Wednesday, May 23, 2012

ગુલાબી કાગળ


[ એક વિશેષ નોંધ:
મારી આ ટૂંકી વાર્તા ચિત્રલેખાના  એક દિવાળી અંકમાં પ્રગટ થયા પછી મારા વાર્તાસંગ્રહ ચંદ્રદાહ (1989  અને 1999) માં મેં લીધી છે. એના વિષે કશું પણ વિવરણ કર્યા વગર માત્ર એટલું જ લખું કે આપણી ભાષાના એક ઉત્તમ વાર્તાકાર કિરીટ દૂધાતની ખાસ ફરમાઇશથી એ અહીં બ્લૉગ પર મૂકી રહ્યો છું. તેમનો આભાર.] 

      અચાનક ઊંઘ ઊડી ગઈ, પણ એથી તો થોડા છુટકારાનો જ અનુભવ થયો કારણ કે ક્યારનાય પીડ્યા કરતા એક સ્વપ્નાની પટ્ટી પણ ત્યાંથી જ તૂટી. જાણે કે એકાએક થિયેટરનું પ્રોજેક્ટર ચાલતું બંધ પડ્યું અને હૉલમાં પીળો માંદલો પ્રકાશ છવાયો.પંખા ધીરે ધીરે મંદ પડવા માંડી.
      હું બિછાનામાં બેઠો થયો...બેઠો જ રહ્યો... ધીરે ધીરે થોડી વારે કળ વળી હોય એમ મને યાદ આવ્યું કે કાલના પ્રવાસના કારણે પિંડીઓ હજુ કળતી હતી અને લમણું જરાતરા લબકારા મારતું હતું.
      થોડી ક્ષણો એમ ને એમ પસાર થઈ ગઈ.
      ત્યાં તો બાજુના પલંગમાં સળવળાટ થયો. અને અંધારામાં જ ઘેરા અવાજે ભૂપતે પૂછ્યું : અજય, નીંદર નથી આવતી ?’
      જવાબ આપવાનું મન ન થયું.
      એણે ઊભા થઈને બત્તી કરી અને એના પીળા પીળા પ્રકાશમાં અમારી ઓરડીનો અસબાબ સ્પષ્ટ થયો. જાતે જ ધોઈને મચ્છરદાનીના સળિયા ઉપર સૂકવેલા અંડરવેર, જરી છારી વળી ગયેલો પાણીનો ગોળો, ખૂણામાં ટિપૉય પર પડેલો ચાનો સામાન, ઊંધી વાળેલી તપેલી. બધું જ ગદ્ધાપચ્ચીસીમાં પ્રવેશતા બે છોકરાઓનું. સ્ત્રીના કોઈ સ્પર્શ વગરનું.
      ખૂણામાં પડેલા બીજા એક નાનકડા ટેબલ પર ગુલાબી કાગળ કોઈ વજન નીચે મૂકેલો તે  ફફડતો હતો. ભૂપતે એના તરફ આંગળી ચીંધી. કહ્યું : પ્રેમપત્રો આમ ખુલ્લા રાખવા સારા નથી. ખરેખર કોઈ કવિએ કહ્યું છે કે ખુલ્લા પ્રેમપત્રોમાંથી પ્રેમ પણ કપૂર થઈને ઊડી જાય છે.
      એ પાણીના ગોળા તરફ ચાલ્યો અને મેં તૂટી ગયેલું સ્વપ્ન શું હતું એ યાદ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પણ કાંઈ જ લટકતો તંતુ હાથ ન લાગ્યો; એટલું નક્કી હતું કે કાંઈ અણગમતી ઘટના એમાં બનતી હતી. પણ કઈ ? કઈ ? યાદ નહોતું આવતું. અંતે છોડી જ દીધો પ્રયત્ન. મેં પણ ઊભા થઈને પાણી પી લીધું. પછી ટેબલ પરથી અધૂરો મૂકેલો પત્ર હાથમાં લીધો. ગુલાબી કાગળમાં મેં હાંસિયો રાખ્યો હતો અને એટલે સુધી જ લખી શક્યો હતો કે...
      પ્રિય સુરેખા,
      મઝામાં હોઈશ.
      તારી સાથેનો પહેલો પ્રવાસ બહુ યાદગાર રહ્યો. ઘણું ઘણું જોયું ને ઘણું ઘણું જાણ્યું. એક વાત બહુ સ્પષ્ટ જોઈ કે તારામાં કોઈ દંભ નથી. તું ભીતરથી જેવી હોઈશ તેવી જ બહારથી પણ દેખાય છે. ભગવાનની દયા જ સમજું છું કે લગ્ન અગાઉ તારી સાથે આટલા બધા કલાકો એક સાથે ગાળવા મળ્યા. એમાં....
      આટલું લખ્યા પછી પત્ર અધૂરો પડ્યો હતો કારણ કે એટલે સુધી પહોંચ્યા પછી બારણે ટકોરા પડ્યા હતા અને ભૂપત અંદર આવ્યો હતો. લુચ્ચી નજરે એણે મને માપતો હોય એમ જોયું હતું. આંખો મીંચકારી અને કહ્યું હતું : અરે પાર્ટનર, ક્યારે પાછો આવી ગયો ?
      હમણાં જ. મેં કહ્યું હતું : અને ‘એના ક્યાં ક્યાં ફરી આવ્યા ?’ ના જવાબમાં કહ્યું હતું : ગિરનાર, દાતારની ટેકરી...
      પણ આ શું ?’ એણે મારા હાથમાંના ગુલાબી કાગળ તરફ જોઈને કહ્યું હતું : છૂટા પડ્યા કે તરત જ પ્રેમપત્ર ? શું મજનુ થાય છે બાકી....
      મેં માત્ર સ્મિત કર્યું હતું ને કાગળ અધૂરો છોડી દીધો હતો. ઊંડે ઊંડે રાહતની લાગણી પણ થઈ આવી હતી. કલમમાંથી શબ્દો સરતા નહોતા.  જાણે કે એને કોઈએ મુદત પાડી આપી હતી. મેં કહ્યું : ભૂપત, યાર તું ફર્સ્ટક્લાસ ચા બનાવ, અને હા, થોડું ગરમ પાણી પણ મૂકજે. પગ બહુ કળે છે. થાય છે કે થોડા ગરમ પાણીથી ઝારું ને પછી વહેલો સૂઈ જાઉં.
      પછી ચા પીતા પીતા થોડી આડીઅવળી વાતો થઈ હતી. ત્યાં એકદમ ભૂપત ગંભીર થઈ ગયો હો. બોલ્યો હતો : અજય, તારા કાકા આવ્યા હતા.
      એમ ?’ મારી ચાની રકાબી જરા હલી ગઈ. પૂછ્યું : ક્યારે ?’
      આજ સવારે જ. એ બોલ્યો : મેં કહ્યું કે રોકાઈ જાઓ. અજય એની ફિયાન્સીને મળવા જૂનાગઢ ગયો છે. સાંજે તો આવી જ જશે.
      કાકાની છબી મનમાં ઊપસી આવી. અદ્દલ મારા બાપુજી જેવો જ ચહેરો હતો, પણ છેલ્લા કેટલાક વરસથી બદલાવા માંડ્યો હતો. વાળ એકદમ ઝડપથી સફેદ થવા માંડ્યા હતા. ઘરમાંથી જુદા રહેવા ચાલ્યા ગયા પછી પણ એ પરણ્યા નહોતા. કોઈ સંભાળ લે એવી એમને તૃષ્ણા હતી, પણ છતાં પરણ્યા નહોતા. એથી મળતા ત્યારે કોઈ એકલવાયા ટાપુના નિવાસી જેવા લાગતા. કાકા એક એવું સ્વજન હતા જેમની નજીક રહેવાનું મને ગમ્યું હોત પણ...
      પણ રોકાયા કેમ નહીં ?’ ભૂપતને મેં સહજ પૂછી લીધું હતું.
      ભૂપતે જવાબ નહીં આપીને જવાબ આપી દીધો હતો. ચાનો સબડકો ભર્યો હતો. એ પછી ઓરડીમાં અજંપ શાંતિ છવાઈ ગઈ હતી.
      કાકા આ બીજી વાર મારી રૂમ પર આવ્યા હતા અને બન્ને વાર મને મળ્યા વગર પાછા ચાલ્યા ગયા હતા. ચિઠ્ઠી પણ મૂકી નહોતી. શા માટે ? શા માટે એવું ?
      આ પ્રશ્ન થતાંની સાથે જ બા પણ યાદ આવી ગઈ.
      ભૂપત, પણ તરત જ વિચારમાંથી બહાર આવીને હું કોરો થઈ ગયો હતો અને બોલ્યો હતો: ‘કાકા કાંઈ જ બોલ્યા નહીં ?’



            ‘ના રે !’ એ બોલ્યો હતો : ખાસ કાંઈ નહીં. તારી સગાઈની પણ એમને  ખબર ના હોય એમ મને તો લાગ્યું.
      હોઈ શકે. મેં કહ્યું હતું ને ફરી મને બા યાદ આવી ગઈ હતી. બોલ્યો હતો : ‘એમાં ભૂપત છે શું કે અમારા ફેમિલીમાં.....અમારા ફેમિલીમાં.... ખોંખારીને મેં વાક્ય પૂરું કર્યું હતું : સાવ નજીકના હોય તે જ આ વાત જાણે.
      ભૂપતે આંખો ચમકાવીને મારી સામે જોયું હતું : એમ ? કાકા વળી કયે દહાડે નજીકના મટી ગયા ? ખેર. આટલું બોલીને તરત એણે વાત કાપી નાખી હતી. કહ્યું હતું : ‘એમ તો  મેં ચા-પાણી પાયાં. મારી સાથે મેસમાં જમવા આવવાનો પણ આગ્રહ કર્યો હતો. પણ એ તો રોકાયા જ નહીં ને ! એટલું જ બોલ્યા કે કાંઈ કામ નહોતું. આ તો ટૂરમાં રાજકોટ સુધી આવેલો એટલે થયું કે ચાલ અજયને મળતો જાઉં.
      કાકાએ આટલું બોલતાં બોલતાં પણ બાનો કેવો ઠંડો ડર અનુભવ્યો હશે તેની મને માત્ર એક નાનકડા ફરકાટ જેવી કલ્પના આવી ગઈ હતી. બાએ એક વાર મારી હાજરીમાં મારા બાપુજીને કહ્યું હતું : જુઓ, અજય આપણો સાત ખોટનો છે એટલે બહુ સાવધાન રહેવું સમજ્યા?’ મારા બાપુજી બાઘાની જેમ  કાંઈ સમજી શક્યા નહોતા; એટલે એમણે એટલે ?’ એમ પૂછ્યું હતું. મારી બા બોલી હતી : ‘તમે તો કશું સમજતા જ નથી ! ઊંહ... હું એમ કહું છું કે કાંઈ નથી. પણ સાવધાન રહેવું. આપણી મિલકત પર જેમનો ડોળો હોય એનાથી તો ખાસ. પછી ભલે ને એ આપણા ઘરમાં જ રહેતું હોય. આપણા અજયને કોઈ કાંઈ ખવડાવી-પિવડાવી ન દે તેનું ધ્યાન તો રાખવું પડશે ને. આ વાક્ય સાંભળતાની સાથે જ બાપુજીનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો હો. એ જ વખતે કાકા બારણામાં પ્રવેશવા જતા હતા તે આ સાંભળીને એકદમ થંભી ગયા. બાએ સૂપડાથી અનાજ ઝાટકતાં ઝાટકતાં એક ત્રાંસી નજર એમના તરફ કરી. પણ કાકા પોતે જાણે કાંઈ જ સાંભળ્યું ન હોય એમ ખસિયાણું-બનાવટી હસી હસીને બાપુજી સાથે ધંધાની કાંઈક વાત કરવા માંડ્યા હતા. અને એક નાનકડું પડીકું હાથની થેલીમાંથી બહાર કાઢ્યું હતું. તે પાછું અંદર મૂકી દીધું હતું. સમજી ગયો હું. અંદર ખારા બુંદીદાણા હશે. મને બહુ જ ભાવતા. હા, મારા માટે જ લાવ્યા હશે, પણ એ ક્ષણે કાંઈ હવા જ એવી બંધાઈ ગઈ કે ન એ આપી શક્યા ન હું માગી શક્યો. અમારા બન્નેની વચ્ચે જાણે કે બા આવીને ઊભી રહી ગઈ હતી.
આ બધું આ અર્ધી રાતે કેમ યાદ આવતું હતું ? કોણ જાણે....
      જવા દે યાર !’ ભૂપતે એ પછી પલંગ ઝાપટતાં ઝાપટતાં કહ્યું હતું : કાકાનો ઝાઝો હરખશોક ન કરવો. બાકી છેક એ આટલે સુધી મુંબઈથી આવ્યા તોય થયું કે ભત્રીજા માટે હલવા....બલવાનું એકાદ પૅકેટ લેતો જાઉં ? ઘણા માણસોના નેચર જ એવા હોય છે.
      મારા કાકાનો નેચર એવો કદી નહોતો. હું બોલવા ગયો હતો પણ પછી ખામોશ થઈ ગયો હતો. ભૂપત આગળ શું બધું વહી વાંચન કરવું ? અરેરે, કાકા તો કેવું વહાલ મને કરતા હતા, પણ માથે સતત સળગતો સૂર્ય ધાગ ધાગ થાય અને સફેદ ફૂલ કરમાઈને નમી પડે એમ. એમનું વહાલ પણ કરમાઈ ગયું હતું.
      ભૂપત એ પછી સૂવાની તૈયારી કરતો હોય એમ પલંગમાં પલાંઠી મારીને બેઠો હતો. ચાલ આપણે તને ગમતી વાત કરીએ. જરી અટકીને એણે નેણ ઉલાળ્યા : બોલ કેવી રહી તારી ટ્રિપ ? ઘણા દિવસથી તું એ ટ્રિપ માટે ફરહાદની જેમ આખો પહાડ ખોદવા બેઠો હતો. એના જ સપના જોયા કરતો હતો. હું આમ કરીશ અને હું તેમ કરીશ. એને ઊંચકી લઈશ, ને એને વાળમાં ગુલાબનું ફૂલ ખોસીશ. હવે બસ. મને આંખો દેખા અને હાથોં કિયા હાલ કહે. સાલું, અમને પછી સપનામાં તો કોઈક પરી આવે....!’
      સાચી વાત હતી. ઘણા દિવસથી હું આ ટ્રિપ માટે ઉપરતળે થઈ રહ્યો હતો. અરે, સગાઈ પહેલાં અર્ધો કલાક મળાયું હતુ, બસ, પછી તો કદી સુરેખાને શાંતિથી મળવાની તક જ ક્યાં મળી હતી ?
            હવે તું જરા જંપી જા તો હું જરા પત્ર લખી લઉં ?’ મેં એને કહ્યું હતું : વાત તને સવારે કરીશ.
      લખ લખ. એ બોલ્યો હતો : ગુલાબી કાગળોનું ગોડાઉન તારા હાથે જ ખાલી થવાનું છે. લખ, ડિયર ડાર્લિંગ, સ્વિટ હાર્ટ, તારી સુંવાળી સુંવાળી કંપનીમાં ટેકરી ચડવાની જે લિજ્જત આવી છે તે યાદ કર્યા કરું છું : મારો કડછો ગડબો પાર્ટનર ભૂપત બહાર ગયો હતો તે હમણાં જ આવ્યો છે. મને કાગળ લખવા દેતો નથી. બાકી યાદ કરું છું ને સુખનો ઓડકાર આવે છે. શું તારું તનબદન, શું તારો રૂપાની ઘંટડી જેવો અવાજ, શું તારી મીઠી વાણી, શું તારું હાસ્ય....
      તું સૂઈ જા ડાકુ ભૂપત !’ મેં કહ્યું હતું : મારા સમય ઉપર ધાડ ન પાડ.
      એક હવાઈ ચુંબનનો બુચકારો કરીને એણે પોતાના પલંગ પર મચ્છરદાની ઢાળી દીધી હતી. ફરી મેં મૂંઝવી નાખતા એકાંતનો અનુભવ કર્યો હતો. ફરી પેન પકડતા કોઈ અજબ લાગણી થઈ આવી હતી. છત પરની બત્તી બુઝાવીને મેં ટેબલલૅમ્પ સળગાવ્યો હતો અને અધૂરો પત્ર પૂરો કરવા બેઠો હતો. અધૂરું મૂકેલું વાક્ય મેં ફરી વાંચ્યું હતું.
      .....લગ્ન અગાઉ તારી સાથે આટલા બધા કલાકો એક સાથે ગાળવા મળ્યા. એમાં...
      પણ એ અધૂરા વાક્યથી આગળ કશું લખવા માટે કલમ આગળ ચાલી જ નહોતી. શું લખવાનું હતું મારે આગળ ? સુરેખા સાથે પહેલી જ વાર ગાળવા મળેલા કલાકો અને એમાં ? શું હતું એમાં ? શું લખવું ? લખી શકાશે ખરું ?
      મગજને કદાચ ભાગી છૂટવું હતું સવાલ-જવાબની આ જાળમાંથી. અને એટલે જ મારી આંખમાં એકદમ નીંદર ઘેરાઈ આવી. પોપચાં ઢળી જવા માંડ્યા. મેં ગુલાબી કાગળ પર કશુંક વજન મૂકી દીધું અને પછી ટેબલલૅમ્પ બુઝાવીને સૂઈ ગયો હતો. માથે ચાદર ખેંચીને.
**** **** ****
      જૂનાગઢમાં સુરેખાના ઘરની બહાર આવીને અમે જરી ખુલ્લામાં આવ્યા કે સ્કૂટરની પાછળથી હળવી પવનની લહેરથી એની રેશમી સાડીનો છેડો મારા ગળે સ્પર્શ્યો. ઉત્તેજનાની પ્રથમ લહેર દોડી ગઈ મારા શરીરમાં. એવી ઉત્તેજના કે જે આજ લગી કદી અનુભવી નહોતી. માત્ર વાંચી જ હતી. આ નવી જિંદગીના દ્વાર જાણે જરી તિરાડ જેટલાં જ ખૂલ્યાં. મેં અવશપણે જ સ્કૂટર પરથી એક હાથ છોડીને એ છેડાને મારી છાતી સુધી ખેંચવાનો પ્રયત્ન કર્યો કે તરત જ એ એકદમ સ્ત્રૈણ લહેકાથી બોલી : એ હે હે હે હે ય ! આ શું કરો છો ? કોઈ જોઈ જશે !”
      કશુંક પરાક્રમ કરવા માગતો હોઉં એમ મેં સ્કૂટરની ગતિ એકદમ તેજ કરી અને કહ્યું : જોઈ જાય તોય શું ?
      કેમ !’ એ બોલી : ગામમાં અમારે આબરૂ જેવું કાંઈ નથી ?’
            ‘પ્રેમીઓની આબરૂ તો આ રીતે જ બંધાય. મેં કહ્યું.
      આપણે વળી કે દાડાના પ્રેમી?’ એ બોલી અને એ સાથે જ મારાથી સ્કૂટરને હળવી બ્રેક મરાઈ ગઈ. હું કશુંક જવાબમાં બોલવા જતો હો. પણ બ્રેક મારવાને કારણે એની છાતીનો માંસલ સ્પર્શ મારી પીઠને થયો. એના રોમાંચમાં મારા શબ્દો રોકાઈ રહ્યા. ત્યાં તો એ જ બોલી કે : પ્રેમી તો કોને કહેવાય કે જે લોકો જાતે જ... બાકી તો આપણી તો વડીલોએ ગોઠવેલી સગાઈ છે ને ?’
      પણ, મેં જરી પાછળ મોં કરીને કહ્યું : પ્રેમી તો ખરા જ ને વળી. કેમ પતિ-પત્ની પ્રેમીઓ ન હોય?’
      પતિપત્ની પણ હજુ હવે થવાનાં !’ એ બોલી.
      એના પરના મારા પત્રોમાં મેં ઠાલવેલો પ્રેમાલાપ મને યાદ આવી ગયો. ને એના પત્રો પણ. એના પત્રોમાંથી પણ પ્રેમની સુગંધ મેં લીધી હતી. સગાઈ પછીના છ-સાત માસમાં કાંઈ પંદર-વીસ પત્રોની આપ-લે તો થઈ જ હશે. હું હંમેશાં ગુલાબી કાગળ વાપરતો હતો અને એ તો એવો કાગળ ક્યાંથી કાઢે ? એના કાગળો એક્સરસાઈઝ બુકના ફાડેલા પાના પર એકધારા અક્ષરોમાં આવતા. શબ્દો ગમે તે હતા, પણ એના પત્ર આવતાની સાથે જ ક્યાંય સુધી હું કવર ખોલતો નહીં. બહુ તરસ્યા, ગળું સુકાતા માણસે એક ઘૂંટડે પાણી પી જવું નહીં એમ મને મારા બાપુજી કહેતા હતા તે મને આમાં પણ સાચું લાગતું. હું થોડી વાર રહીને કવર ખોલતો. જિંદગી આખીની અત્યાર સુધીની તરસ મારા હૃદયમાં એકઠી થઈ જતી. પછી હું એમાંથી ઘડી વાળેલો કાગળ બહાર કાઢતો. વરસાદના એકધારા છાંટા જેવા એના અક્ષરોમાંથી મને હું જોઈએ તે મેળવીને જ લેતો. અને પછી મારું આખું અઠવાડિયું આનંદમાં જતું. એક પ્લાસ્ટિકની બૅગમાં હું એ પત્રોને રબ્બરની રિંગ મારીને સાચવી રાખતો. ભૂપત એને ટાઈમ કેપ્સ્યુલ કહેતો. પછી કહેતો : ‘લવટાઈમ કેપ્સ્યુલ મને આ સાંભળવું ગમતું એટલે એની પાસે ફરીથી એ શબ્દ બોલાવવા માટે શું ? શું ? એમ હું પૂછતો ત્યારે એ મને ચીડવવા (કે રાજી કરવા ?) કહેતો કે વહુટાઈમ કેમ્પ્યુલ.
      આ વાત યાદ આવી ગઈ એટલે ચાલુ સ્કૂટરે સુરેખાને ખડખડાટ હસતાં હસતાં કરી, પણ એ એકદમ ગંભીર થઈ ગઈ. બોલી : આવું બોલનારો તમારો એ મિત્ર કોણ છે ?
      છે એક. મેં કહ્યું : ભૂપત નામ છે એનું. મારા માટે બહુ લાગણી રાખે છે. મારો ખાસ ભાઈબંધ છે.
      હશે. એ બોલી : પણ મને ન ગમે. એને કહેજો મોં સંભાળીને બોલે.
      અરે ! મને નવાઈ લાગી, એમાં મોં સંભાળીને બોલવા જેવું શું છે ?
      તમે તો કાંઈ સમજતા નથી. એ એકદમ બોલી. ક્ષણભર તો જાણે કે મારી બાનો અવાજ મારા કાનમાં જીવતો થઈ ગયો. પણ એ તો માત્ર એકાદ ક્ષણ પૂરતો જ. મેં પૂછ્યું : એટલે ?
      તમને દરેક માણસનો વિશ્વાસ કરવાની કુટેવ લાગે છે.
      પણ એમાં વિશ્વાસ-અવિશ્વાસની વાત જ કર્યા આવે છે ?મેં કહ્યું : ‘ફ્રેંડ ફ્રેંડની આવી મજાક કરતા જ હોય ને ?’
            એવું નથી. એમ કહીને એણે એક કથા કહી. એમાં એની એક બહેનપણીના પત્રો વાંચી વાંચીને જેની સાથે એની સગાઈ થયેલી હતી. એ છોકરાનો એક ભાઈબંધ નામે મુકુંદ એવો તો પાછળ પડી ગયો હતો કે... અંતે એ બિચારીએ મુકુંદને જ પરણવું પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. વાત કરીને સુરેખા બોલી : જુઓ, કેવું કેવું બને છે.
      માટે ? મેં પૂછ્યું.
      માટે.. એ બોલી : મિત્રોથી તો દૂર જ રહેવું. અને સગાંઓથી પણ. જમાનો બહુ બૂરો આવી ગયો છે. તમે પુરુષો કાંઈ જ સમજતા નથી. સગ્ગો સસરો વહુ ઉપર ડોળો રાખતો હોય તો આ તરફ નાના નાના ભત્રીજા-ભાણેજ રૂપાળી કાકી-મામી પર ટાંપ રાખીને બેઠા હોય. હંમેશાં સાવચેત રહેવું. મારા ફઈબાનાં ફેમિલીમાં એક વાર એવું બનેલું કે.... મારા ફઈબા. બહુ જ રૂપાળાં હતાં હો !
      આપણે જરા થોડી વાર ક્યાંય બેસીશું ? મેં કહ્યું અને સ્કૂટરને એક નાનકડા રેસ્ટોરાં આગળ પાર્ક કર્યું. અંદર ગયા પછી હસીને એની સામે ધારી ધારીને જોયું. એ એના રૂપાળાં ફઈબાની વાત કરવા માંડી ને મારું પૂરું ધ્યાન એના જ રૂપ પર ઠર્યું. ખરેખર બહુ જ સુંદર લાગતી હતી એ ચહેરો અને દેહ એના નામ પ્રમાણે જ સુરેખ હતા. આંગણું દીપાવે એવી જ હતી. એને પામીને હું કોઈનામાં પણ ઈર્ષા પ્રગટાવી શકું. મારી બા પણ આવી જ સુંદર અને જાજરમાન હતી. એવી સુંદર અને જાજરમાન કે બાપુજી એનું વચન ભાગ્યે જ ઉથાપી શકતા. જોકે એની બોલવાની છટા જ એવી હતી. કાંઈ પણ બોલી લીધા પછી એની અસરને સામાની આંખોમાંથી માપી લેવાની એનામાં છૂપી સેન્સ  હતી.
      તું તારા ફઈબાની વાત કરે છે સુરેખા. મેં કહ્યું મારી બા પણ એમની નાની ઉંમરમાં બહુ રૂપાળાં હતાં હાં. પછી એને ગમે એવું એક વાક્ય બોલ્યો : તારાં જેવાં જ. અમારા કુટુંબમાં રૂપાળી સ્ત્રીઓની પરંપરા ચાલી આવે છે.
      મને છે ને તે... એણે બોટલમાં સ્ટ્રો નાખીને પીતાં પીતાં ગરદનને સહેજ ઝટકો આપીને વાળ એક તરફ કર્યા. ચુંબન ચોડી દેવાનું ઉદ્દીપન એકદમ મારામાં થઈ આવ્યું. પણ એ અહીં ક્યાં બને એમ હતું ! પણ મારા મોં પર એ ભાવ એકદમ તરવરી ઊઠ્યો હશે. હું એને બોલીને વ્યક્ત કરવા જતો હતો ત્યાં જ એ બોલી : મને છે ને તે કોઈની સાથે મારી સરખામણી થાય એ ગમે જ નહીં. હું  છું તે હું જ છું.
      આ રેસ્ટોરાંનું પીણું પણ કદાચ ડુપ્લીકેટ હતું. ગળ્યું હતું છતાં એમાં થોડો કડવો સ્વાદ પણ આવતો હતો. બૉટલને એક તરફ હડસેલીને મેં સુરેખાની વાતને મારી સમજણમાં ઉતારવાનો મનોયત્ન કરવા માંડ્યો. વિચાર્યું કે દરેક વ્યક્તિને પછી ભલે ને સ્ત્રી હોય, પણ એનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. હોવું પણ જોઈએ. આપણે એ વાતને કેમ પચાવી શકતાં નથી. પચાવી લેવી જોઈએ. આવી નાની નાની વાતોથી નારાજ ન થઈ જવું જોઈએ. એણે કહ્યું કે હું, હું જ છું. એ વાત તો કેટલી બધી સાચી છે !
      એણે લગભગ દરેક પત્રમાં પોતાનો એક નવો ફોટોગ્રાફ મોકલ્યો હતો. મારી પાસે દસ-પંદર ફોટોગ્રાફ ભેગા થઈ ગયા હતા. દરેકમાં એ અલગ અલગ છટા, અલગ અલગ અંગભંગી અને અલગ અલગ અદામાં, અલગ અલગ ડ્રેસમાં હતી. ભૂપત તો આ જોઈને કહેતો કે યાર તું તો અપ્સરાને પરણવાનો છે. ત્યારે મારા મનમાં અભિમાન છવાઈ જતું. ક્યારેક એ એમ કહેતો કે આ ફોટોગ્રાફ્સમાં બસ એક જ વસ્તુ ખૂટે છે કઈ ? એમ હું પૂછતો ત્યારે એ કહેતો કે : તારા હોઠનાં બે આછાં આછાં નિશાન. મારામાં રોમાંચની એક લહેર દોડી જતી આ સાંભળીને.
      ભૂપતવાળી આ વાત સુરેખાને કહેવાનો આ સરસ મોકો હતો. એ કેટલી રાજી થશે ? મેં કહેવા માટે હોઠ ખોલ્યા ત્યાં થોડી વાર પહેલાંની એની સાથેની વાતચીત યાદ આવી ગઈ. મેં હોઠ બંધ કર દીધા.
      શું ? શું ? એણે પૂછ્યું : કાંઈ કહેવા માગતા હતા ?
      મેં વાત બદલી કહ્યું : કાંઈ નહીં, એમ થાય છે કે આ તો તું હું તો હું જ છું એમ બોલી એ વખતની તારી છટાનો એક ફોટોગ્રાફ લઈ લઉં.
      અરે, મારા દરેક મિનિટના ફોટા સારા જ આવે છે. એ બોલી: તમને કેટલા બધા મોકલ્યા છે ? જોયા જ નથી લાગતા.
      માત્ર જોયા જ નથી. હું ઊભો થઈને સ્કૂટર તરફ જતા બોલ્યો : અરે ચૂમ્યા છે. દરેકને ચૂમ્યા છે. તને શી ખબર ?
            ‘ઊંહ...એવું તો મવાલીઓ કરે.
      અચાનક સ્કૂટરની કીક પરથી મારો પગ છટક્યો. મારાથી સિસકારો થઈ ગયો. લોહી નીકળ્યું. હું નજીકને બાંકડે બેસી પડ્યો. વેદનાથી હોઠ બિડાઈ ગયા. એ નજીક આવી. પૂછ્યું : શું થયું વળી ?
      લોહી. મેં કહ્યું.
      કર્યું ને પરાક્રમ ?’ એ બોલી : કાંઈ નહીં. જરા ધ્યાન રાખવું જોઈએ. એમ વાગે કેવી રીતે ? જવા દો. થોડી ધૂળ ભભરાવી દો. આપણે ઝડપ કરવી પડશે. સાંજ પહેલાં પાછાં નહીં ફરીએ તો મારા પપ્પા-મમ્મી ચિંતા કરશે.
      લોહી નીકળતું હતું તે જગ્યાએ બળતરા થવા માંડી. ધૂળ જાતે ઉપાડીને ભભરાવવી ઠીક લાગી નહીં. એના બદલે મારો જ રૂમાલ દાબી દીધો. એ કાંડે બાંધેલી ઘડિયાળ તરફ જોવા માંડી એના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. હવે મોડું થતું હતું.
      ધીરે ધીરે મારા મનમાં ચચરાટ વધવા માંડ્યો. વાગ્યું હતું તો સાવ મામૂલી, પણ ચચરાટ વધી ગયો. બા યાદ આવી ગઈ. કોઈ એક ચોક્કસ પ્રસંગ નહીં. કોઈ એક જુદી વાત નહીં. બાનો કોઈ ચોક્કસ સંવાદ નહીં. બસ, આખ્ખી બા. આખ્ખેઆખ્ખી બા યાદ આવી ગઈ પગની બળતરા સાથે એ યાદ એકદમ ભળી ગઈ.
      પછી જરા ઠીક લાગતાં મેં કીક મારી. જાતને જ કહેતો હોઉં એમ મારાથી બોલાઈ જવાયું : બીજું કશું નહીં. માત્ર સ્કૂટરની કીક જરા ટાઈટ છે.
      અરે હોય ?’ એ બોલી : શી વાત કરો છો ?’ મારા ભાઈનું આ નવું નક્કોર સ્કૂટર છે. એની સાચવણીમાં પણ કાંઈ કહેવાપણું હોય નહીં. તમને એકલાને તો એ આપેય નહીં. આ તો હું સાથે છું એટલે આપ્યું. એક તો આપ્યું ને વળી...
      એનો આભાર !’ હું બોલ્યો : પણ મને જ પ્રેક્ટિસ ઓછી.
      તો ઠીક. એ બોલી : એમ કહો ને ત્યારે ?’
**** **** ****
            બાર વાગ્યા પહેલાં તો તળેટીમાં પહોંચી જ ગયા. તડકો મીઠો હતો અને દિવસ હૂંફાળો. અમે પગથિયાં ચડવાનું શરૂ કર્યું ત્યારે એના કપડામાં છાંટેલા પરફ્યુમને કારણે વાતાવરણ જરા વધુ માદક બન્યું. બળતરા થોડી થોડી થતી હતી, પણ હજુ તો ઘણે લાંબા સુધી જવાનું હતું; એટલે એને યાદ રાખ્યે શું વળે ? એ બળતરા ભૂલી જવી જ રહી. મનને બીજે પરોવવું જ રહ્યું. એને મારાથી ચાર-છ પગથીએ આગળ જવા દેતો હતો અને પછી એના પૂરા દેહનું દર્શન હું પી લેતો હતો. પગથિયે પગથિયે એ કદમ મૂકતી અને એની કમરનો વળાંક તીરછો થતો. ભૂપત સાચો હતો. હું અપ્સરાને જ પરણવાનો હતો. આ શરીર મારું થવાનું હતું – મારું જ. આખા જગતમાં મારું એકલાનું જ. થોડા રંજને પાછળ ધકેલીને પણ એ ગુમાન આગળ નીકળી જતું હતું. મારી, મારી એકલાની જ. બસ !
      સુરેખા, એક વાર એ આગળ આગળ ચાલતી હતી ત્યારે મેં એને કહ્યું : લાગે છે કે હવે નહીં રહેવાય.
      માગશરને હવે ક્યાં વાર છે ?’
      અરે, કેવી વાત કરે છે ?’ મેં મનોમન ઘણા બધા મહિનાઓને ગણીને કહ્યું : કેટલી બધી વાર છે માગશરને હજુ તો ?’
            એણે કમરે હાથ દઈને પાછળ ફરીને જોયું અને ખડખડાટ હસી પડી : એમ ?’ એ બોલી : મહિનાઓ ગણો છો ? માગશર તો આ આવ્યો.
      એ જ ક્ષણે મને લાગ્યું કે મારી સામે માગશરનું જ સ્ત્રીરૂપ ખડું છે. અહીં હાથવેંતમાં જ. મારાથી હાથ લંબાવાઈ ગયો. ખાતરી હતી કે એ પણ સામો હાથ લંબાવશે અને પછી એક જ પગથિયાં ઉપર અમારા બન્નેના પગ હશે. અને પછી આજની આ યાત્રા હશે.
      પણ મારો હાથ હવામાં જ લંબાઈ રહ્યો. એ સ્થિર ઊભી રહી. અચલ-નિશ્ચલ. રાહ જોવાની એક ક્ષણ વીત્યા પછી મારા મનમાં સમાધાન ઊગ્યું. ઠીક છે. સ્ત્રી છે. બહુ લાંબો હાથ કરે નહીં. કરી પણ ન શકે. મારો હાથ તો જનમ ધરીને આજ ચોવીસ વરસથી લંબાઈ રહ્યો છે. એક પળ વધારે. એમાં કઈ મોટી વાત છે ? મારે જ આગળ વધવું જોઈએ. આટલો વિચાર આવ્યો અને હું આગળ વધ્યો. એની સાથે થઈ ગયો. યાત્રા શરૂ કરી.
      કેવા બનાવ્યા ?’ એણે પૂછ્યું : એમ છે ત્યારે !’ વળી હસી.
      હું સમજ્યો નહીં. આમાં બનાવવાની વાત ક્યાં આવી ?
      તમારે પુરુષોને બીજું શું જોઈએ ?’ એ બોલી : મારી બહેનપણી સંધ્યા કહેતી હતી એ સાચું જ છે. જરા હસી દો એટલે છોકરો ઘેલો. પછી એની પાસે ધાર્યું કામ કરાવો.
      પગથીએ જરા મારો પગ લથડ્યો. થોડી વાર પહેલાં સ્કૂટરની કીક લાગી હતી, ત્યાં જ ફરી વાર ઘસાયું. મારાથી જરા સિસકારો થઈ ગયો.
      અરે, પણ ધ્યાન રાખીને ચાલતા હો તો ?’ એ બોલી : શું આમ પડ્યા-આખડ્યા કરો છો ?
      મેં સ્મિત કર્યું. કહ્યું : ચાલ મારી બા પણ સૌને આમ જ કહ્યા કરે છે. આજ સુધી ધ્યાન રાખતા હો તો! આવું ન થાય ને ! તેવું ન થાય ને !’
      ખરું જ છે ને વળી ?’ એ બોલી : પોતે પોતાની જાતને તો સંભાળવી જોઈએ ને ? પોતે પોતાનું ધ્યાન ન રાખે તો કોણ રાખે ? કોઈ બીજાના ટેકાની આશા થોડી જ રખાય છે ?’
      એમ બોલાવાની સાથે જ મારા મગજમાં એક આંધી ઊમટી આવી. આજ સુધીનું તમામ એકલવાયાપણું મારી નજર સામે ઘૂમરાઈ રહ્યું. આ જગતમાં મારા સિવાય બીજા બધા જ કોઈ હતા એમ મને મારી બાએ કાનમાં રેડ્યા કર્યું હતું, પણ ક્યારેક ક્યારેક આ બધા જ કોઈના સંગની-સાથની સખત સખત તરસ મને લાગતી હતી. પણ કોઈ રહ્યું નહોતું. અમારા ઘર-પરિવારના પાણી ડહોળાઈ ગયા હતા. ડાંગે માર્યા પાણી જુદા ન પડે એ કહેવત હતી સાચી, પણ બાએ સુંવાળી સુંવાળી રૂપાળી રંગીન મોરપીંછની સળીથી પાણી જુદાં કર્યા હતા. એ એટલી બધી રૂપાળી હતી કે બાપુજી સાવ અવશ થઈ ગયા હતા. અમારા કુંટુંબમાં રૂપાળી વહુઓની પરંપરા ચાલી આવે છે. એમ મેં બાપુજીને કોઈને કહેતા સગ્ગા કાને સાંભળ્યા હતા, પણ પાછળથી એ શબ્દોનો ભીતરનો મીઠો મલીદો ખલાસ થઈ ગયો હતો, માત્ર શબ્દોના નિર્જીવ ખોખાં રહ્યાં હતાં. મોરપીંછથી જુદા કરાયેલા પાણીના પ્રવાહમાં એક મોટા સંયુક્ત કુટુંબમાંથી સૌ અલગ અલગ દિશામાં છણાઈ ગયા હતા. હવે કાકા ક્યાંક હતા. ધંધો પણ જુદો થઈ ગયો હતો. અમારાથી ઉચ્છેદાઈ ગયા હતા. ક્યારેક ઘેર આવતા તો વધેલી હજામતના સફેદ કોંટાંમાં સાવ પારકા-પરાયા લાગતા. એવી જ રીતે ફઈબા પણ ક્યાંક હતાં. એક જમાનાના કાળા ઘેઘૂર અંબોડાના સ્થાને વિધવાની એક નાનકડી સોપારી જેવી સફેદ અંબોડી રહી હતી. ક્યારેક એ પણ ઘેર આવતાં. પણ ડરેલાં ડરેલાં અને ત્રસ્ત. એવી જ રીતે દાદા-દાદી અલગ ખોરડે રહેવા ચાલ્યાં ગયાં હતાં. આ દરેકની એક પછી એકની વિદાય વેળાએ બાપુજીએ પોતાના વિરોધી નિર્ણયનો અવાજ ઉઠાવવા પ્રયત્ન કર્યો હતો, પણ બાના તેજ આગળ એ ઝંખવાઈ ગયા હતા. એમનો અવાજ પડી જતો હતો ને નજર ઝૂકી જતી હતી. મારી બા એ વખતે કેવળ મારી બા હતી, પણ સમજણા થયા એ પછી મારી મા, ઉપરાંત પિતાની પત્ની, કાકાની ભાભી, ફઈબાની ભોજાઈ, દાદા-દાદીની પુત્રવધૂ અને વાણોતરની શેઠાણી એ બધી જ નવી ઓળખની રેખાઓ મારી સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. મને સમજાયું હતું કે અન્નના પુરા પાત્રમાંથી ભલે મારે ભાગે આવેલો કોળિયો બહુ મીઠો હતો, પણ એ કોળિયો ખાવા જતાં હું એક દુનિયાથી કપાઈ ગયેલા ટાપુ ઉપર આવી પડ્યો હતો. બા જેને કોઈ કહેતી એ કોઈ વગર હું એકલો એકલો તરફડ્યા કરતો હતો.
      શું વિચારમાં પડી ગયા ?’ સુરેખાએ મારો વિચારભંગ કર્યો : ‘શું થયું ?’ મારો સ્વર એકદમ દયામણો થઈ ગયો : હું એકદમ તરસ્યો છું સુરેખા, કોઈ મારી હથેળી દાબે, માથે હાથ ફેરવે, વાળમાં ધીરે ધીરે આંગળીઓ ફેરવે, ગોદમાં સમાવી લે, મીઠા ઘેનમાં સરી પડાય – આ બધું મને જોઈએ. જોઈએ, હું જનમ ધરીને પામ્યો નથી.
      તમારી મા પાસેથી પણ નહીં ?’
            બાને બદલે મા બોલી તે મને ભોંકાયું, છતાં બોલ્યો : ‘મારી બા મને બહુ વહાલ કરતી, પણ વહાલ કરતી વખતે એની આંગળીઓ મને બહુ બરછટ અને લોહિયાળ લાગતી. એક વાર તો મારાથી એને પુછાઈ ગયું હતું કે બા, તું પણ કોઈ નથી ?’
            ‘સાવ ગાંડા લાગો છો. સુરેખા બોલી, આવું પોચું પોચું તો કોઇ છોકરી પણ ના બોલે.
      હું મૂંગો થઈ ગયો અને પગથિયાં ચડવા માંડ્યો.
      સુરેખા, મેં જરા આગળ જઈને કહ્યું : મારા બાપુજી કહેતા હતા કે, સુરેખા તો ખાનદાન મા-બાપની છોકરી છે. એ ઘરમાં આવશે પછી ગ્રહણની આ કાળાશ દૂર થશે. તું એને આ સમજાવજે.
      મને કોઈએ કાંઈ જ સમજાવવાની જરૂર નથી. એ બોલી : મને મારા મા-બાપે બધા જ સંસ્કાર આપ્યા છે. પછી જરા ધીરે રહીને ફરી એક વાર ગરદનને ઝટકો આપીને બોલી : ‘એક વાર આપણા લગ્ન થઈ જવા દો ને ! પછી બધી વાત છે !’
મને એક જબરી ઠેસ આવી. સુરેખા બોલી : આખે રસ્તે બસ પડતા-આખડતા જ ચાલો છો ! વાતો પણ કેવી કેવી કરો છો ? મને શરમ આવે એવી. વળી શ્વાસે શ્વાસે કોઈને ને કોઈને યાદ જ કર્યા કરો છો. એટલું તમે યાદ રાખો કે સાથે તમારી થનારી બૈરી છે. એને મનગમતી વાત કરો.
દાતારની ટેકરી આવી ગઈ હતી. અમે પ્રવેશદ્વારે જ ઊભા હતા. નીચે નજર કરી તો હવે નીચે આખું શહેર સ્પષ્ટ છબીની જેમ દેખાતું હતું.
સાંજે પાછા ફરી ગયાં. રાતે રાજકોટ આવીને સખત થાક હોવા છતાં હું ગુલાબી કાગળ લઈને પત્ર લખવા બેઠો હતો.

ભૂપત, એ ભૂપત, છેક મોડી રાત્રે પાર્ટનરને મેં ભરઊંઘમાંથી જગાડીને કહ્યું : ભૂપત, આ જો.
શું છે યાર ?’ એણે આંખો ચોળતા ચોળતા પૂછ્યું : અત્યારે ?’
મેં લેટર પૂરો કર્યો છે જો.
      અરે, નથી વાંચવી મારે તારી એ બધી ચુંબન-આલિંગનની વાતો. છોડને હવે – સૂવા દે.
      પણ વાંચ તો ખરો. મેં કહ્યું : મને સંભળાય એમ વાંચ, જેથી મારા પોતાના મનમાં પણ બરાબર ઊતરે.
      એણે મચ્છરદાની ઊંચી કરી. પલંગની બહાર પગ દઈને એણે ટેબલલૅમ્પ સળગાવ્યો. એના ઝાંખા પીળા પ્રકાશમાં એ ગુલાબી કાગળ એણે ગણગણતો હોય એમ વાંચી દીધો : લગ્ન અગાઉ તારી સાથે આટલા બધા કલાકો એક સાથે ગાળવા મળ્યા એમાં.... જવા દે સુરેખા. હું સગાઈ તોડી નાખું છું. વાંક તારો નથી. મારો જ છે. મારામાં જ કદાચ કશુંક ખૂટે છે. ગમે તેમ પણ મેં નક્કી કર્યું છે કે હવે બીજી કોઈ પણ રીતે બા તો મારે જોઈતી જ નથી. મને માફ કરજો. તું સુંદરી છે. મારા કરતાં પણ વધુ સારું પાત્ર તને મળી રહેશે. પણ આપણો સંબંધ અહીં પૂરો થાય છે.   
      અરે !’ ભૂપતે આશ્ચર્યથી પૂછ્યું : આ શું કર્યું તે ?’
            ‘ભૂપત, એની વાત કાપતાં મેં કહ્યું : બાજુમાં સરનામું કરેલું ગુલાબી કવર પણ તૈયાર છે. બીડીને તું મારા વતી બહાર જઈને અત્યારે જ પોસ્ટ કરી આવ. મારાથી એ કામ નહીં થાય.
      મેં જવાબ ના આપ્યો. બાપુજીનો ચહેરો મારી નજર સામે તરવરી રહ્યો. બાના રૂપઝગારાને લીધે ઘણી વાર કેવી રીતે છેલ્લી ઘડીએ એમનો નિર્ણય બદલાઈ જતો હતો એ યાદ આવી ગયું. એટલે ભૂપતને મેં કહ્યું : ‘તું મને પૂછ નહીં – જલદી જા.




(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

6 comments:

  1. પૂર્વી મલકાણMay 23, 2012 at 6:21 PM

    આપની આ ટૂંકી વાર્તા સુંદર રહી.વાર્તા વાંચ્યા બાદ એવું લાગ્યું કે સારું થયું કે ગુલાબી કાગળનું લખાણ બદલાઈ ગયું.જો એ લખાણ બદલાયું ન હોત તો ઇતિહાસ પુન: જીવિત થાત, જે નાયક માટે બરાબર ન રહેત.

    ReplyDelete
  2. સુધા મહેતાMay 23, 2012 at 6:22 PM

    આ વાર્તા ખરેખર સુંદર છે.

    ReplyDelete
  3. ઉર્વીશ કોઠારીMay 24, 2012 at 8:12 PM

    અહા, કેટલી સુંદર.
    મને પણ અમારા એક પરિચિત બહેન યાદ આવી ગયાં. અદભૂત છે.

    ReplyDelete
  4. નવીન બેન્કર, હ્યુસ્ટન.May 25, 2012 at 11:31 AM

    'ગુલાબી કાગળ'- એક ખુબ સુંદર વાર્તા.
    આખી વાર્તામાં આપણું મન પેલી રુપાળી વાગદત્તા પ્રત્યે લલચાતુ રહે-નાયકની જેમ. પણ અંતે નાયકની જેમ આપણને પણ સમજાય કે આ રુપને મેળવવા જતાં એકલા અટૂલા તરફડવાનું જ છે.
    જૂઓ, વાર્તાના અંતમાં નાયક કહે છે- " અન્નના પૂરા પાત્રમાંથી ભલે મારે ભાગે આવેલો કોળિયો બહુ મીઠો હતો પણ એ કોળિયો ખાવા જતાં હું એક દુનિયાથી કપાઈ ગયેલા ટાપુ પર આવી પડ્યો હતો. બા જેને "કોઇ" કહેતી એ 'કોઇ' વગર હું એકલો એકલો તરફડ્યા કરતો હતો.”
    આને કહેવાય વાર્તાનો ચોટદાર અંત.

    ReplyDelete
  5. સુંદર વાર્તા. મજાની.

    ReplyDelete
  6. I have read this story in chitralekha and some mesmerising element is not letting me forget it. Superb story.

    ડાંગે માર્યા પાણી જુદા ન પડે એ કહેવત હતી સાચી, પણ બાએ સુંવાળી સુંવાળી રૂપાળી રંગીન મોરપીંછની સળીથી પાણી જુદાં કર્યા હતા. ---very nice!

    ReplyDelete