Saturday, July 16, 2011

ગુંજન: કોરસના સાગરમાં સેલારા લેતું ગીત

અમદાવાદમાં લોકો રાતના જમી લીધા પછી પોતાના પોળના ઘરના ઓટલે બેસીને દુનિયાભરની ચોવટ કરતા, તો અમારે કાઠીયાવાડમાં પણ રાત પડ્યે, વાળુ પછી ઓટલાડાયરો જામતો અને એ દિવસોમાં ચાલતા વિશ્વયુધ્ધવેળા છેક હિટલર અને ચર્ચિલને ‘અને પછીના ગાળે નેહરુ અને કૃષ્ણ મેનનને પણ બે ‘સલાહું’ અપાતી જે તેમના સુધી તો ઠીક પણ શેરીના નાકા સુધીય ના પહોંચતી. પણ એ બહાને પોતાના મનની મોળ ઉતાર્યાનો માનસિક સંતોષ તો બેશક મળતો. બસ , આથી વધુ કાંઇ એ કલાક -બે કલાક પછી ઘોંટી જનારા જીવને જોઇતું પણ નહોતું. કારણ કે સવારે તો એણે બેબાકળા ઉઠીને ,હડી કાઢીને કામે જૂતી જવાનું રહેતું. પછી તો કોણ ચર્ચીલ અને કોણ ભૂતોભાઇ ? ધંધે કી કુછ બાત કરો,. કુછ પૈસે જોડો,ભાઇ !
મને લાગે છે કે આ બ્લોગ પણ એ ઓટલાનું જ ઇ-સ્વરૂપ છે. એટલે મેં એનું નામ પણ અવકાશી ઓટલો પાડ્યું છે. સૌ પોતપોતાને કહેવાનું જે કાંઇ છે તે અહિંથી કહી શકે. જો કે એના વ્યાપ માટે શેરી નહિં પણ આજની ઇ–શેરી છે, એ સમજ્યા પછી “મનની મોળ” ઉતારી શકાય એ હિસાબે આ અવકાશી ઓટલામાં આજે થોડી જૂના ફિલ્મ સંગીતની વાત કરવાનું રાખ્યું છે. અને આ બ્લૉગમાં અવારનવાર આ તો આવતું રહેશે. મૂળ મારી રગ એ જૂનું હિદી ફિલમ, સંગીત છે ,.સાહિત્ય નહિં. ભગવાને મને પણ ખરો ભાઠે ભરાવ્યો !. ટિકીટ માગી’તી મુંબઇની તો પકડાવી ઓખાની ! ચાલો , ઓખાથી જ તાર મુકું ,.


****  ***** ***** *****

મને સૌ ગાયકો ગમે છે પણ વધુ ગમતા બે જણ- પહેલા તલત મહેમૂદ અને પછી હેમંતકુમાર. જયારે જ્યારે આ બે જણને અન્યાય થતો જોઉં છું ત્યારે મારી આંતરડી કકળી ઉઠે છે.જાણે કે કોઇએ મારા હૃદય પર બ્લેડનો કાપો મૂક્યો!

હેમંતકુમાર-લતા મંગેશકર
આવું એક ગીત અહિં આપી રહ્યો છું. જેને જાણકારો જેવા જાણકારો પણ લતાભક્તિમાં અંધ થઇને એને એકલા લતા મંગેશકરના ગીત તરીકે ઓળખાવે છે. .લતાજી જેવાં યુગપ્રવર્તક ગાયિકાનું નામ આવે પછી તો ખુદ લતાજી કહે તોય સાચી વાતને કાનસરો અપાય નહિં. વાતેય સાચી છે કે તેમાં લતાની ગાયકી બેમિસાલ છે પણ તે વાત જેટલી સાચી છે એટલી જ અધૂરી છે. આ ગીતમાં હેમંતકુમારના કંઠનો થોડો પણ હિપ્નોટિક જાદુ છે એની નોંધ કેમ કોઇ લેવાતી નથી તેની મને સદુઃખ નવાઇ લાગે છે!  ફ્લ્યુટના સુર પછી તરત જ કોરસથી જ ગીતનો ઉપાડ થાય છે.જેમાં લતાનો સ્વર છે પણ એ લીડીંગ નથી. પારખીને જુદો પાડવો પડે એટલો એમાં એકરસ છે. પણ એમાં ય હેમંતકુમારનો કાનમાં ગુંજન જેવો સ્વર તો છે જ જેની નોંધ હેમંતકુમાર અને તેમના ગીતો વિષે “તુમ પુકાર લો “ નામનો દળદાર ગ્રંથ બહાર પાડનારા સંપાદક ભાઇ રાજ સાહેબે લીધી નથી. ખેર, તે પછી તરત જ ફરીવાર હેમંતકુમારનો સ્વર એના વિખ્યાત હમીંગ સાથે કોરસમાં જોડાઇને આ શબ્દોથી ગીતને વહેતું મુકે છે.જેમાં હેમંતકુમાર –“કુછ નઝર હસી, કુછ નઝર ઝુકી, ટકરા કે લબોં સે બાત રૂકી “ ગાય છે જેને લતા તરત ઝીલીને આગળ વધારે છે. “ યહ બાત છૂપાએ...છુપ ના સકી..” અને એ પછી અપેક્ષા તો એ જ રહે કે એ પોતે જ આગળના શબ્દો ગાશે કારણ કે “છૂપ ના સકી ...” જે રીતે ગવાયું છે એ તો એવી જ અપેક્ષા ઉભી કરે છે. .પરંતુ એને બદલે સુખદ અનુભવ એ છે કે એ પંક્તિઓ “હમ તુમસે મહોબ્બત કર બૈઠે”. કોરસમાં જ બહુ મધુર રીતે આવે છે જેને એ પછી લતા એકલસ્વરે ઝીલી લઇને રિપીટ કરે છે.. આમ તો આખું ગીત કોરસમય છે.પણ એમાં કોરસ સપોર્ટિંગ જ નથી, બલકે પ્રધાન ગાયકોના ગાન પર રેશમી બિછાતની જેમ પથરાયેલું છે. એને તમે ગાયકોના સ્વરથી અલગ ના પાડી શકો...કોરસના સાગરમાં જ ગીતની નૈયા સેલારા મારે છે.મારી ફરિયાદ એટલી જ છે કે સાવ ઓછા શબ્દો અને થોડું શબ્દવિહીન ગાન ભાગે આવવાને કારણે આ ગીતમાંના હેમંત કુમારના જાદુઇ પ્રદાનની પૂરતી નોંધ એને ઝીણવટથી સાંભળનારા પણ લેતા નથી.
ખેર, આ મારો અંગત મત છે પણ બીજી અગત્યની વાત એ કરવાની કે આ ગીત મેં બહુ પાછલી ઉમરે સાંભળ્યું . કદાચ સૌથી પહેલા એ મેં રાજસ્થાનના એક નાનકડા ગામ સેવાડીમાં હવે તો દિવંગત એવા મિત્ર શાંતિલાલ સેવાડીવાલાને ત્યાં 78 આર.પી.એમ.ની રેકૉર્ડમાં સાંભળ્યું. રેકોર્ડ ઘસાયેલી હતી છતાં પહેલીવાર સાંભળતાં વેંત એના પ્રગાઢ પ્રેમમાં પડી ગયો. એ સાંભળ્યું ત્યાં લગી હું 1951ની ફિલ્મ “સઝા”ના ગીત “ગુપચુપ ગુપચુપ પ્યાર કરે” ને હિંદી ફિલ્મ સંગીતનું શ્રેષ્ઠ કોરસ રાત્રીગીત માનતો હતો. પણ “દો બોલ તેરે “ સાંભળ્યા પછી એ સ્થાન “ગુપચુપ ગુપચુપ”ના ગૌરવને લેશમાત્ર ઘસારો પહોંચાડ્યા સિવાય એને મળી ગયું. જે આજ સુધી બરકરાર છે. ભલે એમાં “ગુપચુપ ગુપચુપ “જેવી કામુક અપીલ નથી જે સામાન્ય રીતે રાત્રીગીતોમાં હોતી હોય છે. પરંતુ આ ગીતમાં સ્ત્રીપુરુષના આત્મઐક્યનું કોઇ એવું અદભુત રસાયણ છે કે જે બહુ ઓછા રાત્રીગીતોમાં અનુભવવા મળે છે. એની વ્યાખ્યા થઇ શકે તેમ નથી.
ગીતકાર મધુપ શર્મા
 એમાં શબ્દોનો પણ બેશક ફાળો છે. કવિ મધુપના શબ્દો છે. પણ નિખાલસ અભિપ્રાય આપું તો એવી કોઇ મોટી કવિતા એમાં નથી.સારી શબ્દાવલી છે ,બસ સારી જ છે. બાકી ગીતની મઝા અને સમગ્ર નશીલી અસર એની સ્વરબાંધણીમાં અને કોઇ અલૌકિક એવા વાદ્યસંગીત સાથે કોરસના અને એકલસ્વરોના અવગુંફનમાં છે.એ અવગુંફન પણ પછી તો પીગળીને એક સમરસ રસાયણ બની જાય છે. એ રસાયણની પ્યાલીનો પહેલો ઘુંટ પણ શ્રોતાને વસ્તીથી દૂર કોઇ જંગલમાં, ગુલાબી ઠંડીના વાતાવરણમાં, પૂનમ નહિં પણ સુદ આઠમની હળવી આછા અજવાસભરી ,ઉન્મત્ત નહિં પણ મદિલી મધ્યરાત્રીમાં લઇ જાય છે.અને મદહોશ બનાવી દે છે. એ કેવી નવાઇની વાત છે કે માત્ર એકવીસ જેટલી જ હિંદી ફિલ્મોમાં, સંગીત આપનાર, અને કદિ પણ ટોચ તો શું પણ નોંધપાત્ર સંગીતકારોની યાદીમાં પણ સ્થાન ના પામનાર સંગીતકાર મોહમ્મદ શફીએ ફિલ્મ “દારા”(1953) માટે આ ગીતની સ્વરરચના કરી હતી. સાડા છ ફૂટ ઉંચા અભિનેતા શેખ મુખ્તારે પોતે બનાવેલી આ ફિલ્મ સામાજિક વિષય વસ્તુવાળી હતી જેમાં તેમની હિરોઇનો હતી બેગમ પારા અને નિગાર સુલ્તાના. કુલ સાત ગીતોમાંથી આ એક જ ગીત કાંઇક જાણીતું થયું (પ્રખ્યાત નહિં)આજે એ ફિલ્મની પ્રિન્ટ ઉપલબ્ધ નથી.

 

( फिल्म: दारा, गीत: मधुप शर्मा, संगीत: मुहम्मद शफी


स्वर: हेमंतकुमार, लता मंगेशकर, साथी, रिकॉर्ड नं: N 50637)


लता, साथी: हो... आ...

हे: कुछ नज़र हसीं, कुछ नज़र झूकी

टकराके लबोँ से बात रुकी

ल: ये बात छुपाए छुप न सकी

हम तुम से मुहब्बत कर बैठे

को: दो बोल तेरे मीठे मीठे

ल: (दो बोल तेरे मीठे मीठे

दिल जान के मालिक बन बैठे) \-२ ...

ल: तुम पलकों की परछाई में

तुम ही दिल की गहराई में

हम एक इशारे पर अपनी

दुनिया को तुम्हारा कर बैठे ...

ल: खुशीयों का जो आया यह मेला

दिल से अकेले जब संभला

आकाश की सूनी झोली में

हम चाँद सितारे भर बैठे ...

મોહમ્મદ શફી બીનવાદક બંદે અલીખાનના પૌત્ર.1937માં તેમણે ન્યુ થિયેટર્સના “કપાલ કુંડલા” અને “નર્તકી”મા સિતારવાદન કર્યું હતું. તે પછી અમદાવાદ આવીને મણીનગરમાં ગાયક ગુલામ કાદીરખાનની સાથે “પ્રભાત સંગીત નૃત્ય કલામંદીરની સ્થાપના કરી હતી. એ પછી એક બે ફિલ્મોમાં સિતારવાદન કર્યા પછી 1946માં ફિલ્મ ‘હકદાર’માં સ્વતંત્ર રીતે સંગીત આપવાની તક મળી. એ પછી તો “કાંગુ”. “ દો નૈના” “શિકારપુરી” “બેદર્દ” “અનોખી સેવા” “ ઘરાના”(1949) જેવી ફિલ્મોમાં કોઇની સાથે અથવા સ્વતંત્ર રીતે સંગીત આપવાની તક મળી. “હલચલ” ના નિર્માણ વખતે કે. આસિફને સજ્જાદ હુસેન સાથે વાંધો પડતા બાકી સંગીત મોહમ્મદ શફીને સોંપ્યું. એના ગીતો પણ પ્રખ્યાત થયા. પણ એમનું યાદગાર સંગીત તે “બાજુબંધ” (1954). એનું ટાઇટલ ગીત “બાજુબંદ ખૂલ ખૂલ જાય” અવિસ્મરણીય છે જેમાં પરદા ઉપર બલરાજ સહાની દાદ દેતા જોવા મળે છે.

આ બધી સંગીત યાત્રા દરમ્યાન અનિલ બિશ્વાસ અને નૌશાદ ઉપરાંત બીજા ઘણાના સહાયક રહેવાથી શફી પોતાની અલગ ઓળખ બહુ ના ઉપસાવી શક્યા. બાકી શિરિષ કાણેકર લખે છે કે “સોહની મહિવાલ”નું સંપૂર્ણ સંગીત શફીનું હતું( જો કે એ વાત સાચી મને તો નથી લાગતી કારણ કે એ ફિલ્મના દરેક ગીત પર નૌશાદની સ્પષ્ટ મુદ્રા વરતાય છે..) પણ મારો અનુભવ કહું તો ફિલ્મ “જલતી નિશાની” (1957) નુ હેમંત કુમાર-કોરસનું એક અનન્ય ગીત “કહે રહી હૈ જિંદગી,જી સકે તો જી” એના સંગીતકાર અનિલ બિશ્વાસને હું યાદ કરાવતો હતો છતાં યાદ નહોતું આવતું ત્યારે મારે એમને ગણગણીને યાદ કરાવવું પડ્યું. કારણ ? કારણ બાજુમાં બેઠેલાં મીના કપૂરે કહ્યુ, એ ગીતની ધૂન સહાયક શફીએ બનાવી હતી ! આ ઉત્તમ નહિં તો ઉત્કૃષ્ટ સંગીતકાર 25-12-25ના રોજ જન્મ્યા અને 30-4-80 ના રોજ અવસાન પામ્યા.


આ સાથે એક તસ્વીર એમની એકલાની છે તો બીજીમાં ડાબેથી રોશન, અનિલ બિશ્વાસ,હેમંતકુમાર. અને શફી(ટાઇમાં) અને પછી નૌશાદ છે. નીચે જયકિશન. સી.રામચંદ્ર, અને મદનમોહન છે.

આ ગીતનો સંપૂર્ણ પાઠ આ સાથે આપ્યો છે. એ પુસ્તક “તુમ પુકાર લો” માંથી સાભાર ઉદ્ધૃત કર્યો છે. 720 પાનાનું તે પુસ્તક રૂ. 650 ની કિંમતે તેના સંપાદક રાજકુમાર પાસેથી મળી શકે. તેમનો ઇ મેલ: raaj.kumar884@gmail.com અને raaj_n@hotmail.com

( આભાર- હરીશ રઘુવંશી, ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારી )

4 comments:

 1. વાહ, સાહેબ, ખુબ જ આનંદ આવ્યો આપે કરાવેલા હેમંતકુમારના ગીતના અનૂપ રસાસ્વાદથી! આ લેખ વાંચવાની શરૂઆત કરી ત્યારે બીક લાગી કે તેની સાથે ગીત ન મૂકો તો સ્વાદ અધુરો રહી જશે. હોઠ સુધી આવેલો પ્યાલો કોઇ ખેંચી લે તે પ્રકારની આ બીક હતી. પણ અંતમાં જ્યારે ગીત સાંભળ્યું, આનંદ છવાઇ ગયો. સ્વ. હેમંતકુમારે ગાયેલ કડીમાં મને તેમનું સૌથી પહેલું ગાયેલું હિંદી ગીત 'આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસી કા પ્યાર!' યાદ આવ્યું. ૧૯૪૮માં (નાની ઉમરે) સૌરાષ્ટ્રથી અમદાવાદ ભણવા આવ્યો ત્યારે પાડોશીના રેડીયો પર આ સાંભળ્યું અને બસ આપની જેમ તેમના અવાજનો ભક્ત બની ગયો. બધી યાદો ફરીથી તાજી કરાવવા માટે આપનો આભાર!

  ReplyDelete
 2. જમાવટ કરી, રજનીભાઇ, મજા આવી ગઈ.

  ReplyDelete
 3. Thank you Hrishbhai "geet" sabhalwani maja aavi gai....aabhar

  ReplyDelete
 4. Wah Rajanibhai; mahiti ne vakhanu k apela git ne...aabhar...

  ReplyDelete