Saturday, February 11, 2012

અંધેરેમેં જો બૈઠે હૈં, નજર ઉસ પર ભી કુછ ડાલો......



                 ગુજરાતના જ એક બાંઠીવાડા વિસ્તારનું નામ સાંભળ્યું છે ? ના સાંભળ્યું હોય તો જાણી લો કે એ કાંઇ નાનોસુનો વિસ્તાર નથી, એમાં એકવીસ તો મુવાડા(નાના ગામ)છે. એના નામ પણ જાણી લો. થોડાક જ લખું છું. લાલાકુવા. હીરાટીંબા, હીરોલા કરણપુર જેમાના  મુવાડા,બોઘા,ભેમાપુર, મેડી, અને.....
એ નજરે જોઇને આવું છું કે એ  બધા જ ડામોર આદિવાસીઓની વસ્તીથી ભરચક છે. જેમાંથી છોંતેર ટકા જેટલા ગરીબીરેખા નીચેના છે. ત્યાંથી એકતરફ માત્ર પંદર કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો સીમલવાડા તાલુકો છે.અને બીજી તરફ પંદર કિલોમીટરના અંતરે પંચમહાલનો લુણાવાડા તાલુકો છે, જેને સરકારે ડ્રાય બેલ્ટ(સુકા પ્રદેશ)/ Dry Belt તરીકે જાહેર કર્યો છે. આ તરફનો વિસ્તાર કે જે ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં ગણાય છે તે પણ સત્તાવાર રીતે ડાર્કઝોન/ Dark Zone ગણાયો છે. 

      પચાસ કિલોમિટરની ત્રિજ્યા ધરાવતો આ આખો પ્રદેશ ભલે રાજકીય રીતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલો હોય,પણ તેમાં રહેનારા આદિવાસી અને ડામોર લોકો એ ભેદને જાણતા કે ગણકારતા નથી. કાળી મજૂરી કરીને જ્યારે બે પૈસા રળે છે ત્યારે હટાણું કરવા મેઘરજ / Meghraj ગામે આવે છે. ત્યાંથી માત્ર ત્રેવીસ જ કિલોમીટર આઘે આવેલા મોડાસા/ Modasa સુધી એમની ખાસ પહોંચ નથી, કે નથી એમને ત્યાં જવું ગમતું. સાજેમાંદે એ લોકો ટોળાબંધ મેઘરજની જલારામ આરોગ્યસેવા ટ્રસ્ટ હોસ્પિટલ/ Jalaram Arogya Seva Trust Hospital આવે છે.અને જ્યારે મેલેરિયાના, ચિકનગુનિયાના કે ડેન્ગ્યુના કે કમળાના વાવર ફેલાય છે ત્યારે એ લોકો આ ધર્માદા હોસ્પિટલ કે જે આજથી પંદરેકથી ય વધુ વર્ષ પહેલા સ્થપાઇ છે તેના સો સવાસો ખાટલા ભરી દે છે. આંખના કોઇ રોગ કે મોતિયાના મફત ઓપરેશન કરાવવાનો આ આખા વિસ્તારમાં એક માત્ર આશરો આ હોસ્પિટલ છે. સુવાવડખાતું હોય કે  નાના નાના પોરિયાઓની અપોષણ કે ગમે તે કારણે લાગુ પડેલી બિમારી હોય. ગડગુમડ હોય કે નાની મોટી વાઢકાપ હોય, એમને એ ખબર નથી કે આ દવાખાનું કેમનું ચાલતું હશે. એમને બસ એટલી જ ખબર છે કે અહિં કદિ એમને રૂપિયા-પૈસાના અભાવે જાકારો મળવાનો નથી, નથી અને નથી જ. પણ એનો ખરચો કોણ ભોગવશે એની એમને ગમ નથી અને ગમ પાડવી પણ નથી.

બાકી મારી નજર સામે જ થોડું ભણેલો એક ડામોર કે  આદિવાસી જુવાન આ હોસ્પિટલના સંસ્થાપકોમાંના એક એવા ડૉ બંસીભાઇ પટેલને પૂછતો હતો કે અમારા લોકોના મોતિયાના એક ઓપરેશન દીઠ સરકારનું આરોગ્યખાતું તમને કાંઇક ચૂકવે છે તે કેટલા ? ડૉક્ટરે હસીને કહ્યું, તમે એની ચિંતા કરો મા. છતાં પૂછો છો તો કહું છું કે સરકાર તરફથી કે 'ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ ફાઉન્ડેશન તરફથી અમને એક ઓપરેશન દીઠ મળે છે રૂપિયા ચારસો, જ્યારે કોસ્ટીંગની રીતે અમારો ખર્ચો ઓપરેશન દીઠ છે રૂપિયા અગ્યારસો. આમ સાતસોની ખાધ એકેએક કેસ દીઠ રહે છે. અગ્યારસો તે કઇ રીતે તે પણ એમણે સમજાવ્યું. પહેલા તો આ વિસ્તારના ગામેગામ કેમ્પ કરીને ઓપરેશનને લાયક દર્દીઓને જુદા તારવવામાં આવે છે. અને પછી એમને અહિં લાવવામાં આવે છે.અહિં પહેલે દિવસે એમનું સ્કેનિંગ અને લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન,કાર્ડિઓગ્રામ.બીજી રીતે ફિઝિકલ ફિટ્નેસ, ડાયાબિટીસ, બી.પી. એ બધામાંથી પસાર થયા પછી ઓપરેશન અને બીજા દિવસે ડ્રેસિંગ કરીને રજા આપવાની અને જો એન આર.આઇ દ્વારા થતો કેમ્પ હોય ત્યારે રજા આપતી વખતે સાથે અનાજની કીટ, એક ધોતી અથવા સાડી અને ગરમ ધાબળો. આ બન્ને  દિવસ દર્દી અને એના એક બરદાસીને ભોજન અને ચા નાસ્તો. હવે તમે જ કહો કે હજુ આમાં ડૉક્ટરોના- નર્સીસના પગાર, ઇલેક્ટ્રીસીટી. લોન્ડ્રી, સફાઇ, સાધન સરંજામ જેવા ખર્ચા તો ગણ્યા નથી. બોલો, હવે આ બધું સરકારના ચારસોમાં થઇ રહે ?

        એ જુવાન વિચારમાં પડી ગયો.પછી પૂછ્યું: તે ઘટતા રૂપિયા ક્યાંથી કાઢો?

         ડૉક્ટરે મૌન રાખ્યું. પણ એમાં જ તો જવાબ પડ્યો હતો કે આવો સવાલ પૂછીને જેમનો હાથ કશુંક આપવા માટે પોતાના ગજવા ભણી વળે છે  તેવા લોકો પાસેથી ! હા વળી, આવો સવાલ પૂછનારે જ પછી જાતને પૂછી જોવાનું હોય છે કે આમાં મનુષ્ય તરીકે આપણી ફરજ શી છે?
          અલબત્ત,અત્યાર સુધીમાં આવો સવાલ પૂછનારા અને જાતે જ એનો શામળિયાની હુંડી જેવો જવાબ ઘડી આપનારા થોડા નિકળ્યા છે  એટલે તો આજ લગી ગાડી ચાલી  છે પણ ગાડીને ચાલતા-દોડતા રહેવા માટે એટલા પૂરતા નથી. એને તો સતત બળતણ જોઇએ. પહેલા વર્ષે સરેરાશ પાંચસો-સાતસો મોતીયાના ઓપરેશન (હવે  વર્ષે બે હજાર ઉપરનો અંદાજ )  અને ત્રણસો ઉપરાંત બીજા સર્જીકલ ઓપરેશન, તો પ્રસુતિ અને સ્ત્રીરોગના પાંચસો ઉપરાંત થયા. સ્વાભાવિક જ કે જેમ દર્દીઓ એટલે કે લાભાર્થીઓ વધતા જાય, તેમ તેમ દાતાઓ પણ વધવા  જોઇએ. એમની આપવાની રેન્જ પણ વધવી જોઇએ. માત્ર દર્દીઓ જ નહિં,  દર્દો પણ વધતા જાય છે. દર્દો વધતા જાય છે તેમ તેમ મેડિકલ સાયન્સ પણ આગળ વધતું જાય છે. સાધનો પણ નવા નવા નીકળતા જાય છે. અત્યાર સુધી એબ્ડોમિનલ પ્રોબવાળા એક જ સોનોગ્રાફી ઉપકરણથી ચાલતું, હવે ડૉક્ટરે સાચી જ રજૂઆત કરી કે આ જુનું થયું. હવે તો ડબલ પ્રોબવાળું લાવો. લાવ્યા તો એના રૂપિયા સાડા પાંચ લાખ થયા! આદિવાસી થયા તો શું થયું? એમને માટેની સેવાઓને  બહેતર અને બને તેટલી અદ્યતન કરતા રહેવું જોઇએ. એને માટે દૃવ્ય દેનારા ક્ષિતિજ પર આપોઆપ કળાશે. ક્યાંકથી જાણીને કે આવું વાંચીને શું એમનામાં રહેલો પીડ પરાઇ જાણવા વાળો વૈષ્ણવજન નહિં જાગે? ડોક્ટર બંસીભાઇને શ્રધ્ધા છે કે જાગશે જ. આ વાંચીને કોઇક જાગશે.

           હૃદયરોગનું પ્રમાણ કેટલું બધું વધ્યું છે ? અત્યારે આઇ.સી યુ.માં માત્ર છ જ બેડ છે. જરૂરત તો સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમની છે. અને તે માટે પાંચેક લાખ તો જોઇએ જ .
           એક અત્યંત નોંધપાત્ર હકીકત એ છે કે પેશાબના રોગોનું પ્રમાણ જોતાં જરૂર તો એને માટેના વિભાગની પણ ખરી. એને માટે સિસ્ટોસ્કોપ કે ટી.યુ.આર.પી સેટ,આઇ.આઇ.ટી.વી સેટ, C ARM. વગેરે લેવા ઘટે જેને માટે દસ્થી બાર લાખ રૂપિયા કોઇ દાતા આપે તો કામ બની જાય.  

                ભારે સંકડાશ વચ્ચે અહિં જનરલ સર્જન ડૉ.અમરદીપ ભાટીયા, ડૉ મુકેશ કાબરા, ડો.શિલ્પા કાબરા. ડૉ. વિપુલ પટેલ અને ડૉ હિરેન નિનામા, ડૉ પલક ગાંધી કામ કરી રહ્યા છે. પણ છ ડૉક્ટરો વચ્ચે રહેવા માટે ક્વાર્ટર્સ માત્ર પાંચ જ છે અને હજુ એકની જરૂર છે, તેને માટે સાત લાખ તો જોઇએ જ. આ બધી સુવિધાઓ આ આટલો મોટો દર્દી સમુદાય ધરાવતી આ રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટની હૉસ્પિટલમાં એટલા માટે અનિવાર્ય છે કે આ આખા આદિવાસી અને ગરીબી રેખા નીચેના પટ્ટામાં આજ સુધીમાં મોતિયાના ઓપરેશનો તદ્દન મફત અને સ્ત્રીરોગના તથા સર્જીકલ વિભાગને લગતાં  ઓપરેશનો તદ્દન રાહત દરે કરી આપવાનું પૂણ્યકાર્ય કરનાર આ એક માત્ર હોસ્પિટલ છે.એટલે તો સરકારે એને મળતા દાનોને આવકવેરાની કલમ 80(જી) ઉપરાંતમાં હવે તો કલમ 35(એ) (સી) અન્વયે પણ કરમુક્તિ આપી છે. અને સરકારે આંખ વિભાગની ઉત્તમ કામગીરી બદલ સંસ્થાને ઍવૉર્ડ પણ આપ્યો છે.
નેમ તો એવી છે કે આંખ સિવાયના જે કોઇ ઓપરેશનો રાહત દરે પણ બહુ મોટી સંખ્યામાં કરવામાં આવે છે તેમાં હજુ પણ વધુ રાહત આપવી  યા બને ત્યાં સુધી સાવ નિઃશુલ્ક ધોરણે એ  કામ કરવું. એ માટે પૂઅર પેશન્ટ્સ રીલિફ ફંડ’/ Poor Patients' Relief Fund પણ ઉભું કરવામાં આવ્યું છે જેમાં માણસ નાની-મોટી ગમે તે રકમનો ફાળો આપી શકે. આ ચોક્કસ ભંડોળમાંથી  વર્ષે પંદરથી વીસ લાખ રૂપિયા એ મફત અથવા રાહત દરે  સારવારનો હેતુ પાર પાડવા માટે જરૂરી છે.
હૉસ્પિટલમાં છઠ્ઠો એવો દાંત વિભાગનો ગયા વર્ષે પ્રારંભ તો કરવામાં આવ્યો પણ હજુ વિસ્તારમાં દંત રોગોનું પ્રમાણ અને તીવ્રતા જોતા એને સુસજ્જ કરવો રહ્યો. એ માટે કમ સે કમ ચારથી પાચ લાખની આવશ્યકતા ખરી.  
             ગત વર્ષે જે માવઠું થયું તે આ પ્રદેશ માટે  ભારે અનર્થકારી હતું, પડ્યા ઉપર પાટુ જેવું થયું. શરૂઆતમાં સારા વરસાદે બહુ ઉંચી આશા બંધાવી હતી તે લાભપાંચમથી શરુ કરીને પૂરા એક અઠવાડિયા સુધી ચાલેલા માવઠાએ નેસ્તનાબૂદ કરી નાખી. થોડી ઘણી ખેતી કરનારો કે ખેતમજૂરી કૂટી ખાનારો વર્ગ બરબાદ થઇ ગયો. સારવારના થોડાઘણા પૈસા ખર્ચવાની પણ એમની હેસિયત ના રહી. પરિણામે એ બધો બોજ આ હોસ્પિટલ પર પડ્યો.  એ વખતે પૂઅર પેશન્ટ્સ રીલિફ ફંડ પર જ એનું ભારણ આવ્યું. હવે ફરી એનું લેવલ ઉંચું લાવવું જ રહ્યું. કારણ કે અહિં  આ ઉપરાંત સ્ત્રી રોગ, સર્જીકલ, મેડિકલ, નવજાત શીશુ, અને બાળરોગ, હાર્ટ અને મેડિકલ વિભાગમાં તદ્દન રાહત દરે સારવાર પુરી પાડવામાં આવે છે, જેના હજારો લાભાર્થીઓ હોય છે. આખુંય વર્ષ હોસ્પિટલનું પરિસર ગરીબ દર્દીઓથી ઉભરાતું રહે છે.
             જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને અનુસરીને ચલાવવામાં આવતી  રજીસ્ટર્ડ ટ્રસ્ટની આ હૉસ્પિટલ દાતાઓના દાન ઉપર જ નિર્ભર રહેતી હોય તે સ્વાભાવિક છે. તેથી તેના હિસાબોનું નિયમિત ઑડિટ પણ થાય છે. અને તેને અપાતા દાનોને આવકવેરાની કલમ 35 એ.સી. તથા 80 જી  અન્વયે કરમુક્તિનો લાભ પણ પ્રાપ્ત છે.વિદેશથી દાન મેળવવાનું એફ. સી. આર.એ નું સર્ટિફિકેટ પણ મળેલું છે.
આ સંસ્થા અંગેની સીડી. બે ભાષામાં બનાવાયેલી છે, જે આપ મંગાવી  શકો છો. 

            પણ આ સંસ્થા છેવાડાના વિસ્તારમાં આવેલી હોવાથી હજુ સમાજના મોટા ભાગના દાતાઓનું લક્ષ આ સસ્થા તરફ દોરાયું નથી. પરંતુ હજુ આ સંસ્થાને મફત ઓપરેશનો અને રાહતદરની સારવાર ગરીબો સુધી પહોંચાડવાને માટે વાર્ષિક 15 થી 20 લાખની જરૂર રહે છે. વળી નવો ઓર્થોપેડિક વિભાગ શરુ કરવા તથા અન્ય ચાલુ વિભાગોને વધુ  સુસજ્જ અને સક્ષમ બનાવવાને માટે પણ અંદાજીત બે કરોડ  રૂપિયાની આવશ્યકતા છે.
         સંસ્થાની પ્રવૃત્તિઓ રૂબરૂ નિહાળવાને માટે રૂબરૂ પધારવાનું નિમંત્રણ છે. અને તે અનુકુળ ના હોય તો મુંબઇના દાતા શ્રીમતી હંસાબહેન બાલકૃષ્ણભાઇ મહેતાના દાનથી બાવીસ મિનિટની વિડીઓ ડૉક્યુમેન્ટ્રી પણ ગુજરાતી –અંગ્રેજી એમ બન્ને ભાષામાં બનાવવામાં આવી છે. રસ ધરાવનારા દાતા સંસ્થાનો સંપર્ક કર્યેથી તે મોકલી આપતાં અમને આનંદ થશે.
ડો. બંસીભાઈ પટેલ 
દાનની રકમનો ચેક શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટના નામનો બનાવવો જરૂરી છે.
વધુ પૂછપરછ અને જાણકારી માટે ડૉ બંસીભાઇ પટેલ,પ્રમુખ તથા સંચાલકનો સંપર્ક કરવા વિનંતી.
આ વિરાટ ભારતના તો બરાબર પણ ગુજરાતના મોટા ભાગના લોકોથી અજાણ્યા એવા આ અંધારમૂલકમાં કંગાળ આદિવાસી-ડામોર વંચિતોના એક બહુ મોટા સમુદાયની આવી અનન્ય અને અદ્યતન, છતાં લગભગ મફત અથવા રાહત દરે એવી આરોગ્યસેવા કરતા આ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટનું સરનામું છે; 
ઉંડવા રોડ, મેઘરજ( જિલ્લો સાબરકાંઠા)-383 350, / ફોન-(ઑફીસ)02773-244345, (ઘર)244877 અને 244878 અને મોબાઇલ ના.+91 94263 88670 અને +91 99133 68267.
 તેમની વેબસાઇટ છે www.shreejalaramarogyasevatrust.com 
અને ઈમેલ છે-  shreejalaramhospital@yahoo.com
બેંક એકાઉન્ટ- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, મેઘરજ બ્રાન્ચ-(બેંકનો  I F S Code-SBIN-OO11000 )
કલમ 35(એ)(સી)કરમુક્તિ માટે-No – 30785 149830
વિદેશથી દાન મેળવવાની મંજુરી પણ મળી ગઇ છે. તે માટેનો શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટનો એકાઉન્ટ-Dena Bank , Meghraj Branch, Ac No- 028010006171-  બેંકનો IFS Code-BKDNO 130280
કલમ 80(જી) કરમુક્તિ માટે-No- 30437380946
મુંબઇ સંપર્ક-શ્રી પ્રફુલ્લભાઇ વોરા,  111-એ. પહેલો માળ,કરીમજી બિલ્ડિંગ,મુંબઇ યુનિવર્સીટી સામે,એમ.જી. રોડ, ફોર્ટ, મુંબઇ- 400023/ ફોન- 022-22670518/ +91 98191 87400

(છેલ્લી તસવીર સિવાયની તમામ તસવીરો: બીરેન કોઠારી, સી.ડી. લેબલ ડીઝાઈન: ફરીદ શેખ) 

2 comments:

  1. વેલ્લોરમાં એક ટન સોનાના પતરાથી જડેલ મંદિર ખુલ્લું મૂકાવાના વાવડ આજે સવારે જ ઈમેલમાં મળ્યા છે. ત્યાં દાતાઓની કમી નથી.

    ReplyDelete
    Replies
    1. માણસ ભૂખે મરે ને તે જ ગામમાં સોનાના પતરાથી જડેલ મંદિર ખુલ્લું મુકાય એ વાત કોઈ ધનિક દાતા શાંતિથી વિચારશે ?? સ્વામી વિવેકાનંદનું એક વાક્ય અત્યારે યાદ આવે છે કે ' પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા દુઃખીની મદદ કરવા લંબાયેલો એક હાથ વધુ સાર્થક છે.' એમનું જ બીજું એક વાક્ય છે કે 'જીવસેવા એ જ શિવસેવા.' આવી સાચી સેવા ક્યારે? જો કે પ્રસિદ્ધિના મોહ વગર આવી સેવા કરનારા પણ પડ્યા છે. પણ સોનાના કળશ મંદિરમાં ચડાવતો આવો ધનિક વર્ગ પણ આમાં જોડાય તો સોનામાં સુગંધ ભળે.- દુર્ગેશ ઓઝા પોરબંદર

      Delete