Friday, March 30, 2012

ચં. ચી.ની. ચાલાકી



            લખો બાવીસમી તારીખ. કાકાસાહેબ કાલેલકર/ Kakasaheb Kalelkar બોલ્યા. સાથે હતાં તે બહેને ચશ્માં ચડાવ્યાં. ડાયરી ખોલીને લખવા માંડ્યું : બાવીસમી તારીખ... બોલો કાકાસાહેબ...
        સુરત સ્ટેશન આવે તે પહેલાં મહિનો પૂરો કરવાનો છે. ઝડપ કરજો લખવામાં – લખો બાવીસમી તારીખ... સવારે સાડા ચારે ઊઠ્યો. ઊઠીને પથારીમાં બે મિનિટ પ્રભુસ્મરણ કર્યું...પછી નિત્યકર્મ પતાવી ફરી થોડી પ્રાર્થના .... પછી હળવો વ્યાયામ...પછી...

        વચ્ચેના સ્ટેશને ગાડી ઊભી રહી...કાકાસાહેબને એ ગમતું નહીં. એમને ખલેલ પહોંચતી. ફેરિયાઓના અવાજો એમના કાન પાસે જ થતા હોય એવું લાગતું. ડાયરી લખાવવાનું એટલી વાર અટકી પડતું. આ વખતે પણ અટકી પડ્યું. ભરૂચ કે એવું કોઈ મોટું સ્ટેશન હશે. ગાડી સારી એવી વાર ઊભી રહી. અને એમના ફર્સ્ટ ક્લાસના ડબ્બા આગળ થોડો કોલાહલ પણ થયો. કદાચ કોઈ મોટા માણસને મૂકવા ઘણા બધા માણસો આવ્યાં હશે. ગાડી ઊપડી એટલે ઝડપથી એક પ્રૌઢ અને બંડી-ઝભ્ભો-ધોતીવાળો માણસ અંદર દાખલ થયો. એના આવવાથી ડબ્બો મહેંકી ઊઠ્યો. એના હાથમાં ફૂલોના હાર હતા, જે એણે જગ્યા ઉપર નાખ્યા અને પછી બેફિકરાઈથી એ જગ્યા ઉપર બેસી ગયો.
        ગાડી ઊપડી. ફરી કાકાસાહેબે શરૂ કર્યું : બાવીસમી તારીખમાં હવે આગળ લખો. લખો... પછી અર્ધો કલાક કાંત્યું અને પછી...
        અરે કાકાસાહેબ, આપ ? એકાએક પેલા સજ્જને ઊભા થઈને એમની નજીક આવીને કહ્યું :ક્યાં સુધી જાઓ છો આપ?
        કાકાસાહેબને ઓળખાણ ન પડી. કોણ હશે આ પૂછનાર વ્યક્તિ ? એમણે જવાબ આપ્યો : મુંબઈ જાઉં છું. પણ આપ કોણ ? આપની ઓળખાણ ?
        એ વ્યક્તિ – ચં.ચી.મહેતા/C.C.Mehta – સહેજ ઝંખવાયા.સાહિત્યકાર, નાટ્યકાર તરીકે એ વખતે બહુ જૂના તો નહોતા થયા, પણ એમ કંઈ સાવ નવા પણ નહોતા. કાકાસાહેબને અનેક વાર મળવાનું બન્યું હતું. ગોષ્ઠિઓ થઈ હતી. છતાં...ખેર, ચહેરાઓ એમને હવે યાદ નહીં રહેતા હોય. ઉંમર થઈ. મન પર ન લેવું. બોલ્યા : હું ચં. ચી. મહેતા....
        કોણ ચં.ચી.મહેતા, ભાઈ? કાકાસાહેબે બિલકુલ ઠંડા સ્વરે ઉમેર્યું : મને ઓળખાણ ન પડી.
        હવે ચં.ચી.મહેતા ખરેખર અંદરથી થોડા છોભીલા પડી ગયા. સ્ટેશને પોતાને મૂકવા આવેલું પ્રશંસકો – મિત્રોનું મોટું ટોળું અને ફૂલોના હાર યાદ આવી ગયા. એ બધું શું આ ડબ્બામાં પ્રવેશતાં સુધી જ ? અને આ ડબ્બાની અંદર તો હજી પણ કોણ ચં.ચી.મહેતા ? એમણે જરા રોષથી કાકાસાહેબ સામે જોયું. પણ એ તો હજીય ભોળે ભાવે પૂછતા હતા : કોણ ચં. ચી. મહેતા ?’
        ખૂબ લાંબો અને તીખો જવાબ ચં. ચી. મહેતાના મોંએ આવ્યો. પણ વળી એમણે સંયમ રાખ્યો : લેખક છું. કવિ છું.

        એમ ? કયા નામે લખો છો ?

યુવાનવયે ચં.ચી. મહેતા:
' કાકાસાહેબ, આપ ભૂલી ગયા..' 
        એ જ નામે. ચં. ચી. મહેતા નામે....આપણે અગાઉ પણ મળ્યા હતા કાકાસાહેબ, આપ ભૂલી ગયા. અગાઉ મળ્યા ત્યારે પણ મને ભૂલી ગયા હતા. અને છૂટા પડતી વખતે એમ બોલેલા કે હવે નહીં ભૂલી જાઉં – પણ ફરી ભૂલી ગયા...
        દિલગીર છું ભાઈ ! કાકાસાહેબ ક્ષમાયાચનાના ભાવ સાથે ધીરેથી બોલ્યા : થોડો થોડો સ્મૃતિભ્રંશ થતો જાય છે, શું નામ કહ્યું તમે ભાઈ ? ચં.ચી....?
        ચં. ચી. મહેતા. ચં. ચી. મહેતા બોલ્યા અને એમના હોઠ જરા વંકાયા.
        ડાયરી લખીશું આગળ, કાકાસાહેબ ? સાથેનાં બહેને પૂછ્યું :
        નહીં બહેન. કાકાસાહેબ બોલ્યા: થોડી વાર આ ભાઈ....કોણ ? હા, ચં. ચી. મહેતા સાથે વાતો કરું.
        તમે વાતો કરો... બહેન બોલ્યાં : હું જરા ટોઈલેટમાં જઈને ફ્રેશ થઈ આવું.
        બહેન ટોઈલેટમાં ગયાં. કાકાસાહેબ નિષ્ક્રિય બેઠા રહ્યા. ચં. ચી. મહેતા એમની નજીક આવ્યા, ડાયરી હાથમાં લીધી : કાકાસાહેબ, આ એક સેવા કરવાની તક આપો.
        શું ભાઈ ?
        પેલાં બહેન આવે ત્યાં સુધી હું ડાયરી લખી આપું.
        ના રે ભાઈ, એવી તકલીફ શા માટે ? એ તો હમણાં આવશે.
        કાકાસાહેબ ! ચં. ચી. મહેતા વિનંતીના સ્વરમાં બોલ્યા : આપની ડાયરી લખી આપવાનું સદ્દભાગ્ય મને પછી ક્યારે મળશે ? એમણે પેન હાથમાં લીધી. ડાયરી ખોલી. બોલ્યા : હજુ બાવીસમી જ ચાલે છે. આપ હજુ સવારના કાંતણ સુધી જ પહોંચ્યા છો. આપ આગળ બોલો.
        કાકાસાહેબે પોતાની ટપકાવેલી નોંધ જોવા માંડી અને પછી એમાંથી આગળ બોલવા માંડ્યા: પછી આવેલી ટપાલો જોઈ. પૂ.બાપુના પત્રનો જવાબ લખ્યો અને એમાં લખ્યું કે આપ લખો ત્યારે હું વર્ધા આવી જવા રાજી છું. આપના આદેશની રાહ જોઉં છું. અને પછી બિહારના મહિલા કાર્યકરનો પત્ર વાંચીને તેના જવાબમાં લખ્યું કે...
ચં.ચી. મહેતા: 'તમારો સ્મૃતિભ્રંશ હવે તમને નહીં પીડે..' 
        દરમ્યાન ટોઈલેટમાંથી બહેન આવી ગયાં. ચં.ચી. મહેતાને આવી સેવા બજાવતા જોઈને ઝડપથી એમના હાથમાંથી ડાયરી લઈ લેવાનું એમણે કર્યું, પણ ચં. ચી. મહેતાના ચહેરા ઉપર કાકાસાહેબ તરફનો ભક્તિભાવ છલકાતો હતો. એ બોલ્યા : બહેન, મારે સુરત ઊતરવાનું છે. એટલી વાર મને આ સેવા કરવાની તક આપો. તમે તો હંમેશાં એમની ડાયરી લખો છો. આજે મને લખવા દો.
        કાકાસાહેબ પણ રાજી હતા. ઝડપથી લખે છે – ભલે લખે – લખવા દો એમને. નવા સાહિત્યકાર છે. લખવાનો એમને મહાવરો થવા દો.
        વળી ડાયરીલેખન આગળ ચાલ્યું. કાકાસાહેબે ઝીણી નજરે નોંધો જોઈ. પછી વિસ્તૃત કરીને લખાવતા ગયા. એમ કરતાં માર્ચ પૂરો કર્યો.
        કાકાસાહેબ ! ચં. ચી. મહેતા બોલ્યા : ડાયરી લખવામાં મને એટલો બધો તો રસ પડ્યો કે થાય છે કે મુંબઈ સુધી આપની સાથે આવું. છેવટે માર્ચના તેત્રીસ દિવસ હોત તો બાકીના બે દિવસ પૂરા કરવા વલસાડ સુધી તો સાથે આવત જ. પણ માર્ચ પૂરો થયો અને સુરત પણ આવી ગયું, અને હવે તો પહેલી એપ્રિલ શરૂ થાય.

        એમના બોલવાની સાથે જ ગાડી ઉભી રહી. સ્ટેશન આવી ગયું, એટલે ચં. ચી. મહેતાએ ડાયરી બંધ કરીને બહેનના હાથમાં આપી દીધી.કાકાસાહેબનો ચરણસ્પર્શ કર્યો અને પછી ઝડપથી ઊતરીને પ્લેટફોર્મ પરની ભીડમાં અદૃશ્ય થઈ ગયા. પણ અદૃશ્ય થતાં પહેલાં એક વાક્ય એ ડબ્બાના બારણે ઊભા રહીને બોલ્યા : કાકાસાહેબ, હવે મને ખાતરી છે કે તમે મને ક્યારેય નહીં ભૂલો. કાકાસાહેબે વાક્ય સાંભળ્યું એની એમને ખાતરી થઈ, છતાં ફરી બોલ્યા : તમે ધારશો તો પણ મને નહીં ભૂલો. તમારો સ્મૃતિભ્રંશ હવે તમને નહીં પીડે, કાકાસાહેબ! લ્યો, આવજો
        કાકાસાહેબને અને પેલાં બહેન બન્નેને એમનું વાક્ય તો સમજાયું, પણ વાક્ય ઉપર અપાતો ભાર ન સમજાયો. છતાં એમણે આવજોની મુદ્રામાં હાથ ફરકાવ્યા અને પછી ભીડમાં ચં. ચી. મહેતાને અદૃશ્ય થતા જોઈ રહ્યા...

        સુરત સ્ટેશન છોડીને ગાડી આગળ વધી. બહેને ડાયરી ખોલી. કાકાસાહેબે નોંધ કાઢી અને બહેનને પૂછ્યું : છેલ્લે હું ક્યાં સુધી પહોંચ્યો હતો એ વાંચો જોઉં ?’     
કાકાસાહેબ: 'હું તમને ક્યારેય નહીં ભૂલી શકું.' 
            બહેને ડાયરી ઉઘાડીને મોટેથી વાંચ્યું : કાકાસાહેબ, એમણે આખી નોંધ બાવીસમીમાં જ કરી લાગે છે. લખે છે, બિહારનાં મહિલા કાર્યકરનો પત્ર વાંચીને તેના જવાબમાં લખ્યું કે- હું તને દિવસરાત યાદ કરું છું. તારા વગર તડપું છું, તને ભૂલી શકતો નથી. તને ચાહું છુ, .હૃદય નિત્ય તારા જ નામની માળા જપે છે, હવે તું મને ક્યારે મળવાની છે ? વાચતાં વાચતાં બહેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કાકાસાહેબ, એ બહેન બોલ્યાં: આખી ડાયરી એમણે આવાં ઈશ્કી વાક્યોથી ચીતરી મૂકી છે. અને છેલ્લે લખ્યું છે, હું ભલે ચં. ચી. મહેતા નામના સાહિત્યકારને ભૂલી જાઉં, પણ તને તો નહીં જ ભૂલું.... નહીં જ ભૂલું.
        કાકાસાહેબનો ચહેરો થોડી વાર તમતમીને ફરી ઋષિવત્ થઈ ગયો. એ મુક્તપણે ખડખડાટ હસ્યા અને પછી સુરત સ્ટેશનની દિશામાં ચાલુ ગાડીએ હાથ ફરકાવીને બોલ્યા : સાચી વાત છે. હવે હું તમને ક્યારેય નહીં ભૂલી શકું ચં. ચી. મહેતા...જુઓને, હવે તો હું તમારું નામ વગર અટક્યે અને વગર યાદ કર્યે બોલી શકું છું- ચં. ચી. મહેતા, ચં. ચી. મહેતા....
        મને આ વાત કરનાર ચં. ચી. મહેતાના અંતરંગ મિત્ર જૂનાગઢના (હવે તો સ્વર્ગસ્થ) બચુભાઇ રાજાએ કહ્યું કે કાકાસાહેબ જ્યારે ચં.ચી. મહેતાને બીજી વાર મળ્યા ત્યારે વારંવાર એમનું નામ મોટેથી ઉચ્ચારીને એમની આ મીઠી મજાક પર ખૂબ હસ્યા હતા. અને પ્રેમપૂર્વક ભેટ્યા હતા. 


(નોંધ: પ્રથમ બે તસવીરો નેટ પરથી લીધેલી છે, જેની પર ક્લીક કરવાથી તેની લીન્ક પર જઈ શકાશે.) 

Friday, March 16, 2012

રામકૃષ્ણ મિશનના આ સાધુઓની કરુણા, જુઓ, કઇ દિશાઓમાં રેલાઇ રહી છે ?



કોઇ માણસ પર અચાનક વીજળી પડે તે તો બહુ આઘાતજનક ઘટના. પણ એનું શરીર અકબંધ રહે અને માત્ર એના પેટ ઉપર  વીજળી ત્રાટકે એવું બને? હા, બે વરસ પહેલાં એવું જ બન્યું હતું. સૌરાષ્ટ્રના લીંબડીના ચુનારાવાડ નામના ગરીબ વિસ્તારના વિભાભાઇ ભરવાડ પોતાની ચારપાંચ ગાયોને સીમમાં ચરાવવા લઇ ગયા અને અચાનક મેઘાડંબર જામ્યો, જોતજોતામાં કડાકા-ભડાકા શરુ થયા. અને વિભોભાઇ બિચારા કાંઇક વિચારે ત્યાં તો એક પ્રચંડ કડાકા સાથે એમની ગાયો ઉપર વીજળી ત્રાટકી અને એમની નજર સામે પાંચેપાંચ ગાયોને બાળીને ભસ્મ કરી નાખી. પોતાનો જીવ તો બચ્યો, પણ જીવાઇ? અરે, એ તો એકી ઝાટકે આકાશમાંથી ઉતરેલી  એ જવાળામાં  જલીને રાખ થઇ ગઇ. આને પેટ પર વીજળી પડી ગણાય.
હવે ?

હવે આમ તો કાંઇ થાય નહિં, પણ આમાં થયું. નજીકમાં જ રામકૃષ્ણ મિશનનો આશ્રમ છે. અને  એની સ્થાપના સાથે એકાદ સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદજીના લીંબડીમાં થયેલા આગમનનું અનુસંધાન છે, પણ એ વાત પછી કરીએ. આ વીજળીવાળી બીનાની ખબર ત્યાંના સંચાલક સાધુ શ્રી સ્વામી આદિભવાનંદજીને પડી., જે ખુદ પૂર્વજીવનના એક ખેડુતપુત્ર છે. આ પાંચ ગાયો એટલે શું અને એનું માહાત્મ્ય આ ગરીબ ભરવાડના જીવતરમાં શું એની એમની બરોબર ખબર. દર મહિનાના છેલ્લા રવિવારે આશ્રમના રામકૃષ્ણદેવના મંદીરમાં ભક્ત સંમેલન થાય છે. જે ભજન-કિર્તન-ધ્યાન-પઠન-પાઠન કરે છે, એ મંડળીમાં સ્વામીજીએ આ વાતનો ઉચ્ચાર એવી રીતે કર્યો કે ભક્તો દ્વારા એ જ વખતે નિર્ણય થયો અને બે-ચાર દિવસમાં જ પાંચ નવી ગાયો વિભાભાઇના ખીલે બંધાઇ ગઇ. ફરી એનું દૂઝાણું ચાલુ થઇ ગયું. સ્વામીજીએ ત્યાર પછી એક પરંપરા તરીકે ગોદાનની આ વાસ્તવ સાથે જોડાયેલી પ્રવૃત્તિ ચાલુ રાખી. આજ સુધીમાં પચ્ચીસ જેટલી ગાયો આ રીતે જરુરતમંદોના આંગણે બંધાઇ ચુકી છે. પોતે તો સાધુ છે અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજીના વિચારોના આ આશ્રમના માધ્યમથી આચારક અને પ્રચારક છે. એમની પોતાની ગાંઠે તો કોઇ મૂડી ના હોય, પણ સાચા સાધુનું આ જ તો લક્ષણ છે. કોઇ આપે તે કોઇ સુયોગ્યને પહોંચાડવું, એક ગાયની કિમત અત્યારે પંદરથી વીસ હજારની ગણાય. આ અનોખા ગૌદાન માટે દ્રવ્ય આપનારા નીકળે છે, તો ગૌદાન લેનારા એવા અનેક નીકળે છે કે એ ગાય તેની જીવાદોરી બની રહે. ગૌવંશની સેવા આ રીતે થઇ રહી છે.આ પ્રવૃત્તિની  સાથે મા શારદામણીદેવીનું નામ જોડવામાં આવ્યું છે.


 
આ વર્ષે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ ઉજવાઇ રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન ડો.મનમોહનસિંઘના  અધ્યક્ષપદે એક કમીટીની રચના થઇ છે અને એની અંતર્ગત સ્વામી રામકૃષ્ણના મૂળ નામ ગદાધર પરથી એક ગદાધર પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે,જેનો હેતુ શાળાએ જતા અને વિશેષ તો પછાત વિસ્તારોના બાળકોની અનિવાર્ય જરૂરતો પૂરી કરીને  તેમનો  સર્વાંગીણ વિકાસ કરવાનો  છે. લીંબડીના આ રામકૃષ્ણ મીશનના સન્યાસીઓએ પૂરજોશથી તેનો અમલ શરુ કરી દીધો છે. એમણે નજીકમાં જ આવેલા ગરીબ વિસ્તાર ચુનારાવાડની શાળા નંબર 10 ને એ માટે પસંદ કરી અને તેના બસ્સો જેટલા વિદ્યાર્થીઓને રોજેરોજ ત્યાં જઇને દૂધ,નાસ્તો, પૌષ્ટિક આહાર જેવો કે અડદીયા, કચરીયું, ફળફળાદિ,ખીર., ખજૂર,,  ઉપરાંત કપડાં, સ્ટેશનરી, અને  ભણતર માટે તેમને જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. રોજેરોજ  ત્યાં જઇને આ બસો જેટલાં બચ્ચાઓને આ બધુ પ્રેમપૂર્વક આપી આવવું એના વહિવટમાં પડતા શ્રમને લક્ષમાં ના લઇએ  તો પણ તેમાં લાગતા ખર્ચનો અંદાજ જાણકાર વ્યક્તિ સહેજે લગાવી શકે. આનું કુલ બજેટ છ લાખ ઉપરનું ગણાય. કોઇ એક સમર્થ  દાતા કે  થોડા મિત્રોનો સમુહ ધારે તો તેમને માટે આ રકમ બહુ મોટી ના ગણાય.
રોજેરોજ જ્યાં જવાનું રાખ્યું છે તેવી આ એક દસ નંબરની શાળા જ.  પણ બીજી શાળાઓને પણ વિસારે પાડી નથી..એમાંય અવારનવાર જવાનું અને એમને પણ રાજી કરવાનું નીમ આ સાચા સન્યાસીઓનું છે.


 
આ ગદાધર યોજનામાં તો સરકાર પણ મદદ કરે છે, પરંતુ એવા કેટલાક કાર્યો આ સંસ્થા કરે છે એક જેમા સંપૂર્ણપણે  બહારથી દાતાઓ તરફથી મદદ પર આધાર રાખવો પડે. જેમ કે, ધાબળા વિતરણ.  આ સાધુઓ - જેમાં સ્વામી આદિભવાનંદજી પોતે પણ સામેલ હોય- શિયાળાની રાતે નીકળી પડે  અને જેઓ ઘરબારવિહોણા છે કે માત્ર તાડપત્રીની આડશમાં જ ટાઢમાં ઠુંઠવાતા રાત કાઢી નાખે છે  તેવાઓને જાતે નવા ધાબળા ઓઢાડી આવે છે. આ શિયાળે આ રીતે સાડી ચારસો ધાબળા  ઉપરાંત બાળકોને સ્વેટર અને કાનટોપી જેવી ચીજો પણ આપી હતી.
શિક્ષણની પ્રવૃત્તિ સ્વામી વિવેકાનંદને અતિ પ્રિય હતી.  આ સંસ્થા એને માટે અવનવા મૌલિક તરિકા  યોજે છે. વિદ્યાર્થીઓની કક્ષા-રસ-રુચીને ધ્યાનમાં રાખીને ધોરણવાર, વિભાગવાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે.  વિવેકાનંદ દોડ.વક્તૃત્વ સ્પર્ધા, વેશભુષા , સંગીત, મુખપાઠ, નિબંધ, ચિત્ર, ઝાંખીદર્શન-ક્વૉટ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉલટભેર ભાગ લે છે.  આ જ રીતે પરીક્ષાઓમાં નંબર લાવનારા તેજસ્વી તારલાઓનું જાહેરમાં સન્માન કરે તેથી વિદ્યાર્થીઓને તો ખરું જ, પણ એમના વાલીઓને કેવો પોરસ ચડતો હશે ? શહેરની ૧૫ જેટલી શાળાઓના જરુરતમંદ એવા 225 વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યા. લિંબડીના આ રામકૃષ્ણ મિશને પોતે અનેક પ્રાથમિક શાળાઓ બંધાવી છે.
 તો આરોગ્ય ક્ષેત્ર પણ આ મિશનની સેવાઓ પામવામાંથી બાકાત નથી. આ રમણીય આશ્રમની વિશાળ જગ્યામાં આરોગ્ય મંદીર છે. જેમાં દંતચિકિત્સા.નેત્રચિકિત્સા, ઓ.પી ડી અને ફિઝિયોથેરાપી  અને પેથોલૉજિકલ લેબોરેટરીની સુવિધા છે. દર વર્ષે માર્ચ મહિનામાં આ સંસ્થાની જલધારા યોજનાની બહુ તૃપ્તિભરી વાત મારી જન્મભૂમિ પ્રવાસીની કોલમમાં કરવામાં આવે છે. આમ તો એના વિશે બહુ રસપ્રદ વાતો આખા એક જુદા લેખનો વિષય છે.પણ અત્યારે તો  માત્ર એ યાદ કરી લઇએ કે ગયા વર્ષે કુલ ત્રેપન ગ્રામતળાવો સુધી  આ સંસ્થાએ એ સંખ્યા પહોંચાડી હતી, જ્યારે આ વર્ષે કુલ સાઠને આંકડે એ સંખ્યા પહોંચી છે.  આ વખતે એકડીયા. શિયાણી (સ્વામી આનંદનું ગામ), ઉંટડી ચોકી. ચીલ વગેરે ગામો પીવાના પાણીના તળાવોથી સુખી થયા છે. વાત સાદી  છે.


વધુમાં વધુ રૂપિયા એક લાખ જોઇએ, રામકૃષ્ણ મીશન, લીંબડી  દ્વારા ગ્રામસ્વાવલંબનની રીતે આ બેનમૂન પ્રોજેક્ટ પાર પડે છે. ગ્રામ પંચાયત પોતાના ગ્રામજનોમાંથી જ ગ્રામસેવા મંડળની રચના કરે અને આ મિશન તેને  જે.સી.બી. મશીન (જમીન ખોદવાનું મશીન ) ભાડે લઇને વાપરવા આપે, ગ્રામજનો શ્રમદાન કરે અને નીકળતી માટી ખેતરમા ખાતર તરીકે વાપરવા માટે ટોકન કિંમતથી લઇ જાય. એ રકમ આ સંસ્થા રાખે નહિ પણ, આ જલધારાના પ્રોજેક્ટ માટે જ વાપરે. સંસ્થા ક્યાં કોઇ વેપારી પેઢી છે, એ ધનસંચયમાં ન માને. કે ના તો પોતાની માતૃસંસ્થા બેલુર મઠ પાસેથી એક પણ પૈસાની મદદની અપેક્ષા રાખે.

ખેર,વાતો તો ઘણી છે.પણ એક અગત્યની વાત એ કે સંસ્થાની સ્થાપનાના કાળથી ચોગાનમાં રામકૃષ્ણ દેવનુ જે મંદીર છે એ હવે સમયના તકાજા પ્રમાણે સાંકડું પડી રહ્યું છે. ચોગાનમાં જ નવી જગ્યાએ એક નવા મંદીરનુ નિર્માણ શરુ થઇ ચુક્યું છે. 15000 ચોરસ ફૂટના એ મંદીરનુ બાંધકામ  પ્લિન્થ લેવલ સુધી થઇ ગયું છે.દોઢ કરોડનું એસ્ટીમેટ છે. જોઇએ રામકૃષ્ણ પરમહંસ. મા શારદામણી દેવી અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓના સ્થાપનવાળા એ મંદીરના બાંધકામ માટે કોણ કોણ હાથ લંબાવે છે.એ થશે તો ભક્તસંમેલનો માટે પડતી સંકડાશનો પ્રશ્ન હલ થઇ જશે.
સંસ્થાને મળતું દાન આવકવેરાની કલમ 80 (જી) પ્રમાણે કરમુકત છે.વિદેશના દાનો મેળવવાની પરમિશન પણ મળેલી છે. ચેક રામકૃષ્ણ મીશન, લીંબડી ( Limbadi)’  ના નામે હોવો જરૂરી છે. (ભૂલેચૂકે પણ limadi ના લખાય જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે) 
સરનામું-રામકૃષ્ણ મીશન, સ્ટેશન રોડ, લીંબડી-(જી સુરેન્દ્રનગર) પિન-363421/ ફોન-02753 260228 અને 263884 અને સ્વામી આદીભવાનંદજીનો મોબાઇલ નંબર-098252 23668/ ઇ મેલ-rkmslimbdi@ gmail.com  અને rkmslimbdi@yahoo.com