અમુક અપવાદોને બાદ કરતા નવા હિંદી ફિલ્મસંગીતમાં ધાંધલ-ધમાલ અને શોરબકોરનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ખરેખરા માધુર્યના ચાહક શ્રોતાઓ જુના ફિલ્મ સંગીત તરફ વધુને વધુ ઢળતા જાય છે. મોટા મોટા મ્યુઝિક સ્ટોરોમાં જુની હિંદી ફિલ્મો અને તેના સંગીતની રેક્સ વધતી જતી અને છલકાતી રહેતી જોવા મળે છે. અખબારોમાં આવતી મનોરંજન પેજીસની જાહેરખબરોમાં નાટક્ની જાહેરખબરોની સંખ્યાની લગભગ બરોબરી જુના હિંદી ફિલ્મ સંગીતના કાર્યક્રમોની જાહેરખબરો કરે છે. સાઠ સિત્તેર વર્ષથી માંડીને પચ્ચીસત્રીસ વર્ષ પહેલા દિવંગત થઈ ગયેલા ગાયકો અને સંગીતકારોની તસ્વીરોથી એવી જાહેરખબરોને શોભિતી બનાવવામાં આવે છે. અને બહારગામ રહેતા હજારો ભાવકો માત્ર એ તસ્વીરો જોઇને પણ પ્રમોદ પામે છે. અમદાવાદ , રાજકોટ, જામનગર, સુરત, ભાવનગર, વડોદરા જેવા નાનામોટા શહેરોમાં જૂના ફિલ્મસંગીતને પિરસતી અનેક અનેક ક્લબો અને ખાનગી મંડળો હજારોની સભ્યસંખ્યા ધરાવે છે અને એમાં સભ્યપદ મેળવવા માટેની લાંબી લાંબી પ્રતિક્ષાયાદીઓ છે. વયને કારણે હવે બરાબર ગાઈ ના શકતા એવા ગાયક મન્ના ડે હજુ પણ મોંઘા ભાવે ડિમાન્ડમાં છે. તો હવે જરા પણ ગાઈ ના શકતાં એકાણું વર્ષના અજોડ ગાયિકા શમશાદ બેગમને તેમની નાદુરસ્ત તબિયત છતાં અનેક નિમંત્રણો મળે છે. તો આ તરફ વોઇસ ઓફ .....જેવા અનેક ગાયક-ગાયિકાઓ એ મર્હૂમ કલાકારોની અમીટ આભામાં પોતાની કિસ્મતને અજવાળી લીધી છે.
આ બધું જોઇને એમ અવશ્ય પ્રતિત થાય છે કે 1935 થી 1970-75 ના સમયગાળાનું હિંદી ફિલ્મ સંગીત આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો બની રહેવા સર્જાયું છે. તેમાં પણ 1945 થી 1965 સુધીના સ્લોટ્ને સુવર્ણ તો શું પણ પ્લેટીનમ યુગ ગણાવાઈ રહ્યો છે તે તો બેશક માધુર્યનો વિરાટ મધપૂડો જ હતું. સંગીતની ઇન જનરલ-એટલે કે સર્વસામાન્ય છતાં સંકુચિત રહી ગયેલી વ્યાખ્યાને લેશમાત્ર ઊઝરડો પાડ્યા વગર એણે લોક્ભોગ્ય સંગીતને બહુ દેદિપ્યમાન ચહેરો બક્ષી દીધો. જેને અમરત્વનું વરદાન મળ્યું છે.
પરંતુ ઘણાના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે અને તે બિલકુલ સાચો જ છે કે શું આ સંગીતની ચિરંજીવતામાં જેમના નામ આપણા કાને પડ્યા કરે છે તેવા માત્ર ગાયક કલાકારો અને સંગીતકારો જ પૂરા યશના અધિકારી છે ? સાઉન્ડ રેકોર્ડિસ્ટ કે સાઉંડ એન્જીનીયર્સ જેવા ટેક્નિકલ સહયોગીઓને રૂઢ અર્થમાં કલાકારની શ્રેણીમાં ના મુકીએ પણ મ્યુઝિક એરેન્જરો, વાદકો અને ગીતકારોનું શું ? કેમ તેમના નામની આપણે અવગણના કરીએ છીએ? એકોર્ડીઅન પર, ગીટાર પર,વાયોલીન પર,પિયાનો કે જલતરંગ પર, ફ્લ્યુટ પર, સિતાર પર,હાર્મોનિયમ પર, તબલા,ઢોલક.મૃદંગ અને પખવાજ પર, અરે ડફલી કે ખંજરી પરથી જોઇતો ધ્વની નિપજાવવાને માટે જેમણે પોતાના હ્રદયનું રક્ત નિચોવી દીધું છે અને જેમના એકાદ પીસ ઉપર આપણે ઝૂમી ઝૂમી ઉઠીએ છીએ તેવા ગુમનામ કલાકારોને બોરિવલીના દિનેશ ઘાટે જેવા પોતાના લઘુમેગેઝીન સ્વર આલાપમાં યાદ કરે છે. મુકેશ ગીતકોશના નિર્માણકર્તા એવા તપસ્વી જેવા સંશોધક હરીશ રઘુવંશી(સુરત) જેવા તો એવા જ સમર્પિત અને જયકીશન પર ગ્રંથ લખનારા પદ્મનાભ જોશી(અમદાવાદ) ક્યારેક મિત્રોને મેલ પર આવા વાદનગંધર્વોની વાતો અને તસ્વીરો મોકલે છે. મને થાય છે કે આવા બેનમૂન વાદક કલાકારો પર કોઈ સંસ્થાએ ખૂબ વિસ્તૃત સંશોધનાત્મક અભ્યાસ કરાવીને અધિકૃત કહી શકાય તેવા પુસ્તકનું લેખન યા સંપાદન યોગ્ય વ્યક્તિ પાસે કરાવવું જોઇએ અને તે માટે ધન ખર્ચવામાં જરા પણ કસર ના છોડવી જોઇએ.
લગભગ આવી જ સ્થિતી ગીતકારોની બાબતમાં પ્રવર્તે છે.અલબત્ત, હિંદીમા અને ગુજરાતીમાં એ દિશામાં થોડું કામ થયું છે. હવે તો કેનેડા જઈ વસેલા જાણકાર લેખક સલિલ દલાલનું થોડા ગીતકારો ઉપરનું એક સરસ પુસ્તક ગાતા રહે મેરા દિલ અમદાવાદના આરપાર સાપ્તાહિકના તંત્રી મનોજ ભીમાણીએ પ્રગટ કર્યું. કચ્છના ગાંધીધામના ભાર્ગવ ભટ્ટે શૈલેન્દ્રના ઘણા ગીતોનો સંચય બહાર પાડ્યો છે. ગયે વરસે વડોદરા આકાશવાણીના રસજ્ઞ સ્ટેશન ડાઈરેક્ટર કવિ યજ્ઞેશ શુક્લે (હાલ રાજકોટ) ઘણા સમયથી સૂઝબૂઝવાળા યુવાન ઉદઘોષક અભિષેક શાહના સહયોગથી એક એક હિંદી ફિલ્મ ગીતકવિ ઉપર બહારના નિષ્ણાતોની પાસેથી લાંબા દસ્તાવેજી આલેખો મંગાવીને તેનું એ ગીતકારના ગીતો બજાવવા સાથે ‘ગીત તમારા હોઠો પર’ કુલ બોંત્તેર હપ્તાનું પ્રસારણ કર્યું. આ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો. મશહુર શાયર હસરત જયપુરીના અતિ અંગત મિત્ર રહી ચુકેલા જામનગરના શાયરદિલ શ્રેષ્ઠી ચંદુભાઈ બારદાનવાલા હસરતજીના 1999માં ઇન્તેકાલ પછીના દસ વર્ષ સુધી પૂરા દેશમાંથી સેંકડો સંગીતપ્રેમીઓને દિકરાની જાનમાં નોતરતા હોય તેવા ઉમળકાથી જામનગર નોંતરીને ટાઉનહોલમાં હસરત સાહેબનો સંગીતમય હ્રદયાંજલી ભવ્ય કાર્યક્રમ ગાંઠના ખર્ચે યોજતા રહ્યા,દર વર્ષે એ કાર્યક્રમનો અંતિમ અંશ જોનારાની આંખમાં ઝળઝળીયા આવ્યા વગર ના રહે જેમાં એ અમર શાયરની વિરાટ તસ્વીરને તેમના જ રચેલા ગીત દિલ એક મંદીર હૈ ના પૂરા શ્રોતાગણ દ્વારા પ્રચંડ ઘોષ જેવા સમૂહગાન સાથે પુષ્પાંજલી આપવામાં આવે. ભારતભરમાં હિંદી સિનેમાસંગીતના એક શાયરનો આ પ્રકારનો સ્મરણસ્પંદનથી તરબોળ બીજો કોઈ અંજલી કાર્યક્રમ થયાનું સાંભળ્યું નથી.
હિંદી ફિલ્મસંગીતના ડી એન મધોક, પ્રેમ ધવન, આરઝુ લખનવી,સાહીર લુધિયાનવી, શૈલેન્દ્ર,હસરત જયપુરી,શકીલ બદાયુની,કમર જલાલાબાદી, મજરૂહ સુલ્તાનપુરી.ખુમાર બારાબંકવી, એસ.એચ. બિહારી, કૈફી આઝમી, ગુલઝાર, ઇંદીવર,આનંદ બક્ષી, રાજેન્દ્ર કૃષ્ણ, નીરજ, કવિ પ્રદીપ, ભરત વ્યાસ, નરેન્દ્ર શર્મા જેવા અનેક નામાંકીત ગીતકારોની સાથોસાથ કેટલાક એવા ગીતકારો પણ થઈ ગયા કે જેમના ગીતો તેમના પ્રત્યેના કોઈ ઋણભાવ વગર તો ઠીક પણ તેમના નામ જાણવાની પણ દરકાર કર્યા વગર ગણગણ્યા કરીએ છીએ અને માત્ર સંગીત અને વાદ્યરચનાના વખાણ કર્યા કરીએ છીએ. પણ અનેક ગીતો તો તેમના સંગીતને કારણે નહિં પણ તેના શબ્દોને કારણે આપણને આપણા અતીતની સ્મૃતિઓના એકાંત અડાબીડમાં લઈ જાય છે અને ઘણીવાર તો આપણને આપણી અંગતતમ પીડા સાથે સમાધાન પણ સાધી આપે છે. ક્યારેક વર્તમાનમાંથી હળવે હાથે ઉંચકીને ભુતકાળના હુંફાળા દિવસો અને રંગીન રાત્રીઓની મદહોશ મનોમય સફરે ઉપાડી જાય છે. એ પંક્તિઓના રચયિતાઓના નામ જાણવાની ઉત્કંઠા કેમ કદિ જાગતી નથી? ખરેખર આ એક વૈચિત્ર્ય છે. અત્યાર સુધીમાં મેં ચંદુભાઈ બારદાનવાલા સિવાય કોઈ એવા શબ્દપરખંદાને જોયો નથી કે જે હજારો જુના ગીતોમાંથી કોઈ પણ ગીતનું માત્ર મુખડું બોલતાવેંત એના ગીતકારનું નામ કહી શકે. રાત ગઈ ફીર દિન આતા હૈ, ઇસી તરાહ આતે જાતે હી યે સારા જીવન જાતા હૈ જેવું ફિલ્મ બૂટપૉલિશ (1952)નું શૈલેન્દ્રની કલમની નિપજ લાગતું ગીત એમનું નહિં પણ સરસ્વતિકુમાર દીપકનું છે. એની ખબર એમની જ પાસેથી મને પડી.અને ફિલ્મના એ ગીતને સેંકડોવાર માણ્યા પછી પડી.
પણ આવા એક-બે નહિં બલકે અનેક ગીતકારો છે કે જેમણે થોડા પણ અવિસ્મરણીય ગીતો આપણને આપ્યાં છે. રામરાજ્ય(1943)ના ગીતોના રચનારા કવિ રમેશ ગુપ્તા પણ પોતે બનાવેલી ફિલ્મ મતલબી દુનિયા(1961)ના મુકેશના સુમધુર કંઠે ગવાયેલા હૈ મતલબકી દુનિયા સારી જેવા ગીત છતાં અને ઓ નીલ ગગનના પંખેરુ અને મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને જેવા બેમિસાલ ગીતો છતાં વિસરાઈ ગયા. નરસી ભગત(1957)ના ગીત દરશન દો ઘનશ્યામ આજ મોરી અંખિયા પ્યાસીના લેખક ગોપાલસિંહ નેપાલીના એ યાદગાર ગીતની વાત કરું. એ આર રહેમાનને જે માટે ઓસ્કાર મળ્યો તે ફિલ્મ સ્લમડૉગ મિલીયોનેરના એક ક્વીઝના દ્રશ્યમાં એ ગીતના રચયિતા તરીકે સ્પર્ધકોને તુલસીદાસ, મીરાબાઇ, સુરદાસ, અને કબીર, એમ ચાર વિકલ્પો આપવામાં આવેલા, તેમાંથી સુરદાસનું નામ આપનારાને વિજેતા જાહેર થતો બતાવવામાં આવેલો, એ પછી સ્વ. ગોપાલસિંહજીના વારસદારોએ વાંધો પણ ઉઠાવેલો, મતલબ કે કરોડો દર્શકો સમક્ષ ગોપાલસિંહજીની હસ્તીને મીટાવી દેવામાં આવી.
આવા વણઓળખાયેલા, અણપ્રિછ્યા ગીતકારોના સંદર્ભમાં વાચકો માટે તદ્દન તદ્દન અજાણી રહી ગયેલી એવી એક વાત કરું. હિંદી ફિલ્મજગતના સુવર્ણયુગના ગીતકારોમાં કોઈ મૂળ ગુજરાતીનુ નામ યાદ આવે છે ? ના, એની ખબર ના હોય તો એ દોષ આપનો નથી,એમની બદકિસ્મતીનો છે. એ ગીતકારનું નામ ડૉ રમેશ શાસ્ત્રી, રાજકપૂરે પોતાની બીજી ફિલ્મ બરસાત(1949)માં ગીતો લખવા માટે જે જાહેરાત આપેલી તેના જવાબમાં એ વખતે બનારસ રહેતા રમેશ શાસ્ત્રીએ પોતાની જે રચનાઓ તેમને બતાવી અને તેમાંથી જે રચના પસંદ થઈ અને પછી એમાથી જે અજરામર અમર રચના બની આવી તે હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલકા. એ પછી તો એમના બીજા અનેક ગીતો ફિલ્મોમાં પ્રસિધ્ધ થયા. ફિલ્મ હર હર મહાદેવ(1950)નું ગીતા દત્ત( એ વખતે રૉય)ના કંઠે ગવાયેલું કંકર કંકર સે મૈં પૂછું શંકર મેરા કહાં હૈ પણ એમનું જ. જો કે બરસાત પછી તો મોટે ભાગે એમણે પૌરાણિક ફિલ્મોમાં જ ગીતો લખ્યા. રેડિયો સિલોન પરથી રામશરણના ઉપનામથી જે સુંદર ભજનો આવતા તે પણ તેમના જ.
ગીતકાર રમેશ શાસ્ત્રી |
સૌરાષ્ટ્ર યુની.ના પદવીદાન સમારંભમાં દીપ પ્રગટાવતા ડૉ. રમેશ શાસ્ત્રી (૧૧/૧/૭૩) |
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા દીયોર ગામના રમેશજીનો જન્મ 1935 ની 2જી ઑગષ્ટે. પિતાનું નામ યમુનાવલ્લભ નરભેરામ શાસ્ત્રી. પોતાની નાની વયે થયેલા પિતાના અવસાન પછી ભાભીના કડક સ્વભાવના કારણે એમણે ગૃહત્યાગ કરીને બનારસ જઇને સંસ્કૃત સાહિત્યમાં વિશારદની પદવી મેળવી, શિઘ્રકવિત્વ કુદરતની દેણગી હતી.એ પછી વતન ગુજરાત આવ્યા અને શ્રી સરયુદાસજીના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓને ભણાવવા સાથે સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ પણ જારી રાખ્યો અને આગળ જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્યના પ્રથમ પીએચ.ડી. થયા. એ પછી સરકારી આયુર્વેદ કોલેજોમાં ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં સેવાઓ આપી, છેક 1990માં નિવૃત્ત થયા અને એ પછી પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જ્ઞાન આપતા રહ્યા.
ફિલ્મોમાં આટલા સુપર હીટ ગીતો લખવા છતાં તેમાં આગળ જવાની મહાત્વાકાંક્ષાના અભાવને કારણે અને શુધ્ધ સનાતની વિચારોને લીધે રાજકપૂરના વારંવારના તેડાં છતાં એમણે મુંબઇનો વસવાટ કદિ ના સ્વિકાર્યો. અને માત્ર સંસ્કૃત સાહિત્યના અધ્યયન અને અધ્યાપનમાં જ જિંદગી ગુજારી.
પરંતુ તેમનું અંગત જીવન પુષ્કળ અને તિવ્ર ચઢાવ-ઉતારવાળું રહ્યું, પત્ની ઇશબાળાથી એમને બે સંતાનો થયાં, જે થયાં તો તેજસ્વી પરંતુ એમાંથી મિકેનિકલ એન્જીનીયર એવો પુત્ર કપિલદેવ ડિપ્રેશનનો શિકાર બન્યો અને રમેશ શાસ્ત્રીને ખુદને કેન્સરમાં પત્નીના અવસાન પછી સ્ટ્રોક આવ્યો અને બે મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા, એ પછી થોડા સમયે સેરીબ્રલ પાલ્સીનો ભોગ બન્યા અને પૂરા દસ વર્ષ એ અપંગાવસ્થામાં જ પથારીવશ રહ્યા.એમને માનસિક રીતે યાતના ભોગવતા જોઇને યુવાન પુત્રીએ તેમની મનોચિકિત્સા બરાબર થઈ શકે તે વાસ્તે સાઇકોલોજીમાં એમ. એ . કર્યુ.અને અત્યારે એ –પ્રો. સંગીતા શાસ્ત્રી -ગુજરાત કોલેજમાં સાઇકોલોજી વિભાગનાં હેડ ઓફ ડીપાર્મેન્ટ છે અને નિમેશ દેસાઈ જેવા નામાંકિત દિગ્દર્શક માટે પટકથા લેખનનું કાર્ય પણ કરે છે.પિતાની અને માનસિક રીતે અસ્વસ્થ ભાઇની સેવા માટે અપરિણીત રહ્યાં, પરંતુ હવામેં ઉડતા જાયેના ગીતકાર એવા કવિ રમેશ શાસ્ત્રીએ અમદાવાદમાં જ ગુમનામ અવસ્થામાં 2010ના એપ્રિલની 30મીએ હંમેશાને માટે આંખો મીંચી દીધી,
આજે પણ આવા કર્ણ અને શ્રુતિમધુર ગીતો સાંભળતી વેળા જેમની કલમમાંથી એની પંક્તિઓ સરી એ ગીતકારો કેમ યાદ નથી આવતા?
આ અનોખા ગીતકારની સ્મૃતિને એમનું આ અમર ગીત સાંભળીને તાજી કરીએ.
ખુશીથી હૈયું અને આંસુથી આંખો છલકાઇ ગઇ... યાદગાર હિન્દી ફિલ્મી સંગીત પાછળ તો સાત જનમ કુરબાન છે..
ReplyDeleteસલામ રજનીભાઇ.. આ બધી મધુરી પણ અજાણી વાતો માટે..
પંડયાસાહેબ,લેખ બહુ જ ગમ્યો,પણ પ્રા.રમેશ શાસ્ત્રીના વિશે જાણીને દુઃખ પણ એટલું જ થયું.એક પ્રજા તરીકે આપણે સૌ,સામૂહિક રીતે આવી અજાણી પ્રતિભાઓની ઉપેક્ષા માટે કયાંક ને કયાંક જવાબદાર બનતા જ હોઇએ છીએ.આપણે સર્જન ને જેટલા પ્રેમથી વધાવીએ છીએ એટલા ઉત્સાહથી એની સર્જનપ્રક્રિયા માટે રસ દાખવતા નથી,એ એક કડવી હકિકત છે.પરદા પાછળની પ્રતિભા વિશે જાણવાની આપણી ઉદાસિનતા બરકરાર રહેશે ત્યાં સુધી આવી દુઃખદ ઘટનાઓ ઘટ્યા જ કરવાની.હમણાં જ જગજીતસિંગનુ નિધન થયું ત્યારે એમને ભવ્ય શ્રધ્ધાંજલિ અપાઇ.એ યોગ્ય પણ હતું જ.પણ એમના જ કંઠે ગવાયેલી રચના 'અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હૂં.' આપણા જ ગુજરાતી શાયર ખલિલ ધનતેજવીએ લખેલું એ કેટલા લોકોને ખબર છે?
ReplyDelete