Saturday, June 23, 2012

સાડીના કાંઈ સમાચાર ?(આપણી એવી એક માન્યતા છે કે આપણા ગાઢ નહિ તો પણ માત્ર આપણા સારા એવા પરિચયમાં હોય તેવું જ બધું આપણી સ્મૃતિમાં સચવાઈ રહે છે અને ક્યારેક સપનામાં ઝબકી ઝબકીને વિલાઈ જાય છે. પરંતુ એવા કોઈ પણ ગણિત ખોટા પાડી દે તેવું ક્યારેક બનતું હોય છે. અપરિચિત એવી કોઈ વ્યક્તિનો ચહેરો યાદ નથી રહેતો, પણ તેની ફરતે વીંટળાયેલી ભાવસૃષ્ટિ ચિત્તમાં ઉંડે ઉંડે ધરબાઈને અશ્મિરૂપ બની જાય છે. અચાનક કોઈ રાત-મધરાતે સપનામાં સપનામાં એ ધૂમકેતુની જેમ એક લિસોટો કરી જાય છે. એકાદ ક્ષણ પૂરતું પછી અસુખ પણ જન્માવી જાય છે. પણ એ અસુખને વાસ્તવનું કોઈ ટેકણ નથી હોતું. એટલે થોડી જ વારમાં એ કપૂરની જેમ ઉડી પણ જાય છે.
              મારી આ વાત હું શબ્દોમાં સમજાવી શકું તેમ નથી. વ્યક્ત કરવા માટે જોઇતા શબ્દો મને એટલા માટે નથી મળતા કે હું પોતે હજુ આ પ્રક્રિયાને પૂરી સમજી શક્યો નથી. પણ મારા જીવનમાં બનેલી એવી એક ઘટના અહિં મુકી રહ્યો છું. બિલકુલ સત્ય એવી આ ઘટના અંગે એટલી ચોખવટ કરું કે અહિં મુકેલો મારો અને રતિભાઇનો ફોટોગ્રાફ એ સમયનો જ છે પણ, એમાં આ લેખમાં લખ્યું છે તેવો હું ના દેખાતો હોઉં તો એ કમાલ સ્ટૂડીયોવાળાએ પહેરવા આપેલા ભરાવદાર કોટ અને એ જમાના(1960)પ્રમાણે ફોટોગ્રાફરે કરેલા ટચિંગની છે. બીજું પાત્ર રતિભાઇ માંગરોળીયા અત્યારે જેતપુરમાં નામાંકિત એડવોકેટ છે.અમારી મૈત્રી હજુ અકબંધ છે. 
આ લેખ અપલોડ કરતાં અગાઉ રતિભાઈ સાથે ફોન પર વાત કરીને આ ઘટનાની ખરાઈ કરી હતી તેમજ તેમની સંમતિ પણ લીધી હતી.)    હવે એ સાડીને જગતમાં શોધવી ક્યાં ?
      અધરાતે અધનિંદરમાં બહાર મુશળધાર તુટી પડ્યાનો રવ કાને પડ્યો અને પોપચાં ખૂલી ગયાં. પાતળા કાચની પ્યાલી જાણે કે એવું લાગ્યું કે હાથની મુઠ્ઠીમાં જ ભાંગીને ટુકડા થઈ ગઇ. સ્વપ્નાનું પ્રવાહી ઢળી ગયું. જે સપનાને પૂરું જોવાનું હતું તેનો આ અંજામ આવ્યો ! વેદનાથી મન ઘેરાઈ ગયું.
લેમ્પપોસ્ટના પીળા પ્રકાશમાં વરસાદનાં ટીપાં
ઉભી સળીઓ જેવા વરતાતાં હતાં. (*) 
      અંગત કોઈ જ વેદના ? ના. રાતના ત્રણ અને બહાર ધોધમાર વરસાદ એકધારો પડતો હતો. અંદરથી છૂપો-સંગીન આનંદનો સેલારો આવ્યો. આપણે કેટલા બધા સલામત છીએ ? બહાર તો બધે જ જળબંબાકાર થઈ જશે જોતજોતામાં અને આપણે અહિં રજાઇમાં ઢબુરાઇને પડ્યા છીએ, બ્લ્યુ નાઇટલેમ્પ જલે છે, એનો બ્લ્યુ ઉજાસ શાંતિનો શીળો આભાસ ફેલાવે છે પણ તોય  આ ચચરાટ શાનો ? સપનામાં એવું તે શું જોયું હતું ? કરો યાદ ! કરોને યાદ ! પણ યાદ ન આવ્યું. બસ એક તાંતણો જ માત્ર હાથમાં આવ્યો. સપનામાં છેલ્લે હાથમાંથી સરી જતો એક સાડીનો પાલવ જોયો હતો. હતી તો આખી કોઈ ભજવવી ગમે એવી ઘટના પણ અધવચ્ચે જ બટકી ગઈ. ઉંઘ ઉડી ગઇ હવે. આ જાગૃત જગતમાં એની કોઈ જ અસર ન હોવી જોઈએ. અહીં તો બધું જ સમુંનમું ગોઠવાયેલું છે. ઘરબાર, પત્ની, સંતાન, સુખ, સગવડ, જરૂરી દ્રવ્ય, તંદુરસ્તી, માન-પાન-ઈજ્જત, જેના બળ પર જીવવાનો ધક્કો રહે એવા કેટલાક મનસૂબા.
      બિછાનામાંથી બેઠા થઈને પાણી પીધું લાંબીચોડી બારી ખોલી નાખી. સારું થયું. બારી ઉપર લાંબુ વાછટીયું બેસાવરાવ્યું હતું. બહારની ત્રમઝટનું એક ટીપુંય અડતું. નહોતું. તટ પર ઊભા રહીને તોફાન જોઈ શકાતું હતું. થોડા જ કદમ દૂર લેમ્પપોસ્ટના પીળા પ્રકાશમાં વરસાદના ટીપાં એકધારા ઉભી સળીઓ જેવા વરતાતાં હતાં
પણ સપનામાં જોયેલી સાડીનો સરકી ગયેલો પાલવ પાછો યાદ આવી ગયો. કેવી સાડી હતી ? આછા લીલા રંગની જેમાં સળ પડે તો એ જ રંગની ઘેરી ઝાંય પડે. ચાળીસ વરસ થયાં છતાં આછી ઘેરી ઝાંયની રંગલીલા નજર સામે સ્પષ્ટ થઈ ગઈ. એ પહેરનારીનું નામ યાદ આવે છે ! નથી આવતું ચહેરો ? ભૂલાઈ ગયો છે. માત્ર નાજુક કદ અને ચહેરો અંડાકાર હતો એટલી જ સ્મૃતિ મનની અંધારી ગુફામાં પડી છે,બાકી એ ક્યાં આપણી પ્રેમિકા હતી કે યાદમાં વજ્રલેખ બની ગઈ હોય ? પરિચિત પણ નહીં છ મિનિટની મુલાકાત અને એ પણ મિત્ર રતિલાલ માટે. એ પહેલાં કદી નહીં. એ પછી ક્યારેય નહીં. કોણ જાણે ક્યાં હશે ?

કેવી સાડી હતી? (*) 
                ક્યાંક તો હોય તો હોય પણ ખરી.. જો કે હોય તોય આપણે શું ? એવા તો લાખો લોક છે, જેમને આપણે જિંદગીમાં એકાદ વાર જ મળ્યા હોઈએ. બધા આપણને યાદ નથી આવતા, પણ આ છોકરી ક્યાંથી આજ સાતમું પાતાળ તોડીને સામે આવી ? જેની સૂરત પણ સ્પષ્ટ નથી !
      એ વખતે, ચાળીસ વરસ અગાઉ, સૂરત કંઈ નજર માંડીને જોઈ નહોતી. કારણ કે એ મિત્ર માટેની કન્યા હતી. રાજકોટમાં એક સવારે હજુ તો ટૂંટિયું વાળીને ઊંઘતો હતો ત્યાં અચાનક  જ વતનમાંથી આવીને  રતિભાઈએ મને ઢંઢોળ્યો હતો. ઊઠ યાર, તારે મારી સાથે આવવાનું છે ! મારા માટે એક ઠેકાણું જોવા જવાનું છે લક્ષ્મીવાડીમાંઉઠાડું છું તને એટલા માટે કે પછી તું કહીશ કે ઓફિસે જવાનું મોડું થાય, પછી અટકીને કહે : બોલ. આજનો દિવસ રજા લઈ લઈશ ?
      ના બને મેં આખો ચોળતાં કહ્યું : ઓડિટ ચાલે છે.
      તો તું ફ્રેશ થા. હું ચા બનાવું. એ બોલ્યો ને સ્ટવ તરફ વળ્યો. મને હસવું આવ્યું. મારી જ ઉંમરનો હતો, છતાં મારા કરતા બહુ ઠાવકો હતો. મારાથી દસ વરસ મોટો લાગતો. ચિરવડીલ ! મિત્રો એને ચિર વડીલ કહેવાય જે જન્મ્યાની ઘડીથી જ વડીલ લાગે.એક્ટર અશોકકુમારની જેમ !
        મેં એને ચા કરવા દીધી – ચા પીતાં પીતાં મને કહે : તારે ગરમગરમ ચા ન પીવી. જીભ દાઝે એ તો ઠીક, પણ દાંત વહેલા પડી જાય.

      સારું. મેં વાત કાપી : કઈ સુકન્યા ? ક્યાં ?’
      યુગાન્ડાથી ઘણા પટેલો હમણાં રાજકોટ આવ્યા છે. મારાં પેરેન્ટસ એ લોકોને ઓળખતા નથી, પણ કોઈ વચલા વહેવારિયાએ ગોઠવ્યું છે, પહેલાં આપણે જોઈ લઈએ. પછી હું પાસ કરું તો મારા ફાધર મધર જોવા આવે -
      આ ખરું !’ મેં કહ્યું : તને એ લોકોએ અગાઉ જોયો છે?' 
      તો તો અત્યારે એમનો જમાઈ ન હોત હું?" 
      અરે, હીરો હું બોલ્યો : સરનામું બરનામું છે કે એ પણ યુગાન્ડાના ઈદી અમીનને પૂછવા જવાનું છે?
      છે એણે ટુવાલ મારા હાથમાં પકડાવતાં કહ્યું : ‘સમય પણ નક્કી કર્યો છે વચેટ વહેવારિયો પણ નથી આવવાનો કારણ કે એની માને મોતિયો ઉતરાવ્યો છે એટલે આપણે બેએ જ જવાનું છે. ચાલ, જલદી નહાઈ લે ને જો ડીલ લૂછીને જ આવજે. પંખા નીચે ઉઘાડો ન ઊભો રહીશ. શરદી લાગી જતી હોય છે.

(ડાબે) ચીરવડીલ રતિલાલ અને ખખડી ગયેલો હું:
ઉંમરમાં સરખા હોવા છતાં એ મારાથી દસ વરસ મોટો લાગે.

      થોડી વારે અમે નીકળ્યા,રસ્તામાં મને કહ્યું : મારે જરા ભારમાં રહેવું પડે, હું મુરતિયો છું, તારે જ મારા વતી કહી દેવું કે કન્યા જોડે એક વાર એકલા મુલાકાત તો કરવી જ પડશે. આફ્રિકાથી આવનારા છે – ફોરવર્ડ વિચારના હોય. ના નહી જ પાડે.
      સારું. મેં કહ્યું : એ ગોઠવી દઈશ. પછી હું સરકી જઈશ.
      ખરેખર આફ્રિકન કલ્ચરનો ઈગ્લિશ રોગાન ચડેલો પરિવાર હતો. મોટો ડેલો. અંદર પાંચ-સાત બીજા ભાડવાતો પણ હશે પણ મૂળ વિશાળ મકાનમાં આ લોકો રહે. ઈગ્લેન્ડમાં જોવા મળે તેવી નવતર ચીજો મળી. નવિન જાતનું થર્મોસ, ઈલેક્ટ્રિક રંગીન ફ્રેમની સગડી. ક્રોકરી પણ રાણીના ચિત્રવાળી. જેમાં ચા આવી એ ટ્રેમાં પણ શરાબની બોટલનું ચિત્ર. સૂકાતાં કપડાં પરની ક્લિપો પણ જુદા જ આકારની અવનવીન!
      આગ્રહ કરી કરીને ચા-નાસ્તો કરાવ્યો.
      કેટલી બધી વાતો વચેટ વહેવારિયાએ એમને કહી હશે તે એ રીતે કન્યાના બાપ કરવા માંડ્યા. જેમ કે કલકત્તાથી પાછા આવી ગયા તે સારું જ કર્યું. ત્યાં બે પેની મળે તે અહીંના એક પેની બરાબર. પછી સુધારીને બોલ્યા : હું પેની એટલે કે રૂપિયાની વાત કરું છું. મેં રતિભાઈ સામે જોયું. મેં જ એને કલકત્તાની પેઢીની નોકરી છોડીને દેશમાં આવતા રહેવાની સલાહ ટપાલો લખીલખીને આપી હતી. મેં કહ્યું : એ તો હું પણ કહેતો જ હતો. એટલે તો અમારો ભાઇબંધ વતનમાં  આવતો રહ્યો ને ! વાત આગળ ચાલી – એક હદે બાપ એમ બોલી ગયા કે : અમારી બેબી પણ માનોને કે આ બધું સાંભળ્યા પછી સંમત થઈ ગઈ છે.
      એકાએક સામેના દૂરના ઓરડે બારણાં પછવાડેથી બેબી ડોકાઈને ઓઝલ થઈ ગઈ. મેં એ તરફ જોયું, નજરને પાછી બોલાવી લીધી. રતિભાઈ સામે જોયું. એ નજર ઢાળીને પોતાના નખનો રંગ જોતા હતા.
      વડીલ મેં કહ્યું : પણ એકવાર...હું શું કહું છું? એક વાર.' 
      ઓફ કોર્સ,ઓફ કોર્સ એ બોલ્યા : હા, તો શું હું કહેતો હતો ! અમારી બેબી તરફથી કાંઈ પરીક્ષા લેવાપણું નથી. બાકી તમારી મરજી હોય તો તમે ઈન્ટરવ્યુ લઈ શકો છો. જાઓ. સામેના ઓરડે બેઠી છે-જાઓ....ટેઈક યોર ઓન ટાઈમ.
      આમ ફટ્ટ ગોઠવાઇ ગયું. રતિભાઈ તરફ જોઈને મેં કહ્યું : ચાલો.
      એ ઊભા થયા. પરસાળ વીંધીને મોટા ચોગાનમાં હજુ અધવચ્ચ પહોંચ્યા ત્યાં કોઈ જાડો બરડ સ્ત્રીસ્વર કાને પડ્યો. કોણ ? રતુ ?
      અમે ખમચાઈને ઊભા બાજુના એકઢાળિયામાંથી બોખા મોંએ કોઈ માજી હાથનું નેજવું કરીને જોતા હતા- ફરી બોલ્યા : અલ્યા રતુ, તું અહીં ક્યાંથી?' 
" અલ્યા રતુ, તું અહીં ક્યાંથી?" (*) 
      મેં રતિભાઈના ચહેરા તરફ જોયું. એમના ચહેરા પરની આદિવડીલાઈ હસુંહસું થઈ ગઈ. બોલ્યા : આલ્લેલે, રંભામાસી તમે ? અહીં રહો છો ?’
      આવ તો ખરો ઓરો... માજીએ હરખથી હાથનો આવકારો કરીને કહ્યું : તારી મા શું કરે છે ? મને ઇવડી ઇ યાદ કરે છે કે નહીં ?’
      રતિભાઈ એમની નજીક ગયા. મને કહે : તું જા, હું આવું છું. બે જ મિનિટમાં એ માજી પાસે પહોંચ્યા અને બજરવાળા હાથ ખંખેરીને માજીએ એમના દુઃખણા લીધા. મનોમન હું બબડ્યો પણ ખરો, . ખરા ટાંકણે આ માડીએ હાકલો કર્યો, ઠીક વડીલને વડીલ વિશેષ ગમે. જવા દો. હું આગળ ચાલ્યો. શું ફેર પડે છે ? રતિભાઈ હમણાં આવશે. ત્યાં લગીમાં હું જરા એમનો તખતો તો ગોઠવી દઉં.
      ઓરડામાં દાખલ થયો કે તરત જ પરફ્યુમની તીવ્ર ગંધ નાકમાં પેસી ગઈ. સામેથી જાળીમાંથી પૂરતું અજવાળું અંદર આવતું હતું. આરામખુરશીમાં કંઈક મેગેઝિન વાંચવાનો ડોળ કરીને બેઠેલી છોકરી  ઊંચકાઈને ઊભી થઈ. ચહેરા પર સ્મિત  પ્રગટ્યું. ચામડી ગોરી હતી. અને ચહેરો ઈંડાકાર. હેલો એણે કહ્યું ને હાથથી વાળની લટને ઠીક કરી – એટલું યાદ છે આજે પણ, કે ગરદન સુધી ઉતરીને પછી પૂંછડિયો વળાંક લઈને ફેલાતા વાળ હતા.
        મેં ઓઝપાઈ જઈને કહ્યું : કેમ છો?' 
      એમાં મોં પર લજ્જા ફરી વળી . પણ ક્ષણભર જ, હું ભીતભરીયા મૂકેલી બીજી ખુરશી પર બેઠો એણે ફરી સ્મિત કર્યું. કપડાં સંકોરીને એ ઉભી થઇને બાજુમાં મુકેલા પલંગની કોરાણે બેઠી. પછી અમસ્તું અમસ્તું જ બોલી : આ વાંચતી હતી.
      કોઈ અંગ્રેજી મેગેઝિન હતું, રંગીન ટાઈટલ! બોલી : - બહુ ઈન્ટેલિજન્ટ વાતો અંદર પબ્લિશ થાય છે.
      મેં ડોકી હલાવીને પહોંચ આપી. વાત મારે તો શું કરવાની હોય ? વાતચિતનો કરતલ તો હવે આવવાનો હતો. હું ઊઘાડાં બારણાં તરફ જોઈ રહ્યો. રતિભાઈ આવે... જલ્દી આવે... હું ઊભો થઈને જાઉં આ ભારેભારે પળોમાંથી છૂટો થાઉં અને ખુલ્લી હવામાં શ્વાસ લઉં.
      તમે....એકાએક એ બોલી : કલકત્તાથી ક્યારે આવ્યા?' 
      હું ચમકી ગયો. હું ક્યાં કદી કલકત્તા ગયો જ હતો ? મારી વાતમાં કલકત્તા ક્યાંથી આવે ? મારી આંખોમાં બાઘાઈ પ્રગટી હશે. હોઠ ખૂલવા જતા હતા પણ શું કહેવું ? કેમ કહેવું ? મને એ રતિભાઈ માનતી હતી. ભૂલ છે એમ કહેવા માટે પણ  શબ્દો તો ગોઠવવા પડે ને? 
      ત્યાં જ એ બોલી : તમે મને તમારા વિષે સાંભળેલી વાતો પરથી જ ગમી ગયા હતા ને અત્યારે દૂરથી પેલા વડીલ સાથે તમને જોયા ત્યાં નક્કી જ કરી લીધું કે હવે... એ ભાર દઈને બોલી : ફાઈનલ જ.
      હું.... હું.... મારાથી માંડ બોલાયું : હું રતિભાઈ નથી. તમારી કંઈ ભૂલ થાય છે.તમે મને જેની સાથે જોયો એ કોઇ વડીલ નથી. એ તો રતિભાઈ, હું શું કહું છું કે ....
      પણ મારું વાક્ય પૂરું ના થયું .એ જ ક્ષણે રતિભાઈ અંદર પ્રવેશ્યા. મોટું માથું નમાવીને એણે છોકરીનું અભિવાદન કર્યું હું ઊભો થવા જતો હતો ત્યાં ઉપલકિયું એ બોલ્યા : ‘બેસ ને.....કંઈ વાંધો નથી.
      ના,ના, હું જાઉં. હું બોલ્યો .સડપ લઈને ઊભો થઈ ગયો, પેલી સામે જોયું, એના ચહેરા ઉપર તંગ પણછના ભાવ હતા. એની નજર સ્થિર થઈ ગઈ હતી. સ્તબ્ધ!. એણે રતિભાઈ સામે જોયું ને વળી મારા તરફ – જોયું. જોયા જ કર્યું.
        હું ઝડપથી બહાર નીકળી ગયો. ચોગાનમાં ખુલ્લી હવામાં આવ્યો. ફેંફસામાં જોરથી શ્વાસ છોડ્યો. આંખો પટપટાવી. ને ત્યાં તો રંભામાસી નજીક આવ્યાં : બેટા, તું આ રતુનો શું થા?' 
                શું કહું? હું અત્યારે રતુનો શું થાઉં? મેં વિચાર કરીને ઘણા બધા ઉગેલા જવાબને છેકી નાંખ્યા. છેવટ બોલ્યો: 'જોડીદાર.' 
      હજુ તો આ ક્ષણ વીતે એ પહેલાં તો મને અત્યંત નવાઈ લાગે એવું દૃશ્ય જોયું. રતિભાઈ ફિક્કા ચહેરે ઓરડામાંથી બહાર આવતા હતા.
      કેમ ?’ મેં નવાઈને શમાવીને પૂછ્યું : શું થયું ? આટલો જલદી?' 
      એને લગન જ ક્યાં કરવાં છે?' રતિભાઈ બોલ્યા: "જે એના ફાધરને એ કહી શકતી નથી- એ એણે મને તરત જ કહી દીધું. પછી બેસીને શું કરું?"
      ચાલો મેં કહ્યું : ‘જતાં રહીએ.
**** **** ****

      વરસાદી મધરાતે તૂટી ગયેલું સપનું ચાલ્યું હોત. એ છોકરી લીલી સાડી પહેરીને ફરી સામે આવી હોત. તો હું પૂછી શક્યો હોત : તે તો વાત સાંભળીને જ રતિભાઈને વર ધારી લીધો હતો છતાં ?  અને બીજી વાત... હું અને તું ક્યાં કાંઈ પ્રેમમાં હતાં ? તું મને ઓળખતી પણ ક્યાં હતી ? મારા વિશે કંઈ જાણતી પણ ક્યાં હતીમેં હા પણ ક્યાં પાડી હતી? આપણી વચ્ચે પરોક્ષ વાત પણ ક્યાં કોઈએ ચલાવી હતી? ને રતિભાઈમાં વાંધો પણ શું હતો. છતાં....છતાં આમ કેમ બન્યું? 
      એણે મને શું કહ્યું હોત ? તમે મને પહેલી નજરે ગમી ગયા હતા. એમ? ના, એવું ન બને. હું તો એ વખતે જુવાનીમાં પણ સાવ ખખડી ગયેલા ડોસા જેવો હતો. પાતળો હતો. ગાલે ખાડા હતા. (ખરેખર એવું હતું જ) બોલતાં થોથવાતો હતો. સ્વર પણ દબાયેલો હતો. સતત બીધેલી નજર હતી-નીચો હતો. ખપાટ જેવા મારા કાંડા હતાં. ગળાની હાંસડી પણ દેખાતી હતી. કપડાંના ઠેકાણાં નહોતાં. જ્યારે રતિભાઈ તો મારા કરતાં કેટલા બધા અપ-ટુ-ડેઈટ હતા?
હવે એ સાડીને શોધવી ક્યાં(*) 
      હું આમ કહેત જે ખરેખર સત્ય હતું એટલે કહેત એનો જવાબ એની પાસે હોત? શું હોત? હું કંઈ તમારા પ્રેમમાં પડી બડી નહોતી ગઈ, પણ મગજમાં શી ખબર કંઈક એવું ગોઠવાઈ ગયું હતું કે...  


પણ આ 'શી ખબર?' એટલે શું? એ તે કંઈ જવાબ છે? કાંઈક તર્કબદ્ધ કારણ કહે..., ગળે ઉતરે એવું બોલ, પ્લીઝ! 

      એ એનો જવાબ આપી શકત?  
      ના. ન આપી શકત. એટલે તો એ સરકી ગઈ. ને માત્ર એની સાડીના પાલવનો એક તંતુ મારા હાથમાં રહી ગયો.જે આટલા વરસેય મારો કેડો છોડતો નથી !
    હવે એ આખી સાડીને આ વિશાળ જગતમાં શોધવી ક્યાં? 
      ને શોધીનેય શું

(તદ્દન સત્યઘટના
(નોંધ: (*) નિશાનીવાળી તસવીરો નેટ પરથી લીધી છે.) 

1 comment:

 1. Hemant Jani. London UK.June 23, 2012 at 4:49 PM

  રજનીભાઈ,
  રતીભાઈના પ્રત્યાઘાત જાણવા મળે ?
  કુદરતે ય કેવી કેવી વિકટ પરિસ્થિતિ માં મુકાતી હોય છે નહીં ?
  હેમંત જાની...

  ReplyDelete