Tuesday, December 20, 2011

દેવ આનંદ: કેટલાંક દૃશ્યો અને છેલ્લો સીન (ભાગ- ૧)


           
આ 4 થી ડિસેમ્બરે 2011માં તેમનું લંડનમાં અવસાન થયું અને તેઓ નિદ્રાવસ્થામાં જ ચીરનિદ્રામાં સરી પડ્યા. જાણે કે તેમની મસ્તીભરી બેફિકરીથી એરોપ્લેનની એક્ઝિક્યુટિવ ક્લાસની સીટ જેવા હૉટેલના સોફા ઉપર બેઠા બેઠા જ જીવતરની અંતીમ સરહદને ઓળંગીને ક્ષિતીજમાં ભળી ગયા, નઝરથી ઓઝલ થઇ ગયા.

આ સમાચાર આઘાતજનક નહિ, પરંતુ પારાવાર શોક પ્રગટાવનારા હતા. એ શોકના કાળા વાદળા પછવાડેથી છેલ્લા કેટલાક સમયની થોડી સ્મૃતિઓ ચિત્તના પરદા પર તરવરી રહી.

1996 ની સાલની મારી એમની સાથેની પ્રત્યક્ષ મુલાકાત વખતે એ જે વાઇબ્રન્ટ અંદાજમાં હતા એ અંદાજ તે પછીની હરેક મુલાકાતમાં જળવાઇ રહેલો જોવા મળતો હતો. એક માત્ર છેલ્લે 2011 ના માર્ચની 8 મીએ થયેલી મુલાકાત એમાં અપવાદ રહી, (અગાઉ મેં એપ્રિલ લખ્યું છે તે સરતચૂક હતી.) જેની વાત આ લેખના અંતમાં કરીશ. પરંતુ 1996 પછી જ્યારે 1997માં મારે થાઇરોઇડના ડીપ ઇન્ફેક્શનને કારણે બોમ્બે હૉસ્પિટલમાં દાખલ થવાનું આવ્યું ત્યારે મારા મિત્ર સ્વર્ગસ્થ જસ્ટિસ કે,જી,શાહ મુંબઇમાં હાઇકોર્ટ જસ્ટિસ હતા. ( કે જેઓ આગળ જતાં ગોધરા પંચમાં પણ નિમાયા હતા)  તેમના આગ્રહને કારણે હું માંદગી પછીના થોડા દિવસના આરામ માટે તેમના કોલાબા પર આવેલા સારંગ બિલ્ડિંગમાં તેમના ફ્લેટમાં રોકાયો હતો, જેની ઉપર મોરારજીભાઇના પુત્ર કાંતિલાલ દેસાઇ રહેતા હતા. બહાર નીકળવાની જરા પણ વૃત્તિ મને નહોતી, પણ એક–બે મિત્રો ગુજરાતથી આવી ચડ્યા અને વાત વાતમાં તેમણે દેવ આનંદને મળવાની ઇચ્છા બહુ તીવ્રપણે વ્યક્ત કરી. તેઓ દેવ આનંદ પર પિક્ચરાઇઝ્ડ ગીતોની વી.સી.ડી પણ અરવિંદ પટેલ પાસેથી લઇને  આવ્યા હતા, જે તેમને રૂ-બ-રૂ આપવાની તેમની ઇચ્છા હતી. મારાથી ના પાડી શકાઇ નહિ. છેવટે દેવ સાહેબ ના પાડે તો સારુંતેવી માનસિકતા સાથે તેમને મેં ફોન કર્યો, તો તેમણે ખૂબ જ ઉષ્માથી આવી જવાનું ઇજન આપ્યું, હવે મારે ગયા વગર છૂટકો નહોતો. શાહસાહેબે હાઇકોર્ટના નિશાનવાળી લાલ લાઇટવાળી ગાડી આપી તેનો ફાયદો એ થયો કે અમને સીધો જ તેમના વિશાળ આનંદ રેકોર્ડિંગ સ્ટુડીયોમાં પ્રવેશ મળી ગયો, નીચે રિસેપ્શન પર દેવ આનંદે મારા આવવાની મારા નામજોગ  જાણ કરી જ દીધી હતી, તેથી એની અસર અંદરના સ્ટાફ પર એવી પડી કે જસ્ટિસ પંડ્યાસાહબ આયે હૈ.


દેવસાહેબ અંદર સ્ટુડીયોમાં વ્યસ્ત હતા, પણ ભોંયતળીયે  આવેલી તેમની અલાયદી ચેમ્બરમાં અમારું બાદશાહી સ્વાગત થયું. થોડી જ વારમાં દેવસાહેબ આવ્યા અને બહુ ઉમળકાથી હાથ મિલાવ્યા. પછી કહે,  અરે! તુમ જજ કબસે બન ગયે ? બોલતાં જ એ ઠહાકો મારીને હસ્યા અને મારી સાથે આવેલા મિત્રો સાથે પણ હસ્તધૂનન કર્યું. થોડી વાતો થઇ. એમણે વીસીડી હાથમાં લીધી અને મને લાગલું જ પૂછ્યું,ક્યા તુમને બનાઇ હૈ ? મેં ના પાડી અને અરવિંદ પટેલ વિષે વાત કરી. અને મારી ટેવ પ્રમાણે મેં તેમની રજા લઇને તેમના ટેબલ પરથી જ અરવિંદ પટેલને ધોરાજી ફોન જોડ્યો અને દેવસાહેબના હાથમાં આપ્યો. દેવઆનંદે તેમનો આભાર માન્યો કે જે મેં નાનકડા વૉકમેનમાં ટેપ કરી લીધો. અચાનક મારું ધ્યાન તેમના ભરચક્ક ટેબલ પર પડેલી એવી જ એક બીજી વીસીડી પર પડ્યું અને મને બહુ નવાઇ લાગી કે એના પર ગુરુદત્તનું નામ હતું ! મારી આંખોમાં પ્રગટેલી નવાઇ એમણે ચપળતાપૂર્વક વાંચી લીધી. તરત બોલ્યા, કોઇ દે ગયા હૈ. બસ, વધુ પૂછવાનો અવકાશ જ તેમણે આપ્યો નહિ. ભારે ઝડપથી અમારી સાથે પૂર્ણવિરામ વગર એ વાતો કર્યે જતા હતા. થોડી વારે અમે બહાર નીકળ્યા ત્યારે મારા મિત્રોને તેમને મળ્યાના આનંદ કરતાં એ વાતનો વસવસો વધારે હતો કે તેમની વાતો તો સાંભળી, પણ કરવા ધારેલી વાત-ચીત તો  થઇ જ નહિ.

તેમની હાજરી માત્ર જ ઇલેક્ટ્રીફાયિંગ હતી તે વાતની પ્રતિતી મારી તેમની સાથેની દરેક મુલાકાત વેળા મને થતી હતી એટલે હું તો ટેવાઇ ગયો હતો. પણ દરેક વખતે મારી સાથે આવનારા જુદા જુદા મિત્રોને મન એ તત્ત્વ જ મુલાકાતને અવિસ્મરણીય બનાવી દેનારું હતું,  બીજી અનેક મુલાકાતોની યાદ મારા મનમાં સચવાઇને પડી છે, પણ 2006 ની સાલમાં થયેલી એક મુલાકાત કાંઇક જુદી જ રીતની હતી, એ  2006 ની સાલનો એપ્રિલ મહિનો હતો. મારે ત્યાં અચાનક જ અમેરિકાવાસી.એવા મારા વાચક મિત્ર અરુણભાઇ-ઉષાબહેન પટેલ આવી ચડ્યા, બન્ને દેવ આનંદના દિવાના હતા. દેવ આનંદની ફિલ્મો તો ઠીક,પણ એ દરેક ફિલ્મોમાં પરદા ઉપરના તેમના નામ તેમને યાદ હતા અને કેટલાક ડાયલોગ્સના અંશો સુદ્ધાં ! જે તે વારંવાર દેવની છટા સાથે બોલી બતાવતા હતા. એ લોકો દેવ આનંદને ક્યારેય પણ રૂ-બ-રૂ મળ્યા નહોતા કે જે માટે તેઓ વર્ષોથી અતિ તીવ્ર ઝંખના સેવી રહ્યા હતા. એ અઘરું કામ હું કરી શકીશ તેવા વિશ્વાસ સાથે  તેઓ મારે ત્યાં અમદાવાદ આવ્યા અને એ માટે મને બહુ ભારપૂર્વક વિનંતી કરી. ત્યારે તેમના આગ્રહને વશ થઇને મેં મારા ઘેરથી તેમના દેખતાં જ દેવ આનંદને ફોન જોડ્યો. અને અરુણભાઇને બીજી લાઇન પર રાખ્યા. દેવ આનંદ તરત ફોન પર આવ્યા અને જેવો હું મારું નામ બોલ્યો કે તરત જ ચીરપરિચીત ઉમળકાથી એમણે પહેલું જ વાક્ય ઉચ્ચાર્યું, કબ આ રહે હો ?  

અરૂણભાઇ આ સાંભળીને સ્તબ્ધ જ થઇ ગયા ! મેં કહ્યું, દેવસાહબ, મૈં બંબઇસે નહિ,.અહમદાબાદસે બોલ રહા હું. આપ કા ચાહનેવાલા એક કપલ અમરિકાસે આયા હૈ. અભી  બંબઇમેં હી મુલુંડમે  રહેતે હૈ. ચાર યા પાંચ અપ્રૈલકો આપ ઉનકો થોડા સમય દે સકતે હૈ ?મહેરબાની હોગી. તરત કંઇ કહેવાને બદલે થોડી વાર રહીને એમણે પૂછ્યું, તુમ નહિ આ રહે ?

મારે ખરેખર સાતમીએ મુંબઇ જવાનું જ હતું, પણ સમયની મુશ્કેલી હતી એટલે મારે સાથે ના જવું પડે તો સારું એમ મારા મનમાં હતું, એટલે મેં ચાર કે પાંચ તારીખ માગી હતી. પણ તેમના પૂછવાનો ભાવ પકડીને મેં કહ્યું,જૂઠ નહિ બોલુંગા. મૈં સાતવીંકો તો આ હી રહા હું મગર...
તો સાતવીંકો હી આ જાઓ ઇન લોગોં કો લે કર. પછી કહે, ક્યા ક રહે હો આજ કલ?
બસ, યહી. લિખના,પઢના..ઔર ક્યા ?મેં કહ્યું અને પછી ફોન અરુણભાઇને પકડાવી દીધો, અહોભાવથી છલકાતા ચહેરે એમણે વાત કરી અને પૂરી કરી. ગમે તેમ પણ આ બધું જોઇ-સાંભળીને તેમને હાશકારો થયો. એકલા જવાની તેમની તૈયારી નહોતી. એટલો મોટો સ્ટાર છેલ્લી ઘડીએ કદાચ ના પણ પાડી દે. સાતમીએ હું મારા મિત્ર પ્રભાકર વ્યાસને ત્યાં ઇરલામાં હતો.અરુણ પટેલ અને અમે એક ચોક્કસ સ્થળે મળવાના હતા. સાંજના છ થયા હતા. સાત વાગે તો મળવાનું હતું. હું તૈયાર થતો હતો ત્યાં જ અમદાવાદથી એક જૂના દોસ્તનો ફોન આવ્યો!

ક્યાં છો? શું કરે છે ?
બોમ્બે છું અને આડીઅવળી કલ્પના ના કરીશ. દેવ આનંદને મળવા જાઉં છું,
અરે,વાહ ! એ બોલ્યા: એ તો મારા બહુ ફેવરીટ હીરો. પણ ...
કેમ અટકી જવું પડ્યું ?.
કશું નહિ પણ .. એમણે કહ્યું: એમને એટલું તો પૂછજે કે સુરૈયાને શા  માટે છોડી દીધી ?

મને થોડું હસવું આવ્યું, મનમાં ઘણા ચિત્રો સજીવન થઇ ખળભળીને વિલાઇ ગયા. જળ શાંત થઇ ગયા. હસવું એ વાતે આવ્યું કે એમ એક સીધા સવાલની અણીએ કાંઇ આવડો મોટો સ્ટાર એક  અલ્પપરિચીત માણસ સમક્ષ પોતાના દિલનું રહસ્ય થોડો જ ખોલી દેવાનો? એ અપેક્ષા જ બાલીશ હતી. પણ મને વધુ વાત કરવાનો સમય નહોતો. મુંબઇની ઉત્પાતિયણ આબોહવા મારા ફેફસામાં ભરાયેલી હતી. એટલે મેં એટલું જ કહ્યું;
સારું, પૂછીને તને કહીશ.
એક સ્થળે એકઠા થઇને અમે પાલી હિલ પહોંચ્યા અને જેવા આનંદ સ્ટુડીઓના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યાં ત્યારે અર્ધોએક કલાક મોડું થઇ ગયું હતું. દેવસાહેબ પોતાની ત્રીજા માળે આવેલી ઓફિસ છોડીને છેક ઉપર ટેરેસ(છત) પર ચાલ્યા ગયા હતા. મને સંકોચ તો થયો, પણ છતાં શેટ્ટી નામના એમના માણસને મારું કાર્ડ આપ્યું અને દેવસાહેબને પહોંચાડવાની વિનંતી કરી. એ ગયો અને ઝડપથી પાછો આવી ગયો. કહ્યું:દેવ સાહબને આપકો અકેલેકો ઉપર બુલાયા હૈ

મારા માટે આ સાંભળીને ભારે મૂંઝવણભરી સ્થિતી પેદા થઇ. હું તો અવારનવાર મળતો જ હતો. મારે  મળવાની કોઇ તાલાવેલી ક્યાં હતી ? નહોતી જ. છતાં જેમને હતી તેમને નીચે બેસારીને મારે એકલાએ જઇને શું કરવાનું ? અરૂણ પટેલ અને તેમના પત્ની ઉપરાંત સાથે આવેલા પ્રભાકર વ્યાસના ચહેરાઓ ઉપર નિરાશા વ્યાપી  ગઇ. પણ અર્ધી ક્ષણમાં જ મેં નિર્ણય લઇ લીધો. મેં શેટ્ટીને કહ્યું,   હમ સબ ઉપર ચલતે હૈ.  આપ ફિકર મત કરો, દેવસાહબ કુછ નહિ બોલેંગે.એ અમને રોકે કે કશું કહે એ પહેલા મેં મારા મૂંઝાયેલા મિત્રોને આંખથી આત્મવિશ્વાસ આપ્યો. મેં લિફ્ટનો દરવાજો ખોલ્યો અને એ સૌ મારી પાછળ આવી ગયા. ત્રીજે માળે અમે પહોંચી ગયા. અને ત્યાંથી સીડી ચડીને ટેરેસ પર આવી ગયા. ત્યાં જે દૃશ્ય જોયું તે દેવસાહેબની ગ્લેમરભરી છબીથી સાવ વિપરીત હતું, સંધ્યાનો આછો લાલ અને પળે પળે ઝંખવાતો  જતો પ્રકાશ પથરાયેલો હતો.એમાં લાંબી ચોડી ટેરેસની મધ્યમાં દેવસાહેબ એક તદ્દન સાદી લોખંડની ફોલ્ડીંગ ખુરશી પર માથે જવેલ થીફની ફેલ્ટ મુકીને બેઠા હતા. ચશ્મા ચડાવેલા હતા. ખોળામાં કેટલાક કાગળિયાં હતા. મને લાગે છે કે આટલા આછા પ્રકાશમાં તેઓ વાંચી તો શું શકવાના હતા, પણ માથે મુકેલી ફેલ્ટ જેમ પડેલી ટાલને મુલાકાતીથી છાવરવા માટે હતી તેમ ખોળામાં રાખેલા કાગળીયાં પણ કદાચ ...

અમને બધાને  એકસામટા જોઇને એક ક્ષણ એ નવાઇ પામી ગયા. પણ તરત સંયત થઇ ગયા. મને સામેની ખુરશી ચીંધી. સાથે એક સન્નારી પણ હતાં એ જોઇને એમને ખુરશી કોણે આપવી તેની અવઢવ થઇ પડી. તેઓ પોતે એ માટે ઊભા થવા જતા હતા ત્યાં જ ઉષાબહેન પાણીની ટાંકી ઉપર લઇ જતી લોખંડની નાની સીડીના એક પગથિયાં ઉપર બેઠાં અને પછી તરત ઉભાં  થઇ ગયાં, હું ઉભો થવા જતો હતો પણ દેવસાહેબે મને રોક્યો,મ્યુઝિકલ ચેર જેવી આ રમત ભાગ્યે જ અર્ધી મિનિટ ચાલી  હશે. પછી તો અમારા બે સિવાય બધા ઉભા રહ્યા કે તરત જ પટેલ દંપતિએ પોતાનું ભક્તિપ્રદર્શન શરુ કર્યું. તેમની થોડી ઓળખાણ આપીને વચ્ચે વચ્ચે થોડા વખાણનો પુટ આપવા સિવાય મારે કશું કરવાનું નહોતું, જે હું કરતો હતો. પોતે લાવેલી એમની ફિલ્મોની ડીવીડી ઉપર તેમના ઓટોગ્રાફ લીધા પછી જેવો અરૂણભાઇએ કેમેરા બહાર કાઢ્યો કે દેવસાહેબે તરત મને કહ્યું રજની, ઉનકો બોલો, મેરા આજ મૂડ નહિ હૈ ફોટો કે લીયે. ફિર કભી મિલ લેંગે. પછી કહે પૂરા દિન એ.સી.મેં બૈઠકે  એક થકાન સી લગતી હૈ. શામકો યહાં આ કે બૈઠતા હું તો ઠીક લગતા હૈ. અરૂણભાઇએ કેમેરા પાઉચમાં પાછો મુકી દીધો. ત્યાં તો દેવસાહેબે તેમના ભણી જોઇને પૂછ્યું,લગતા હૈ યે સબ ડીવીડીઝ પાયરેટેડ હૈ. અરૂણભાઇએ માથું હલાવીને હા કહી. વાત અહિં પૂરી થતી હતી,પણ મારા મનમાં મારા મિત્રે સોંપેલું કામ કરવાનું બાકી હતું. એટલે દેવસાહેબની રજા લઇને અમે સૌ ઉઠ્યા અને ટેરેસની નીચે લઇ જતી સીડી સુધી આવ્યા. મેં અરુણભાઇ અને તેમનાં પત્નીને ઉતરવા દીધા અને હું એકદમ ત્યાંથી પાછો ફર્યો, મારી પાછળ પાછળ પ્રભાકર વ્યાસ પણ આવ્યા. તેમને  ઘેર તો મારા મિત્રનો ફોન આવ્યો હતો અને તેઓ તેમને ઓળખતા પણ હતા. તેમને આખી વાતની પણ ખબર હતી, તેથી તેમની હાજરીમાં પૂછવામાં મને સંકોચ નહોતો. હું ફરી દેવસાહેબ પાસે ગયો. હવે તેમના ચહેરા પર સાંજનો અંધકાર છવાવા માંડ્યો હતો, પણ મને પાછો ફરેલો જોઇને તેમને આશ્ચર્ય થયું તે હું જોઇ શક્યો.

દેવસાહબ, તેમની નજીક જઇને, ઝૂકીને મેં કહ્યું, અગર ઇઝાજત દેં તો એક પર્સનલ સવાલ પૂછું?એમણે હા કે ના કાંઇ ના કહ્યું. પણ એને જ હા સમજીને મેં પૂછી જ લીધું. સુરૈયાજીસે આપને રિશ્તા ક્યું તોડ દીયા?

(ક્રમશ:) 

7 comments:

 1. તમે અહીં જ કેમ ક્રમશઃ લખી નાખ્યું??!!બહુ ઇન્તેઝાર છે.....

  ReplyDelete
 2. Karine Garbad!!! Ekad paragraph vadhu samvi didho hot to ???
  sumant Chicago

  ReplyDelete
 3. હિન્દી સિરિયલો જેવું કેમ કર્યું? બરાબર ક્લાઈમેક્સ વખતે જ એપિસોડ પૂરો કરીને to be continued લખી નાખ્યું? એમણે શું કહ્યું એનો પણ અંદાજ તો છે, છતાં તાલાવેલી એટલી જ છે. eagelry waiting for the next part.....

  ReplyDelete
 4. આ વાંચીને ભારોભાર અફસોસ થાય છે કે એક પણ વાર દેવ આનંદને મળવાનો મોકો ન મળ્યો. without any exaggeration, can't imagine my world without THE DEV ANAND - an ideal and an inspiration ..... your article gave a way to all emotions and made me cry... its toooooo painful to think even that he has chosen his way to immortality......

  ReplyDelete
 5. Beautiful and touching!

  ReplyDelete
 6. દેવાનંદ -બને ભાગ વાચ્યા,પોતાના સમય નો આ એવેર્ગ્રિન હિરો ખુબજ નસીબદાર કેહવાય ,કે તેમને [મારી ધારના પ્રમાણે ]જે પ્રકાર
  નું મ્રીત્યું માગ્યું હશે તેવું મળ્યું ,પોતાની આ evergreen છાપ વિષે તેઓ સદાય સભાન રહેતા ,લોકો એમનો મૃત પામેલો દેહ જોયી
  કદાચ બુઢો દેવાનંદ તો મૃત્યુ પામ્યો -આ ધારણા બાંધે ,આવું ના થાય માટે એમની ઈચ્છા હશે કે હું મરું તો ભારત ની બહાર ,અને મારા
  મૃતદેહ નો ફોટો કોઈ ના પાડે,તે જાત ના instructions પોતાના પુત્ર ને આપ્યા હશે ,ઝીંદગી ની સચાઈ થી દૂર ભાગવું કદાચ ફિલ્મવાળાઓ
  ને ગમતું હશે -નહીતર બુઢાપો એ ઝીંદગી ની સચાઈ છે જ .રજનીભાઈ ના લેખન ની એક જાદુગરી જ કહેવાય કે દરેકેદરેક શબ્દ વાચવા
  થી આંખોં સામે એજ સીન આવી જાય જે એમણે જોયું છે ,અદલ એજ સીન .જેમ આપણે ત્યાં હાજર છીએ .ખરેખર દાદાગીરી કહેવાય રજનીભાઈ
  તમારી .એક પ્રકાર ની તસ્સલી રહેતી જ્યારે તેઓ જીવતા હતા કે હજુ દેવાનંદ આપણી વચે છે ,પ્રભુ એમ્ને લાંબી હયાતી બક્ષે,પણ લાંબી
  હયાતી પણ ક્યારેક તો પૂરી થવાની જ ને ....માણસ માત્ર મરવાને પાત્ર.-પરેશ દુબે

  ReplyDelete
 7. Dev Sahebni vaato jani ghani khushi thai.

  ReplyDelete