Friday, March 16, 2012

રામકૃષ્ણ મિશનના આ સાધુઓની કરુણા, જુઓ, કઇ દિશાઓમાં રેલાઇ રહી છે ?કોઇ માણસ પર અચાનક વીજળી પડે તે તો બહુ આઘાતજનક ઘટના. પણ એનું શરીર અકબંધ રહે અને માત્ર એના પેટ ઉપર  વીજળી ત્રાટકે એવું બને? હા, બે વરસ પહેલાં એવું જ બન્યું હતું. સૌરાષ્ટ્રના લીંબડીના ચુનારાવાડ નામના ગરીબ વિસ્તારના વિભાભાઇ ભરવાડ પોતાની ચારપાંચ ગાયોને સીમમાં ચરાવવા લઇ ગયા અને અચાનક મેઘાડંબર જામ્યો, જોતજોતામાં કડાકા-ભડાકા શરુ થયા. અને વિભોભાઇ બિચારા કાંઇક વિચારે ત્યાં તો એક પ્રચંડ કડાકા સાથે એમની ગાયો ઉપર વીજળી ત્રાટકી અને એમની નજર સામે પાંચેપાંચ ગાયોને બાળીને ભસ્મ કરી નાખી. પોતાનો જીવ તો બચ્યો, પણ જીવાઇ? અરે, એ તો એકી ઝાટકે આકાશમાંથી ઉતરેલી  એ જવાળામાં  જલીને રાખ થઇ ગઇ. આને પેટ પર વીજળી પડી ગણાય.
હવે ?

હવે આમ તો કાંઇ થાય નહિં, પણ આમાં થયું. નજીકમાં જ રામકૃષ્ણ મિશનનો આશ્રમ છે. અને  એની સ્થાપના સાથે એકાદ સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદજીના લીંબડીમાં થયેલા આગમનનું અનુસંધાન છે, પણ એ વાત પછી કરીએ. આ વીજળીવાળી બીનાની ખબર ત્યાંના સંચાલક સાધુ શ્રી સ્વામી આદિભવાનંદજીને પડી., જે ખુદ પૂર્વજીવનના એક ખેડુતપુત્ર છે. આ પાંચ ગાયો એટલે શું અને એનું માહાત્મ્ય આ ગરીબ ભરવાડના જીવતરમાં શું એની એમની બરોબર ખબર. દર મહિનાના છેલ્લા રવિવારે આશ્રમના રામકૃષ્ણદેવના મંદીરમાં ભક્ત સંમેલન થાય છે. જે ભજન-કિર્તન-ધ્યાન-પઠન-પાઠન કરે છે, એ મંડળીમાં સ્વામીજીએ આ વાતનો ઉચ્ચાર એવી રીતે કર્યો કે ભક્તો દ્વારા એ જ વખતે નિર્ણય થયો અને બે-ચાર દિવસમાં જ પાંચ નવી ગાયો વિભાભાઇના ખીલે બંધાઇ ગઇ. ફરી એનું દૂઝાણું ચાલુ થઇ ગયું. સ્વામીજીએ ત્યાર પછી એક પરંપરા તરીકે ગોદાનની આ વાસ્તવ સાથે જોડાયેલી પ્રવૃત્તિ ચાલુ રાખી. આજ સુધીમાં પચ્ચીસ જેટલી ગાયો આ રીતે જરુરતમંદોના આંગણે બંધાઇ ચુકી છે. પોતે તો સાધુ છે અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજીના વિચારોના આ આશ્રમના માધ્યમથી આચારક અને પ્રચારક છે. એમની પોતાની ગાંઠે તો કોઇ મૂડી ના હોય, પણ સાચા સાધુનું આ જ તો લક્ષણ છે. કોઇ આપે તે કોઇ સુયોગ્યને પહોંચાડવું, એક ગાયની કિમત અત્યારે પંદરથી વીસ હજારની ગણાય. આ અનોખા ગૌદાન માટે દ્રવ્ય આપનારા નીકળે છે, તો ગૌદાન લેનારા એવા અનેક નીકળે છે કે એ ગાય તેની જીવાદોરી બની રહે. ગૌવંશની સેવા આ રીતે થઇ રહી છે.આ પ્રવૃત્તિની  સાથે મા શારદામણીદેવીનું નામ જોડવામાં આવ્યું છે.


 
આ વર્ષે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ ઉજવાઇ રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન ડો.મનમોહનસિંઘના  અધ્યક્ષપદે એક કમીટીની રચના થઇ છે અને એની અંતર્ગત સ્વામી રામકૃષ્ણના મૂળ નામ ગદાધર પરથી એક ગદાધર પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે,જેનો હેતુ શાળાએ જતા અને વિશેષ તો પછાત વિસ્તારોના બાળકોની અનિવાર્ય જરૂરતો પૂરી કરીને  તેમનો  સર્વાંગીણ વિકાસ કરવાનો  છે. લીંબડીના આ રામકૃષ્ણ મીશનના સન્યાસીઓએ પૂરજોશથી તેનો અમલ શરુ કરી દીધો છે. એમણે નજીકમાં જ આવેલા ગરીબ વિસ્તાર ચુનારાવાડની શાળા નંબર 10 ને એ માટે પસંદ કરી અને તેના બસ્સો જેટલા વિદ્યાર્થીઓને રોજેરોજ ત્યાં જઇને દૂધ,નાસ્તો, પૌષ્ટિક આહાર જેવો કે અડદીયા, કચરીયું, ફળફળાદિ,ખીર., ખજૂર,,  ઉપરાંત કપડાં, સ્ટેશનરી, અને  ભણતર માટે તેમને જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. રોજેરોજ  ત્યાં જઇને આ બસો જેટલાં બચ્ચાઓને આ બધુ પ્રેમપૂર્વક આપી આવવું એના વહિવટમાં પડતા શ્રમને લક્ષમાં ના લઇએ  તો પણ તેમાં લાગતા ખર્ચનો અંદાજ જાણકાર વ્યક્તિ સહેજે લગાવી શકે. આનું કુલ બજેટ છ લાખ ઉપરનું ગણાય. કોઇ એક સમર્થ  દાતા કે  થોડા મિત્રોનો સમુહ ધારે તો તેમને માટે આ રકમ બહુ મોટી ના ગણાય.
રોજેરોજ જ્યાં જવાનું રાખ્યું છે તેવી આ એક દસ નંબરની શાળા જ.  પણ બીજી શાળાઓને પણ વિસારે પાડી નથી..એમાંય અવારનવાર જવાનું અને એમને પણ રાજી કરવાનું નીમ આ સાચા સન્યાસીઓનું છે.


 
આ ગદાધર યોજનામાં તો સરકાર પણ મદદ કરે છે, પરંતુ એવા કેટલાક કાર્યો આ સંસ્થા કરે છે એક જેમા સંપૂર્ણપણે  બહારથી દાતાઓ તરફથી મદદ પર આધાર રાખવો પડે. જેમ કે, ધાબળા વિતરણ.  આ સાધુઓ - જેમાં સ્વામી આદિભવાનંદજી પોતે પણ સામેલ હોય- શિયાળાની રાતે નીકળી પડે  અને જેઓ ઘરબારવિહોણા છે કે માત્ર તાડપત્રીની આડશમાં જ ટાઢમાં ઠુંઠવાતા રાત કાઢી નાખે છે  તેવાઓને જાતે નવા ધાબળા ઓઢાડી આવે છે. આ શિયાળે આ રીતે સાડી ચારસો ધાબળા  ઉપરાંત બાળકોને સ્વેટર અને કાનટોપી જેવી ચીજો પણ આપી હતી.
શિક્ષણની પ્રવૃત્તિ સ્વામી વિવેકાનંદને અતિ પ્રિય હતી.  આ સંસ્થા એને માટે અવનવા મૌલિક તરિકા  યોજે છે. વિદ્યાર્થીઓની કક્ષા-રસ-રુચીને ધ્યાનમાં રાખીને ધોરણવાર, વિભાગવાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે.  વિવેકાનંદ દોડ.વક્તૃત્વ સ્પર્ધા, વેશભુષા , સંગીત, મુખપાઠ, નિબંધ, ચિત્ર, ઝાંખીદર્શન-ક્વૉટ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉલટભેર ભાગ લે છે.  આ જ રીતે પરીક્ષાઓમાં નંબર લાવનારા તેજસ્વી તારલાઓનું જાહેરમાં સન્માન કરે તેથી વિદ્યાર્થીઓને તો ખરું જ, પણ એમના વાલીઓને કેવો પોરસ ચડતો હશે ? શહેરની ૧૫ જેટલી શાળાઓના જરુરતમંદ એવા 225 વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યા. લિંબડીના આ રામકૃષ્ણ મિશને પોતે અનેક પ્રાથમિક શાળાઓ બંધાવી છે.
 તો આરોગ્ય ક્ષેત્ર પણ આ મિશનની સેવાઓ પામવામાંથી બાકાત નથી. આ રમણીય આશ્રમની વિશાળ જગ્યામાં આરોગ્ય મંદીર છે. જેમાં દંતચિકિત્સા.નેત્રચિકિત્સા, ઓ.પી ડી અને ફિઝિયોથેરાપી  અને પેથોલૉજિકલ લેબોરેટરીની સુવિધા છે. દર વર્ષે માર્ચ મહિનામાં આ સંસ્થાની જલધારા યોજનાની બહુ તૃપ્તિભરી વાત મારી જન્મભૂમિ પ્રવાસીની કોલમમાં કરવામાં આવે છે. આમ તો એના વિશે બહુ રસપ્રદ વાતો આખા એક જુદા લેખનો વિષય છે.પણ અત્યારે તો  માત્ર એ યાદ કરી લઇએ કે ગયા વર્ષે કુલ ત્રેપન ગ્રામતળાવો સુધી  આ સંસ્થાએ એ સંખ્યા પહોંચાડી હતી, જ્યારે આ વર્ષે કુલ સાઠને આંકડે એ સંખ્યા પહોંચી છે.  આ વખતે એકડીયા. શિયાણી (સ્વામી આનંદનું ગામ), ઉંટડી ચોકી. ચીલ વગેરે ગામો પીવાના પાણીના તળાવોથી સુખી થયા છે. વાત સાદી  છે.


વધુમાં વધુ રૂપિયા એક લાખ જોઇએ, રામકૃષ્ણ મીશન, લીંબડી  દ્વારા ગ્રામસ્વાવલંબનની રીતે આ બેનમૂન પ્રોજેક્ટ પાર પડે છે. ગ્રામ પંચાયત પોતાના ગ્રામજનોમાંથી જ ગ્રામસેવા મંડળની રચના કરે અને આ મિશન તેને  જે.સી.બી. મશીન (જમીન ખોદવાનું મશીન ) ભાડે લઇને વાપરવા આપે, ગ્રામજનો શ્રમદાન કરે અને નીકળતી માટી ખેતરમા ખાતર તરીકે વાપરવા માટે ટોકન કિંમતથી લઇ જાય. એ રકમ આ સંસ્થા રાખે નહિ પણ, આ જલધારાના પ્રોજેક્ટ માટે જ વાપરે. સંસ્થા ક્યાં કોઇ વેપારી પેઢી છે, એ ધનસંચયમાં ન માને. કે ના તો પોતાની માતૃસંસ્થા બેલુર મઠ પાસેથી એક પણ પૈસાની મદદની અપેક્ષા રાખે.

ખેર,વાતો તો ઘણી છે.પણ એક અગત્યની વાત એ કે સંસ્થાની સ્થાપનાના કાળથી ચોગાનમાં રામકૃષ્ણ દેવનુ જે મંદીર છે એ હવે સમયના તકાજા પ્રમાણે સાંકડું પડી રહ્યું છે. ચોગાનમાં જ નવી જગ્યાએ એક નવા મંદીરનુ નિર્માણ શરુ થઇ ચુક્યું છે. 15000 ચોરસ ફૂટના એ મંદીરનુ બાંધકામ  પ્લિન્થ લેવલ સુધી થઇ ગયું છે.દોઢ કરોડનું એસ્ટીમેટ છે. જોઇએ રામકૃષ્ણ પરમહંસ. મા શારદામણી દેવી અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓના સ્થાપનવાળા એ મંદીરના બાંધકામ માટે કોણ કોણ હાથ લંબાવે છે.એ થશે તો ભક્તસંમેલનો માટે પડતી સંકડાશનો પ્રશ્ન હલ થઇ જશે.
સંસ્થાને મળતું દાન આવકવેરાની કલમ 80 (જી) પ્રમાણે કરમુકત છે.વિદેશના દાનો મેળવવાની પરમિશન પણ મળેલી છે. ચેક રામકૃષ્ણ મીશન, લીંબડી ( Limbadi)’  ના નામે હોવો જરૂરી છે. (ભૂલેચૂકે પણ limadi ના લખાય જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે) 
સરનામું-રામકૃષ્ણ મીશન, સ્ટેશન રોડ, લીંબડી-(જી સુરેન્દ્રનગર) પિન-363421/ ફોન-02753 260228 અને 263884 અને સ્વામી આદીભવાનંદજીનો મોબાઇલ નંબર-098252 23668/ ઇ મેલ-rkmslimbdi@ gmail.com  અને rkmslimbdi@yahoo.com

5 comments:

 1. maayaa ni maayaa chhodi saachi sewa karnara santne koti vandan

  ReplyDelete
 2. is it necessary to build bigger temple and waste money?

  ReplyDelete
  Replies
  1. મંદિર જરુરુ હશે,પણ માનવરૂપી મંદિર બાંધવું,તેને સાચવવું વધુ અગત્યનું છે. સોનાના કાળાશ ચડાવવા પૈસા છે,પણ વર્ષોજુના ખખડધજ રસ્તા સમા કરવા કે શિક્ષણ સસ્તુ કરાવવા.સાહિત્યના પુસ્તકો ખરીદવા કે તેને પ્રોત્સાહન આપવા,માણસોને મદદ કરવા આવા ધનિકો પાસે પૈસા નથી લે બોલ !

   Delete
  2. મંદિર જરુરી હશે,પણ માનવરૂપી મંદિર બાંધવું,તેને સાચવવું,તેને યોગ્ય કરવું વધુ અગત્યનું છે. સોનાના કળશ ચડાવવાના પૈસા છે,પણ વર્ષોજુના ખખડધજ રસ્તા સમા કરવા કે શિક્ષણ સસ્તુ કરાવવા.સાહિત્યના પુસ્તકો ખરીદવા કે તેને પ્રોત્સાહન આપવા,માણસોને મદદ કરવા આવા ધનિકો પાસે પૈસા નથી લે બોલ !આવી ઘણી જાતની સાચી સેવા કરી શકાય છે.પણ તકતીનો મોહ હોય કાં ધર્મનો એક જ યંત્રવત અર્થ મગજમાં ઘુમરાતો હોય ત્યાં શું થાય ? દુર્ગેશ ઓઝા પોરબંદર

   Delete