Thursday, July 7, 2011

પડદો ઉંચકાયા પછી

નાટક્નો શૉ શરુ કરતા પહેલા ત્રણ વાર ઘંટડી વગાડવાનો રીવાજ હજુ આજે ય ક્યાંક ચલણમાં છે પરંતુ  એથી પણ અગાઉના જમાનામાં ખેલ પાડતા પહેલા  અડી ફોડવાનો શિરસ્તો હતો.  આ અડી એટલે  લુહારવાડમાં બનતું અંગ્રેજી U આકારનું અને એક હાથના પંજામાં જકડી શકાય તેવું સાધન કે જેના એક છેડે ખાડામાં પોટાશની ગોળી અને બીજા છેડે એક ચોરસ છેડાવાળો ખીલો હોય. પંજામાં અડીને જકડીને એ બન્ને છેડાને એક બીજા પર ગોઠવીને પથ્થર પર પછાડતાં જ એક મોટો ધડાકો થતો..બસ. એ સાથે જ પડદો ઉંચકાતો અને ગણેશવંદનાથી ખેલની  શરુઆત થતી.


જે કંઇક એવું જ બન્યું છે. અણચિંતવી ભેટ રૂપે મારા તોંતેરમા જન્મદિવસે મહેમદાવાદની લુહારવાડના બે છોકરાઓએ (બીરેન-ઉર્વીશ કોઠારીએ) અડી ફોડીને ધડાકો કરી નાખ્યો છે. અને એ સાથે જ  હું બેબાકળો બનીને ઉઠી ગયો છું કારણકે હું તો હજુ આ મામલે ઠાગાઠૈયાના ક્લિપબોર્ડ પર હતો અને મનમાં એની કોઇ તૈયારી નહોતી. ગામડાની સ્ત્રીઓની પરિભાષામાં કહું તો હજુ તો ચૂલોય સંધરૂક્યો નહોતો ને મેમાને  ( તમે લોકો યાર !) આંગણે ઘોડા છોડ્યા. હવે આવકારો ના દઉં તો ખોરડાની આબરુ શું ? એટલે શરુઆતમાં  તો થોડા કટક બટકથી ચલાવી લેજો . પછી વળી ગજાસંપત પીરસીશ .


આ બન્ને ભાઇઓની સાથેના મારા સંબંધને હું કોઇ વ્યાખ્યામાં બાંધતો નથી કે નથી કોઇ રક્તસંબંધની સરખામણીએ વ્યક્ત કરતો. એ બેઉ અને હું એક બીજા માટે શું એની અમને ત્રણેને ખબર છે. પણ આ સાથે માત્ર તવારીખ ખાતર વીસ વર્ષ પહેલાનો એક પત્ર આપું છું. એ વખતે અમે કદાચ બહુ હળ્યામળ્યા નહોતા. એમ તો અત્યારે હાથવગો નથી એવો એમનો પહેલો પત્ર પણ મેં ક્યાંક સાચવીને રાખ્યો છે, એ મળ્યો હોત તો અહિં એ આપત. પણ માત્ર છોકરડા વાચકોમાંથી એ બન્ને આજે પોતપોતાના ક્ષેત્રોમાં નામવંતા લેખકો જે કારણે બન્યા છે એ કૌવતના કંઈક સગડ એમના પત્રની ભાષામાંથી અને સમતોલ અભિવ્યક્તિની લઢણમાંથી મળશે. આ બ્લોગ શરૂ કરવા માટે તેમનો આભાર માનવાનું તો ઠીક નહિં લાગે પણ એવું અનુભવું તો છું જ કે જે અનુભવવા ઉપર મારો કોઇ અંકુશ નથી.બીજી વાત, એ બન્નેએ પ્રથમ પોસ્ટમાં જે સામગ્રી મુકી છે તેના અનુસંધાને - ઝબકાર કટારને કારણે મારા જીવનની રાહ સમૂળગી બદલાઇ ગઇ. એ કટાર મને આગ્રહ કરીને લખતો કરનાર મારા ગુરુ મોહમ્મદ માંકડને પણ અહિં અનુગ્રહભાવે યાદ કરી લઉં છું’ અને મારી સાથે રોજિંદી ફોનની હોટ લાઇન ધરાવનારા પરમ મિત્ર અને ફિલ્મક્ષેત્રના વિલક્ષણ સંશોધક હરિશ રઘુવંશી (સુરત)એ હું મુકવા માંગુ તે સામગ્રીમાં મદદરૂપ થવાની તત્પરતા બતાવી તે માટે તેમને સલામ.
અને વાંચનારા સૌ મને પોતાના તો ઠીક પણ બીજા કોઇના પણ કાને પડેલા સારા–માઠા અભિપ્રાયો મને સંભળાવશે તો ચોક્કસ એમણે વાંચ્યું તો ખરું એવો સંતોષ થશે જે બહુ જરૂરી છે.


આભાર અને ફરી આવકાર,

11 comments:

  1. આ પત્રમાં દેખાય છે તે સુંદર અક્ષરો બીરેનના છે. એ વખતે અમે ગમતા - અને કદાચ નહીં ગમતા- લેખકોને પણ લીલી શાહીથી પત્ર લખવાનો રિવાજ રાખ્યો હતો. એ માટે ખાસ 'બજેટ' જોગવીને એક પાઇલટ પેન અને તેમાં ભરવાની લીલી શાહી પણ લાવ્યા હતા.

    ReplyDelete
  2. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, રજનીભાઈ, સ્વાગત છે

    ReplyDelete
  3. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, સર. ૨૦ વર્ષ પહેલા પંદર વર્ષ ની ઉંમરે ઝબકાર નો બંધાણી હતો. દિલીપ રાણપુરા સાહેબ મને અંકો આપતા. એ યાદો ફરીવાર માણવી ગમે છે. - રણમલ

    ReplyDelete
  4. ભૂતકાળમાં લીલી શાહીથી અને હવે લેપટોપ પર લખતાં આ બે ઇસમોનો ખુબ ખુબ આભાર કે એમના લીધે તમારું બ્લોગ વિશ્વમાં અવતરણ થયું. (સાલું જબરું કહેવાય, તમારા જન્મ દિવસે વાચકો માટે ગીફ્ટ!) અને મારે તો બીજી રીતે પણ આભાર માનવો પડે કે, તેમના લીધે જ મારો તમારી સાથે પરિચય થયો. અને હાં, ક્યારેક અમે તો તમારા પીરસેલા કટક-બટકથી ચલાવી લઇશું (કારણ કે, એ પણ અમારા માટે તો અનલીમીટેડ ભાણું જ હશે.) પણ તમે સ્વભાવ મુજબ ગજાસંપત પીરસીસ્યા વગર નહીં જ રહો, એની ખાતરી છે.

    ReplyDelete
  5. Binit Modi (Ahmedabad)July 8, 2011 at 11:53 PM

    બીરેન - ઉર્વીશે મહેમદાવાદથી લખેલા પોસ્ટકાર્ડમાં ગામનું નામ નથી, માત્ર 'મણિનગર' અને પીનકોડના સહારે અમદાવાદ પહોંચેલો પત્ર કમ નથી તેમ લેખક તરીકેની આપની લોકપ્રિયતા પણ કંઈ કમ નથી.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. રાજકોટના સર્કિટ હાઉસમાં દોહિત્રી સાથે ખોળામાં લેપટોપ લઇ મધરાતે ગમ્મત કરતા નાનાજી યાદ આવી ગયા :) એટલા જ લાડ થી વર્ષો સુધી આ બ્લોગનું લાલનપાલન કરો એવી શુભેચ્છા :)

    જય વસાવડા

    ReplyDelete
  7. ઉમળકાભર્યો પ્રતિસાદ આપનારા સૌ બ્લૉગવાચકોનો-મિત્રોનો આભાર-એવી જ રીતે જાગતું પડ રાખજો
    -
    રજનીકુમાર પંડ્યા

    ReplyDelete
  8. Pandyasaheb,Thanks u and brothers-urvish kothari-biren kothari.they have given us best gift on your birthday! By the way,you passed 72 years.! Unbelievable..! I Feel Time couldn't touch you.you look evergreen sir.!Pandyasaheb,Thanks u and brothers-urvish kothari-biren kothari.they have given us best gift on your birthday! By the way,you passed 72 years.! Unbelievable..! I Feel Time couldn't touch you.you look evergreen sir.!

    ReplyDelete
  9. Pandyasaheb thank you and kotharibrothers.through your blog they have given us a nice gift on your birthday.by the way you have passed 72 years.its unbelievable.you look evergreen.

    ReplyDelete
  10. આહા...
    લાંબા ચાલતા ઝબકારા માટે એવું કહેવાય કે "અજવાળુ થયું".....?

    ReplyDelete
  11. Rajnikumaar.
    Congratulations !! Kyaa baat !!!
    Lage raho.. lakhata raho..
    Chandrakant Shah, Boston.

    ReplyDelete