Sunday, October 12, 2014

મહારાજાના માનસગઢના તોતિંગ દરવાજા બંધ, પણ ચંદુલાલ ગળકબારીમાંથી મહીં પેઠા

(પોતાના પ્રજાજનોને જમાના કરતાં સો વર્ષ આગળની સુખાકારી અને સવલતો આપનારા, ઉચ્ચ કેળવણી પામેલા ગોંડલના પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજીની દોઢસોમી જન્મજયંતિ આ વર્ષે ધોરાજીમાં શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા 12 મી ઓક્ટોબરે ઉજવાઇ રહી છે તે પ્રસંગે તેમના દ્વારા ગુજરાતી ભાષાના અનન્ય અલંકાર જેવા શબ્દ અને જ્ઞાનકોષ ભગવદગોમંડળના નવ મહાગ્રંથો તૈયાર કરાવવામાં આવ્યા હતા તે હકિકત યાદ આવવી સ્વાભાવિક છે. અહિં પ્રસ્તુત છે મહારાજા અને તે ગ્રંથમાળાના વિદ્વાન સંપાદક સ્વ. ચંદુલાલ બહેચરલાલ પટેલ વચ્ચેની એ કોષલક્ષી આત્મીયતા દર્શાવતો એક વિશિષ્ટ પ્રસંગ.) 
        

આ પંડ્યો બહુ ચડ્યો છે.

        બોલનાર બોલી ગયો, પણ સાંભળનાર બહુ કામમાં હતો. સિગ્નલ ન અપાયો હોય ત્યાં સુધી ટ્રેઈન સ્ટેશનની બહાર રોકાઈ રહે. એમ બીજા કામમાં તલ્લીન માણસના કાન પાસે શબ્દો અટકીને ઊભા રહી જતા હશે ?

        પણ પછી થોડીવારે કાગળીયા એક તરફ મૂકીને સાંભળનારે ચશ્મા ઉતાર્યા અને થાકેલી આંખે બોલનાર તરફ જોયું. પૂછ્યું : ‘બાપુ, આપ કાંઈ બોલ્યા ?
ચંદુલાલ બહેચરદાસ પટેલ ભગવદગોમંડળના કામમાં રત 

        ના, ના. ભગવતસિંહજી બોલ્યા : તમતમારે તમારૂં કામ કરો ને !

        ચંદુલાલે ફરીથી ચશ્મા ચડાવ્યા. મગરછાપ પેન્સીલના ટૂકડાથી ફરી ભગવદગોમંડળના કાચા પાનાંના પ્રૂફ જોવા માંડ્યા. પણ હવે પ્રૂફમાં ધ્યાન ચોંટતું નહોતું. ભગવતસિંહજી બાપુ કંઈક બોલ્યા હતા એ તો નક્કિ જ. પણ પછી વાત ખાઈ ગયા હતા એય નક્કિ !. શા માટે ખાઈ ગયા ? શું બોલ્યા હતાં એવું કે જે બીજીવાર બોલવાજોગું નહીં હોય ? નાસી છૂટેલા ગુનેગારોને જેમ સિપાઈ ફરી પકડી લાવે એમ ચંદુલાલ બાપુના શબ્દોને તાણેવાણે તાણેવાણે કરીને ફરી ભેગા કરી જ લીધા.

        આ પંડ્યો બહુ ચડ્યો છે. એમ બાપુ બોલ્યા હતા. લગભગ યાદ આવ્યું.

        ચંદુલાલ બહેચરલાલ પટેલની આંગળીઓ પ્રૂફ જોવાને બદલે પેન્સીલને ગોળ ગોળ રમાડવા માંડી. એ જ પેન્સીલના બીજા અર્ધા કટકાથી બાપુ પણ પ્રૂફ તપાસતા હતા. આજે પાવરહાઉસમાંથી ઇલેક્ટ્રીસીટી ગઈ હતી. ફાનસના અજવાળે બન્ને બેઠા હતા. એટલા નજીક કે એકબીજાના મોંની એકેએક રેખા જોઈ શકાય. ચંદુલાલે જોયું. બાપુના મોં પર બોલાઈ ગયેલા વેણનો કોઈ ભાર નહોતો. નહીં તો જૂનવાણી બંદૂકમાંથી ફેર (ફાયર) થયા પછી ધૂમાડાની સેર નીકળ્યા કરે એમ બાપુની આંખોમાંથી ટાઢો અગ્નિ તો નીકળવો જોઈએ ને ! એ નહોતો નીકળતો.

        પણ આ તો ભારે ખતરનાક ! અઠવાડિયા પહેલા જ બાપુ બોલ્યા હતા હે. “આ વ્રજલાલ ટોકરશી બહુ ચડ્યો છે ! એ પછી બીજે જ દિવસે સવારે વ્રજલાલ ટોકરશી હેડમાં (જેલમાં) પડ્યો હતો. ને આજે આ પંડ્યો બહુ ચડ્યો છે એમ બોલ્યા એટલે ? તાત્પર્ય શું ? કાંઈ અર્થ નીકળે છે ?

        પ્રૂફ જુઓ, પ્રૂફ જુઓ ચંદુલાલ. બાપુ જરી કરડા અવાજે બોલ્યા : તમે આ કોષકચેરીના કોષાધ્યક્ષ છો. હું તો તમને મદદ કરવા બેઠો છું. બાકી શબ્દમાં કાંઇ ભૂલ રહી જશે તો જવાબદારી તમારે શીરે છે.

ચંદુલાલ આછા અજવાળામાં પણ દાંત ચળકે એમ હસ્યા : ભૂલ શેની થાય, બાપુ ? ભૂલ કરે એ બીજા. તમે આટઆટલું સંભળાવો પછી ભૂલ કરતો હોઈશ ?

ભૂલ કરે એ બીજા. એમ ચંદુલાલ બોલ્યા અને એનો મર્મ પણ એ જાતે જ મનોમન સમજ્યા. કારણ કે સાડા અગ્યારે એ પલાંઠી છોડીને ઉભા થયા અને વિક્ટોરીયા ગાડીમાં બેઠા ત્યારે ગાડીને ઘરભણી લેવડાવવાને બદલે એમણે ગોંડલ સ્ટેટના રેલવે અધિકારી જે.એમ. પંડ્યાના ઘેર લેવડાવી. આ એ જ પંડ્યા કે જેના માટે બહુ ચડ્યો છે એમ બાપુ બોલ્યા હતા અને બોલીને ચુપ થઈ ગયા હતા. શું ચડ્યા હશે આ પંડ્યા ? સીધા, હોંશિયાર, પ્રામાણિક માણસ હતા. વર્ષોથી ચંદુલાલના મિત્ર હતા. “તું તા”નો સંબંધ ! કદી એબ જોઈ હતી ? નહીં જ. ને છતાં ચડ્યો એટલે શું ? કોણે કરી હશે ખટપટ, ને કોણે આ બ્રાહ્મણને મરાવી નાખવાનો પેંતરો કર્યો હશે ? છેક બાપુના કાન રાતા થઈ જાય એટલી હદે કોણે એમના કાનમાં ઝેરનું ટીપું ટોયું હશે ?

પંડ્યા અને પરિવાર સૂતો હતો. અરધી રાતે ચંદુલાલને જોઈ બહુ નવાઈ લાગી. કોષ માટે રેલવેખાતાનો કોઈ શબ્દ પૂછવો હતો ? કે કાંઈ બીજી મૂંઝવણ ? મધરાતે પણ પંડ્યાજી થોડી ટોળ કરવા ગયા ત્યાં ચંદુલાલ પટેલ વાત ધડ દઈને કાપી નાખી. ભારે વજનદાર અવાજે બોલ્યા : પંડ્યા, હસવાનું રહેવા દે. કાલ સવાર તારી નથી. તું એરેસ્ટ થઈ ગયો સમજ. જલ્દી ભાગ અહીંથી. અત્યારે જ.
અરે પંડ્યાજી એ ફાનસની વાટ તેજ કરી : છે શું પણ એટલું બધું ?

ત્યાં એમના છૈયાછોકરાં પણ જાગી ગયાં હતાં. ચંદુલાલે પંડ્યાજીનાં પત્ની ભણી જોઈને કહ્યું : ભાભી, તમે બિસ્તરા પોટલા બાંધો ને જૂઓ રડારોળ કરવાની કોઈ જરૂર નથી. નસીબદાર છો કે અત્યારે કહું છું. સવારે ખબર પડી હોત તો ? માટે ભાગો, જલ્દી ભાગો.”

વળી દિગ્મૂઢ થઈ ગયેલા મિત્રને ખભે હાથ મૂકીને કહ્યું : કારણ તો હું ય જાણતો નથી. ફક્ત બાપુના પાંચ વેણ પરથી પામી ગયો છું. રાજા, વાજા અને વાંદરા એ કોઈનો ભરોસો નથી. ભગવતસિંહજીબાપુ લાખ રૂપિયાનો નહીં, પણ કરોડ રૂપિયાનો માણસ છે. અરે, એમના એક શબ્દ પર આપણે પ્રાણ કાઢી દઈએ, પણ આ એમનો શબ્દ નથી. કોઈએ પામેલા ઝેરનું વમન છે. એનાથી બચ.. સવાર પહેલા ઉચાળા ભર...

પણ અત્યારે ક્યાં જાવું ? પંડ્યા બોલ્યા : અરધી રાતે ? આમ ? હાડહુસમાં ?
રાત જ તારી છે. કહ્યું ને ચંદુલાલ બોલ્યા
“મોટર પણ ગેરેજમાં આપેલી છે.”
અરે ચંદુલાલ ચિડાયા : રેલવેનો અમલદાર થઈને જાવું કેવી રીતે એમ પૂછે છે ? અત્યારે કોઈ ટ્રેઈન નથી ?

છે પંડ્યા બોલ્યા : રાતના દોઢની લોકલ જૂનાગઢ જાય છે.
ઉત્તમ ચંદુલાલ બોલ્યા: ‘બિસ્તરાપોટલાં બાંધો. માલમત્તા હોય એ ભેળી કરી લો. ચાલો, ઝડપ કરો.
પણ કોઈને ખબર નહીં પડી જાય ?
કેવી રીતે પડે ? ચંદુલાલ બોલ્યા : હું મારી પડદાવાળી વિકટોરીયા ગાડી આપું છું. સાથે મારા બે માણસ કોચમીન નાથુ અને નોકર મકનરામ આપું છું. સામાન બાંધવા લેવા મૂકવા ચડાવવામાં એ લોકો રહેશે.
અંતે રાતના દોઢની લોકલ પંડ્યાકુટુંબને પકડાવીને ચંદુલાલે છુટકો કર્યો. સૂની શેરીઓમાં થઈને એ ઘેર ગયા, ને ઘડીવારમાં સૂઈ ગયા. નસ્કોરા બોલ્યાં.

***** ***** **** 

        વહેલી સવારે સાત વાગે રાજ્યના સિપાઈનું ધાડું વોરન્ટ લઈને જે.એમ. પંડ્યાની ધરપકડ કરવા ગયું ત્યાં મણ એકનું તાળું લટકતું જોયું. પૂછપરછ કરનાર ફોજદારને પાડોશીઓએ જવાબ આપ્યો કે રાતના અગ્યારે અમે સૂતા ત્યાં લગી તો પંડ્યા સાહેબના ઘેરથી થાળીવાજામાં ‘કિસ્મત’ ફિલ્મનું એ દુનિયા બતા હમને બિગાડા હૈ ક્યા તેરા ?ગાણું ઉપરાઉપરી સંભળાતું હતું. પંડ્યાસાહેબનું  તો એવું કે ગમતી હોય એ રેકોર્ડ વારંવાર ચડાવે. એ પછી એમના ઘરમાંથી બોલાશ પણ સંભળાતો હતો. આગલે દિવસે પણ ક્યાંય ગામતરે જવાની વાત થઈ નહોતી. પછી રાત એ લોકોને કેવી રીતે ગળી ગઈ ?

ધોયેલ મૂળા જેવા ફોજદારે બાપુ પાસે આવીને રાવ ખાધી કે તહોમતદારને કોઈની હીન્ટ મળી ગઈ હશે. રાત માથે લઈને ક્યાંક ભોમામીતર થઈ ગયા. હવે પારકા સ્ટેટમાં પેસી ગયા હશે તો પકડવાય કેવી રીતે ? ધિંગાણા થઇ જાય.
મહારાજા ભગવતસિંહ 

ભગવતસિંહજીના મનમાં તરત જ ચમકારાની જેમ પ્રશ્ન થયો. પંડ્યાને પકડવા છે એ નિર્ણય જ મેં સાંજે કરેલો. ને એની વાતે ય મેં ક્યાં કોઈને કરી હતી ? કરી હતી ? ના, ના નહીં જ. પૂરમાં કે અંતઃપૂરમાં પણ ક્યાંય નહીં. અરે, અંગત વિશ્વાસુ કારભારીને ય નહીં ને ! તો પછી આ કુશંકાના તાજા ઈંડા જેવો વિચાર મનમાંથી એટલીવારમાં કોણ ચોરી ગયું ? ને વળી ચોરીને સંબંધકર્તા આસામીને પહોંચાડી પણ કોણ આવ્યું? આપણા મનમાં આ કોણ પેસીને વિચાર વાંચી ગયું ?

તરત જ મનમાં પ્રકાશ થયો. હા, ચંદુલાલ પટેલ. આપણા ભગવદગોમંડળના સંપાદક. રાતના કોષકચેરીમાં એમની સાથે ફાનસના પીળા-અજવાળે અર્ધી અર્ધી મગર બ્રાન્ડ પેન્સીલથી પ્રૂફ તપાસતા હતા ત્યારે. એ હોય તો હોય. પણ વળી એ સૂઝેલા જવાબની પૂંછડીએ બીજો સવાલ હતો. પણ આપણે એને પણ આ કરવા ધારેલી ધરપકડની વાત ક્યાં લગીરેય કરી હતી ? આપણે તો કેવળ એટલું જ બોલેલા કે આ પંડ્યો બહુ ચડ્યો છે.

તરત જ એમને તેડાવ્યા. તો ટોપીધારી ચંદુલાલ તરત જ હાજર થયા.

છટ બાપુએ કહ્યું : મિત્રને ભગાડ્યો ને ! રાજ સાથે દગો કર્યો ને !
ચંદુલાલ બેઘડી એમના મોં સામે ટીકી રહ્યા. રાજા ઠપકો આવી રીતે આપે ? એ તો ઉભાને ઉભા ઉતરડી નાખે. જ્યારે આ બાપુ જાણે કે નાનકડા બાળકને કહેતા ન હોય ! : લૂચ્ચા, મારા ખિસ્સામાંથી ચોકલેટ ઉઠાવી ગયો ને !

તરત જ ચંદુલાલને ટાઢક વળી. એ ભારેભારે પોપચાંઓ પટપટાવીને બોલ્યા : બાપુ, તમે મારી અને પંડ્યાની મિત્રતા જાણતા તો હતા. છતાં શા માટે મારે મોઢે એ બહુ ચડ્યો છે એમ બોલ્યા ? હું જઈને એને ચેતવી આવું એટલા માટે જ ને ? મારી મતિ એમ કહે છે કે એમ જ  હશે. વળી જરા પોરો ખાઈ શ્વાસ લઈને બોલ્યા : ‘ને તેમ છતાંય મારો ગૂન્હો લાગતો હોય તો મને પકડીને જેલમાં નાખો. આ ઉભો આપની સામે. બાકી એટલું કહું કે પંડ્યા નિર્દોષ છે. ને આપના કાન જોઈ કરમચંડાળે ભંભેર્યા છે.

બાપુ સિંહાસન પરથી ઉભા થતા બોલ્યા : જાઓ, જાઓ, તમારૂં કામ કરો. કામ કરો. તમને પકડીને શું મારે મારા ભગવદગોમંડળનું કામ ટલ્લે ચડાવવું ?

ચડે એ તો ! ચંદુલાલ મીઠી દાઢમાં બોલ્યા : એમાં શું ? રાજના કામથી સૌ હેઠ.

હરગીઝ નહીં ભગવતસિંહજી બોલ્યા : શબ્દની સાધનાથી તો રાજ, રજવાડા ને રાજકારણ સૌ હેઠ. શબ્દ મારો દેવતા છે. જાઓ, કામે વળગો. તમારો કોઈ જ ગૂનો નથી. ગૂનો તો મારો કે મારાથી બે શબ્દ તમારી પાસે બોલાઈ ગયા. હું જાણું કે આ શબ્દવેઘી માણસ છે તેમ છતાં ય...

                                    ***** ***** **** 
        સાંજ સુધી બાપુને એ વિચાર આવ્યો કે ચંદુલાલને માત્ર પંડ્યો બહુ ચડ્યો છે એટલા બોલ પરથી પોતાના મનની માયાનગરીમાં કેવી રીતે પ્રવેશ મળી ગયો ? કોષકચેરીમાં બેઠા બેઠા બાપુ વિચારતા જ હતા ત્યાં જ ચંદુલાલ પટેલ આવ્યા. હાથ જોડીને બાપુને અભિવાદન કર્યુ અને પછી ચશ્માનું ઘરૂં નીચે પડતું મૂકીને ગાદી-તકીયે બેઠા.

થોડીવાર પછી બાપુથી રહેવાયું નહીં એટલે છેવટે વાતની આછીપાતળી અને આડીતેડી શરૂઆત કરી : શબ્દકોષમાં ક્યા શબ્દ લગી પહોંચ્યા, ચંદુલાલ ?

ભગવદ્‍ગોમંડળના ગ્રંથ 
ચંદુલાલે ઉંચે જોયું મરક્યા અને કહ્યું : આપનો આના પછી પૂછનારો છઠ્ઠો પ્રશ્ન પણ જાણી ગયો છું, બાપુ, પણ તોય, આપની વાતનો જવાબ દઉં. એમણે ફરી પ્રૂફના પાનાં તરફ જોયું. બોલ્યા : હજુ તો મારે ની સિરીઝ ચાલે છે. ને એમાં..મ...મ..મ.. એમણે આંગળી લસરાવી : ‘બસ, મનોવિજ્ઞાન સુધી પહોંચી ગયો છું.

બાપુએ પૂછ્યું : એનો શો અર્થ આપણે લખ્યો છે ?
ચિત્તશાસ્ત્ર ચંદુલાલ બોલ્યા : એટલે કે મનુષ્યના ચિત્તમાં ચાલતા પ્રવાહોનું જ્ઞાન મેળવવાનું શાસ્ત્ર બોલ્યા પછી એ ઝીણી પણ ચમકતી આંખે બાપુ સામે જોઈ રહ્યા.

સમજી ગયો બાપુ બોલ્યા : બરાબર સમજી ગયો કે શબ્દો મનમાં પ્રવેશવાની ગળકબારી છે.