Thursday, January 9, 2014

છાપું વાંચો ત્યારે.... (૨)


(કર્ણાટકથી ભૂલી પડીને રાજકોટ આવી ચડેલી દસ વર્ષની બાળકી એને અસલી ઠેકાણે પહોંચાડવાની મારી મથામણમાં કેવળ દુભાષિયા તરીકે મદદરૂપ થવાનો ઇન્કાર ખુદ મારી હેઠળનો કન્નડભાષી કર્મચારી કરતો હતોએને કઇ રીતે મનાવ્યો ? અને શું થયું એ બાળકીનું? ) 

ત્યાં જ સાઈકલવીર (હવે તો સ્વ.) ઘનસુખલાલ દવે આવ્યા...ને થોડી જ વારમાં લેખક-પત્રકાર પ્ર. રા. નથવાણી આવ્યા. મારો બળાપો સાંભળીને નથવાણી બોલ્યા : એમ કરો... કોઈને પૂછો કે કલાક માટે અમારી સાથે ભાડે આવવાનું શું લેશો ?
             મને હસવું આવી ગયું. ફરી ગાલિબની એ પંક્તિ યાદ આવી ગઈ : તેરે બેમહેર કહેને સે વો તુઝ પર મહેરબાં ક્યું હો ? (તારા કડવા વેણ સાંભળીને શું એ તારા ઉપર પ્રસન્ન થઇ જવાનો હતો ?
ચાલો, મેં કહ્યું : મિત્રને ફરી મનાવી જોઈએ. શબ્દોના સાષ્ટાંગ કરીએ. પછી તો માનશે ને !
             મારી વાત સાચી હતી.નથવાણીએ સૂચવેલા કડવા ઇલાજને બદલે મેં મારી આજીજી વધુ તીવ્ર બનાવી, અંતે મારા કાલાવાલા અસર કરી જ ગયા. એ સજ્જને શરત મૂકી : હમણાં નહીં હો ! ત્રણ વાગ્યા પછી આવીશ....
ધનસુખલાલ દવે મને કહે,  “તમે ઘેર જાઓ. વધુ તાવ ચડશે. ત્રણ વાગે આ ભલા નિષ્ઠાવાન માણસ સાથે અમે જઈ આવીશું. વાત સાચી હતી. એ બન્ને દુનિયાના ગમે તે ખૂણે હોય, ફતેહ કરીને જ આવે. પણ મારું મન જ છેલ્લા ત્રણ દિવસના અનુભવે પાયામાંથી હલબલી ગયું હતું. ત્રણ વાગે આ બન્ને મિત્રો તૈયાર હોય, પણ પેલા સજ્જન જો કોઈક બહાનું છેલ્લી ઘડીએ પકડી લે તો ?
હું પણ આવીશ. મેં કહ્યું : બે- ચાર કલાક વધારે.
               ફોન કરીને પત્તો મેળવ્યો તો લલિતાને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં રાખી હતી.
કન્નડભાષી મિત્ર, હું, નથવાણી અને ધનસુખલાલ મુલાકાતી ખંડમાં બેઠા અને લલિતા સામેના બારણાંમાંથી પ્રવેશી. રોયેલો, ધોયેલો ચહેરો અને એના પરની અબોધતા અકબંધ, શ્યામવર્ણ અને આંખોમાં બાળકની મુગ્ધતાની સાથોસાથ છોકરીની જાતને સહજ એવી જન્મજાત સાવધાની. અમારી સામે આશ્રમનાં  ઉપરી આશાબહેનને બેઠેલાં જોઈને એનો સંકોચ ઓછો થયો. સામે બેઠી.
                થોડા પ્રશ્નો લખીને મેં મિત્રને આપ્યા હતા પણ એ પહેલાં બાળકીનો વિશ્વાસ જીતી લેવો જરૂરી હતો. નહીં તો જવાબ દેવામાં ગોટવાઈ જાય યા જવાબ તારવી દે. અમારા કન્નડભાષી દોસ્તે બહુ પ્રેમથી, લાગણીથી એની પીઠે હાથ મૂક્યો અને એની પરિચિત ભાષામાં કહ્યું કે અમે બધા તેને તેના પરિવાર પાસે પાછી પહોંચાડવા આવ્યા છીએ.
              પછી તો એણે દિવસોથી બંધ રહેલા હોઠ ખોલ્યા. બંધ ઓરડાની બારી ધીરે ધીરે, ધક્કેધક્કે ખૂલે અને હવાની લહેરખી અંદર પ્રવેશે એમ આંખોમાં ખુશીની લકીર ધીરે ધીરે પ્રગટતી ગઈ. પછી તો શબ્દો પણ સડેડાટ આવ્યા. માબાપ તો મુંબઈ. દાદાદાદી ધારાવારહુબલી પાસે હાવેરી ગામે હરિજન, ગરીબ અને ખાવાના સાંસા. દાદા સુઘરાઈના બાગમાં માળી. રોટલાના વેનના કારણે દાદીએ લપડાક મારી એટલે ઘેરથી રિસાઈને ભાગી. અથડાતી-કુટાતી-ઠેલાતી-ધકેલાતી રાજકોટ પહોંચી. હજાર માઈલો દૂર દૂર બેઠેબેઠે દાદાદાદી, સુધરાઈનું એ ક્વાર્ટર, કન્નડમવેલી નામની નિશાળ અને સરખી ઉંમરની સખીઓ યાદ આવે છે. રડી પડાય છે. અહીં આશ્રમમાં આશાબહેન-મંગલાબહેન અને બીજાં બહેનો સૌ સારાં છે. નવાં કપડાં પહેરવા આપ્યાં છે. બહેનપણીઓ પણ નવી નવી થઈ છે,પણ ભાષા ?
પૂછો. મેં મિત્રને કહ્યું : ‘એને પૂછો. પાછું દાદાદાદી પાસે જવું ગમશે ?
મિત્રે પૂછ્યું એ સાથે જ એની આંખમાં હા છલકાઈને એના રેલા ગાલ પર ઊતર્યા.
****        ****     ****
              
તબિયત જોવા દામુ સોની ઘેર આવ્યા, ત્યારે મેં પહેલું જ પૂછ્યું : તમે તો દક્ષિણ ભારતના પ્રવાસે બહુ જાઓ છો. કહેશો હાવેરી ક્યાં આવ્યું ?
પૂનાથી બેંગ્લોર જતાં, હુબલી-ધારવાર લાઈન પર હાવેરી જંકશન આવે છે. એ બોલ્યા : બીજાપુર ત્યાંથી ચાલીસેક કિલોમીટર થાય. કેમ તમારે શું કામ પડ્યું ?
              મેં લલિતાની વાત કરી તો કહે : એમાં શું ? ચાલો હું મૂકી આવું.
જરૂર પડશે તો એ પણ કરીશું. મેં કહ્યું : પણ બધી આપણા હાથની વાત નથી. એમ કરું. લલિતાના દાદા હાવેરી સુધરાઈના બગીચામાં માળીનું કામ કરે છે. માટે હાવેરી સુધરાઈના પ્રમુખને પત્ર લખું.... પોસ્ટ ઑફિસની ચોપડીમાંથી હાવેરીનો પિનકોડ નંબર શોધી કાઢ્યો. ૫૮૧ ૧૧૦ હતો. તેરમી જાન્યુઆરીએ વિગતવાર પત્ર લખ્યોહાવેરી સુધરાઈના પ્રમુખને મેં લખેલો પત્ર 
તમારા કર્મચારી નિલપ્પાની પૌત્રી અહીં આવી ચડી છે. આ ઠેકાણે  છે. આ સરનામું. આ ફોન નંબર, રાજકોટ તમારા શહેરથી આટલા કિલોમીટર થાય. આ રીતે આવી શકાય. છોકરીના વાલી પાસે આવવાજવાના રૂપિયા ના હોય તો અમને જણાવશો. યા તમે ત્યાંથી વ્યવસ્થા કરી આપશો એવી વિનંતી. માણસાઈનું કામ ગણીને આ પત્ર ઉપર તાત્કાલિક અમલ કરશો.
પત્ર મળ્યાની પહોંચ 
               પત્ર રજિસ્ટર્ડ એ.ડી.થી લખ્યો હતો. પહોંચ પણ આવી ગઈ. પણ સામેથી કશો જ સળવળાટ ન થયો. હું મનમાં મૂંઝાતો હતો. નથવાણી કહેતા હતા કે ત્યાં એવી કારમી ગરીબાઈ છે કે કદાચ કોઈ લેવા ન પણ આવે. છોકરીની માતા  રેડલાઈટ એરિયામાં બૉમ્બે છે. બાળકી ત્યાં શું સુખી થવાની ? કદાચ અહીં આશ્રમમાં જ વધારે સુખી થશે. પણ આ બોલતાં બોલતાં એમને અને સાંભળતાં સાંભળતાં મને અંદરથી અજંપો થયા કરતો હતો. બેચાર વાર અમે  આશ્રમમાં  જઈને બાળકીને મળી આવ્યા. કાંઈક કશું આપી આવ્યા.

લલિતાના દાદાની સહીવાળો મારા પર આવેલો જવાબ 
                પણ અંતે જવાબ આવ્યો. ચોથી ફેબ્રુઆરીએ લલિતાના દાદા નિલપ્પાની કન્નડ ભાષામાં સહીવાળો અંગ્રેજીમાં કોઈ દ્વારા ટાઈપ કરાવીને લખેલો મારા પરનો પત્ર બોલતો હતો કે હા, બાળકી મારી પૌત્રી છે. પણ મારી પત્ની બીમાર છે. એને ઝંખે છે. પણ અમે હરિજન છીએ. ગરીબ છીએ. આવવાના રૂપિયાની જોગવાઈ નથી. તમે જ સારા સથવારે મોકલી આપશો ? હું સગવડે તમને ખર્ચે ભરપાઈ કરી આપીશ.
પત્રમાંની દાદાની સહી લલિતાને આશ્રમમાં જઈને બતાવી ત્યાં તો એની આજુબાજુ આનંદની પ્રસન્નતાની એક આભા જાણે કે વીંટળાઈ વળી. એ એની ભાષામાં કાંઈક બોલી. શબ્દો તો ના સમજી શકાયા પણ એનો ધ્વનિ બહુ સ્પષ્ટ હતો.
હવે ! મેં આશાબહેનને કહ્યું : હું દામુભાઈ સોનીને વાત કરું છું. એમણે ઑફર કરી જ છે કે આ કામમાં એકથી એક લાખનો ખર્ચ હું ભોગવીશ. કરું ફોન ?
ના.... ના....આશાબહેન હસીને બોલ્યા : એટલું અમને કરવા દો. એ અમારી ફરજ છે. હવે તમે છૂટા. અમે કોઈ સારા એક સ્ત્રી અને એક પુરુષ વળાવિયા સાથે આશ્રમના ખર્ચે લલિતાને હાવેરી મોકલી આપીશું. તમે બેફિકર રહો....
                    અમારી નાનકડી દીકરી તર્જની સાથે લલિતા સાથે બે જ મિનિટમાં હળી ગઈ હતી. લલિતા એને ઢીંગલીની જેમ ઊંચકી ઊંચકીને ફરતી હતી, મારી પત્નીએ અમારી બેબીના હાથમાં થોડી નોટો મૂકી.... કહ્યું : જુઓ બેટા, લલિતાબહેન હવે એમના ગામ જશે.... એને થોડા પૈસા.... વાટખર્ચના નહીં આપો?
લલિતાના હાથમાં એ નાનકડીએ થોડા થોડાક જ રૂપિયા મૂક્યા અને પછી લાખ રૂપિયાનું બાળસ્મિત આપ્યું. કાલીકાલી ભાષામાં બોલી : ગુડ બાય....
હવે ? મેં આશાબહેનને પૂછ્યું : હવે ક્યારે આને વિદાય કરશો? અમને સમાચાર આપજો. અમે હાજર રહીશું.
                           ****        ****     ****

પણ એ મિલન જોવાનું મારા કિસ્મતમાં નહોતું. માત્ર થોડા દિવસનું અંતર રહી ગયું, પણ અમે બદલી થઈને અમદાવાદ આવી ગયા પછી દસમી માર્ચનો આશાબહેનનો પત્ર આવ્યો છે કે લલિતાના દાદાની આજીજીથી હાવેરી પોલીસ સ્ટેશનના હવાલદાર એસ. બી. બડલી અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ રાજકોટ આવ્યા અને લલિતાને સંભાળી લઈને હાવેરી જવા નીકળી ગયા છે. લલિતા પોતાના પરિવારના પુનર્મિલનની કલ્પનાથી નાચતી-કૂદતી ગઈ છે.
                            ****        ****     ****

  આ કિસ્સાના કારણે જરા હલબલી ગયો છું. શૂરવીરતાનું કોઈ જબરદસ્ત પરાક્રમ કરવાનું કહેણ આપણને કોઈ મોકલતું નથી. ભર્યા દરબારમાં તાસકમાં મૂકેલું બીડું ઉપાડીને જાન જોખમમાં મૂકવાની કોઈ તક આપણને મળી નથી. લાખો તો શું પણ હજારોનાં દાન કરવાનું ગજું આ જનમમાં પામ્યા નથી. સેવાભાવી ડૉક્ટર-સર્જન-વૈદ્ય કે વકીલ બની શક્યા નથી. કોઈ થઈ શકે તેમ નથી આપણાથી. આ કામમાં પડીને કોઈ મોટી ધાડ મારી નથી. આ તો ગમે તે આલિયોભાઈ-માલિયોભાઈ પણ કરી શકે (કરવા ધારે તો અલબત્ત !) શું થયું હતું આપણા પક્ષે ? કે બહાર અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. ઘરના બાળકની સલામતી ખાતર બધી બારીઓ પણ સજ્જડ બંધ રાખી હતી, પણ ક્યાંકથી થોડી વાછટ આવી અને એના પૂરમાં આપણે તણાઈ ગયા. આમ તણાઈ જવું વાજબી કે નહીં ?
                              ****        ****     ****

                    આ લેખ વાંચીને આહ-વાહ પોકારનારા માટે અમારા મિત્ર અરવિંદ શાહે ક્યાંક ટાંકેલો જાવેદઅખ્તરનો એક શેર, થોડા શબ્દાંતર સાથે :

લેખ પઢકર સોચને સે ક્યા ગરજ ?

યે બહુત હૈ દે રહે હૈ દાદ સબ.

                     (આપણે લખાણ વાંચીને વિચારતા થઈ જવાની શી જરૂર ? માત્ર વાહ વાહ પોકારીને દાદ દઈએ તે પૂરતું નથી ?)

                             ****        ****     ****

                  આ લખાણનો છેલ્લો ચમકારો એ છે કે આ છોકરી ઘેર પાછી ફરી એના થોડા જ દિવસમાં છાપાંઓમાં એક બૉક્ષમાં સમાચાર આવ્યા : આખરે પોલીસની મહેનત ફળી.... આ શીર્ષક નીચે સમાચાર હતા : સદરહુ કિસ્સામાં પોલીસ અધિકારીઓની મહેનત અંતે ફળી. એ અધિકારીઓએ આકાશ-પાતાળ એક કરીને પણ સદરહુ કન્યાનાં માબાપને શોધી કાઢ્યાં અને એને એના ગામ મોકલી આપી.


પોલિસનું 'પ્રશંસનીય' કાર્ય:  કામ ન થાય
તો કંઈ નહીં, તેનો જશ તો લઈ શકાય ને! 
                  ફરી એક વાર મોઢામાંથી વાહ નીકળી ગયું. કલમ ઉપાડીને પોલીસને લખવાનું મન થયું કે બિરાદરો આ કામ માટે આકાશ-પાતાળ એક કરવાની જરૂર નહોતી. માત્ર ફરજના તાર હ્રદય સાથે જોડવાની જ જરૂર હતી. એમ કર્યું હોત તો રાજકોટ જેવડા શહેરની પંચરંગી વસતીમાંથી માત્ર એક કન્નડભાષી માણસને તમે પકડી લાવી શક્યા હોતજે લલિતાના દુભાષિયા તરીકે કામ કરી આપી શક્યો હોત!
              બસ, એમાં તમે અખબારોને તમારી આ ચાલતી ગાડીએ ચડી જવા જેવી પ્રેસનોટ મોકલી એના કરતાં પણ ઓછી મહેનત પડી હોત.


(સંપૂર્ણ) 

8 comments:

 1. Dr Raxit AgnihotriJanuary 9, 2014 at 8:37 PM

  "Read the 2nd part. Love you even more.. I join you in your expectation that let us not only feel the 'story element' here but also make ourselves Sensitive to such significant,which is not physically or even financially not too demanding opportunities to keep only ourselves alive.. The girl did get back to her world,but you too got the joy of giving a gift to your soul.".

  ReplyDelete
 2. 'આ કામમાં પડીને કોઈ મોટી ધાડ મારી નથી.' એ માત્ર શબ્દોની શોભા નથી, પણ આપની નમ્રતા છે. તો વળી 'આમ તણાઈ જવું વાજબી કે નહીં ?'ના જવાબમાં એમ જ કહેવું પડે કે 'લાગણીના પ્રવાહમાં આપ તણાયા નથી, પણ આત્માનો અવાજ સાંભળીને આપ ખુદબખુદ તણાયા છો.' આપની દીકરી 'તર્જની' પરત્વેનો આપનો પ્રેમ આપના જન્મગત સંસ્કારને જાગૃત કરવા માત્ર ઉદ્દીપક જ બન્યો ગણાય. સમગ્ર ઘટના દિલ વલોવી ગઈ.

  ReplyDelete
 3. આપની વાતના બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઇ અને અંત વાંચી ખરે જ આશ્ચર્ય થયું. એક સાવ અજાણી બાલીકાની કરૂણ વાત સાંભળી સામાન્ય લોકોમાં કરૂણા ઉપજે તે સમજી શકાય છે, પણ તેને મદદ કરવા આકાશ પાતાળ એક કરવા જેટલું સૌજન્ય અને કૃતિ કેટલી વ્યક્તિઓ કરી શકે છે? કરૂણાની સાથે કૃતિ ન ભળે તો આવી કરૂણા દાંભીક અને નિરર્થક બની જાય છે. આપે જે કામ કર્યું તેમાં નિ:સ્વાર્થતા, નમ્રતા અને નિ:સહાય બાલીકાને તેના સ્વજન પાસે મોકલી આપવા માટે કરેલા અથાગ પ્રયત્ન પ્રત્યક્ષ થાય છે. પંજાબમાં કહેવત છે: ભલાઇ કર ઔર કુવેમેં ડાલ. અહીં આપે કુવામાં નાખેલી ભલાઇને પોલિસે ઝિલી લઇ તેનું શ્રેય લીધું તેની નવાઇ અને ખેદ થયો. આપની વાત અમારી સાથે share કરવા માટે આભાર.

  ReplyDelete
 4. kanaiyalal panchalJanuary 12, 2014 at 9:43 AM

  A true story of Lalitha was a classic. The documentary type story without
  the format of document. Quite interesting and touching. After your wholehearted dedicated efforts the police took away an undue credit
  where as major work was accomplished by you. The world is like that.

  ReplyDelete
 5. આખરે પોલીસની મહેનત ફરી??? કાર્ય કોઇ કરે અને જશ કોઇને મળે... આ તો સ્વાભાવિક છે આપણાં દેશમાં... પણ સાલું વિના મહેનતે જશ લઇ જનારને આત્મા ડંખતો નહીં હોય... ખરેખર આ લેખે તો આંખમાં પાણી લાવી દીઘા... લલિતા પાછી ઘરે પહોંચી... એ વાતે જ લાગણીમય બનાવી દીધી... પરંતુ ખરેખર આભાર રજનીકુમાર પંડ્યાનો જ માનવો... વર્તમાનમાં પણ માણસાઇ મરી નથી એનું સચોટ ઉદાહરણ આપ્યું એમણે... ખરેખર જ્યાં સુધી રજનીકુમાર પંડ્યા જેવા માણસો દુનિયામાં હશે ત્યાં સુધી દરેક દિકરી સુરક્ષિત રહેશે...

  ReplyDelete
 6. રજનીભાઈ, આને જ કહેવાય નિષ્કામ કર્મ, સમાજમાં એકાદ ટકા જેટલા પણ આવા નિષ્કામ કર્મીઓ છે ત્યાં સુધી માનવતા જીવંત રહેશે, આપને થોડા આ ઈલેક્ટ્રોનિક માધ્યમ થી જાણું છું ત્યાં સુધી આપ એવા મહાનુભાવોમાં ના એક છો, જેને પ્રસિદ્ધિ નો મોહ નથી અને જેમને પ્રસિદ્ધિ જોઈએ છે એમણે લઇ જ લીધી છે, આપને તો વંદન કરવાનો લાભ મળે તો પણ મારા જેવા ન્યાલ થઇ જાય,

  ReplyDelete
  Replies
  1. આભાર- તમે કબીર ઠાકોરને ?
   મને પ્રસિધ્ધિનો મોહ નથી તે વાત સાચી, બાકી પ્રસિધ્ધિ ગમે જ. મનુષ્ય સ્વભાવ છે. પણ આવા કામો પ્રસિધ્ધિ માટે નથી કરતો. દ્રવતા દિલને શાંત કરવા કરું, /એક વાર મને ઇ મેલ rajnikumarp@gmail.com પર કરો. થોડી વધુ માહિતી મારા વિષેની મોકલીશ-આભાર-રજનીકુમાર પંડ્યા

   Delete