Sunday, April 22, 2012

સ્મૃતિઓ સળવળી ઊઠી (ભાગ ૧)


(યાદશક્તિ, યાદદાશ્ત, સાંભરણ, સ્મૃતિ અને તળપદી બોલીમાં ઓહાણ  જેવા અનેક ગુજરાતી શબ્દો અંગ્રેજી શબ્દ મેમરીના અર્થવાચી છે. મેમરી એટલે શું અને એની પ્રથમ અંકિત થવાની, સંઘરાવાની, ટકવાની અને પછી ટાઇમ કેપ્સ્યુલ બની જવાની અથવા કામચલાઉ કે કાયમ માટે લુપ્ત થઇ જવાની પ્રક્રિયા એટલે શું તે કાંઇક અંશે કમ્પ્યુટરના મેમરી કાર્ડની કાર્યપધ્ધતિના અભ્યાસ પછી સામાન્ય માણસથી સમજી શકાયું છે. સ્મૃતિકોશના તળીયે સુષુપ્તાવસ્થામા પડેલી સ્મૃતિ ફરી જાગી ઉઠવા કોઇક સંધાન (એસોસીએશન) જોઇએ તે પણ સર્ચના ડિવાઇસથી સમજી શકાયું છે. પરંતુ હજુ જાણ્યું છે તે કરતાં વધુ અણજાણમાં છે. અને અમુકને તો જાણો તે કરતાં માણો તેમાં જ મઝા છે, એમ મને લાગ્યું છે.  
એના લાંબા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં કોષ્ટક્ની રીતે પડવાનું કામ મનોવિદોનું છે, પણ આપણા જેવા રોજેરોજ સ્મૃતિના અડાબીડમા જીવતા, દુઃખી થતા અને એની લિજ્જત લેતા અને એ રીતે એમાં આથડતા રહેતા લોકો માટે અભ્યાસ નહિ, અનુભવ જ રમ્ય કથા જેવા હોય છે..
1983-84 માં મને મારા ગુરુવત મિત્ર અને સંદેશના લવસ્ટોરી મેગેઝીનના સંપાદક મોહમ્મદ માંકડ તરફથી આ વિષય પર કંઇક લખવાનું કહેણ આવ્યું ત્યારે આ લેખના લેખનની મિષે અનેક યાદો ઉભરી આવી.  એ લેખ એ વખતે પ્રગટ થયો અને ઠીક ઠીક વખણાયો, પણ મારા કોઇ પુસ્તકમાં વિષયની રીતે બંધબેસતો ના હોવાથી ફરી ક્યાંય પ્રગટ થયો નહિ. આજે હવે ભાઇ બીરેનના સૂચનથી એમાં હાલની થોડી વાતો ઉમેરીને આ બ્લોગમાં મૂકી રહ્યો છું. જરા ગંભીરતાથી વાંચવો પડશે અને તમારી પોતાની સ્મૃતિઓને એમાં કાલવતા કાલવતા વાંચવો પડશે, મિત્રો !
-રજનીકુમાર પંડ્યા) 
  
        થોડા દિવસ પહેલા મારા વતન જેતપુરમાં એક લગ્નપ્રસંગમાં ગયો હતો. તે રાતે એક નાના કારખાનેદાર વાચક હરેશ પંચમિયા કે જેમને હું અગાઉ એક-બે વાર જ મળ્યો હતો, તેઓ પોતાને ત્યાં એક મહેફીલમાં મને લઇ ગયા. એ આખું આયોજન મારા માટે હતું એટલે બહુ સભાનતાપૂર્વક હું ત્યાં હાજર એવા એકેએકને મળ્યો. ત્રણ ચાર કલાક આનંદમાં વિતાવ્યા પછી પૂરતી નિંદર ખેંચીને બીજે દિવસે બપોરે એ લગ્નના ભોજન સમારંભમાં ગયો ત્યારે એક સજ્જન મને મળ્યા. પૂછ્યું; કેમ છો, સાહેબ ? મઝામાં ? મેં હા તો પાડી, પણ મને એ પૂછનારાની પિછાણ ના પડી. મેં ખસિયાણું હસીને પૂછ્યું:માફ કરજો મિત્ર. પણ આપ....
એમનો ચહેરો જરા તમતમી ગયો.પણ સંયમ રાખ્યો એમણે. બોલ્યા: બસ. ભૂલી ગયા એટલી વારમાં ? રાતે મેં જ તો તમને પાર્ટી આપી હતી! હું હરેશ પંચમિયા.
મને ઓળખાણ પડી પણ એ સાથે જ ભારે ભોંઠામણ ઉપજી આવી. પણ હું એમની પાસે ક્ષમાના બે શબ્દો ઉચ્ચારવા જાઉં ત્યાં તો મારી નજર નજીકથી પસાર થતા એક વૃદ્ધ ઉપર પડી અને અચાનક મારા મનમાં પાંસઠ વર્ષ પહેલાંની એક બપોર ઉભરી આવી. મારી ઉંમર એ વખતે નવ વર્ષની હતી અને તે દહાડો શનિવારનો હતો. નીશાળેથી ખભે દફ્તર ભરાવીને પાછા ફરતી વેળા મને મારી શેરીમાં જ મારા ગોઠીયા ચંદુ લવજી હિંગુ સાથે ભારે ટક્કર થઇ ગઇ. કારણ યાદ નથી, પણ અમે બેઉ મારામારી ઉપર ઉતરી આવ્યા, અમે એક બીજાના શર્ટ ફાડી નાખ્યા. મારાં બહેન કમુબહેન અને તેમની બહેનપણી લલિતાએ અમને માંડ છૂટા પાડ્યા. બસ, તે દિવસ પછી થોડા દિવસે ચંદુ ભણવા માટે એના ફઇને ગામ ગયો અને તે પછી થોડા વર્ષે મારે ભણવા માટે ભાવનગર જવાનું થયું.
પોસ્ટરમાં નવિન નિશ્ચલને જોઈને
મને ચંદુ યાદ આવી  ગયો.
 ચંદુનો અને મારો ભેટો કદિ થયો જ નહિ. 1970-72 માં હું જામનગર હતો ત્યારે સાવનભાદોના પોસ્ટરમાં નવિન નિશ્ચલનો ચહેરો જોઇને ચંદુ યાદ આવી ગયો. બન્નેના નાક પોપટીયા (વળાંકવાળા) હતા તેથી એમ બન્યું હશે. એ પછી જ્યારે કોઇ પોસ્ટરમાં કે ફિલ્મ મેગેઝીનમાં નવિન નિશ્ચલની તસ્વીર જોતાંની સાથે જ દિમાગમાં ચંદુના નામનો ફ્લેશ થતો અને વિલાઇ જતો.  એક વાર મુંબઇમાં જગદીશ શાહના નાટકમાં કામ કરતાં રિધ્ધિ દેસાઇ સાથે હતાં ત્યારે એક ટીવી સિરિયલના શૂટિંગમાં નવિન નિશ્ચલને મળવાનું પણ બન્યું. પણ ત્યારે નવિનના ચહેરા ઉપર વરતાતી આવતી વાર્ધક્યની રેખાઓને કારણે ચંદુ જરા યાદ તો આવ્યો, પણ જીવતો થયો નહિ. બસ. એ વાતને પણ પચ્ચીસ વર્ષ થયાં અને પછી તો ચંદુ સાવ હદપાર હતો, ત્યાં 12 મી ફેબ્રુઆરી, ૨૦૧૨ ના આ લગ્નપ્રસંગમાં એકાએક આ ખખડી ગયેલા વૃધ્ધ માણસને જોયો કે તરત જ સ્મૃતિના અગોચરમાંથી ચંદુ છલાંગ મારીને બહાર આવ્યો અને મારાથી બરબસ બૂમ પડાઇ ગઇ,અરે,ચંદુ. તું?
એક જ ક્ષણ એ અટક્યો. મને જોયો અને નજીક આવીને ભેટી જ પડ્યો, રંજુ, તું?
પછી તો મારા જમાઇ જીગરે અમારા ફોટા પણ પાડ્યા અને પાંસઠ વર્ષના અંતરાલ પછી મળતા એવા અમે અમે એક બીજાના ખબર અંતર પણ પૂછ્યા. એનું બહુ મહત્વ નથી, પણ અચરજ મને એ વાતનું છે કે માત્ર થોડા જ કલાકો ઉપર સતત ત્રણચાર કલાક સુધી જેમની સુરત મારી સામે ને સામે જ રહી હતી એ હરેશ પંચમિયા મારી સ્મૃતિમાંથી કેમ સરી ગયા અને પાંસઠ વર્ષના રાફડાદટ્ટણ પછી પણ ચંદુ સ્મૃતિમાં કેમ સાબૂત રહ્યો? ના, નવિન નિશ્ચલની સિકલનો એમાં કોઇ ફાળો નથી. એ માત્ર એ વાતનો પૂરાવો છે કે મારું સમાધાનવાદી અસંપ્રજ્ઞાત મન ચંદુને આ બધા વર્ષો દરમ્યાન સતત શોધતું રહ્યું હશે. અને એની શોધ આ પાંસઠ વર્ષે પૂરી થઇ ત્યારે સમાધાન કે શિકવા-શિકાયત જેવી કોઇ માનસિકતા રહી નહોતી.
પણ આમ છતાં હું આ ઇતિ સિધ્ધમ જેવા પ્રમેયને સાવ સ્વિકારી લેતો નથી. સ્મૃતિની ઉપલી સપાટી નીચે પાતાળોના પાતાળ અતાગ રહેલા પડ્યા છે. એમાં તરવાની મઝા લઇ શકાય, તળીયાને અડકીને આવ્યાનો દાવો ના કરી શકાય.
એવો થોડો પ્રયત્ન હું કરવા ચાહું છું.
એક સરસ તસ્વીર છે. પાથરેલા એક પલંગના ટેકે નીચે ભોંય ઉપર બેસીને યુવતી કોઈ સામયિકના પાનાં ફેરવે છે. ફોટોગ્રાફ અને લખાણવાળા એક પાના ઉપર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે અને એના મોં ઉપર અધૂરું એવું સ્મિત પ્રસરેલું છે. સ્મિત કંઈ માત્ર હોઠથી જ પ્રગટે એવું નથી. કરુણતા પણ એમાં ઝલકતી હોય. બનવાજોગ છે કે એમાં કટાક્ષની છાયા પણ હોય. સ્મિત તીખું પણ હોય. ડૂસકાંનો પર્યાય થઈને પણ સ્મિત પ્રગટે. કશુંક ખોવાયાનો, કશાકથી વંચિત, કશાકથી દૂર રહી ગયાનો ભાવ પણ એમાં હોય, અથવા એથી ઊલટું ભવિષ્યમાં મેળવવાના સુખની કલ્પના પણ એમાં હોય, ઉઘાડી આંખના સ્વપ્ન જેવું પણ એ હોય.
        અમસ્તું તો આપણે એમ માની લઈએ કે જે પાના ઉપર એ સ્ત્રીની નજર અટકી છે એ પાના ઉપર કોઈ મજાક,કોઈ કાર્ટુન કે કોઈ હાસ્ય જન્માવે એવી વાર્તા હશે અને એ જોઈને એ સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત પ્રસરી ગયું હશે. પણ આ ચિત્ર જોઈને એવું નથી લાગતું, કારણકે સ્ત્રીના ચહેરા ઉપર જે સ્મિત દેખાય છે, તે માત્ર ઉપરછલ્લું કે માત્ર બુદ્ધિમાંથી જન્મેલું નથી લાગતું. એ અંદરથી ખેંચાઈ આવીને ચહેરા ઉપર ફેલાઈ ગયું છે. કૂવામાંથી પાણી ફેંકાઈને થાળામાં ફેલાઈ જાય એ રીતે. એટલે એનું અનુસંધાન એના મન સાથે છે.
        માણસનું શરીર માંસ, મજ્જા અને લોહીનું બનેલું છે. હૃદયથી વાતો આપણે બહુ કરીએ છીએ, પરંતુ હૃદય પણ શરીરમાં જ આવી જાય. પણ મન એ એક એવી વસ્તુ છે કે જે શરીરમાં છે અને શરીરમાં મળતું નથી. એ હંમેશા શરીરની બહાર જ રહે છે. એ હંમેશા યાત્રામાં રહે છે. ભટક્યા કરે છે અને મગજને માત્ર આદેશો આપ્યા કરે છે. ઘણા માણસો મગજને મન કહે છે પણ મગજ તો શરીરની અંદર રહેલું એક અંગ છે, અવયવ છે. એ અસંખ્ય જ્ઞાનતંતુઓ અને નલિકાઓનું બનેલું છે. માણસની ખોપરીમાંથી એને ઓપરેશન દ્વારા બહાર કાઢી શકાય. એનું વજન કરી શકાય, એનો ફોટો પાડી શકાય. પણ મનનું ક્યાં એવું છે ? એનું કોઈ જ નક્કર અસ્તિત્વ નથી. એ અંગ નથી, અવયવ નથી – ઓપરેશન દ્વારા એને છૂટું પાડી શકાતું નથી. વજનની તો વાત જ નથી ઊભી રહેતી, પણ એની તસ્વીર પણ નથી લઈ શકાતી. કારણ કે એનું પવન જેવું છે. જેને અનુભવી શકાય પણ તસ્વીરમાં ઉતારી ન શકાય. માત્ર એ છે એમ જ કહી શકાય.
વિચારો સિવાય મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
        આમ એટલા માટે છે કે મગજ એ અનેક નાના નાના કોષોનું બનેલું છે. જ્ઞાનતુંઓ અને રક્તનું બનેલું છે. જ્યારે મન માત્ર વિચારોનું બનેલું છે. વિચારોને જન્મ આપનાર મગજ છે. પણ મનને જન્મ આપનાર વિચારો છે. એટલે કે વિચારો સિવાય મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.
        વિશ્વની દરેક માનવીય પ્રવૃત્તિની પાછળ વિચાર છે અને એટલે જ એક જગ્યાએ સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે મનઃ એવ કારણમ્ દરેક ક્રિયાની પાછળ માત્ર મન જ કારણભૂત છે. માણસ સિવાયના પ્રાણીઓમાં જાતીયવૃત્તિ એટલે કે કામ એ એક પ્રાકૃતિક વૃત્તિ તરીકે ઉદ્દભવ પામે છે. જ્યારે મનુષ્ય પાસે તો વિચાર છે અને એની પ્રાકૃતિક વૃત્તિની ભૂમિ ઉપર જ્યારે મનમાં વિચાર પ્રગટે છે ત્યારે માણસમાં કામ જન્મે છે, એટલે કામદેવતાનું બીજું નામ મનોજ છે. મનસિ જાયતે ઈતિ મનોજ – મનમાં જન્મે છે તે કામ.
        પરંતુ સ્મૃતિ એટલે કે યાદની સાથે મનનો શો સંબંધ છે ? વૈજ્ઞાનિકો તો કહે છે કે માણસના મગજમાં અનેક નાના નાના સજીવ કોષો હોય છે અને એ કોષોમાં અનુભવો દ્વારા મળતી માહિતી સંઘરાઈ જાય છે અને એને આપણે સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. એમની એ વાત સાચી છે. તમે તમારી બાર વર્ષની ઉંમરે તમારા ઘરની બહાર એક ધડાકો સાંભળ્યો. તમે ઘરની બહાર દોડી ગયા અને જોયું તો એક માણસ લોહીલુહાણ પડ્યો હતો. એ ધડાકો, એ લોહીલુહાણ માણસનું દૃશ્ય અને એ સમય-તમારા મગજના કોષોમાં એ સ્મૃતિરૂપે સંઘરાઈ ગયાં. આ પછી વરસો વીતી ગયાં અને તમારી ઉંમર સાઠ વર્ષની થઈ ગઈ. પણ તમારી એ સાઠ વર્ષની ઉંમરે પણ જો તમે કોઈ ધડાકો તમારા ઘરની બહાર સાંભળશો તો તમારા મગજના સ્મૃતિભંડારમાં ઊંડે ઊંડે ધરબાયેલી એ દૃશ્યની સ્મૃતિ થોડી સળવળશે. બનવાજોગ છે કે તમે એ વખતે તમારા બીજા કોઈ કામમાં મશગુલ હો તો એ સ્મૃતિ પ્રગટપણે તમારા મનમાંથી બહાર ન આવે. પરંતુ જો તમે એ વખતે બીજા કશા જ ભારે વિચારમાં ન હો તો એ વખતે અડતાલીસ વર્ષ પહેલાંની એ સ્મૃતિ તમારા મગજમાં એક પુરા જીવંત દૃશ્ય તરીકે તમારા મગજમાં છવાઈ જાય.
લાલ રસો જોઈને મેં શાક ખાવાની ના પાડી દીધી હતી. 
મારી બાર-તેર વર્ષની ઉંમરે મને યાદ છે કે અમારા ઘરથી થોડે દૂર રહેતા રવજી પટેલ નામના ખેડૂતનું એના ખેતરમાં જ ખૂન થયું હતું. અમે છોકરાઓ જ્યારે કુતૂહલવશ એના ઘર પાસે એકઠા થયા ત્યારે એની ડેલી પાસે બળદ છોડી નાખેલા ગાડામાં એની સફેદ પછેડીથી ઢંકાયેલી લાશ પડી હતી. મૃતદેહનો આકાર ઊપસી આવ્યો હતો અને આંખો સફેદ, પરંતુ મેલી પછેડી ઉપર લોહીના લાલ લાલ ધાબા પડી ગયાં હતા. માખીઓ ગણગણતી હતી અને બે પોલીસ-કોન્સ્ટેબલો એની બાજુમાં ચોકી કરતા ઊભા હતા. – આ દૃશ્ય સારી વાર જોયા પછી હું મારે ઘેર ગયો હતો અને જમતી વખતે મારા બાએ બટાકાના શાકમાં બનાયેલો લાલ લાલ રસો જોઈને મેં શાક ખાવાની ના પાડી દીધી હતી. એ પછી દિવસો સુધી હું એવું શાક ખાઈ શક્યો નહોતો. પછી તો એ વખતે વરસોનાં વરસો પસાર થઈ ગયાં. એ સ્મૃતિ ઉપર ધૂળ ચડી ગઈ. બટાકાનું શાક ખાવાની કોઈ સૂગ રહી નહીં. પરંતુ આજે પણ મારી એ સ્મૃતિ ઉપર જરા સરખુંય જોર આપું તો એ આખું દૃશ્ય અને તે દિવસે થાળીમાં પિરસાયેલું લાલ રંગના રસાવાળું બટાકાનું શાક યથાવત્ યાદ આવી જાય છે. સવારનો સાડા દસ વાગ્યાનો સમય, રસોડામાં ઢાળવામાં આવેલો પાટલો અને બાની મૂર્તિ આખી એમ ને એમ સજીવન થઈ જાય છે.
        એમ કેમ બને છે તેનો જવાબ મેળવવો અઘરો નથી. આપણે તો દિવસનાં અનેક દૃશ્યો જોઈએ છીએ. તેમાંથી અમુક જ દૃશ્ય આપણને કેમ યાદ રહી જાય છે ? બીજાં કેમ નહીં ? શું બીજા દૃશ્યો સ્મૃતિકોષમાં નહીં સંઘરાતાં હોય ? મગજની સ્મૃતિકોષ તો ટેપ-રેકોર્ડર જેવાં છે – અને ટેપરેકોર્ડર તો કોઈ પણ અવાજને રેકોર્ડ કરવાની ના નથી પાડતું. તલત મહેમુદની સુંદર ગઝલ તમે રેકોર્ડમાંથી કેસેટમાં ઉતારતા હો એ વખતે શેરીમાં કૂતરું ભસતું હોય તો એનો અવાજ પણ તલત મહેમુદના અવાજ સાથે જ રેકોર્ડ થઈ જાય છે. અને જ્યારે એને ફરી વગાડો છો ત્યારે એ બન્ને સાથે જ સંભળાય છે. 
વાસ્તવમાં કોઈ પણ દૃશ્ય સારું છે કે ખરાબ, પ્રસન્નકર છે કે અરુચિકર, રમણીય છે કે ભયાવહ તેનો નિર્ણય મગજના સ્મૃતિકોષો નથી કરતા. એ તો તમારી સમગ્ર દિનચર્યાને એના ભંડારમાં રેકોર્ડ કરીને રાખે જ છે. પરંતુ કોઈ પણ દૃશ્ય સારું છે કે ખરાબ, એનો નિર્ણય આપણું મગજ નહીં, પણ મન તો જરૂર કરે છે. ને એટલે જ કહેવું જોઈએ કે મન એ માણસ છે – શરીર નથી – અને મગજ એ શરીર છે. માણસ નથી. મન શબ્દ પરથી જ માનવ શબ્દ બન્યો છે – અને મનને સંસ્કારગત રીતે, વિચારોથી બંધાયેલી પ્રકૃતિરૂપે ગમા-અણગમા રુચિ અને અરુચિ હોઈ શકે છે – હોય જ છે. અને એટલે જ જ્યારે મગજ કોઈ પણ દૃશ્યને રેકોર્ડ કરે છે ત્યારે મન પોતાના ગમા-અણગમા વ્યક્ત કરીને એ રેકોર્ડિંગમાં પૂરી દખલ કરે છે. કોઈ રેકોર્ડિંગને એ પૂરી દૃઢતા અને વજન સાથે રેકોર્ડ થવા દે છે અને કોઈને એ માત્ર ઉપરછલ્લી રીતે જ રેકોર્ડ થવા દે છે. પરિણામે કોઈ બનાવ આપણને વારંવાર યાદ આવ્યા કરે છે અને કોઈ બનાવ માત્ર આછોપાતળો જ યાદ રહે છે અને મગજને પૂરું જોર આપ્યા પછી જ યાદ રાખે છે. અત્યંત નીચા સ્વરે કોઈ પણ ગીત રેકોર્ડ કર્યું હોય અને તેને ફરી સાંભળવું હોય તો પૂરા વોલ્યૂમ સાથે એને વગાડવું પડે તે રીતે જ. પરંતુ એનો અર્થ એમ નથી કે એ રેકોર્ડ થતું જ નથી.
ટેપરેકોર્ડર કોઈ પણ અવાજને
 રેકર્ડ કરવાની ના  નથી પાડતું
        સ્મૃતિનું પણ એ રીતે સ્વપ્ન જેવું જ છે. વૈજ્ઞાનિક કહે છે કે ક્યારેય પણ કોઈની ઊંઘ સ્વપ્ન વગરની હોતી જ નથી. મગજનો એક નાનો ભાગ તો માણસની સુષુપ્તાવસ્થામાં પણ કામ કરતો હોય છે. માણસની ઊંઘ દરમ્યાન પણ એની ઈચ્છાઓ, આકાંક્ષાઓને, પીડાઓને, ભયને અને ગ્રંથીઓને એ સતત માનસપટ પર એક યા બીજી રીતે પ્રોજેક્ટ એટલે કે વ્યક્ત કર્યા જ કરે છે અને એને જ સ્વપ્નું કહેવાય છે. સ્વપ્ન એટલે વ્યક્તિની અભિલાષાઓ એવો પર્યાય એટલે જ બન્યો છે. પરંતુ ખૂબ જ આછાં-ધીમાં સ્વપ્નાં ઊઠતાંની સાથે તરત જ ભુલાઈ જાય છે. કેટલાંક ઊઠ્યા પછી થોડા કલાક યાદ રહે છે અને પછી વીસરાઈ જાય છે અને કેટલાંક દિવસો કે વરસો સુધી યાદ રહે છે. ખૂબ જ આછાં અને તરત જ ભુલાઈ જાય એવાં સ્વપ્નવાળી ઊંઘને વૈજ્ઞાનિકો ગાઢ ઊંઘમાં ખપાવે છે. એનો અર્થ એવો થયો કે ગમે તેવી ગાઢ નિદ્રા પણ સ્વપ્નવિહીન તો હોઈ જ ન શકે. માત્ર ગાઢ ઊંઘમાં જોયેલાં સ્વપ્ન મગજના સ્મૃતિકોષમાં એટલી મંદ રીતે એને તાદૃશ્ય કરી શકયાં નથી એટલું જ. પણ એથી કરીને એ સ્વપ્ન આવ્યાં જ નહોતાં એવું નથી.
કંઈક એવું જ સ્મૃતિઓનું છે. જીવનના દરેક બનાવની પ્રિન્ટ મગજના સ્મૃતિભંડારમાં તો પડી જ હોય છે. માત્ર એને ફરી બહાર કાઢીને ફરી માનસપટ પર પ્રોજેક્ટ કરવા માટે કરેલું જોર દેવું પડે છે, એની ઉપર એ સ્મૃતિની તીવ્રતાનો આધાર છે. કેટલીક સ્મૃતિઓ યાદ અપાવ્યા છતાં ફરી અનુભવી શકાતી નથી – એવી સ્મૃતિઓ મગજમાં ભારે મંદ સ્તરે સચવાયેલી હોય છે. કેટલીક સ્મૃતિઓ જરા સરખું આલંબન મળતાં બહાર આવી જાય છે. અને ઘણી એવી પણ સ્મૃતિઓ હોય છે કે જે આપણા વર્તમાનની સમાંતરે, એકબીજા વર્તમાનની જેમ સતત આપણી સાથે જ ચાલી આવે છે.
        તે સ્મૃતિઓને બહાર આવવા માટેના બહાનાં એટલે કે આલંબનો પણ કેવાં કેવાં હોય છે ?
        મારી સાત-આઠ વર્ષની ઉંમરે અમે સૌરાષ્ટ્રમાંના બાબરા ગામ પાસેના ચરખા નામના નાનકડે ગામે રહેતા હતા. અમારા રહેઠાણની આજુબાજુ એક મોટો બગીચો હતો. જેની વચ્ચે લીમડાનું એક મોટું વૃક્ષ હતું. એની ચારે તરફ રેતી પાથરેલો રસ્તો હતો અને એ પછી ગુલાબના ક્યારાઓ હતા. એની ફરતે બીજા અનેક જાતના ફૂલછોડ. પણ પરંતુ કોણ જાણે કેવી રીતે એમાં એક મકાઈનો છોડ પણ ઊગી ગયો હતો અને એમાં પીળાશ પડતા, આછા કોમળ લીલા રંગના પાનવાળા મકાઈના ડોડા ઝૂલતા રહેતા હતા. બગીચાના એક છેડે કૂવો હતો અને આખો દહાડો લાંબી રાશવાળી કોશ વડે એના થાળામાં પાણી ઠલવાયા કરતું હતું. બગીચાથી થોડે દૂર બાબરાથી ઊંટવડ જતી કાચી સડક અને એની ઉપરથી જૂની ઢબની- આગળ લાંબા નાક જેવા એન્જીનવાળી પીળા રંગની બસો આવ-જા કર્યા કરતી.
        આ આખું ય એક દૃશ્ય થયું – એ દૃશ્ય એના તમામ હવાઈ પરીવેશ, અને પરિમાણો સહિત મારા મગજના સ્મૃતિકોષમાં અકબંધ સચવાયેલું પડ્યું છે. પરંતુ આમ છતાં ચોવીસેય કલાક હું મારા માનસપટ પર આ દૃશ્યને લઈને ફરતો નથી. પરંતુ ક્યારેક કોઈ એક નાનકડા એવા આલંબને એ એકાએક મારા મગજમાંથી બહાર આવીને મારા મનમાં છવાઈ જાય છે. એ કયું આલંબન ?
આજે ક્યારેય પણ ગુલાબનું ફૂલ મારા હાથમાં આવે ત્યારે..
        એ આલંબન છે સુગંધનું. મારા એ શૈશવકાળમાં ગુલાબની લુંબે-ઝુંબે ક્યારીઓ વચ્ચે હું એકલો એકલો રમતો હતો. મારો મોટોભાઈ બહારગામ ભણતો હતો અને સરકારી અધિકારીના પુત્ર અને અલગ બંગલામાં રહેવાના કારણે કોઈ ગામડિયો છોકરો મારો જોડીદાર નહોતો. એટલે એમ બન્યું કે એ બગીચાને જ મારા સાથીદાર તરીકે મેં સ્વીકારી લીધો. એ વાતાવરણ – એ પરિવેશ અને એ એકાંતિક સવાર-બપોર કે સાંજને મેં મારા અસ્તિત્વમાં ઓગળી લીધાં. ગુલાબની ક્યારીઓમાંથી ફૂલ ચૂંટીને એના વડે રમતો થતી અને એટલે જ આજે જ્યારે ક્યારેય પણ ગુલાબનું એક ફૂલ કે એકેય પાખંડી મારા હાથમાં આવે છે ત્યારે તરત જ નાકે લગાડીને એને સુંઘી લઉં છું – અને એ સુગંધ નાકમાં પ્રવેશતાંની સાથે જ સિત્તેર વરસ પહેલાંનો એ બગીચાવાળો શૈશવકાળ એવા તમામ સ્થૂળ અને સૂક્ષ્મ પરિવેશ સહિત મારા માનસપટ પર છવાઈ જાય છે. અને માત્ર એનું સ્મરણ થાય છે એમ કહીશ તો એ અધૂરું ગણાશે. એમ કહીશ કે ફરી એ કાળમાં થોડી ક્ષણો પૂરતો હું સંદેહે પ્રવેશ કરી લઉં છું.
        આમ મારી એ સ્મૃતિનું સંધાન-એસોસીએશન-માત્ર સુગંધ અને તે પણ ગુલાબના ફૂલની સુગંધ સાથે છે. પરંતુ દરેક કિસ્સામાં સ્મૃતિઓનું સંધાન ગંધ સાથે હોવું જરૂરી નથી. ઘણાં વર્ષો પહેલાં સંજોગ નામની એક ફિલ્મ આવી હતી. મેં તે જોઈ નથી. પણ એની વાત સાંભળી છે. એમાં એક પાત્રની બચપણની સ્મૃતિ સાથે ટ્રેનની વ્હીસલ સંકળાયેલી હતી અને એ વ્હીસલ સાંભળતાંની સાથે જ એના બચપણની તમામ યાતનાઓ એના સ્મૃતિકોષમાંથી બહાર આવી આવીને એને પીડવા માંડતી હતી. આવી જ વાત પાકિઝા ફિલ્મમાં પણ હતી. એમાં નાયિકાને કાને ગાડીની વ્હીસલ પડતાં જ એ નૃત્ય કરતાં કરતાં પણ સ્થિર થઈ જતી હતી અને પ્રણયના પ્રારંભની ક્ષણોમાં સરી પડતી હતી.
(મનના અતાગ ઊંડાણ વિષેની વધુ વાતો બીજા ભાગમાં) 




(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.) 

7 comments:

  1. કોઈ મને પૂછે છે કે ગઈકાલે રાતે શું ખાધું હતું ત્યારે હું કહું છું કે મેં ગઈકાલે શું ખાધું હતું તે યાદ નથી પણ ત્રણ વરસ પહેલાં શું ખાધું હતું તે યાદ છે. માટે જો તારે જાણવું હોય કે મેં ગઈકાલે રાતે શું ખાધું હતું તો મને ત્રાણ વરસ પછી પૂછજે.
    રજનીભાઈ એ ઉંમરનો પ્રતાપ છે. આશા રાખીએ કે પંચમિયા સાહેબને એની ખબર હોય, :)

    ReplyDelete
  2. બહુ જૂનું યાદ આવી જાય અને નજીકનું ન આવે -
    ચોક્કસ અલ્ઝાઈમર થવાનો!
    જોક્સ એપાર્ટ ...
    બાળ, પુખ્ત અને વૃદ્ધ મગજને આવરી લેતી ત્રણ બહુ જ તલસ્પર્શી અને મજેદાર વિડિયો યાદ આવી ગઈ.
    આવું જ પ્રેરણાની ચિનગારી/ સર્જનાત્મકતા વિશે છે -

    http://gadyasoor.wordpress.com/2007/12/19/human_insticts/

    અને

    http://gadyasoor.wordpress.com/2007/12/20/human_insticts-2/

    ReplyDelete
  3. સ્મૃતિઓ સળવળી ઊઠી (ભાગ ૧) લેખમાં દર્શાવેલા પૂર્વે માણેલા પ્રસંગો ફરીથી ઉભરી આવે છે એ વિષે જણાવ્યું, બિલકુલ બરાબર છે. પરંતુ એથી આગળ વધી આ જ વિષયમાં મારી થોડી વધુ અનુભૂતિ વિષે જરૂરથી તમારો અનુભવ જણાવશો. વર્ષો પૂર્વે રૂબરૂ માણેલા પ્રસંગો જયારે સ્વપ્નોમાં ફરીથી અલપઝલપ થાય તે કયા મન /મગજ પ્રદેશમાં સંઘરાયેલું પડ્યું હશે? delete થતું જ નહિ હોય !!?? તમારો એ બાબતમાં અનુભવ કેવો?

    ReplyDelete
  4. રજનીકુમાર પંડ્યાApril 23, 2012 at 12:58 PM

    આભાર હરનીશભાઈ, સુરેશભાઈ અને સુમંતભાઈ.
    @ સુમંતભાઇ.
    સપનાઓના અર્થઘટનને ઉર્દુમાં "તાબીર" કહે છે. પણ હું તો માનું છું કે અમુક પ્રકારના વારંવાર સપનાઓનું કારણ શોધી શકાય, પણ એનાથી ભવિષ્યની આગાહી ના કરી શકાય. મને પોતાને વારંવાર ટ્રેન ચુકી જવાનું અને કાંકરીયાળા ઢોળાવ પરથી લપસી પડવાનું સપનું આવે છે. અનેક વાર મારા અવસાન પામેલા મોટાભાઇ-પિતા-માતા-સાથે હરતોફરતો હોઉં એવા સપનાં આવે છે. સ્વપ્ન એ 'આપણી નિદ્રા ચીરનિદ્રા નહિ હોવાનો ફરકતો વાવટો છે' એમ સમજીને રાજી થવું.
    અધુરી આશાઓ-ઝૂરાપો-અપમાનબોધ-કોઇ પરત્વે આપણી ઇર્ષા જેવા ભાવો એમાં સાવ અતાર્કિક ઘટનાક્રમમાં રજુ થાય છે.
    જે વસ્તુ ડિલીટ થઇ નથી હોતી મતલબ કે ડિલીટ ફોરએવર થઇ નથી હોતી એ જ સળવળી શકે. બાકી જે કન્ટ્રોલ ઝેડ કરવાથી પણ પાછી ના આવે તે સપનામાં તો આવી જ ક્યાંથી શકે.? હા, એવું બને કે જેને તમે ભૂલાઇ ગયેલું માનતા હો તે સુષુપ્તાવસ્થામાં મનને કોઇ તળીયે કણસતું પડ્યું હોય અને જરાસરખી હવા મળતાં જ કૂદીને બહાર આવે. "ગુમરાહ"માં મહેન્દ્ર કપુરના સ્વરમાં સાહિરનું એક સુંદર ગીત છે. "આપ આયે તો ખયાલે દિલ્ર નાશાદ આયા, કિતને ભૂલે હૂએ જખ્મોં કા પતા યાદ આયા" તેમાં એક પંક્તિ આવે છે " હાય, કિસ વખ્ત મૂઝે કબ કા ગીલા (ફરિયાદ) યાદ આયા"
    આ પંક્તિમાં આપનો જવાબ છે.

    ReplyDelete
  5. પૂર્વી મલકાણApril 23, 2012 at 5:20 PM

    સ્મૃતિઓની સફરનો આ લેખ સુંદર પણ રહ્યો અને મજેદાર પણ રહ્યો. અતીતની ગહેરાઈમાં છુપાયેલી આ યાદો વિષે તો શું કહેવું? જેમ શાંત જળમાં પથ્થર નાખતાં અનેક વમળો જળમાં રમવા લાગે છે તેમ આ સ્મૃતિઓનું પણ છે.

    ReplyDelete
  6. સુચિ વ્યાસApril 25, 2012 at 12:00 PM

    વાહ બાપુ, વાહ! મઝા પડી ગઈ. આમ હું તો સાયકોલોજી-ફેકોલોજીનું માણસ એટલે વધુ મઝા પડી. તમારી ભાષા-રજૂઆત તો દાદ માંગી લે એવી હોય છે.
    તમને કદાચ ખબર હશે જ પણ લખું છું કે અમેરિકામાં એક 'દાદો' સાઈકીએટ્રીસ્ટ નામે brian weiss આજકાલ બહુ ચગ્યો છે. એ બધાને regression therapy આપે છે અને ગત જન્મની વાતમાં લઈ જાય છે. એના પુસ્તકો દેશમાં ન મળતા હોય તો મને જણાવજો- હું તમને મોકલાવીશ.

    ReplyDelete
  7. સ્મૃતિ એ જરૂરથી મનોવિજ્ઞાનનો વિષય છે, તેથી શ્રી રજનીકુમારભાઇએ મૂળ લેખમાં કહેલ ઘટનાઓ કે સુમંતભાઇને આપેલા જવાબમાં કહેલ કબકા કૌનસા ગિલા કબ યાદ આવી જાય તેનું વૈજ્ઞાનિક કારણ તો કોઇ તજજ્ઞ જ આપી શકે.
    મારૂં એવું માનવું છે કે જે ઘટનાઓ સાથે આપણી જાણીઅજાણી લાગણીઓ જોડાયેલ હોય તે ઘટનાઓ ડીલીટ કે ઑલ્ટ+ડીલીટ્ને આધીન નથી રહેતી.આ કારણસર આપણને બાળપણની જે ઘટનાઓ યાદ આવે [કે આવી જતી હોય છે] તેના કરતાં ગઇકાલે બનેલી ઘટના યાદ કરવામાં વધારે ફાંફાં પડતાં હોય છે.કારણ કે આપણા 'મોટા' થયા પછીના સંબંધો વધારે ઔપચારિક હોય છે.
    અને જે કોઇ ઘટના જોડે લાગણીનો તંતુ જોડાયેલો હોય તે નઝર કે સામને ઘટા સી છવાઇ જતી હોય તેવા અનુભવો તો કંઇ કેટલાય લગભગ બધાને થતા જ હશે.

    ReplyDelete