Sunday, September 11, 2011

ત્યારે અને અત્યારે: મેરા સંદેશા લે જાનાહજુ થોડા સમય પહેલા જ ‘મેઘદૂત’ નું સંપાદન પુરું કર્યું, પણ એ કરતો હતો ત્યારે સહેજે વિચાર આવતો રહ્યો કે કાલિદાસના જમાનામાં સેલ ફોનની શોધ થઇ ચુકી હોત તો ‘મેઘદૂત’ની રચના ના જ થઇ હોતને! કારણ કે એ અમર સાહિત્યકૃતિની રચનાનો પાયો જ સંદેશાનું વહન છે, જે એ દિવસોમાં સંદેશાવ્યવહારના કોઇ પણ સાધનના અભાવે મેઘ કહેતાં વાદળને સોંપવામાં આવ્યું હતું.

'મેઘદૂત'નો યક્ષ: વાદળ દ્વારા સંદેશ
કાલિદાસ જેવા અજરામર કવિની રચના અમર એના ઉત્તમોત્તમ કાવ્યતત્વને કારણે છે. નહિ કે સંદેશાવાહકને કારણે.પણ કોઇ સામાન્ય સાહિત્યકૃતિના કથા પ્રવાહમાં જો સંદેશાવ્યવહારના સાધનોની ભૂમિકા મહત્વની હોય તો એ કૃતિને અત્યારે ટીવી સિરિયલમાં ઢાળવાને માટે કોઇ હાથ પણ ના લગાડે, બીજા શબ્દોમાં કહું તો હવે એ વાસી થઇ ગઇ ગણાય. માત્ર દસેક વર્ષ અગાઉ મેં લખેલી નવલકથા ‘ફરેબ’માં ટેલિફોન અને ઈન્ટરકોમની એટલી અગત્યની ભૂમિકા છે કે અત્યારે સેલ ફોન અને ઈન્ટરનેટના જમાનામાં એને ટીવી સિરિયલમાં રૂપાંતરિત કરવા માટે એને નવેસરથી લખીને એમાંથી સાદા ફોન કે ઈન્ટરકોમને હટાવીને એમાં સેલ-ફોન,એસ,એમ,એસ, અને ઇ મેલને ગોઠવવા પડે અને એમ કરવા જતાં આખી નવલકથાને નવેસરથી લખવી પડે.
ખેર, પણ આ નિમિત્તે બીજો વિચાર એ આવ્યો કે સંદેશાવ્યવહારના ક્ષેત્રે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ચમત્કારોથી આપણે હવે ટેવાઈ ગયેલા છીએ. પણ ખરું આશ્ચર્ય ચમત્કારોનું નથી. એ તો ઝડપનું છે. ઝડપ એ આ યુગનું પ્રધાનલક્ષણ છે. વાહનવ્યવહારમાં પ્રગતિની જે ઝડપ છે તેના કરતાં અનેકગણી ઝડપ સંદેશા વ્યવહારની પ્રગતિની છે.

0 0 0
1994 ની સાલનો મે મહિનો - મારી નવલકથા ‘પુષ્પદાહ’ના લેખન મિષે હું અમેરિકાના શિકાગો શહેરમાં ઇશ્વર પટેલને ઘેર હતો. શહેરમાં કોઇ ગુજરાતી સાહિત્યિક હોય તો એને મળી લેવાની લાલચથી જરા ફૂરસદ મળ્યે પિંક પેઇજીસ નામની એક ટેલિફોન ડિરેક્ટરીની પાનાં ઉથલાવતો હતો, ત્યાં ડૉ. અશરફ ડબાવાલાના નામ પર નજર સ્થિર થઈ. ગુજરાતી ભાષાના એક નામવર કવિ. 1970 થી ’72 માં એ જામનગર મેડિકલ કૉલેજમાં ભણતા હતા ત્યારે દોસ્તી થઈ હતી. પછી ડૉકટર થઈને ડૉ. મધુમતીબહેન સાથે પ્રેમલગ્ન કરીને પરણીને એ બન્ને અમેરિકા સ્થાયી થયા હોવાનું જાણ્યું હતું. પત્તો જાણતો નહોતો, પણ પિંક પેઇજસે પત્તો આપ્યો. ફોન નંબર હતા. સંપર્ક કર્યો. એ એકદમ રોમાંચિત થઇ ગયા અને એ જ સાંજે એમણે શિકાગોના ડેવન એવન્યુ પર એક સારા રેસ્ટોરાંમાં ડિનર માટે નિમંત્રણ આપ્યું.
એ સાંજે અમે લાંબા અંતરાલ પછી મળ્યા, લગભગ બાવીસ વર્ષે. પતિપત્ની બન્ને આવ્યા હતાં. બહુ આનંદથી જૂનાં સંસ્મરણો તાજાં કરતાં હતાં. અતિશય વ્યસ્ત નામાંકિત ડૉકટર છતાં મારા માટે ખાસ સમય કાઢીને આવ્યા હતા. પણ મારા મનમાં જરા ચરેરાટ હતો કે કોઈ દર્દીને એમની તાકીદની જરૂર પડે તો અત્યારે એ દર્દીનું શું થાય ? ડૉ. અશરફ હૃદયરોગના નિષ્ણાત ગણાતા હતા. બીજા ડૉકટરની વૈકલ્પિક વ્યવસ્થા કરી જ હશે, પણ છતાંય જ્યાં તેમની પોતાની ‘એક્સપર્ટાઈઝ’ની જરૂર પડે ત્યાં, એ ના હોય તો દર્દીની શી હાલત થાય?
મેં જોયું કે ડૉ. અશરફ પણ વારેવારે ઊંચાનીચા થતા હતા, અસ્વસ્થ થઈ જતા હતા. પણ એવે વખતે વારંવાર નીચી નજર કરી લેતા હતા ને પછી કોણ જાણે કેમ પાછા સ્વસ્થ પણ થઈ જતા હતા. બેએક વાર ઊઠીને બહાર પણ જઈ આવ્યા પણ જઈ આવ્યા પછીય એમનું વારંવાર સળવળવાનું જારી રહ્યું હતું.
“કેમ ?” મે પૂછ્યું : “ડૉકટર ખુદ બેચેન ?”
“ના રે.” એમણે હસીને કહ્યું : “એવું કંઈ નથી. આઈ એમ ક્વાઈટ નોર્મલ.”
પણ એમના ખુલાસાથી મને સંતોષ થતો નહોતો. મેં હસીને કહ્યું, “તમને તમારા પેશન્ટ્સની સ્થિતિ વિષે ચિંતા થતી હશે કે ક્યારે આ મહેમાનને જમાડીને પાછો ક્લિનિક પર જાઉં, ને ક્યારે પેશન્ટની પોઝિશન જાણું !”
“એની તો મને અહીં બેઠાં-બેઠાંય ખબર પડે!”
“એમ ?” મેં જરી મશકરીના ભાવથી કહ્યું, “તમે અંતર્યામી ડૉકટર છો એ આજે જ ખબર પડી !”
જવાબમાં એમણે પોતાની કમરેથી પિસ્તોલ કાઢતા હોય એમ એક કાળી ડબ્બી કાઢી, બાકસની ડબ્બીથી જરાક જ મોટી. મને સમજાયું નહીં. મેં પૂછ્યું - ‘શું છે આ ?’
પેજર: હવે લુપ્ત પ્રજાતિ

“અંતર્યામીનું અંતર.”
એમનું એ જરા લાઉડ કહેવાય તેવું હાસ્ય આજ સત્તર વર્ષ પછી પણ મને એવું ને એવું યાદ છે. અમેરિકાની હવામાંથી હજુ ઠંડી સાવ ગઈ નહોતી એવી એ સાંજે મેં જિંદગીમાં પહેલી વાર પેજર જોયું. હું જોઈ જ રહ્યો. એમની હથેળીની વચ્ચે હતું ત્યાં જ ફરી એનામાં જીવ આવ્યો હોય એમ એ ધ્રૂજવા માંડ્યું ને એની ઉપરના પટ્ટી જેવા નાનકડા પર્દા ઉપર પ્રકાશનું લબકઝબક શરૂ થયું. ડૉકટરે અંગૂઠાથી એની ઉપરની એક સ્વીચ દાબી. લાઈટ બંધ થઈ. ડૉકટરે એ સ્ક્રીન પર કાળા અક્ષરે છપાઈ આવેલો સંદેશો વાંચ્યો. ‘પેશન્ટ ઈઝ પ્રોપરલી રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ !’
એમણે નિરાંતનો દમ લઈને પેજર મારા હાથમાં મૂક્યું. અર્ધી હથેળી માંડ રોકે એવું એ ઉપકરણ. વગર વાયર, વગર ઈલેક્ટ્રિક કનેકશને અવકાશમાંથી અક્ષરો ઝીલીને તત્ક્ષણ સ્ક્રીન પર છાપી આપતું હતું ! ડૉકટર અહીં બેઠાં-બેઠાં પચાસ માઈલ દૂર શામબર્ગમાં આવેલા પોતાના ક્લિનિકમાં દાખલ કરાયેલા દર્દીની પરિસ્થિતિથી વાકેફ રહેતા હતા. તેમણે મને એ પણ સમજાવ્યું કે આમ તો એમાં સંદેશાના ઉતર્યાની સૂચક ઘંટડી વાગે, પણ આપણે ડિનર પર હતા અને ડિસ્ટર્બ ના થઈએ તે ખાતર એને સાયલન્ટ અને વાઈબ્રેટિંગ મોડ ઉપર રાખ્યું હતું અને કમર ઉપરના બેલ્ટ સાથે એક ખાનામાં રાખ્યું હતું. સંદેશો આવતાંવેંત એમાં ધ્રુજારી આવતી હતી અને ડૉકટર એનાથી ઊંચાનીચા થતા હતા.
અદ્દભુત હતી એ ડબ્બી !
બે જ વર્ષ પછી ભારતમાં પણ પેજર આવી ગયાં. ચોથે વર્ષે મેં ખુદ “વસાવ્યું.” 1997 માં મારા મોટાભાઈ અવસાન પામ્યા. મારાં ભાભી કોઈ તાંત્રિક પાસે જઈને એમના આત્માની સાથે વાત કરવા માંગતા હતાં એવી મને ખબર પડી. તાંત્રિક કોઈ કીમિયા વડે એકાદ કપને ધ્રુજાવી બતાવીને મારા ભાઈનો આત્મા એમાં આવી ગયો છે એવું ભાભીના મનમાં ઠસાવીને સવાસો રૂપિયા ધૂતી ગયો હતો. આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. પણ અહિં બેઠા બેઠા શું કરવું? પણ એકવાર ઉપલેટા રહેતાં એ ભાભી મારે ત્યાં અમદાવાદ આવ્યાં ત્યારે મારા પેજરને વાઇબ્રેટિંગ-સાયલન્ટ મોડ ઉપર રાખીને એમની હથેળીમાં પકડાવ્યું. મારી પુત્રીએ બીજા રૂમમાં જઈને એની ઉપર મેસેજ મોકલ્યો. “આઈ એમ હેપ્પી ઈન હેવન.” ભાભીની હથેળીમાંનું પેજર ધ્રૂજ્યું - “મારા ભાઈનો આત્મા એમાં સંચર્યો છે.” એમ મેં ભાભીને સમજાવ્યું. પછી પેજર હાથમાં લઈને “સ્વર્ગસ્થનો સંદેશો” સંદેશો વાંચ્યો, ભાભી તો આભાં જ થઈ ગયાં. મને કહે : “શું વાત છે, રંજુભાઈ ? તમને આવુંય આવડે છે ?”
ભોળાં ભાભીને એ પછી મેં સાચી સમજણ પાડી.

0 0 0
જો કે આપણે વાત ચમત્કારોની નહીં, ચમત્કારોની ઝડપની કરતા હતા. 1994માં મેં જે પહેલી વાર અમેરિકામાં જોયું ને જેને જોઈને “ઢાળીયો” થઈ ગયો. તે જ પેજર 1997-98માં મારા માટે એક રોજિંદી અને લેશમાત્ર નવાઈ વગરની, થ્રીલ વગરની એવી વસ્તુ બની ગઈ કે તેના વડે હું ગમે તે રમત રમી શકું.
પણ આજે હવે 2011માં પેજર ક્યાં ?
આજે નહીં પણ છેક 2003ની સાલથી આપણાં ઘરોમાં પેજર શોધ્યું જડતું નથી. (ખરેખર ક્યાંક પડ્યું હશે, પણ શોધવાની કોઈ જ જરૂર નથી.) - હવે સેલફોન આવી ગયા છે. 2004 માં મને પેજર વાપરતો જોઈને એક નવજુવાન મિત્રે મોબાઈલ વાપરવાની સલાહ આપી. “આપણને શી જરૂર છે ? પેજર છે - મેસેજ મળી જાય - જરૂર પડ્યે સામે ફોન કરવો હોય તો નજીકમાં ક્યાંકથી ફોન શોધી લેવાનો.” એમ કહીને મેં એની વાતને અવગણી હતી.પણ અનુભવે સમજાયું ને ત્યારે જ સાચું સમજાયું કે પેજરનો સંદેશો વાંચીને આપણી સિકલ પરની વ્યાકુળતા જોઈને કોઈ ત્રાહિત માણસ આપણને પોતાને સેલફોન વાપરવાની ‘ઉદારતાભરી’ ઑફર કરતું ને આપણને એ હાથમાં આવતો ત્યારે વાપરતાં ના આવડતું. ‘તમે જ લગાડી આપો ને પ્લીઝ !’ એમ જરા લઘુતા અનુભવીને કહેવું પડતું. એ વખતે સેલફોનના વાત કરવાના દર પણ ઊંચા હતા. એટલે આવી કોઈની ઉદારતા ખરેખર સખાવતની કક્ષાએ પહોંચતી હોય એમ લાગતું અને મનમાં હીણપતનો ભાવ અનુભવાતો.
એટલે પછી ‘કેટલામાં પડે ?’, ‘ખર્ચો આકરો પડે તો !’, ‘જોઈએ કેવોક પરવડે છે ?’ એવું બોલી-બોલીને દુવિધાભર્યા મનથી સેલફોન લીધો, ને પછી નિર્ણય જાહેર કર્યો.“જરૂર - ખરેખરી જરૂર હશે તો જ વાપરીશ. ના, ના, ના, બને ત્યાં સુધી બાજુમાં લૅન્ડલાઈન હોય તો ત્યાં જ જઈને ફોન કરવો. અરે, આ તો અ-તિ-શ-ય જરૂર હોય તો જ.”
પણ એની ઉપયોગિતા બલકે કમ્ફર્ટનો સ્વાદ ચાખ્યા પછી એ બધાં વ્રત વીસરાઈ ગયાં. હવે રાતે પણ ઓશિકાની બાજુમાં એનું સ્થાન અવિચળ છે !
સેલફોન: રાજાથી રંક સુધી  
ઝડપ જુઓ ઝડપ ! 2001ની સાલમાં ગુજરાત એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ જતો હતો ત્યારે મારી બાજુના મારવાડી વેપારી સેલફોન કાઢીને એની પેઢી સાથે સતત સંપર્કમાં રહેતો હતો - છેક વાપી સુધી એ ટ્રેનમાં બેઠાં-બેઠાં પોતાનો કારોબાર એવી રીતે ચલાવતો રહ્યો કે એ સાંભળ્યા પછી એના ધંધાના ટ્યૂશન ક્લાસ હું લઈ શકું ! બાપ રે, આટલી બધી સુવિધા આ રમકડાને કારણે ? જાદુ જ કહેવાય.
2005ની સાલ સુધીમાં એ રસ્તાના ફેરિયા સુધી પહોંચી ગયો. હું એના બીજા આડાતેડા ઉપયોગ - દુરપયોગ - કુપ્રયોગ - અપપ્રયોગની વાત નથી કરતો, માત્ર જરૂરી ઉપયોગની જ વાત કરું છું.

રાજકોટમાં રહેતા એક અધ્યાત્મરંગી દોસ્ત પાસે બેઠો હતો ને એ જ વખતે મારા સેલફોનની ઘંટડી રણકી. મિત્રે મોઢું કટાણું કર્યું : “ખરું ન્યુસન્સ છે આ મોબાઈલનું ! આઈ હેઇટ ઇટ !”
ફોન મેં કર્યો જ નહોતો, બહારથી આવ્યો હતો, ને મેં એ રણક્યો એ જ ક્ષણે બહાર જઈને વાત કરી હતી. છતાં મિત્રનો આ અણગમો !
હું જરા લેવાઈ ગયો, પણ ખામોશી રાખી. મોબાઈલના અપાર લાભ અને ઉપકારો, ઉપયોગિતા વિષે અધ્યાત્મપ્રેમી સજ્જન સામે નવી જાતનું ‘તત્વચિંતન’ કરવાથી કોઈ અર્થ સરે એમ નહોતો.
પણ એક મહિના પછી એ જ સન્મિત્રનો ફોન આવ્યો : “મારો નંબર ‘સેવ’ કરી લેજે. મેં મોબાઈલ લીધો છે.”
“ના હોય !”

દોહીત્રી અનુશ્રી: નાનું છોકરુંય  વાપરી જાણે સેલફોન 
“અઠવાડિયા પહેલાં મને એટેક આવ્યો - મારા ખાસ ડૉક્ટર ઘેર નહોતા - આરતી મૂંઝાઈ ગઈ - ત્યાં ડાયરીમાંથી ડૉક્ટરનો મોબાઈલ નંબર નિકળ્યો - તરત જ કર્યો - એ કોઈ ફાર્મહાઉસ પર પાર્ટીમાં હતા. મારંમાર આવ્યા અને તાત્કાલિક....” પછી એ અટક્યા ને જરા ભારે અવાજે બોલ્યા : “તે દિવસે મેં તને ખોટી રીતે નારાજ કર્યો, રજની, સોરી ! યાર !”
જે લોકો ધર્મ-અધ્યાત્મને એક છાવણી અને વિજ્ઞાન અને ટેક્નૉલોજીને સામી છાવણી ગણે છે તેમને પણ આ બધા અધુનાતન આવિષ્કારો વગર ચાલતું નથી.
પણ મને થ્રીલ આ ચમત્કારોની નથી, એની બેહદ ઝડપની છે.

0 0 0

પૃથ્વીના ખંડ પાડો, પણ વહેતા જળના ખંડ કેવી રીતે પાડો ? સમય વહેતું જળ છે એનું સાતત્ય જ એની ઓળખ છે. પણ માણસને કોઈ પણ ચીજને ખંડખંડમાં વિભાજિત કર્યા વગર એનું વિશ્લેષણ કરવાનું ફાવતું નથી. નર્મદા નદી એક જ, પણ આ નર્મદા મધ્યપ્રદેશની ને આ ગુજરાતની. નાના-નાના ખંડ પણ માણસજાત પાડે: આ ભાદર જેતપુરની, આ ભાદર પોરબંદરની.
એમ સંદેશાવ્યવહારની વિકાસયાત્રા માપવા માટે પણ સમયનાં વહેતા વારિના ખંડ પાડવા પડશે. એમાંય જો આ લેખનો વિષય “ત્યારે અને અત્યારે” હોય તો “અત્યારે” એટલે અત્યારે એ તો સ્પષ્ટ છે, પણ ત્યારે એટલે ?
ત્યારે એટલે આ લખનારના જીવનનું પ્રભાત..... એ અર્થ સ્વીકારવો પડે. ‘ત્યારે’ની સીમારેખા એ પ્રભાતથી શરૂ કરીને તાજી ગઈ કાલ સુધી લઈ આવવી પડે.
એટલે આ લખનારે પોતાની સાંભરણની વાતો જ આદરવી પડે.

0 0 0

“આજની બસમાં કાગળ આવે તો આવે.”

આદિયુગનો ટપાલી
આ શબ્દો 1947-48ની સાલના જમાનામાં રોપાયેલા મારા શૈશવમાં સાંભળતો. પિતાજીની અમલદારી બ્રિટીશ સરકારના જમાનામાં બિલખા, બાબરા, ચરખા, ઢસા(ગોપાળગ્રામ), જેવાં નાનાં ગામડાઓમાં હતી. એમાં બિલખા ઠીકઠીક મોટું હતું, પણ ચરખા-ઢસા (ગોપાળગ્રામ) તો સાવં ગામડાં હતાં. બાબરાથી બે કિલોમીટર દૂર રાજકોટ-ભાવનગરને જોડતી સડક હતી, જે અમારા બગીચાવાળા નિવાસથી, હડી કાઢીને પહોંચાય તેટલી નજીક હતી. કોઈ ખાનગી કંપનીની આગળ નાક જેવા નાળચાવાળી લાલચટક રંગની બસ દિવસમાં એક વાર જતી-આવતી. બહારવટિયાએ કોઈ કારણસર જેનું નાક કાપી નાખેલું એવો શીળિયાતા ચહેરાવાળો એક કંડક્ટર જીવો હતો. એની ફરજ નહોતી, છતાં એ ખાનગી ટપાલ લાવવા અને લઈ જવાનું છૂપું કુરિયર-કર્મ કરતો. બે પૈસા મળતા યા બે દુવા મળતી. સમાચાર માઠા હોય તો “કાળા-મોઢાળો” એવી ગાળ પણ મળતી. પણ એ ખંધો હતો. એ નગદની ગણના કરતો ને નિરાકારની (ગાળ કે દુવા)ની અવગણના કરતો. બસ ઊપડી જતી. પાછળ ધૂળના ગોટા રહેતા જે ધીરે ધીરે શમી જતા. એ શમે એટલે અમારો ચોરણીદાર, મેલખાઉ કોટવાળો પસાયતો અમને ભર્યા યા ખાલી હાથે નજરે પડતો. ટપાલ ના હોય તો એ દૂરથી ટોકરીની જેમ અંગૂઠો હલાવીને એવા નિરાશાના સમાચાર આપતો. ટપાલખાતું એ વખતે નહોતું એમ નહીં, પણ આજની જેમ જ એ વખતે પણ એ આવી પર્સનાલાઈઝ્ડ સર્વિસ આગળ સેકન્ડરી ગણાતું. જો કે એવી અંગત સેવાઓની રેન્જ આગળ-પાછળના પાંચ-દસ ગામો પૂરતી જ રહેતી.
પણ મને એ “જીવા કુરિયર સર્વિસ”નો અનુભવ બહુ થયો નહીં. બીજે ગામ બદલી થઈ, જ્યાં અમારા હેડમાસ્તર ખુદ અધિકૃત રીતે પોસ્ટખાતું સંભાળતા. એ દિવસોના શરૂઆતમાં એક વાર ટપાલખાતાની ભભકથી અંજાઈને જાતે જ કોઈને અગડમ-બગડમ ટપાલ લખવા દેવા માટે મેં મોટો કજિયો કરેલો. પછી તો જરા સમજ આવી એટલે જૂના પોસ્ટકાર્ડનો પત્તાનો મહેલ બનાવતો.. મારા મોટાભાઈને વાચનનો શોખ તે “બાલજીવન કાર્યાલય, બાજવાડા, વડોદરા”થી સૂચિપત્રો મંગાવતા.એ વાંચીને હું મારા નામે બાળસાહિત્યનાં પુસ્તકોનો ઓર્ડર નોંધાવવાની જીદ કરતો. મારા પિતા મંજૂર રાખતા.પણ મુશ્કેલી ત્યારે થતી કે જ્યારે હું સગીર બાળક છું એ વાતથી અજાણ એવા એ કાર્યાલયવાળા મારા નામે વી.પી.પી. મોકલતા. જે ગામડામાં વરસને વચલે દહાડે એક-બે સાદાં પાર્સલેય ના આવતાં હોય એ ગામમાં વી.પી.પી. જોઈને મોહનલાલ હેડમાસ્તર ભારે જીવચૂંથારો અનુભવતા. (કારણ કે એની વહીવટી વિધિઓ) ભૂલ પડ્યા વગર ના જ રહે એવી અટપટી હતી !) એમને પ્રથમ પ્રશ્ન નડતો એની ડિલીવરીનો. સામે બેઠેલો ટબુકડો વિદ્યાર્થી જ એનો લેવાલ. પણ એક તો એ સગીર ને વળી સાહેબનો દીકરો. એમાં વળી બીજો પ્રશ્ન એ કે રૂપીયા વસૂલ્યા વગર પાર્સલ અપાય શી રીતે ? એટલે મારી પીઠ થાબડીને કહેતા : “શાબ્બાસ, ઘેર જાવ બાબાભાઈ, હું પારસલ લઈને તમારી પાછળ પાછળ જ આવું છું” –મને એની સામે વાંધો હતો. મારો જીવ પાર્સલની અંદરના પુસ્તકોમાં મનોમન વિહાર કરતો હોય ને છતાં એને લીધા વગર ઘેર જવું પડે એ કેવું? પણ ઢીલે પગલે નીકળી જતો,પાછળ પાછળ મારું પગલું દબાવતા હેડમાસ્તર આવે. પાર્સલ ઉપર ધોતિયાનો છેડો ઢાંકેલો હોય અને સિકલ પણ એવી થઇ જતી જાણે કે કોઈ ભેદી કામ કરતા હોય. હું તો ટાંપીને જ બેઠો હોઉં. દાણચોરીનો માલ બૉસ પાસે પેશ કરતા હોય એમ એ મારા પિતાજી સામે પાર્સલ પેશ કરે. હું લુબ્ધ નજરે એ તરફ એકીટશે જોયા કરું. પિતાજી શાહીના ખડિયાનું ઢાંકણું હટાવીને એમાં કલમ બોળે અને હેડમાસ્તરે ધરેલા ફોર્મમાં સહી કરે. સાહેબ વળી જુદી ચબરખીમાં મૂળ રકમ પ્લસ કમિશન જેવા આંકડા પાડીને ટોટલ કરીને મારા પિતાજી પાસે ધરે- પિતાજી ચશ્માં ચડાવીને બધું ‘વેરીફાય’ કરે. એ દરમ્યાન મારી ધીરજ ના રહે ને હું સબૂરી ગુમાવીને પાર્સલને હાથ કરવા જાઉં તો મારા હાથને બેશક પાછો ઠેલવામાં આવે.પાર્સલ તો પિતાજીની સહી થયા પછી, પૂરી રકમ મળે તે પછી જ મારા હાથમાં આવે.

મારી બાએ  લખેલું  પોસ્ટકાર્ડ 
આજે ?

હમણાં પંચોતેરનો થઈશ. હું ઓન-લાઇન પુસ્તક ખરીદીની વાત નથી કરતો કારણ કે હું હજુ એનાથી ટેવાયો નથી.પણ ટપાલો મેળવવામાં જે સુખ અનુભવાતું હતું એ જતું રહ્યું છે, રોજની સરેરાશ દસ-બાર ટપાલો કુરિયરમાં આવે છે. વી.પી. તો બેચાર વરસે ભાગ્યે જ ક્યારેક આવ્યું હોય તો ! કુરિયરમાં સાદા કાગળો અને લિફાફા ઉપરાંત, લેખક હોવાના કારણે પુસ્તકો ઢગલા મોઢે રોજ ઘરમાં ઠલવાય છે. મોટે ભાગે હું મારા ઓરડામાં કામમાં હોઉં ને કુરિયરમૅન ઘરના દરવાજે આવે ત્યારે હાજર હોય તો મારા ‘મહાદેવ દેસાઈ’ એવા હરગોવિંદદાસ સહી કરીને લઈ લે. મોટા ભાગના કુરિયરમેન સાથે એમને ભાઈબંધી થઈ ગઈ છે. હરગોવિંદદાસ ન હોય તો અમારાં રસોઈકામ કરનારાં બહેન હંસામાસી કે ભાઈનાં પુત્રવધૂ રક્ષા પણ લઈ લે. એ પછી નોંધવા લાયક વાત તો એ છે કે અણધાર્યાં જ આવ્યાં હોય એવાં પાર્સલો બે-ત્રણ દિવસ લગી ખોલાયાં વિના પડ્યા રહ્યાં હોય એવું પણ બને - ક્યારેક હરગોવિંદદાસ ખોલીને રાખે તો માત્ર એક નજરનાં જ ઘરાક એવાં અજાણ્યાં, પ્રચારાર્થે આવતાં પુસ્તકો જોવાયા વગરનાં જ દિવસો લગી પડ્યાં રહે. પુસ્તકો, સીડી, વીસીડી, વસ્તુઓ વગેરે મોકલવા-મેળવવાનું કેટલું સહજ, કેટલું ઝડપી, કેટલું રૂટીન-રાબેતો થઈ ગયું છે? એ મેળવવાની થ્રિલ ક્યાં ચાલી ગઇ?
આ આખી વાતમાં એક છૂપી વેદનાનો સૂર એવો પણ છે કે આજ સુધી યથાવત રહેલી ટપાલખાતાની મંદતા અને બિનંગતતાની સરકારી મનોદશાને કારણે આંગડિયા, કુરિયર, એર કુરિયર અને નાણાકીય લેવડદેવડમાં બિનસરકારી ખાનગી સેવાઓ ક્યાંય આગળ નીકળી ગઈ છે. મનીઑર્ડરથી મોકલવામાં આવતી સો રૂપિયાની રકમને અમદાવાદથી રાજકોટનું અંતર કાપતાં અગાઉ જેટલો સમય લાગતો હતો તેટલો જ આજે પણ લાગે છે, (હજી મનીઓર્ડરનાં નાણાં સેટેલાઈટથી એના એ દિવસે બધે મોકલાતાં થયાં નથી.) જ્યારે લાખોની રકમ સંદેશવ્યવહારની વીજળીક ચેનલને કારણે એક કલાકમાં મુંબઈથી અમદાવાદ તો શું, કન્યાકુમારી સુધી પહોંચી શકે છે. લોકોને મન સેવાની હવે નવાઈ નથી, હવે એમને મહત્તમ ઝડપ જોઈએ છે.

0 0 0

1952-’53 ની સાલ હતી. આજથી પંચાવન વર્ષ પહેલાંનો સમય, પિતાજી વાંકાનેર નોકરીમાં હતા અને ઘરનાં અમે સૌ જેતપુર. મોટીબહેન માટે પ્રાઇમરી ટીચર્સ ટ્રેઇનિંગ કોર્સમાં ઍડમિશન મેળવવાની ભારે કઠિન કામગીરી મારે ચૌદ વર્ષની ઉંમરે પાર પાડવાની હતી. મારી છાપાં વાંચવાની ટેવને કારણે એક દિવસ તે પાર પાડી અને ઉત્સાહથી છલકાતા સ્વરે બાને વાત કરી. બા કહે : “તારા ભાઈ (પિતાજી)ને જલદી સારા સમાચાર આપી દે.” જેતપુરથી વાંકાનેર માત્ર સો કિલોમીટરની આસપાસ, પણ ટપાલ ક્યારે મળે ? અઠવાડિયે ! ટેલિફોન ? મહામુશ્કેલ, કારણ કે અહીંથી નંબર લગાડીને લાંબી ક્યુમાં પોસ્ટઑફિસના તૂટેલા બાંકડે બેસવાનું. દસ-પંદર જણા આપણી પહેલાં લાઈનમાં હોય જ. ટેલિફોન ક્લાર્ક પાસે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. એની પાસે સૌ કાલાવાલા કરતા હોય. ખરેખર કોઈની ગંભીર માંદગીના ખબર આપવા-લેવાના હોય, યા કોઈના સગાઈ-લગન પાકાં થયાના સમાચાર હોય, કોઈની કાંઈ તાકીદ,કોઇની કાંઇ,ઉચાટભરી, ઉત્સુક, અધીર, ઘૂંઘવાટભરી, ખિજવાયેલી, ઍબ્નોર્મલ શકલોની વચ્ચે બેસીને ટેલિફોન લગાડવા કરતાં તાર મુકવાનું મને વધારે ઠીક લાગ્યું, કારણ કે એમાં વન-વે વાવડ જ આપવાના હતા.


કવિ રમેશ પારેખે મોકલેલો ટેલિગ્રામ:
મેં તારનું ફોર્મ લીધું. તાર અંગ્રેજીમાં જ થાય. “ઍડમિશન મળી ગયું છે” એવો તાર તો પહેલા કદી કરેલો જ નહીં. ‘કમ સૂન’ સિવાય તારની બીજી કોઈ ભાષા નહોતી આવડતી. એટલે આ સમાચાર અંગ્રેજીમાં કેવી રીતે લખવા ? તારમાસ્તરને કહ્યું કે ભાઈસાહેબ, એડમિશન મળી ગયું છે એટલા સમાચારનું અંગ્રેજી કરી આપો. તારમાસ્ટર કોઈ ઠક્કર હતો. ચિડાઈને એણે મારી સામે લાલ આંખે જોયું. પછી કાગળનો ઘા મારા મોં પર કર્યો. અંગ્રેજી નહીં જાણવાની મને આ સજા મળી. ત્યાં તો વળી કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસવાળાના પુત્ર ચંદ્રકાંત કવિ પર મારી નજર પડી. એમને મારી મદદે બોલાવ્યા. તેમણે તરત અંગ્રેજીમાં કરી આપ્યું, “એડમિશન ઓબ્ટેઇન્ડ.” ઠક્કરને પણ એમણે જ આપ્યું. ઠક્કરે પેન્સિલની અણી વડે શબ્દો ગણ્યા. એણે “ઓબ” અને “ટેઈન્ડ” એમ બે શબ્દો ગણ્યા, કારણ કે જરા છૂટા લખાયા હતા. ચંદ્રકાંત કવિએ વાંધો ઉઠાવ્યો ને બેનો એક શબ્દ કરાવ્યો, ત્યારે મને સમજાયું કે ઠક્કરે મારા ઉપર કરેલો ગુસ્સો શેનો હતો ! એનું પણ અંગ્રેજીનું જ્ઞાન અધુંરું ને મારું તો અજ્ઞાન જ. અધુરા જ્ઞાનથી અજ્ઞાનનો મુકાબલો થાય ત્યારે તિખારા ઝરે એમાં નવાઈ નહીં.

નમ્બર લગાવવા ઘુમાવો ચકરડું 
આ અલ્પજ્ઞાન -અજ્ઞાન, તારમાસ્તરની આ તુમાખી, અને એવાઓની કરવી પડતી “મોથાજી” (મહોતાજી), કલાકોનો વિલંબ, ટેલિફોન લગાડવામાં લાગતા કલાકોના કલાકો અને મળે ત્યારે દસ ગલી દૂર સંભળાય તેવા બૂમબરાડાની કક્ષાએ કરવી પડતી વાતચીત, ત્રણ મિનિટ પૂરી થાય તેની માથે તોળાતી તલવાર (અને તે પણ આપણી તંગ મનોદશામાં) ને જો ‘પી.પી.’ (પર્ટિક્યુલર પર્સનને બોલાવો) પ્રકારનો ફોન નોંધાવ્યો હોય ત્યારે સામેની વ્યક્તિ મળશે કે નહિ તેનો “ એ નહીં જ મળે” એવો પાકો સંશયભર્યો ઉચાટ. આ બધી વસ્તુ છતાં મારા જેવા કેટલાક વિજ્ઞાનને દુવા દેતા હતા. “પહેલાના જમાનામાં તો આટલું ક્યાં હતું, હેં ?” થી શરૂ કરીને “મોઢામોઢ વાત થઈ ગઈ ! કે’વું પડે બાકી !” જેવા અહોભાવભર્યા ઉદ્દગારો સાંભળવા મળતા.
એ જમાનામાં જે વૃદ્ધો થઇ ચુક્યા હતા તે અત્યારના યુગની તિલસ્માતી અજાયબી જોવા જીવતા નહીં રહ્યા હોય - કદાચ કોઇ રડ્યા-ખડ્યા હોય પણ ખરા, પણ મારા જેવા એ વખતના છોકરડાઓ આજની સંદેશાવ્યવહારની હેરતઅંગેજ સરળતા, એના હજાર જાતના તરીકાઓ અને નાના-નાના ગામડાંઓમાં પણ એની સુલભતા, અનંત અંતર કાપવાની ક્ષમતા અને છતાં કોઈ પણની ગરજ વગરની ‘અવેલેબિલિટી’ ને છતાં એની સિંગ-ચણાના ભાવ જેવી સસ્તાઈ, અને સૌથી છેલ્લે અકલ્પ્ય ઝડપ - આ બધાં પરિબળોએ ભેગાં થઈને પૃથ્વીના ગોળાની વિરાટતાને ઓગાળી નાખી છે એમ તો નહિ કહેવાય , પણ આપણી બાથને વિરાટ કરી આપી છે તે ચોક્કસ છે.. ઈન્ટરનેટ, ઈ-મેઈલ અને બીજાં (હજુ મનેય પૂરી ખબર નથી એવાં) અનેક માધ્યમોએ માત્ર સંદેશાવ્યવહાર જ નહીં, માર્કેટિંગ, શૉપિંગ, ટ્રેડિંગ અને ટર્નઓવરને, અરે, મેડિકલ કન્સલ્ટેશન, નિદાન અને સારવારને અને સામાન્યમાં સામાન્ય જ્ઞાનથી માંડીને વિશેષમાં વિશેષ જ્ઞાનને, આજ લગી દુર્લભ રહી હતી તેવી માહિતીને એ વિરાટ બાથમાં આવરી લીધી છે.

ધૂમકેતુની નવલીકા થકી અમર બની ગયેલી પોસ્ટ  ઓફીસ 
ધૂમકેતુની વાર્તા કોચમીન અલી ડોસાની ટપાલ મેળવવાની પ્યાસ હજુ હમણાં લગી આપણામાં જીવતી હતી. ટપાલ એ ઘણી જ અગત્યની જણસ ગણાતી. મારા જેવા અધીરા સંભવિત લેખકો વાર્તા મોકલ્યા પછી ચોથા-પાંચમા દિવસથી જ સવારના દસ વાગ્યામાં જેતપુરમાં પોસ્ટઑફિસની ચોક્કસ બારી પાસે જઈને ઊભા રહી જતા. કમનસીબે એ બારીની નીચે જ ટપાલ નાખવાની પેટી હતી એટલે બારી પાસે ઊભાં-ઊભાં રસમિશ્રિત ઉત્સાહપૂર્વક ગામ આખાની આવેલી ટપાલોના ઢગલા ઉપરની ટપાલીઓના સમૂહ દ્વારા થતી પ્રક્રિયા જોઈ રહેતા. ત્યારે ટપાલ નાખવા આવનારા મોટેરાઓ અમને કોણીઓ મારી-મારીને આઘા ઘસેડતા, જેથી ટપાલ નાખી શકાય. પણ ફરી અમે ત્યાં ગોઠવાઈ જતા અને બારીના સળિયાની આરપાર દેખાતા ટપાલોના ઢગલામાંથી અમારી પણ કોઈ હોય તેવી આશાભરી નજરે જોઈ રહેતા. આશા ફળતી, ના ફળતી. ટપાલ મેળવવાની આશા ફળતી તો અંદર વાર્તાસ્વીકારના સારા સમાચારની આશા ફળતી, ના ફળતી. આમ, આશા-નિરાશાનો સમગ્ર હીંચકો ટપાલ પર એટલે કે સંદેશ-વ્યવહારના દોર પર ઝૂલતો રહેતો.
ટપાલની ઉત્કંઠા હજી સાવ લોપાઈ નથી, અને હજુય એમાં “સારા સમાચારો” ની અપેક્ષા ઘોળાયેલી રહી છે. અલબત્ત, સારા સમાચારોની વ્યાખ્યા બૃહદ્ બની છે. ટપાલનાં વર્ગીકરણ મનમાં પડી ગયાં છે : લાભકારી અને સામાન્ય કામની, વગર કામની, વાચકોની, અપરિચિતોની, હુમલાખોર માર્કેટિંગની, છાપાં ચોપાનિયાં ને એવું બધું. પણ મેં જોયું છે કે એમાં પણ સરકારી ટપાલખાતાની ટપાલો ઉપર ખાનગી કુરિયરોની ટપાલો સરસાઈ ભોગવે છે, ઝડપમાં અને ચોકસાઈમાં. સંદેશાવ્યવહારની અનિવાર્ય ક્વૉલિટી મહત્તમ ઝડપ અને સરળ કાર્યવાહીમાં રહેલી છે. સરકારી ટપાલખાતું “ત્યારે” જેટલું ચુસ્ત હતું એટલું જ આજે છે. અલબત્ત - હવે એમાં પણ ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ટેલિ-મનીઑર્ડર, સ્પીડ પોસ્ટ જેવા નવા-નવા ચમત્કારો અમલમાં મૂકાઈ રહ્યા છે, પણ ખાનગી માધ્યમો એના કરતાં અનેકગણી ઝડપે દોડે છે.
સેટેલાઈટ દ્વારા જે ક્રાંતિ જન્મી છે તેનો જોટો નથી. ફ્લોરિડાના જગદીશ પટેલ હજુ ફ્લૉરિડા (અમેરિકા) માં જ બેઠા છે ને તેમનાં પત્ની પ્રીતિ પટેલ વલસાડ આવ્યાં છે. દસ-બાર હજાર માઈલનું દરિયાપારનું અંતર છે. પણ પ્રીતિબહેન નવસારીમાં એક જ્વેલરની દુકાને જઈને એક દાગીનો ઘડાવવા ચાહે છે. એમના મનમાં પોતાના એક જૂના દાગીનાની ડીઝાઈન સંઘરાયેલી છે, પણ ઝવેરીને તે કેવી રીતે સમજાવે ? કાગળ ઉપર આડાઅવળા લીટા કરે છે, પણ ઝવેરીને એ ચોક્કસપણે સમજાવી શકતાં નથી. “તમારી પાસે ઈન્ટરનેટ છે ?” એ બહેન ઝવેરીને પૂછે છે. “છે.” ઝવેરી હા પાડે છે બીજી ક્ષણે પ્રીતિબહેન અમેરિકા બેઠેલા પતિનો સંપર્ક કરીને ત્યાં તિજોરીમાં પડેલા પોતાના દાગીનાની ડીઝાઈનનો ફોટો સ્કેન કરીને મોકલવાનું કહે છે. દીપકભાઈ તરત જ એ દાગીનો કાઢી એને સામે મૂકીને એનો ફોટો સ્કેન કરીને ઈ-મેઈલ પર મોકલે છે. તત્ક્ષણ એ ડીઝાઈન નવસારીના ઝવેરીના કમ્પ્યુટર પર ઈ-મેઈલ દ્વારા ઊતરે છે. પ્રશ્ન પતી જાય છે.
એક બે મિનિટનો આ ખેલ હતો. ક્યાં ગયું એ ભૌગોલિક અંતર ? ક્યાં ગયો એને કાપવાના માટે જોઈતા સમયનો લાંબો પટ ? ક્યાં ગયાં કુદરતનાં વિપરીત પરિબળો ? કશું જ નથી નડ્યું. અવકાશમાં તરતા કૃત્રિમ ઉપગ્રહોએ એ બધાનો હ્રાસ કરી નાખ્યો.
એસ.એમ.એસ. મોબાઈલની શૉર્ટ મેસેજિંગ સર્વિસ દ્વારા નિ:શુલ્કથી લઈને માત્ર પચાસ પૈસામાં તમે આકાશમાં શબ્દોને ફેંકી શકો છો ને તમારી ઈચ્છિત વ્યક્તિ એને પોતાના મુઠ્ઠીમાં રાખેલા મોબાઈલના એક સાદા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ જ ક્ષણે અવતારી લે છે. અંતરિક્ષમાં એકસાથે એવા કરોડો-અબજો શબ્દો તરે છે - પણ છતાંય એકસાથે અથડાતા નથી, સેળભેળ થઈ જતા નથી. એ ખોટે ઠેકાણે ઝિલાતા નથી. તમે સંકેત આપ્યો હોય છે, ત્યાં જ ઊતરે છે ને ઝિલાય છે. મોબાઈલ ફોનમાં એવી પણ સગવડ છે કે ચોક્કસ વ્યક્તિનો નંબર અંગૂઠા-આંગળી વડે બટન દાબીને લગાડવો ના પડે - તમે ઈન્સ્ટ્રુમેન્ટને નજીક લાવીને નામ બોલો એટલે એ નંબર જોડાઈ જાય છે. આવી સગવડ સામાન્ય ગણાતા ફોનમાં પણ છે એને ‘વોઈસ ઍક્ટીવેટેડ ડાયલિંગ’ કહેવાય છે. ઈ-મેઈલ કે ઈન્ટરનેટની સગવડ માટે મોટા કમ્પ્યુટરની જરૂર નથી. નાનકડા મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં પણ એ હોઈ શકે છે. એના દ્વારા ફોટા લઈ શકાય છે ને ફોટા કાચી સેકંડમાં દૂર દેશાવર મોકલી પણ શકાય છે. ફોનના સ્ક્રીન પર ચહેરો જોઈને વાત કરી શકો છો.
અને આ બધું હવે ‘રેર’ નથી, કોમનમૅનને માટે પણ ઉપલબ્ધ છે.
કબૂતર જા જા જા... 
આ તીવ્ર ઝડપ આપણને ક્યાં લઈ જશે. હજુ કેટલા અંતરની ખેપ કાપશે તે આપણે જાણતા નથી. આપણી ‘જાણ’ની દિવેટનું દિવેલ ખૂટશે - પણ આ પ્રગતિ, આ દડમજલ અટકવાની નથી.
એના ગેરકાયદા, એના દુરુપયોગ ઘાતક હોવાની વાતો અખબારોમાં વારંવાર ઊછળે છે. એક જમાનામાં ‘દીવાસળી દાનવનું હથિયાર છે’ એમ ચકમકથી ચલમ પેટાવીને ગાંજો ફૂંકતા એક સ્વામી મનોતીતાનંદે કહ્યું હતું (સાલ 1884). સ્વામીજી એ ભૂલી જતા હતા કે ભગવાનની આરતીનો દીવો ચકમકથી નહિ, દીવાસળીથી જ પ્રગટાવી શકાતો હતો. ગેરફાયદા, હાનિ, દુરુપયોગ - એ બધું જ વાપરનારની વૃત્તિ, પ્રકૃતિ ઉપર અવલંબે છે.
To whomsoever it may concern 
સંદેશો પહોંચાડવાની વૃત્તિ માણસમાં જન્મજાત છે. ‘ભૂખ લાગી છે’ તેવો સંદેશો ચાર વાસાનું બાળક એની માતાને પહોંચાડવા ચાહે છે. તે એ રડીને પહોંચાડે છે. એ જ બાળકના સંદેશાવહનના પ્રકારો અને તદબીરો આગળ જતાં વિકસે છે, વિસ્તરે છે, એ સાથે જ એ સંદેશો પહોંચાડવાના બીજાં માધ્યમોનો વિનિયોગ કરે છે. “પારેવડા, જાજે વીરાના દેશમાં, એટલડું કે’જે સંદેશમાં” વાળી બહેનડી દુનિયાના અંત સુધી જીવવાની છે. “ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેશા લે જાના” વાળો પ્રેમી યક્ષ સૃષ્ટિના પટ પરથી કદી વિદાય લેવાનો નથી. “એ શામકી હવાઓ, મેરા પયામ દેના” વાળો પ્રેમી અજરામર છે. પારેવડાં, “બરસાકા બાદલ”, પવન, કબૂતર, સમુદ્રમાં તરતો મુકાતો ખાલી શીશો કે જેમાં કાગળ મૂકીને બૂચ મારવામાં આવ્યું હોય - આ બધાં માધ્યમોનાં સ્વરૂપ જરૂર બદલાયાં છે, પણ ક્રિયા બદલાઈ નથી. બદલાઈ છે માત્ર ગતિની માત્રા. પહેલાં પણ સંદેશા પહોંચતા હતા, પણ સમયની પીઠ પર લદાઈને, હવે અવકાશની સવારી પર પહોંચે છે.
આ લેખ “અત્યારે” લખાયો છે, પણ થોડાં જ વરસ પછી એ “ત્યારે”ના ખાનામાં આવી જશે.
આવનારા એ વખતનું “અત્યારે” કેવું હશે ?
આપણને એનો સંદેશો આપવા કોઈ નથી આવવાનું !


(દિનકર જોશી સંપાદિત પુસ્તક ‘ત્યારે અને અત્યારે’ માટે લખાયેલો લેખ. પ્રકાશક: પ્રવિણ પુસ્તક ભંડાર, રાજકોટ.)
(મેઘદૂતનું ચિત્ર સૌજન્ય : કનુ દેસાઈ) 

2 comments:

  1. ઘણો આનંદ આવ્યો આ લેખ વાંચીને. મારા મિત્ર નફીસ નાઇરોબી (સાચું નામ નફીસ અલી વાવેરાવાળા, જે બદલાઇને નફીસ નાઇરોબીવાલા થયું અને છેલ્લે નાઇરોબીથી કૅનેડા અને કૅલિફૉર્નિયા આવ્યા બાદ થઇ ગયું નફીસ નાઇરોબી)ની ભાષામાં "બૌ મજા આવી. અમારા જમાનામાં વાવેરા બણી કો'કનો તાર આવે તો પે'લાં ઘરમાં પોક મૂકતા. કારણ તારમાં 'કપડાં ઉતારીને વાંચજો'ના સમાચાર કે કો'ક બૌ બિમાર હોય ને તમે કયું તેમ 'કમ સૂન'ના સમાચાર હોય. પણ જ્યાં સુધી મોટી દુકાનના રમજાનભાઇ વાંચી ન સંભળાવે ત્યાં લગણ ઘરવાળાનું રોવાનું રોકાય નહિ." આ હતા નફીસ નાઇરોબી. મારી વાત કહું તો આપના મિત્રે ગાયેલું "ઓ બરષાકે પહેલે બાદલ' યાદ આવી ગયું. ધૂમકેતુસાહેબની તથા કવિગુરૂ રવીંદ્રનાથ ટાગોરની ગુજરાત-બંગાળની પોસ્ટઅૉફિસો યાદ આવી ગઇ. જેતપૂરની વાત કરી ત્યાં... ઓ હો! સાહેબ, આપ તો અમને એવી મુસાફરીએ મોકલી આપ્યા, "બૌ મજા આવી ગઇ."!

    ReplyDelete
  2. બહુ જ સરસ રજનીભાઈ. તમારી સર્વગ્રાહી દ્રષ્ટિ અને એની રોમાંચક રજૂઆત..ક્યા કહેને !

    ReplyDelete