Monday, November 7, 2011

સાંકળરેવાશંકર, તમે શીળી દાક્તર છો,કંઈ જમદૂત નથી. તમને જોઈને છોકરાંવાળાં ઘરનાં બારણાં કેમ ભડોભડ દેવાઈ જાય છે ?’
લોકો મૂરખ છે. છોકરાને શીતળા ટંકાવવાનો હેતુ સમજતા નથી. હું શું કરું ?’
      એમ નહીં, પણ તમે સમજાવટથી કામ લેતા હો તો લગીર !’
            ‘શું (ગાળ) સમજાવવા? કેટલાકને ? અને સમજે પણ કેટલાક ? હું તો સરકારી નોકર. ઓર્ડર પ્રમાણે જ કામગીરી બતાવવી પડે. સીધી રીતે ના સમજે તો બળજબરીથી છોકરું આંચકી ના લઉં તો મારી ધારેલી સંખ્યા પૂરી ના થાય.
છોકરું ચીસાચીસ કરી મૂકે. અબુધ માતા હેબતાઈને જોયા કરે. બે-ચાર સિપાઈ કોરેમોરે ખડા થઈ જાય. રેવાશંકર છોકરાને ભારે હાથે પકડીને બાવડે ચપોચપ નિશાન ચાંપે અને જેવી એમની પીઠ દેખાય કે તરત જ રડારોળ થઈ જાય. એમના નામના છાજીયાં લેવાવા માંડે. ક્યારેક શીતળાની રસી પાકે, ને ક્યારેક પછીની જોઈતી સારવાર ન મળે, રસી ઉપર માખો બણબણે, ને નિશાન સડી જાય પાસ-પરૂ થાય. ક્યારેક એમાંથી બાળક ઊગરે, ક્યારેક તરફડીને રામશરણ થઈ જાય. બ્રિટિશ સરકારને એ કશું જોવાનું નહીં. કાગળ પરના આંકડા જોવાના. રસીના સ્ટોકની વધઘટ જોવાની. બાકી રેવાશંકર શીળી દાક્તર ત્યાં ઉંદર, પણ ગામડે આવે ત્યારે સિંહ. એમના નામનો સન્નાટો.
રેવાશંકરને બ્રિટિશ સરકારે એમના આરોગ્ય ખાતાએ એક બળદ જૂતે એવી ગાડી આપી હતી. એનો હાંકેડુ પણ રેવાશંકરની સાથોસાથ ગામડે ગામડે રઝળે. ધંધો એવો કે બિચારાને કોઈ ચા-પાણીની સલાહ પણ કરે નહીં. રેવાશંકર ઝનૂનથી ઘેર ઘેર ફરીને સરકારે આપેલી બાવડાની સંખ્યા પૂરી કરે. એમાં જમવા-જૂઠવાનું પણ ભુલાઈ જાય. હાંકેડુ પણ ટળવળે. બળદ પણ નિરણપાણી વગર ઉચ્છવાસથી નાખોરાં ફુંગરાવ્યા કરે. દિવસ વીતે, ગરમ સાંજ પડે ને રાતે રેવાશંકર ઘર ભેગા થાય. એ વખતે એકાનો હાંકેડુ ગાભા જેવો થઈ ગયો હોય ને બળદ મુડદાલ. વધારામાં બગા પણ પજવતી હોય કારણ કે રેવાશંકર શીળી દાક્તર પોતાની ગમાણમાં બળદને લોખંડની સાંકળથી ચપોચપ બાંધતા. બળદની ખૂંધે ભાઠાં, અને ક્રમે ક્રમે પાઠાં પડી ગયાં હતાં. બળદને રાશને બદલે સાંકળથી બાંધવાની સબબ ? રેવાશંકર કહેતા કે ગોરી સરકારે સાંકળ સમજીને આપી છે. ઢોર, ગમાર, મૂરખ અરુ નારી, યે સબ તાડન કે અધિકારી એ કહેણી ગોરાલોકની સમજ સુધી પહોંચી ગઈ. એના જેવા રાજકર્તા થયા નથી. થાવા નથી.
રેવાશંકરના મોટા બે જનોઇબંધા ભાઈઓ આશારામ અને શિવરામ પરણું પરણું કરતાં વાંઢા જ ગત થઈ ગયા. શું કરે ? નાતમાં કન્યાની ભારે અછત. રેવાશંકર નોકરિયાત હતા એટલે એમનું પોતાનું વળી એક ઠેકાણે ગોઠવાઈ ગયું. લગ્ન પછી લાંબા સમયે દાક્તરાણીનો ખોળો ભરાયો હતો. છોકરો જન્મ્યો. એના બાવડે શીળી ટંકાવવા રેવાશંકરે બીજા શીળી દાક્તરને બોલાવ્યો. કારણમાં મારો હાથ સાલો ભારે છે એમ રેવાશંકર બોલ્યા. ત્યારે સાંભળનારા હસ્યા. છોકરે પણ હળુંમળું મોં મરકાવ્યું. જો કે એ તો મોઢે માંખ બેઠી એટલે હશે.
બંને મોટાભાઈઓનો ઉઘાડો ફટ્ટાક દલ્લો રેવાશંકરના ઘરમાં આવ્યો. તાંબા-પિત્તળના મોટા મોટા દેગ-દેગડા, ચરૂ, પેટી-પટારા, મજૂસ, સોના રૂપાનો મોટો બદ્ધો લોચો અને રાણી છાપ ઠનઠનિયા પણ ફાંટ ભરાય એટલા. નિર્વંશ મોટાભાઈઓના આત્માની સદ્દગતિ અર્થે કાંઈક નિવારણ કરો એમ કહેતાં સગાં-વહાલાંઓ સમક્ષ રેવાશંકરે છોકરાના કપાળે પોતાની અનામિકાનું ટેરવું અડાડીને કહ્યું, કાંઈ જરૂર જ નથી. આ કુળદીપક એના કપાળમાં જ આ બધું લખાવીને જન્મ્યો છે.
ને ખરેખર છોકરાનું લલાટ એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ તેજસ્વી થતું ગયું. પણ એને ક્યારેક બિહામણાં સપનાં આવતાં. એ છળી ઊઠતો અને બાપને વાત કરતો ત્યારે રેવાશંકર મરદનું બુંદ છો, મરદ થા, મરદ થા એમ કહીને ઠારી દેતાં. ક્યારેક તો ગામડે ગામડે ઇંજેક્શનોની સોયો લઈને સપાટો બોલાવવાનો હોય ત્યારે એને પણ સાથે લેતાં. અને હાંકેડુને કેમ અને ક્યારે, કેટલો ધમકાવવો, બળદ પાસેથી વધારે કામ કેમ લેવું ? રડતા છોકરાને કેમ ડાટી દેવી ? અને ગામડીયણ વહુઆરુ છોકરાને ગમે ત્યાં સંતાડે તો કેમ ખેંચી લેવો એ બધું પુત્રને શિખવાડતા. એ વખતે એમને એમ લાગતું કે ઉત્તેજનાનો કોઈ પરમ આનંદ છલકાઈ રહ્યો છે.
દીકરાની સગાઈ જ્ઞાતિની ચંદ્રિકા જોડે કરી ત્યારે રેવાશંકરે દીકરાને કન્યા બતાવી નહોતી. શી જરૂર ? બાકી દીકરાની-ચંદુની ઇચ્છા ખરી કે છોકરી જોડે વાત કરવી, સાથે ફરવું અને એકબીજાને ઓળખવાં. એક આખો દિવસ પણ એને માટે ઠેરવ્યો હતો પણ એ દિવસે રેવાશંકર એને કન્યા બતાવવાને બદલે શીતળાના રાઉન્ડમાં લઈ ગયા. હાંકનારો બળદના પૂંછડાં આમળતો હતો તે ઘડીએ ચંદુ ચંદ્રિકા-ચંદ્રિકાકરતો હતો. ઝૂરતો હતો અને રેવાશંકર મનમાં કુમળાં કાકડી જેવાં બાવડાંની સંખ્યા ગણતા હતા.

એમને માંડ માંડ મનમાં ઊતર્યું કે છોકરાને કન્યાનું ઘેલું લાગ્યું છે ત્યારે એને થોડા દિવસ ફઈબાને ત્યાં મોકલ્યો. રૂપાળો અઢાર વરસનો ચંદુ ફઈબાને ત્યાં છોકરીની જેમ વાળનાં પટિયાં પાડીને અરીસાની સામે અર્ધો કલાક ઊભો રહ્યો ત્યારે ફઈબાને નવાઈ લાગી. બીજે દહાડે એ મોટો ઓરડો બંધ કરીને બે કલાક સુધી નાહ્યો ત્યારે ફઈબાના ઘરનાં સૌ કામ ઠોવાઈ રહ્યાં. એક જણે બારણાની તિરાડમાંથી જોયું તો ચંદુ અરીસા સામે શૂન્યમનસ્ક થઈને બેસી રહ્યો હતો અને ઓરડા આખામાં પાણીથી કચકાણ થઈ ગયું હતું.
ઉંબરાની બહાર પાણી આવવા માંડ્યું ત્યારે સૌએ બારણાં ઠબઠબાવ્યાં અને ખોલાવ્યાં ત્યારે ચંદુ બહાર નીકળીને બોલ્યો કે ફઈબા, તમને ખબર છે? ચંદ્રિકા મને મળવા આવી હતી અને આ બધું પાણી મેં નહીં, એણે ઢોળ્યું છે. ઘરકામ કરતાં કરતાં થોડું પાણી તો ઢોળાય જ ને ?’
ફઈબા હેબત ખાઈ ગયાં. એણે માંડ ચંદુને એના બાપ પાસે વળાવ્યો. રેવાશંકર એ દિવસે શીળીનો સપાટો બોલાવવા ગામડે ગયા હતાં. બહારગામથી આવીને દીકરો મા સાથે બહુ ઝઘડ્યો અને ચંદ્રિકાનું કલ્પિત ઉપરાણું લઈને ઝઘડ્યો. પછી શું સૂઝ્યું તે પોતાના કુંવારે સાસરે ગયો અને ત્યાં જઈને ફળિયામાં જ ચંદ્રિકાના નામની ઘાંટાઘાંટ કરી મૂકી. ચંદ્રિકા શરમની મારી ઘરમાં જ કોકડું થઈને પુરાઈ રહી અને થનારા સસરાએ ચંદુને ગાલે આવીને લાફો ઝીંકી દીધો. આવો ઘેલસાગરો જમાઈ હોય ?
ચંદુ પાછો ઘેર પહોંચ્યો ત્યારે રેવાશંકર ગામડેથી પાછા આવી ગયા હતા. ચંદુની વાંસોવાંસ એની સગાઈ તૂટી ગઈ હતી. તૂટ્યાના સમાચાર આવ્યા અને રેવાશંકર રાતાપીળા થઈ ગયા. છોકરાને કંઈપણ કહેવા જાય ત્યાં તો છોકરે જ એમના સામે ડોળા કાઢ્યા. દાંતિયાં કર્યાં અને સામી દોટ મૂકી. બે-ચાર જણે માંડ એને બાવડેથી પકડ્યો. એને ચમક ઊપડી હતી અને મોઢે ફીણ વળ્યા હતા. ફાન ચઢ્યું હતું.
આ પછી આમને આમ વર્ષો વીતી ગયાં. રેવાશંકર રિટાયર્ડ થયા ત્યારે છોકરો નરાતર ગાંડોતૂર થઈ ગયો. એ વખતે રેવાશંકર ખભેથી થોડા વળી ગયા. સરકારી એકો પણ સરકારને પાછો સોંપાઈ ગયો હતો. ખોડો બળદ લોટી ગયો હતો અને પત્ની પક્ષાઘાતને કારણે ટાંટિયા ઘસતી હતી. ચંદુનો ઉપદ્રવ વધતો જતો હતો. કપડાં કાઢીને ક્યારેક તો બહાર નીકળી જતો. એટલે લગભગ હરાયા ઢોરની જેમ કૂદતો હતો.
એકવાર એક જણે સલાહ આપી : રેવાશંકરભાઈ, હવે હદ થાય છે. આનો એક જ ઈલાજ હવે તો.
રેવાશંકર કરચલીયાળા કપાળે ઊંચે જોયું.
પેલાએ કહ્યું : ‘એને હવે દોરડે બાંધો.
      રેવાશંકરે મનમાં જોરદાર સટાકો બોલી ગયો. કડવા શબ્દો જીભે આવ્યા. જીભ કડવી કડવી થઈ ગઈ, પણ કશું ઓચરી શકાયું નહીં.
        તમે તમામ ઈલાજ કર્યા પેલો વળી બોલ્યો દવા-દારૂ, દોરા ધાગા શું નથી કર્યું, પણ મારી બે સલાહ છે- કાં એને દોરડે બાંધો અને કાં તો....
ફરી રેવાશંકરની આંખોમાં ચળકતો પ્રશ્નાર્થ ઊઠ્યો.
કાં તો એની ખસી કરી નાખો, સાચું કહું છું. પેલાએ બહુ ભલા ભાવથી કહ્યું. ખસી જેવો અક્સીર ઈલાજ નથી. પાંચ મિનિટનું કામ છે. સરકારી મંજૂરી તમને તો મળતાં કેટલી વાર ? બસ પછી ચાર જણા બાવડેથી થોભી રાખે, ટોપી સુંઘાડી દે-શું ?’
            રેવાશંકરને તમ્મર ચડી ગયાં, અંધારાં આવવા જેવું થયું આંખે. આ આકરા ઇલાજની આગળ પહેલો ઈલાજ બહુ ઠાવકો લાગ્યો. એમણે એ જ કર્યું. ગામમાંથી દોરડું માગતાં શરમ આવી. પરગામથી મંગાવી લીધું અને એક દિવસ ચંદુ ઊંઘતો હતો ત્યાં જ એને દોરડે બાંધી દીધો. ચંદુએ ધમપછાડા કર્યા, પણ શું થાય ? જો કે, થોડા દિવસમાં એણે દાંતથી દોરડાને પણ કાપી કાઢ્યું એટલે જરા જાડું રાશ કહેવાય એવું દોરડુ મંગાવવું પડ્યું. આ દરમિયાન મા-બાપ પર ગાળોનો ધોધમાર વરસાદ વરસાવવાનું ચંદુનું ચાલુ જ રહ્યું. પણ કાન કાપીને ફેંકી દીધા હોય એમ રેવાશંકર અને એનાં ઘરવાળાં વરતતાં. બીજો રસ્તો જ નહીં.
        થોડા દિવસ થયા એટલે ચંદુએ ફરી દોરડું તોડી કાઢ્યું. હાથમાં કોઈ હથિયાર કે અણિયાળી ચીજ આવી ગઈ હશે.
        સલાહ આપવાવાળા ફરી સલાહ આપવા માંડ્યા. પણ કોઈની હવે આગળ બોલતાં જીભ ઊપડતી નહોતી. હવે રેવાશંકર રાહ જોતા હતા કે કોઈ પોતાના મોંમાંથી કંઈ બોલે.કંઇ બોલે, પણ કોઈ બોલતું નહોતું એટલે કંટાળીને એક દિવસે રેવાશંકરે સામેથી જ એક જણને પૂછ્યું તમે શું કહો છો ? ચંદીયાને સાંકળેથી બાંધું ?’
ના કે હા પેલાએ કંઈ ના કહ્યું. એટલે અચાનક જ રેવાશંકરને જાણે કોઈએ ધક્કો માર્યો. કોઈ ના તો નથી પાડતું ને !’ ના ટેકાવાળા ઝનૂનથી એ મેડા ઉપર ચડ્યા. સરકારી ડેડસ્ટોકમાંથી કમી કરીને પોતાને મેડે ચડાવી દીધેલી બળદ બાંધવાની સાંકળને શોધી-નીચે ઘા કર્યો. છોબંધ લાદી પર એનો ધણધણાટ થયો. પક્ષાઘાતવાળી બૈરીએ ઉપર જોયું. રેવાશંકર નીચે ઊતર્યા અને ચંદુને એક ફળિયાના દૂરના ખૂણે આવેલી ગમાણમાં લઈ ગયા. એક ક્ષણ તો ચક્કર આવી ગયા. પણ પછી સંત થઈ ગયા. એમણે જાતે જ ચંદુની આસપાસ સાંકળ બાંધી. છૂટકો જ નહોતો. પછી એ જગતનો કોઈ બાપ ન બોલે એવું વાક્ય બોલ્યા હે દીનાનાથ, હવે તો આ પશુને ઢાંકીને જ અમે મરીએ, એટલું જિવાડજે.
એમની વાણી સાચી પડી. સાંકળ બાંધ્યા પછી ચંદુ ગળતો ગયો, ગળતો જ ગયો. ગળી ગયેલા ઢોરની જેમ એ ગંદકી પણ ત્યાં જ કરતો. ડોકી નમાવી દેતો. રોટલો ખાવા ડોકી ઊંચી થતી પણ એક દિવસ રોટલો જોઈને પણ ઊંચી ન થઈ. એ પતી ગયો હતો.
પણ છોકરાની નનામીને કાંધ આપવાના ટાણે જ રેવાશંકર ઉપર પગના ભાગે પક્ષાઘાતનો હુમલો આવ્યો. એ ઢગલો થઈને બેસી પડ્યા. બીજી તરફ એવી જ થરી પત્ની પગ ઘસતી આક્રંદ કરતી હતી. છોકરાની નનામી જેવી ડેલી બહાર નીકળી કે એ ભાઈ.... કહીને રેવાશંકર જાડા ઘોઘરા અવાજે રડ્યા. ત્યાં પત્ની બેભાન થઈ ગઈ. ડાઘુઓ નીકળી ગયા. ડેલી બંધ કરનાર કોઈ નહોતું. ખુલ્લી ડેલીની ફ્રેમમાં એક કૂતરું આવીને ઊભું પછી ઠેકીને અંદર આવ્યું. ટેવ મુજબ રેવાશંકર હાઈ કહેવા ગયા, પણ અવાજ ના નીકળ્યો ગળામાંથી.
પાછલા દિવસોમાં રેવાશંકર ગાભાના પલળેલા પોટલાની જેમ એક ઢાળિયા પાસે પડ્યા રહેતા. પત્ની ગુજરી ગઈ અને છૂટી ગઇ જેવો ભાવ એમણે અનુભવ્યો. પણ ટાંટિયા ઢસડતી ઢસડતી પણ બે જણાના રોટલા ટીપનાર ગઈ. હવે આ એકનું પણ કોણ કરે ? નાતીલાઓ રોટલા ખવડાવી જવા માંડ્યા. સાજાગાંડા જેવી એક દૂરની વિધવા બહેન આવીને નવરાશે ઘર વાળી-ચોળી જતી. લાચાર રેવાશંકર એની સામે જોઈને ડોક ઢાળીને બેઠા રહેતા. સવારમાંથી બપોર અને બપોરમાંથી સાંજ, સાંજમાંથી રાત પાડતાં અને ભેંકાર અંધારાં પીતાં.
પણ એકવાર સમી સાંજે ડેલીએ એક જણનો પગરવ થયો. સાહેબ ઘરમાં છે ?’
જવાબ આપે કોણ ? અંદર રેવાશંકરની જીભ સળવળી. હા પાડવા ગઈ પણ વળી લથડી ગઈ. બોલ્યા પહેલાં જ હા ભૂંસાઈ ગઈ. હોઠ ફફડ્યા અને એમાંથી ક્ષીણ સ્વર નીકળ્યો: કોણ સાહેબ ?’
ફરી સામેથી પૃચ્છા. સાહેબ છે ?’
જવાબ ના મળ્યો એટલે પૂછનાર અંદર આવ્યો. ફળિયામાં અંધારું હતું પણ ખૂણામાં ઢાળિયા પાસે જરા અજવાસ હતો. ઉધરસનું ઠસકું અને એમાં આવો ભાઈ, કોણ ?’ સંભળાયું એટલે આવનારે નજીક જઈને ફાનસની વાંટને સતેજ કરી. સફેદ દાઢીના કોંટાવાળા મોં પર કોડીની કરીને ચોડી હોય એવી બે આંખોથી રેવાશંકરે આવનાર સામે જોયું. પેલો હાંકેડુ હતો. એકવાર એકો હાંકતો એ.
સાહેબ એણે પૂછ્યું. કેમ આમ ? એકલા ?’
એ તો દૂરના ગામથી આવેલો, કોઈએ કંઈ સમાચાર નહીં આપ્યા હોય. બિચારો ભોળે ભાવે પૂછતો હતો : આમ કેમ ?’
એ પોતાના દીકરાના લગ્નનું પીરસણું લઈને આવ્યો હતો. રેવાશંકરે હાથના થીજી ગયેલા આંગળાંને બદલે કોણી અડાડીને એ ગ્રહણ કર્યું.
પણ કેમ આમ ?’ નો જવાબ એ ના આપી શક્યા. એ જવાબ આંખમાંથી વહી ચાલ્યો.
**** **** **** 

પત્નીના ગુજરી ગયા પછી એ ઝાઝું જીવ્યા નહીં. એક નાતીલો બપોરે ખાવાનું આપવા આવ્યો ત્યારે રેવાશંકરની આંખો ચડી ગઈ હતી ને કૂતરું એમનું મોં સૂંઘતું હતું.
થોડા વખત પછી એમના ખાલી પડેલા સરા કુવા, અમરેલીના ઘરમાં એનો એક વાંઢો ભાણેજ અતિવૃદ્ધ વયે લાચાર અપંગ અવસ્થામાં એકલવાયા જીવનના છેલ્લા દિવસો ગાળવા આવ્યો અને ત્રણ વરસ રહીને મરી ગયો. હાલત....એ જ.
પહેલાં બળદને અને પછી ચંદુને જેના વડે બાંધતા એ સાંકળ ક્યાં ? ક્યાં ? પાતાળમાં દટાઈ ગઈ હશે ?
**** **** **** 

(આ સત્યઘટના પાછળની અસલ કથા) 

સાવ નાનપણમાં જ્યારે નવા નવા ભેરુઓ કરવાનો ઉત્સાહ  વધુ પડતો રહેતો ત્યારે ઘેર આવેલા મહેમાન સાથે કોઇ સમવયસ્ક બાળક હોય તો મઝા પડી જતી. એવા દિવસો એટલે કે 1944 થી 47 ના ગાળામાં મારી સાત આઠની ઉમરે મારા સગા ફઈબાના જમાઇ દુર્ગાશંકર અને તેમના પત્ની ત્રિવેણીબહેન જેને મારી બા  તરવેણી કહેતાં, તેઓ વારંવાર મહેમાનદાખલ આવતા, અમરેલીથી તેમની જોડે મારાથી આઠ નવ વર્ષ મોટો તેમનો એકનો એક લાડકો દિકરો મનુ પણ આવતો. જેતપુરમાં મારા પિતા અમલદાર હોવાને કારણે ફિલમ જોવાનું મફત હતું, મનુ, મારા મોટાભાઇ ઇંદુભાઇને અને મને અમારો પટાવાળો મુસો મકરાણી ડાયમંડ ટૉકિઝમાં મૂકી જતો અને સિનેમા શરૂ થતા પહેલા અમને સોડા-લેમન પાઇને નીકળી જતો. મનુ વધુ એક સોડા લેમનની માગણી કરતો, પણ મુસો 'બજેટ'ના હિસાબે મજબૂર હતો. એ ના પાઇ શકતો ત્યારે મનુ  આંખમાં કાંઇક વિચિત્ર ચમકારો લાવતો અને કશુંક બબડતો.
મનુમાં આછા ગાંડપણનું આ ચિહ્ન હું એક જોણા તરીકે જોતો. મઝા આવતી. પણ ધીરે ધીરે એ વધુ ઉઘાડ પામ્યું. ત્યારે કરૂણા ઉપજવા માંડી. અમારા ઘરમાં અલગ બાથરૂમ નહોતો. તેથી મોટા ઓરડાના બારણાં બંધ કરીને એક પછી એક સૌ નહાવાનું પતાવતા. સ્વાભાવિક રીતે જ મહેમાનો હોય ત્યારે એ માટે ઝડપ કરવી પડતી. મહેમાનોએ પણ કરવી પડતી. પણ એકવાર મનુએ એમાં દોઢ કલાક લગાડી ઓરડાને પાણી પાણી કરી મૂક્યો ત્યારે સૌના મનમાં એના ગાંડપણાની છાપ પાકી થઇ ગઇ.
પોતાની બહેનના જમાઇ હોવાને કારણે મારા પિતા દુર્ગાશંકરને શીળી દાક્તર કહીને બોલાવતા ત્યારે એમને એ ગમતું, મોં પર દાક્તરીનો ગો છવાઇ જતો. વારંવાર એ બાળકો પરની પોતાની કડકાઇની વાતો કરતા અને શીળી ટંકાવવાથી ભાગી છૂટવા માગતા બાળક્ને પોતે કઇ રીતે બાવડેથી જકડી લેતા તેનું પ્રદર્શન મારું બાવડું પકડી બતાવીને કરતા.મને એક કલાક સુધી થતો બાવડાનો દુઃખાવો આજે પણ ધારું તો અનુભવી શકું .એમની આ ક્રૂરતા-એમના પુત્રનું આ ઉન્માદભર્યું ગાંડપણ –તરવેણીબહેનનું એ જોઇ રહેવું, એ બધાના એક રસાયણને  વર્ષો લગી મારા મનમાં પડ્યા પડ્યા આથો ચડતો રહ્યો. જ્યારે કોલમલેખન શરુ કર્યું ત્યારે આવા અનેક જૂના આથામાંથી એવા લખાણો નિપજતા રહ્યા કે જે ના તો શુદ્ધ વાર્તા હોય કે ના તો માત્ર પ્રસંગ કથા,
આ એમાંનું જ એક લખાણ છે. છેક સુધી તદ્દન સત્યઘટના છે. પણ લખી છે વાર્તાત્મક લઢણમાં.
                                                                     -રજનીકુમાર પંડ્યા           


2 comments:

 1. very touchy.. I hav all Zabakars.. but like to read here too..
  Lata Hirani

  ReplyDelete
 2. આપની આ વાર્તા વાંચીને ચુનીલાલ મડિયાની વાર્તાનું
  સ્મરણ થઈઆવ્યું !! દરેક લેખકોની શૈલી પોતાની આગવી
  હોય છે,'કાઠીયાવાડી' તળપદીમાં આપણાં ઘણા લેખકોએ
  ખેડાણ કર્યું છે,પણ કોઈ કોઈ લેખકો મનમાં ઊંડી છાપ ઉભા
  કરતા જાય છે તેમના તમે આવો છો.
  જે રીતે આ વાર્તામાં તળપદી ભાષાનું 'દર્શન' થયું છે તેજ
  આ વાર્તાની ખુમારી ને વાંચવાનો આનંદ છે.
  ગુજરાતી નવા ઉગતા લેખકોએ આપણી તળપદી ભાષાને
  જીવતી રાખવી પડશે,જો તેમને ગુજરાતી ભાષાના યાદગાર
  લેખકોની હરોળમાં બેસવું હોય ને 'જ્ઞાનપીઠ' કે ગુજરાતી સાહિત્ય
  પરિષદનું પારિતોષિક મેળવવું હોય તો 'કાઠીયાવાડી' તળપદીમાં
  લખવું પડશે.તે ત્યારેજ લખાય કે લેખક પોતાના સમાજનું સાચું
  દર્શન કરાવે.અહીં કહેવાનો અર્થ એ નથી કે કઈ નથી થતું પણ
  નજરે નથી પડતું એટલે આ બે લીટીઓ લખી છે.
  રજની કુમાર પંડયાની કલમમાંથી હજુ પણ ઘણું આવું વાસ્તવિક
  સાહિત્ય મળતું રહે તેવી તેમને અરજ.

  ReplyDelete