
દેવ આનંદની આવા દિવસોમાં કોતરાતી છબી એમની ઉત્તરોત્તરની ફિલ્મો પછી વધુ સુરેખ બનતી ગઈ. પણ દિલીપકુમારને ટોપ ગણવાની એક ફેશન હતી તેથી દેવ આનંદ ગમે ખરા (ખરો નહીં પણ ‘ખરા’ બોલાતું. પણ તે માનાર્થે નહીં, એક બોલીની લઢણરૂપે, પુરાવો: તે આખું વાક્ય: "પણ સાલો કયેંક (ક્યારેક) બાયલો લાગે.”) પણ તે ત્રીજા નંબરે, રાજકપુરનો બીજો નંબર બજારમાંય પાકો હતો. એટલે કોઈપણ પ્રકારના તુલનાત્મક અધ્યયન વગર આ ક્રમ સર્વમાન્ય બની રહ્યો હતો. અલબત્ત, આમ છતાં આની ચર્ચા કરતાં કરતાં પણ દેવ આનંદને અન્યાય ના થઈ જાય તેની કાળજી રાખતા. તે એના તરફના તીવ્ર આકર્ષણનો પુરાવો હતો. મારા મોટાભાઈ ઈંદુકુમાર ધોળા-ઉમરાળા નોકરીમાં હોવાથી શનિ-રવિ ભાવનગર આવતા ને અમે બે ભાઈઓ સાથે શનિવાર રાત કે રવિ મોર્નિંગ શો જોવા જતા. ૧૯પ૬ નું ‘ફંટૂશ’ અમને બન્ને ભાઈઓને બહુ ગમ્યું હતું. એમાં એક દૃશ્યમાં કે.એન.સિંગ પાગલ હોવાનો ઢોંગ કરતા દેવ આનંદને પાટા ઉપર સૂઈ જઈને આપઘાત કરવાની ફરજ પાડે છે. તેમાં સિગારેટનો બંધાણી દેવ આનંદ ટ્રેન આવતા પહેલાં પાટા પાસે ઉભા રહીને સિગારેટના સટ (કશ) દસ ગણી ઝડપે મારવા માંડે છે. તેની કોપી કરવાનું ઈંદુભાઈ મને વારંવાર કહેતા. હું કરતો. તેઓ ખુશ થતા. આ દૃશ્ય વખતના દેવઆનંદના ચહેરાના ભાવ આ-લા-ગ્રાન્ડ હતા.
**** **** ****
એ પછી ૧૯પ૭માં ભણવા માટે હું અમદાવાદ આવ્યો અને ઘીકાંટા પરના લિબર્ટી (હાલનું મધુરમ)માં પહેલી ફિલ્મ જોઈ તે ‘પેઈંગ ગેસ્ટ’ . આ ફિલ્મ ‘ફંટૂશ’ ના અનુસંધાન જેવી લાગતી, જો કે એ બન્નેની વાર્તા વચ્ચે કોઈ સામ્ય નહોતું. સામ્ય હતું તે માત્ર એસ. ડી. બર્મનના સંગીતનું અને દેવ આનંદના રમતિયાળપણાનું.

‘પેઈંગ ગેસ્ટ’માં દેવ આનંદ બુઢ્ઢાનો મેઈકઅપ કરીને જે રંગ નૂતન સાથે જમાવે છે તેને ‘આઝાદ’માં દિલીપકુમારની તેવી ભૂમિકા સાથે સરખાવો તો સમજાય કે દિલીપકુમારનો (વૃદ્ધ તરીકેનો) અભિનય કદાચ વધારે વાસ્તવિક લાગે, પણ જે ઉંમરે વાસ્તવ કરતા અતિરંજકતાનો ટોનિક જેટલો વાજબી ડોઝ વધુ ગમતો હોય તે ઉંમરે તો દેવ આનંદ જ વધુ ગમે. તે ‘ગમો’ પાછલી ઉંમરે પણ ભૂંસી શકાતો હોતો નથી. તે હિસાબે આજે પણ બેમાંથી એક પીસ જોવાનો હોય તો હું ‘પેઈંગ ગેસ્ટ’નો દેવ આનંદવાળો પીસ જોવાનું જ વધુ પસંદ કરૂં. (એક આડવાત: ‘પેઇંગ ગેસ્ટ’ ”હું મિત્ર મનોહર ભાટીયાને ચકમો આપીને એક ગર્લફ્રેન્ડ સાથે જોવા ઘૂસી ગયેલો. ચકમો એ રીતે કે ટિકિટ મેં ભાટીયા પાસે એ રીતે અગાઉથી ખરીદાવેલી કે હું તારી સાથે એ ફિલ્મ જોઇશ ને મારા ભાગના પૈસા હું આપી દઇશ. એને બદલે બેય ટિકીટના પૈસા એના ગળામાં નાખીને હું અને મારી ફ્રેન્ડ સાથે ઘીકાંટા પરના લિબર્ટી ટૉકિઝમાં પેસી ગયેલા. ભાટિયો એની અશુદ્ધ ભાષામાં મને ગાળો આપતો આપતો ખોડંગાતી ચાલે લાલ દરવાજાથી નવ નંબરની બસ પકડીને હોસ્ટેલ ભેગો થઇ ગયેલો.)
અલબત્ત, અમદાવાદમાં આ ગાળામાં દિલીપકુમારની ‘નયા દૌર’, ‘મધુમતિ’ જેવી ફિલ્મો આવી. રાજકપુરની ‘અનાડી’ આવી. ‘નયા દૌર’ કૃષ્ણ ટોકિઝમાં, ‘મધુમતિ’ રીલીફ ટોકિઝમાં, ‘અનાડી’ રૂપમ ટોકિઝમાં જોઈ. એક જ અઠવાડીયું ચાલીને પછી પ્રતિબંધિત થઇ ગયેલી ‘બેગુનાહ’ પણ જોયેલી. ‘ચોરી ચોરી’ અગાઉ ૧૯પ૬માં ભાવનગરમાં જોઈ હતી, પણ ત્યારે પ્રોજેક્ટરમાં એના રીલ આડાઅવળા ચડી ગયા હતા, તેથી અવળસવળ પ્રસંગો, વેરવિખેર ઘટનાપ્રવાહને કારણે મઝા નહોતી આવી. સીટીઓ મારી મારીને હોઠ દુઃખી ગયેલા, પણ રીલો સરખા કરવા જતા પછીના શોનો ટાઇમ થઇ જાય તેમ હતું, એટલે અમને ટિકિટના પૈસા પાછા આપીને પાછા કાઢેલા. તે એ રીતે યાદગાર ફિલ્મ ‘ચોરીચોરી’ અમદાવાદમાં ‘રૂપમ’માં મોર્નિંગ શોમાં ફરીવાર જોઈ ત્યારે સરખી જોઈ, પણ ફરી એકવાર નિષ્કર્ષ તે એ કે રાજકપુર (ડફોળ, અનાડી, નાસમજ, ભોટ) કે દિલીપકુમાર (ઘોડાગાડીવાળા કે પુનર્જન્મની સ્મૃતિઓમાં ગુમસુમ) સાથે આપણું કોઈ રીતે રિકન્સાઈલેશન થતું નહોતું. તે દેવ આનંદના ‘કાલા પાની’, ‘બારીશ’ કે એવી ફિલ્મોના સ્માર્ટ, મસ્તીખોર, મોજીલા, રોમેન્ટિક ચિત્ર સાથે રિકન્સાઈલ થતું હતું. એ ચિત્ર સાથે વધુ તાદાત્મ્ય અનુભવાતું.

લાગે છે કે આ એક એવી ચીજ છે કે જેને ‘ઘર’ સાથે સરખાવી શકાય. ફાઈવ સ્ટારથીય મોટી સારામાં સારી હોટેલમાં રહો, રિસોર્ટસમાં રહો, હિલસ્ટેશને રહો, બનાવટી ગામડા જેવા ઉભા કરેલાં રમ્ય વાતાવરણમાં રહો. પણ ‘એટ હોમ’ તમે માત્ર તમારા પોતાના કાયમી આવાસમાં જ ફીલ કરો. તેમ આ બધા જ અભિનેતાઓ સાથે માત્ર એ એક જ અભિનેતા એવા હતા કે જેની સાથે ‘એટ હોમ’ ફીલ કરી શકાતું હતું. પણ શું આ એક જ કારણ હતું ? ના, આજે વિચારતાં એમ લાગે છે કે એમ તો બલરાજ સહાની અને પછી સંજીવકુમાર, અમોલ પાલેકર, ફારૂક શેખ જેવા સમર્થ, સક્ષમ અભિનેતાઓ આવ્યા. જેઓ હિરો પણ બન્યા હતા. પણ એ લોકો ‘સ્ટાર’ ના બન્યા. કારણ કે એમનામાં ગ્લેમરનો અભાવ હતો. મારા જેવી માનસિકતા ધરાવતો માણસ (હું બીજાઓની માનસિકતા ક્યાંથી જાણું ?) માત્ર ‘એટ હોમ’ ફીલ કરવાથી પણ સંતુષ્ટ ના હોય. તો પણ એને બીજે જઈને પ્રદર્શનો કરવાય ના ગમે, પોતાના સાદા ઘરને વધુમાં વધુ દર્શનીય, શોભીતું બતાવવાની ઝંખના એને રહ્યા જ કરે. એટલે જ ઈલેક્ટ્રીકની રંગબેરંગી પેનલ ધારાવીની ઝૂંપડપટ્ટીના કોઈ ઝુંપડા ઉપર પણ જોવા મળે છે. વાસ્તવના ધરાતલ પર પણ કાંઈક અધિક રોગાન તો સૌને જોઈએ જ છે..
એમ દેવ આનંદના ગમવા પાછળ આ એક કારણ હતું. રાજકપુરનું ભોટ, ગામડીયા, બીન-ચાલાક, પાત્ર વાસ્તવ જગતનું નહોતું. આપણી અડોશપડોશમાં કોઈ એવો માણસ ન જોવા મળે. દિલીપકુમાર જેવો ઘા ખાધેલો, ગંભીર, સતત સંવેદનાપૂર્ણ ચહેરો લઈને ફરતો માણસ પણ એમ ‘હાલતા’ જોવા ના મળે, જયારે દેવ આનંદ, ભારતભૂષણ, અમોલ પાલેકર, બલરાજ સહાની, ફારૂક શેખ જેવા નોર્મલ માણસો તો રોજ જોવા મળે. પણ આમાં દેવ આનંદ વિશેષ ગમે, કારણ કે એક તો ગજબનો ચાર્મીંગ, સ્ટાઈલીશ, ઉંચો અને મસ્તીખોર, રમતીયાળ, વળી ‘કાંતાસંમોહન’ માં કુશળ, આ બધી ક્વોલીટીઝ, આ બધી વસ્તુ હોય પછી કલાકીય ધોરણો, બહુ લક્ષમાં લેવાના ના હોય.
**** **** ****
આમ જ્યારે મારી વાત કરૂં છું ત્યારે આ સમગ્ર ભૂતકાળનું સ્મરણ કરવું જરૂરી લાગે છે. ફોટો પડવાની ક્ષણ અને ફોટો હાથમાં મૂકાવાની ક્ષણ વચ્ચે કેટલીક ફોટો ઉઘડવાની ક્ષણો હોય છે અને એનો રી-કેપ, રી-રન જ બહુ રસપ્રદ હોય છે. આજે મારા મનમાં રહેલી એની છબીની વાત કરવી છે ત્યારે મારે કંઈ એની જાણીતી જીવનકથા કે એમની સાથેની પ્રત્યક્ષ મુલાકાતો વિષે લખવાનું ના હોય.(પછી તો ઘણી મુલાકાતો થઇ, એમની સાથે અંગત પરિચય પણ ખાસ્સો થયો અને રહ્યો પણ તેવી વાતો ફરી ક્યારેક કરીશું.) આવી વ્યક્તિઓ આપણી મિત્ર નથી હોતી, સગા-વહાલામાં નથી હોતી, પાસ-પડોશમાં નથી હોતી, કદિ મળવાની, એમની સાથે વાત કરવાની શક્યતા (ભલે મારા કિસ્સે બની, પણ) બનવી કંઈ અનિવાર્ય નથી હોતી, તે જો આપણા વિચારતંત્ર, સંવેદનતંત્રમાં વારંવાર ઝબકી જતી હોય તો એને કેજયુઅલ ના ગણાય. એના વિષે લખવું હોય તો આપણી જાતના સંદર્ભ સમેત જ લખી શકાય. એનાથી પૃથક પાડીને નહીં. એ તો ટોડલા વગર તોરણ બાંધવા જેવું લાગે.

ખેર, જીવનમાં યૌવનના સાવ પ્રારંભિક કાળે દેવ આનંદની આ ઈમેજ ધીરે ધીરે ઉઘડી, ઉઘડતી રહી તે થોડા પરિપક્વ યૌવનના કાળે વધુ સુરેખ સુદૃઢ બની. તે ગાળો ૧૯૭૦ અને પછીનો દાયકો હતો. અમે કોલેજમાં (અમદાવાદમાં) ભણતા હતા ત્યારે મિત્ર વસંત દેસાઈ દિલીપકુમારનું કોઈ ઘસાતું બોલે તો મારામારી કરી બેસે તેવા એમના ફેન, વિનેશ પટેલ દેવ આનંદ માટે એવા ઝનૂની. જયારે રાજકપુરનો હું એ ‘સ્પેર’ હોવાના કારણે પ્રશંસક. બાકી અંદરખાને મને દેવ આનંદ જ વધુ ગમતા. લોકો આ અભિનેતાઓની સ્ટાઈલની નકલ કરતા. હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી, જેઓ અમારા અધ્યાપક હતા તેઓ દિલીપકુમાર જેવી હેર સ્ટાઈલ રાખતા, જયારે વિનેશ દેવ આનંદની સ્ટાઈલથી વાળમાં ફૂગ્ગો પાડતો. મને કોઈ એવી ઘેલછા નહોતી વળગી. ને વળગે તો એ અમલી બનાવી શકાય એમ પણ નહોતું. કારણ કે ન તો રાજકપુર જેવી નીલી આંખો હતી કે ન તો કટ મૂછો રાખી શકાય એટલો મૂછોનો જથ્થો. છેક ચાર-પાંચ દિવસે એકવાર શેવિંગ જરૂરી બને. એટલા જ કોંટા ફૂટ્યા હતા એમાં કોઈ શોખ કે વહેમ રાખવા શક્ય નહોતા. ને મને બેઝીકલી એવો શોખ નહોતો અને નથી, એ પણ હકીકત છે.
પણ લાગે છે કે આ એક્ટરોની સ્ટાઈલનો યુગ ૧૯૭૦ પછી આથમી ગયો. એમાં દેવ આનંદનો ‘ફૂગ્ગો’ ગયો. એ જોઈને વિનેશ બહુ દુઃખી થઈ ગયો હતો. દેવ આનંદને ‘કાલા પાની’ (૧૯પ૮) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો ત્યારે એણે દેવ આનંદનું કોઈ પોસ્ટરમાંથી ફાડેલું મોટું ચિત્ર પોતાની રૂમના બારણે લગાવ્યું હતું અને દિલીપકુમાર, રાજકપુરને એના ચરણોમાં બેઠેલા બતાવ્યા હતા. જે માત્ર થોડા જ કલાક રહ્યું. કારણ કે વસંત દેસાઈએ દિલીપકુમારના ‘વકીલ’ તરીકે ગૃહપતિ એ.ડી.ઝાલાને ફરિયાદ કરી હતી અને એમણે જાતે જ નખોડીયા ભરી ભરીને એ ચિત્ર ફાડી ફાડીને ઉખાડી નાંખ્યું, ત્યારે દેવ આનંદની આ અવદશા જોઈને વિનેશની આંખમાં ઝળઝળીયાં આવી ગયા હતા. આ વિનેશ ૧૯૭૦ પછીની દેવ આનંદની ફિલ્મોમાં ‘ફૂગ્ગા ગુમ’ હાલતમાં જોઈને નારાજ થયો હતો. (વચ્ચે એક આડવાત - ૧૯૬૦ ની આસપાસ ‘ગુજરાત સમાચાર’ ના ચિત્રલોક સાપ્તાહિકે ‘દિલીપકુમારને લટ ના હોત તો ?’ નામની ગુજરાતવ્યાપી લેખન સ્પર્ધા યોજી હતી. એમાં મને ત્રીજું ઈનામ રૂપિયા દસનું મળ્યું હતું. એ વખતે વિનેશે એ લોકોને દેવ આનંદના ફૂગ્ગા વિશે હરિફાઈ યોજવાનું સૂચન કર્યું હતું, પણ એ ટપાલ નોટપેઈડ થવાના કારણે પાછી આવી હતી. ટપાલી શિવરામ સાથે એણે એ માટે ઝઘડો કર્યો હતો.)
વિનેશ જેવો જ આઘાત ભારતભરમાં બીજા અનેકોને લાગ્યો હશે પણ દેવ આનંદે એ જ અરસામાં નવો જ કરિશ્મો કર્યો અને તે વસ્ત્ર પરિધાનનો. ફૂગ્ગાની ખોટ ભરપાઈ થઈ ગઈ. અંગ્રેજીમાં જેને ‘ગ્રોટેસ્ક’ (Grotesque) કહેવાય તેવા પરંપરાગત રીતે વય સાથે સુસંગત ના ગણાય તેવા રંગ-બેરંગી, મોટા કોલર, ચટ્ટાપટ્ટા, ગલપટ્ટા, સ્કાર્ફ કે એવા કોઈ મોટા ડાખળા શુઝ અને ઉપરાંત પોતાની સ્ટાઈલમાં ઔર લચક-મચક, સ્ફૂર્તિ, ઉછળકૂદ.ચહેરો વાંકો કરીને,
 |
નવા રૂપરંગે |
ઝીણી આંખો કરીને બોલવું, ઝડપી ગતિથી, વચ્ચે વચ્ચે શબ્દોને ઝુલાવીને બોલવું, મોટી ડાંફ ભરીને ચાલવું…જેવી અદાઓ પેદા કરીને તદૃન જુદી ઈમેજ ઉભી કરી દીધી. આની પહેલા ‘ગેમ્બ્લર’, ‘તેરે મેરે સપને’ જેવી ફિલ્મોમાં એની શરૂઆત હતી. તો ‘ગાઈડ’ માં એનો મધ્યાહ્ન હતો પણ પરાકાષ્ટાએ ‘જહોની મેરા નામ’ માં એ બધું પહોંચ્યું. હું માનું છું કે એની એ સ્ટાઈલ ડેવલપ કરવામાં દેવ આનંદ કરતાં પણ વધુ મોટો ફાળો જીનીયસ વિજય આનંદનો હતો. દેવ આનંદની વધતી વયને, ઘસાતા જતા ચાર્મને કોમ્પેન્સેટ કરવા માટે આવું કંઈક કરવું જોઈએ.એ નિઃશંકપણે એનો જ વિચાર હતો. આ ના થયું હોત તો દેવ આનંદ બીજા બન્ને અભિનેતાઓની ઉઠતી બજાર પહેલાં જ ચરિત્ર અભિનેતાની ભૂમિકા ભજવતા થઈ ગયા હોત.
૧૯૭૦ ની સાલ પછી બનેલી દેવ આનંદની ઈમેજ સાથે ભાગ્યે જ કોઈ તાદાત્મ્ય સાધી શકે. પણ જે માણસોએ, પ્રેક્ષકોએ એની સાથે નાનપણમાં ‘છેડાછેડી’ બાંધી હોય તે બહુ જલ્દી એમાંથી છુટકારો પામી શકે નહીં. હું એમાંનો એક છું અને મારા જેવા કરોડો છે. એના પછીના ફાલમાં ઓમપુરી, નસીરૂદ્દીન અને એવા બીજા અનેક એક્ટર્સ આવ્યા. સ્ટાઈલીશમાં ગણીએ તો રાજકુમાર. ગુડલુકીંગમાં ધર્મેન્દ્ર, શશી કપુર, શમ્મી કપુર. શમ્મી કપુરે તો ‘તુમસા નહીં દેખા’ (૧૯૯૭)માં દેવ આનંદની સ્ટાઈલ પૂરેપૂરી અપનાવી, તે વખતે દેવ આનંદનો મધ્યાહ્નકાળ હતો. જોવાની મઝા એ કે શમ્મી કપુરે દસેક વર્ષ એના જોર ઉપર જબરી લોકપ્રિયતા મેળવી. પણ દેવ આનંદ જેવી ચહેરાની સૌમ્યતા, કુમાશ, શાલીન પરિવેશ એમાં નહોતો, તેથી સ્વાભાવિકપણે જ શમ્મી કપુરની પંક્તિ જુદી રહી. બલકે એમ કહી શકાય, થોડાક લફંગા હિરોનો ચાલ ગુરૂદત્તે શરૂ કર્યો હતો. (આરપાર, મિસ્ટર એન્ડ મિસીસ ફીફટી ફાઈવ) એમાં શમ્મી કપુર દેવ આનંદની સ્ટાઈલ ઘોળવા છતાં લફંગાપણું મિટાવી ના શક્યા. જયારે દેવઆનંદ ‘બાઝી’, ‘પોકેટમાર’, ‘જાલ’, ‘જવેલથીફ’ જેવી ફિલ્મોમાં નેગેટીવ કેરેક્ટર કરવા છતાં કદીએ લફંગા, મવાલી જેવા પાત્ર તરીકે મનમાં બેઠા જ નહીં, પછી ભલેને ગળામાં ટપોરી જેમ રૂમાલ-સ્કાર્ફ નાખે, વાંકી-ઉંધી ફેલ્ટ પહેરે, મોમાં હોઠ વચ્ચે સિગારેટ રમાડે, જામ પર જામ પીને ચકચૂર થઈને પરદા પર દેકારો મચાવતા દેખાય... પણ કદી બદમાશી, સસ્તાપણું એમના વ્યક્તિત્વમાં આવી ન શક્યું. એક સદાયનું સુવાળાપણું જે કુદરતી રીતે જ તેમના ચહેરા-મહોરા અને વ્યક્તિત્વમાં છે તેણે કદિ એમને સડકછાપ લાગવા જ દીધા નહીં. મને લાગે છે કે બીજા કોઈ અભિનેતા માટે આ શક્ય બન્યું નથી. ધારે તો પણ ‘વીલનીશ લુક’ તેમનામાં આવી ના શકે, તેઓ લાવી ન શકે. એને કારણે એ સદા લાગણીલાયક બની રહ્યા. અલબત્ત, આ બાબતમાં તેમના શરીરે તેમને સાથ આપ્યો.(તેમણે મારી સામે 74 ની ઉમરે જે અભિનય કરી બતાવ્યો તેની તસ્વીર આ સાથે મુકી છે.)

તેમણે શશી કપુર, રાજ કપુર, શમ્મી કપુર, પ્રેમનાથ, દિલીપકુમાર, અજીતની જેમ મારક શરીરને બેડોળ, દુંદાળું, ભારે બનવા દીધું નહીં. અશોક કુમારની માફક વડીલાઈ એમની સિકલ પર જન્મી જ નહીં. બૂઢાપો તેમના ઉપર છવાયો પણ તે બહુ મોડો અને એણે એમને વધુ આભા (ગ્રેસ) આપી.
હંમેશા ર્સ્ફૂતિ, ચપળતા, વાતચીતમાં મશીનગની, શરીરની ચંચળતા જળવાવાના કારણે દેવ આનંદ હંમેશ (બીજા અભિનેતાઓ સાથેની છૂપી તુલનાને કારણે) અનોખા, નિરાળા, બેજોડ રહ્યા. અલબત્ત, પાછળની એમની ફિલ્મો જોતાં લાગે કે તેમણે પોતાની સ્ટાઈલને ક્યારેક ‘ઓવરડુ’ કરી છે. પણ એ જેટલી દિલીપકુમારે કે રાજ કપુર, રાજકુમારે પોતપોતાની સ્ટાઈલની બાબતમાં કરી તેટલી દેવ આનંદે ના કરી.
પણ તેમણે જીવનની સૌથી મોટી મૂર્ખાઈ વિજય આનંદ સાથે છેડો ફાડવામાં કરી. મને સતત ગમતા રહેલા દેવ આનંદમાં આ એક બહુ આઘાતજનક વાત બની.
વિજય આનંદે તેમને પોતાના બેસ્ટ ડાયરેક્શનના સાચા લાભાર્થી બનાવ્યા. ‘ગાઈડ’ માં આ વાત સોળે કળાએ હતી. પણ ‘જહોની મેરા નામ’ જેવા સાવ કોમર્શીયલ ચિત્રમાં તો એ ચોવીસેય કળાએ હતી. વિજય આનંદે એ ફિલ્મમાં દેવ આનંદની મસ્તીખોર સ્ટાઈલનો બહુ મૌલિક અને ભરપુર ઉપયોગ કર્યો હતો. (ગીત: પલ ભરકે લીયે કોઈ હમેં પ્યાર કર લે..) પણ એ સિવાય ફિલ્મના વાર્તાપ્રવાહમાં સુપર સોનિક સ્પીડનો ટ્રેન્ડસેટર પ્રયોગ કર્યો, જે એ જ કાળે રિલીઝ થયેલી ઠંડીગાર ગતિવાળી ફિલ્મ ‘મેરા નામ જોકર’ની સામેના એન્કાઉન્ટરમાં બહુ નિર્ણાયક રહ્યો. ‘જહોની મેરા નામ’ ફિલ્મ જબરદસ્ત ચાલી. ‘જોકર’ માર ખાઈ ગઈ.
દેવ આનંદ વિષે સતત એમ બોલવાની ફેશન રહી છે કે સ્ટાઈલમાં એ સુપર્બ, પણ એક્ટીંગમાં તદ્દન સામાન્ય. થોડા સમય પહેલા મારા નવજુવાન મિત્ર શિશિર રામાવતે [દેવ આનંદનું વધુ પડતું ‘હેઈસો હેઈસો’ (ફાળકે એવોર્ડના સંદર્ભમાં) લખાતું હતું ત્યારે] એક સરસ સમતોલ લેખમાં દેવ આનંદનું સરસ મૂલ્યાંકન કરીને તેમની આડેધડ ફિલ્મો બનાવવાના ઉન્માદ વિષે સાચી, ઉચિત ટીકા કરી હતી. ખરેખર શિશિર તદૃન સાચા હતા. પણ તેમણે એમની સફળ ફિલ્મો અને એમના અભિનય વિષે કરેલી ટીપ્પણી સાથે હું સંમત થઈ શકતો નથી. શરૂઆતની થોડી ફિલ્મો પછી દેવ આનંદ જયારે એના અસલ રંગમાં આવ્યા. (એટલે કે ૧૯પર પછી) ત્યારના ગાળાની કેટલીક ફિલ્મોમાં એમનો અભિનય પણ બહુ સંવેદનાપૂર્ણ હતો. [‘મંઝીલ’ (૧૯૬૦), ‘દુશ્મન’ (૧૯પ૭), ‘શરાબી’ (૧૯૬૪), ‘તેરે ઘર કે સામને’ (૧૯૬૩) ‘સરહદ’, ‘બાદબાન’ (૧૯પ૪), ‘આંધિયાં’ (૧૯પર), ‘ઝલઝલા’ (૧૯પર) અને બીજી કેટલીક ફિલ્મો.] એમાંની અમુક ફિલ્મોના દૃશ્યો ફિલ્મી સંગીત રસજ્ઞ મિત્ર અરવિંદ પટેલના સૌજન્યથી મારી પાસે છે. કોઈ સારા, બિમલ રોય જેવા દિગ્દર્શક ધારે તો ‘દેવદાસ’ જેવા પાત્રમાં પણ દેવ આનંદ પાસેથી સચોટ, સુરેખ અભિનય લઈ શકે તે વાતની પ્રતિતી એ દૃશ્યો જોતાં થાય છે. ‘ગાઈડ’ માં આની થોડી ઝલક આપણને મળી હતી. મેં મારી એમના પરત્વેની મુગ્ધતા ઓસરી ગયા પછી મેં ફરીવાર જોયેલા દૃશ્યો પછીનો મારો આ સમ્યક અભિપ્રાય છે. માત્ર સ્ટાઈલીશ હોવાના કારણે કોઈની અભિનયક્ષમતાને જાણ્યા-પ્રમાણ્યા વગર ઓછી આંકવી તે ગોગલ્સ પછવાડે માત્ર મોતીયાવાળી કે કાણી આંખ જ હશે તેવી ધારણા બાંધી લેવા જેવું ઉતાવળીયું પગલું છે.
‘બાઈસિકલ થીફ’ જોયા પછી મને બલરાજ સહાનીએ પોતાની અભિનય લઢણ ક્યાંથી લીધી હશે તે સમજાયું હતું. નસીરૂદ્દીન શાહ, બલરાજ સહાનીના ઉત્તરાધિકારી લાગે. રાજ કપુર તો ચાર્લી ચેપ્લીનની હિંદી આવૃત્તિ જ બની રહ્યા. તો દેવ આનંદે ગ્રેગરી પેકની સ્ટાઈલ અપનાવી તેવું શ્રી અરવિંદ પટેલે મને બન્નેના દૃશ્યોને અડોઅડ મૂકીને સમજાવી દીધું. પણ કોઈની સ્ટાઈલના પ્રભાવ હેઠળ હોવું એ પણ અભિનય ક્ષમતાના ઓછા માર્કસ મૂકવા માટેનું વાજબી કારણ નથી.
**** **** ****
આ લાંબા લેખના પ્રારંભમાં મારા ચિત્તના પડદા ઉપર દેવ આનંદની છબી ઉઘડવાની પ્રક્રિયા મેં થોડા આત્મકથ્યમાં કાલવીને આપી હતી. પણ એકવાર એ છબી દૃઢમૂલ થઈ ગઈ ત્યારે મારી વય પણ અંજાઈ જવાની રહી નહોતી. એટલે એકવાર પેદા થઈ ચૂકેલો ગમો (લાઈકીંગ) રહ્યો તેની ના નથી, પણ તટસ્થ મૂલ્યાંકનની વેળાએ એ ગમાને વેગળો મૂકી દેવો પડે. એ રીતે મનમાં અંકાયેલી છબીથી પૃથક થઈને થોડાંક વિધાનો મેં આમાં કર્યા છે. મારાં એ નિરીક્ષણો છે,ગૃહીતો નથી. બદલાવાને અવકાશ છે, પણ હવે એ શક્યતા નથી લાગતી, કારણ કે હવેની દેવ આનંદની ફિલ્મો હું જોતો નથી.સમય નથી એમ નહીં કહું, ઉત્સુકતા નથી એમ કહીશ. કારણ કે હવે દેવ આનંદ વધુ રોમાંચ પ્રેરી શકે તેમ લાગતું નથી. ભૂતકાળને વેગળો રાખીને દેવ આનંદના ‘ફેન’ બની રહેવું હવે શક્ય જ નથી, એમના વર્તમાનને નજરઅંદાઝ કર્યા વગર ચાલે તેમ નથી. અને સામે છેડે કરુણતા એ છે કે એ હવે એ ભૂતકાળને ભૂલાવી દેવાના મરણીયા પ્રયત્નોમાં સમય વિતાવે છે.
દેવ આનંદના બે-ત્રણ શૂટિંગ્સ મેં જોયાં, જેમાં “’
જહોની મેરા નામ”’
ના જ બે-ત્રણ દ્રશ્યોના હતા. પરંતુ મિત્ર મહેશ વકીલ(સુરત)ના મિત્ર અભિનેતા દિનેશ ઠાકુર સાથે પરિચય થતાં તેમનાં ગુજરાતી જાણતાં પત્નીને માટે મેં મારી નવલકથા “’
કુંતી”’
આપી,
 |
કુંતી વિષે ચર્ચા કરતા |
જે તેમને બહુ ગમી જતાં દેવ આનંદને આપી હશે. એમને ગુજરાતી વાંચતા આવડે નહિં એટલે એક સવારે મારા ભારે આશ્ચર્ય વચ્ચે દેવ આનંદે મને જાતે લખેલો એક પત્ર મારી ઉપર આવ્યો. મારા માટે એ ભારે રોમાંચની ક્ષણ હતી. એમાં એમણે “’
કુંતી”’
વિષે જાણવામાં રસ બતાવ્યો હતો અને મને મુંબઇ આવું ત્યારે મળવાનું આમંત્રણ આપ્યું હતું. માર્ચ 1996માં હું જ્યારે પત્ની-પુત્રી માટે અમેરિકાના વિઝા લેવા ગયો,ત્યારે રાત્રે નવ વાગ્યા પછી એમને ત્યાં એમની પાલી હિલની ઓફિસે અતિ લંબાણથી મળ્યો. એમણે “કુંતી”ના રાઇટ્સમાં રસ બતાવ્યો, પણ મેં એ રાઇટ્સ નિમેષ દેસાઇને આપી દીધેલા છે એમ સમજતો હોવાથી એ આપવાની અસમર્થતા બતાવી. એ પછીની વાત તો લાંબી છે અને તે અલગ લેખમાં વિગતે લખીશ. પરંતુ એ પછી તો અમારો સંબંધ વધ્યો. મારે તેમને અવારનવાર મળવાનું બનતું રહ્યું. ક્યારેક ક્યારેક શૂટિંગ માટે લોકેશનના સ્થળોની પૃચ્છા કરતા તેમના ફોન પણ મારા પર આવતા રહ્યા. બીજા કારણોએ પણ મળવાનું બનતું રહ્યું.
1998માં તેમની પંચોતેર વર્ષની વયે તેમની સાથે પાડેલી મારી તસ્વીર મેં અહિં ઉપર મુકી છે.એમાં તે કેવા” વાઇબ્રન્ટ” દેખાય છે તે જોઇ શકાશે. તે પછી છેક 2005 સુધી મેં તેમને તરવરીયા અને જેમને મળ્યા પછી આપણી બેટરી ચાર્જ થઇ જાય તેવા સ્ફૂર્તિલા અને ચંચળ જ જોયા છે. પણ છેલ્લે આ 2011ના એપ્રિલમાં હું તેમને મળ્યો ત્યારે જોઇને ભારે નિરાશ અને દુઃખી થયો. જાણે કે એ દેવ આનંદ જ નહિ !
એ મુલાકાતની નાનકડી વીડીયો ક્લીપ જુઓ.
એમણે પાલી હિલની પોતાની આલિશાન ઇમારત વેચી કાઢીને ખારની એક ગલીમાં નાની ઓફિસ રાખી છે. નાનો એવો બે-ત્રણ જણનો જ સ્ટાફ છે. છ-બાય બાર ઇંચની લાકડાની પટ્ટી પર નવકેતન ફિલ્મ્સનું બોર્ડ છે. એક બાર બાય ચૌદ ફીટની નાની ચેમ્બરમાં મોટા ટેબલની પાછળ એ નિસ્તેજ ચહેરે બેઠેલા દેખાય છે.
 |
આ એ જ દેવ આનંદ? |
ટેબલ પર પુસ્તકોનો પથારો છે. અને એની બાજુમાં ‘જ્વેલથીફ’ સ્ટાઇલની ફેલ્ટ હેટ પડી છે. અગાઉ પાલી હિલની ઑફિસમાં એમને મળવાનુ થતું ત્યારે વિદાય આપતી વેળા એ છેક લિફ્ટના દરવાજા સુધી સાથે આવતા અને ‘“ટેઇક કેર,ટેઇક કેર”’ જેવી સૂચનાઓ આપતા. અને આ વખતેય એ વિદાય આપવા ઉભા તો થયા, પણ હવે તો વેંત જ છેટે એમની ચેમ્બરનું બારણું છે, એટલે એમણે ત્યાં ઉભા ઉભા જ હાથ ફરકાવીને વિદાય આપી, ત્યારે એમના પાતળા ખપાટ જેવા કાંડા અને જીન્સની પાછળથી લાકડી જેવા પગનો આકાર ઉપસી આવતો દેખાતો હતો.
એ તો શારીરિક ક્ષીણતાની વાત થઇ કે જેના ઉપર કોઇ માણસનો અંકુશ નથી હોતો. પણ દુઃખ તેમના ચહેરા ઉપર વ્યાપેલી ત્રસ્તતા અને થાકોડો જોઇને થયું. દેવ આનંદને એટલા નંખાઇ ગયેલા જોવા એ ભારે પીડાકારી હતું.
પાકિસ્તાની ફિલ્મ ‘અઝરા’ના નૂરજહાંના ગીતની આ પંક્તિઓ યાદ આવી ગઇ
દેખેંગે ઉન્હે, દિલ કહેતા થા,
જો દેખા તો દેખા ન ગયા.
**** **** ****
છેલ્લી વાત: એમની આત્મકથા ‘રોમાન્સિંગ વીથ લાઈફ’ વિષે. દેવ આનંદ પાસેથી એમાં પોતાના આંતરિક ઘડતરની પ્રક્રિયા અને તબક્કાઓની વાતની અપેક્ષા હતી, એવું કંઈક જોઈતું હતું કે જે હિંદી ફિલ્મોના ઈતિહાસનો એક વણપ્રીછ્યો અંશ બની રહે. એવું આમાં થોડું છે પણ ખરૂં, પણ સ્ત્રીઓ સાથેના સહવાસની વાતો (જે ક્યારેક તો પોર્નોગ્રાફીની કક્ષાએ પહોંચતા પહોંચતા રહી જાય છે) ઘણી જગ્યા રોકે છે. એમાં સંયમ અને લાઘવનો અભાવ ખટકે છે.
દેવ આનંદના 1954 ના મારા પરોક્ષ દર્શન અને 2011 ના પ્રત્યક્ષ દર્શન વચ્ચે પૂરા સતાવન વર્ષોનો ગાળો છે. એમની સાથેની મૂલાકાતોની ભીતરની વાતો ફરી ક્યારેક.
(સમાપ્ત)