(26મી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ જન્મેલા દેવ આનંદના ૮૮મા જન્મદિન નિમિત્તે આલેખેલી મનોછબી)
જેતપુરમાં અમારા વિસ્તાર ખોડપરામાં રામદાસ ગંગાજળીયા નામના બાવાજીની બારણાની હોટેલ હતી. બે બારણાની હોવાના કારણે તેનો ‘ઑ’ સારો પડતો હતો. પ્રવેશદ્વારના ઉંબરે જ બાવાજી રેંટીયાની જેમ ચક્કરડાથી ચાલતી ભઠ્ઠી ઉપર સતત ચા ઉકાળતા રહેતા. એમનો દિકરો અમરતલાલ ગંગાજળીયા મારી સાથે ભણતો. ઘણીવાર મફત ચાની ‘સલાહ’ કરતો. (અમારા પંથકમાં ‘સલાહ’નો અર્થ "આગ્રહ વગરનો વિવેક" એવો થાય.) મને ચાનો બહુ શોખ નહીં. પણ હોટેલમાં આવેલું છાપું વાંચવા મળે- પછી ભલેને તેની ઉપર ચાના કપથી કાળા કુંડાળા પડી ગયા હોય તો ય-તે બહુ ગમે. તેથી એ ઓફરનો લાભ લેતો. હોટેલના બીજા ખુલ્લા બારણા પાસે મુકેલા બાંકડે બેસીને સેકેરીનવાળી ચા પીતા પીતા વળી બહાર બજારનું દૃશ્ય પણ જોવા મળે. પંદર-સત્તર વર્ષની ઉંમરે (૧૯પ૩-પપ ની સાલમાં) આ વૈભવ અહો, અહો હતો.
પણ એક દહાડો હું જે બારણામાંથી બજારદર્શન કરતો તેની આડે એક મોટો અવરોધ આવી ગયેલો જોયો. બારણાને લગભગ અડધા ઉપર ઢાંકી દે તેવું સિનેમાનું બોર્ડ. લાકડાની ચોખંડી પટ્ટીઓ, વચ્ચે એવી જ પટ્ટીઓની ચોકડી, આટલા માળખા ઉપર ખડીથી રંગેલું સફેદ કપડું - ને એની ઉપર અમારી બેમાંથી એક એવી કેપિટોલ ટોકિઝમાં ચાલતી ફિલ્મ ‘મિલાપ’ની જાહેરાત. જાહેરાતમાં શું ? એક પોસ્ટર અને બાજુમાં પેન્ટર ખાન કે જે થિયેટરમાં પ્રોજેક્ટર ઓપરેટરનું પણ કામ કરતા હતા, તેના હાથે બ્લ્યુ અને કથાઈ રંગમાં મોટા અક્ષરે ચિતરેલા ‘મિલાપ’ અક્ષરો. બાજુમાં વાંકા-વાયડા અક્ષરે લખેલા કલાકારોના નામ, નીચે શોના ટાઈમ - શબ્દો ‘રોજના બે ખેલ, બપોરે ચાર અને સાંજે સાત-તમારા માનીતા છબીઘર કેપિટોલમાં’.
મારી બહાર જોવાની બારી આ રીતે બૂરાઈ ગઈ. તેથી હું ભારે ધૂંધવાયો. હું એ પણ ભૂલી ગયો કે હું અહીં વારંવાર ને તે પણ મફત ચા પીવા આવું છું. એ પણ ભૂલી ગયો કે હું હજુ કોઈ ભડભાદર જણ નથી, બલકે કિશોર છું. આ બધું ભૂલી જવાના કારણે મારી અને બાવાજી વચ્ચે આવા-આટલા સંવાદો થયા.
"હવે હું તમારે ન્યાં ચા પીવા નહીં આવું."
કઠોર જવાબ: "નો આવતો."
"પણ પૂછો તો ખરા કે હું આવું કેમ બોલ્યો ?"
"ટેમ નથી."
હું સમસમી ગયો. બાવાજી જોરજોરથી ભઠ્ઠી પ્રજવલીત કરતું ચક્કર ફેરવવા માંડ્યા. પાણીમાં ચા નાખી, ખાંડ નાખી - તળીયા સામે જેના ઘસાવાનો કર્કશ અવાજ આવે એવો પીત્તળનો કાળો પડી ગયેલો ચમચો તપેલામાં ઘુમેડતા રહ્યા - ચાનો રંગાડો ઉકળતો રહ્યો.
દેવ આનંદનો પહેલો પરિચય અહીંથી થયો |
ત્યારે મને વળી અફલાતુન વિચાર, મારા લાભાર્થે આવ્યો: ‘પણ તો પછી હોટેલની અંદર બેઠેલું માણસ વાંચે તેમ અંદર વંચાય તેમ રખાય ને? આ આપણને ખાલી સફેદ કપડું અને ફ્રેમ જ દેખાય એમાં શું મજો આવે?’
છોટો ગંગાજળીયો ગમ ખાઈ ગયો. મને ચાની ‘સલાહ’ કર્યા વગર પગ પછાડતો ચાલ્યો ગયો. હું બે ઘડી રસ્તામાં ઉભો રહ્યો. ત્યારે યાદ આવ્યું કે આવા મૂડમાં તો ચા પીવી બહુ જરૂરી ! નીચી મુંડીએ હું પાછો હોટેલમાં પેસી ગયો. બડે ગંગાજળીયા (બાવાજી) મોટા મનના હતા. ટેબલ પર સહેજ કપ પછાડીને, પણ ચા તો આપી.
આ બધી વાત આમ તો દેવ આનંદના વિષય સાથે કોઈ સંબંધ ધરાવતી ના લાગે. પણ મારા માટે એ એટલા માટે અગત્યની છે કે જે સાંજે (૧૯૯૬ના માર્ચમાં) દેવ આનંદે પોતાના ‘ આનંદ ડબીંગ સ્ટુડિયો’માં આવકારીને મને શેમ્પેઈનની ‘સલાહ’ કરી હતી. (ને મેં ના પાડી હતી) ત્યારે એક આગીયાના ચમકારાની જેમ આ યાદ મારા મનના અંધારા ખૂણામાં માત્ર એક નિમિષમાત્ર માટે ઝબકી ગઈ હતી - કારણ કે જે ફિલ્મના હોર્ડિંગની વિષે મારે હોટેલના માલિક સાથે માનસિક ઝપાઝપી થઈ હતી તે બોર્ડ ‘મિલાપ’ ફિલ્મનું હતું. જેનાં હિરો-હિરોઈન દેવ આનંદ-ગીતાબાલી હતા. ‘દેવ આનંદ’ નામના ગાઢ પરિચયની (હા, ગાઢ પરિચયની) એ મારી પહેલી ક્ષણ હતી. એ ઉંમર (સત્તર વર્ષ) લગી મેં બહુ ઓછી ફિલ્મો જોઈ હતી ને જે જોઈ હતી તેમાં જયરાજ, પ્રેમ અદીબ, અશોકકુમાર જેવા કેન્દ્રસ્થ હતા. બાર-તેર વર્ષની ઉંમરે ‘બાઝી’ કે ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મોના નામ સાંભળ્યા હતા. ગીતો પણ, પણ જેટલું નામ ‘બૈજુ બાવરા’ ના ભારત ભુષણનું સ્મૃતિકોશમાં રજીસ્ટર્ડ થયું હતું. એટલું તો શું, બલકે લગભગ કાંઈ જ ના કહી શકાય તેવું નામ દેવ આનંદનું થયું હતું. અરે ‘જીયા બેકરાર છાઈ બહાર હૈ’ ની ધૂન પર પેરોડી પંક્તિ ‘જીયા બેકરાર હૈ, સુરૈયા બિમાર હૈ, આ જા ડાક્ટર દેવ આનંદ, તેરા ઈંતઝાર હૈ’ પ્રચલિત થઈ હતી પણ દેવ આનંદના નામની બહુ નોંધ, ચિત્ત પર ઉપસી શકી નહોતી. કારણ કે એ દિવસોમાં આવી પેરોડીઓ અમારા જેવા નિશાળીયાઓની જીભે રમતી રહેતી, જેમ કે ‘હાથમાં બીડી, મોઢામાં પાન, લઈ લે ઝીણા પાકિસ્તાન’ અથવા ‘યા સર સૈયદ અહમદ કર દો બેડા પાર, યા ખુદા કી ખટમીઠ્ઠી ચટણી, ચેવડો મસાલેદાર’ અથવા ‘દારૂ પીના બંધ કર ભૈયા, નકર પછી મર જાના, બંદે જીવન હૈ સંગ્રામ’. આમાં દેવ આનંદ કોઈ જાણવાજોગ વિશેષ વ્યક્તિત્વ નહીં લાગેલું.
એના કરતાં જોન કાવસ જંગબહાદુર લાગતો. જો કે,મારી બાની જાલીમ મનાઈને કારણે ફિલ્મો જ ઓછી જોવા મળતી, ને જે જોવાની પરમીશન મળતી તે ધાર્મિક અથવા હદમાં હદ ઐતિહાસિક હતી. (રામરાજય, ભરત મિલાપ, વીર ઘટોત્કચ્છ, રાજા ભર્તુહરી, નરસિંહ મહેતા, કાદમ્બરી, હુમાયુ, બાબર, નિલમપરી, રાધેકૃષ્ણ, કાલીયમર્દન, વીર રાજપૂતાની જેવી) આમાં જે પાઘડા-મુકુટધારી, તલવાર- ગદાધારી, ધનુષધારી, ઓડિયા, ઝૂલ્ફા, તિલ, ગળે મોતીમાળ, બખ્તરધારી, ચમત્કારી હિરો જોવા મળતા. તેમાં દેવ આનંદ નામના માંદલા દેખાતા જીવની કોઈ હસ્તી નહોતી. જો કે, એ વાત સાચી કે ૧૯પપ સુધીમાં તેમનું નામ ઠીક ઠીક જામી ચૂક્યું હતું. પણ તે ઈલાકામાં મારો હજુ પ્રવેશ થયો નહોતો. તેથી પાકિસ્તાનના કોઈ સારા એક્ટરને આપણે ન જાણતા હોઈએ તો એમાં આપણો શો વાંક ? એવું હતું.
રૂપેરી પરદાના ત્રિદેવ: દિલીપ, દેવ અને રાજ |
હું જેને જાણતો હતો - માણતો હતો, જેમનાથી અભિભૂત હતો તે અભિનેતાઓના જગતની બહારના આ લોકો હતા, પણ હતા ગણનાપાત્ર તેવી છૂપી નોંધ મારા મનમાં લેવાઈ. એના કારણે બે જૂના જખમ યાદ આવ્યા. ‘બંધન’ (અશોકકુમાર) જોવાની મારી ઈચ્છા હતી (રી-રનમાં આવી ત્યારે) તે મારી બાએ પૂરી થવા નહોતી દીધી તે, અને ‘આન’ ફિલ્મમાં પણ આ જ કારૂણી રિપીટ થઈ હતી તે. આને કારણે દિલીપકુમારની ફિલ્મ જોવાની તક નહોતી મળી. આ બન્ને ફરિયાદોના નિકાલ પડતર હતા ત્યાં રાજકપુર અને દેવ આનંદને પરદા ઉપર જોવાની ઈચ્છા આ વિચિત્ર બનાવને કારણે જાગ્રત થઈ. દેવ આનંદને જોવાની વિશેષ, કારણ કે તેમાં થોડો ‘હું’ પણ ભળેલો હતો કારણ કે પરદા ઉપર જોઉ ત્યારે મારે એને મારા ‘ડમી’ તરીકે જોવાનો હતો. એટલે લગભગ જાતની છબી જોવા જેવું કુતૂહલ. નિખાલસપણે, પ્રામાણિકપણે કહું કે આગળ ઉપર કોઈ મને દેવ આનંદ સાથે સરખાવતું ત્યારે ગમતું અને રોમાંચ થતો તે ગાળો લગભગ મારી વીસેક વર્ષની વયથી શરૂ કરી પિસ્તાલીસની વય સુધી ચાલ્યો. મતલબ કે હવે તો નથી જ નથી, હવે તો અણગમો જ ઉપજે છે. પણ ઉપર લખ્યા તે શાળાજીવનના ગાળામાં પણ ગમતું નહીં. અણગમતો કોટ કોઇ પરાણે પહેરવાની ફરજ પાડે તે પ્રકારનું હતું. કારણ કે એ દિવસોમાં દેવ આનંદ ખરેખર સ્ટફલેસ (નમાલા) ગણાતા. એના કરતાં કરણ દિવાન ‘જામે છે હોં’ કહેવાતો. કે જેને લોકો બેધડક દિવેલીયા ડાચાવાળો ગણતા. મતલબ કે દેવ આનંદ બી ‘દિવેલીયો’ પણ એક પગથિયું હેઠ!
પણ મારૂં "ઓટો પોસ્ટીંગ" એના સ્થાને થવાને કારણે એને પણ પરદા ઉપર જોવાની મારી ઈચ્છા સળવળી. (‘સુરૈયા’ને મનમાં શું થયું હશે તેની તો કેવી રીતે ખબર પડે ?) એ કેમ પૂરી કરવી ? ફિલ્મ જોવા માટે બા પાસેથી પાંચ આના માગવા પડે. બા મંજૂર ના કરે, સિવાય કે દેવ આનંદે પૌરાણિક ફિલ્મમાં કામ કર્યું હોય અને માથે મુકુટ ચડાવ્યો હોય. બસ, આ જ તબક્કે મને પેલા રામદાસ બાવાજીની હોટેલ આડે મુકાયેલું દેવ આનંદની ફિલ્મ ‘મિલાપ’નું (કે બીજી કોઈ?) હોર્ડિંગ યાદ આવ્યું, હા, એ મને આમાં કામ આવી શકે. કારણ કે એ પાટીયાને કારણે બાવાજીને રોજના બે ફ્રી પાસ મળતા હતા. એમને રોજરોજના પાસને શું ધોઈ પીવાના? શા કામના ? મને કામ ના આવે ? આમ વિચાર કરીને મેં મારા મિત્ર અમુ ગંગાજળીયા(છોટા)ને સાધ્યો. એના બાપા પાસે આ પેશકશ કરવાની વાત મેં એને કરી. તો એણે કહ્યું, ‘હું તો જોઈ આવ્યો છું, સાવ ડચ્ચર ફિલીમ છે. ટકાટકી (મારામારી) નથી આવતી, નથી આવતું ફારસ.નાચ બી નહીં. જણ (હિરો) તો સાવ સખી (સ્ત્રી) જેવો છે. એના કરતાં આના પછી ‘વીર હનુમાન’ની પેટી (પ્રીન્ટ) આવવાની છે ત્યારે જોવા જઈશું.’ એણે અમારી જેતપુરની ફિલ્મી ‘જાર્ગન’માં મને આટલું સમજાવ્યું. એમાંથી મને ‘વીર હનુમાન’ વાળી વાત ‘હવે પછી’ના સ્લોટમાં રાખવાજોગ લાગી એમાં ના નહીં, પણ દેવ આનંદને જોવો હતો એનું શું? ( કારણ કે મારા જેવો લાગનારો છે કોણ? એ જોવાની ઈંતેજારી વધી ગઈ હતી. ) એટલે મેં બાવાજી પાસે હિંમત કરી. તો એમણે તો ટોણો માર્યો. ‘કાં? તને એનું પાટીયું બી નડતું હતું ને ? ને હવે કેપિટોલ લગી (સુધી) હડી કાઢવી છે?’ અલબત્ત, નવાઈની વાત તો પછી એ બની કે એક દિવસ છોટે ગંગાજળીયાને ભઠ્ઠીના ચકરડા પર બેસાડીને લંગડાતા પગે એ ખુદ મારી જોડે ‘મિલાપ’ ફિલ્મ જોવા આવ્યા. પણ ત્રીજા જ સીનથી ઝોલા ખાવા માંડ્યા.એમના નસ્કોરાનાં અવાજથી ત્રાસીને ડોરકિપરે એમને બહાર બાંકડે જઈને બેસવાની હિદાયત આપી. બાવાજીને તો ઘેર જઈને પોઢી જવાનું મન હશે પણ મારા જેવા છોકરાને લીધા વગર કેવી રીતે અર્ધી રાતે જઈ શકે ? એટલે બિચારા અંત સુધી બહાર પીળા મેલા બલ્બ નીચે ઉડતી જીવાતો વચ્ચે બેઠા રહ્યા. ગાલે થપાટ મારતાં મારતાં ઝોલા ખાતા રહ્યા.
પરદા ઉપર મેં તે દિવસે દેવ આનંદને પહેલી વાર જોયા. કોઈ પણ રીતે ઈમ્પ્રેસ ના થયો. ‘ગામ ગાંડીનું નથી, સાચું જ કહે છે’ એવો જ ભાવ પેદા થયો. મને આ ‘બાઈ જેવા ભાઈ’ સાથે નટીયાએ શું જોઈને સરખાવ્યો હશે એવો વિચાર આવ્યો. જો કે, ‘યે બહારોં કા સમા’ ગાયન ગાતી વખતે એ જરા વ્યવસ્થિત લાગ્યો. પણ આખો દિવસ એને ગાણાં ગાવા કોણ આપવાનું હતું ? મતલબ કે બાકીના વખતમાં તો જોન કાવસનો દસમો ભાગ બી નહીં ને!
ઠીક, પણ પહેલીવાર એને જોયો. સનો ભાંગ્યો. સનો એટલે અભરખો.
**** **** ****
૧૯પપ માં જેતપુરની બહાર ભાવનગર કોલેજમાં ભણવાનું થયું અને કોલેજના પહેલે દિવસે, ર૦મી જુને રૂપમ ટોકિઝમાં પહેલી ફિલ્મ જોઈ તે ‘મિસ્ટર એન્ડ મિસીસ ફીફટી ફાઈવ’. એમાં હિરો ગુરૂદત્ત અને સહનાયક કોમેડિયન જોની વોકર. કોલેજના પ્રથમ દિવસનો રોમાંચ અવર્ણનીય હતો. યુવાનીમાં પદાર્પણ થયું હતું. હિરો સાથે જાતને રિકન્સાઈલ કરવાના દિવસો શરૂ થતા હતા. ત્યારે ખબર પડી કે જેતપુરમાં મેં જોયેલી પૌરાણિક - ફેન્ટસી – સ્ટન્ટ - કોસ્ચ્યુમ ફિલ્મો કરતા આવી સોશ્યલ ફિલ્મોની દુનિયા વધારે રિયાલિસ્ટીક, વધુ દર્શનીય હતી. ગુરૂદત્ત એકદમ આમ આદમી જેવા લાગતા હતા, તો જોની વોકર તો ડબ્બા-ડુબ્બીને રેણ કરતા ઘરની બાજુમાં બેસતાં મિયાંજી જેવા. આમ ચહેરાઓની ઓળખ પરેડ, મનમાં સચવાયેલા ચહેરાઓના આલ્બમ સાથે થવા માંડી. રાજકપુર કટલેરીના વેપારી જેવો, દિલીપકુમાર જેતપુરના જીમખાના ગ્રાઉન્ડ પર રમતા અબ્દુલ્લા મોતીવાલા જેવો મનમાં બેસવા માંડ્યો. જયારે દેવ આનંદ તો અડોશ-પડોશમાં મુંબઈથી આવતા કોઈ હસમુખા, આપણા કરતા પાંચ-દસ વર્ષ મોટા જુવાન જેવો જણાવા માંડ્યો. પહેલીવાર એમની ફિલ્મો જોઈને લાગ્યું કે ના માણસ ‘સખી’ જેવો નથી. બલકે ઈમ્પ્રેસીવ છે. સારા ઘરનો, શાલીન, ભદ્ર, ભણેલો જુવાન લાગે. એનું હાસ્ય ત્રણેયમાં સારૂં. એક દાંત તૂટેલો દેખાય તે તો એના ચહેરાની મોહકતામાં ઉમેરો કરે છે.રાજકપુરની આંખો ભારે ચંચળ, ‘ડોફફર’ તોફાની, શિકારી, વિલાસી, લુચ્ચી લાગે. દિલીપકુમારની તો ભારે બોલકી અને સ્ત્રીઓ માટે નિમંત્રક લાગે, જયારે દેવ આનંદની આંખો નિર્મળ, વિશ્વાસ મૂકી શકાય તેવી, અનુકૂલન સાધનારી લાગે.
આ ગાળામાં જે ફિલ્મો જોઈ, તેમાં ‘ભાઈ ભાઈ’, ‘ન્યુ દિલ્હી’ જેવી ફિલ્મોએ કિશોરકુમારની છબી સારી આંકી આપી, તો રાજકપુરની ‘શ્રી ૪ર૦’, ‘જાગતે રહો’ જેવી ફિલ્મોના કારણે રાજકપુર પણ ગમવા માંડ્યા. દિલીપકુમારની કેટલીક ફિલ્મો અહીં રી-રનમાં જોઈ, એમાં ‘આન’વાળું મનનું જૂનું લેણું વસુલ કરી લીધું. એમાં વળી ‘આઝાદ’ જોઈ. દિલીપકુમારના આ બન્ને પાત્રો આધુનિક વેશભુષાવાળા નહોતા, તેથી તેમની સાથે આપણી કે આજુબાજુના કોઈની છબીને ફીટ કરવાનું શક્ય નહોતું.
એક માત્ર દેવ આનંદ શહેરી યુવાન હતા. (રાજકપુર નહીં, કારણ કે એમના પાત્રોની રેખાઓ ગમાર, ભોળા, ગામડીયા, મુફલીસની હતી, તે જોવી ગમે, એવા ‘થવું’ ના ગમે) દેવઆનંદ જે સોહામણા, રંગીલા, રમતીયાળ, મોહક, અતિશય સ્ટાઈલીશ, હેન્ડસમ, વેલ-ડ્રેસ્ડ હતા. આ એમનું રૂપ ‘સી.આઈ.ડી.’ અને ‘મુનીમજી’ માં બરાબર નિખર્યું. અમારા જેવા કોલેજીયનોમાં મનમાં બરાબર ‘હું આવો હોઉં તો ?’ ("હોઉં પણ ખરો"- "છું પણ ખરો"- "ના, ના અમુક રીતે તો લાગું બી છું") ની રીતે દેવ આનંદની આ હેપી-ગો-લકી ઈમેજ બરાબર બેસતી હતી. ‘દિલ કી ઉમંગે હૈ જવાં’ જેવા અદભૂત ચિત્રીકરણ પામેલા ગીતમાં નલિની જયવંત અને દેવ આનંદ સેટ ઉપરના જંગલમાં પ્રાણની જે દશા કરે છે તે જોવા, અને હેમંત - ગીતાના મધુર સ્વરમાં એ ગીત સાંભળવા ખાસ રવિવારના મોર્નિંગ શોમાં જતા. આ મઝાનું ગીત તમે પણ સાંભળો.
સવાર એટલે સવાર. એનું વર્ણન શું કરવાનું હોય ?
સવાર એટલે સવાર. એનું વર્ણન શું કરવાનું હોય ?
છતાં ‘મુનીમજી’ વાળી ૧૯પપની સાલની મારી સત્તર વર્ષની વયની રવિવારી, શિયાળાની ઠંડકભરી સવારની મારી માનસિકતામાં બે ચીજ કેન્દ્રસ્થાને રહેતી. એક તો મોર્નિંગ શો. મોર્નિંગ શો એટલે ઓછી ગીરદી, ઓછા ભાવ, બહાર થિયેટરના કમ્પાઉન્ડમાં અડધી ચાની ચૂસકી. ભાવનગરમાં એ વખતે ‘લશ્કરી’ ચા એક આનામાં મળતી. લશ્કરી શબ્દ ‘લકઝરી’નું અપભ્રંશ હતો. એ ચાની ચૂસ્કીનો સ્વાદ મોમાં હોય ત્યારે મોર્નિંગ શોમાં જોવાની લજજત આવતી. ‘મુનીમજી’ એવા મોર્નિંગ શોમાં પાંચ-સાત વાર જોયેલી. ‘દિલકી ઉમંગે હૈ જવાં’વાળો દેવ આનંદ રવિવારની સવારનો એક અંશ બની ગયો હતો.
વરસો પછી દેવ આનંદ સાથે મૈત્રી પરિચય |
બીજી કેન્દ્રસ્થ મનોગત ચીજ તે બપોરે મેસમાં મળનારૂં ‘ફીસ્ટ’નું જમણ. ફીસ્ટ એટલે કે મિષ્ટાન્ન સમેતનું ભોજન. આ મિષ્ટાન્ન હવેના રવિવારે શું હશે તેની કલ્પના ગુરૂવારથી શરૂ થઈ જતી. આ આખી કલ્પના વિચારણામાં ફીસ્ટ, દેવ આનંદ કે પછી બીજી કોઈ મોર્નિંગ શોની ફિલ્મના દૃશ્યો, એકાદ મિત્રનો સંગાથ, ચીનાઈ શીંગ (ખારી શીંગ), ચૂસ્કી ચા, જેવા ઘટકોનું એક રસાયણ બની રહેતું, જેનો સ્વાદ આજ અર્ધી સદી પછી પણ સ્મૃતિસંવેદ્ય રહ્યો છે.
(દેવ આનંદની મારી મનોછબિની વધુ વાતો આવતા રવિવારે.)