Tuesday, July 21, 2015

ધન ધન ધનબાઈ ! (૧)

જેનો અવાજ મીઠો હોય એ પ્રાર્થના ગાય.

ગાંધીજીએ આમ કહેલું. 1922ની આજુબાજુની કોઈ સાલ હશે. ગાંધીજી આમ બોલ્યા એટલે એક ભાઈ ઊભા થયા. સૌને એમ કે એ પોતાની જાતને તાનસેન માનતા હશે. હમણાં કાંઈક ઊંડા અંધારેથી.... જેવું ગાશે. પણ ભાઈ માત્ર આંગળીના ચીઁધનાર નીકળ્યા. ખૂણામાં માનમર્યાદાભેર સાડીનો સંગઠો તાણીને એક નવવધૂ બેઠેલી એના તરફ આંગળી ચીંધી બોલ્યા : બાપુજી, આપની પૂછવાની રીત જ ખોટી છે. કોઈ જાતે ઊઠીને કહેવાનું છે કે મારો રાગ મીઠો, ને હું જ ગાઉં ? લો, આ બેન બેઠી ને નામ એનું ધનબાઈ. એના જેવું સુંદર કોઈ ગાઈ શકવાનું નથી.
'જેનો અવાજ મીઠો હોય
એ પ્રાર્થના ગાય.' 
      ગાંધીજીએ ધનબાઈ સામે જોયું, ને ધનબાઈ શરમાઈને નીચું જોઈ ગયાં. ગાંધીજી કહે : ‘બહેન, તમને અમારી પ્રાર્થના છે કે તમે પ્રાર્થના ગાઓ. ચાલો.....
      ઊભાં થઈને તેઓ ગાંધીજીની નજીક એમની બેઠક પાસે આવ્યાં અને ધીમા, મધુર હલકાભર્યા સ્વરે ભજન શરૂ કર્યું : મારી નાવ તમારે હાથ હરિ સંભાળજો રે..... સત્યાસત્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું.....
      ગાંધીજી એકકાન થઈને ભજન સાંભળી રહ્યા અને ધનબાઈના મુખભાવને અવલોકી રહ્યા. સત્યાસત્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું ગાતી વખતે શબ્દો માત્ર સંગીતમાં જ નહીં, પણ મુખભાવમાં વ્યક્ત થઈને એમના મોં પર છવાઈ જતા હતા. ભજન, પ્રાર્થના, ગીત બધા આ જ તદ્રૂપતાથી ગાવા માટે રચનારે રચ્યાં હોય છે, કારણ કે લખતી વખતે એ એનામાં એકલીન થઈ ગયો હોય છે. પછી ગાનાર માત્ર આવડત બતાવવાના હેતુથી જ ગાય એટલે શબ્દોનો ચાર્મ ગૌણ બની જાય. પછી સાંભળનાર પાસે માત્ર ગાનારની ગાયનકલા પહોંચે, કવિનું કર્મ ન પહોંચે, આ ધનબાઈ જાણે કે પોતે જ એ ગીત રચ્યું હોય, પોતે જ પોતાને માટે, પોતાની પીડાને વ્યક્ત કરવા જ એનો ઢાળ બેસાડ્યો હોય એમ ગાતી હતી. ગાંધીજી ભીંજાઈ ગયા. ભજન પૂરું થયું, એટલે બોલ્યા : રોજે રોજ ગાવા આવતાં રહેજો, બહેન! પ્રભુ તમારું ભજન સાંભળે છે.
      પણ બીજે દિવસે ધનબાઈ આવ્યાં નહીં. ત્રીજે દિવસે પણ નહીં. આમ ને આમ ચાર-છ દિવસનો ખાડો પડ્યો, એટલે ગાંધીજીએ પેલા જાણકાર ભાઈ પાસેથી ધનબાઈનું સરનામું મેળવ્યું. હુબલી ગામમાં જ ધનલક્ષ્મીબેન એમને સાસરે બહોળા કુટુંબ વચ્ચે રહેતા હતાં. ચિઠ્ઠી ત્યાં પહોંચી : બહેન, અમે સૌ તારા કંઠે ભજન સાંભળવાને સારુ રોજ તારી રાહ જોઈએ છીએ. આવી જા. લિ. બાપુ. આ ચિઠ્ઠી ત્યાં પહોંચી તે જાણે કોઈ પરપુરુષની ચિઠ્ઠી યારી માટે આવી હોય એમ ઘરમાં ઉલ્કાપાત થઈ ગયો. ગાંધીજીને સૌ ઓળખે ને ઘરનાં સૌ એમની સભામાં પણ જાય. પણ એ આમ ઘરની વહુને બોલાવતી ચિઠ્ઠી લખે ! અને નાની વહુથી ઘરમાં પણ સાદ કાઢીને બોલાય નહીં, ત્યાં વલી ભરસભામાં રાગડા તાણીને ગવાય ? ઘોર કળજુગ ! ઘરમાં મહાભારત થઈ ગયું ! ને પતિ હીરજીભાઈએ તો મારવા જ લીધી ! આમ છતાં એક દિવસ કંઈક ઓઠું લઈને ધનબાઈ ગાંધીજી પાસે પહોંચ્યાં. સભામાં અધવચ્ચે જઈને બેઠાં, ને સભા પૂરી થયે ભજન પણ ગાઈ દીધું. પણ છેલ્લી લીટી વખતે સ્વર લથડી ગયો અને છુટ્ટા મોંએ રડી પડ્યાં. સભામાં સન્નાટો છવાઈ ગયો.
        સૌ વિખેરાયા ત્યારે ગાંધીજીએ ધનબાઈને નજીક બોલાવી પૂછ્યું : તું કોણ છો, બહેન ? આમ રડી કેમ પડી ? શું દુઃખ છે તારે ?
        અહીં હુબલી મારું સાસરું છે, બાપુ. ધનબાઈ બોલ્યાં : ને જલગાંવમાં સને ઓગણીસો ને આઠમાં જન્મી છું. મારા બાપ ટોકરશી લાલજી કપાસના મોટા વેપારી છે. મારી મા મારી નાની ઉંમરમાં ગુજરી ગઈ છે અને અત્યારે મને પંદરમું ચાલે છે.
        હા એ બોલ્યાં : એનો વાંધો નથી. પણ.... એ અધૂરા વાક્યમાં એનો આખો પીડાકાંડ હતો. કેટલોક કહેવાય એવો, કેટલોક ના કહેવાય એવો. કથળેલી આર્થિક સ્થિતિના બાપે કરિયાવરમાં તો કાંઈ કહેવાપણું રાખ્યું નહોતું, પણ એની કઠણાઈને એ નિવારી શક્યા નહીં. પરણીને સાસરે આવ્યાં એ જ રાતે એમણે ભયના માર્યાં નણંદને સાંજથી જ સાથે સુવાડી રાખી હતી. પણ એ ઉપલા માળના જૂના પલંગમાંથી એ પછી મધરાતે નણંદ વિદાય થઈ ગઈ અને ભડોભડ બારણાં ભીડતાં પતિદેવ અંદર પધાર્યા હતા ! ચૌદ વરસની ધનબાઈના શરીરમાં ગભરાટની ધ્રુજારી ફરી વળી. એની કન્યાવિદાયના પ્રસંગે એના પિતા બેભાન થઈ ગયા હતા એ યાદ આવી ગયું અને એ ખુદ બેભાન થઈ જશે એમ એને લાગ્યું. પણ વંટોળની જેમ ધસી આવનાર પતિને એના મનને ખોલવાની કોઈ જ જરૂર નહોતી લાગી. ધનબાઈ એને મન રાતના રમકડાથી વિશેષ કશું જ નહોતી. એ આવીને સીધી જ ઝાપટ મારવા ગયા, ત્યાં ધનબાઈ સડાક કરતાં ઊભા થઈ ગયાં ને બારણા તરફ દોટ મૂકી. પતિનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. તારી આ હિંમત ? એમણે કહ્યું ને હાથ પકડીને પાછી ઘસડીને પત્નીને પલંગમાં ગાદલાનો ઘા કરે એમ ઘા કરીને ફેંકી. વળી બરાડીને બોલ્યા : આમ ભાગાભાગી કરતાં શરમ નથી આવતી, બેશરમ?’
        આ પછી જે થયું તેને મધુરજની કેવી રીતે કહેવાય ?
            આવી તો ત્રણ રાત્રિઓ આવી અને ગઈ. ચોથે દિવસે મુંબઈથી કશો તાર આવ્યો અને પતિને મુંબઈ ચાલ્યું જવું પડ્યું. એમની વિદાયથી ધનબાઈના મનમાં એવી ટાઢક થઈ. ધગધગતા કાળા ઉનાળામાં જાણે કે કોઈ લોહારની ભઠ્ઠી પાસેથી ઊભું થયું.
        હા, એક ટાઢક એવી હતી. ધગધગતો ઉનાળો તો રહ્યો જ હતો. માત્ર નજીકથી ભઠ્ઠી દૂર થઈ હતી, જે પળે પળે ચામડી દઝાડતી હતી. એમાં વળી શીતળ પવનની એક લહેરખી પણ આવી. ધનબાઈના પિતા એક-બે દિવસમાં આવ્યા અને કોઈના લગ્નમાં જવાનું હતું એટલે તેડી ગયા.
        ગાંધીજી આટલી વાત સાંભળી રહ્યા. પછી એમની અંદર કરુણાની જે લાગણી ઊભરાઈ ગઈ હતી તેની પર લગીર અંકુશ મૂકી દીધો. જરા ધનબાઈને હળવી માનસિકતામાં લાવવા ખાતર બોલ્યા : ત્યારે તો એટલા દિવસથી તારે સાસરવાસમાંથી પણ મુક્તિ, ખરું ?
        પણ એનાથી તો ઊલટાનું ધનબાઈની આંખો આંસુથી ઊભરાઈ ચાલી. એમણે ગાંધીજીને સામે પૂછ્યું :સાંભળવું છે તમારે ?
        બોલ, બહેન, બોલ.  ગાંધીજી બોલ્યા : બોલ.
        હું જ્યાં મારા પિતા સાથે લગ્નપ્રસંગે ગઈ હતી ત્યાં સ્ત્રી અને પુરુષોના મોટા મોટા અલગ અલગ ઓરડામાં ઉતારાઓ હતા. એ પ્રસંગમાં મારા પતિને પણ આમંત્રણ હતું. હું જે સવારે ગઈ તે જ સવારે મેં એમને પણ જોયા હતા. હું થડકી ગઈ. પણ અંદરથી શાંતિ હતી કે ખેર, આ તો કોઈકને ત્યાં લગ્નપ્રસંગ છે. શું કરી લેવાના છે મને એ ? પણ રાત પડી. મધરાત થઈ. સૌ ઘસઘસાટ સૂઈ ગયા અને હું બીજી સ્ત્રીઓ સાથે અલગ બિછાનામાં સૂતી હતી ત્યાં ચોરપગલે એ આવ્યા અને પગનો અંગૂઠો પકડીને મને જગાડી અને પછી શિયાળો હતો. સૌ ઓઢીને સૂતાં હતાં એટલે કોઈની પરવા કર્યા વગર સાવ પશુની જેમ જ....
        તને બોલતાં પણ શરમ થઈ ગાંધીજી બોલ્યા : ને એને આચરતાં પણ ન થઈ. ખેર, બહેન! ગાંધીજીની આંખમાં આંસુનાં બિંદુ બાઝી ગયાં. કહ્યું : હું આમાં તને મદદ કરું ? પશુના પાશમાંથી છોડાવું ?
        ના. ધનબાઈ બોલ્યા : જેને પરણી છું એ પરમેશ્વર હોય કે પશુ, એમાંથી છૂટવાનો મારો કોઈ ઈરાદો નથી. તમે મને એટલી મદદ કરો કે...
        ગાંધીજી એની સામે જોઈ રહ્યા.
'મને શીખવો કે...' 
        કે મને શીખવો, ધનબાઈએ કહ્યું : દુઃખને સહન કેમ કરવું ? જેમાંથી ઉગાર ન હોય તેને વેઠી લેવાનો ઉપાય શો ? મનને એટલે ઊંચે કેવી રીતે લઈ જવું કે નીચે પેટાવેલા અગ્નિની આંચ પણ આપણને ન લાગે ? મને એ શીખવો કે અંધારામાં કાંડી ન હોય તો પણ રસ્તો કેવી રીતે ફંફોસવો ?
ગાંધીજીએ આંખો મીંચી દીધી. નિઃશ્વાસ નાખીને બોલ્યા : રામનામ.....રામનામ....રામનામ....બીજું કંઈ નહીં, મારી બેન.
        પણ રામનામ ક્યાંથી પ્રગટે, બાપુ ? ધનબાઈ બોલ્યાં : અંદર જ જ્યાં આગ સળગતી હોય અને લાવા ઊકળતો હોય, જ્યાં અંદર હાયકારો થઈ ગયો હોય, ત્યાં હરિનામ ક્યાંથી પ્રગટે ?’    
        એ પ્રગટે શ્રદ્ધાથી. ગાંધીજી બોલ્યા : ને શ્રદ્ધા ક્યાંથી પ્રગટે એ પૂછીશ નહીં. શ્રદ્ધા હોય તો જ બાળક પૃથ્વી પર અવતરે છે. એ શ્રદ્ધા નામનું તત્વ લઈને જ જન્મતાવેંત રડે છે, કે એની મા એનું રુદન સાંભળશે ને મોઢામાં દૂધની સેર છોડશે.
        એ દિવસ પછી ગાંધીજી અને ધનબાઈનો સંગ વધુ વખત રહ્યો નહીં. ગાંધીજી તો રમતા જોગી હતા. હુબલીમાંથી એમનો મુકામ ઊઠી ગયો, ને ધનલક્ષ્મી જિંદગીમાં નવા નવા વણજોયા મુકામ તરફ ચાલ્યાં.
0 0 0

        પતિના હાથમાં ધર્મનું પુસ્તક જોઈને ધનબાઈ બહુ રાજી થયાં. ચાલો, નોકરીધંધો કરતા નથી ને સંગ્રહણીના રોગી થઈને ઘરમાં પડ્યા છે. ને હવે તો હલકામાં હલકી સ્ત્રીઓ સાથેના સંસર્ગથી જાતીય રોગનો પણ ભોગ બન્યા છે. એટલે મતિ સારા માર્ગે વળી હોય. રાજી થવા જેવું છે.
        એમને ઉમળકો આવ્યો. ચાનો પ્યાલો બનાવીને એમની નજીક ગયાં ત્યાં જોયું તો ધાર્મિક પુસ્તકની વચ્ચે ભૂંડા-અશ્લીલ ચિત્રોવાળી કોઈ વિકારી ચોપડી ! પતિ એમાંથી રસ ચૂસતા હતા અને કોઈ બીભત્સ જોડકણાં ધીમા અવાજે ગાતા હતા.
        અરે ! ધનબાઈ બોલ્યાં : આવું વાંચો છો ? આવું ગાઓ છો ? મને તો એમ કે તમે ધાર્મિક પુસ્તકનું વાંચન કરો છો ?
        હવે ચૂપ રહે ! પતિ તાડૂકીને બોલ્યા : તને શી ખબર ? ધર્મના પુસ્તકમાં આવું બધું જ લખ્યું છે. શું હું કાંઈ ગાંડો થઈ ગયો છું ? કે લખ્યું હોય કાંઈક, ને વાંચું કાંઈક ?
        ધનબાઈ ગમ ખાઈ ગયાં. બોલ્યાં : તમારે જે કરવું હોય તે કરો, પણ મહેરબાની કરીને મારા દેહને સ્પર્શ કરશો નહીં. હું હલકી સ્ત્રીઓના રોગ ઉછીના નહીં લઉં.
        તારે મારું હરેક પાપ અને હરેક પુણ્ય ભોગવવું પડે ! ઉન્માદી પતિએ ધાર્મિક પુસ્તક બતાવીને કહ્યું : આ ધરમમાં લખ્યું છે. ચાલ, અત્યારે જ તને પરચો આપું.
        ફરી એક બળાત્કાર !
0 0 0

        થોડા વખતમાં એક સંતાન થયું. પુત્રી સંતાન. પતિદેવ ફરી લાલપીળા થઈ ગયા. તારાં નસીબ, જો મને આડે આવ્યાં. દીકરી થઈ. અરે પિંડદાન આપનાર એકાદ દીકરો તો આપવો હતો !  અરે, અભાગણી, થાય તો તારા પાપની માફી માગીને ભગવાન પાર્શ્વનાથને પ્રાર્થના કર. બાકી હું તો પરમહંસ છું. મારે મને તો બધું સરખું છે.
        એક દિવસ બોલ્યા : તેં મને તને સ્પર્શ કરવાની ના કહી છે ને ! તો જો મેં એનો પણ રસ્તો કાઢ્યો છે.
        શો રસ્તો હશે. ધનબાઈ નાની દીકરીને છાતીએ વળગાડીને વિચારી રહ્યાં. જવાબ બીજે જ દિવસે જોયો. એક સાવ બજારુ સ્ત્રીને લઈને પતિ ઘેર આવ્યા....અને ધનબાઈની અને નાની અબુધ બાળકીની સામે જ એની સાથે લીલા કરી. ધનબાઈનું મન ઘૃણાથી ભરાઈ ગયું- તે એવું કે સ્તનમાંથી ધાવણ સુકાઈ ગયું ને દીકરી ભૂખની મારી વલવલી રહી.
        તે સાંજે ધનબાઈ બહારથી દૂધ લાવીને છોકરીનો પાવા બેઠાં તો પતિનો મિજાજ સાતમા આસમાને પહોંચ્યો : આટલી નાની છોકરીને બહારનું દૂધ અપાય ? શરમ નથી આવતી ?
        શરમ કોને આવવી જોઈએ ? પીડા કોને થવી જોઈએ ? પાપ ક્યાં હતું ? પુણ્ય ક્યાં હતું ? ધર્મ શો હતો ? કોણે કોને ઉપદેશ આપવાનો હતો ? સુધરવાનું કોને હતું ? કશી જ સીધી ગતિ નહોતી. બધી જ ગતિ વિપરીત હતી.
        જેમને ત્યાં એ લોકો રહેતાં હતાં એ કાકા-કાકી (પતિનાં) પણ એક વાર કંટાળી ગયાં. એમને ધનબાઈની દયા આવી ગઈ. બોલ્યા : હીરજી, તું અત્યારે ને અત્યારે પહેરેલ કપડે ચાલ્યો જા.
        હીરજીભાઈ ગયા તો ખરા, પહેરેલ કપડે જ નીકળી ગયા, પણ ક્યાં ગયાં ?
        ધનબાઈના બાપને ઘેર. કાકાએ કાઢી મૂક્યા એટલે ધનબાઈના પતિ હીરજીભાઈ સાસરે આવ્યા. થોડા જ દિવસમાં બાપાએ પત્ર લખ્યો. જમાઈ અહીં આવ્યા છે. તું અહીં આવીને રહે. ધનબાઈના પિતા જમાઈનાં કરતૂતો જાણે, છતાં શું થાય ? દીકરીનો ધણી, એટલે, એટલા ખાતર ઘરમાં એમને સમાવી લીધા. અને પછી દીકરીને બોલાવી લીધી.
        આમ પીડાના પર્યાય જેવો જમાઈ છાતી પર આવ્યો. માન્યું કે ઘરજમાઈ થઈને  જરા દાબ્યો-દૂબ્યો રહેશે. પણ હીરજીભાઈના મગજનું યંત્ર હંમેશાં અવળી દિશામાં ફરતું હતું. લઘુતાગ્રંથિ પીડવા માંડી એટલે પત્ની પર પસ્તાળ વધવા માંડી. અને ક્યારેક તો ધનબાઈ હોય ત્યાં ને ત્યાં જ જીભ કરડીને મરી જાય એવી એમની વિકારી હરકતો દિન-બ-દિન વકરવા માંડી.
        એવામાં એક મહેમાન ઘેર આવ્યા. બાજુમાં ઉમનદેવ ગામે સૌએ ફરવા જવું એમ નક્કી કર્યું. ત્યાં ગૌમુખમાંથી ગરમ પાણી આવતું હતું અને ગરમ પાણીના કુંડ હતા. પાણી એવું ગરમ કે તપેલીમાં એ પાણી લઈને ચોખા નાખી ઢાંકી રાખો તો થોડીવારમાં ભાત તૈયાર થઈ જાય. સેવ નાંખો તો સેવ ઓસવાઈ જાય.
        અને ધનબાઈએ એક ખતરનાક નિર્ણય કર્યો. નાનકડી દીકરી ગળે વળગેલી હતી. તેને નમાઈ બનાવવા માટે જીવને બહુ કાઠો કરવો પડ્યો. એને માટે પંદર મિનિટ આંખો બંધ કરીને જાણે કે સમાધિમાં જ ઊતરી ગયાં. ને આત્મઘાતના નિર્ણયને આત્મબળથી સીંચી લીધો. બસ, પછી બીજી જ પળે દીકરીને કુંડને કાંઠેથી સલામત અંતરે દૂર ઢબૂરીને દોડીને ફળફળતા ગરમ પાણીમાં ભૂસકો માર્યો. પણ બીજી જ પળે જાણે કે ચમત્કાર થયો. એક પૂજારીનું ધ્યાન પડ્યું. પાછળ દોડી, ભૂસકો મારીને ધનબાઈને હાથ પકડીને બહાર કાઢી લીધાં.
        શું થયું બહેન ? એણે પૂછ્યું : આવી મૂર્ખાઈ કેમ કરી ?
        ભાઈ, ધનબાઈ બોલ્યાં : કુંડ પર બેસીને નહાતી હતી, ને પગ લપસી પડ્યો.
        બહેન, પૂજારી બોલ્યો : હું જાણું છું કે તારી વાત સાચી નથી. પણ બહેન, એટલો વિચાર કર. તારાં આ દુઃખો શા માટે છે ? પછી જાતે જ એણે જવાબ આપ્યો : એ તારા બે ભવનાં કર્મોને એક ભવમાં ખપાવવા માટે છે. માટે એનાથી ડરીશ તો કેમ ચાલશે ? જે માથે પડે છે, તે મૂંગે મોઢે સહન કર્યે જા.
        એક આ ગુરુમંત્ર મળ્યો તેથી ધનબાઈ જીવી તો ગયાં, પણ તે પછીની એમની વ્યથા-કથા બહુ લાંબી છે. બેચાર ફકરામાં તેને સમેટી ન શક્યા, પણ માત્ર રૂપરેખા જાણવી હોય તો એટલું કહી શકાય કે એ પછી ધનબાઈ સખત બીમાર પડ્યાં. ઓગણીસ માસ દવા એમના પિતાએ કરાવી, અને જરા પણ પોસાણ ન હોવા છતાં હજારોનું પાણી કર્યું. આ દરમ્યાન જમાઈની અળવીતરાઈ ચાલુ રહી. સસરા-જમાઈ વચ્ચેનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને એક વાર એમને પિતાએ કહી જ દેવું પડ્યું : ઘર છોડીને ચાલ્યા જાઓ, નહીંતર ધક્કા મારીને કાઢવા પડશે.
        હીરજી ઘર છોડવાની તૈયારી કરવા માંડ્યા, ત્યારે પિતાની ભારે નવાઈ વચ્ચે ધનબાઈ પણ એમની સાથે જવાનું પરિયાણ કરવા માંડ્યાં. પિતાએ જરા ગુસ્સે થઈને કહ્યું : કોઈની પણ સલાહ માન્યા વગર આની સાથે તને પરણાવવાની એક મોટી ભૂલ તો અગાઉ મેં કરી છે અને એની સાથે જવાની બીજી ભૂલ હવે તું કરી રહી છે ? તું અહીં રહે. હું તને ભણાવીને પગભર બનાવીશ.
        ધનબાઈએ કહ્યું : બાપુજી, હવે તમે મને શું ભણાવશો ? એ વખત તો વીતી ગયો. હવે તો મારી દીકરી પણ લગભગ પરણાવવા જેવડી થઈ ગઈ. સુખના હોય કે દુઃખના દહાડા તો વીત્યે જ જાય છે. મારે તો એમની સાથે જવું જ છે. તમે એમ માની લેજો કે તમારી દીકરી મરી ગઈ છે. તમે મારી ચિંતા જ સાવ છોડી દેજો. મારું જ્યારે કોઈ જ નહીં હોય, ત્યારે ઈશ્વર મારી સંભાળ લેશે. તમે માત્ર મને આશીર્વાદ આપો કે મારું કલ્યાણ થાય.
        પિતા કશું બોલી શક્યા નહીં.
        પતિ-પત્ની ચાલી નીકળ્યાં. મહિનાઓ સુધી નાના જેઠ, મોટા જેઠ અને કાકાજીને ત્યાં ઠેબાં ખાતાં રહ્યાં. આશરો લેતાં રહ્યાં પણ હીરજીભાઈના સ્વભાવના કારણે ક્યાંય ટકી શક્યાં નહીં. નોકરી-ધંધો તો હતો નહીં. જે દરદાગીનો, ઘરવખરી હતી તે વેચી-સાટીને દિવસો રોડવતાં રહ્યાં. માત્ર દસ તોલું સોનું વધ્યું. એ પણ છેલ્લે છેલ્લે વપરાઈ ન જાય તે માટે ધનબાઈના પિતાના એક મિત્રને ત્યાં સાચવવા મૂકી આવ્યાં. માત્ર સોનાની બે બંગડી જ પહેરવા માટે રાખી. દરમિયાન દીકરીને જેમ તેમ કરીને પરણાવી દીધી હતી.
        પણ અંતે એક દિવસ એ પણ પાછા લઈ આવવા પડ્યા. વળી થોડા માસ કાઢ્યા. ને પણ એક દિવસ....
        અનાજ પણ ખૂટી પડ્યું. શું કરવું ? એટલે સસરાને ઘેર આશરો લેનાર હીરજીભાઈએ જમાઈને ઘેર આશરો લેવાનું નક્કી કર્યું. તે જમાઈને ત્યાં આશરો લેવા ચાલ્યા ! કરાંચી ગયા. ને ઓરડીમાં જમાઈની સાથે રહ્યાં ને ત્યાં વિચિત્ર-વિકારી-વિપરીત-તામસી સ્વભાવના હીરજીભાઈના અનિયમિત, અતિશય ખાનપાનથી તબિયત એવી તો બગડી કે સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો, ને તે એવો કે તમામ ગંદકી ઓરડીમાં જ કરવી પડે, કારણ કે ચાલીના પાયખાના સુધી કેવી રીતે પહોંચાય ? જુગુપ્સાપ્રેરક વાતાવરણમાં મા-દીકરી એક તરફ રસોઈ બનાવે, એક તરફ ગંદકીની બદબૂથી ઓરડી ગંધાતી હોય. સારવાર કરવા માટે મુંબઈ લઈ ગયા. ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કર્યા અને દિવસો સુધી સારવાર કરી. ખિસ્સું સાવ ખાલી થઈ ગયું. અને એક દિવસ દવાખાનાનું છેલ્લું પચાસ રૂપિયાનું બિલ ચૂકવવાનો પણ વેત ન રહ્યો. ત્યારે, એ રાતે ધનબાઈ પાર્શ્વનાથની છબી પાસે ચોધાર આંસુએ રડ્યાં. કહ્યું : હવે તો તું હાથ ઝાલ. શું હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી અગ્નિપરીક્ષા કર્યે રાખવી છે ? મેં આપઘાત નહીં કરવાની તે દહાડે ગરમ પાણીના કુંડ પાસેથી જ બાધા રાખી છે, તો હવે આ બાધા હું તોડું એમ તું ઇચ્છે છે ?
        પ્રાર્થના હતી એમાં કલ્પાંત ભળ્યું અને એ બન્નેના મિશ્રણથી કોણ જાણે શું થયું, ઊંઘ આવી ગઈ. સવાર ક્યારે પડી તેની સૂધ ના રહી.
        સવારે આકસ્મિકતા ગણો કે ચમત્કાર એવી ઘટના બવી. હીરજીભાઈ જ્યાં ભાંગીતૂટી નોકરી કરતા હતા એ પેઢીના શેઠ આવ્યા ને આગ્રહ કરીને ત્રણસો રૂપિયા આપી ગયા. દવાખાનાનું દેવું ચૂકવાયું અને માટુંગામાં ભીંવડીવાલા બિલ્ડિંગમાં બીજે માળે માસિક રૂપિયા ઓગણીસમાં ભાડાની ઓરડીમાં રહેવા ગયાં.
        એ દિવસથી દુઃખનો અંત તો એકાએક ન આવી ગયો, પણ ક્ષિતિજ પર સારા દિવસોની એંધાણી પ્રગટી.

        કઈ રીતે ?

(ક્રમશ:) 
(તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

2 comments:

  1. આ જો વાર્તા હોત તો યાંત્રિક રીતે જ એને સુખાંત માની લેવાની લાલચ થઈ હોત. પણ વાર્તા નથી એટલે કંઈ ધારવાની હિંમત નથી થતી. દુઃખના ડૂંગર કહે છે તે આ જ હશે કે આનાથી કંઇ ઓછું હોય તેને કહે?

    ReplyDelete
  2. દાદુ (શિકાગો )July 22, 2015 at 10:06 PM

    વાહ રજનીભાઈ,
    કથા વસ્તુ ક્યાંથી શોધી કાઢો છો એજ મારે માટે વણ ઉકેલ્યો કોયડો છે.1922 ની ધનબાઇની (ત્રાણું વર્ષ પછી) કથા મનમાં ઉચાટ કરાવતા કરાવતા અધુરી પૂરી કરી , હવે વધુ ઉચાટમાં આગળની તકલીફો વધે છે કે ઘટે છે તેની ઉત્કઠા સાથે રાહ જોવી ઘટે.

    ReplyDelete