Tuesday, August 5, 2014

એક સમય પર દો બરસાતેં,બાદલ કે સંગ આંખ ભી બરસે


હે  જગદંબા!”
જ્યોતિબેન ધ્યાનમાં ચિત્તને પરોવવા મથતાં હતાં ત્યાં જરા આઘેથી બોલાયો હોય એવો પુરુષસ્વર કાને પડ્યો: “હે જગદંબા !”
એમણે ચમકીને આંખો ખોલી. કોણ હતું ? ઓળખાણ ન પડી. એમ તાત્કાલિક પડવી જરૂરી પણ નહિં. કારણ કે નિકેતનને આંગણે તો જાણીતાં પણ આવે અને અજાણ્યાં પણ. અલબત્ત, આ ટાણે કોઇ અજાણ્યું આવે તો જરી સાવચેત રહેવું પડે.. સ્ત્રીજાતે આ વિષમ કાળમાં બહુ ચેતીને ચાલવું જોઇએ.

બોલનારો જરા વધારે નજીક આવ્યો ત્યારે એનો આખો હૂલિયો સ્પષ્ટ થયો. સાવ કંગાળ હાલતનો કોઇ ડોસો હતો. આમ ખરેખર ડોસો નહિં હોય, પ્રૌઢ જ હશે, પણ કમનસીબીના સતત મારથી ડોસો બની ગયો હશે, ચિંથરેહાલ હતો અને સિકલ પરની અનેક કરચલીઓને લીધે હોઠની તીરાડ એ કંઇ બોલવા હોઠ ઉઘાડે તો જ દેખાય એમ હતું, ઓહ! એણે જરા આછા અંધારામાંથી ઉજાસમાં પગ દીધો ત્યારે જ ખબર પડી કે એની આંગળીએ સાવ ગરીબડા મોઢાવાળો એક પાંચ સાત વરસનો છોકરો પણ હતો !
જગદંબા!ડોસો પ્રણામની મુદ્રામાં બે હાથ જોડીને બોલ્યો: આ છોકરાને મૂકવા આવ્યો છું, સાચવી લઇશ ને  મા ?”
જ્યોતિબેને બાળક ભણી નજર કરી. જવાબની ઇંતેજારી ડોસા કરતા બાળક્ને વધારે હોય એવું એમણે વાંચી લીધું. એની સામે જરા મોં મરકાવ્યું, જાણે કે વણબોલી હૈયાધારી આપી કે ના, ચિંતા મા કર, હું તને અહિં સાચવી લઇશ, હો!
પણ હ્રદયમાં ઉગતી “હા”ને વ્યવહારમાં મુકતા પહેલાં અનેક ખાતરીઓ કરી લેવી ઘટે. તમે લોકો ક્યાંથી આવો છો ? બાળક કોનું છે ? આ આવનારાનું કે બીજા કોઇનું? એને ઘરબાર છે કે નહિં ? આ નિકેતન એક ચેરિટેબલ સંસ્થા છે એ સાચું, પણ તમને અહિં મોકલ્યા કોણે ?
પૂછ્યું ત્યારે જવાબ મળ્યો: “ આ મારો જ છોરો છે. નામ લાલો. પણ એની મા મરી ગઇ એને જનમ આપતાની સાથે જ. માએ એનું એકાદી કલાક્નું મોઢું જોઇને ડોક ઢાળી દીધી અને ડોળા ચડાવી ગઇ. મારાથી હવે મજૂરી થાતી નથી, મા ! ક્યાં જાઉં? શું ખાઉં ને શું આને ખવડાવું ? છોકરાને પગ આવ્યા ત્યારે આંગળીએ વળગાડી વળગાડીને બારણે બારણે ભીખ માગવા જવા માંડ્યો, મારી મા !. છોકરું બહુ ચાલે એટલે પગ સૂઝીને થાંભલો થઈ જાય.અને બોકાસા નાખે. અમારું ગામ આ લક્ષ્મણપુરા. આને કોને ભરોસે મુકીને ભીખ માગવાય જવું ? બળતરાનો માર્યો માથું કૂટતો હતો ત્યાં વળી કોઈએ કીધું કે તું તો ભલે ભીખ માગ, પણ આ કૂણા ફૂલને ભેગું કાં કબડાવ છ ? એને જ્યોતિબેનના નિકેતનમાં મુકી આવ ને ! ત્યાં એક છાપરામાં એમણે પરિવારમંદિર જેવું કાંઇક રાખ્યું છે, ત્યાં આ જીવ સંઘરાઇ રહેશે.”
ડોસો બોલતા બોલતા હાંફી રહ્યો, પણ અટકીને પાછો બોલ્યો તો ખરો જ: “જગદંબા. મારી મા, આને સંઘરીશને તું ?”
બાપા જ્યોતિબેન બોલ્યાં : હું જગદંબા નથી. હાડચામની પૂતળી છું. પણ..” એમણે  બરાબર નજર નોંધીને કહ્યું: “છોકરાને રાખી તો લઉં પણ .... પછી એના દિદાર સામે જોઈને બોલ્યાં : પણ પછી પાછો નહીં આપું હો !
કાંઈ વાંધો નહીં. ડોસો બોલ્યો : સોંપવા જ આવ્યો છું. પછી જરી ડરતાં ડરતાં બે વેણ બોલ્યો: ”ક્યારેક મળવા તો આવવા દઇશ ને .મા !”
“છોકરાની જીંદગીને જો બરાબર વ્યવસ્થિત થવા દેવી  હોય તો ..”બોલતાં બોલતાં એમણે ઝીણવટથી જોયું. ડોસાની સિકલ પર બે-ચાર કરચલીઓ જાણે કે એ જ ક્ષણે ઉમેરાઇ રહી છે. એટલે એમણે શબ્દોમાં નરમી ઉમેરી : “બસ, ક્યારેક, ક્યારેક, હો ! કલાક અર્ધો કલાકથી વધારે નહિં. અને વારે વારે પણ નહિ.સમજ્યા ? અને, બીજી વાત, રાત તો ક્યારેય નહિં રોકાવાનું.”
ડોસાએ માથું જરી નમાવીને હકાર દીધો.  
જ્યોતિબેને છોકરાને એની ઉંચાઇ જેટલે બે હથેળીઓ ફેલાવીને નજીક આવવાનું ઇજન આપ્યું.. એ દોડીને એમાં સમાઇ જવા પગ ઉપાડતો જ હતો ત્યાં વળી અચાનક પડખે વળીને બાજુમાં ઉભેલા બાપને વળગી પડ્યો, પણ માત્ર અર્ધી પળ જેટલું જ. બસ, એ પછી દોડીને જ્યોતિબેનના ફેલાવેલા બે હાથમાં સંગોપાઇ ગયો.
       
ડોસો એને મુકીને પાછો અંધારામાં ઓગળી ગયો.
**** **** **** 

લાલો ક્યારેક બાપને યાદ કરે. પણ એને મળવાનું  વેન કદી ના કરે. એ પણ એક અજબ વાત કે એ રૂપિયાની કિંમત બરાબર સમજે. કોઈ નિકેતનમાં આવે અને પાંચ દસ રૂપિયા એના હાથમાં મૂકે એટલે તરત જ મુઠ્ઠી વાળી જાય. જ્યોતિબેનને એ મમ્મી કહેતો. મમ્મીએ માટીનો એક ગલ્લો એના ઓશિકા પાસે રાખ્યો છે, એમાં એ મળેલા રૂપિયા સરકાવી દે છે. જ્યોતિબેન રાજી થાય  છે. બાળક્ને બચતની ટેવ એમ જ પડે.  બાપો બે-ચાર છ મહીને રખડતો રખડતો આવી ચડે છે. નજર નાખો તો નજર પણ ગંદકીથી ખરડાઈને પાછી વળે એટલો બધો ગંદો લાગે. થાકેલો હોય છે, હાંફતો હોય છે. જ્યોતિબેનને “જગદંબા” કહીને પગે પડે,  પણ એની પડખે બે મિનિટથી વધારે ઉભા ના રહેવાય. પણ રવાના કરતા પહેલા એને જમાડે કારવે અને લાલાની સાથે એને બગીચામાં કલાક –બે કલાક એકાંત આપી દે. બસ, પછી લાલો પાછો બીજા ખંડમાં એના પરિવાર મંદિરમાં અને બાપો એના રસ્તે.
પણ આજે છેક સાંજે આવ્યો. ના ગમ્યું જ્યોતિબેનને, પણ સમજી શકાયું કે ચોમાસાનો ધાબડ દિવસ છે. ઠીક છે કલાક બે કલાક એના દીકરા સાથે ગાળવા દીધા પછી આજે  રોજની જેમ એને રવાના તો નહિં કરી દેવાય. જમાડવો તો પડશે જ, પણ બગીચાના એકઢાળીયામાં એને રાત રહેવા પણ દેવો પડશે. કરી આપી વ્યવસ્થા.
વરસાદ રહી ગયો. પણ અર્ધી રાતે આંખ કેમ ઉઘડી ગઇ જ્યોતિબેનની? સળવળાટ શાનો થતો હતો ? નાઇટ લેમ્પના બ્લ્યુ ઉજાસમાં જોયું તો પરિવાર મંદિરની છત નીચે પોતાનાથી થોડે જ દૂર પોઢેલા આઠ દસ બાળકોના પલંગમાંથી એક પલંગમાં સળવળાટ થઇ રહ્યો હતો. ઓઢાડેલો ચોરસો હળવેકથી ઉંચો થઇ રહ્યો હતો. એમાંથી લાલો બહાર નીકળી રહ્યો હતો. અરે,પલંગની બહાર પગ દઇને બીલ્લીચાલે ચાલીને એ તો બારણાને હળવેથી ધક્કો મારીને બહાર પણ નીકળી ગયો. જ્યોતિબેનના શરીરમાંથી ક્રોધનું એક લખલખું પસાર થઇ ગયું. ના ચલાવી લેવાય ! ના જ ચલાવી લેવાય. વેંત એકનું છોકરું અને અત્યારથી જ છાનગપતિયાં ! એમણે ઊભા થઈને પીછો કર્યો. સજા પણ વિચારી લીધી. છોકરાને તો બાવડું પકડીને પાછો પલંગમાં ધકેલી દેવો, પણ બાપને અત્યારે જ અલ્ટિમેટમ આપી દેવું. હવે વરસ દિવસ સુધી નજરે પડતો નહિં ને એ કબૂલમંજૂર ના હોય તો લઇ જા તારા છોકરાને  ને ચાલતી પકડ અહિંથી ! કર મોટો એને તારી ભીખમાંથી, જા !
પણ મનમાં ઊગે તે બધું બોલી નાખવા માટેની મિનિટો હજુ આવવી બાકી હતી. અત્યારે તો જે બનતું હતું તે જોવાનો સમય ચાલતો હતો, શું જોયું ?
એકઢાળીયાના એક ખૂણામાં પાથરણા પર ઊંઘતા ગંદા-રોગીષ્ટ-વૃદ્ધ બાપની પાસે લાલો આવ્યો. હાથમાં કોઇ ચીજ હતી તે એણે નીચે મુકી. હળવેકથી એનું ઓઢવાનું ઉંચું કરીને એની લગોલગ એની ગોદમાં લપાઈ ગયો. બાપને એટલા જોરથી વળગી પડ્યો કે..... જ્યોતિબેનથી જોઇ જ ના શકાયું. ફસકાઇ ગયેલી થેલીને તળીયેથી રેતી સરતી જાય એમ દિમાગમાંથી જાણે કે ગુસ્સો સરી રહ્યો હતો. જરી કળ વળી તો જોયું કે લાલો બાપના હાથમાં કશુંક મુકતો હતો અને બાપો નકારમાં પંખાની જેમ હથેળી ફરકાવીને એ લેવાનો ઇન્કાર કરતો હતો. શું હતું એ ? જ્યોતિબેને બરાબર નિરખીને જોયું તો એ તો લાલાની બચતનો ગલ્લો !
જ્યોતિબેનથી વધુ વખત એ દ્રશ્ય જોઇ ના શકાયું. એ પાછા વળી ગયાં. જઇને પોતાના પલંગમાં બેસી ગયાં. બસ, બેસી જ રહ્યાં. આમને આમ કલ્લાક વીતી ગયો, લાલો પાછો ફર્યો.અને બારણામાં પેસીને જરા પણ અવાજ ના થાય તેમ પાછું ઠસકાવી દીધું. જ્યોતિબેને ઉભા થઇને મોટી બત્તી કરી. પૂરા પ્રકાશમાં જ્યોતિબેનને સામે જોઇને એ થડકી ગયો, થોડી વાર પહેલાં એના ચહેરા પર જે પરમ તૃપ્તિ હતી તે કદાચ એના હ્રદયમાં ઉંડે સુધી ઊતરી ગઇ. એની જગ્યાએ મમ્મીનો ડર પ્રસરી ગયો.
જ્યોતિબેન એની પાસે આવ્યાં.એને નજીક લઇને એના માથે એના વાળમાં આંગળીઓ ફેરવી. અને ફેરવતાં જ રહ્યાં. પછી ભીના કંપતા અવાજે પૂછ્યું : જઈ આવ્યો બેટા !
        પકડાઈ ગયાના ભાવથી એ એકદમ છોભીલો પડી ગયો હતો પણ હવે થોડો હળવો થયો : હા મમ્મી, સોરી, તેં ના પાડી હતી કે ક્યાંય જવું નહીં તો ય ! પણ..” એ નીચું જોઇને બોલ્યો: ”હવે નહીં જાઉં..
        જ્યોતિબેને એના ગાલે હળવી ચૂમી કરી, એના પલંગ સુધી લઇ ગયાં, એને સુવડાવીને ફરી એના પર ચોરસો ઓઢાડી દીધો..
પણ સવારે છોકરો હજુ સુતો હતો ત્યાં જોયું કેબાપ બારણે જ ઊભો હતો. ગલ્લો હતો એના હાથમાં !
“મા !” એણે ગલ્લાને જ્યોતિબેન ભણી લંબાવ્યો, કહ્યું:” પાછો લઇ લે, મારે છોકરે મને આ...”
“રાખી લ્યો, ભાઇ” જ્યોતિબેને મીઠાશથી હસીને કહ્યું:”રાખી લ્યો. તમારા દીકરાની કમાણી છે ! રાખી લ્યો.

ખરી વાત ! આ ક્યાં ભીખ હતી ?

(ઝબકાર, 'નવગુજરાત સમય'માં પ્રકાશિત, તા: ૩/૦૮/૨૦૧૪)  

(તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

12 comments:

  1. ઉત્પલ ભટ્ટAugust 5, 2014 at 6:56 PM

    અદભૂત!

    ReplyDelete
  2. કે‘વું પડે ! મસ્ત વાર્તા.

    ReplyDelete
  3. હૃદયને હચમચાવી દેતી આ વાર્તાનો લિંક મારા બ્લોગ 'વલદાનો વાર્તાવૈભવ' માં 'મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ' પેજે આપની સંમતિની અપેક્ષાએ અને મિત્રહક્કના દાવે આપી દઉં છું. વાર્તા અહીં જ વંચાશે અને મને આંગળી ચીંધ્યાનો મારા બ્લોગવાચકો તરફનો પરમ સંતોષ પ્રાપ્ત થશે. ધન્યવાદ.

    ReplyDelete
  4. I am really moved by the story.

    ReplyDelete
  5. Really very very touchy....thank you for sharing.

    ReplyDelete
  6. માયા ક્યારેય ઓછી થતી નથી. હોવી ઘટે ..

    ReplyDelete
  7. Dear rajnikumarji
    I liked the first story - it was very much touchy by heart. I am full of emotions to read this. What a love each of son and father.
    Second story of tackticts - I never have imagined that this can happen. I never want to know such things. Your story writing is fine but I do not want to know such dirty things in govt offices. It again thrilled me. And to that extent you are very successful writer

    ReplyDelete
  8. It is really moving, and much more so, because it is a real life story. I wonder where from you get all these things. The manner in which also you write is not only simple as we speak, but also it straight pierces the heart of the reader. I don’t think there is anybody who has developed that art in Gujarati language.

    ReplyDelete
  9. Dear Rajnikumarbhai,
    I wanted to write toyou long back in connection with
    your story ''ek samay do barsate......''. Its a wonderful presentation of the tragedy of human life and the heart of the innocent child and the relationship of the child and his poor father. The presentation is so cogent that there would be hardly anybody whose eyes would not become watery after reading the story . Smita also read it and she had the same feelings.
    Regards.

    ReplyDelete
  10. ખરેખર સુંદર વાર્તા!

    ReplyDelete