Saturday, June 9, 2012

સિંહ જેવા ભાઈબંધોને એમ મરવા દેવાય?શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ,
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ,
રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન,
સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન,

પ્રથમ વાચને એમ લાગે કે હનુમાન ચાલીસાનું આ કોઇ નવું સંસ્કરણ છે. પણ પછી આગળ વાંચતા ભેદ ખુલ્લો થાય છે,
જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા,
નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા ,
કરભીર ગિર અદ્રીએ શોભે,
તુજ દર્શનથી ત્રિલોક થોભે. 

થોડા વર્ષ પહેલા આવા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા રચનારા સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ બનારસમાં દંડી સ્વામીશ્રી પ્રણવાનંદતિર્થજી પાસે ગયા ત્યારે એ સાંભળીને સ્વામીજીથી ઉદગાર નીકળી ગયા, 'ઇસ રચનામેં શબ્દબ્રહ્મ હૈ,.નાદબ્રહ્મ ભી હૈ.યે જરૂર ફલ દેગી.' 
આ સાંભળીને રચયિતા ખુદ તો ધન્ય થયા, પણ સાથે આવનાર દીવના રમેશ રાવળ તો ચોધાર આંસુએ રડી પડ્યા. આ રમેશ રાવળ કોણ છે ?એમની ઇચ્છાને વશ થઇને ભલે આ સિંહચાલીસાની રચના થઇ પણ એ આમ ભાવવિભોર થઇને રડવા શા માટે માંડે ? એવો તો કયો લગાવ એમને સિંહો સાથે ?
**** **** ****

મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ ગયા. પછી વળી સતાધાર અને પછી તુલસીશ્યામ/ Tulsishyam પહોંચ્યા,એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી. બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો.રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા. બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે  ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા  વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું.પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( જે રમેશ રાવળ ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો ના થાત એમ જીવ માત્રની કોમન સાયકોલોજી કહે છે.)


બસ, થોડી જ વાર આ સ્થિતી રહી. પછી અંધારાં ઉતર્યાં. અને બન્ને પોતપોતાના રસ્તે પડ્યા.
એ દિવસથી રમેશ રાવળનો જીવનપલટો થયો. પણ સિંહજાત તરફ જાગેલા એ ભાવનો શો અર્થ ? કારણ કે એ પછી તો ગીર/Gir સાથે સંબંધ જ ના રહ્યો હોય ને ? રમેશ રાવળ ભણવામાં પડી ગયા. પણ ભણતા ભણતા મનમાં થયા કરતું હતું કે સિંહ સાથે દોસ્તી કરવી છે.એના પર કંઇક કામ કરવું છે. પણ ગીર ગયા વગર શી રીતે થાય ? જો કે 1979માં કુદરતે એમની ઝંખના પૂરી થાય તેવો યોગ સાધી આપ્યો. બી. એ; બી એડ. પૂરું કર્યા પછી એમને શિક્ષક તરીકે નોકરી દીવમાં મળી જે ગીરના પાદરમાં જ ગણાય. પણ ગીર તો નહિં જ.  


શું કરવું ? એમણે ગીરમાં જેમના બેસણા હોય તેવા સાધુસંતો સાથે સંબંધ રાખવા માંડ્યો.સાધુ સરસ્વતીદાસજી બાણેજમાં હતા તો મથુરાદાસબાપુ પાતળામાં વિરાજતા હતા. તુલસીશ્યામ તો ખરું જ. એવા બીજા ત્રણ ચાર થાનક. સંબંધોને લીધે મધ્ય ગીરની મૂલાકાતો વધી અને હરિ મિલે, ગોરસ બિકે, એક પંથ દો કાજ  જેવું થયું. સિંહની સાવ લગોલગ જવાનું ઉપરાછાપરી બનવા માડ્યું. વિસ્મય શમતાં કુતૂહલ જાગ્યું અને એણે એમને સંશોધનની અણખૂટ કેડી પકડાવી દીધી. હવે સિંહો સાથે જાણભેદુની કક્ષાની દોસ્તી જન્મી. એમણે પહેલાં બજાજ સ્કૂટર અને પછી કાવાસાકી બજાજ મોટરસાઇકલ એવી લીધી કે ગમે તેવા દુર્ગમ અને કાંટાળા રસ્તે પણ હરેરી ના જાય. જોતજોતામાં 1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા. 1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં,પણ સંશોધન ખાતર. 1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમ્યાન ગીરમાં કેટલા સિંહો હતા,એમની વિશિષ્ટતાઓ, ખાસીયતો,વર્તણુંકો,એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો,જાણકારોની રૂબરૂ મૂલાકાતો,અને બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક સિંહ જીવનદર્શન ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું. કારણકે કોઇ ધંધાદારી પ્રકાશક તો હાથ ઝાલે નહિં. જો કે પુસ્તક પ્રકાશિત થયા પછી એમની કદર થઇ. સરકાર તરફથી જુનાગઢ જિલ્લાના વાઇલ્ડ લાઇફ વૉર્ડન/ Wild life warden તરિકે  એમની નિમણુંક થઇ. દૂરદર્શનના અધિકારીઓ જોવા આવ્યા તો એ લોકો  એ જોઇને દંગ થઇ ગયા કે એમની નજર સામે જ રમેશ રાવળે સિંહને બોલાવવાના  ખાસ અવાજો કાઢીને અગ્યાર જેટલા સિંહોને એકત્ર કરી બતાવ્યા અને તેમને લાકડીથી હાંકી બતાવ્યા. હા, રમેશ રાવળ સિંહોની અલગ અલગ ભાવો, જરૂરત અને  વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે . તળપદી અને સાદી ભાષામાં એમ કહી શકાય કે સિંહને હેળવવામાં આ વસ્તુ એટલી તો કારગર નીવડી કે આમ તો દીવ શહેર જેવી માનવવસ્તીમાં સિંહ આવે જ નહિં, પણ એકવાર ગીરથી પાછા ફરતીવેળા એક સિંહણ રમેશભાઇની પાછળ પાછળ ચાલી આવેલી, અને ખળભળાટ મચી ગયેલો. રમેશભાઇ જ એને સિફતથી પાછી મૂકી આવેલા.


એક વિશિષ્ટ વાત એમણે પોતાના સંશોધનમાં એ નોંધી કે ગીરમાં બે જાતના સિંહ છે. એક ગધીયો અને બીજો વેલર. બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત છે. જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે. ( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.) વેલર વધુ લાંબો હોય છે.એના કાન લાંબા હોય છે.ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે.
સિંહ વિષેની ઘણી ગેરમાન્યતાઓ –લોક્માન્યતાઓ એમના સંશોધનોને કારણે દૂર થઇ.રોજેરોજ સિંહને મારણ જોઇએ એ રૂઢ માન્યતા ખોટી છે. એને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો એને ત્રણ દિવસ ચાલે.  ભૂખ્યો હોય કે ના હોય પણ એ માણસને ભાગ્યે જ મારે છે.અખબારોમાં ઘણીવાર એવા સમાચારો આવે છે તે મોટે ભાગે વાઘ કે દીપડાનો ભોગ બનેલાના હોય છે, જે સિંહના નામે ચડાવી દેવામાં આવે છે. સિંહની પોતાની આયુષ્ય પંદરથી વીસ વર્ષની. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણની મરણ વખતની વય સત્તાવીસ વર્ષની નોંધાયેલી. સિંહણ સાડાત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે. ભૂરી નામની એક સિંહણે 1974માં એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપેલો.
સિંહના વાળ ઉમર વધતા ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ પણ સિંહની ઉમર રમેશ રાવળ તરત જ કહી શકે. શી રીતે? એની હુંકની(એના મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી એ કહી શકે છે.પંદર વર્ષનો સિંહ હોય તો એની હુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય એ એમણે અનૂભવે તારવ્યું છે.
વાઘની બોડ હોય, દીપડાની ,જરખની અરે શિયાળીયાની પણ ગૂફા હોય, પણ સિંહોની  ગૂફા નથી હોતી. એનું રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. એને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય.


સિંહને જોવા માટે ઉત્તમ સમય એપ્રિલ-મેનો છે. ચોમાસાનો  નહિં.ચોમાસામાં સિંહ રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવે છે.કારણ કે જંગલમાં એને મચ્છરો બહુ સતાવે છે.
સિંહને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે.વાયરસને કારણે ઘણા સિંહો 1993માં મરી ગયા.ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ સિંહોની વસ્તી ઘટતી ચાલી છે, વન્ય જીવન સુરક્ષા કાયદો (1972) / Wild Life Protection Act (1972) અસ્તિત્વમાં છે તો પણ !
પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે.જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે.20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.જેની અંતર્ગત જ માનદ વાઇલ્ડ લાઇફ વૉર્ડન તરીકેનું વેતન વગરનો પણ માનભર્યો દરજ્જો રમેશ રાવળ પામ્યા.
                                                                        **** **** ****

પોતે જેમને પોતાની ચેતનાનો એક અવિભાજ્ય અંશ માને છે  તેવા સિંહોની હત્યાના બનાવોથી રમેશ રાવળનો આત્મા કકળી ઉઠે છે. 2007ના માર્ચની ત્રીજીએ ગીરની બાબરીયા રેંજના મોરસુપડા વિસ્તારમાં ત્રણ  સિંહોની  હત્યા થઇ ત્યાં 30મી માર્ચે બીજા ત્રણની હત્યા થઇ. એ પછી તરત જ ધારી રેંજમાં બીજા બે ! સરકારે તો કરવાનું હતું તે ભલે કર્યું પણ સિંહજાત સાથે આત્મસંબંધથી જોડાયેલા રમેશ રાવળે સિંહોની હત્યા તેમ જ કુદરતી રીતે મૃત્યુ પામેલા સિંહોના મોક્ષાર્થે તથા લુપ્ત થતા ડાલામથ્થા  વનરાજ સિંહોને બચાવવા લોક જાગૃતિના ભાગ રૂપે  નજીકના ગુપ્તપ્રયાગમાં 2007 ના સપ્ટેમ્બરની 10 મી એ ગૃહશાંતિ યજ્ઞનું આયોજન કર્યું અને 51111 યત્રિકોને જમાડ્યા ! સિંહજાતીના જ પરભવના પિતરાઇ હોય એવા રમેશ રાવળે પોતાના નિવાસનું નામ પણ સિંહદર્શન રાખ્યું છે.( હૉસ્પિટલ પાસે, દીવ-362 520-  ફોન-02875-252903  અને મોબાઇલ-+91 98259 96254) ઉનાથી માંડ દસ-બાર કિલો મીટર દૂર દીવમાં રમણીય દરીયાકિનારો તો છે જ, પણ આ અનોખા આદમી રમેશ રાવળ પણ છે જેની ઉમેદ સરકાર(યા કોઇ પણ)એમને થોડા માણસો અને આર્થિક પીઠબળ આપે તો ગીરના સિંહો પર એક અનન્ય એવી ડોક્યુમેન્ટ્રી બનાવવાની છે કે વનરાજ એવા સાવજોની જિવનચર્યાને સદાને માટે જીવતી સંગોપી લે.

14 comments:

 1. ભરતકુમાર ઝાલાJune 9, 2012 at 11:51 PM

  રમેશ રાવળની સેવ લાયન ની ઝૂંબેશને સલામ. આ વાંચતા વાંચતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાર્તા ' સિંહની ભાઈબંધી ' તાજી થઇ. દરબાર માત્રાવાળાના આ આધુનિક અવતાર રમેશ રાવળનો સિંહ તરફનો લગાવ સ્પર્શી ગયો. આવી સરસ ને સાચી કથા શોધી લાવવા બદલ રજનીકાકાને પણ અભિનંદન.

  ReplyDelete
 2. શ્રી રાવળભાઈ માટે ઘણો જ અહોભાવ જાગ્યો. કેવા પ્રકારનો ભેખ ધારણ કર્યો છે.!!
  અને વાત સાચી કે રજનીભાઈએ વાચકો સમક્ષ એમને લાવીને સૌને કૈંક નવી જ દુનિયામાં મોકલી દીધા !!!

  ReplyDelete
 3. પૂર્વી મલકાણJune 10, 2012 at 4:52 PM

  ગીર અને ગીરના સિંહો વિષેનો આ લેખ બહુ જ બહુ જ સુંદર રહ્યો. એક શ્વાસે આખો રોમાંચ કરનારો લેખ વાંચી ગઈ. શ્રી રમેશજીની હિંમત દાદ દેનારી છે. ભવિષ્યમાં હું તેમને માટે કશું કરી શકીશ કે નહીં તેની ખબર નથી પરંતુ તે વાતનો ખ્યાલ રાખીશ.

  ReplyDelete
 4. મિત્રો, કોઈપણ જાતના ભ્રમમાં રહેતા નહિ...આવા ઘણા સુરવીરો છે જે સિંહને લાકડીથી ભેગા કરે છે...સિંહ જીવનદર્શન નામના પુસ્તકમાં સિંહ વિશેની ઘણી બધી ખોટી માહિતી રજુ કરી છે...હું અને મારા મિત્રો ખાસ આ પુસ્તકનું જાહેરપઠન કરી પેટ પકડી હસીને આનંદ લઇએ છીએ..ગુજરાતના સિંહને આવા લોકોથી જ દુનિયામાં હસીને પાત્ર બનાવવામાં આવ્યો છે... આ પુસ્તક દ્વારા ઘણી ગેરસમજણ લોકો સુધી પહોચી છે...હવે મહેરબાની કરી બંધ કરો આ બધું અને લોકોને સાચી માહિતી આપો તો સિંહ માટે સારું...

  ReplyDelete
 5. રજનીભાઈ જેવા લોકોએ તો ખાસ વિચારીને લખવું જોઈએ....સિંહનું સંરક્ષણ કરતા લોકો જે વર્ષોથી મહેનત કરતા આવ્યા છે જે તમારા જેવા લોકોનાં એક લેખથી કર્યા પર પાણી ફેરવતા હોય છે...

  ReplyDelete
 6. શ્રીમાન રજનીભાઈ,
  આપશ્રીના બ્લોગમાંથી આ વાર્તા બને એટલી જલ્દી દૂર કરો તો સારું....જો તમે સિંહનું ભલું ઇચ્છતા હો તો....રમેશ રાવળનું ભલું ઇચ્છતા હો તો તમારી મરજી....

  ReplyDelete
  Replies
  1. રજનીકુમાર પંડ્યાJune 12, 2012 at 6:23 PM

   ભાઇ મુકેશભાઇ,
   ધ્યાન દોરવા બદલ આભાર,
   માત્ર એક સ્પષ્ટતા કરવા ચાહું કે હું લેખક છું સંશોધક નથી, મળેલી માહિતીને મેં સિંહોનું તર્પણ કે શ્રાદ્ધ જેવી વાતોને ફિલ્ટર કરીને એક લેખ રૂપે લખી છે. પણ જે લખી છે તેમાં સત્યતા કેટલી છે અને કિંવદંતિ કેટલી છે તે તમારા જેવા જાણકારો જ કહી શકે.તમે સચ્ચાઇઓ જણાવશો તો તે પણ અવશ્ય લખીશ.

   Delete
  2. આભાર રજનીભાઈ,
   લેખક સંશોધક બની કામ કરે તો લોકો સુધી સાચી વાતો પહોંચે....તે અઘરું પણ છે...મેઘાણીભાઈ પણ લેખક હતા પરંતુ ગામડે-ગામડે ફરી સંશોધન કરી જે લોકો સુધી પહોચાડ્યું તે અદભૂત છે...તેમાં ક્યાય ગાંડી-ઘેલી વાર્તા નથી કે "સિંહ સાયકલ લઇ ભાગ્યો" વિગેરે ...સિંહ જીવનદર્શન પુસ્તકમાં સિંહનાં પરિચયની પહેલી લાઈન તો વાંચો? સિંહ નું બોટનીકલ નામ penthera leo persica છે? શું સિંહ વનસ્પતિ છે? આમાં સંશોધક હોવું જરૂરી નથી....ભગવાનનો પાડ માનો કે આ પુસ્તકનાં અમુક પાઠનો પાઠ્ય-પુસ્તકમાં સમાવેશ થવાનો હતો..જાગૃત લોકો કે નાં થવા દીધો...આવનાર પેઢી બચી ગઈ નહિ ઉઠી જાત...

   Delete
 7. Very good article. Good information too.

  ReplyDelete
 8. રજનીભાઈ,
  આ વક્ર-દ્રષ્ટા એવા મુકેશ આચાર્ય ને કહો કે રમેશ રાવલ ને ખોટા પુરવાર કરે અને જાહેર માં સાબિતીઓ આપે કે સિંહના બચ્ચા સાથે નાં ફોટાઓ પણ ખોટા છે... બકે ખોટી અને વાહિયાત કોમેન્ટ્સ કરીને કોઈની લાગણી ને ઠેસ પહોંચાડવાનું બંધ કરે, what nonsense

  હેમંત જાની , લંડન યુકે.

  ReplyDelete
  Replies
  1. આને સંજય-દ્રષ્ટિ કહેવાય...વક્ર નહિ...

   સિંહનાં બચ્ચા સાથેની તસવીર આ વિસ્તારમાં બહુ સામાન્ય છે....(લંડનમાં બેઠા-બેઠા એ નહિ સમજાય ) રમેશભાઈએ સક્કરબાગમાં જઇ ફોટો પડાવ્યો હશે અથવા સારવાર માટે આવેલા બચ્ચા સાથે...તમે કદાચ રમેશભાઈનું પુસ્તક વાચ્યું નથી મેં વાચ્યું છે..એટલે મારી વાત વાહિયાત લાગે તે સ્વાભાવિક છે...NONSENSE કહી આ વિષયમાં તમને કેટલું જ્ઞાન છે તેની જાણ અવશ્ય થઇ....તમારે જયારે પણ રમેશભાઈને ખોટા પુરવાર કરાવવા હોય ત્યારે અવશ્ય જણાવશો...સંપૂર્ણ આયોજન તમારું રહેશે...IN FRONT OF MEDIA...OK? આ એક NONSENSE ની CHALLANGE....

   Delete
 9. ગીરના પાદરે (રાજુલામાં) ઉછરેલા એક જણ તરીકે મને પણ મુકેશ આચાર્યની વાતમાં તથ્ય જણાય છે. મેં સિંહ જીવનદર્શન પણ વાંચ્યું છે અને કેટલાંક વરસ પૂર્વે રમેશ રાવળને ડેડાણ નજીક જસાપર ગામે સિંહો વિશેના એક કાર્યક્રમમાં સાંભળ્યા પણ છે. સિંહ વિશે જાણકારી હોય તો પણ તેમનો હેતુ અન્યને સિંહ વિશે માહિતગાર કરવા કરતાંય પોતાનાથી પ્રભાવિત કરવાનો વિશેષ જણાયો છે. સિંહ વિશે ગીર અને આસપાસના વિસ્તાર સિવાય જે વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે તેમાંની ઘણીખરી ગેરસમજ સિંહજીવનના આવા અધકચરા જાણતલોએ જ પોતાની મહત્તા સાચવવા ફેલાવી હોય છે.
  ભચાદર ગામે રાણિંગવાળા સુરગવાળા નામના વૃદ્ધ કાઠી દરબારને ગળા સુધી કસુંબો ઢિંચ્યા પછી અસલ સિંહ જેવી હુંક નાંખતા સાંભળ્યા છે અને તેમની હુંકના જવાબમાં ગઢની પછવાડેના જંગલમાંથી અસલી સિંહોને ય હુંકની જુગલબંધી કરતાં સાંભળ્યા છે. રાણિંગવાળા અમારા જેવા મહેમાનોને અચંબિત કરવા પૂરતો જ આ કરતબ બતાવતા અને ગ્રામ્ય કોઠાસૂઝ ઉમેરીને કહેતા કે, આ તો બે ઘડીનું જોણું કર્યું. બાકી, જનાવરનું (સિંહનું) ય માન રાખવું. એનાં ચાળા નો હોય
  સિંહના બચ્ચા સાથેનો ફોટો પડાવવો સ્હેજપણ મોટી કે નવાઈની વાત નથી.

  ReplyDelete
 10. ધૈવતભાઈ,
  આભાર, મારી વાતને વાચા આપી તે બદલ....આપનો વધુ પરિચય મળે તો આનંદ થશે...એકજ નાવમાં મુસાફરી કરીએ અને પરિચય ના હોય તો મંઝિલ દૂર લાગે...

  ReplyDelete
  Replies
  1. ધન્યવાદ મુકેશભાઈ. હું ગુજરાત સમાચાર, અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ એડિટર તરીકે કાર્યરત છું. સંપર્કમાં રહેવું મને પણ જરૂર ગમશે.

   Delete