Monday, December 12, 2011

ભરબપ્પોરે દીવો આ શહેરના અગ્રગણ્ય આગેવાન વેપારી શેઠશ્રી કલુભાઈ હકમીચંદ શાહના પ્રમુખપદે આ વાક્યોની નીચે લુભાઈ સ્વહસ્તે જ લાલ લીટી કરી અને એ પત્રિકા મુનીમને આપી. મુનીમે નીચે બીજી વધારાની લીટી કરી અને પછી સંભાળીને એક ફાઈલમાં એને મૂકી દીધી. આમંત્રણપત્રિકા ફરી એક વાર વાંચી લીધા પછી ફરીથી શેઠના કારોબારમાં ખોવાઈ ગઈ.
પણ વચ્ચે ટેલિફોન આવ્યા.વચ્ચે એકવાર કમ્પ્યુટર ઓપરેટર કાંઇક પ્રિન્ટ આઉટ આપવા આવ્યો. એક વાર મુનીમજીએ છીંક ખાધી તે જરા અણગમાથી એ તરફ જોવાઇ ગયું. ફરી ટેલિફોન આવ્યો. રિસીવર મુનીમજીએ રૂમાલથી લૂછીને એમના હાથમાં દીધું. સામેથી કોઇ બોલતું હતું, શેઠ, આપના પ્રમુખપદે આ સમારંભ છે અને આપની પાસેથી અમને સારી એવી અપેક્ષા છે.
"જોઇએ, તમારી અપેક્ષાને પૂરી કરવા પ્રયત્ન કરીશ,
પણ આ વખતે બન્યું છે એવું કે ... " 
ટેલિફોન પર કંઈ કમિટમેન્ટ ક્યાંય નહીં, એટલે જોઈએ તમારી અપેક્ષાને પૂરી કરવા પ્રયત્ન કરીશ, પણ આ વખતે બન્યું છે એવું કે.... આટલું જ બોલ્યા અને અધુરું છોડી દીધું.સામાના મનમાં ભલેને ગરોળીની પૂંછડી તરફડ્યા કરે !
આ વર્ષે ખરેખર ઘણું દાનપૂણ્ય કર્યું હતું. હકમીચંદ શેઠના પૂણ્યસ્મરણાર્થે સ્મશાનમાં નવો સેનિટરિ બ્લૉક, માતા શ્રીમતી ગુણવંતીબેનનાં પૂણ્યસ્મરણાર્થે ઢોરને નીરણ રાખવા માટે પાંજરાપોળને આખું વરસ બાંધી આપ્યું, એટલે આ વખતે આ સંસ્થામાં.... જોઈએ...હવે. આ તો મનોમન વિચાર! બહાર બોલવાની જરૂર નહિ.
પણ મુનીમે વગર કહ્યે ધર્માદાખાતું કાઢ્યું ખાતાવહીમાં. લુશેઠની ફોન પરની વાતચીત પૂરી થઈ એટલે મુનીમ સાથે દ્રષ્ટોદ્રષ્ટ મળી. મુનીમે પાનું તૈયાર રાખ્યું હતું ને એક કાગળની ચબરખી ઉપર એક-બે સરવાળા - બાદબાકી કરીને કહ્યું. લગભગ સાડી ચાર લાખ વાપર્યા છે. . હજુ પચાસ હજારની જગ્યા છે ને હવે આ વરસે બીજો કોઈ ખર નથી. દિવાળી આડા ફક્ત સાત-આઠ દિ બાકી છે.
આટલે સુધી બોલ્યા એ માહિતી કહેવાય. એથી આગળ બોલે તો સલાહ કહેવાય. લુશેઠની આંખમાંથી બ્રેક દબાતી ને મુનીમની જીભને લાગતી. અત્યારે આવું જ થયું. મુનીમ ચૂપ થઈ ગયા.
જોઈએ હવે શેઠ એમ બોલ્યા એટલે મુનીમને ટાઢક વળી - ચાલો - શેઠ આપણી વાતથી નારાજ તો નથી થયા એ તો નક્કિ, પણ ત્યાં તો બીજી જ પળે શેઠે તેમના ભણી તીરછી નજર કરી : એ સંસ્થાની તમે આટલી ભલામણ કરો છો તે છે શું આટલું બધું ? ત્યાં પાર્ટ ટાઈમ નામું-બામું લખવા જાઓ છો કે શું ? કે પછી છોકરાને ત્યાં મોકલો છો ?
જે ખસિયાણું હાસ્ય મુનિમ અવારનવાર વાપરતા તે વાપરીને બોલ્યા : ના, રે મારાથી હવે એવા ધોડા ક્યાં થાય છે? ને છોકરો તો હજી કૉલેજમાં ટીચાવા જાય છે.
મૂળ વાક્ય અહીં પૂરું કરવાનું હતું પણ ચકલીની જેમ અંદર છૂપાયેલું કશુંક ફફડતું હતું  તે બોલી જ જવાયું : “એના પ્રમુખશ્રી છે તે અમારા વેવાઈ થાય.
કોણ લખમીચંદ ભાણચંદ?”
હા. મુનિમે જોયું કે શેઠે ચશ્મા ઉતાર્યા હતા. મતલબ કે ધ્યાનથી સાંભળવાની તૈયારી, હવે સવાલની રાહ નહીં જોવાની. જવાબ ધરી જ દેવાનો એવો સંકેત : શેઠ, મારા ભાઈ છે ને એના છોકરાની સગાઈ એની ભત્રીજી વેરે હમણાં કરી.
ત્યારે એમ વાત છે, એમ ને ?”
આમાં હા પડાય કે ના ની ખબર ન પડી એટલે મુનીમે અમસ્તા અમસ્તા સંચાથી પેન્સિલની અણી કાઢવા માંડી.
એ લોક ફંકશન તો મોટું કરવાના હશે નહીં ?”
સંસ્થાની આબરૂ પ્રમાણે તો કરશે જ ને ?”
"સંસ્થાની આબરૂ પ્રમાણે તો
ફંક્શન કરશે જ ને?"  
જવાબ બરાબર ન કહેવાય, સંસ્થાની આબરૂ તો સમજ્યા હવે, પણ જેને પ્રમુખ તરીકે બોલાવ્યા છે તેનો દરજ્જો પણ જોવો જોઈએ. ફંકશન એના બરનું હોવું જોવે.
શું કરશે સંસ્થાની આબરુ પ્રમાણે? કલુશેઠે પૂછ્યું.
જાણે આપ તો પ્રમુખ તરીકે છો. પછી જરા અટકીને બોલ્યા: અતિથિ-વિશેષ તરીકે પ્રેરક ઉપસ્થિતિમાં આપણા જામનાણી છે. સાંસદ છે ને !એટલે આપને બેયને શોભે તેવું તો કરશે જ ને ?
એ..મ ? કલુશેઠ શબ્દને લંબાવીને બોલ્યા. પણ પછી આગળ જે બોલ્યા તે મનોમન. જામનાણી એટલે ઠીક હવે મારા ભાઈ,, દરજ્જો તો  ટોટલ પાંચ જ વરસનો ને કે બીજું કાંઇ!
ને એમાં ય વચ્ચે ઉડી જાય, કાંઇ કેવાય નહિ આ પ્રજાનું  આ શેઠનો વિચાર. બોલવાનો નહિ, કરવાનો.મમળાવવાનો.ચગળવાનો.
ઠીક,પછી ?”
આપના હાથે વિદ્યાર્થીઓને ઈનામવિતરણ......અતિથિવિશેષ જામનાણીજીનું પ્રેરક ઉદબોધન, અને આપ દ્વારા ચેક અર્પણ પછી આપનું ફરી સ્વાગત......આપના બંનેના આભાર દર્શન,
        શેનો આભાર ? શેઠે પૂછ્યું; કોના કોના ?
         આપનો દાન માટે, જામનાણીજીનો પ્રેરક ઉપસ્થિતી માટે
 જામનાણી પણ ઠીક મારો બેટો ચાલતી ગાડીએ ચડી જાય છે. એ વાક્ય કલુશેઠના મોઢા સુધી આવીને રહી ગયું. પણ પછી એ વાક્યનું સૌમ્ય રૂપાંતર બહાર પડ્યું : “જામનાણી કંઈ ડોનેશન-બોનેશન  આપવાના કે પછી એકલી પ્રેરક ઉપસ્થિતી જ  ?”
રાજકારણી માણસ શું આપે ? અને એમાંય તે આ જામનાણી ! એવું મુનીમ બોલ્યા તો નહીં, પણ એવું બોલવાની કક્ષાનું એ મલક્યા. વળી પેન્સીલની અણી કાઢવા માંડી. ફૂંકથી ફોતરાં ઉડાવવા મંડ્યા ઉડાડેલા છોતરાં વળી ગાદી પર પડ્યાં. ગાદી સાફ કરવા માંડી આડી હથેળી કરીને.
આ વિધિમાં એક મિનિટનો સેઈફ પિરીયડ પસાર થઈ ગયો.
મુનીમે જોયું કે, શેઠે સંતુષ્ટ થઈને ચશ્મા પહેરી લીધા ને ટપાલો જોવા માંડ્યા. હવે પચ્ચા હજારથી એક પાઈ ઓછી નહીં પાકે એમ મુનીમને ખાતરી થઈ. 
**** **** **** 
કન્યાઓએ ચાંદલો કરીને શેઠનું સ્વાગત કર્યું. સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી કન્યાઓના ઝૂંડની પાછળ ઊભા હતા. એમાંથી એક જણે કાંડા ઘડિયાળ સામે જોયું. એ સારું તો ન જ કહેવાય. પ્રમુખ પાંચ મિનિટ મોડા પણ આવે. અતિથિવિશેષ રાજકારણી માણસ તો નવરો હોય.વી ગયો હતો. દૂર મંચ પર બેઠો હતો. મોઢામાં પાનનો ડૂચ્ચો હતો.આ તરફ જોતો બી નહોતો....ને વળી જો ને, કપાળેય મોટો બધો લાલ ચાંદલો હતો ! એટલે એનો અર્થ તો એમ જ ને કે કન્યાઓએ એને પણ......
ત્યાં જ સંસ્થાની મુખ્ય શિક્ષિકાએ આવીને એમની સામે ફૂલનો ગજરો લાવીને ધર્યો. આ પ્રથા સારી કહેવાય. મહેમાન પ્રત્યે સન્માન દર્શાવવાની આ રીત હમણાં - હમણાં ચલણમાં આવી હતી.
......પણ જામનાણીની બાજુમાંય ફૂલનો ગજરો પડ્યો હતો. આ કેવું ? સન્માન આમ શું સૌ સામે વેરી દેવાની ચીજ છે ?
" સન્માન સૌની સામે વેરી દેવાની ચીજ છે? " 
પ્રમુખની ખુરશી અને અતિથિવિશેષની ખુરશી વચ્ચે કોઈ ફેર નહીં. બંને જોડિયા બહેનો જેવી. જામનાણીએ ઊભા થઈને સ્મિત કરવાનો શિષ્ટાચાર બતાવો જોઈએ, પણ આવા માણસોના જીવનમાં શિષ્ટાચારનું સ્થાન કાગળમાંના હાંસિયા જેટલું જ. શેઠે એમના સામે મોં મલકાવ્યું તો જામનાણીએ સ્યા વગર પાન ચાવીને ગળે ઉતાર્યું. એને જો સામું અભિવાદન કર્યા બરોબર ગણાતું હોય તો ભલે.
ક્યાં છે મુનીમ ?” શેઠે ચોતરફ નજર ફેરવી. થોડે દૂર સફેદ કોટની પીઠ દેખાઈ. કોઈની સાથે વાતોમાં મશગૂલ હતા. મુનીમ, આ સમય હતો તમારે તડાકા મારવાનો ? આ બધી જ ચડતા ઉતરતા ક્રમની વ્યવસ્થા એમણે ગોઠવવી જોઈએ, પણ એમને સામે જોવાની પણ ફુરસદ નથી. હા,ભઇ હા, વેવાઇનું આંગણું છે ને !
સ્વયંસેવક જેવા લાગતા એક છોકરાને શેઠે કહ્યું કે એમને બોલાવો. કાનમાં છોકરાનો શબ્દ પડતાંવેંત પોતે ઊઠી ન શક્યા તે માટે દિલગીર હોય એમ માફીગ્રસ્ત ચહેરે મુનીમ નજીક આવ્યા.
જી ? મને બોલાવ્યો ?”
હા, શેઠે કહ્યું. પણ શું કામ હતું ? શું કહેવું ? બોલ્યા : ચેકબુક લાવ્યા છો ને ?”
જી હા.... એમણે કોટના ખિસ્સા પર, હૃદય પર મૂકતા હોય એમ હાથ મૂક્યો.
‘સારુ’એ બોલ્યા; બધી વાતનું ધ્યાન રાખતા રો.
બધી વાતનું એટલે શું ? મુનીમને ના સમજાયું.
આ પછી સમારંભ આગળ ચાલ્યો. ઈનામવિતરણ શેઠના હાથે, સંસ્થાના સુવેનીરનું ઉદઘાટન જામનાણીના હાથે. બન્નેના હાથે મંગળદીપ અને ગ્રંથ-વિમોચનમાં પાછો જામનાણી ! સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીના ભાષણના દાનવીર તરીકે શેઠનો ઉલ્લેખ સાવ વાજબી, પણ કર્મવીર તરીકે જામનાણી ભેગો ને ભેગો.
રાજકારણી માણસને બોલતા તો આવડે જ ને ?  એના ભાષણમાં આટલી બધી તાલીઓ પાડવાની કોઈ જરૂર ખરી ?
શેઠે મુનીમને ઈશારાથી નજીક બોલાવ્યા.
ચેકબુક ?’
છેક કાન પાસે મોં લાવીને મુનીમે હરખાઇને કહ્યું : ચ્ચા હજારનો ચેક તૈયાર જ છે.
કેન્સલ કરો, નવો લખો. પાંચ હજારનો. એમની જીભ સાથે આંખમાંથી પણ હુકમ છૂટ્યો :” આપણને વધારે પોસાણ નથી.
" કવર તો સારું લાવવું' તું ? " 
પણ..મુનીમ મનોમન ઘણું બોલી ગયા પછી પ્રગટપણે પણ માત્ર પણ જ બોલ્યા..
       હું કહું તેમ કરો.  
શેઠે કરડી નજરથી જામનાણી તરફ જોયું. એ જાહેરમાં હાથ ઊંચા કરી કરીને સંસ્થાને બીરદાવતો હતો.
શેઠે પાંચ હજારના ચેકમાં જરી ભીંસ દઇને સહી કરી. કવર માગ્યું. ફૂલબુટ્ટાવાળું મુનીમે રેડી જ રાખ્યું હતું.પણ તો ય શેઠ ચિડાયા; કમસે કમ કવર તો સારું લાવવું તું?
ચેક નહિ,જાસો મુકતા હોય એમ મુનીમે ચેકને કવરમાં મુક્યો.
**** **** **** 
તમારા શેઠે આમ કેમ કર્યું  છેક છેલ્લી ઘડીએ ? તમે તો પચ્ચાસ હજારનું કહેતા હતા ને ?
" શેઠે આમ કેમ કર્યું ?"  

વેવાઈએ મુનીમને આમ પૂછ્યું. ત્યારે મુનીમ સંસ્થાની ઓફિસમાં બેઠા બેઠા આખો સમારંભ કેટલા રૂપિયામાં પડ્યો તેનો હિસાબ સંસ્થાને માંડી આપતા હતા ને ચશ્મા છેક નાક સુધી ઉતરી ગયા હતા ને બાજુની લારીમાંથી મગાવેલી ચાની પ્લાસ્ટિકની પ્યાલી ઠરીને ઠીકરું થઇ રહી હતી.  એટલે એક વાર તો જવાબ ના આપ્યો. પણ આ ને આ સવાલ જ્યારે બીજી વાર વેવાઈએ પૂછ્યો ત્યારે કલમ નીચે મુકીને એમણે આત્મજ્ઞાનની વખારમાં નવોનવો આવીને જમે થયેલો જવાબ આપ્યો : મારો હિસાબ બોલે છે કે જામનાણીની પ્રેરક ઉપસ્થિતિ આપણને પિસ્તાલીસ હજારમાં પડી,
 વેવાઇના દિમાગમાં ભરબપ્પોરે દીવો થયો. 

1 comment:

  1. ભરત કુમારDecember 12, 2011 at 2:53 PM

    ઝબકાર નો લિસોટો હોય તો ગમે ત્યારે ને ગમે ત્યાં અજવાળું થઇ શકે,એની સાબિતી જોઈતી જ હોય તો લો આ વાર્તા જ વાંચી લો.

    ReplyDelete