[ ‘આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક’ જેવા ધ્વજઆલેખ સાથે ગુજરાતી ભાષાના સુવિખ્યાત સાહિત્યકાર –વાર્તાકાર મધુ રાયના તંત્રીપદ હેઠળ ‘મમતા’ વાર્તા માસિકનો આરંભ 17-11-2011 થી થઇ ચૂક્યો છે એ ઘટના નાનીસૂની નથી. છેલ્લા ત્રણ- ચાર દાયકાથી તમામ સાહિત્યપ્રકારોમાં વાર્તાનુ સ્વરૂપ ઉવેખાઇ રહ્યું હોય તેમ જણાય છે. પરંતુ વાર્તા તો શુધ્ધ કાવ્યની લગોલગનો એક પ્રબળ સર્ગશક્તિ માગી લેતો સાહિત્ય પ્રકાર છે. એની ઉપેક્ષા હતોત્સાહ પ્રેરક બની રહી હતી તેવી ઘડીએ આ માસિકનો પ્રારંભ મારા જેવા સિત્તેર-પંચોતેરની વયના અનેક જૂના અને ખાસ તો ‘ચાંદની’, ‘આરામ’ દ્વારા પોષણ પામેલા વાર્તાકારોમાં અનેક પૂરાણી યાદો તાજી કરાવે છે. પણ તેની ઇતિહાસલક્ષી સિલસિલાબંધ વાતો હવે પછી અહીં કે ક્યાંક લખું તે પહેલાં “મમતા”ના પ્રથમ અંકમાં પ્રગટ થયેલી મારી વાર્તા ‘માયાજાળ’ અહીં મુકી રહ્યો છું.]
“કોઈ કોઈ માણસ પ્રત્યે આપણને શા માટે એકદમ નફરત થઈ આવે છે? ને શા માટે કોઈ કોઈ તરફ અકારણ પ્રેમ?”
“કોઈ લૉજિક કામ કરતું નથી.”
જવાબ આવડતો ના હોય ત્યારે આવો જ દેવાય. આપ્યો. “જો કે હશે તો ખરૂં કોઈક કારણ આપણા મનમાં. પણ હશે તો બી શાહી ઊડી ગયેલા પોસ્ટકાર્ડ જેવું હશે. વંચાય એવું નહિ.”
પણ એ પૂછગંધો નહોતી મૂકતી. “કઉં છું,જો તમે એને કદિ જોયો પણ નથી તો શું કરવા એના નામથી ચિડાઈ જાઓ છો ? શું વાંક છે એ બિચારાનો ? કેમ ? એ તમારા ફોઈનો દિકરો નથી? પાડો ના !”
“પહેલાં જ કહ્યું ને ! બસ નફરત છે એટલે છે. એનું નામ સાંભળું છું ને થાય છે, થૂંકી નાંખું.”
" એની ખબર કાઢવા જવાનું તો રાખો એક વાર... " |
“પણ તમારાથી ત્રીસ વરસ મોટો! ને એકલવાયો. અરે, જરાક તો વિચાર કરો, અત્યારે જે ગામ આપણે આવ્યા છીએ એ ગામમાં ત્રણ શેરી છેટે બચાડો મરવા પડ્યો છે. એમ સૌ તમને કે’ પણ છે, તો આ વખતે આવ્યા છીએ ત્યારે એક આંટો મારીને એની ખબર કાઢવા જવાનું તો રાખો એક વાર. ભલે ને પહેલીવાર અને...” એણે આગલો હરફ કાઢતાં એક ક્ષણ જવા દીધી, પછી બોલી : “ન કરે નારાયણ ને કાંઇ બની ગયું તો છેલ્લી વાર, પણ એકવાર જઈને હાઉકલો તો કરી આવો, અરે, હું પણ ભેળી આવીશ.”
એ તો બોલીને મૂંગી થઇ ગઇ. પણ મારા મનમાં એનો સવાલ બોલકો થઇ ગયો. આપણને એનાથી નફરતનું સબબ શું છે ? અંદરથી પડઘાની જેમ તરત જવાબ મળ્યો કે ના. આમ તો સીધું કોઇ કારણ નથી, પણ છતાંય સમૂળગું કોઇ કારણ જ નથી એવું પણ નથી. પણ એ કારણ આપણને લગતા નથી. આપણે ને એને શું ? અરે, જિંદગી ધરીને એનું મોઢું તો શું, ફોટો પણ કદિ ભાળ્યો નથી, કે નથી મને કે એના મામા, મતલબ, મારા ફાધરને એણે એક પણ કાગળ લખ્યો હોવાનું સાંભરણમાં. સગપણ છે, પણ સંબંધ ક્યાં છે ? અરે, આપણે એના કોઇ પ્રસંગે ગયા નથી કે નથી એને આપણે ક્યારેય મેલો-કંકોત્રી મોકલ્યા. એનો પત્તોય તે ક્યાં હતો ? ને હવે એ આપણને કોઇ સંગાથે કહેવડાવે છે કે હવે મારા છેલ્લા દહાડા છે, ને તું મારા મામાનો છોકરો છો, તને તો મેં ક્યારેય જોયો જ નથી. એકવાર આણીપા ફરક તો ખરો !”
એમાંની એક તો અપ્સરા જેવી પારસણ હતી. |
પણ આપણને જવાની કોઇ મરજી નથી. સીધી વાત છે. એ અવળચંડો હવે સાવ એકલો, એકલવાયો અને પાયમાલ છે. જેટલીવાર પરણ્યો એનાથી ડબલ વાર બૈરીઓને કાઢી મૂકી. મારા બાપુ મને આવી વાત કરતા હતા ત્યારે મેં એમને પૂછ્યું હતું : “એ કેવી રીતે બને બાપુ ? જેટલીને પરણ્યો એટલીને જ કાઢી મૂકી હોય ને ! એથી વધારે હોય જ કઇ રીતે ?”
“ના, એવું નથી. ” જવાબ મળ્યો : ‘લગન તો એણે પાંચ વાર કર્યા, પણ ટોટલ પંદર-વીસ બૈરીઓ સાથે રહ્યો ને પછી જતે દહાડે એ બધીઓને કાઢી મૂકી. એમાંની એક તો બેટા, અપ્સરા જેવી પારસણ હતી. આના પાપે વરલીના દરીયામાં ડૂબીને મરી ગઈ. જીવ દઇ દીધો.”
“એમ ? તમને કોણે કહ્યું?”
”નાત આખી જાણે,” બાપુએ કહ્યું : કાળા કાગડાનેય ખબર !”
“જો કે, એમાં આપણે શું ?” બાપુ કહેતા : “આ તો તને ખાલી વાત કરી. એ કેવો મતલબી છે એનો આ પુરાવો. તમારા બન્ને ભાઈઓનો તો જન્મ પણ નહોતો થયો ત્યારની વાત. જ્યારે હું એકલો ભાયાવદર રહેતો હતો ને માસ્તરની નોકરી કરતો હતો ત્યારે આ સાધુરામ મારે ત્યાં પડ્યોપાથર્યો રહેતો. ના, સાધુરામ એનું નામ નથી, આપણે બ્રાહ્મણોમાં કાંઇ એવા નામ થોડા હોય ? નામ તો મઝાનું હતું. કરુણાશંકર. પણ ‘કુઈણો’, ‘કુઈણો’ સૌ કરતા. કરુણાશંકર કહેવડાવવા જેવા લખણ તો જોઇએ ને? મારાથી દસેક વર્ષ નાનો. હું એનો નજીકનો મામો થાઉં, પણ એ મને ‘મામા’, ‘મામા’ નહીં, ‘જ્યેષ્ઠ બંધુ’ ‘જ્યેષ્ઠ બંધુ’ કર્યા કરે. આમ લચ્છા મારે. રસોઇનો એવો ઇલ્મી કે એમ તો હું નોકરીએ ગયો હોઉં ત્યારે રાંધણીયુંય કરી નાખે. આલાગ્રાન્ડ. હો બાકી ! અરે, અરવા ખુશ થઈ જાય એવી. ને હું બી એને ભાણો નહીં, ભાઈબંધ ગણતો. સાલો પાછો મારા વાદેય કરતો. મારી જેમ વાંકી સુઈબાલની ટોપી પહેરતો, પછી અરિસામાં જોઈને મને આંખ મારતો, “કેમ જ્યેષ્ઠ બંધુ, તમારા જેવો જ લાગું છું ને ! કેમ ? તમારો ભાણો ખરો ને ! બેનના છોકરામાં ભાઈની અણસાર આવે જ, હોં !”
ફાધર ગુજરી ગયા ને દસબાર વર્ષ થયા. પણ એમની વાતની માંડણી જબરી હતી. કુઈણાની વાત પહેલાં બહુ કરતા, પણ પછી તો વાતોમાંથીય કુઇણો હદપાર થઈ ગયો – ફાધરે કહેલો છેલ્લો અંકોડો એ કે મુંબઇ ભૂલેશ્વરમાં હતો. પછી કોણ જાણે ક્યા મૂલકમાં ઉતરી ગયો. છેલ્લે મદ્રાસથી એક ટપાલ આવેલી. માથે, સોનેરી એમ્બોસ કરેલો સિક્કો ‘અધ્યારુ સ્વીટ માર્ટ’. અરે તારી ઝપટ ! રસોઈનો કસબ તેં અહીં લગી પહોંચાડ્યો ? વટ છે ને બાકી !
આગળ મિઠાઈનો શોરૂમ ને પાછળ જનાનખાનું.. |
“એની વાતોમાં હવે રસ નથી પડતો, બાપુ. પહેલાં પડતો, અરેબીયન નાઇટ્સ જેવું લાગતું.” મેં ફાધરને એક દિવસ ખરેખર કહી દીધું : “લબાડ માણસમાં રસ શું પડે ?”
બાપુએ પણ એ પછી એની વાતો કરવાનું છોડી દીધું. યાદમાંથીય તડીપાર !
છતાં ક્યારેક એકાદ લસરકો કોઈ દૂરનું સગું ઘેર આવ્યું હોય એ કરી જાય. “કુઈણાને તો ભાઈ, મદ્રાસમાં દામદોમ સાહ્યબી છે. મીઠાઈની ડિલીવરી માટે બે ડિલીવરી વાન, અને પોતાની ફોર્ડ કાર. અને કારીગરોમાં નકરી બાઈઓ જ. મારા બેટાએ આગળ મિઠાઈનો શો રૂમ ને પાછળ જનાનખાનું ખડું કરી દીધું છે.”
બાપુ ન બોલ્યા – જમીન પર પાટલાને ટેકે ચાટલું ગોઠવીને વાટકીસાબુથી દાઢી કરવા માંડ્યા.
“તમે જોયુંને?” આવનાર સગું બોલ્યું : “ખાલી ખિસ્સે હતો ત્યારે તમારે ત્યાં પડ્યોપાથર્યો રહેતો, ને હવે જોઇ લ્યો,વતન છોડ્યા પછી તું કોણ, ને હું કોણ ? કાં ? નહિં તો એક પત્તું લખવાના કેટલા કાવડીયા બેસવાના હતા ?”
બાપુને ગાલે અસ્ત્રો જરા વાગી ગયો. લોહી નીકળ્યું કે તરત જ ફટકડીની ગોટી ઘસી દીધી. બસ જરી સિસકારો કર્યો. લાગે છે કે કુઇણાના નામનો હશે.એનું નામ લેવાથી પણ લોહી નીકળે.
**** **** ****
“તમે કો’છો કે કાંઈ કારણ નથી, કાંઈ કારણ નથી, પણ લ્યો, ત્યારે આ કારણ ! બાપુજીએ તમારા મનમાં એની છબી જ સમૂળગી ડામરથી રંગી નાખી,”
પત્નીને જવાબ આપવા જેવું નથી. અરે, એ કારણને ને મારે લેવા કે દેવા.બાપુજીનુંય એણે ક્યાં કાંઇ બગાડ્યું હતું ? એ પછી તો એવા ખબર બી આવેલા કે એ સાવ નાદાર થઈ ગયો, બરબાદ, રાનરાન ને પાનપાન થઈ ગયો. મદ્રાસ છોડીને ભાગ્યો. ક્યાંક મોટો હાથ મારેલો એવા ખબર બી તો મળેલા ને ! પણ મને તો પેલામાં પણ રસ નહીં ને આમાં પણ નહીં ! આપણને હીંગ કે ફટકડી!. સગપણનો વાયર ખરો, પણ એ વાયરમાં કરંટ જ આવવાપણું નથી રાખ્યું આપણે.
“ઠીક છે, સગો મારો, પણ એની ખબર કાઢવા જવાનો આગ્રહ તારો. હેરતની વાત છે.”
“કોઈ માણસ મરવા પડ્યું હોય તોય તમને દયા ના આવે ?કેવા છો ?”
“આવી. ચાલ.”
જો કે દયા-બયા નહોતી આવી.પત્નીના આગ્રહે જીદનો બુરખો પહેર્યો એટલે હા ભણી. સાંજને વખતે કાંઇ એવું ખાસ કામ પણ નહોતું. નવરો હતો.
**** **** ****
ગલીમાં ગલી અને એમાં ગલીયારૂં. ખરેખર, આપણા વડવાઓમાં દીર્ઘદૃષ્ટી જ ન મળે. ન એ લોકોએ વસ્તીવધારો કલ્પ્યો કે ન વાહનો માટેની જગ્યા કલ્પી. કે ન ગટર....
" ગલીમાં ગલી અને એમાં ગલીયારું " |
અચાનક મારો અર્ધો પગ ગટરના પાણીમાં ઝબકોળાઈ ગયો. ધોળું બાસ્તા જેવું પેન્ટ કાદવના રેગાડા રેગાડા થઈ ગયું. બાજુની ખડકીમાંથી વહેતી નળની દદુડીથી સાફ કર્યું, ના કર્યું. બસ એ જ વખતે પંદર સત્તરનો એક કિશોર સામે ભટકાયો.
“કોને ત્યાં ?”
“અહિં કુઈણાભાઈ અધ્યારુ કરીને કોઇ રહે છે ?”
“અરે,હાલો હાલો, મહેરબાન, હાલો.” એ હરખઘેલો થઈ ગયો એમ લાગ્યું. નાના શહેરમાં તો એવું. પોતે કોઇ પૂછવાજોગ જણ છે એવો અહેસાસ કરાવે તોય માનપત્ર દીધા જેવું લાગે. ઠીક છે.પણ છોકરો જરા ટંકણખાર નીકળ્યો : “આખું નામ બોલો વડિલ, આખું, કરુણાશંકર અધ્યારૂ. એમ બોલો. તમે જી હો ઇ ! પણ આમ ‘કુઈણો’, ‘કુઈણો’ તોછડાઈથી ના બોલો.”
આલ્લે લે ! બચોળીયું પણ બડકમદાર નીકળ્યું, જો કે મને ન ગમ્યું: “તું એનો શું થા ?”
“કાંઈ નહીં...બસ પાડોશી, ને કો’ તો સેવક.”
મે ‘લંબાવીને’ “હા આ આ....” એમ નવાઈથી કહ્યું : “ઠીક ચાલ, આગળ થા. કરૂણાશંકરભાઇને ત્યાં લઇ જા. બહાદુર,”
ગલીના ગલીયારામાં છેવાડે એક ઓરડી. આડા બે ભુંડ ને ચાર કૂતરાં – આ છોકરાના પગરવની જ રાહ જોતા હોય એમ ઊભા થઈ ગયાં. હવે તો બળતણને જ લાયક એવું હજારો વરસાદના મારથી એના અંદરના રેસા દેખાઈ રહ્યા હોય એવા લાકડાનું બારણું, છોકરાએ હડસેલીને ખોલ્યું ત્યાં તો ભયાનક દુર્ગંધનો ઝપાટો ઘસી આવ્યો. મારે નાક દાબી દેવું પડ્યું. છોકરો બોલ્યો, “હરખમાં આવે ત્યારે બાપુને કાયમ ઉલટી થાય.”
બાપુ એટલે કુઇણો- કરુણાશંકર એ તો તરત ગેડ બેઠી. પણ હરખ શેનો ?
કુઈણાની પીઠ દેખાતી હતી. આંચકા ખાતી હતી, સામે તગારૂં મુક્યું હશે એમ લાગ્યું.
“બાપુ.....” છોકરાએ બૂમ પાડી અને કુઈણાએ દેડકાની જેમ બેઠા બેઠા જ પાછળ, અમારા તરફ મોં કર્યું.
અરે ! મને એકદમ તમ્મર ચડી ગયા જેવું થયું. ખરેખર, આટલી તમ્મર મને ક્યારેય ચડી નથી ! કુઈણાનું મોં અસલ મારા ફાધર જેવું, અસ્સલ... જાણે કે વર્ષો પહેલાં અમને વલવલતા મૂકીને ચાલ્યા ગયેલા મારા બાપ ! ત્વચાની એ જ ગોરાશ. પતલા, રૂની બે લાંબી દિવેટ અડોઅડ આડી મુકી હોય તેવા હોઠ. કપાળ ઉપરની ત્રણ કરચલીઓ અને વાળની એવી જ બોર્ડર લાઈન. ટુકડા, સફેદ, હોળવા છતાં નીચે ન બેસારી શકાતા ટુકડા વાળ, નાકના દબાયેલા ફોઈણાં ને ઝીણીઝીણી આંખો...સહેજ ભૂરી, સહેજ સંકોચાયેલી,સહેજ પૃચ્છા કરતી.
“કોણ રંજુ ?” કુઇણાએ આ ભયાનક બિમારી વચ્ચેથી પણ સ્મિત કર્યું. એથી એનાં પેઢાં દેખાઈ ગયાં. “આવ, આવ...આવ, આવ .. બેસ, બેસ,”
એણે બેસવાનું કહ્યું. પણ બેસવા માટે એક ઈંચ પણ જગ્યા નહોતી. પાછલા તગારામાંથી માખીઓ ઊડી ઊડીને એના પૂરા નહીં લૂછાયેલા હોઠ પર બેસવા માંડી – ગાભા....ગાભા....ગાભા, ગંદા ગાભા ચોતરફ, છત એટલી નીચી કે હમણાં ધસી પડશે. પથારીને નામે એક મળીમળી થઇ ગયેલી ગુણપાટ, એક તરફથી ઓટેલી, બીજી તરફથી સુતળીના દોરા દેખાય..
આ? આ કુઈણો એકવાર દોમ દોમ સાહ્યબીમાં હતો? આને? આને એક જનાનખાનું હતું ! આને ? લબાડ, ચોર, લૂચ્ચો, નગુણો....
આ ક્ષણે મારામાં એના માટે ધિક્કાર પ્રગટવો જોઈએ, પ્રચંડ માત્રામાં, પણ વારેવારે બાપુની સિકલ અને એની સિકલ એક થઈ જતી હતી. મામાનો અદ્દલ ચહેરો પુત્રમાં નહીં, ભાણામાં ઉતર્યો હતો. અદ્દલ, અદ્દલ. ના,ના. જૂના જામી ગયેલા અણગમાના ચકમક-લોઢું ઘસવા છતાં ધિક્કારના તિખારા ઝરતા નહોતા. ના,નહિ જ, નહિ જ. ના નફરત, ના રોષ. અરે, બાપુની સુરત તરફ આ બધું કેવી રીતે હોય ?
“ખુડચી લાવી દઉં પડખેવાળાની !” છોકરાએ પૂછ્યું ને મારા જવાબની રાહમાં ઉભો રહ્યો. મેં કાંઇ જવાબ ના આપ્યો, મગજમાં એના સવાલને બેસારવાની પણ જગ્યા નહોતી. બારસાખને બે હાથનો ટેકો દઈને હું ઉભો રહ્યો. એ સૂરત એકીટશે નિરખી રહ્યો. મરેલા પિતા જાણે કે જીવતા થયા હતા અને મારા ભણી ઝીણી આંખે જોયા કરતા હતા.મારે એમને કાંઇક પૂછવું હતું, પણ ત્યાં તો કુઇણાએ એક આંચકો ખાઇને મોં ફેરવી લીધું, એની પીઠ ફરી આંચકા ખાવા માંડી.
છોકરો એકદમ બોલ્યો: “ બાપુને હરખ થાય ત્યારે..”
મારા બાપુ ફરી મારાથી જોજનો દૂર ફેંકાઇ ગયા,
ફરી હું સપાટી ઉપર આવી ગયો.. બારસાખનો ટેકો મેં છોડી દીધો. ડાઘુની જેમ ઉભો રહી ગયો,પછી જરી કળ વળી, એટલે ઔપચારિક પ્રણામ કર્યા. ગજવામાં હાથ ગયો. યંત્રવત કાંઇક સો-બસ્સો હતા તે ઉંબરા પર મૂકી દીધા. કુઇણાની આંચકા ખાતી પીઠ ભણી જોયું. કોણ જાણે કેમ જરી નમનસરખું થઇ ગયું. કદાચ ના બી કર્યું હોય, પણ મને પોતાને એવું લાગ્યું. એક ક્ષણ ઉભા રહીને વાટ જોઇ. કુઇણો ફરી આ તરફ જુએ છે ? પણ એણે ના જોયું. મને એની તીવ્ર તરસ જાગી.
છોકરો બોલ્યો: “ બાપુ વધુ હરખ ખમી શકતા નથી. ખાલી પેટે તો જ આવું થાય, વડિલ,”
મેં એક ક્ષણ એની આંચકા ખાતી પીઠ તરફ જોયું.પાછું વાળીને જુએ છે એક વાર ? પણ ના જોયું. મેં ભિખારીની જેમ બે ઘડી રાહ જોઇ, પણ એણે ના જોયું. ઉલ્ટી થતી હતી ને! થાકી હારીને પછી હું શું કરું? પાછો વળી ગયો.
પત્ની ગલીયારાના નાકે જઇને ઉભી રહી ગઇ હતી. એણે મારી આંખો ભીની જોઈ હશે. જરા મલકી, પણ મારે કાંઇ કહેવું નહોતું, મને એનું મૂંગાપણું સંભળાતું હતું. જેનો જવાબ નહોતો. અમે આગળ ચાલ્યા. વળાંક પરથી બીજી ગલીમાં પગ દેતી વખતે ફરી મેં પાછળ એક નજર કરી. કુઈણાની ઓરડી ભણી જોયું.એણે પાછળ મોં કર્યું ? ના, નહોતું કર્યું, ઇલાજ નહોતો. આગળ ચાલ્યો.
"પાંચ જનોઈ વખતના ને પાંચ વિવા વખતના " |
પણ ગલીને નાકે પહોંચ્યો, ત્યાં પાછળથી કોઇએ મારી પીઠ થપથપાવી. જોયું તો પેલો છોકરો !
“શું છે ?
“કાંઇ નહિ” એણે કહ્યું ને આગળ આવીને મારા હાથમાં પાંચ પાંચની બે નોટ મૂકી. હા, આ તો મેં આપેલા તે માંઈલી જ નોટો !.
“કેમ?”
“પાંચ રૂપિયા તમારી જનોઈ વખતના હાથગરણા(ચાંદલા)ના, ને પાંચ તમારા વિવા વખતના ! બાપુએ મોકલ્યા. કીધું છે, ભલેને પચા પચા, સાંઠ સાંઠ વરસના છેટાં પડી ગયા હોય, પણ રંજુનો મારા પર હક લાગે છે. વે’વાર છે, મારે દેવા જ પડે ને એણે લેવા જ પડે.” પછી એ બોલ્યો, “લઇ લો. લઇ લો, બાપુએ ખાસ કેવાર્યું છે.”
મેં પત્ની સામે જોયું. સવાલ પૂછ્યા વગરનો એ જવાબ વાંચી લીધો કે જે મારામાં પણ પેદા થયો હતો. મેં નીચું જોઇને એ નોટો લઈ લીધી, લેવી જ પડી. લેવી જ પડે !
હા, કાંધે ચડીને ગયેલો બાપ આ રીતેય પાછો આવતો હોય તો !
**** **** ****
(નોંધ: તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે. જે તે તસવીર પર ક્લીક કરવાથી તેની યૂઆરએલ પર જઈ શકાશે.)
સરસ વાર્તા - છેલ્લે સુધી જકડી રાખે તેવી.
ReplyDeleteસરસ માવજત.
હા, કાંધે ચડીને ગયેલો બાપ આ રીતેય પાછો આવતો હોય તો !
ReplyDeleteલો, સાહેબ , તમે તો વાર્તામાં કવિતા કરી.
...no words to express climax feelings. Rajanibhai, u r a great short story writer, and the language and surrounding situation put the reader in that time-span.. wonderful.
ReplyDeleteHemant Jani.
shukriya, saheb
ReplyDeletePrety good story.Heart touchimg.
ReplyDeleteMuhammedali Wafa
www.arzewafa.wordpress.com