પાંચ-દસ નામ મનોમન ઉથલાવ્યાં પણ એમાંથી એકેયમાં ભીતરથી હોંકારો ના મળ્યો. બે ચાર બાઈઓ પણ સાંભરી પણ અમીનસાહેબ એકલા માણસ એટલે મન પાછું પડી ગયું. ના ચાલે, એકલા પુરુષના રસોઈયા તરીકે બાઈમાણસ ના ચાલે. મરદ જ જોઈએ પગાર તગડો આપે પણ રોજ, રાતનાય નવ સાડા નવ સુધી રહેવું પડે.પહેલેથી ચોખ્ખું કહી દેવાનું કે અમીનસાહેબ જમીજૂઠી લે ત્યાં સુધી તમારે ઠોવાઈ રહેવું પડશે, એટલે કોઇ બાઈ તો ધોળે ધરમેય હા ના ભણે.
તો આ કૃપાશંકરભાઈ શું ખોટા છે? |
બીજા બે-ચાર નામ ઉથલાવતો હતો એમાં તો કૉફીનો કપ ઠરીને ઠીકરું થઈ ગયો. તર વળી ગઈ સપાટી ઉપર.
‘મોટે ઉપાડે કૉફી તો બનાવરાવી તો હવે પીતા કાં નથી ?’ આ પત્નીસહજ સવાલ.
આવા શબ્દધક્કાથી ટેવાઈ ગયેલો એટલે મૂંગામૂંગા કપ મૂક પડતો ને ઠાલી રકાબી મોંએ માંડી ને ચમકીને પાછી મુકી દીધી. વળી બે-ચાર નવાં નામ ગંજીપાનાં પાનાંની ઊતરની જેમ પટમાં....‘તું કંઈક સુઝાડ ને !’ મેં પત્નીને કહ્યું : અમીનસાહેબને ત્યાં રસોઈયા તરીકે કોઈ ભાઈ માણસ ધ્યાનમાં બેસે છે?
મને ખરેખર એમ કે મેં ખો આપી પણ ત્યાં ધડાકાબંધી જવાબ. “તો કૃપાશંકરભાઈ શું ખોટા છે ?”
મનમાં ચકડોળ ફરતો બંધ અને કૃપાશંકરભાઈના નામ સાથે જ એનો સદાયનો દીન ચહેરો નજર સામે તરવરી ગયો. અરે રે, અત્યાર લગી મને આ નામ નહીં સૂઝવાનું કારણ ? જાતને જ ઠોંટ–બુસટ કરી લેવાનું મન થાય એવો સવાલ. શું એ આપણો દૂરનો સગો છે એ એની બચારાની ગુનેગારી ? કહે છે કે રસોઈમાં એના જેવો બીજો કોઈ મહારાજ નથી. આંગળા કરડી ખાઓ ને તો ય થાળી ના છોડો. ને છતાંય એનું નામ આપણને હૈયે કાં ચડે નહીં ?
જવાબ : ‘સગો સો વાર, પણ એક તો આપણે અને એને ઊંડો લાંબો પરિચય નહીં. બીજું, આપણે આ ગામમાં આવે હજી તો વરસ આખા ગણીને ત્રણ થયાં, ત્રીજું, સગામાં એ આપણે દૂરનો વડીલબંધુ થાય એટલે રસોઈયા તરીકે એનું નામ કોમ્પ્યુટરમાં ચડે જ નહીં. ચોથું, એ કે હજુ તો એ ક્યાંક પટાવાળામાં છે.’
આ માંહ્યલો ચોથો જવાબ તરત જ પત્નીની અડફેટે ચડી ગયો. બોલી : ‘તમને એણે બિચાડે વાત તો કરી હતી કે હવે એ પંદર – વીસ દિવસમાં જ રિટાયર્ડ થવાના છે. ગુજરી ગયેલા નાના ભાઈ નટુના ત્રણ અને પોતાના ચાર એમ સાત જણાને પાળવાની જવાબદારી એના માથે છે. બૈરી સ્વધામ પહોંચી ગઈ છે. ઘર ખાવા ધાય છે. પેન્શનમાં પાંચસો-સાતસો આવતા હશે એમાં તો એના જરદો-ચુનોય માંડ આવે તો પછી ખાવું શું ? એવો વિચાર તમને નથી આવતો ?”
પત્નીની વાત સોળ વાલ અને એક રતિ. આમ તો કૃપાશંકર મારે ત્યાં ક્યારે આવે ? પણ એકવાર વળી આવી ચડ્યા. નાતના એક આગેવાન જોડે ફંડફાળા માટે આવેલા. એમની જોડે તો મારું ઘર બતાવવાની વરાહે જ આવેલા, પણ ઘણા વરસે મેં એમને જોયા. ત્રીસેક વરસ અગાઉ જેતપુર અમારે ત્યાં આવતો ત્યારે ચરડ-ચું બૂટ સાથે ધબકારાથી જમીન ધ્રૂજતી, પણ અત્યારે ? મેલું ધોતિયું, મેલું ખમીસ, વળી વધી ગયેલી કોંટાકોંટા દાઢી અને ખીચડિયા રંગના વાળ અને એય તે તેલ વગર ઊડઊડ થાય. દરિયાના પાણીથી સિકલ સાવ રંગ કાળી થઈ ગયેલી. એની સાથે વાત કરતી વખતે મને તો એમ જ લાગ્યું કે આપણાથી દૂરદૂર ક્યાંક આપણાથી કપાઈ ગયેલી હાલતમાં જોજનો દૂર જઈ પડ્યો પડ્યો તરફડે છે, કંઈ માગી શકતો નથી. કાંઇ કહી શકતો નથી.
આટલું વિચારતા જ મારી અંદર દયાનો મોટો ધોધ છૂટ્યો. દયાછલક આંખે એના સામે જોયું તો એ બાઘામંડળની જેમ સામે હસી પડ્યો. પછી હથેળીમાં જરદો-ચુનો લઈ ચોળવા માંડ્યો. નાતના આગેવાન તો મારે ત્યાં જમવાના હતા. કૃપાશંકર એમને મૂકવા આવ્યો હતો. કંઈ જમાડ્યા વગર પાછો કઢાય ? ના બને, ના બને.
તમે મને કોઈ દિ બોલાવ્યો ને હું ના આવ્યો? |
એના મોં પરનું હાસ્ય એકદમ ગાયબ ! ચહેરો જરી તમતમી ગયો લાગ્યો.મને નવાઈ લાગી. આવા સારાં મારાં વેણ સાંભળીને કિરપાભાઈ ગરમ થઈ ગયા કેમ ?
ત્યાં તો એ બોલ્યા : ‘તમે મને કોઇ દિ બોલાવ્યો ને હું ના આવ્યો ?’ક્યાંક ક્યાંક ગડબડ થઈ કાં મારા બોલવામાં. કાં એના જવાબ દેવામાં. નાતના આગેવાને મારી સામે જોયું. મેં ગળા નીચે ઘુંટડો ઉતાર્યો. સાલું આપણે વાંકમાં ? મારાથી એમ ના પૂછાય કે
તમે બી કદિ મોઢું બતાવ્યું ?
પણ હું બોલ્યો નહીં. કૃપાશંકર નીચલો હોઠ ખોલીને એમાં તમાકુ ઠાંસવા માંડ્યા. એમની નજરમાં જરી રોષ આવી ગયો.
જમ્યા. ગયા, પછી પાછા દિવસો નીકળી ગયા. થોડી કળ વળી, વળી મને જ જરી મનોમન સમાધાન ઉપજ્યું કે હશે, ત્રાસેલો, દાખેલો, ટીપાયેલો માણસ કંઈ પણ બોલે તો એના મોમાંથી કંઈ ફુલ તો ન જ ઝરે, કુદરતી છે, પણ આપણે તો ઠેકાણાસર છીએ ને ! એના બોલ્યા સામે ના જોવું.....એની દીનતા, એની લાચારી,એની હાલત સામે જોવું. વિચારતાં વિચારતાં બીજી વાર વળી દયાનો ધોધ ફૂટ્યો. અરે....રે....દૂરનો તો દૂરનો, પણ મોટો ભાઈ ! રિટાયર્ડ થાય છે તો એની રોજીનું કંઈક ગોઠવી દઇએ .
તરત જ એનું ઘર શોધતો ગયો.
બે-ચાર છોકરા શેરીમાં રમે. એકાદ બે ખાટલો ખુંદે ને ખાટલાનું વાણ ઢીલું કરે. માથે મીંડલા વાળેલી એકાદ છોકરી વળી સંજવારી કાઢતી હતી ને સામે જોઉં તો કિરપોભાઈ ચૂલામાં ફું....ફું.....ફું....ફું....કરે, આંખે પાણી બાઝી ગયેલાં. ચાર-ચાર આનાવાળી હળદર-મરચાંની પડીકીઓ ખોલેલી પડી હતી. એમણે મારી સામે આવી ‘જળભીની’ નજરે જોયું, જમીન પર બે હાથ ટેકવીને કિરપાભાઈ ઊભા થયા મને પૂછ્યું. ‘કાં ?’
એ રાજી થાય એવા સમાચાર દેવા માટે મેં જરા મોં પર આનંદ રેલાવ્યો. સમાચાર એ કે તમારે માટે અઢી હજારના પગારની નોકરી પાકી. વળી, છોકરા માટે બે થાળી ઘેર લાવવાની બોલી પણ કબૂલ. પોતે ત્યાં જમી લેવાનું. વાર-પર્વે બોણીબક્ષીસ તો ખરી જ. વળી, શેઠિયોત્તમ શેઠિયો. બોલો કેમ લાગે છે ?
‘સમાચાર સાંભળી મારા’ એણે ઊભા થઈને ખમીસનું ખિસ્સું ફંફોસ્યું. મહીંથી જરદો ચુનો કાઢ્યા, ચોળીને મોંમાં મૂક્યાં, નાક નસીક્યું અને પછી ધોતીના છેડે લૂછ્યું.
‘એમ ને ?પણ નોકરી તો રાતના આઠ લગીને જ ને ?’
‘હા’ મેં ઉત્સાહથી કહ્યું : ‘આમ તો આઠ સુધી જ પણ કદીકનો વળી મહેમાન-મઇ આવ્યા હોય ને કલાક – અર્ધો – કલાક આઘાપાછું થાય. એ વાત અલગ છે. બાકી, તમારે આ રોજની હળદર – મરચાં-તેલ-તુરીની ઘડભાંજ નહીં ને ?’એમણે એક ક્ષણ ભાવવિહીન ચહેરે મારી સામે જોયા કર્યું. પછી ધીરેથી બોલ્યા : “મને ઇ નો પોસાય.”
'અરે !' હું અજાયબ હેરતમાં ગરકાવ : ‘કેમ ?’
“એ પોતે લાટગવંડર હોય તોય એના ઘરનો. રાતના આઠ પછી કાચી સેકંડ ના રોકાઉં, મારી કામગીરી રસોઈ કરી આપવાની.બસ,બાકી,થાળી પીરસવાનું કામ મારું નહીં. પાણીનો ગ્લાસ પણ આ કિરપોભાઈ ભરીને નહિં આપે. પછી કહેતાં નહીં કે કિરપાએ કીધું નહોતું.”હું નીચે ભોંય પર બેઠેલો ને એ ઊભા ઊભા મારી સાથે વાત કરે. ઘડીભર તો મને લાગ્યું કે હું યાચક છું ને કિરપોભાઈ મહારાજાધિરાજ છે. મગજમાં એકાદ ક્ષણ ધમ્મ....ધમ્મ..... જેવું થઈ ગયું. મગજ ફાટી જ જાત, પણ પછી અજુબાજુ નજર કરી તો દયા આવી ગઈ. પોપડાં વળી ગયેલાં ભીંતડા. છારી વળી ગયેલું પાણીનું માટલું. રેડ-બફેડ રસોડું. છોકરાઓની કચ્ચરપચ્ચર. ફરી એ જ વખતે અંદરથી હું પલળી ગયો. અરે જીગર, પાંત્રીસ પાંત્રીસ વરસ લગી માથે જેની દુઃખના લોઢ લોઢાયા હોય એ માણસ કેવો કડવા એળિયા જેવો બની ગયો હોય એટલું તો સમજ. જાવ ભઈ, માફ, માફ.
એટલે અમીનસાહેબને ના કહેવડાવી દીધી.
0 0 0
થોડા દિવસ પછી વળી રહી રહીને મને ભલાઇનો એટેક આવ્યો. ફરી કિરપાભાઈના વિચારો આવવા માંડ્યા. શું કરીએ તો એને થોડી આવક બંધાય ? શું આવડે એને ? રસોઈ સિવાય એ બીજું કરી પણ શું શકે ? પણ એમાં મને એના મનના તરંગો નડે છે. હશે, જેવી જેની માટી. આપણે શું કરવું ? વિચારો ઊગે અને આથમે. આથમે ને ઊગે, પણ એમાંથી એક વિચાર ટકી ગયો. મારી જ ઓફિસના ચાર-છ જુવાનિયાઓ બિચારા આ નાના ગામની લોજના બાઢા ખાઈને ગળે આવી ગયા છે. એમનું જમવાનું જ જો કૃપાશંકરને ત્યાં ગોઠવી દીધું હોય તો ? કિરપાભાઇને બહાર જવાની વાત જ એમાં નથી આવતી. ઘેર જ પોતે રસોઈ કરી દે ને જુવાનીયાઓને જમાડી દે. મહિને – દિવસે ખાટલે બેસીને રૂપિયા ગણી લે. કોઈ કરતાં કોઈની સાડી-બાર તો નહીં !
આ વિચારનો રાજીપો ઊંચકીને એમને ઘેર ગયો. તો એમણે ‘શું ભૂલા પડ્યા ?’ એમ પૂછ્યું. જવાબમાં મેં આખો નકશો આપી દીધો. કેટલા જણ જમે ? તમને કેટલામાં પડતર ? તમારું કેટલું વળતર ?
પણ કૃપાશંકર પાસે પંદરસો મુશ્કેલીઓનું લિસ્ટ હતું. એક પછી એક કાઢતા ગયા ને મારી પાસે એની નીચે ફરજિયાત “હા”નો શેરો મરાવતા ગયા. જેમ કે “કામવાળી મળતી નથી. લોટ દળાવવા કોણ જાય ? જુવાનિયાઓ ભલે નોકરી કરતા હોય પણ તેમની સાથે હું સવારના ટાઈમ બાબત બંધાઉં નહીં. સવારની પૂજા કરવા કોણ મારો બાપ આવવાનો ? શાક બીજી વાર માગે તો ન આપું. કારણકે ઘણા ખરા જુવાનિયાઓ એકલું શાક જ ખા-ખા કરનારા હોય છે. મને એ ના પોસાય. મારે તો મારામારી થઇ જાય ઇ સિધ્ધાંત ખાતર. ભલેને કોઇ ખેરખાંનો દીકરો કેમ નથી ? રૂપિયાની ઢગલી કેમ કરતો નથી ? એવા રૂપિયાને તો કૂતરાંય સુંઘતાં નથી,સમજ્યા?”
ઘડીભર મેં અપરાધભાવ અનુભવ્યો. પછી હું સમજી ગયો. પાછો આવતો રહ્યો. જુવાનિયાઓને ના પાડી દીધી.
0 0 0
એટલે બિચારા છોકરાઓનો શો વાંક ? લાવ, એમનું કાંઇક વિચારીએ.
એવામાં એકવાર એ નાની દસ-દસ વરસની પોતાની અને ભાઈની દીકરીઓ લઈને ઘેર આવ્યા – આવકાર આપીને બેસાર્યા. વળી, એની વધી ગયેલા દાઢાં અને ગરીબડા દેખાવ પર દયા આવી ગઈ. ચા-પાણી પીતાં પીતાં એક વિચાર આવ્યો કહ્યું. ‘કૃપાશંકરભાઈ, તમારો બોજો હળવો થાય એવી એક વાત કરું?’
“બોલો ને !” એમણે તમાકુ મસળીને પગ પર પગ ચડાવ્યા.”તમારા જેવો તો ભગવાનેય નહિં. ”
‘એમ કરો’ હું બોલ્યો. ‘આ બન્ને બેબલીઓને અમારે ત્યાં રાખો. એની ટોટલ જવાબદારી અમારી. અમારી છોકરી ભેગી એ પણ રમશે, ભણશે, કામ કરશે, શીખશે, ટ્રેઈન થશે, ભવિષ્ય ઊજળું.’
ત્યાં તો એમની ભ્રમર ઉંચી થઇ ગઇ તરત જ તરડાયેલા અવાજે બોલ્યા : “શું કીધું ?કામ? મારા આખા વાક્યમાંથી માત્ર એક જ શબ્દ ‘કામ’ એમણે લટકતી દોરીની જેમ પકડી લીધો. સામે આંખો તગતગાવી ને બોલ્યા : ‘અરે,કામ તો એ કોઈનુંય નો કરે ! શું ? હું બેઠો નથી બાર વરહનો?”
પછી એ ઊભા થયા. બારણા પાસે આવ્યા. ફળિયામાં તમાકુની પિચકારી મારીને એ ભારોભાર કટાક્ષ અને કડવાશથી બોલ્યા. ‘તમારાથી મારું કંઈ ખરેખર થાય એમ હોય તો કહોને બંધુ ! એમ ઠાલીઠાલી વાત ના કરો હરેક વખતે ’
મેં છોકરીઓ સામે જોયું. એ બિચારી બેખબર રમતી હતી. બાપા અહીં પગ પર પગ ચઢાવીને બેઠા હતા ને કાકો એટલે કે હું – અપરાધીની જેમ સંકોચાઈને ઊભો હતો. ને ‘ઠાલીઠાલી’ વાતો જ કરતો હતો.
ઠાલી વાતોને ભરવાનો કોઇ કિમિયો ? મને તો અવતાર ટૂંકો પડે છે.
(તસવીર પ્રતિકાત્મક છે, જે નેટ પરથી લીધી છે.)
Pandyasaheb.no words to express my feeling.speechless story.now I see real RAJNIKUMAR,MY FAVOURITE AUTHOUR.
ReplyDeleteસરસ વાર્તા મળી. સચોટ પાત્રનિરૂપણ અનુભવ્યું. ભાષા તો સિદ્ધ હોય જ.
ReplyDeleteઆપનો બ્લોગ આજે જ જોયો.