Tuesday, January 3, 2012

વિચારોની એક કાળી વાદળી

                                                           
જ્યારે જ્યારે રવુભાથી એ ફોટા સામે જોવાઈ જતું ત્યારે ત્યારે જબરો નિઃસાસો નંખાઈ જતો. રણજિત એમાં હસતો હતો. શહીદ થઈ ગયા પહેલાં લગભગ દોઢ કે બહુ બહુ તો બે મહિને ફોટો પડાવેલો હતો. કોઈ ઝાઝો ટાઈમ થયો નહોતો. પણ હવે તો તેને જોઈ જોઈને રોવાનું જ ને ! રવુભા આંગળી વડે ફ્રેમ પરની ધૂળને સાફ કરતા ત્યારે લાલ લાલ રંગમાં શહીદ શબ્દ એકદમ ચમકતો. ગૌરવની એક ઝલક એક પળ મનમાં છવાઈ જતી.
મેડીકલ પર ઉતરી ગ્યો હોત તો... 
  ફોટા પર ધ્યાન જતાં વળી પાછો એક જબરો...
        આના કરતાં તો ઈ મેડીકલ ઉપર ઊતરી ગ્યો હોત તો.... એમ રવુભા માનબાને વારંવાર કહ્યા કરતા હતા. માનબાના મનમાં બરોબર ઠસી ગયું હતું કે દિકરો સાચીખોટી મેડીકલ પર ઊતરી ગયો હોત તો એના ફોટા નીચે શહીદ શબ્દ ન હોત, મેડીકલ પર ઊતરવાનાં કારણો, કિમિયા અને ફાયદા જ્યારે નોકરીએ જવા જેવડો થયો ત્યારે રવુભાએ વિગતે સમજાવ્યા હતા. કહેતા કે આપણા કુટુંબમાં તો સોળે સાન અને વીસે(પકડવા)પોલિસવાન આવે એના કરતાં તો તારી આ મિલીટરીવાનવાળી લેન બરોબર છે, પણ એમાં જાન જવાનું જોખમ વધારે છે, એટલે આવું કાંઇક સરહદ પર સળગે તયેં મેડિકલ પર ઉતરી જાવું.  પણ રણજિત એકનો બે થયો નહોતો. મેડીકલની વાત આવતાં એ ખોંખારો ખાતો, છાતી કાઢતો, મૂછે હાથ દેતો ને કેતો કે આંઈ તો મેડીકલ-બેડીકલ માર્યા ફરે, ધીગાણામાં જી મઝો છે ઈ ખાટલે ક્યાં છે ?’

        ને ખરેખર ધીગાણામાં જ હોમાઈ ગયો. ઘેર તાર આવ્યો. નાનો પરતાપ તો (રવુભા પ્રતાપને પરતાપ કહેતા) કોલેજ ગયો હતો, તાર વાંચે કોણ ? માસ્તરે બે-ત્રણ વાર બરાબર વાંચીને ફોડ પાડ્યો કે ભાઈ તો શહીદ થઈ ગયા. રવુભાને ચક્કર આવી ગયા જેવું થઈ ગયું. માનબાએ ભફાક દઈને પછડાટ ખાધી. પરતાપ શહેરની કોલેજથી આવ્યો ત્યાં ઘરમાં રડારોળ અને હાહાકાર થઈ ગયો હતો. અરેરે! મોટો શહીદ થઈ ગયો. પરતાપે જોરથી બારસાખ સાથે માથું પછાડ્યું.
        બાપાની મેડીકલવાળી વાત માની નહિં માટે એનું આ પરિણામ.
        પણ પછી તો શહીદ શબ્દ રણજિતના નામ સાથે છૂટો ન પડે એવી રીતે જોડાઈ ગયો. શહીદ બોલાય એટલે રણજિત બોલાય જ. મોટા ચોકને શહીદ રણજિત ચોક નામ અપાઈ ગયું. પહેલવહેલી શોકસભા ભરાઈ ત્યારે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. એકાએક મંચ પરથી કોઈ ભારે અને ઘેરા ગમગીન અવાજે બોલ્યું કે, શહીદ રણજિતસિંહના પિતાશ્રી, માતુશ્રી અને લઘુબંધુને વિનંતિ કે તેઓ અહીં મંચ પર પધારે. વગેરે, વગેરે.. ત્યારે રવુભાએ આંસુભરી આંખે બોલનાર તરફ જોયું ને પછી પોતાને થયેલું સંબોધન ભારે હૈયે ગળા હેઠે ઉતારી લીધું.

        પછી તો મિનિસ્ટરોય આવતા. અમલદારો તો ટવરક ટવરક આવ્યા જ કરતા. શહીદ રણજિતના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરતા. બે હાથ જોડીને નમન કરતા. આંખો બંધ કરીને ઘડી-બઘડી ઉભાય રહેતા,
        બધા જ લગભગ હવે તો રવુભાને શહીદના પિતાશ્રી તરીકે ઓળખતા થઈ ગયા હતા. અરે, સરકારી કાગળીયાઓમાં પણ એમ જ .
        એક વાર તો કલેકટરનો મુકામ હતો. તલાટીએ આંગળી ચીંધીને કહ્યું : આ વડિલને ઓળખ્યા,  સાહેબ ? શહીદ રણજિતસિંહનું નામ તો આપે સાંભળ્યું જ હશે. આ એમના પિતાશ્રી.
        કલેક્ટરે હાથ જોડ્યા. રવુભાને આવડી ગયું હતું. એમણેય જોડ્યા. શીશ ઝૂકાવ્યું, બે આંસું તગતગ્યા.
તમને મળીને આનંદ થયો. 
કલેક્ટરે કહ્યું : તમારા પુત્રની બહાદુરીના વખાણ સાંભળેલા. તમને મળી આનંદ થયો.
એ ય સાહેબ, પંડ્યે એક વાર લશ્કરમાં હતા !’ સરપંચે કહ્યું : બીજી મોટી લડાઈ વખતે યુદ્ધ-મોરચે પણ ગયેલા. એક વાર તો સાવ મોતના મોઢામાં ધકેલાઇ ગયા હતા, ત્યાં વડવાઓની પુન્યાઇ કે .....
        કે  મેડીકલ પર... રવુભા બોલવા જતા હતા. પણ બોલ્યા નહીં. એટલું જ બોલ્યા, અમારા લોહીમાં તો, સાહેબ, એની કોઇ નવાઈ જ નહીં. અમારી રગુંમાં જ ખમીર ભર્યું હોય. કાયમ સામી છાતીએ જ  લડવાવાળા અમે ભાગીં નહિં, હા સાજા-માંદાની વાત અલગ છે.
        આ પછી તો શહીદ રણજિતસિંહ, શહીદના પિતાશ્રી વગેરે શબ્દોની કોઈ નવાઈ નહોતી રહી. જીવતરની ડિક્શનેરીમાં પહેલા સાત પેઢીયેય નહોતા તે એનું આખું પાનું બની ગયા. રવુભાને એના બંધાણ જેવું થઈ ગયું હતું. પણ માનબા તો સ્ત્રીનું ખોળીયું ને ! ક્યારેક રાતે પાણીએ રોતાં. એમ તો રવુભાય ક્યારેક મણ એકનો નિઃસાસો નાખતા. આપણાં કરમ જ ફૂટલાં, બીજું શું? નકર મેડીકલ પર...... આવું આવું બોલતા. ફોટા સામે જોતા ને આંગળી વતી ફ્રેમને સાફ કરી શહીદ’ શબ્દ સામે જોઈ રહેતા. મૂળ ફ્રેમ તો કાળી હતી. પણ નિશાળનાં છોકરાં એક વાર હાર-બાર ચડાવવા લઈ ગયેલા. તે પાછા લાવ્યા ત્યારે એની પર શહીદ શબ્દ લાલ અક્ષરે લખેલા હતા. ત્યાર પછી રવુભાએ એક છોકરાને બોલાવીને શહીદ રણજિતસિંહ રવુભા એમ આખું નામ લખાવી નાખ્યું હતું.

        છેલ્લા કેટલાક દિવસથી તો પરતાપનું મનેય ઊંચું થઈ ગયું હતું. હવે એનેય ચાનક ચડી હતી. લશ્કરમાં ભરતી થવાનું મન કર્યા કરતો હતો. પણ હવે રવુભાને જરા પણ ઈચ્છા નહોતી. કારણકે પરતાપ એ વાત કાઢતો કે તરત જ રવુભાને શહીદ શબ્દ યાદ આવી જતો હતો. એક જબરજસ્ત ભય મનને ઘેરી વળતો. તાર યાદ આવી જતો. તારવાળો યાદ આવી જતો. તાર વાંચતો માસ્તર નજરે તરવરતો. શોકસભાઓ સાંભરી જતી. એટલે રવુભાની પૈસાભાર પણ ઈચ્છા પરતાપને છૂટ આપવાની નહોતી. ખેતી કે ધંધામાં પલોટવાની ઈચ્છા હતી, એટલે જ્યારે પરતાપ કૉલેજમાંથી લશ્કરમાં ભરતી થવાનું મન છે તે તમે હા પાડો તો થઈ જાઉં એમ પૂછાવ્યા કરતો ત્યારે તરત જ રવુભા લાંબો કાગળ લખીને ચોખ્ખી ના લખતા, ભાર દઈને ના લખતા. વળી હમણાં હમણાં રવુભાનું મન ખેતી પર વધારે મક્કમ થઈ ગયું હતું. કારણ કે સરકારે ભારે કામની જાહેરાત કરી હતી. શહીદોનાં કુટુંબીઓને એમના કુટુંબમાંથી શહીદ થયેલા માણસ દીઠ દસ દસ વીઘાં જમીન મફત આપવી. મામલતદાર પણ એકાદ વાર આંટો દઈ ગયા હતા. તલાટી તો કહેતો હતો કે ઉગમણી દિશામાં દસ વીઘાં સોનાના કટકા જેવી જમીન તમે શહીદનાં પિતાશ્રી હોવાને નાતે મળશે. આમ હોવાથી રઘુભાની ઈચ્છા પરતાપને ખેતીમાં જ પલોટવાની પાકી થઈ ગઈ હતી. તલાટી તો એમ પણ કહેતો હતો કે પંજાબમાં તો સરકાર શહીદનાં કુટુંબીઓને પંદર પંદર વીઘાં, વીસ વીસ વીઘાં જમીન આપે છે. પણ આપણા ગુજરાતમાં દસનું ધોરણ છે. પણ છતાંય  સરકારમાં એક વાર વીસ વીઘાં માટે અરજી તો કરી જ દેવી જોઈએ. રઘુભાએ તરત જ અરજી કરી હતી. પણ સરકારમાંથી તરત ના આવી ગઈ હતી. એટલે રવુભાએ નક્કી કર્યું કે એક ફેરઅરજી તો આપી જ દેવી. સરકારમાં તો એવું કે વીસને બાઝીએ તો પંદર આપે. બાકી દસ વીઘાં જમીનમાં દિ ના વળે. ઓછામાં ઓછી પંદરથી-વીસ વીઘાં હોય તો મજો આવે એમ અનુભવ કહેતો હતો. પછી તો એકાદ કૂવો ગળાવીને વાડી જેવુંય બનાવી લેવાય. મશીનેય મૂકી દેવાય. પછી તો બધુંય થાય, પણ કમસે કમ વીસેક વીઘાં જેટલું હોય તો. દસમાં કંઈ થાય નહીં. ગાંઠના ખરચીને બીજા પાંચ-દસ વીઘાં લઈ શકાય એવો તો વેંત જ નહોતો.

એવામાં વળી પરતાપનો કાગળ આવ્યો કે, ભરતી અધિકારીનો મુકામ થયો છે. તમે કહો તો હું નામ નોંધાવી દઉં, મોટાભાઈની જેમ. મોટોભાઈ તો અમર થઈ ગયા અને આપણા વંશનું નામ અમર કરી દીધું. દેશને અમારા જેવા જુવાનોની જરૂર છે. તમે ઝટ હા પાડી દીયો.સારા કામમાં શુકન જોવા ના જોવાય.
તમે કહો તો હું નામ નોંધાવી દઉં. 
રવુભાનું મન આ વાંચીને એકદમ ચિંતાતુર થઈ ગયું હતું.અમર-બમર થવાનું તો જાણે સમજ્યા, આ દુનિયામાં અમ્મર નથી કોઇ- સાધુ,રાજા કે સંસારી એમ સુરદાસેય કહી ગયા છે ને મર્યા પછી અમર થવાય જ કઈ રીતે? કરોડ દેતાંય પાછો નો મળે એ જીવ પાછો આવવાનો છે ? અરેરે, એકવાર જો પરતાપ લશ્કરમાં ભરતી થઈ ગયો તો ભારે થશે. ખરાખરીને ટાણે મેડિકલવાળી વાતમાં તો એય સમજે એવો નથી. તો શું કરવું ? એને રોકવો કઈ રીતે ? રવુભાને આંખે અંધારાં આવવા જેવું થઈ ગયું. લાખ વાતેય આને તો લશ્કરમાં ન જ જવા દેવો. રૂબરૂ મળી આવવું એકવાર. આમે ય શહેરમાં જમીન બાબતનું તો કામકાજ  સરકારમાં છે જ. એક ધક્કે બેય કામ થઈ જશે. વળી રૂબરૂ ગયા વગર પરતાપ માનશે નહિં એ નક્કી. ટપાલમાં તો એ સમજતો જ નથી. ટપાલ બાપની જગ્યા ના લઇ શકે.
        પણ જુઓ કુદરતનો ખેલ ! એ જ સાંજે પરતાપ ખુદ આવી ગયો. રવુભા રાજી રાજી થઈ ગયા. ઢોલિયામાં લાંબા થઈને હોકો ગગડાવવા માંડ્યા. ચોરણીયાળા પગની આંટી ચડાવી. માનબાનેય બોલાવ્યાં. એમને સામે બેસાડીને પરતાપને સામે બેસાડ્યો, પણ એ તો હોઠ બીડીને કશું જ ન સમજવા માગતો હોય એમ મૂંગોમંતર થઇને બેઠો. રવુભા સમજી ગયા હતા વાત. બીજી વાત પરથી મૂળ વાત પર લઈ આવવી જોઈએ. દસ વીઘાંવાળી વાત પહેલા કાઢવી જોઈએ. આપણને ઘરખટલો ચલાવવામાં પડતી આપદાની વાત કરવી જોઇએ. ને એમાંથી  પછી લશ્કરમાં ભરતી થવાની વાત.....
        તું જ કે જોઈં.. એ બોલ્યા : દસ વીઘાંમાં આપણા શું ડાળિયા પાકે ?’
        સરકાર આપે ઈ લેવી જોયે.. પરતાપ ધીરેથી બોલ્યો : આપણી પાસે તો દસ વીઘાંય ક્યાં હતી ?’
આ દસ વીઘે આપણને શું થાય ? 
 પણ છોકરો હતો ને જુવાનજોધ!’ માનબા બોલ્યાં. 
 તયેં ?’ રવુભાએ હોકો ગગડાવ્યો.
 મોટો ભાઈ તો અમર થઈ ગયો, શહીદ થઈને માડી! પરતાપ જરાક ઊંચે અવાજે બોલ્યો - એના તો ડાખલા દેવાય છે, ડાખલા લોકમાં.
        ઈ બધુંય સાચું,’ રવુભા બોલ્યા: પણ તું શહેરમાં છે ને લશ્કરમાં ભરતી થાવાની વાત કર્ય છો તો એક કામ કર્યની ?’
        શું ?’
        આ સરકારે શહીદ દીઠ દસ વીઘાં આપવાનો હુકમ કર્યો છે તી દસ વીઘે આપણને શું થાય? પાકાં વીસ વીઘાં મળે એવું કંઈક કર્યની. – જો તારાથી થાય તો ?’
        એટલે ?’ પરતાપે પૂછ્યું.
        એકાએક રવુભાના મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબકી ગયો.
        એમણે પરતાપ સામે જોયું. પરતાપ એમની સામે જોતો હતો. જાણે કે કોઇ ગણિત બેસારવા માગતો હતો.
        એક જબરદસ્ત ભય રવુભાને ઘેરી વળ્યો.
        વિચારોને થૂંકી શકાતા હોત તો સારું હતું એમ રવુભાને લાગ્યું.
એ શરમિંદા થઈ ગયા અને પડખું ફરીને હોકો ગગડાવવા માંડ્યા. માનબાને એ સમજાયું નહિં કે બાપદિકરા વચ્ચેની વાત આમ એકાએક કપાઇ કેમ ગઇ?           

(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે. અને છેલ્લી તસવીર સિવાયની બધી જ નેટ પરથી લીધી છે. જે તે તસવીર પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે. ખેતરની તસવીર: બીરેન કોઠારી) 

1 comment:

  1. ek var jigarma lobh-lalach avi jay pacchi shu thay chhe te ahi joi shakay. Bahu pratikatmak samvad chhe ane vachakni kalpana upar chhodi devathi teno ant sumdar lage chhe.

    ReplyDelete