Sunday, April 29, 2012

સ્મૃતિઓ સળવળી ઉઠી (ભાગ ૨)


        હકીકતમાં કોઈ પણ સ્મરણ ક્યારેય પણ સંપૂર્ણપણે ભૂતકાળની કબરમાં દટાઈ જતું નથી. એના નાના મોટા તંતુઓ બહાર લટકતા જ રહે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જીવનની શરૂઆતથી પોતાનાં આજ સુધીનાં સ્મરણોનો બંધ પટારો પોતાની સાથે જ લઈને માણસ ફર્યા કરે છે. એના એ પટારામાંથી જે તંતુઓ બહાર લટકતાં રહે છે. એમાંથી ક્યારેય કોઈક તંતુને કોઈકનો કે ખુદ પોતાનો સ્પર્શ થાય છે અને એ ખેંચાય છે ત્યારે એ ખેંચતાની સાથે જ તંતુ સાથે ગંઠાયેલી સ્મૃતિ-દૃશ્ય-કે લાગણી સાદ્યંત બહાર આવીને એના ઉપર છવાઈ જાય છે. આમ, માણસના બંધારણનું આપણે પૃથક્કરણ કરીએ તો ભારે રસપ્રદ તારણો મળી આવશે. માણસ મૂળભૂત રીતે શરીર અનુવંશશાસ્ત્રના સિદ્ધાંતો-જીનેટિક્સના નિયમો મુજબ માતા-પિતામાંથી એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિ લઈને જન્મે છે. આપણો હિંદુ ધર્મ એને પૂર્વ જન્મના સંસ્કારોનું નામ પણ આપી શકે. એ જે હોય તે, પરંતુ દરેક વ્યક્તિને જન્મતાંની સાથે જ એક વિશિષ્ટ સંવેદનતંત્ર કે પ્રકૃતિ મળે છે અને એ પ્રકૃતિ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. એમ કહી શકાય કે જેમ માણસના ચહેરા સરખા નથી હોતા તેમજ કોઈ વ્યક્તિની પ્રકૃતિ સર્વથા સરખી નથી હોતી – પ્રકૃતિ કે સંવેદનતંત્રને આપણે રેડિયોના વાયરલેસ સેટની ઉપમા આપી શકીએ. એ બહારના અવાજના મોજાં ઝીલે છે. જ્યારે પ્રકૃતિની ભૂમિ ઉપર એ આંખો દ્વારા જ જુએ છે. કાન દ્વારા જે સાંભળે છે. ચામડી દ્વારા જેનો સ્પર્શ કરે છે. નાક દ્વારા જેની ગંધ અનુભવે છે અને જીભ દ્વારા જેને સ્વાદ છે એ તમામની છાપ અંકિત થઈ જાય છે. આમ છાપ તો અંકિત થાય છે મગજના સ્મૃતિકોષોમાં જ, પરંતુ એ જે તે માણસની પોતાની પ્રકૃતિથી પૂત થઈને એટલે કે અનોખી રીતે ખરડાઈને પછી જ મગજ સુધી પહોંચે છે. એટલે કોઈ પણ સ્મૃતિ સારી કે ખરાબ એ મગજ નક્કી નથી કરતું. પણ પ્રકૃતિ જ એનું એવું સાપેક્ષ વર્ગીકરણ કરે છે અને પછી એ રીતે જ એ મગજમાં છપાઈને સંઘરાઈ રહે છે અને માણસની પોતાની પ્રકૃતિ કોઈ પણ બનાવ કે અનુભવનું કેવું વર્ગીકરણ કરે છે. એનો આધાર એ ઘટનાથી એને મળતા આનંદ કે પીડા સાથે છે.
        થોડા વરસ પહેલાં આપણે ત્યાં ભયંકર વાવાઝોડું અને વરસાદી તોફાન આવી ગયાં. વાવાઝોડું એક ચોક્કસ સમયે જ આવ્યું હતું અને એની ચેતવણી પણ અગાઉથી મળી ચૂકી હતી. આમ છતાં એવું બન્યું કે એક માણસનું આખું ઘર એમાં જમીનદોસ્ત થઈ ગયું. એનું એક બાળક એણે એમાં ખોયું અને એ લગભગ પાયમાલ થઈ ગયો. બીજો એક માણસ ધંધાર્થે બહારગામ ગયેલો અને ત્યાં એને એ વાવાઝોડાને કારણે પોતાની હોટેલની રૂમમાં જ પુરાઈ રહેવું પડ્યું અને સતત એ રંજ સાથે કે આજે કશો ધંધો થઈ શક્યો નહીં. એવી જ રીતે ત્રીજો એક માણસ એ દિવસે એક હીલસ્ટેશનમાં એક રૂમમાં પોતાની પ્રિયતમા સાથે રહેતો હતો અને એ વાવાઝોડાના વરસાદી તોફાને એમના રોમાન્સમાં ભારે ઉષ્મા અને રંગિની રેડ્યાં હતાં. સમય અને સંજોગ પ્રમાણે આ ત્રણે માણસોના અનુભવો અલગ અલગ હતાં અને વાવાઝોડાના શમન સાથે એ ત્રણે થોડા દિવસમાં તો પોતપોતાના દૈનિક કામકાજોમાં પરોવાઈ ગયા હતા.
        પરંતુ ધારી લો કે વર્ષો વીતી ગયાં પછી કોઈ એક દિવસે ફરીવાર એવું વાવાઝોડું ફૂંકાય ત્યારે એના સંઘનના બળે પહેલા માણસના મનમાં તો એ દિવસની એની ખાનાખરાબી જ તાદૃશ્ય થઈ જાય અને એ ઉદ્વિગ્ન બની જાય. બીજા માણસના મનમાં ધંધો ખોવાનો પેલો રંજ એકાદ પળ માટે સ્મૃતિરૂપે સળવળીને શાંત થઈ જાય અને ત્રીજા માણસને પ્રિયતમા સાથે હિલસ્ટેશનના એ એકાંતિક ઓરડામાં પુરાઈને માણેલો આનંદ યાદ આવી જાય અને બનવા જોગ છે કે ઘટા ઝૂકી ઔર હવા ચલી તો હમને કિસી કો યાદ કિયા ની માફક એ પણ એની વિછોડાયેલી પ્રેમિકાને યાદ કરી કરીને ઉદાસ બની જાય. આમ એક વાવાઝોડાના નિમિત્તે એ ત્રણેયના મનમાં પ્રેરાયેલી ઉદાસી અલગ અલગ સ્મૃતિઓએ તરતી મૂકેલી એક એવી લાગણી હશે, જેને માત્ર એ પોતે જ અંદરથી સમજી શકે અને અનુભવી શકે.
            વાવાઝોડું તો ઠીક કે એક સ્થૂળ અને બાહ્ય ઘટના છે અને એનાથી થયેલા અનુભવના સંદર્ભમાં એ હજારો માણસોમાં અલગ અલગ રીતે સારી યા માઠી ભૂતકાળની મીઠી સ્મૃતિઓ માણસને યાદ અપાવવાનું નિમિત્ત બને છે. મારા એક મિત્રને જ્યારે પણ ખાંસી થઈ આવે છે ત્યારે એમને તદ્દન નાનપણમાં એમની માતા કોઈ ચૂર્ણ મધમાં મેળવીને આંગળી વડે ચટાડતી એ દિવસો યાદ આવી જાય છે. આજે એમનાં માતા હયાત નથી, પરંતુ જ્યારે જ્યારે પોતાને ખાંસી થાય છે ત્યારે એમને અચૂક એમની માતાનો એ સ્નેહ એમને ભાવાર્દ્ર કરી મૂકે છે. એવા જ મારા એક બીજા મિત્રે એમનાં પત્નીથી છૂટાછેડા લીધાં છે. પરંતુ એમના પત્ની એમના માટે બનાવતાં એ મસાલાવાળી ચા એમને પત્નીની યાદ અપાવવા માટે પૂરતી છે. મારા બીજા એક મિત્ર શ્રી પ્ર.રા.નથવાણી પૂરા બૌદ્ધિક છે. લાગણીસભર એમનું સંવેદનતંત્ર હોવા છતાં ક્યારેય પણ લાગણીવેડામાં મેં એમને સરી પડતા જોયા નથી. પરંતુ તલત મહેમુદનું ગાયેલું દેવદાસ ફિલ્મનું મિતવા નહીં આયે.. જ્યારે જ્યારે મારી કેસેટ પર સાંભળે છે, ત્યારે અચૂક અચૂક એમની આંખોમાં આંસુના ટીપાં બાઝી જાય છે.

મધુવનમેં ન શામ બુલાઓ(હેમંતકુમારનું બીનફિલ્મી ગીત) સાંભળતા મોહમ્મદ માંકડ જેવા શરીર-મનથી સ્વસ્થ લેખકને મેં વિહવળ બની જતા જોયા છે. એમની એવી ક્ષણોમાં કારણ પૂછીને એમને વર્તમાનમાં પાછા ખેંચી લાવવાની ધૃષ્ટતા મેં ક્યારેય કરી નથી કારણ કે મને ખબર છે કે એ ગીતના, એ સંગીતના, એ લયના તંતુએ તંતુએ એ એમના સ્મૃતિવનમાં દૂર દૂર નીકળી ગયા છે. હશે, કોઈ એમની બિલકુલ અંગત, માત્ર એમના જ સંવેદનને ગમ્ય એવી કોઈ ઘટનાઓ, અને કદાચ એવું ન હોય તો, એમ પણ હોય કે કોઈ સ્થૂળ ઘટનાઓ ન હોય, પરંતુ માત્ર એક વિશિષ્ટ ચોક્કસ પ્રકારની એમની અંગતતમ અનૂભૂતિનું સંધાન-એસોસીએશન એ ગીતના શબ્દો, કે એ ગીતના સંગીત સાથે હોય, અથવા એ ગીતના કાળ સાથે હોય. ગીતના કાળ સાથે સંઘાન હોવું એ નવી વાત નથી. ઘણા માણસ પોતાના જીવનના વ્યતીત થઈ ગયેલા સમયનું વર્ગીકરણ માત્ર જે તે સમયમાં પ્રચલિત એવા ગીતો પરથી કરે છે. શ્રી રશ્મિભાઈ દવે આવી એક વ્યક્તિ છે. પોતાની સ્કુલના, કૉલેજના અને નોકરીના કામના અલગ અલગ શહેરોને યાદ કરવા હોય અથવા આપણી પાસે ઓળખાવવા હોય ત્યારે તેઓ જે તે કાળના પ્રચલિત ગીતોનો હવાલો આપે છે. એટલે એમ કહી શકાય કે એમની સ્મૃતિઓનું મોટાભાગનું એસોસીએશન ગીતો સાથે છે. હું રાજકોટ ધર્મેન્દ્ર કૉલેજમાં હતો ત્યારે એ યાદ કરતાં કહે છે : “ત્યારે મેસમાં જમવા જાઉં ત્યારે આવારાં ના ગીતો અચૂક વાગતા હોય – આજે પણ આવારા  ગીતો સાંભળું છું, ત્યારે એ સમય યાદ આવી જાય છે.
        ગીત સાથે, સંગીત સાથે, શબ્દ, ગંધ અને સ્વાદ સાથે, સ્પર્શ અને શારીરિક કે માનસિક પીડા સાથે, શારીરિક કે માનસિક, પ્રણય કે પ્રણયભંગ જેવી ઘટનાઓ જ્યારે જોડાઈ જાય છે ત્યારે ગમે તે પ્રસંગે સ્મૃતિઓને સળવળી ઉઠતાં વાર નથી લાગતી. અને સ્મૃતિઓમાં માણસ તત્ક્ષણ એવાં આલંબનોને આધારે ખોવાઈ જાય છે.
        પણ પ્રશ્ન એ છે કે માણસને સ્મૃતિઓમાં ખોવાઈ જવું શા માટે ગમે છે ? સ્મૃતિઓમાં ખોવાઈ જવું એ આપણી એક રોજિંદી ઘટના છે અને કોઈ એમાંથી મુક્ત નથી. માણસના મગજને સ્મૃતિ કોષોની ભેટ આપીને કુદરતે એને બીજા પ્રાણીઓથી એટલો બધો તો અલગ પાડી દીધો છે કે એમ કહી શકાય કોઈ એક પુખ્ત વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ આપણે તપાસીએ તો જોવા મળશે કે એમાંથી અર્ધું એની જન્મજાત પ્રકૃતિગત હશે અને બાકીનું અર્ધું એની આજ સુધીની સ્મૃતિએ આપેલા સંસ્કારોનું બનેલું હશે. માણસના મનમાં જન્મતી ગ્રંથિઓ એ શું છે ? બીજું કંઈ જ નહીં, એની જન્મજાત પ્રકૃતિ અને એણે સંચિત કરેલી સ્મૃતિઓનું જ એ સંતાન છે. થતા અનુભવોને પ્રકૃતિ પોતાનો રંગ આપે છે અને પછી વારંવાર ઘૂંટી ઘૂંટીને એને ઘટ્ટ કરે છે. અને એ જ આગળ જતાં ગ્રંથિઓનું રૂપ પકડે છે.
        પણ આ વાતમાં એ પ્રશ્નનો જવાબ નથી કે માણસને-સ્મૃતિઓમાં રાચવું શા માટે ગમે છે ? મારા એક લેખમાં મેં લખ્યું હતું કે માણસની સ્થિતિ ઘડિયાળના લોલક જેવી છે. વર્તમાનરૂપી મધ્યબિંદુ ઉપર એ ભાગ્યે જ એકાદ ક્ષણ માટે ટકે છે. બાકી તો એ ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યકાળના સ્વપ્નાઓના બનેલા બે છેડા વચ્ચે જ આગળપાછળ સતત ગતિમાં રહે છે. આમ,  માણસ ત્રિકાળમાં જીવે છે. પણ એ એમ શા માટે કરે છે ? ત્રિકાળમાં શા માટે જીવે છે ? કારણ કે મનુષ્યની એક એવી આદિમ વૃત્તિ રહી છે કે જે હાથમાં છે એ એને ક્યારેય ગમતું નથી. જે નથી એમાં એને વિશેષ રસ છે. જે હતું એમાં રસ છે. જે હોઈ શકે, હોવું જોઈએ, એનું પણ એને એટલું જ આકર્ષણ છે. વર્તમાનકાળ એ હાથમાં ઝડપાઈ ગયેલી માછલી છે. એમાં જે રસ હતો તે સમાપ્ત થઈ ગયો છે. કારણ કે એને પકડ્યા પહેલાંની જે એને પામવા માટેની મથામણ હતી એમાં જીવન હતું, જીવંતતા હતી. પણ હાથમાં પકડાઈ ગયા પછી એમાંનો રસ પૂરો થઈ ગયો છે. કારણ કે મથામણ પણ પૂરી થઈ ગઈ છે. એટલે એ વર્તમાન હવે મૃતવત્ છે. એટલે હવે આકર્ષણનાં માત્ર બે જ કેન્દ્રો રહ્યાં- ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે પછી પકડવાની જે માછલી છે એ ભવિષ્યકાળ છે. એમાં રસ છે, કારણકે એને પામવા માટેની મથામણ હજી બાકી છે. અને એમાં પહોંચવા માટેની એક થ્રીલ છે. 
રોમાંચ છે. નિષ્કારણ તો નિષ્કારણ, પણ ગતિ એ જીવનની પરિચાયક છે. ભવિષ્યકાળ જીવનને ગતિ આપે છે. એટલા માટે વારંવાર સ્વપ્નાઓ દ્વારા એના તરફ દોડી જવું માણસને ગમે છે. એવું જ ભૂતકાળનું છે. ભલે એ ડેડ પાસ્ટ મૃતકાળ છે, પણ એ વ્યતીતના પ્રદેશમાં પહોંચવા માટે પણ માણસને પાછળ ગતિ કરવી પડે છે. અગાઉ એક વાર પકડી હતી એ માછલીમાં માણસને એટલા માટે રસ છે કે એ ઘટના અને એની વચ્ચે કાળનું અંતર પડી ગયું છે. એટલે ત્યાં પહોંચવા માટે એને યાદ કરવા માટે પણ માણસને પાછળ ગતિ કરવી પડે છે. અને ગતિમાં જ જીવન હોવાની અનુભૂતિ છે. આમ માણસ આગળ કે પાછળ કોઈ પણ ગતિમાં જીવન અનુભવે છે. વર્તમાનકાળ એને અત્યારની ક્ષણ ઉપર સ્થિર કરી દે છે, એ એને ગમતું નથી. અકળાવનારું નીવડે છે. એટલે એ આલંબનના નાના સરખા તંતુ વડે પણ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં સરી પડે છે.
        પણ સ્મૃતિઓ તો મધુર પણ હોય અને કડવી પણ હોય, પ્રિયકર પણ હોય અને અપ્રિયકર પણ હોય. આમ છતાં માણસને એમાં કયો રસ પ્રાપ્ત થાય છે ?
        આનો જવાબ તો તમે જ્યારે કોઈ સ્મૃતિયાત્રા કરો ત્યારે જ મેળવી શકો. ઉદાહરણ તરીકે એક નાનકડી વાત લઈ શકાય. ધારો કે 1965 ની સાલમાં તમે ઘણી તકલીફમાં હતા. સંઘર્ષમાં હતા. ભાંગી પડેલા અને અપમાનિત હતા. આજે 2012 ની સાલ છે. આજે તમે ઘણી સારી સ્થિતિમાં છો. પણ આપણે ઉપર લખ્યા તેવા આલંબનના કોઈ તંતુ વડે તમે તમારા 1965 ના સમયના કાળમાં સરી પડ્યા, તો પણ એ વખતનાં દુઃખ, અવહેલના અને સંઘર્ષની સ્મૃતિ તમારામાં આનંદ જ જન્માવવાની, કારણ કે તમે તમારા ભૂતકાળના એ દુઃખોને યાદ તો કરો છો, પણ તમારા અત્યારના સારા સંજોગોના સંદર્ભમાં યાદ કરો છો. અને એથી એ તુલના તમને તમારા ચિત્ત માટે પ્રસન્નકર નીવડે છે. મોટાભાગના સફળ કલાકારો, વેપારીઓ કે નેતાઓ પોતાના ભૂતકાળના સંઘર્ષોને વધારે મલાવી મલાવીને એટલા માટે કહે છે કે એથી તેમના વર્તમાનકાળના સુખને વધારે ધારદાર રીતે અનુભવી શકાય. 1965 ની સાલ કરતાં તમે આજે 2012 ની સાલમાં વધારે દુઃખી અને પિડિત હો તો એ સમયની સ્મૃતિઓ તમને વિશેષ આનંદ નહીં આપી શકે અને તમને એની યાદ બહુ નહીં સતાવે.
       સ્મૃતિઓ માણસમાં ત્યારે જ ઊછળી આવે કે જ્યારે એ એની અત્યારની સ્થિતિ કરતા કંઈક વિરોધાભાસમાં હોય. અત્યારની સુખી વ્યક્તિ માટે ભૂતકાળના દુઃખની સ્મૃતિ માત્ર એટલા માટે જ પ્રિયકર નીવડી શકે કે એ ખ્યાલથી એને આનંદ આવે કે અત્યારે પોતે એવી પરિસ્થિતિની બહાર છે. અત્યારની દુઃખી વ્યક્તિને ભૂતકાળના સુખની યાદ માત્ર એટલા માટે જ આનંદ આપી શકે કે એના દ્વારા પોતાના અત્યારના ત્રસ્ત વર્તમાનથી છટકીને એ સુખદ ભૂતકાળમાં ઘડીભર જાતને સંતાડી શકે. અને એ રીતે થોડીવાર માટે પણ પોતાની પીડામાંથી છુટકારો પામી શકે. આગળ જીવવાનું બળ મેળવવા માટે એના ભૂતકાળના આનંદની સ્મૃતિઓ એને ઘણી કામમાં આવી શકે.
        પણ પ્રશ્ન એ છે કે માણસને સ્મૃતિઓમાં ખોવાઈ જવું શા માટે ગમે છે ? સ્મૃતિઓમાં ખોવાઈ જવું એ આપણી એક રોજિંદી ઘટના છે અને એમાંથી કોઈ મુક્ત નથી.
        સ્મૃતિઓ ઘણીવાર એક બનાવરૂપે નહીં, પણ માત્ર એક સંવેદનરૂપે પણ યાદ રહી જાય છે. બનાવાજોગ છે કે તમારા પ્રિયજન સાથે વર્ષો અગાઉ તમે કોઈ મતભેદને કારણે છૂટા પડ્યા હો. આજે સાઠ વર્ષ પછી જીવનની સંધ્યાએ તમને એ મતભેદના સ્થૂળ કારણો હકીકતો યાદ ન આવે. યાદ સાથે કેવળ એ વખતની જન્મેલી કડવાશનું તીવ્ર સંવેદન આ જ ચોમાસાની ગોરંભાયેલી ભીની સાંજે એક માત્ર મોરનો ટહુકાર તમને સાઠ વર્ષ પાછા લઈ જાય. તમે એ ટહુકારના આલંબને તમારા એ અત્યંત પ્રિયતમ પાત્રને યાદ કરીને ઉદાસ થઈ જાવ. તમે એનાથી છૂટા પડ્યા હતા?  હા, શા માટે ? કારણો યાદ નથી આવતાં. યાદ આવે છે માત્ર છૂટા પડ્યાની વેળાની થોડી કડવાશ. હકીકતો ગળાઈ ગઈ છે. કાળની ગળણીમાં યાદ છે કે માત્ર કડવાશની અનુભૂતિ. ફિરાક ગોરખપુરીની એક રૂબાઈ આના સંદર્ભમાં ટાંકવા જેવી લાગે છે.
કિસકી થી ઉસ વખત ખતા, યાદ નહીં,
હૂએ હમ કિસ તરહ જુદા, યાદ નહીં
હૈ યાદ વો ગુફતગુકી તલ્ખી લેકિન
વો ગુફતગુ થી ક્યા, યાદ નહીં.
        (એ વખતે કોના વાંકે અમે જુદા પડ્યા હતા એ યાદ નથી. અમે છૂટા પણ શા માટે પડ્યા એ યાદ નથી. અમે કઈ વાતને કારણે જુદા પડ્યા હતા એ વાત પણ યાદ નથી. યાદ છે એ વખતે અનુભવેલી થોડી તડપન, થોડી કડવાશ.)
અખબારમાં છપાયેલી એક એવી તસ્વીર મેં એક વાર જોઇ હતી કે જે કોઇ સામયિકના પાનામાં મસ્તક છૂપાવીને રડી રહી હતી. મને વિચાર આવ્યો કે પહેલા તો એ યુવતી એ છપાયેલા ચિત્ર પર નજર સ્થિર કરીને સ્મૃતિલોકના દૂરના અડાબીડ વનમાં ઘેરાઇ ગઈ હશે, અને પછી કોઇ વિછોડાયેલા પ્રિયજનની સ્મૃતિથી વિંધાઈને હિબકે ચડી ગઇ હશે.
        કવિ રમેશ પારેખની પેલી પંક્તિઓ યાદ આવે છે;
        બની જાઉં છું લોહીલુહાણ હું
સ્મૃતિનેય કેવી અણી હોય છે !”


(સંપૂર્ણ) 
(નોંધ: તમામ  તસવીરો  પ્રતિકાત્મક  છે અને  નેટ  પરથી લીધેલી છે.) 

3 comments:

 1. સ્મૃતિઓનું આઅને સવેદનાનું આ ટલું સરસ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
  ક્યારેય વાંચ્યું નથી. દરેક પેરેગ્રાફ વાંચ્યા પછી એવું અનુભવાયું કે...
  હા..'લ્યા આવું તો મનેય થતું 'તું ... મઝા આવી ગઈ ,બોસ.

  ReplyDelete
 2. ભરતકુમાર ઝાલાMay 8, 2012 at 7:34 PM

  સ્મૃતિઓના વનમાં આપની આંગળી પકડીને ફરવાની મજા આવી.

  ReplyDelete