Saturday, May 5, 2012

અમસ્તું અમસ્તું
     બહુ જ જૂનો ભાઇબંધ એટલે એને ટાળવો અશક્ય ! મારા આ ભારે કામના કલાકો દરમ્યાન મને ડિસ્ટર્બ ન કરાય એટલું પણ એ ના સમજે. શું કરવું? એટલે નાછૂટકે બહુ જ થાકેલા ચહેરે, સખ્ખત કામ વચ્ચે કાગળિયામાંથી માથું ઊંચું કરીને મે લાભુ સામે જોયું, શું  છે, યાર!
      આમ તો જો,’ એ બોલ્યો: એક જણની તને ઓળખાણ કરાવું.
      આટલું એણે કહ્યું પછી જ મારું ધ્યાન એની બાજુમાં ઉભેલા અજાણ્યા માણસ તરફ ગયું. યંત્રવત હાથ મેં લંબાવ્યા, શેકહેન્ડ કર્યા ને ફરી થાકેલી નજરે એ અજાણ્યા તરફ જોયું.
મેં યંત્રવત હાથ લંબાવ્યા.. 
       લાભુ બોલ્યો: મીટ માય ફ્રેન્ડ દલપત દુણેજા... માય કલીગ...
      દલપત દુણેજા શબ્દની નોંધ મનમાં લીધી. એની પહોંચ નજરમાં ચમકાવીને મેં ઉપરછલ્લું સ્મિત આપ્યું: પ્લીઝ્ડ ટુ મીટ યુ-બેસો બેસો.
        લાભુ આનંદથી છલોછલ ભર્યો દેખાયો. આટલો બધો હંમેશા નથી હોતો. દલપત દુણેજાને મારી પાસે શા માટે લઈ આવ્યો ?  એ દુણેજા કોણ ? મારું એને શું કામ ?
        કંઈ કામ નથી.લાભુ ફરીથી મરકતાં મરકતાં બોલ્યો: ટી.વી. ઉપર તને જોયો ત્યારથી તારા એક્ટિંગના એ  ફેન. મેં કહેલું કે હું મનીષ મુનીમને મળવા જાઉં છું.મારો તો એ જીગરી મિત્ર. તો કહે કે એમ ? હોય નહીં. મારે તો એને ઘણા વખતથી જોવાની ઈચ્છા છે. મને સાથે લઈ જાઓને...
        મેં કાગળિયા ભરેલી ફાઈલ બાજુમાં ખસેડી. થોડોક સાચોસાચો કંટાળો મારા મોં પર દુણેજાએ જોયો હશે. એણે અમસ્તા અમસ્તા ફરી મારા તરફ બે હાથ જોડ્યા. આવા લોકોની મને બહુ બીક લાગે છે. એ લોકો બહુ લપીયા હોય છે. અમસ્તા અમસ્તા હાથ જોડ્યા કરી, અમસ્તા અમસ્તા મળવા આવે અને અમસ્તા અમસ્તા આપણો સમય બગાડે, કાંઇ કામ તો આપણું હોય જ નહિ, બસ,અમસ્તા અમસ્તા જ ... છતાં લાભુના માન ખાતર મેં બહુ નમ્રતા પાથરીને ધીરેથી કહ્યું : અમે તો યાર બહુ નાના માણસો કહેવાઈએ. જુઓ ને, એલ.આઈ.સી.માં ઢસડબોળો કરીએ ને નાટકનો રોગ નાનપણથી લાગુ પડયો, તે કયારેક ચટરપટર રોલ કરી લઈએ. બીજું શું ?
' આપ હીરો બનો ત્યારે એપિસોડમાં જાન આવી જાય છે.' 
        ચટરપટર હોય, સાહેબ !  દુણેજા બોલ્યા: આપ તો હીરો બનો છો ત્યારે એપિસોડમાં જાન આવી જાય છે. રંગ રહી જાય છે. મને તો આપને મળવાની ઘણા વખતથી ઈચ્છા હતી. પણ મને શું ખબર કે આપ અમારી આટલા નજીક હશો ! આ તો કુદરતી આજે આ લાભુભાઈ સાહેબ સાથે વાત આશરે નીકળી ત્યારે ખબર પડી...
        મને લાગ્યું કે આજે હવે કામ થઈ રહ્યું. લાભુની એક જે આદત મને ગમતી નથી તે આ. નવીનવી, બિનજરૂરી, સાવરણીની સળી જેવી ઓળખાણ શા માટે કર્યા કરાવતો હશે ? એક વાર એક કાપડના વેપારીને લઈને આવેલો. એકવાર સંચા રિપેરરને સાથે લઈ આવેલો. એક વાર એની ગલીમાં પસ્તી લેવા આવતા મુફલીસને લઈ ને આવેલો. કહે કે છાપામાં તારા ફોટા જોઈને તને મળવાની આને બહુ ઈચ્છા હતી. મેં કહ્યું કે આપણા દોસ્ત છે. ચાલ લઈ જાઉં. લઈ આવ્યો. બે મિનિટ વાત કર એની સાથે.
        બે મિનિટ નહીં, બે કલાક લીધી પસ્તીવાળાએ. લાભુ તો ઓળખાણ માત્ર કરાવીને ચાલ્યો ગયેલો. પસ્તીવાળાએ પ્રાગજી ડોસાથી માંડીને પરેશ રાવળ સુધીના નાટયકારોની વંશાવળી મારી પાસે ખુલ્લી કરી. મારા બગાસાંની પણ પરવા ન કરી. વચ્ચે આવતા મારા ફોનની પણ.
        એ દિવસે સાંજે મેં મલાડ લાભુને ફોન કર્યોં : તારી ઓળખાણે આજે મારો અર્ધો દિવસ બગાડ્યો.
        કેમ ? એણે પૂછયું : શું થયું ?
         પસ્તીવાળા પ્રેમીને મુકીને તું ચાલ્યો ગયો. તારા માન ખાતર મારાથી એને ઊઠવાનું પણ ના કહેવાય.... અર્ધો દિવસ ખાઈ ગયો.
        નવી ઓળખાણ થઈ ને! એ બોલ્યો.
પણ એવી ઓળખાણ મારે કામની શી? મેં અકળાઇને કહ્યું .સાવરણીની સળીની જેમ મુઠ્ઠીમાં રોજરોજ એક નવી સળી ભરાવ્યા કરીએ એટલે આપણો તમામ સમય વાળી ઝુડીને સાફ કરી નાખે. એવી ઓળખાણના ઢગલાને હું સમયની સાવરણી કહું છું.
મનીષ અને હું લંગોટીયા  ભાઈબંધ 
          આ બધા સંવાદ આ દુણેજા સાથેની ઓળખાણમાં યાદ આવી ગયા. મેં લાભુ સામે એ યાદ કરીને થોડું કડવાશથી જોયું તો એ લાભુ સાથે વાતે વળગ્યો હતો: લાભુ કહેતો હતો મનીષ અને હું લંગોટિયા ભાઈબંધ. એકડીયા બગડીયાથી છેક કોલેજ સુધી સાથે. હવે આજે એની ઓફિસ અહીં ચર્ચગેટ પર, ને હું મલાડમાં છતાં આઠ-દસ દિવસે એક વાર ન મળું તો ચેન ના પડે....
         હું તો ચર્ચગેટ પર જ છું. દુણેજા બોલ્યો: આપને મળવાનો લાભ મને કાયમ મળ્યા કરશે.
         મારા પેટમાં શેરડો પડી ગયો. આ રીતે જો હું દરરોજ કલાક-બે કલાક બગાડું તો મારું ટેબલવર્ક કયારે પૂરું કરું ? ને પછી સાંજના મારા રિહર્સલનું શું થાય ?
         ચા મંગાવું? મેં ઉપરછલ્લું પૂછયું : પીશો ?
         દુણેજાએ ના પાડી. મને રાહત થઈ. ત્યાં લાભુ બોલ્યો : અરે, એ તો ના પાડે અમસ્તો અમસ્તો. તું તારે મંગાવ, યાર ! પીએં થોડી થોડી. મસાલાવાળી મંગાવજે.
         મેં અપ્રગટ નિશ્વાસ નાખ્યો. બેલ મારી પ્યુનને બોલાવ્યો. ચા આવતા જો અર્ધો કલાક થશે તો અર્ધો કલાકની આહુતિ. પછીય જો લાભુ નહીં છોડે તો આવજો, આવશું માં બીજો પા કલાક. ત્યાં રિસેસ શરૂ થશે. ઓપરેટર લંચમાં ચાલી જશે. પછી વળી જો કંઈ નવું પદક જાગશે તો કેલેન્ડરનું એક પાનું કોરું જ ખરી જશે...
         પણ નસીબ મારા બળવાન. ચા જલ્દી આવી ગઈ. દુણેજા પણ એકંદર સમજદાર પાત્ર લાગ્યું. છુટકારો પા કલાકમાં જ થયો. લાભુ અને એ ઉઠયા અને હું ફરી ફાઈલમાં ચોંટયો.
          ત્યાં ફોનની ઘંટડી વાગી. બહાર જઈને લાભુએ મને ફોન જોડયો હતો.
          કાં?’ એણે મસ્તીખોર અવાજે પૂછ્યું: કેવી રહી નવી ઓળખાણ ?
' કાં? કેવી રહી નવી ઓળખાણ?' 

          હં... હં... મેં હસીને કહ્યું: તારી આ ઓળખાણો કરાવવાની થિયરી સમજાતી નથી
          કેમ ? એણે પૂછ્યું:  દુણેજા દુષ્ટ માણસ લાગ્યો ?
          સારા હશે, અરે, સારા જ છે બસ ? હું બોલ્યો : પણ બધા સારા માણસોની ઓળખાણ મારે કરવી જરૂરી છે ? મારે એમનું શું કામ ! એવી ઓળખાણ આપણને કામનીય શી ? નિરર્થક.. અમસ્તી અમસ્તી.
          કાંઈ કશું અમસ્તું નથી હોતું આ જગતમાં, યાર,.. એ બોલ્યો : બધું હેતુસરનું જ હોય છે. તું નકામો ચિડાય છે.
         બીજુ કાંઈ? મેં જરા ઉતાવળભર્યા અવાજે પૂછ્યું: નવો ઉપદેશ ?
         ના એણે કહ્યું આજ બસ ઈતના હી... તું હવે મલાડ કયારે આવે છે ?
જરૂર આવું મે કહ્યું: આ રવિવારે જ આવું, પણ એક શરત તું જો અમસ્તી અમસ્તી પણ નવી ઓળખાણ ના કરાવવાનો હોય તો...
         જોઈશું એ ખડખડાટ હસ્યો ને ફોન મૂકી દીધો
                                                   *   *   *
 વળતે દિવસે જ રવિવાર હતો. પણ એટલો વરસાદ પડ્યો કે  એને ઘેર જઈ ન શકાયું. સોમવારે ઑફિસે આવ્યા સુધી તો એનો રંજ મનમાં રહ્યા કર્યો. ખેર, હવે આવતા રવિવારે વાત. પણ ત્યાં લગીમાં ફરી એકવાર લાભુ ટપકી પડશે. કોઇને લઇને આવશે અને અમસ્તો અમસ્તો મારા ટાઇમનો કચ્ચરઘાણ કાઢશે. ઠીક છે.  ટેબલ ખોલીને હજુ ફાઈલમાં ચિત્ત પરોવું છું, ત્યાં જ ચેમ્બરનું બારણું ખૂલ્યું. કોઇ અંદર આવ્યું. ચહેરો એક ક્ષણ અપરિચિત લાગ્યો. પણ બીજી જ પળે સ્મૃતિ મદદે આવી. દલપત દુણેજા હતા. હજુ પરમ દિવસે જ જેમની નિરર્થક ઓળખાણ લાભુએ કરાવી હતી.
      યસ... મે કહ્યું : કમ ઈન...
      મનીષભાઈ... એનો  ચહેરો એકદમ રડયા જેવો બની ગયો હતો. હાથના પંજા પણ કંપતા હોય એમ લાગ્યું. એ બોલ્યો : એક અશુભ સમાચાર છે.
       શું ? મેં એકદમ ચમકીને પૂછયું : શું છે ?’
       આજે હું ને લાભુભાઈ ચર્ચગેટ સ્ટેશને ઊતરીને રોડ ક્રોસ કરતા હતા ત્યાં જ એક બસ નીચે એ આવી ગયા. ઓન ધી સ્પોટ ખલાસ થઈ ગયા. આજે અચાનક જ અમે ગાડીમાં સાથે થઈ ગયા હતા.
એના ચહેરા ઉપર ભારે ઉચાટની રેખાઓ ઉપસી આવી . હવે...?
' ..તો  શું થાત?' 

        હું ખુરશીમાંથી ઉભો થઈ ગયો, શું હવે ?
         મને એમના ઘરના સરનામાની ખબર નથી, અમારી ઓફિસમાં તો એ વિઝીટિંગ એજન્ટ જ છે, ત્યાંય કોઈ જાણતું નથી. આવડા મોટા મુંબઈમાં તો કોણ કોને ઓળખે ? અરે. એમના પર્સમાં બધું હશે, પણ અકસ્માતની અફડાતફડીમાં એ પણ કોઇ ઉઠાવી ગયું. મને અચાનક આપ યાદ આવી ગયા. લકીલી આપની ઓળખાણ એમણે મને પરમ દિવસે જ તો કરાવેલી.... આપ તો એમનું સરનામું જાણતા જ હશો ને !
         સ્યોર. મેં કહ્યું: સરનામું જાણું છું... ચાલો... મે જલ્દી જલ્દી બધું લૉક કરી દીધું. અમે બહાર નીકળ્યા. ઝાઝી વાત કરવાના હોશ નહોતા. પણ એટલું તો મારાથી બોલી જ જવાયું. મને પરમ દિવસે લાભુએ તમારી ઓળખાણ ન કરાવી હોત તો શું થાત ? ઓ ગોડ...
        એકાએક મારા મનમાં લાભુનો હસતો ચહેરો તરવરી ઉઠયો. જાણે કે બોલ્યો, કેમ દોસ્ત, આપણા કોઈ કામ અમસ્તા જ નથી હોતા ને ! ને દુનિયામાંય કંઇ હોય છે સાવ અમસ્તું ?


(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.) 

1 comment:

  1. ભરતકુમાર ઝાલાMay 8, 2012 at 7:42 PM

    વાર્તાકાર તરીકે તમે અદભુત છો. સાવ નાનકડા કથાબીજમાંથી તમે જે રીતે વાર્તા નિપજાવો છો, તે આફ્રિન કરી દેતો અનુભવ હોય છે.

    ReplyDelete