એક વાર આપે, એક
વાર..એક વાર,,”
આગળની અંતકડી મને
પૂરી કરી આપવાનું “ઘોડાને જાય “ કરીને બાપુ ફરી આંખો બીડીને વિચારમાં ગરકાવ થઈ ગયા. થોડી વારે પોપચાં ઉંચક્યા. બોલ્યા :
"છે, છે, એક વ્યક્તિ છે અમારી
ફેમીલીમાંથી જ એક બાઈમાણસ છે . એને અપવી
દ્યો એક એવૉર્ડ. એ કયેંય પોલિસ ચોપડે ચડેલ નથી. સમાજમાં એની
કોઈ રાડ નથી. વળી ઉમરના પ્રમાણમાં ઘણું મોટું પરાક્રમ કરી બતાવેલ છે."
"ત્યારે
બોલતા શું નથી ?" મેં કહ્યું: "ખીચું જરા પગતું રાખજો, હું ભ્રામણનો દિકરો છઉં, તમે એવૉર્ડ માગતા ભૂલો, હું આપતા ભૂલું, તમારી ફેમિલીની એ લેડીને હું 'ઝાંસીની રાણી એવૉર્ડ' પંચાયત તરફથી અપવી દઉં. એવૉર્ડ કમીટીના ત્રણમાંથી એક હું છું
, બીજી મારી ઘરવાળી છે ને એક મારો સાઢુ મૂઓ છે. પોતે કોને
એવૉર્ડ આપેલ છે એની ખબર એ લોકોને પસ્તીનું છાપું હાથમાં આવે તો અને ત્યારે જ પડે છે.ને
રાજી બી થાય છે કે નિર્ણાયકો તરીકે એમનું નામ બી ઘણા વખતે છાપામાં આવેલ છે. વળી
નામની આગળ શ્રી અથવા શ્રીમતી મૂકેલ છે. માટે બોલો, બોલો, ઝટ એનું નામ
બોલો, એ સન્નારીબાએ કરેલ પરાક્રમની વાત મને ઝટ લખાવો."
"એનું નામ તેજુબા
જોરસંગ રાજવંશી, અને પરાક્રમ
લખો, પરાક્રમ બહુ નાની વયે પગભર થાવાનું. "
"એમ?આપના મોટાનાં પહેલા નંબરનાં બેબીબા એવડાં મોટાં થઇ ગયાં ?"
‘અરે ,પહેલાં કે બીજા ઈ એક જ છે, પહેલાં ના કીધું ? દોઢ વરસનાં છે. પણ એના પરાક્રમની વાત તો નોંધી લો હવે ! બીજા બારકો અગીયાર
મહિને પગ પર ઉભાં રહેતા શીખે, તેજુબા આઠ મહિનાની ઉમરે ઉભાં
રહેતાં શીખી ગયાં. અરે. અમે એનો ઈ વખતનો ફોટો બી પાડેલ છે. બસ, હવે તમે બહુ પૂછગંધો મા લ્યો."
બાપુએ ગજવામાં ઉંડો
હાથ નાખ્યો ને મને હજારની નોટોને બૂ આવી.અને મારી કલમ એક બમ્પ વટાવીને આગળ ચાલી; "ઉમરના પ્રમાણમાં અનન્ય પરાક્રમ- 'ઝાંસીની
રાણી મહિલા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ-કુમારી તેજુબા જોરસંગજી રાજવંશી!
’
કાગળમાં સિક્કો
મારીને સહી કરી ને બાપુને સૂચના આપી. છાપામાં સમાચાર ભલે આપજો પણ ..બાપુ એવૉર્ડ મેળવનાર બેબીબાનો ફોટો ભૂલેચુકેય આપતા નહીં.
નીકર ગામ મને મારવા દોડશે ને સરકાર નોકરીમાંથી કાઢી મુકશે,પછી મારે તો મરવાવારો આવશે."
"તમે અમને
શું શિખવતા'તા ? ઈ તો અમને આવડે, મા'રાજ." બાપુ ઘુરકાટ જેવા સ્વરે બોલ્યા : "ફોટા માગનારને અમે
તો કહી દઇએ કે અમારામાં બાયું બેનુંના ફોટા છાપામાં નથી અપાતા."
(તસવીર: નેટ પરથી)
સરસ.
ReplyDeleteSuperb, boss. Maza paDi gai.
ReplyDelete