દિવાળીના દિવસો તો પછી આવે છે, પણ દિવાળી પહેલાં તો ધીરે ધીરે મનમાં ઊગે છે. આ વાત અત્યારે તો સાચી છે જ, પરંતુ બચપણમાં એની પ્રતિતી કંઇક વધુ નક્કર હતી. કારણ કે મન ત્યારે સરવાળા જ કરતું હતું. બાદબાકીની એને ખબર જ નહોતી. દિવાળીના આગમનને કારણે માબાપનો ઉત્સાહ એટલો નથી હોતો કે જેટલો બાળકને હોય છે. કારણમાં એક તો એ કે માબાપે ઘણી દિવાળી જોઈ નાખી હોય છે.(કહેવતના અર્થમાં પણ આ સાચું હોય છે.)અને એને કારણે આવી પડનારા અધિક ખર્ચની ચિંતા કે ગૃહિણીઓને વધુ પડતા કામના બોજની ચિંતા જેવા વાસ્તવિક કારણોએ ઉત્સાહમાંથી સારી એવી બાદબાકી કરી નાખી હોય છે.
મારું વતન જેતપુર તો રાજકોટ-જૂનાગઢ-ગોંડલ જેવા મોટા કહેવાય તેવા શહેરોની સાવ નજીકમાં હોવાને કારણે વસ્તી કે વિસ્તારની રીતે બહુ વિકસી શક્યું નહોતું, (આ વાત હું 1940ના દાયકાની કરું છું.)પણ આજુબાજુના ગામડાઓ માટે હટાણાનું મહત્વનું કેન્દ્ર હતું . એટલે કાપડ બજાર અને સોનીબજાર બહુ વિકસી હતી. દિવાળીની રોનક સૌથી પહેલા ત્યાં દેખાવાની શરુ થતી. નોરતા પછીના તરતના દિવસોમાં સફેદ ચોરણી –કેડીયું અને માથે કણબીશાઈ પાઘડી ચડાવેલા અને ગામડેથી ટોળાબંધ આવતા પટેલિયાઓથી જેતપુરની એ બજારો ઉભરાતી ત્યારે પહેલો અહેસાસ થતો કે દિવાળીના આગમનનો સિગ્નલ પડી ગયો છે. 1945 થી એટલે કે મારી સાત વર્ષની ઉમરથી આવા સમીકરણથી પ્રગટેલી સમજણ મારામાં ધીમા ઉત્સાહનો સંચાર કરતી. અને એ જ દિવસોમાં બા-બાપુજી પણ અમે બન્ને ભાઇઓ અને મોટી બહેનને નવાં કપડાં લઇ આપતા. આ તરફ ઘરમાં કાં તો નવા રંગરોગાન કરાવવાનું કે છેવટ દિવાલોને ચૂનો ધોળાવવાનું કામ આરંભાતું.અભેરાઇ પરથી હારબંધ ગોઠવેલા વાસણો નીચે ઉતારાતાં અને એને આમલીના પાણીથી ચકચકીત કરી દઇને પાછા હતાં ત્યાં જ ગોઠવી દેવામાં આવતાં.
બંને ભાઈઓ: રજનીકુમાર - ઇન્દુકુમાર |
વર્ષો વીતતાં ગયાં તેમ અમે બન્ને ભાઇઓમાં થનગનાટનો પરીઘ વધુ વિસ્તર્યો, અને ઉજવણીની તૈયારીમાં અમે પણ હિસ્સેદાર બન્યા. ધનતેરસ આડે ચારપાંચ દિવસ અગાઉ મારા મોટાભાઇ ઇંદુભાઇ અમારી મેડી ઉપર છાપાં કાર્યાલય શરુ કરતા.અને મને પણ એમાં જોતરતા. આ છાપાં કાર્યાલય એટલે દિવાળીના ચાર દિવસ દરમ્યાન વહેલી સવારે ઉઠીને આંગણાંમાં જેના વડે રંગોળી કરવામાં આવતી તેના માટે પૂંઠામાંથી કોતરકામ કરીને બનાવવામાં આવતા બીબાં તૈયાર કરવાનું અમારું કામચલાઉ વર્કશોપ. એક અણીદાર ચપ્પુ, છીણી,કાતર, બ્લેડ( જેને અમે પતરી કહેતા).અને પેન્સીલ. આટલા સાધનો ઉપરાંત પૂંઠા(કાર્ડબોર્ડ)ના ચોરસ અને લંબચોરસ ટુકડાઓ. આટલી સામગ્રી પાસે રાખીને અમે બન્ને ભાઇઓ ફર્શ પર કોથળા પાથરીને સવારના પરવારીને બેસી જતા અને ક્યાંય ક્યાંયથી એકત્ર કરેલી ડિઝાઇનો પરથી ટ્રેસ કરીને કે બીજી કોઇ રીતે એને પૂંઠા ઉપર ઉતારીને એને આવા સાધનો વડે કોતરી કાઢતા. એવાં બીબાંમાં ડિઝાઇનો સિવાય લક્ષ્મીપગલાં કે સાથીયા અને કોડીયામાં ઝળહળતો દીવો જેવી આઇટેમો તો અવશ્ય હોય જ. આ ઉદ્યમમાં અમે બન્ને એવા તો તન્મય થઇ જતા કે ‘ઇંદુ-રંજુ, હવે જલ્દી જમવા આવોને ભાઇસાબ’ એવી બાની ઉપરાછાપરી બૂમોને અમે જલ્દી કાનસરો આપતા જ નહિં. કામ કરતા કરતા પલાંઠી છોડીને અમે ક્યારેક ગોઠણીયાભેર બેઠા હોઇએ કે ક્યારેક અધુકડા બેઠા હોઇએ છતાં ઉભા થતી વખતે અમારા બન્નેના પગ ચોક્કસ જકડાઇ જ ગયા હોય.અને જમવા જવામાંથી આળસી જવાનું મન થતું જ હોય.
હું જરા મોટો થયો તે પછી સાથે બેસીને બનાવવામાં આવતા એ છાપાં(બીબાં)ની મદદથી તૈયાર કરવામાં આવતી આંગણાની રંગોળીના નિર્માણમાં અમારા વચ્ચે સ્પર્ધાનું તત્વ દાખલ થઈ જ ગયું. એકબીજાના હાથમાંથી છાપાંની ઝંટાઝંટી જેવા પ્રસંગો ના આવે તેટલા વાસ્તે મને એક બીજો અલાયદો ચોક ફાળવવામાં આવ્યો. બિચારી બહેને એ બન્ને ચોકને પાણી છાંટીને લિંપી આપવાનું કામ માથે આવ્યું, પણ આ ગોઠવણને લીધે ભલે સ્પર્ધાનો અવકાશ તો રહ્યો જ,પણ ઝગડાનો ટળ્યો.
ધનતેરસને દહાડે સવારે તો દિવાળીનો માહૌલ બહુ ના વરતાતો, પણ સાંજે બજારમાં નિકળતા ત્યારે દિવાળીની રોશનીનો પ્રારંભ થયેલો અનુભવાતો. અમે બે ભાઇઓ અને બાપુજી(જેમને અમે ભાઇ કહેતા) ત્રણેય સાંજના સાતની આસપાસ નીકળતા અને ખોડપરામાં આવેલી શંકરની દેરીએ જરા માથું નમાવીને પછી કમરીબાઇ હાઇસ્કૂલથી જરા આગળ ઇસ્ટાન(ઘોડાગાડીસ્ટેન્ડ)થી જમણે વળાંક લઇને આગળ જતા. અને ત્યાંથી દિવાળીનો રોશન સ્પર્શ અનુભવાતો.
જેતપુરની બજાર |
કોઇ દુકાનમાં થોડી રોશની હોય, કોઇમાં ના હોય યા ઝાંખીપાંખી હોય, પણ અંદર બેઠેલાઓના ચહેરા ઉપર તો હરખ વરતાતો જ હોય. અમે આગળ વધતાં છેક મોટા ચોકમાં આવેલા હનુમાનજીના મંદીરના ઓટલે ઘડી-બે ઘડી બેસીને ઘેર પાછા ફરીએ અને ભાઇએ હોંશથી અપાવેલા ફટાકડામાંથી જે ધનતેરસની રાત માટેનો હિસ્સો હોય તે પૂરો કરીએ. પણ અસલી મઝા તો કાળી ચૌદસની. અમારે ત્યાં એને રાંધણચૌદસ પણ કહેતા. એ દિવસે ઘરનો તમામ સ્ત્રીવર્ગ ફરસાણ અને મીઠાઇ બનાવવામાં ખાસ તો બપોર પછી પરોવાયેલો હોય અને આખા ઘરમાં તેની સુગંધ અને સોડમ પ્રસરી રહી હોય. અમને આજુબાજુ ઘુમરાતા જોઇને બા કે બહેન એકાદ નાનકડી થાળીમાં એની તાજી ચખણી પણ કરાવે. પણ વધુની લાલચ આજે નહિં કરવાની એ શરતે. આ બધું આજે પાંસઠ વર્ષે પણ યાદ આવે છે પણ જે યાદ આવતાં આંખો આજે પણ ભીની થાય છે તે દ્રશ્ય તો અનન્ય જ છે. કાળી ચૌદસની રાતે નવેક વાગ્યે બધા વાળુ-બાળુ પતાવે તે પછી બા-બહેન ઢાંકોઢુંબો પતાવી લે, ત્યાં સુધીમાં અમે બજારની રોશની જોઇને પાછા આવી જઇએ. બસ,તે પછી ફર્શ પર શેતરંજી પાથરીને ભગવાનનું નાનું સિંહાસન ગોખમાંથી નીચે ઉતારીને બા અમારી પાસે થોડી પૂજા કરાવે.પછી એક રકાબીમાં ઘીનો દીવો પ્રગટાવીને બા એની શગ ઉપર ઉંધી રકાબી ધરીને મેશ એકત્ર કરે. અને પછી અમને બન્ને ભાઇઓના માથા વારાફરતી પોતાના ખોળામાં લઇને એ મેશથી આંખો અમારી આંખો આંજતી જાય અને કહેતી જાય ‘ચૌદસનો આંજ્યો એ કોઇથી ન જાય ગાંજ્યો’. અમે બન્ને ભાઇઓના લગ્ન થઇ ગયા પછી પણ અમારી બા અમારી પત્નીઓની હાજરીમાં અમારી ઉપર આ વિધિ કરતી અને એમાં આનાકાની ન કરવાનો પણ મને આનંદ આવતો. એ પછી બા મારા હાથમાં એક વડું આપતી અને કહેતી કે જા, જરા પણ પાછું જોયા વગર શેરીના નાકે મૂકીને ઉપર પાણી છાટીને “કોણ વીર ? હું વીર”. એમ બોલતો બોલતો પાછો આવ.
અમે ત્રણ ભાઈબહેન: (ડાબેથી) રજનીકુમાર, કમળાબહેન, ઈન્દુકુમાર |
દિવાળીની સવાર પણ અમારી છાપાં પાડવાના ક્રમથી શરુ થતી પણ એ દિવસની ખરી મઝા રાતની રોશની જોવા માટે બજારનો મોટો રાઉન્ડ લેવાની હતી. બાપુજી સાથે અમે બે ય ભાઇઓ નીકળતા અને ધનતેરસવાળા રૂટ ઉપર જ ઇસ્ટાન થી જેવા આગળ વધતા કે તરત જ આખે રસ્તે ફટાકડાના ધડાધડ દેમાર અવાજો અને બન્ને તરફની દુકાનોમાં ઝાકઝમાળ રોશની. અને ક્યાંકક્યાંક તો રોશની ઉપરાંત કંઈક નવીન જોણું પણ ! જેમકે રંગીન બલ્બોની ઝાકઝમાળ વચ્ચે પારણામાં સુવડાવેલું અસલી બાળક, અથવા પળેપળે રંગ બદલતો ફૂવારો કે પાણીના સોનેરી પ્રવાહમાંથી વારેવારે ઉપર આવતી શ્રીકૃષ્ણની મૂર્તિ! અમે પળ બે પળ એ જોવા થોભતા અને પછી ફટાકડાઓથી સાવચેત રહેવાનો હાથ વડે સતત સંકેત આપ્યા કરતા બાપૂજીની પાછળ પાછળ ચાલતા આગળ વધતા. એમ જ મોટા ચોકમાં આવેલા હનુમાનજીના મંદીરે જઇને,મૂર્તિ પરના સિંદૂરનો કપાળ પર ચાંદલો કરતા. બાપુજી માથેથી ટોપી ઉતારી, બે ઘડી હાથમાં રાખીને, આંખો બંધ કરીને, હોઠ ફફડાવીને પ્રાર્થના કરતા. અને પછી ઘેર પાછા ફરતા. અને પછી અલબત્ત ફટાકડા.......એ દરમ્યાન બા એક સૂપડીમાં થોડો કચરો ભરીને ઘરની બહાર નીકળતી અને થોડે દ્દૂર ઉકરડામાં ઠાલવી આવતી. આ વિધીને અળશ કાઢવાની વિધિ તરીકે ઓળખવામાં આવતી.
દેવદર્શન પણ ઉજવણીનો હિસ્સો |
બેસતા વર્ષની સવાર તો બહુ રોમાંચક રહેતી. પાછલા ત્રણે દિવસો કરતાં જરા વધુ વહેલા ઉઠી જવાનું રહેતું . કારણ કે શેરીમાં સબરસ સબરસ ની હાકલ પાડતો મીઠાની રેંકડીવાળો આહમદ આવી જતો અને શેરીની સ્ત્રીઓ શુકનનું સબરસ (મીઠું) ખરીદવા એને ઘેરી વળતી. અમારે તો છાપાં પાડવામાં પણ ઉતાવળ કરવાની રહેતી. કારણ કે તે પછી તરત જ સ્નાન કરીને વંદન-પ્રણામ-અને સાલમુબારકના સિલસિલામાં સામેલ થવાનું અનિવાર્ય હતું. શેરીમાં ત્રણ ઘેર ગ્રામોફોન હતા, તેમાં દિવાલી ફીર આ ગઇ સજની અથવા આઇ દિવાલી આઇ દિવાલી જેવાં ગીતો વાગવા શરૂ થઇ જતાં. અને બીજી તરફ અતિ ઉત્સાહી પગે લાગૂઓનો ધસારો મારા પિતાજી જેવા ગામવડિલને કે પોતાના અંગત વડિલને પ્રણામ કરીને આશિર્વાદ મેળવવા માટે શરૂ થઇ જતો. તબલાં રીપેર કરવાનો વંશપરંપરાગત ધંધો ધમધોકાર ચલાવનાર એક ડબગર બંધુ તો રીતસર પોતે વર્ષમાં કદી ના માથે મુકતા હોય તેવા જરીયાન સાફા અને લાંબી અચકન-શેરવાની સાથે આવતા અને મુલાકાતીઓ માટે તાસકમાં મુકાયેલા સાકરવરીયાળીના બૂકડા ઉપર બૂકડા ભરતા ત્યારે પોતાના રજવાડી પોષાકની પણ આમન્યા ના રાખતા.
અમે બન્ને ભાઇઓ સૌથી પહેલાં ભગવાનને, પછી અમારાં કુળદેવી સામુદ્રી માતાને અને પછી બા-બાપુજીને પગે લાગતા, મોટી બહેનને તો બરાબર પણ મારે તો જેમની સાથે છાપાં પાડતાં પાડતાં થોડી જામી ગઇ હોય એવા મોટા ભાઇને પણ પગે લાગવાનું રહેતું. એ પછી ગામમાં રહેતા બીજા અમારા વડીલોને અને શિક્ષકોને પગે લાગવા નીકળી જવાનું રહેતું.
પણ બપોરના સાડા બાર-એક થતા સુધીમાં તો દિવાળીના દિવસોના અંતની થોડી ઉદાસી મનને ઘેરી વળતી અને સાંજ થતાં સુધીમાં તો ફરી એની એ જ ઘટમાળમાં જોતરાઇ ગયાનો તીવ્ર અહેસાસ થતો.
**** **** ****
બાપુજી દેવરામભાઈ - બા હિરાલક્ષ્મીબેન |
બાપુજીએ તો 1966માં વિદાય લીધી, પણ છેક બાના અવસાન(1980) સુધી જ્યાં હોઇએ ત્યાંથી આવીને પણ દીવાળીના દિવસોમાં જેતપુર એકઠા થવાનો અમારો ક્રમ જારી રહ્યો. પછી એ તૂટ્યો. મોટાભાઇ પણ 1997માં ગયા. હવે જેતપુરમાં કેવી દિવાળી ઉજવાતી હશે એની કાંઇ ખબર નથી. બહેન કમળાબહેન આજે ત્યાંસી વર્ષનાં છે અને અમદાવાદમાં મારી નજીકમાં જ રહે છે. મને તોંતેર થયાં. હવે કેટલી દિવાળી જોવાની રહી છે કોને ખબર ?
રજનીભાઈ આપે લખેલા 'એ દિવાળી હવે ક્યાં ગઈ' વાંચતા મેં મારું
ReplyDeleteરાજકોટનું બચપણ યાદ આવી ગયું! જાણે એમજ લાગ્યું કે તમે મારા
મનીની વાત લખી છે!
આવોજ 'માહોલ' અમારા ઘરે ૧૯૪૦ થી ૧૯૪૫ સુધી અનુભવ્યો છે.
તમે કુટુંબમાં ત્રણ ભાઈઓ-બેન હતાં તો અમે બેભાઈ અને ચાર બેનો
હતાં પણ જેમ તમારા બા બાપુજી દિવાળી ટાંકણે ઘરમાં આનંદ અને
ઉત્સાહનો પ્રસંગ ગણતા એવીરીતેજ અમારા બાબાપુજી કરતા,અમારા
ઘરે HMV નું 'ગ્રામોફોન' હતું તેમાં બાપુજી વહેલી સવારે અમને
બધાંને જગાડવા 'ખજાનચી' ફિલ્મની રેકોર્ડ 'દિવાલી ફિર આ ગઈ સજની' નું
ગીત વગાડતા અને પણ ગણગણતા,'ઘર' આંગણે આમારા મોટાબેન
અને પછીથી મોટાભાઈએ 'છાપા' પાડવાનું કામ માથે લીધું હતું.
બાપુજીની આર્થિક સ્થિતિ સારી હતી તેથી દિવાળીમાં
ફટાકડાનું સારું એવું ખર્ચ પણ કરતા,બધાંને નવા કપડાંને બૂટ,ચંપલ
પણ નવા મળતા,રાજકોટમાં તે જમાનામાં પણ દિવાળીનો લોકોમાં
આનંદ ઉત્સાહ દેખાતો તેતો પછીના વર્ષોમાં સમજ આવતા સમજાયું!!
બીજા વિશ્વયુદ્ધ ના એ દિવસોમાં પણ ત્યારે એટલા બધા મોંઘવારીના
નાં હતાં જે આજે છે.લોકોનું જીવન ધોરણ પણ એટલું ઊંચું ના હતું
પણ દિવાળી જેવા ઉત્સવનો મનમાં આનંદ તો હતો.
તમે તમારો અનુભવ લખીને અમારા જેવા કેટલાયને જૂનાંસ્મરણોની
યાદ કરાવી અને વાંચીને એવું આગે છે કે હજુ એ પેઢીના લોકોનો
'નામોનિશાન' છે ખરો,ફરીને યાદી તાજી કરાવવાનો આભાર.
આપના દિવાળીના સંભારણામાંથી પસાર થવાની મજા આવી.આ સ્મૃતિઓ જ જીવનની સાચી મિલકત છે.આજે આપણે અનેક સગવડો ભોગવીએ છીએ,પણ અભાવમાં કે અગવડમાં માણેલા એ દિવસો જેવી મજા આજે ક્યાં મળવાની? હું હજી ૩૩ નો થયો,પણ એ દિવસો,એ અનમોલ યાદો માટેની મમત સમજુ છું.આપ અમારા માટે એક વાગોળવા લાયક ઈતિહાસ છો.આપને આત્મકથા લખવા માટેની વિનવણીઓ કરીએ છીએ,એના પાયામાં આવી અનેક મીઠી ક્ષણો કૈદ છે.
ReplyDeleteઆજથી લગભગ ૮૦ વરસ પેલા મારા ગામડા દેશીન્ગાની દિવાળી ની મને યાદ અપાવી દીધી.
ReplyDeleteકુંભાર દરેકને ઘરે કોડિયાં આપી જાય, ધનતેરસની રાતે ખડકીનાં આગળના ગોખલાઓમાં આ કોડીયામાં તેલ મૂકી રૂની વાટ મૂકી દીવા પ્રગટાવે. જેને ખડકી ના હોય તે લોકો ઘરના બારણાં પાસેના ગોખલામાં દીવા મુકે. દરબાર (બાબી મુસલમાન )બજારનાં ગોખલાઓમાં પોતાના તરફથી દીવા મુકાવે અને આ ધનતેરસની સાંજે બાળકો- ખાસ કરીને છોકરાઓ હાથમાં મેરાયું લઈને આજુબાજુનાં ઘરે જાય અને "મેઘ મેઘ રાજા, દિવાળીના દોકડા ઝાઝા "એવો શબ્દ બોલે એટલે ઘર ધણીયાણી ઘર બહાર આવે અને છોકરાઓને પોતાના પશુઓ આગળ મેરાયું ફેરવવાનું કહે અને પછી મેરાયામાં તેલ પૂરે. મેરાયું ગલકામાંથી છોકરાઓના બાપે બનાવી આપ્યું હોય. અમારા પડોશમાં કુંભાર રહે એટલે અમારે ગધેડા આગળ મેરાયું ફેરવવાનું. પછી દરબારના છોકરા ફટાકડા ફોડે એ જોવા જતા. દરબારના છોકરા પાસે પુષ્કળ જાતજાતના અને ભાતભાતના ફટાકડા હોય. આ ફટાકડા દરબારનાં દીકરાને અમે ફોડી આપીએ. ફટાકડા ફોડવાનું કામકાજ દિવાળી પહેલા ચાર પાંચ દિવસથી ચાલુ હોય. દિવાળીની રાતે દરેકના ઘરે લાપસી રાંધી હોય. ખુબ ઘી નાખી ને લાપસી ખાવાની હોય. લાપસી સાથે અડદની દાળ અને ગીસોડા(તુરિયા )નું શાક હોય. આ દિવસોમાં ભૂત લોકો મેરાયા લઈને ફરવા નીકળતા હોય છે, એવી વાતો વડીલો કહેતા હોય છે. આવા મેરાંયાને ભૂતમેરાયું કહેવાય. અમારા ઘરમાં આવા વહેમમાં
માનતા નહિ, ઉપરથી લોકોને સમજાવતા કે આવા ગપગોળા બાળકોને ન કહો. દેવ જોશીના દીકરાઓ કહ્યું માંને નહિ અને માથાભારેપણું કરે એટલે તમારા ભાનુબેન એમને ભૂતમેરાયું કહેતા.