Sunday, November 27, 2011

એક સાલ,તીન મૌસમ,અંદાઝ તીન (ભાગ-૨)



એ પછી ફરી લાંબો ગાળો વીતી ગયો. મેં પણ બેન્ક બદલાવી હતી અને અનેક મોરચે અનેક લડાઇઓ લડવાનું બંધ થયું નહોતું. શહેરો બદલતો હતો અને સંગત પણ ! વાચકોનું એક નવું પ્રત્યક્ષ અને પરોક્ષ જગત પણ તરતું થઇ ગયું હતું. સમયની રેતમાં ખોવાઇ ગયેલા મિત્રોને શોધીને ફરી સંપર્ક સ્થાપવા જેટલા સમયની મોકળાશ પણ સંબંધોના અડાબીડ વધ્યે જતા વનમાં રહી નહોતી. પણ એમાં ય ક્યારેક નિર્મળની યાદ ડોલ્ફીન માછલીની જેમ સપાટી ચીરીને એકાએક ઉપર આવી જતી હતી. અને પાછી તળીયે જતી રહેતી.ફરી જળ શાંત થઇ જતાં હતાં.
પણ મનહર અને પંકજ બન્ને તો એકદમ લાઇમલાઇટમાં હતા. સાવ શરૂઆતમાં મનહરના પત્રો પોતાની નવી રેકોર્ડ બહાર પડતી ત્યારે જાણ કરવા પૂરતા આવી જતા. (આવો એક પત્ર અહીં મૂક્યો છે.) 
મનહરનો  એક પત્ર 
પણ પછી એમની એટલી બધી ખ્યાતિ ઉભી થઇ ગઇ કે એવી ખબરો તો અખબારો દ્વારા પણ પડી જતી. પંકજનું પણ એવું જ. પણ બેઉ ભાઇઓના આભિજાત્યને આંચ નહોતી આવી.અમદાવાદના હવે તો જન્નતનશીન એવા સિરાજ રંગવાલા (સ્વ.શેખાદમ આબુવાલાના બનેવી) શેખાદમ એવૉર્ડને  નિમિત્તે ગઝલ સંધ્યાનું આયોજન કરતા ત્યારે એ ત્રણે ભાઇઓ અચુક આવતા,મને પણ આમંત્રણ મળતું . સાથે ડિનર પણ લેવાતું. પણ એમના અગણીત ચાહકોના ઘેરા વચ્ચે હેલો-હાય સિવાય વધુ વાત થઇ શકતી નહિં. નિર્મળ સાથે પણ નહિં. અલબત્ત, એ તો જોઇ જ શકાતું હતું કે બન્ને વત્સલ ભાઇઓની હૂંફમાં એ પાંગરતો જતો હતો. એક વાર એણે આંખો ચમકાવીને એટલી વાત કરી દીધી કે પંકજનાં પારસી પત્ની ફરીદાજીનાં જ બહેન નરગિસ વરીયાવા સાથે એણે 1985માં લગ્ન કરી લીધું હતું. એકાદ બે સંતાનો પણ હતાં.
**** **** ****

એક વાર મારા મિત્ર  અને અમદાવાદની હોટેલ હવેલીના માલિક (જેઓ હાલ 2011માં જ અવસાન પામ્યા) વિનોદ જોશીએ તેમના ક્રિકેટ એસોસીએશનના ફંડ રેઇઝીંગ માટે પંકજ ઉધાસનો કાર્યક્રમ યોજવા માટે મારી મદદ માગી. મેં સંપર્ક કરતાં જ પંકજભાઇએ એક પણ ક્ષણના વિલંબ વગર જૂના સંબંધના નાતે ઘણું કંસેશન કરી આપ્યું  અને અમદાવાદ આવ્યા . પણ એ સાંજે મારા માટે એક મોટી સમસ્યા ઊભી થઇ. હું એ દિવસોમાં હું અરવિંદ ત્રિવેદી લંકેશ સાથે મળીને ગુજરાત સ્ટેટ આઇ બેંક ફેડરેશને માટે ચક્ષુદાન ઉપરની એક ટેલિ-ફિલ્મતિમીરમાં તેજનો ફૂવારો બનાવતો હતો.એનું ટાઇટલ સોંગ મેં જાતે લખ્યું હતું. એમાં બે અંતરા હતા. એ ગીત માટે છીપા નામના એક સ્થાનિક ગાયકને બોલાવ્યા હતા. સાંજે પ્રકાશ જંગબારીના સ્ટુડીઓમાં રેકોર્ડીંગ વેળા મને લાગ્યું કે એ ગાયકના ઉચ્ચારો દરીયાપુરની મુસ્લીમ બોલીની છાંટવાળા હતા. મેં વારંવાર રી-ટેક કરાવ્યા છતાં એ એમાં સુધારો ના લાવી શક્યા. જો કે એમણે ગાયેલું મુખડું બરાબર હતું પણ અંતરાના અમુક શબ્દોના ઉચ્ચારમાં તકલીફ હતી. હું ખરેખરો મૂંઝાયો. સ્ટૂડીઓનું ભાડું ચડતું હતું અને કામ થતું નહોતું. છેવટે મેં સાહસ કર્યું. પંકજ ઉધાસ જ્યાં ઉતર્યા હતા ત્યાં ફોન કરીને એમની સાથે વાત કરી. મારી આપદા સમજાવી. ભલે એક વારના એ મારા મિત્રના નાનાભાઇ પણ આજ તો અતિ નામાંકીત ગાયક હતા.  આ ગીત, અને તેમાં ય ગુજરાતી ટાઇટલ ગીત ગાવા એ તૈયાર ના જ થાય  અને આટલી શોર્ટ નોટિસથી તો નહિં જ. હું એમની ના માટે માનસિક રીતે તૈયાર પણ  હતો પણ એમણે કાચી સેકંડમા હા ભણી દીધી.( બે કલાક પછી તો તેમનો કાર્યક્રમ હતો છતાં ય !)  તેડવા આવવાની પણ મને ના પાડી. એમણે સ્ટૂડીઓ જોયો જ હતો. મારતી રિક્શામાં એ આવી ગયા. અને ઝાઝી પૂર્વતૈયારી વગર અંતરા એમણે બહુ સારી રીતે ગાઇ દીધા. એક પણ રૂપિયો ફી લીધી નહિં. મુખડું એક સામાન્ય ગાયકનું ગાયેલું અને અંતરા મશહૂર ગાયક પંકજ ઉધાસના ગાયેલા ! એમણે એમની ખાનદાનીનો આ રીત પરિચય આપી દીધો.
 પંકજ ઉધાસ
એ  સાંજે , કાર્યક્રમ પૂરો થયા પછી અમે મોડી રાત સુધી હોટેલ હવેલીમાં વિનોદભાઇનું આતિથ્ય માણ્યું. મને નવાઇ લાગી કે આજુબાજુ ઘેરો વળીને  બેઠેલા મહાનુભાવો એમની સાથે વાતો કરવા આતુર હતા ત્યારે પંકજભાઇએ મારી સાથે મારી નવલકથા કુંતી વિષે જ વાતો કર્યા કરી કે જે એ છેલ્લા અઠવાડીયાથી વાંચી રહ્યા હતા અને આવતી વખતે પ્લેનમાં  જ પૂરી કરી હતી. જો કે હું એ દરમ્યાન સતત નિર્મળ વિષે જાણવા મથતો હતો.પણ ખૂલીને પૂછી ના શક્યો.   બસ ,મઝામાં છે અને હોટેલોમાં સરસ શો કરે છે,આલ્બમો પણ બહાર પડે છે તેટલી વાત જાણી સંતોષ થયો પણ મનને માણ ના વળ્યું. વધુ શું જાણવું હતું તે તો હું પણ જાણતો નહોતો.કોઇ ચોક્કસ રમકડાના વેન વગર વેને ચડેલા બાળક જેવું મારું મન થઇ ગયું હતું, જેને ઉંઘાડી દેવા સિવાય શાંત કરવાનો કોઇ ઇલાજ નહોતો અને ઉંઘાડવું મારા વશમાં નહોતું.
**** **** ****

એ પછી કેટલાય વર્ષે એકવાર હું એક મિત્ર સાથે મારા દોસ્ત નટુભાઇ અંબાણીને ત્યાં સાંજે જમવા માટે જઇ રહ્યો હતો.  એમનું ઘર અલ્ટા માઉન્ટ રોડ ઉપર ઑલ્ટ વ્યુ નામના બિલ્ડીંગમાં હતું.  અમે અમારી હોટેલ અનૂકૂલ પરથી ટેક્સી પકડી પણ ટેક્સીવાળાએ  એ બિલ્ડીંગથી બહુ આગળ જઇને ટેક્સી થોભાવી. અમારે થોડું પગપાળા પાછા ફરીને ઑલ્ટ વ્યુ પહોંચવાનું રહ્યું. એ અમે રીતે જતા જ હતા ત્યાં એકાએક પાછળથી બૂમ આવી- એ રજનીભાઇ મેં ચમકીને પાછળ જોયું. નિર્મળ હતો ! એ બરાબર વળાંક પર આવેલા બિલ્ડીંગ   નિશાંતમાં રહેતો હતો !અમે પસાર થયા ત્યારે એ બાળકો સાથે એના કમ્પાઉંડમાં જ ઉભો હતો.એણે મને એના ઘર પાસેથી પસાર થતા જોયો.તરત ઓળખી ગયો અને બુમ મારી.  મને આનંદ આનંદ થઇ ગયો. હું તરત પાછો ફર્યો. અમે ભેટી પડ્યા, અને એક બીજાના ખબરઅંતર પૂછ્યા. ફોન નંબરોની આપ-લે કરી. મેં એને નટુભાઇ વતી ભોજનમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું પણ એ તો ના આવ્યો. પણ વળતા અમે એને ઘેર ગયા. ત્યારે હરખાઇને એણે પોતાની પ્રગતીની વાતો કરી. પોતાની બે નવી બહાર પડેલી ઓડીઓ કેસેટસ પણ આપી.એણે બહુ હોંશથી ખબર આપી કે 1989માં એણે યુ.કે.ની બહુ સફળ સંગીત-સફર કરી હતી, વેમ્બલી કોન્ફરન્સ હૉલમાં એણે એક જબરદસ્ત હાઉસફૂલ પર્ફોર્મન્સ આપ્યું હતું. જેની સ્કીપ્ટ ગુલઝારે લખી હતી અને એમાં નિર્મળનો પરિચય શર્મીલા ટાગોરે આપ્યો હતો. એ શોની સફળતા એને આખા યુ.કે.માં છ શો આપવા સુધી લઇ ગઇ. મેં મારી સમજણની એ મર્યાદા સ્વિકારી લીધી કે ફિલ્મોમાં ગાવું એ અલબત્ત, બહુ યશખચિત વાત છે પણ ઉત્તમ કલાકારની પાંખો એવા બીજા આસમાનને  શોધી જ લે છે. ખરેખર જોઇ શકાતું હતું  કે એ પોતાની રીતે,પોતાની દિશામાં પણ મક્કમ રીતે આગળ વધી રહ્યો હતો. સંતોષ હતો. એનો પણ એક ચોક્કસ ચાહક વર્ગ હતો. જિંદગીમાં કોઇ કમી હોય એવું એને લાગતું નહોતું અને એ જ મોટી વાત હતી.
**** **** ****
એ પછી અમે ફરી મળી શક્યા નથી. કોઇ કારણ નથી. પણ દિલ સતત એના તરફ ઝુકેલું રહે છે. મનહરભાઇ સાથે મૂલાકાત થાય છે, પંકજભાઇ સાથે પણ.  પંકજે તો 1993માં મેં સ્થાપેલા જગમોહન ફાઉન્ડેશનમાં પ્રમુખ થવાનું પણ સ્વિકાર્યું અને પોતાના પત્ર સાથે ચેક પણ મોકલી આપ્યો, એ જ અરસામાં એમનું ત્રણે ભાઇઓની ગાયેલી ગઝલોને સમાવતું આલ્બમ તીન મૌસમ બહાર પડ્યું હતું જે એમણે મને મોકલાવ્યું અને એને પ્રસિધ્ધી આપવાની પોતાની ઇચ્છા મારી પાસે એ પત્રમાં વ્યક્ત કરી.

**** **** ****

 જેતપુરની કમરીબાઇ હાઇસ્કૂલના મકાનની દુર્દશા વિષે ‘ફૂલછાબ’માં સંશોધક જીતુભાઇ ધાધલે એક લેખ લખેલો તે મને જેતપુરના જ પી.સી.પારેખે રાજકોટથી મોકલેલો અને તે મનહરભાઇને મોકલવા સૂચન કરેલું. જો કે તે લેખમાં ત્યાં ભણનાર તરીકે નામ પંકજભાઇનું હતું એટલે એ લેખ મેં તેમને જ મોકલ્યો. બીજે જ દિવસે સાંજે જ તેમનો ફોન આવ્યો. કહ્યું કે પોતે નહિં પણ મનહરભાઇ એ હાઇસ્કૂલમાં ભણ્યા હતા. થોડા સમય પહેલા એમને જેતપુર જવાનું થયું ત્યારે  એ હાઇસ્કૂલના મકાનની હાલત જોઇને જરી લાગણીવશ 
બની ગયા હતા એ વાત સાચી હતી.હજુ પણ મનહરભાઇ અને પોતે પણ એ સ્કૂલ માટે કંઇ પણ કરવા તત્પર છે. પરંતુ સામે ઇનીશ્યેટીવ લેનાર કોઇ નથી. તેમણે જેતપુર પરત્વે પોતે ત્રણે ભાઇઓના લાગણીભીના લગાવની તો થોડી વાતો કરી પરંતુ પ્રજાની રુચી અને કદરદાનીની ઓછપ વિષે  પણ બહુ સૌમ્ય શબ્દોમાં હળવી વ્યથા  વ્યક્ત કરી. તેમની વાતો સંમત થવી જ પડે તેવી હતી. (બધા શહેરોની તાસીર રમેશ પારેખના અમરેલી જેવી નથી હોતી).
એ ફોનમાં પણ તેમણે  નિર્મળની એની પોતાની રીતની સફળતાઓની થોડી વાત કરી હતી કે જે સાંભળવા હું ઉત્સુક હતો.એમણે કહ્યું કે નઝાકતપછી પણ  નિર્મળના નવાઝીશ, ફનકાર, માશૂર, બેહતરીન, તારીફ, તલબ, રૌશન, જનાબ, ફીદા જેવા અનેક આલ્બમો બહાર પડી ચુક્યા છે. અને બધાને જ ગઝલ શોખીનોએ બહુ પસંદ કર્યા છે.એનું છેલ્લું આલ્બમ બેતાબીતો યુનિવર્સલે જારી કર્યું છે. 
**** **** ****

મારી નિરાશા વ્યક્ત કરતો એક  ટૂંકો  લેખ મેં સંદેશમાં 18-10-81ના દિવસે લખેલો. એ પાયાના લેખને આજે ફરી નવું અને વિસ્તૃત રૂપ આપીને એ નિરાશાને સુલટાવી રહ્યો છું. એમાં  વિતેલા ત્રીસ વર્ષો દરમ્યાનની ત્રણે બંધુઓની અને વિશેષ તો નિર્મળ ઉધાસની વાતોનો સુખદાયી સ્પર્શ ઘોળાયેલો છે. નાના-મોટા બન્ને ભાઇઓની વચ્ચે બેશક, નિર્મળ પોતાની રીતે પોતાની બહુ સંગીન જગ્યા બનાવતો રહ્યો છે. અને હજુ પણ  એનો અગાઉનો ખુશમિજાજ બરકરાર છે.
1999થી એ ઇંગ્લેંડમાં છે. એણે હોંગકોંગ, સિંગાપુર, ફિલીપીન્સ,શ્રીલંકા,સમગ્ર યુરોપ,અમેરિકા,કેનેડા, અને કેરેબીઅન ટાપુઓમાં કુલ મળીને પચાસથીય ઉપર શો કર્યા છે. 
એ પોતે અને એનો બાવીસ વર્ષનો પુત્ર કાર્તિક આમ તો ફાઇનાન્સ અને એકાઉન્ટ્સનો અભ્યાસ કરી રહ્યો છે સંગીતમાં પણ સક્રિય છે. કાકા પંકજભાઇના કાર્યક્રમોમાં કી-બોર્ડ પણ વગાડી શકે છે. પુત્રી રેનીસા પણ તેજસ્વી છે.બહુ થોડા વખતમાં એ મીડીઆ અને ફિલ્મિંગમાં ડબલ ગ્રેજ્યુએટ બની જશે.
આજે સમજાય છે કે કોઇ એક મોસમથી વરસ બનતું નથી. એને માટે  અલગ અલગ,આગવા અને અનોખા મિજાજવાળી ત્રણ મોસમ જોઇએ.ત્યારે એ વરસ મટીને સાલને નામે ઓળખાવાને લાયક બને છે.
 (સમ્પૂર્ણ) 

સુખ,સંપ,સંતોષ અને સફળતાની તસવીરી ઝલક: 


નિર્મળ: પત્ની નરગીસ  સાથે 

પુત્ર કાર્તિક સાથે
પુત્રી રેનીસા સાથે 

ત્રણે ભાઈઓ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે 

મોરારી બાપુ સાથે ત્રણે ભાઈઓ 

અમિતાભ બચ્ચન સાથે નિર્મળનો પરિવાર 


(ડાબેથી) :  પ્યારેલાલ, નિર્મળ, મનહર  અને લક્ષ્મીકાન્ત

અનોખા અન્દાઝ તીન  મૌસમ કા 

No comments:

Post a Comment