Thursday, February 2, 2012

ખારી હવા



             પત્નીને થયું કે આગળ કશીક વાત થાય તે સારું. પણ એનું ધ્યાન માત્ર જમી લેવામાં હતું. વાડકી તરફ માત્ર આંગળી ચીંધીને એણે દાળ માંગી. પત્નીને એ ગમ્યું. કેવી થઈ છે? ’  એણે પૂછ્યું. જવાબમાં બે-ચાર કોળિયા ઉતાર્યાં પછી એ બોલ્યો કે, સારી.
માત્ર આંગળી ચીંધીને એણે દાળ માંગી. 
        ફરીવાર એ ચૂપ થઈ ગઈ. હવે એ પૂછવું હતું કે ભૈ' સાબ, તમારી આ નાઈટ-ડ્યુટી ક્યારે બંધ થશે? પણ થશે થવી હશે ત્યારે એ તો.... અથવા તો કંપની નવા માણસની ભરતી કરે ત્યારે થાય ને ? એવા એક પળમાં મોંમાંથી નીકળીને ઉચ્છવાસની માફક ઉડી જાય એવા જવાબ સાંભળવાની એની ઈચ્છા નહોતી. એટલે ગુપચુપ એ પતિને જમતો જોઈ રહી. જમીને જલદી ઊંઘી જવાની ઉતાવળમાં એ ઝડપથી કોળિયા ભર્યે જતો હતો. જમી લીધા પછી પહેલી તરાપ પલંગમાં પડેલા અકબંધ તાજાં છાપાં ઉપર હતી, જેના પાનાં ઉપર નજરનું રૉલર ફેરવી લીધા પછી આંખ ઘેરાય અને પોપચાં આગળ વાંચવાનો ઇન્કાર કરી તે પછી કોઇ લગનપ્રસંગ પતાવ્યા પછી ઘારણ વળી ગયું હોય એવી પાંચ-છ કલાક ઊંઘ ખેંચી કાઢવાનો રોજનો ક્રમ સાચવી લેવાની ઉતાવળમાં એ હતો. આટલા લાંબા સમય સુધી એના સૂઈ રહેવાને કારણે એ ક્યાંક દૂર મુસાફરીએ નીકળી ગયો હોય અને ઘરમાં પોતે તદ્દન એકલી પડી ગઈ હોય એમ એ અનુભવતી. એ પછીની ક્ષણો ઘડિયાળના કલાક કાંટાની માફક અત્યંત ધીરે ધીરે પસાર થતી. એ સ્વેટર લઈને બેસતી અને પતિ સાથે જમવાના અને એના સૂઈ જવાના ગાળા દરમ્યાન જ વાતચીત થઈ હોય તેના કેટલાક શબ્દો પરથી મનોમન કાલ્પનિક વાતનો દોર આગળ ચલાવતી. જેમ કે, મારા આમ બોલ્યા પછી જો એ છાપું વાંચીને સૂઈ જવાની ઉતાવળમાં ન પડ્યા હોત તો પોતે આમ જવાબ આપત. તે પછી એનો જવાબ તો આમ જ હોય ને ? પછી મારા ફલાણા વાક્ય પર એય એ હસત, ચોક્કસ હસત. પણ થોડું થોડું-ખડખડાટ નહિં. આ ગામમાં બદલી થઈને આવ્યા પહેલાનું જે ગામ હતું – પાટણ – ત્યાં ભરપૂર પડોશ વચ્ચે એ અમુક જાતનાં વાક્યો પર ખૂબ હસતા. ખૂબ સરસ શહેર હતું એ. દરિયા કિનારાના આ ભેજ અને ખારી હવાવાળા સ્થળ કરતાં તો ક્યાંય સારું !

'હજાર વાર કહ્યું તોય...' 
        થોડી વાર પહેલાં આવીને એણે પગમાંથી મોજાં કાઢેલાં તે અને શર્ટ બદલાવેલું તે. બન્ને આરામખુરશીમાં ગોટમોટ પડ્યાં હતાં. એ તરફ એ ઘડીભર જોઈ રહી. હજાર વાર કહ્યું તોય તમે તમારી ચીજોને ઠેકાણે રાખતા શીખ્યાં નહીં. એ વાક્યથી જામી ગયેલા મૌનને તોડવું જોઈએ એમ એને લાગ્યું. પણ કદાચ ઝગડો જામી જાય તો ? એટલે એવા કોઇ  ઠપકા કરતા કંઈક હળવાશથી, લાડ કરાવતી હોય એમ એ બોલી:તમે તો આવા ને આવા રહ્યા, મારા સાહેબ!. પછી એના જવાબમાં કંઈક લાંબું વાક્ય એની પાસેથી સાંભળવાની અપેક્ષાએ એની સામે જોઈ રહી. પણ એ તો  હં ?’ થાળીમાંથી જરા મોં ઊંચું કરીને એટલું જ બોલ્યો.
        પણ પછી પત્નીનો મીઠો ટોણો બરાબર સમજી લઈને એણે કહ્યું, મૂકી દઈએ છીએ ભઈ હવે, છાનીમાની ખાવા તો દે ! . વળી બે-ચાર કોળિયા ગળા હેઠળ ઉતારીને એ બોલ્યો – એક તો આ નાઈટ-ડ્યુટી, ઉજાગરા, ઓવરટાઈમ અને ઉપરથી તારી આ કચકચ !
હું ક્યાં કોઇ કચકચ કરું છું ?એણે નરમ અવાજે પૂછ્યું:ખાલી વાત ના કરું?
ખાલી વાત એટલે ?
આ સવાલનો જવાબ સ્ત્રી પાસે નહોતો. ખાલી વાત એટલે શું?
પલંગમાં આડા પાડીને એણે
 છાપું હાથમાં લીધું. 
        જમીને એ ઊભો થઈ ગયો અને ટીવી પરથી સૂડી-સોપારી લઈ ભૂકો કરીને ખાતાવેંત પલંગમાં આડા પડીને એણે છાપું હાથમાં લીધું. એ જરા નારાજ થઈને વાસણો એકઠાં કરવા માંડી. મોટા ઓરડાની હવામાં છાપાંનો ફડફડાટ, બંગડીનો ખણખણાટ અને વાસણોનો ખડખડાટ સંભળાઈ રહ્યો. પતિએ ઘડીક પહેલાં ઉચ્ચારેલું વાક્ય હજુ હવામાંથી વિલીન ન થયુ હોય એમ ફરીફરીને એ વાક્ય એના મનમાં ભણકારાઈ રહ્યું. નાઈટડ્યુટી માટે પોતે જવાબદાર છે ? અને કચકચ એટલે ? ખાલી વાત એટલે શું? કેમ કરીને સમજાવવું ?પાટણમાં એણે એકવાર બાજુવાળા લલિતાબેનને કહ્યું હતું કે અમારા એમને મારાથી કશુંય કહેવાય નહીં. કંઈક કહીએ એટલે મિજાજ ફરી જાય. આ વાક્ય બોલતાં બોલતાં લલિતાબહેનને શા માટે તૃપ્તિનો અનુભવ થયો હશે એ એને સમજાયું નહીં. ખરેખર જો મિજાજ જાય વાતવાતમાં, અને વાતચીતનો પ્રવાહ બંધ થઈ જાય તો પછી એકલતાની કેવી ભીંસ અનુભવાય ? પાટણમાં તો ઠીક કે ભરચક્ક પડોશ હતો, પણ અહીનાં દરિયા-કિનારાથી માત્ર બે જ માઈલ છેટેના ગામમાં ખારીખારી ગંધ અને બારીઓ પછાડપછાડ કરતા પવનમાં ખરે બપોરે એ નસકોરાં બોલવતાં સૂઈ ગયા હોય ત્યારે એને અફાટ સમુદ્રમાં એકલી પડી ગઈ હોય એટલું ભયંકર લાગતું. ચોપડીઓ અને છાપાં હતાં, પણ એમને વતાવવા પડતાં હતાં. એ સામેથી બોલાવતાં નહોતાં.
        એકાએક છાપાનો જોરથી ફડફડાટ થયો. જોયું તો પલંગમાં એ અર્ધો બેઠો થઈ ગયો હતો. જોયું ?’ એ બોલ્યો. વાસણોનો ખડકલો એક તરફ હડસેલીને, સાલ્લા વડે હાથ લૂછતી લૂછતી એ નજીક આવી. છાપાના અંદરના પાને એક ખૂણામાં છપાયેલા ખબર ધ્યાનથી જોયા.
'જો , જો. આ ખબર તો જો.' 
        એ ફરી બોલ્યો – જો, જો, આ ખબર તો જો.
        એના ચહેરા પર ઉત્સુકતા છવાઈ ગઈ એ બોલી –
        ક્યાંના..... ભાવનગરના ખબર છે ?’
        બોલ્યા પછી એને નવાઈ લાગી કે પિયરનું નામ આટલું જલદી શી રીતે જીભે ચડી ગયું ?
            ‘નહિં નહિં ખબર પર આંગળી પછાડીને એ બોલ્યો – પાટણના જ છે. આપણા પરામાં હતા તે પેલા દલસુખભાઈ.....
        એક પળમાં જાણે કે એ પાટણની દુનિયામાં આવી પડી.પણ ત્યાં તો વળી દલસુખભાઇ નામનું કોણ હતું?
        પલંગની ઈસ પર એ બેસી ગઈ અને કોરા હાથે છાપાનો છેડો પકડીને બોલી : દલસુખભાઈ ?’ પાટણમાં એવું વળી કોણ હતું ?’
            ‘ઉભી રહે, કહું છું એણે ફરી બરાબર ખબર પર નજર ફેરવી અને પલાંઠી વાળીને બરાબર બેઠો – એમને ત્યાં ચોરી થઈ હતી. બે લાખ ગયા હતા. હું તને નહોતો કહેતો ?’
        ચેઈનનું પેન્ડન્ટ  હાથમાં રમાડતી રમાડતી એ યાદ કરવા માંડી: દલસુખભાઈ ? મને કેમ યાદ નથી આવતું?’ પછી કપાળે કરચલીઓ પાડીને   બોલી: ‘પેલા નંદસ્મૃતિવાળા ? ફળીયામાં ગાય બાંધતા એ ?;
            ‘ભારે ભૂલકણી, એ તો મહાસુખભાઇ. એ એની સામે જોઈને જરી ઉંચા સ્વરે બોલ્યો: આ તો દલસુખભાઇ ,,પેલા...પેલા... નહીં પેલાં જાડા કાચના ચશ્માવાળા....
        એ તો પ્રાણભાઇ, ડાંડલીએ દોરી બાંધીને ફરતા એ. જેને એકવાર એના દિકરાએ મારેલ..’ 
હજુ બરાબર સ્પષ્ટ થતું નહોતું-
દિલીપભાઈ કે દલસુખભાઈ?' 
અરે એ તો રતાંધળો હતો, એ નહિં. શું તું ય તે ? આ તો દલસુખ બાટલી કાચના ચશ્માવાળા.  એ શેનો ડાંડલીએ દોરી બાંધે ? એ તો ગરીબોને ચશ્માની ફ્રેમું મફત આપતો, આપણા પાડોશમાં પેલી ચંપાડોશીને મોતીયોય મફત ઉતરાવી આપેલો...તને હજીય યાદ નથી આવતું ? એના અવાજમાં થોડો તપારો ભળ્યો.  પત્નિને એકાએક ભરચક પાડોશ યાદ આવી ગયો. બપોરે ઓટલે બેસતાં બૈરાઓના ટોળામાં જઈને જાણે કે આ બેસી ગઈ.
        એમાં ઉલ્લેખાતાં પુરુષોનાં નામોને યાદ કરવા માંડી – પેલા માસ્તર હતા તે ?
        અરેરે ...! ગજબ કહેવાય તારી યાદશક્તિ ! અરે, જીવનવીલામાં ઉપલે માળે રહેતા. આપણે ઘેર પણ એક-બે વાર આવી ગયેલા. જો ને તું એકવાર ગરબા ગાવા જતી હતી ને....
        જાવ જાવ હવે, કોઈને કહેતા નહીં, જીવનવીલામાં તો જીલુભાઇ રહેતા. એમનાં વાઈફ પ્રજ્ઞાબેન તો મારા બેનપણી. બાકી હા....હા... અચાનક યાદ આવ્યું હોય એમ એ જલદી બોલી ઊઠી – ઓળખ્યા ઓળખ્યા...પેલા....પણ ખરેખર હજુ બરાબર સ્પષ્ટ થતું નહોતું –દિલીપભાઈ કે દલસુખભાઈ ? એકવાર ગરબા ગાવા જવા માટે ઝડપથી દાદર ઉતરતી હતી ત્યારે પતિએ બૂમ પાડીને રોકીને એમને માટે ચા મુકાવરાવી હતી. પણ પણ... એ ચશ્માંવાળા ક્યાં હતાં ? અને વળી એ પાટણમાં ક્યાં રહેતા હતા ? એ તો એમની ઓફિસમાં ઈન્સ્પેક્શન માટે અમદાવાદથી......?
            ‘બોલો એ બોલ્યો: પડોશીને ભરોસે ઘર સોંપીને જવામાં અત્યારે કેટલું જોખમ છે ? આમાં  લખ્યું છે કે  ચોર તિજોરી સાફ કરી ગયાના ખબર પડતાંવેંત દલસુખભાઈને ફીટ આવી ગઈ
        હાય.... હાય... એ બોલી – આજ કાલ કોઈનોય ભરોસો કરવા જેવું નથી.’ એ ખરા દિલથી ઈચ્છવા માંડી કે વાતનો દોર હજુ લાંબો ચાલે, એટલો લાંબો ચાલે કે ત્યાં સુધીમાં પોતે ખરેખર દલસુખભાઈને બરાબર ઓળખી કાઢે. આજે પોતે ઊંઘે જ નહિં અને દલસુખભાઈ વિશે, રેઢાં ઘરો વિશે, પડોશીઓ વિશે, ભરોસો મુકવા  વિષે, દરદાગીના વિશે અને કંઈને કંઈ નુકસાન વિષે વાતો કરે. એકવાર અમારા છોટુકાકાને ત્યાં પણ.... થી શરુ કરીને પોતે પણ આંગળીઓ વચ્ચે ચેઈન રમાડતાં રમાડતાં, આંખો પટપટાવતી વાતો કરે.
        એમ કર,’ છાપાના એ સમાચારવાળો ભાગ ઉપર આવે એ રીતે ઘડી વાળતો એ બોલ્યો – તું જરા એક કપ ફર્સ્ટકલાસ ચા બનાવ. બાકી આ દલસુખભાઈ તો હું કહું છું તે જ. આપણે ઘેર પણ એકવાર...
            કોઈ ગીત ગણગણતી એ રસોડામાં ગઈ. અને દલસુખભાઈ નામની કોઈ પુરુષાકૃતિને મનમાંથી ખોળી કાઢવાનો પ્રયત્ન કરવા માંડી. એક વાર એક માણસ ચશ્માંવાળો આવ્યો હતો ખરો, અને ખાસ મસાલાવાળી ચા પણ પાઈ હતી. એ જ આ દલસુખભાઈ  ? ભારે કહેવાય ! સાંજે જ્યારે એ વધારાની પાર્ટટાઈમ નોકરીએ ગયો હશે ત્યારે આ વાત પોતે કામવાળી બાઈને અધિકારપૂર્વક કરી શકશે. ને રેઢાં ઘરો, બાળક કે પડોશી પર રાખવાના ભરોસા બાબત કશુંક બોલી પણ શકશે. એ દૃષ્ટિએ દરિયાકિનારાનું આ ગામ કંઈ ખોટું નહિ. એમ તો માણસો પણ વિશ્વાસ મૂકવાલાયક. પડોશી ભલે કોઈ નહીં, પણ જરા આગળ જઈએ તો વસ્તી પણ ખરી. ચા બનાવતાં બનાવતાં કેટલીક વાતો, કેટલીક મજાકો, ને સવારે કેમ ચિડાઈ ગયા હતા મારા પર ?’ જેવા હળવા ઠપકા એ યાદ કરવા માંડી, જેથી ચા પીતાં પીતાં કશીક વાતો દલસુખભાઈની વાતમાંથી ઊખળે ત્યારે એમાં એને જોડી દઈ શકાય. અને અજગર જેવી જણાતી ક્ષણોને સળવળતી કરી શકાય. વાત લંબાવી પણ શકાય.
દરિયા તરફથી આવતા પવનને લીધે બારીઓ
ઉઘાડબંધ થયા  કરતી હતી. 
        ચા ભરેલ કપરકાબી હાથમાં લઈને એ બહાર આવી. દરિયા તરફથી આવતા પવનને લીધે બારીઓ ઉઘાડબંધ થયા કરતી હતી.ટેબલ પર કપરકાબી મૂકીને એણે જોરથી બારીઓ બંધ કરી અને ખુરશી પર આવીને બેઠી.
        પલંગમાં તકિયાને અકેલીને એ બેઠો હતો અને બાજુમાં ઘડી વાળેલું છાપું પડ્યું હતું.
        એ જરા મલકીને બોલી – તમે પણ દહાડે દહાડે ચાના શોખીન થતા જાવ છો બાકી. નહીંતર અત્યારે તમારે ઉંઘવાના ટાઇમે કોઈ દિવસ....
            ‘હં ?’ એણે જરા બેધ્યાનપણે કહ્યું – એવું કંઈ નહીં પણ...
            ‘દલસુખભાઈ....?’ એ બોલી એને થયું કે વાત ફરી વાર સાંધવી જોઈએ.
આ દલસુખભાઈ કોક બીજા હોં ?’ એણે એકાએક પત્ની સામે જોઈને કહ્યું – આપણે ઘેર જે ભાઈ આવેલા તેણે ડાયરીમાં પોતાનું નામ – સરનામું આપેલું, એ મેં હમણાં –જોયું. એનું નામ તો દલપતભાઈ. અને એ છાપામાં લખ્યું છે એમ જીવનવીલામાં નહીં, પણ મલય સોસાયટીમાં રહે છે. આ દલસુખભાઈ કોઈક બીજા જ....એટલું બોલીને એ ચૂપ થઈ ગયો.
        થોડી ક્ષણો એમ ને એમ પસાર થઈ ગઈ.
મૂંગા મૂંગા એમણે ચા પીધી. 
        એ બોલવા ગઈ – ત્યારે આ કોઈક દલસુખભાઈને ત્યાં...
        હશે કોઈક. આપણે ક્યાં ઓળખીએ છીએ ?. એ બોલ્યો – ચા બનાવી નાંખી તેં?’ લાવ ત્યારે પી નાખીએ. ઓછી આપજે સાવ. પછી બરાબર ઊંઘ નહીં આવે.
 મૂંગા મૂંગા એમણે ચા પીધી. માત્ર સબડકાનો અવાજ વાતાવરણમાં પ્રસરી રહ્યો.
        ફરી કંઈક વાત શરૂ થવી જોઈએ એમ એ અનુભવવા માંડી. પણ અચાનક એ બોલ્યો – ‘તેં આ બારી બંધ કાં કરી ? ખોલી નાખ, ખોલી નાખ, ગરમી થાય છે. પછી ઊંઘ નહીં આવે.’
        એ પડખું ફરીને સૂઈ ગયો. એ ઊભી થઈ.બારીઓ ખોલી નાખી અને દરિયાની ખારી ખારી હવા જોરથી અંદર ધસી આવી. ફરી કંટાળો...ફરી સુસ્તી...ફરી.......


(નોંધ:તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે. જે તે તસવીર પર ક્લિક કરવાથી તેની યૂ.આર.એલ. પર જઈ શકાશે.) 

1 comment:

  1. મજાનો સંવાદ. નાઈટ શિફ્ટના કારણે એકલી પડી ગયેલી સ્ત્રીના માનસનું સરસ ચિત્રણ.
    આવું જ સરસ ચિત્રણ સત્યજિત રે ના એક બંગાળી ફિલ્મમાં જોયું હતું - એકલી પડેલી ગૃહિણી રસ્તા પરથી પસાર થતા લોકોને જોઈને કેવી રીતે વિનોદ મેળવી લે છે.

    ReplyDelete