Monday, April 16, 2012

લીલા ચીટણીસ યાદ આવે છે ?



જગતનો આ વિરાટ મેળો પણ એક ભારે અચંબો પમાડનારી ચીજ છે. કોણ એમાં ક્યારે ભેટી જશે અને ક્યારે છૂટું પડી જશે તેનો જરા સરખો પણ વર્તારો કદિ કરી શકાતો નથી. એના કરતાંય ભારે અચરજભરી વાત તો એ કે પળ-અર્ધી પળ માટે માત્ર આકસ્મિક રીતે અલપઝલપ મળી જનારી  કોઇ મૂર્તી ભેટી જાય એ ક્ષણે આપણે  તો એને પીછાણી શકતા નથી, પણ એની વિજળીક વિદાયની  ક્ષણ પછી તરત આપણા મનમાં એકાએક ઝબકાર થાય છે કે અરે, એ તો એ જ હસ્તી હતી જેને એક વાર જોવા-મળવા-વાત કરવા માટે આપણે વર્ષોથી ઉત્સુક હતા ! જેને આપણે રૂપેરી પર્દે સાવ નાનપણથી જોતા આવ્યા છીએ અને એક પ્રકારની પરોક્ષ પણ પ્રબળ અને એકપક્ષી આત્મિયતા એની સાથે બાંધી ચૂક્યા છીએ.અરેરે, આપણે એને ઓળખી કેમ શક્યા નહિ? એ વસવસો શમે તે પછી આપણે એનો પીછો કરીને એને એકવાર ઝડપી પાડીને મળી લેવાની અદમ્ય મંશા પૂરી કરવા માટે  બહાર ડગ દઇએ છીએ ત્યારે ખબર પડે છે કે  એ વ્યક્તિ તો હવે અફાટ ભીડમાં ઓગળી ગઇ છે. હવે  એને મળવાનું ક્યારેય શક્ય  નથી બનવાનું. બસ. એ ચચરાટ પછી જીવનભર રહ્યા કરે છે. એવા જ એક ચચરાટની  વાત...
****  ****  **** 

        કોણ ?” જરા જરા પટીયાં પાળેલા વાળ હતાં એ ?”
        ત્યારે ? તમે ઓળખી ન શક્યા ?”
      જવાબ દેવાનો મને સમય નહોતો. મેં કહ્યું : “હું હમણાં જ પાછળ પાછળ જાઉં - હજું તો આટલામાં જ ક્યાંક હશે ?”
      આ ન્યુયોર્કની ભીડમાં તમને હવે ન મળે. રહેવા દો. શાંતી રાખો. તમને હું વાત કરું.
      ખરી વાત. સૂર્યપ્રકાશના તેજથાંભલામાં કોટી કોટી રજકણો હોય.એમાંથી એકાદું આપણા કાંડા પર આવીને વિરમી જાય અને ઉડી જાય. છતાંય આપણને એની ખબર ના પડે.લીલા ચીટણીસનું પણ એવું જ. 1994માં અશ્વત્થામાની જ જેમ અમરત્વનો અભિશાપ લઈને એ ન્યુયોર્ક અને ન્યુ જર્સીની વચ્ચે આથડતાં હતાં. ક્યાંક ઝબકતાં હતાં . પછી વિલાઈ જતાં હતાં.  બધા જ કહેતા, 'અરે, હમણાં જ તો એમને જોયાં હતાં! પણ અત્યારે ક્યાં ? ખબર નથી.' એમનો ખરો ફોન નંબર પણ કોઇને કહેતાં નથી. આપણી ડાયરીઓ ભરચક્ક છે. નકશામાં ધોરીમાર્ગ જડે, પણ જે ધોરીમાર્ગ નાની કેડી બની ગયો હોય એની લીટી ન મળે. એમ લીલા ચીટણીસનો નંબર પણ... 
        1935 પછીના આખા એક દસકા સુધી,અશોકકુમારની સાથે એમની જોડી હતી .એક ફિલ્મી યુગાંતરે રાજ-નરગીસ. દેવ-સુરૈયા, દિલીપ-મધુબાલાની જેમ એમનું નામ અશોકકુમાર-લીલા ચીટણીસ એમ બોલાતું હતું. આપણે ત્યારે અંતરિક્ષમાં હતા. જનમ ધરીને  શરૂઆતની જે ફિલ્મો જોઈ તેનાં નામ લેવા બેસીએ તો પાર ન આવે એટલી ફિલ્મોમાં એ હતાં. ન ભૂલતો હોઉં તો આવારામાં પણ હતાં. દિકરા(રાજકપૂર)ની બ્રિફકેસમાં રિવોલ્વર જોઈને એ જે હબક ખાઈ જાય છે એ યાદ કરીને અનેકવાર હું માતાને સામાન્ય વાતમાં પણ છેતરતાં અટકી ગયો છું. રાજકપુર (પુત્ર) એમને ઇધર કા માલ ઉધર અને ઉધરકા માલ ઇધર નો મારો કારોબાર છે એમ સમજાવે છે ત્યારે એ ગળે ઘુંટડો ઉતારે છે. એના નિશાન એમના કંઠ પર લીલા રંગના નથી પડતા. પણ દેખાય છે - તો ય દેખાય છે. લીલા ચીટણીસ, લીલા મિશ્રા, પ્રતિમા દેવી, અચલા સચદેવ, લલિતા પવાર, દુર્ગા ખોટે, સુલોચના (રૂબી માયર્સ) આ બધી પડદાની માતાઓ છે. એમાં સૌથી વધુ દયામણી, પ્રેમાળ, સમાધાનકારી છતાં ગરવી માતા લીલા ચીટણીસ. ચાલીસ પછી જન્મેલા એને હિરોઇન તરીકે એને કલ્પી જ ના શકે. જૂની ફિલ્મોના વિડીયો જોવા બેસે ત્યારેય મગજમાં તો બેસે જ નહીં. આજે ફિલ્મી તારીકાઓ  'લક્સ' સાબુની જાહેરાત  'મેરે સૌંદર્ય  કા રાઝ' કહીને કરે છે, પણ  એ  જાણીને નવાઈ  લાગશે કે આ  પ્રથા શરૂ કરનારાં પણ લીલા ચીટણીસ  જ હતાં. 'લક્સ'નાં એ  પહેલવહેલાં ફિલ્મી મોડેલ  હતાં. 

'લક્સ'નાં પહેલવહેલાં ફિલ્મી મોડેલ 

        આખા અમેરિકામાં 8 મી મે, 1994 એ મધર્સ ડે ઉજવાયો એ પછીના થોડા જ દિવસોમાં મને એ વિનોદ અમીન, કપિલાબેન અમીનના ઘેર આવતાં રસ્તામાં અથડાયાં. મેં નજર કરી. મનમાં છબી પડી અને એ ઉઘડીને મનમાં પડે ત્યાં તો અદૃશ્ય! 
 હમણાં ગયાં એ લીલા ચીટણીસ એમ કપિલાબેને કહ્યું ત્યારે મોટી થપ્પડ પડી.
        હવે ?’ મેં પૂછ્યું ફરી આવશે ?”
      ના કપિલાબેને કહ્યું : “ભટકવું જ એમનું જીવન છે.
      એમ ?” મેં પૂછ્યું ઘરબાર નથી ?”
      શિકારી મન તરત જ મારણ માગે એવી રીતે  એમના જીવનની કારૂણી તો લેખકને મન એક જાતનું  મારણ જ. ધીરે ધીરે તંતુએ તંતુ જુદા કરીને ચાખવાથી એનો સ્વાદ આવે.
        1986 માં અમે 42/55, મેઇન સ્ટ્રીટમાં રહેતા હતા કપિલાબેન કહ્યું આને ન્યુયોર્કનું ફલશીંગ નામનું પરું કહેવાય. અમે એક અશોકભાઈ ગાંધીના ઘરમાં રહેતા હતા. ત્યારે એમણે ભલા થઈને કોઈ પેંઇગ ગેસ્ટ રાખવું હોય તો રાખવાની રજા આપી. આવકનો ટેકો રહે એ વખતે અમને કોઈની મારફત પહેલાં પેઈંગ ગેસ્ટ મળ્યા તે આ લીલા ચીટણીસ !”
      પણ એમને પેઈંગ ગેસ્ટ તરીકે શા માટે રહેવું પડે ?”
      જવાબમાં ધીરે ધીરે જવાબનું આખું કપડું તો નહીં, પણ થોડી ચીંદી મળી- કર્ણાટકના ધારવાડમાં સ્કૂલમાં પ્રિન્સીપાલ એવા પિતાને ત્યાં એ 30-9-14( કે 1912)માં જન્મ્યાં અને 1934માં ગ્રેજ્યુએટ થયા.યુવાનીમાં પ્રેમલગ્ન કર્યા. સાસરીયાંઓની મરજી વિરુદ્ધ ફિલ્મોમાં કામ કર્યું ને છોકરાંને મોટા કર્યા-પતિથી અલગ થયાં અને ફિલ્મોમાં વિશેષ ધ્યાન આપ્યું, કમાયાં તે છ સંતાનો પાછળ ખર્ચ્યું. અમેરિકા વસાવ્યા. એમાં એક તો અમેરિકન લેડીને પરણ્યો. બાલબચ્ચાં થયાં. અમેરિકન કાયદા મુજબ સૌને અલગ અલગ બેડરૂમ્સ જોઈએ. એમાં વિધવા માતાનો બેડરૂમ  બાતલ થયો.. અહીં આ દેશમાં રસોડામાં માજી પડ્યા રહે એમ નહીં થતું હોય એટલે છોકરાના છોકરાઓ વેકેશનમાં ઘેર પાછા ફરે ત્યારે ડોશી ક્યાંક પેઈંગગેસ્ટ તરીકે રહેવા જાય.



        સ્થિતિ ?” મેં પૂછ્યું : “બેહાલ ?”
            “ના,એવું નહિ. વિનોદ અમીને કહ્યું : ઉલટાના થોડા વધારે, એટલે કે અઠવાડિયાના સાઠને બદલે એંસી ડોલર આપે.
      ત્યારે તો લાડેય કરતાં હશે ને ?”
        ના,જરા ય નહીં. સ્વભાવ જ ભલો, અને મળતાવડો. આપણા દાળ-ભાત શાક સ્વાદથી ખાય. સવારે જાતે બ્રેડ-કુકીઝ, બટર, ફ્રુટ લાવ્યા હોય તે ખાય. હા, ટાપટીપમાં એ ઉંમરેય પૂરાં, પફ-પાવડર-કર્લી હેર. વાળને વાંકડીયા બનાવવા રાતે માથામાં પીન ખોસીને સૂએ. ને ડ્રાયર ફેરવે. એમના સરસામાનમાં માત્ર એક પતરાની ટંકડી. એમાં અર્ધો સામાન તો આ ટાપટીપનો હોય.
        ત્યારે તો વાતો ય રંગીન - રોનકભરી કરતાં હશે.

      ફિલ્મી દુનિયાની વાતો કરે, વાતરસિયા બહુ એટલે સરસ વાતો કરે. એમાં વચ્ચે વાતવાતમાં અશોકકુમાર આવે ને આવે જ. આંખોમાં ચમકારો આવી જાય. અસલી ઓતારમાં આવી જાય. ડાયલોગ બાયલોગ બોલવા માંડે પણ... એ કંઇક બોલતાં બોલતાં વાતને મનમાં જ ઉતારી ગયાં.

એમ તો નવરા પડે ત્યારે ચંદેરી દુનિયા શિર્ષકથી આત્મકથા જેવું કંઇક લખતાં હતાં. કોઇને બતાવતાં નહોતાં, એમાં પરોવાઈ જતાં.ત્યારે ગંભીર થઇ જતાં, એ સિવાય હસાવતાં બહુ.
      તમે પેલી વાત ચોરી ગયાં મેં કહ્યું કહોને ! ડાયલોગ બાયલોગ બોલતાં બોલતાં લીલા ચીટણીસ શું કરે ?”
      કપિલાબહેને સંકોચ ખંખેરી નાખ્યો. મોં ધોઈને આવ્યા હોય એમ સ્વસ્થ થઈ ગયાં - બોલ્યાં, "એ તો ક્યારેક ડાયલોગ બોલતાં બોલતાં પોતાના અસલી ડાયલોગ બોલવા માંડે, અસલી જીવનના ડાયલોગ. જેમ કે - કભી બોમ્બે આઈ તો દેખ લુંગી. તુમ કૈસે મેરી જીવનભરકી કમાઈ નિગલ સકતે હો! ક્યા મેરી પ્રોપર્ટીમેં સે તુમ મૂઝે એક પાઈ ભી નહીં દોંગે ?”
        મુંબઈમાં કોણ હતું એમનું ? સાસરીયાના સગાંઓ-દેરીયા-જેઠીયા..... ઓહ, સમજાયું ! ઇધર કા માલ ઉધર. આવારા સંવાદોનો અહિં એમણે અમલ જોયો હશે ?
થોડી વાર રહીને મેં એમને પૂછ્યું:મારે એમને મળવું છે.  મેં કહ્યું: પત્તો મેળવી આપશો ?
એમણે જવાબ આપ્યો નહિ. મૌનમાં પડેલો નકાર કોઇ જીવતા માણસને ગળી ગયેલા દરિયાના અતાગ પાતાળમાંથી જન્મેલો હોય છે.
                                                               ****  ****  ****

સુરતના ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશી માહિતી આપે છે કે 15-7-2003ના રોજ અમેરિકાના એક નર્સિંગ હોમમાં દરીદ્ર અવસ્થામાં અવસાન પામનારાં લીલા ચીટણીસને એ અવસ્થામાં ચરિત્ર અભિનેત્રી શશીકલાએ શોધી કાઢ્યાં ત્યારે એ લીલાજી એમને ઓળખી પણ શક્યાં નહોતાં, એટલા બધા સ્મૃતિહ્રાસથી પીડાઇ રહ્યાં હતાં. અનેક ગીતોના ગાનારાં એ અભિનેત્રીએ 1935 ની ફિલ્મ ધુંઆધાર”/ Dhuwandhar થી પોતાની કારકિર્દી શરુ કરી હતી, હિરોઇન તરીકે તેમણે બંધન”/ Bandhan (1940) ઝૂલા/Jhoola અને કંગન/ Kangan ( 1941) સહીત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. એ પછી ચરિત્ર અભિનેત્રી તરીકે પણ તેમની કારકિર્દી અતિ યશસ્વી રહી હતી. તેમની રજુ થયેલી છેલ્લી ફિલ્મ રામુ તો દિવાના હૈ”/ Ramu to diwana hai (2001) હતી,બનવાજોગ છે કે તેનું શૂટિંગ અગાઉ થઇ ચૂક્યું હોય યા તેઓ અમેરિકાથી થોડા સમય માટે આવ્યાં હોય.

                                         ****  ****  ****

આ અનોખી અભિનેત્રી પર ફિલ્માંકીત થયેલું અને તેમણે જ અશોકકુમાર સાથે ગાયેલું 'બંધન' (૧૯૪૦) ફિલ્મનું આ અતિ વિખ્યાત અને લોકપ્રિય ગીત જોઈને તેમની સ્મૃતિને તાજી કરીએ. (ગીતકાર: પ્રદીપ, સંગીતકાર:  આર.સી.પાલ) 



6 comments:

  1. વાચનારને વિચારવાયુનો આફરો ચડે એવા ઝબકારા આપતી તમારી કલમને સલામ !

    ReplyDelete
  2. બિરેન ભાઈ,
    આપણાં લોકપ્રિય લેખક શ્રી રજની કુમાર પંડ્યાના
    ફિલ્મી લેખોમાં જે માહિતીઓ હોય છે તેજ વાંચીને
    મઝા પડી જાય છે,જે ઘણી વાર પહેલીવાર વાંચવા મળે છે.
    લીલા ચીટનીસ એક જમાનાના લોકપ્રીય અને
    માનઉપજાવે એવા અભિનેત્રી હતા.પછીથીય પણ
    તેઓ ચરિત્ર અભિનેત્રી તારીખે તેમજ 'માં'ના પત્રમાં
    પણ ખુબજ માનનીય હતા.
    તેમનો આવો અંત:કાળ કેવો કરુણ કહેવાય!!
    તેમની પેઢીના પ્રસંશકો પણ હવે ધીરે ધીરે વિદાય
    લઇ રહ્યા છે!!
    આમજ ઈતિહાસ રચાતો હોય છે!!

    ReplyDelete
  3. બિરેનભાઈ – આ રિપીટ આર્ટિકલ છે. અગાઉ મેં મારી રિમાર્ક મુકી હતી.૧૯૭૦ના જુલાઈમાં કોલમ્બિયા યુનિમાં સ્ટુડન્ટસ યુનિયને બસંત ફિલ્મનો શો રાખ્યો હતો.(શમ્મીકપુર અને નૂતન) તે જોઈને અમે અંડર ગ્રાઉન્ડ ટ્રેઈનમાં બેઠા ત્યારે અમારી સામેની સીટ પર બેઠા હતા. મેં ઓળખી કાઢ્યા.અને વાતો કરી હતી.મારા મિત્ર કિરીટ એમને જોઈને એટલું બોલ્યો–અંદર તો બુ%ી લાગતી હતી ાને અહિં તો જુવાન લાગે છે. તેમણે તેમના દીકરાની ઓળખાણ કરાવી હતી. મને આ રીતે–લતા મંગેશકર– બિસ્મીલ્લાહ ખાન– શશીકપુર અને જેનિફર–રાજકપુર અને એના પત્ની. વિ. ન્યુ યોર્કમાં મળી ગયા છે. મેં જુદો આર્ટિકલ લખ્યો છે. લેખ બદલ રજનીભાઈને અભિનંદન. અને તમને પણ ;)

    ReplyDelete
  4. Birenbhai
    aabhaar
    bahu saras lekh...

    ReplyDelete
  5. ભરતકુમાર ઝાલાApril 18, 2012 at 10:14 AM

    વાંચવાની મજા પડી.

    ReplyDelete
  6. excellent article, LEELA CHITNIS JI was a gem in indian film industry,her role of mother in AWAARA is memorable till date.may lord bless her soul.RIP.
    Rahim chundrigar

    ReplyDelete