Sunday, May 13, 2012

હું અને બા


                          
બા: હીરાલક્ષ્મી દેવરામ પંડ્યા 

        બા, સાચવીને પગથિયાં ઊતરજે. મેં બાનો હાથ પકડીને દોરતાં ધીરેથી કહ્યું : પગથિયાં લપસણાં છે.
        વયોવૃદ્ધ ચહેરાએ બોખું સ્મિત કર્યું. જાડા કાચનાં ચશ્માંની આજુબાજુની કરચલીઓમાં થોડી વધુ ઉમેરાઈ. સફેદ સાડલાને સહેજ સંકોરીને એમણે જરી કંપતા સ્વરે કહ્યું : રંજુ, યાદ છે ? પાંત્રીસ વરસ ઉપર આપણે સાથે આ જ દામોદરકુંડ આવેલાં ?’
                ‘હા, બા. મેં કહ્યું : યાદ છે આછું આછું. એ વખતે આપણે બીલખા હતાં. દાદાજીનાં અસ્થિ  પધરાવવા આપણે આવેલાં. એ વખતે મારા ભાઇ (બાપુજી) પણ સાથે હતા.
        બા હોઠ બીડીને ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયાં. ગતિ થંભી ગઈ. પછી સિત્તેર વર્ષોનો એકસામટો બોજ એમના ઉપર આ જ ક્ષણે આવી પડ્યો હોય એમ નમીને દામોદરકુંડના જળનું આચમન લીધું. હાથનું નેજવું કરીને આજુબાજુના ધૂણી ધખાવીને બેઠેલા સાધુઓ તરફ જોયું. ધુમાડાનો પુંજ ધીરે ધીરે ઊંચે ચડતો જતો હતો અને હવામાં ભળી જતો હતો.
        બા. હું બોલ્યો : આજે ભલે હું તને દોરતો હોઉં, પણ એ વખતે હું તારી આંગળીએ હતો. અને તું મને કહેતી હતી કે બેટા, ધ્યાન રાખજે. પગથિયાં લપસણાં છે.
        એ વખતે તું દડબડ દડબડ કરતો પગથિયાં ઊતરતો હતો. હું અને તારા ભાઇ તને રોકવાનો પ્રયત્ન કરતાં હતાં.
        પણ બા, આ વખતે પગથિયાં વધુ ઘસાયેલાં છે. વધુ લપસણાં બની ગયાં છે.
અમે બંને મૌન થઈ ગયાં. કાંઠાના બ્રાહ્મણો એમની તરફ આવી રહ્યા હતા. કેટલાક ભિક્ષુકો પણ એમની તરફ યાચનાભરી નજરે જોઈ રહ્યા.
        બા. હું બોલ્યો : એ પછી પણ એક વાર હું અહીં આવેલો. મારા બાપુજી ગુજરી ગયા ત્યારે એમનાં અસ્થિ પધરાવવા.
        બાનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. એ બોલ્યાં : કેટલાં વરસ થયાં ? પંદર, નહીં ?’
        હા. મેં નિઃશ્વાસ નાખીને કહ્યું : પણ એ વખતે લપસણિયાં પગથિયાંથી ચેતવનાર કોઈ સાથે નહોતું.
        બન્ને પગથિયાં ચડીને ધીરે ધીરે ઉપર આવ્યાં. બ્રાહ્મણો અમને વીંટળાઈ વળ્યા. મેં બાના હાથમાં થોડા છુટ્ટા સિક્કા મૂક્યા અને એમણે વહેંચ્યા.
****  ****  ****

        હું થોડા સાધુઓ સાથે દામોદરકુંડના પગથિયાં ઊતરવા માંડ્યો. સોનાપુરીમાં કરેલા સ્નાનની ભીનાશ હજુ શરીર પરથી પૂરી ગઈ નહોતી. શરીરમાં થોડી થોડી કંપારી પણ હતી. પહેલું પગથિયું નીચે ઊતર્યા ત્યાં મારે કાને અચાનક શબ્દ પડ્યો :
        સાચવીને બેટા, પગથિયાં લપસણાં છે.
        હું હબકીને ઊભો રહી ગયો. કોણ બોલ્યું ? બા જેવો આ કોનો અવાજ? મેં પાછળ જોયું તો ત્યાં એનો કશો અણસાર નહોતો. ડાઘુઓ નતમસ્તકે ચાલ્યા આવતા હતા, એ ડાઘુઓમાં મારા મિત્ર કવિ મનોજ ખંડેરીયા હતા અને કરવેરા સલાહકાર શરદ જાની પણ. અને ધોરાજીથી આવેલા મારા ગાઢ મિત્ર વીનેશ પટેલ પણ હતા.( જૂના લેખમાં આ શબ્દો ઉમેરતી વખતે એ પણ ઉમેરું કે એ ત્રણમાંથી એક પણ આજે હયાત નથી.) જૂનાગઢના એ સ્મશાનમાં હું જ્યારે દૂર એક વૃક્ષ પાસેના પત્થર પર શુન્યમનસ્ક થઇને બેઠો હતો ત્યારે એ મિત્રોએ જ બાની ચિતાને લાંબા સળીયા વડે વારંવાર સંકોરી હતી. અને વારે વારે આવીને મારા ખભે ચિતાની ગરમીના તપારાવાળો હાથ મૂક્યો હતો. પણ મારી સ્મૃતિયાત્રામાં જરા પણ ખલેલ પાડવાનું મુનાસિબ માન્યું નહોતું. સામે ચિતામાં જે દેહ બળી રહ્યો હતો અને જેની નાડીઓ તૂટવાના તડ તડ અવાજો હું સાંભળી રહ્યો હતો એ દેહમાંથી જ હું આ પૃથ્વી પર અવતર્યો હતો અને એની જ છાતીનું દૂધ પીને મારી કાયા ઘડાઇ હતી. માત્ર મારા માટે જ નહિ, પણ જન્મ લેનાર દરેક માણસ માટે આ વાત સાચી હોય છે એ હું જાણું છું, ને કોઇની મા કાયમ માટે બેઠી રહેતી નથી એ પણ જાણું છું, પણ સ્મશાનમાં કેમ દરેકને સ્વજન ગયાની પીડા પોતાની એકલાની જ લાગે છે ? એનો જવાબ જડતો નથી. પણ ધીરે ધીરે બધું મને યાદ આવતું હતું અને ચિતાના ધુમાડાની જેમ ઘેરી લેતું હતું.
મને એ સમય યાદ આવતો હતો કે વયના જે ગાળામાં મેં સભાનતાપૂર્વક પહેલી વાર બાને બા તરીકે જોઇ હતી. વત્સલ હાથનો સ્પર્શ તો હર એક શિશુ અનુભવી શકે છે, પણ એ હાથ મારી માતાનો મારા માથે  હળુ હળુ ફરતો હાથ છે એ સમજણ ત્રણ-ચારની વયે પ્રગટતી હશે. એ સમજણ-સભાનતા મારામાં પ્રગટી ત્યારે મેં એક પ્રબળ સંરક્ષણ પામ્યાની અનૂભુતિ કરી હતી.  એ વખતે મારા પિતાની નોકરી જૂનાગઢથી વીસ જ કિલોમીટર દૂર બિલખા નામના ટાઉનમાં હતી. ત્યાં જ હું સાત વર્ષની ઉમરે નિશાળે બેઠો ત્યારે મને કપડેલત્તે તૈયાર કરીને ગાલે એક બક્કી ભરીને જે હાથે મારા કપાળે ચાંલ્લો કર્યો હતો તે હાથ હવે ભસ્મીભૂત થઇ રહ્યા હતા અને એના બળી રહેલા ટુકડાને ચેહમાં આમતેમ ફંગોળવામાં આવી રહ્યો હતો. ધીરે ધીરે એ દૃશ્ય પણ કોઠે પડી ગયું ત્યારે અચાનક દસ વર્ષની છલાંગ મારીને હું સત્તર વર્ષનો બની ગયો કે જ્યારે એ જ હાથે કપાળમાં કંકુચોખા ચોડીને બાએ મારી સંપૂર્ણ ના છતાં અમરેલીમાં મારી સગાઇ પાકી કરી દીધી હતી અને અજાણ્યે પણ મને જીવનભર ચાલે એવી વેદનાની આગમાં ધકેલી દીધો હતો, એમાં એ બિચારીનો ખરેખર કોઇ દોષ નહોતો. 1955ની આસપાસના એ દિવસોમાં મા પોતાના દિકરા માટે જે છોકરી પાસ કરે તેમાં મીનમેખ થાય તેવું નહોતું. કારણ કે લગ્ન પછી વહુએ બદલીઓવાળી સરકારી નોકરી કરતા પતિ સાથે રહેવા કરતાં સાસુ સાથે વધારે રહેવાનું થતું હતું, એટલે પોતાના 'મોઢામાં સમાય એવી' અબોલ જણાતી કન્યા એમણે પાસ કરી.  કારણ કે હજુ મેટ્રિક પાસ થાઉં તે પહેલા જ ભવિષ્યમાં મારે સરકારી નોકરી કરવાનું તો એકડા પછી બગડાની જેમ તય હતું. અને મારી બાને એ ક્યાં ખબર હતી કે છોકરી ગાંડા જેવી હતી ! અને મારા વિરોધની ભાષા પણ 'મને એ ગમતી નથી' એથી વધારે શબ્દોના વજનવાળી નહોતી. મારા પિતાનું આખી વાતમાં કોઇ વજન નહોતું. એટલે અને કાંઇક તો સામી પાર્ટીએ ખેલેલા એક પ્રપંચને કારણે અને વિશેષ તો એક સાવ અંગત સ્વજનની અમારા પ્રત્યેની બીન-વફાદારીને કારણે આ બન્યું. જે માટે મારી સામે જલતી દેખાતી મારી બાને હું માફ તો કરી શકતો હતો, પણ એણે બક્ષેલી વેદનાને હું ભૂલી શકતો નહોતો .આ “ગુન્હાને કારણે બા જીવનભર અપરાધગ્રંથી અનુભવતી રહી. અમે તારા જેવા ડાહ્યા છોકરાને કૂવામાં ઊતાર્યો એ શબ્દો એમના અને મારા પિતાના મોંમાં જીવનભર રહ્યા. અને એ શબ્દોને વિવેક ખાતર પણ નકારવાની ક્ષમતા મારામાં કદિ ના નિપજી,
    એક તરફ ધીમે અવાજે કશીક વાતો કરતા ડાઘુઓના ખભે ભીનાં ફાળિયાંઓમાંથી હવે ટીપાં ટપકવાં પણ બંધ થઈ ગયાં હતાં. ચહેરા પણ સુક્કા હતા. જેતપુરના ઘેરથી ગમે તેટલો વયસ્ક થયા છતાં હું બહારગામ જવા નીકળું ત્યારે દરેક વખતે મારી બા મને શેરીના વળાંક લેતા નાકા સુધી વળાવવા આવતી ત્યારે છેક ફૂલચંદ કાલીદાસ( જેને અમે 'ફૂલો' કહેતા)ની દુકાન પાસેના બીજા વળાંક સુધી એકીટશે જોયા કરતી અને એ પાંચ મિનિટના ગાળા દરમ્યાન અનેક વાર આવજે, બેટાની મુદ્રામાં ઉંચો થતો એનો હાથ મને દેખાયા કરતો. અને હું બીજા વળાંકે એની નજરોથી ઓઝલ થઇ જતો. આજે દામાકુંડની ફેબ્રુઆરીની ટાઢકમાં મને સ્મશાનમાંથી એ હાથ દેખાયા કરતો હોય તેવો ભાસ થયા કરતો હતો. બાના અનેક સ્વરૂપ નજર સામે તરવર્યા કરતા હતાં. ડીવોર્સના મારા નવ વર્ષ ચાલેલા મુકદ્દમાના ગાળામાં એ હંમેશા અદૃશ્ય અપરાધીના ભાવમાં જ રહી, મારા મનમાં એવું કાંઇ નહોતું અને હું હંમેશા એને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરતો. તરુ (મારાં વર્તમાન પત્ની) સાથે હું મારી પ્રથમ પત્ની સાથેના માત્ર ચાર દિવસના ઘરવાસ પછી કરેલા ડિવોર્સના કેસ પછીના એક વર્ષે પ્રેમમાં પડ્યો અને એની જાણ મારી બાને કરી ત્યારે મને લાગે છે કે એના ગુન્હાને મેં થોડો ભૂંસી આપ્યો હોય એવું એને લાગ્યું અને કશી પણ પડપૂછ વગર એને સ્વીકારી લીધો. એને લાગ્યું કે આ છોકરીએ પોતાના દુઃખી છોકરાને સુખી કરવા માટે જ પૃથ્વી પર જન્મ લીધો છે.  વગર લગ્ને હું અને તરુ આઠ વર્ષ સાથે રહ્યા ત્યારે મારી બા અનેક વાર અમારે ત્યાં રાજકોટ આવતી, પણ એની ભૂમિકા કદિ પરંપરાગત સાસુની રહી નહિ, પણ સદાય માફી મેળવીને ઉપકૃત થયેલી વ્યક્તિની જ રહી. નહિ તો આમ તો એ સ્વભાવની કેવી કડક સાસુ હતી તે મેં તેના મારાં ભાભી સાથેના કઠોર વર્તન પરથી જોઇ જ લીધું હતું.
સ્મશાનમાંથી એને વળાવીને પાછા ફરતી વેળા મને એની સાથે –એના  ખોળામાં- એના સાડલા નીચે ઢબુરાઇને ધાવેલા ધાવણની સોડમ યાદ આવતી હતી. એના મોંએ સાંભળેલા હાલરડાંઓ-ગીતો -વારતાઓ-યાદ આવતા હતા. મનોજ ખંડેરિયાએ પાછા ફરતી વેળા અમારા માટે પોતાની કાર મંગાવી હતી, પણ હું એમાં બેઠો નહિ. મારા વિચારોની સાંકળને  મારે તોડવી નહોતી. મારે ચાલવું હતું અને ગીરનારથી પાછા ફરવાને પગલે પગલે મારી બાને 'જીવતી' કરવી હતી. 
       
અનેક યાદો ઉભરાતી હતી. છેલ્લે હું એને એના પગની કણીના ઇલાજ માટે જૂનાગઢ લઇ આવ્યો અને એમાં જ 16 મી કે સત્તરમી ફેબ્રુઆરી, 1980 ના સૂર્યગ્રહણને દિવસે એણે દેહ છોડ્યો. એના અંતિમ શ્વાસોચ્છવાસ મેં ટેપ કરી લીધા. અને એને સન્નીપાત ઉપડ્યો ત્યારે ઉચ્ચારેલા શબ્દો પણ. મને એ પણ યાદ આવ્યું કે ડૉ. પિપળીયાએ મને કહ્યું હતું: "તમે એમને ઘેર લઇ જાઓ. શી ઇઝ ડીટીરિઓરેટિંગ.”  એ પછી હું એને ઘેર લઇ આવ્યો ત્યારે એનો શ્વાસ ચાલતો હતો. અંદરથી એની વિદાયની અનિવાર્યતાને તો મેં સ્વીકારી જ લીધી હતી. પણ એની અંતીમ ઘડીએ હું એના ઓશીકે છું એનો સંતોષ પણ ઠરેલો હતો. ત્યાં જ બહાર ફોનની ઘંટડી વાગી અને મારી ટેવ મુજબ હું ફોન લેવા ઉતાવળે પગલે બહાર ગયો અને ફોન લીધો.  જેતપુરથી મારી ભત્રીજી ઉષા સામે છેડે હતી. અને બાના સમાચાર પૂછતી હતી. છેલ્લી ઘડીઓ ચાલે છે, તું અવાય તો જલ્દી આવી જા એમ હું બોલ્યો પણ એ શબ્દો પણ ખોટા પડ્યા. જે ઘડીએ મેં બહારના ઓરડે પગ દીધો એ જ ક્ષણે બાએ શ્વાસ છોડી દીધો હતો. હવે કોઇ ઘડી એ જીવ માટે રહી નહોતી. જીવનભર મને એ ક્ષણનો મારો બહાર જવાનો ખોટો નિર્ણય પીડ્યા     કરવાનો હતો.   
             હું આગળ ચાલવા માંડ્યો ત્યાં ફરી ભણકારો થયો : જરા સાચવીને બેટા. હું ફરી અટક્યો. બા બોલે છે ?  બા? ક્યાં છે બા ? એમને તો હજુ હમણાં જ વળાવીને આવું છું – બાળીને આવું છું. રાખ થઈ ગયાં. આ રહ્યાં એમનાં અસ્થિ, આ પોટલીમાં ! એમનો મારે માથે ફરતો કંપાયમાન હાથ, આશીર્વાદના ઉચ્ચારમાં મૌન ફફડતા હોઠ, કરચલિયાળું ઊંચું કપાળ, સફેદ રૂનાં તંતુઓ જેવા કેશ, બોખું મોં, બધું જ – બાનો આખો કૃશ દેહ. બધું જ ભસ્મ થઈ ગયું.... આ રહ્યું.... આ રહ્યું.... આ મુઠ્ઠીમાં સમાય એવડી પોટલીમાં....
        ફેબ્રુઆરીનો ઠંડો પવન મારા શરીરને ઘસાઈને ગિરનાર તરફ જતો રહ્યો. મને એક ઉકરાટો આવી ગયો. મોટાભાઈ તરફ જોયું. એ પણ મૌન હતા. હું આગળ વધ્યો. પગથિયું નીચે ઊતર્યો. અસ્થિની પોટલીને જરા બે હથેળી વચ્ચે દાબી. એમાં શું હતું  ? બળેલાં હાડકાંના બેચાર ટુકડા અને ચપટી રાખ. શું જિંદગી આખી મીણની જેમ પીગળતી બા છેવટે ટુકડો અને પછી એની પણ રાખ બનીને આટલામાં સમાઈ ગઈ ?
                મેં આંખ માત્રથી પોટલી સાથે સંવાદ કરવા પ્રયત્ન કરી જોયો, તો મારી પોતાની અંદરથી જ તીવ્ર બૂમ ઊઠી, બા....
        પવનની એક હળવી લહેરખી પસાર થઈ ગઈ. જવાબ મળ્યો : સાચવીને બેટા, પગથિયાં લપસણાં છે.
        ડાઘુઓ સાથે સાચવીને હું આગળ વધ્યો. છેલ્લા લપસણા પગથિયાં ઉપર બરાબર ટેકવીને પગ દીધો – પછી ધીરેથી પોટલીની ગાંઠ છોડી. અસ્થિને મેં હોઠે અડાડ્યાં. અને એ ક્ષણે જ જાણે કે સ્તનપાન કરતો શિશુ બની ગયો. મોંમાં દૂધનો સ્વાદ છૂટી રહ્યો, ગળચટ્ટો ગળચટ્ટો. આંખો એકદમ ઊભરાઈ આવી. નાના બાળકની જેમ મને કંઈક વેન કરવાનું મન થયું – બાનો પાલવ પકડીને કજિયે ચડવાનો આવેગ ઊભરાઈ આવ્યો – આશા ઊગી આવી કે હમણાં બા માથે હાથ ફેરવશે. પીઠ થપથપાવશે ધીરે ધીરે. છાનો રાખશે.
        પણ માત્ર પવને મારા પોતાના સફેદ થવા આવેલા વાળને ધીમો સ્પર્શ કર્યો, વાળ ફરફરી રહ્યા. મેં ધીરેથી નીચે નમીને અસ્થિ અને ભસ્મ કુંડમાં પધરાવી દીધાં. પાણીમાં નહીં જેવા તરંગો ઊઠ્યા અને અસ્થિ ધીરે ધીરે તળિયે બેસી ગયાં. રાખ પાણીમાં પ્રસરી ગઈ. થોડી માછલીઓ ધસી આવી અને પછી સળવળાટ કરતી અદૃશ્ય થઈ ગઈ.
        ચાલો ભાઈ. મારા ખભે હાથ મૂકીને મનોજે  કહ્યું : ચાલો. બા તો ભાગ્યશાળી થઈ ગયાં.
        પગથિયાં ચડીને હું સૌની સાથે ઉપર આવ્યો – ચોતરફ નજર ફેરવી. સાધુઓની ધૂણીના ધુમાડા ઊંચે ને ઊંચે જતા હતા અને પછી હવામાં ફેલાઈ જતા હતા. ફરી બ્રાહ્મણો મારા તરફ આવી રહ્યા.... ફરી કેટલાક ભિક્ષુકો લોભી નજરે એના તરફ જોઈ રહ્યા.
        મેં ચોતરફ જોયું તો બધું જ હતું – બધું જ યથાવત્. સુધરાઈની બસ, હૉટેલો, બાંકડાં, ચાની રકાબી મોઢે માંડેલા માણસો, વૃક્ષો, પશુ, પંખી, કૂતરાં, દોડી જતી સડક; મકાનો.... પણ... પણ...
        એકાએક મારી અંદરથી ફરી એક પ્રલંબ બૂમ ઊઠી : બા....
        મને લાગ્યું કે બૂમ ઝડપથી વિસ્તરીને સામેના ગિરનારને અથડાઈને પડી. અને ગિરનારે જ જાણે કે તત્ક્ષણ જવાબ આપ્યો – બાના જ સ્વરમાં.... બેટા, સાચવીને.... સાચવીને જજે....
        જવાબ મેં જ સાંભળ્યો. મારી અંદર ઉતાર્યો. ક્ષણભર ઊભો રહ્યો અને પછી ડાઘુઓની પાછળ પાછળ ચાલવા માંડ્યો. ઘેર જવાનું હતું. ઘેર. અહીં તો પાછું કોણ જાણે હવે પાછું ક્યારે અને કયા રૂપમાં આવવાનું થશે ! કદાચ અસ્થિના રૂપમાં પણ. ક્યારે ?
ક્યારે ? નો સવાલ 1980 ના ફેબ્રુઆરી થી આજ આ લેખ લખવાની સાલ 2012 સુધી રેલાઇને આવી ગયો છે. મને ખબર છે કે એનો જવાબ છે. પણ એ જવાબ મારે જ આપી બતાવવાનો છે પણ સાંભળવા ઉભા રહેવાનું નથી.



                                       ****  ****  ****
   
વિશેષ નોંધ: એક વાર એક વાચકે મને પૂછાવ્યું હતું કે પોતાની માના મૃત્યુ સમયે પોતે દુબઇ હતો અને તેથી એનો છેલ્લો મોંમેળો પોતે કરી શક્યો નહિ એનો ખટકો એને સતાવી રહ્યો છે. શું કરવું? જવાબમાં મેં મારી 'સંદેશની કોલમમાં લખ્યું હતું કે માતાની મરણપથારી ઉપર સાવ ઓશીકે બેઠેલા પુત્રને પણ કુદરત છેલ્લી ક્ષણ ચુકાવી શકતી હોય તો તમારી તો દોસ્ત, વાત જ ના કરશો. તમારી વ્યથા તો એની આગળ કાંઇ નથી. 
પણ અત્યારે લખું કે મેં તો એનો ઇલાજ શોધી કાઢ્યો. હતો. બાની ઉત્તરક્રિયાના દિવસોમાં હું લગભગ રોજ સાંજે જૂનાગઢથી ત્રીસ કિલોમીટર દૂર જેતપુર મારા બજાજ સ્કૂટર પર જતો અને મોડી રાતે એ જ રીતે પાછો ફરતો. એ રોજ રાતે ઠંડી સડક પર જ્યારે દૂર દૂરથી પણ કોઇ વાહન આવતું ના દેખાતું હોય ત્યારે હું સ્કુટર થંભાવતો અને એ કાળા અંધારા વેરાનમાં આકાશ ભણી જોઇને મોં પરથી મફલર હટાવીને મારી બાને જોરથી બા...આ  આ... કહીને મોટેથી સાદ પાડતો. જાણે કે એ આકાશમાં આટલા બધા તારાઓ વચ્ચે ક્યાંક બેસીને એ મને હોંકારો આપવાની હોય! હવાના ઠંડા સુસવાટાઓ સિવાય કંઇ નહોતું, પણ મારી બાનો એક હળવો હોંકારો હું મારામાં પેદા કરી લેતો હતો.અને એ વખતનો ઉત્તાપ શાંત થઇ જતો. આવું તો, જો કે, હું એકાદ-બે વાર જ કરી શકતો, કારણ કે તરત જ દૂરથી તીવ્ર પ્રકાશના ધ્રૂજતા શેરડા ફેંકતું કોઇ વાહન નજીક આવતું દેખાતું. અને  મારે પાછું સ્કૂટર પલાણી લેવું પડતું. આ આટલી ગાંડી ચેષ્ટાથી પણ મને અપાર માણ વળતું. મારી આ અનુભૂતિનો ઉપયોગ મેં આગળ જતાં મારી નવલકથા 'પરભવના પિતરાઇ' માં કર્યો છે. જેમાં એના નાયક નરસિંહભાઇ ભાવસાર કાંઇક આવો જ પ્રયોગ પોતાની મૃત માતા સાથે સંવાદ સ્થાપવાને માટે કરે છે
જામનગરના શાયર યાવર કાદરીનો આ શેર સાચો પડતો લાગે છે.

ઇસ તિશનાલબકી નિંદ ના તૂટે ખુદા કરે,
જીસ તિશનાલબકો ખ્વાબમેં દરીયા દિખાઇ દે.

( કોઇ તરસ્યા માણસને સપનામાં નદી દેખાઇ રહી હોય તો ભગવાન કરે કે એ ક્ષણે એની નિંદર ના તૂટે.) 

9 comments:

  1. આટલાં વરસે લેખ ફરી વાંચતી વખતે એ જ અનુભૂતિ. તમારી કલમની આ જ તો ખાસિયત છે. બધાં આલેખન ચિરંતન સંવેદનોથી હર્યાં ભર્યાં.

    આ વખતે વળી આમાં ઉમેરાયું એક ઓર સ્મરણ: યાદ છેને રજનીભાઇ? તમે મારા ઘર ‘હાશ’ની મુલાકાતે પધાર્યા હતા? આપણે મારા પુસ્તક વિમોચન માટે મનહર ઉધાસને આણંદની એક હોટલના તેમના ઉતારે મળ્યા પછી?

    તે વખતે મારાં સ્વર્ગસ્થ બા માટે તેમની હયાતિમાં વેસ્ટર્ન કમોડ - ઉભું ટોઇલેટ નહીં કરાવવાની સજા તરીકે મેં ઘૂંટણ દુખે તો પણ કાયમ બેઠા સંડાસનો જ ઉપયોગ કરવાનું નક્કી કરેલું અને ત્યારે તમે સમજાવ્યો હતો કે એનાથી બા રાજી નહીં થાય... એ તો વધારે દુખી થશે કે દીકરો પણ એ જ પીડા ભોગવી રહ્યો છે, જે એમણે પોતે ભોગવી હતી!

    એ વખતના ચોક્કસ શબ્દો તો યાદ નથી. પણ એવું જ કંઇક તમે કહ્યું હતું જેને કારણે સમજણને સાચી દિશા મળી હતી. (આમ પણ લાગણી સભર સમજ ક્યાં કદી શબ્દોની મોહતાજ રહી છે?)

    બાને યાદ કરતાં આજે અને હરદમ (મેં જાતને આપેલી) એ સજા અને (તમારી આપેલી) સમજણ બન્ને ભીની આંખમાં તરે છે.
    થેન્ક યુ, સર!

    ReplyDelete
  2. બહુ હ્રદયદ્રાવક વર્ણન અદભૂત કલમ.મા માટૈ જેટલું લખો એટલું ઓછું છે.

    ReplyDelete
  3. રજનીભાઈ,
    આ લેખ વાંચ્યા પછી લાગે છે કે દરેક માં ના લાડકા દીકરાઓ તમારા જેવા
    છેલ્લી ઘડી સુધી સાથ આપી શકવા જેવા નસીબદાર હોતા નથી...
    તમારા દુબઈના વાચકની માફક હું મારી બા ગુજરી ગયા ત્યારે વરજિનિઆ બીચ
    યુએસ ખાતે હતો... બાના દેહાવસાન નાં ખબર સાંભળીને દરિયા દેવ પાસે જઈને
    ના જાણે ક્યાય સુધી અંજલી/અર્ઘ્ય આપતો રહ્યો.... બા તો વ્હાલ નો દરિયો...

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલાMay 14, 2012 at 11:24 PM

    પ્રિય રજનીકાકા, તમારો આ લેખ વાંચીને આંખો ભીની થઇ ગઇ. કલમ શાહીમાં નહીં પણ આંસુઓમાં બોળીને લખી હોય તેમ શબ્દો સીધા જ દિલમાં સમાઇ ગયા. તમારી લાગણીની તીવ્રતા હજી યે એવી જ...ભીનપને સમય કે સીમા ક્યાં કદી નડે જ છે?

    ReplyDelete
  5. હૃદયસ્પર્શી લેખ !
    આંખો ભીની કરી ગયો.

    ReplyDelete
  6. SHREE RAJNIBHAI .....
    BA..NO LEKH VACYO AANKH SATAT RADTIRAHI ANE MANMA BA KHILTI RAHI MANE PAN MARI BA SATHE NA DIVASO YAD AVYA ...BANO SADLA NO CHHEDO BA NIKHIJ NU NATAK BAJR NO DABLO GHANU BADHU YAD AVYU MARI BA..KHUB JA YAD AVI ...KADCH AJE SAPNA MAPAN AVE .....
    GUNVANT DHORDA

    ReplyDelete
  7. Priy Rajanibhai,
    aapni rajuaatni shaili Ane samvedana banne aa lekhana mahori uthya hoy m laagyu. Lekh vanchati vakhate darekne potani MAA yad aavi aavi ne aavi j hashe.
    Jene Jene ma chhe E badhane khub j gami jay Aevo lekh chhe.

    gujarati vachakone aatlo sundar lekh aapva badal aabhar...

    ReplyDelete
  8. પૂર્વી મલકાણMay 22, 2012 at 11:39 AM

    લેખ બહુ ટચી રહ્યો. આ લેખની પ્રત્યેક ક્ષણો મને મારી મમ્મી સાથે જોડતી રહી અને સાથે સાથે ઘણી વાત મને મારા બાબા (પિતાજી) ની યાદ અપાવતી ગઈ. જ્યારે બાબાનો દેહાંત થયો ત્યારે હું અહીં હતી મને મારા બાબા પાસે જવાની રજા મળેલી ન હતી. દિવસો, અને મહિનાઑ સુધી હું બાબાને બોલાવતી રહી અને પ્રથમ વાર જ્યારે બાબા વગરના ઘરમાં ગઈ ત્યારે ઘરની દીવાલોમાં મને બાબાનો ગુંજતો અવાજ સંભળાતો રહેતો, આજે પણ એવી કેટલીક ક્ષણો છે જેને યાદ કરતાં આંખ, અને મન ભરાઈ આવે છે ત્યારે હૃદય એક તલાવડી બની છલકાઈ જાય છે.

    ReplyDelete
  9. ઈલા મહેતાMay 23, 2012 at 2:37 PM

    આખો લેખ વાંચ્યો. ખરેખર ખુબ લાગણીસભર છે.
    પણ આ બધું બાના ગયા પછી જ કેમ લખાય છે? મને લાગે છે મોટી ઉંમરના બધા બાઓની એક જ ઈચ્છા હોય કે તેના બાળકો તેની સાથે થોડી વાતો શેર કરે. એ પછી સાથે રહીને, કે પત્રથી કે ફોનથી. મોટા ભાગનાં લખાણો બાનાં ગયા પછીનાં વાંચવા મળે છે. એટલે લાગે છે કે બાની હાજરીમાં એમની અને આપણી ઈચ્છા પૂરી થઇ જાય તો પછી બાના ગયા પછી આવા લેખો વાચ્યા પછી વસવસો ન રહે અને દુખ પણ ન થાય.

    ReplyDelete