Thursday, November 20, 2014

આજ કલ ઉનકે પ્યાર કે ચર્ચે હર જુબાન પર, કિસીકો માલૂમ ન થા. અબ સબકો ખબર હો ગઇ !


એક મધરાતે મનોહરજીનો છેક સુરત પાસેના એક ગામથી ફોન આવે છે. ‘અરે ,લેખક મહાશય, તમે તો યાર ભારે કરી!'

આવો ગાભરો અવાજ ! અને  તે પણ મનોહરજી જેવા સામી છાતીએ ચાલે એવા બડકમદારનો ! આટલા ગભરાયેલા કેમ ?

લેખક પૂછે છે ; 'કેમ ? શું થયુ ?”શું થયું ?’

“અરે યાર !” હજુ એ ફોડ પાડતા નથી ,બસ,”અરે યાર,અરે યાર” કહ્યા કરે છે ! છે શું પણ ?

પછી  વળી એક વાક્ય રિલીઝ કરે છે : “ભારે કરી !” બસ ,પછી ફોનમાં હવાનો જ ગજવાટ .
'ચિત્રસેના'ના દીવાળી અંકે તો ગામમાં કાળો કેર વરતાવ્યો. 

લેખકને થાય છે : મારા જેવો સુકલકડી માણસ વળી  “ભારે”  શું કરવાનો ?”

ત્યાં મનોહરજી થોડા વધુ વાક્યો રિલીઝ કરે છે:” “ચિત્રસેના” માં દિવાળી અંકમાં છપાયેલા તમારા “બનાવટી રાજકુમાર “ના લેખે તો અમારા ગામમાં કાળો કેર વરતાવ્યો ! ચાર-છ જણા મને મારવા દોડ્યા,સુખચંદ જૈને મને માંડ બચાવ્યો, કહ્યું કે આમાં મનોહરજીનો કોઇ વાંક નથી, વાંક  હોય તો પેલા લેખકનો છે, જે અહિં રહેતો નથી,ત્રણસો કિલોમીટર દૂર અમદાવાદમાં રહે છે,ત્યાંય કયાં રહે છે કોને ખબર ?’
મનોહરજીએ આટલું બોલીને ફોન રાખી દીધો, કેમ જાણે અત્યારે જ કોઇ એમના પર દંડા ઉગામતું હોય,
ચાલ ત્યારે. લેખ જોયા સિવાય કંઇ ગમ નહિં પડે !

પોતે જ પોતાનો એ લાંબો લેખ ફરી ફરીને વાંચ્યો,વાત શી હતી પુષ્કળ ફોટોગ્રાફસ સાથે છપાયેલા એ
લેખમા ?એક નાનકડા કસ્બા જેવા ગામમા એકસો દસ વર્ષ પહેલા એક એવો શખ્સ પાક્યો હતો કે જે હતો તો સાવ ગરીબ વિધૂર બ્રાહ્મણનો એક માત્ર છોકરો,પણ નાનપણથી બાપને ભવાઇમાં કોઇ રાજાના વેશમાં જોતો આવ્યો હતો એટલે સાવ શિશુવયથી પોતાની જાતને રાજકુમાર  માનતો આવ્યો હતો, વર્ષો વીતવાની  સાથે એ ગ્રંથી  વકરીને એટલી બધી દ્રઢ થઇ ગઇ કે બાપાના જૂના રજવાડી પોશાકો  પહેરીને એ રાજકુમારની જેમ જ વરતવા માંડ્યો, ગામમાં તો એ ગાંડામાં ખપી ગયો પણ પરગામમાં એણે નવાપુરા સ્ટેટના રાજકુમાર તરીકેનો  અદલ સિક્કો જમાવવા માંડ્યો, અને એમ કરવા માટે એણે પોતાની તમામ બુધ્ધિશક્તિને કામે લગાડી દીધી. બ્રિટીશ સરકારના ગેઝેટમાં  નામ બદલીને “ભલાશંકર અંબાશંકર રાવળ” ને બદલે “રાજકુમાર ભાલેન્દુસિંહ રાઉલ ‘ કરી નાખ્યું, સરનામામાં “નવાવાસ”ને બદલે “નવાપુરા સ્ટેટ” કરાવી નાખ્યું. એ નામની રાજ્યમુદ્રાઓ બનાવી,સિક્કા-લેટરહેડ્સ બનાવરાવ્યા અને એક રજવાડાને છાજે તેવી તમામ સ્ટેશનરી પણ !, બસ પછી અલગ અલગ શહેરોમાં પાંત્રીસ વર્ષ સુધી લાકડાની આ તલવારે રાજ ચલાવ્યા પછી વેશ ઉતારીને વતન પાછો ફર્યો, પણ શું એ પછી એ શાંત જિંદગી જીવવા માંડ્યો ? ના, અને એ પછી પણ એના ગુન્હાઇત કારનામાઓમાં ઓટ ના આવી ! એક સ્થાનિક ચોપાનીયું કાઢીને ગામના આબરુદાર માણસોને બ્લેકમેઇલ કરવા માંડ્યો. એમાં જે લોકો એને વશ ના થાય અને રૂપિયા  ન દાબે એમની નાની-મોટી એબ એ ચોપાનીયામાં એ ખુલ્લી કરવા માંડ્યો,થોડા વરસ એ ચાલ્યું પછી એ એમ જ બીનવારસ ગુજરી ગયો.

આ અદભુત રસની પરિકથા જેવી આખી કથા મનોહરજીએ લેખક્ને કરી હતી,પણ સાંભળેલું હોય તે તેમનું તેમ લખી નાખવાની લેખકની આદત નહોતી. મનોહરજીને સાથે લઇને એ એમને ગામ ગયો હતો અને એ બનાવટી રાજકુમારના જે કોઇ પિતરાઇઓ કે એમના વંશવારસોને  મળ્યો હતો. રાજ્યમુદ્રા-રબ્બર સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી વગેરે હાથ કર્યા હતા, કોઇને બ્લેક મેઇલ કરતા થોડા ચોપાનીયાં પણ હાથ કર્યા હતાં. એ પછી ખૂબ જ વિગતો ઠાંસીને લાંબો લેખ તૈયાર કર્યો હતો અને તંત્રીને  મોકલ્યો હતો. તંત્રી આ “સ્ટોરી”પર બહુ ખુશ થયા હતા અને મોકલાવેલી સામગ્રીમાંથી થોડી પસંદ કરીને  એમા સુંદર લે-આઉટ સાથે મુકી હતી.
લેખકે એ બધું જોયું. મગજ ચકરાવે ચડી ગયું ! હયાત એવી કોઇ વ્યક્તિને નડે એવું શું હતું એ લેખમાં ? કશું જ નહિં. ના કશું જ નહિં . ચોક્કસ કશું જ નહિં.

એણે ફરી મનોહરજીને ફોન જોડ્યો.

“ પ્લીઝ મને એ તો સમજાવો કે લેખમાં એવું તે શું છે કે કોઇ આપણને મારવા દોડે ?’
‘તમે  સાઠ  વર્ષ જૂના મુડદા ઉખેળ્યાં છે. એક વયોવૃદ્ધ સજ્જનને અને એક સન્નારીને  જીવવા જેવું ન રહેવા દીધું.’
‘મતલબ ?’
‘તમારા એ લેખ સાથે નમૂના તરીકે કોઇની બદનક્ષી કરતી પત્રિકા છપાઇ છે એ તમે જોયું?”
   યાદ આવ્યું. બલકે નજર સામે જ હતું. સાઠ વર્ષ પહેલાના એ કાળે રાજકુમારે શરુ કરેલા મામૂલી ચોપાનીયામાં શિવલાલ નામના એક પૉલિસ અધિકારીની બહુ બૂરી રીતે બદબોઇ કરતી પત્રિકા છપાઇ હતી. ગામની એક મહિલા સાથેના એમના અનૈતિક સંબંધો વિષે બન્નેના નામ સાથે એમાં બહુ અશ્લીલ ભાષામાં લખવામાં આવ્યું હતું ,

પત્રિકા ભલે સાઠ વર્ષ પહેલાંની હોય.... 
“પણ “  લેખકે બચાવની ભાષામા કહ્યું:” પહેલી વાત તો એ કે મેં મોકલેલા મટીરીયલમાંથી લેખ સાથે શું મુકવું એ તંત્રી ડિસાઇડ કરતા હોય છે અને એથીય મોટી વાત એ કે એ પત્રિકા સાઠ વર્ષ પહેલાની છે. અને અત્યારે એનું કોઇ વજન ના હોય...”

મનોહરજીએ અધવચ્ચે જ વાત કાપી નાખી: “પણ મોટીથીય  મોટી વાત એ છે કે..”એ બોલતા થોભ્યા,

“કે ?”

“કે એ બન્ને પાત્રો અત્યારે ગામમાં  જિવીત છે અને એમના બેઉના પોતપોતાનાં સંતાનો એક વેપારી પેઢીમાં સંપીલા ભાગીદારો છે.પણ હવે તખ્તો પલટાઇ ગયો. કારણ કે  સાઠ વર્ષ પહેલાની આ ગુપ્ત અને ગંદી વાત સાઠ વર્ષ પહેલા આ  મામૂલી ચોપનીયામાં જ છપાઇ અને એમાં જ દટાઇ ગઇ હતી. પણ હવે આખી દુનિયામાં એનો ઢંઢેરો પીટાયો. તમારો આ આર્ટિકલ “ચિત્રસેના”માં છપાયો જેના આખી દુનિયામાં લાખો લાખો વાંચકો  છે. અને આ ગામમાં પણ સૌથી વધુ ઘેર જતું હોય તો આ “ચિત્રસેના” જ છે. અને એમાંય આ તો દિવાળી અંક ! લોકો આખું વરસ સાચવવાના!”

“માય ગૉડ !”
“ નેવું વરસના એ ડોસા-ડોસીને તો જીવતેજીવ મરવા જેવું થયું . એ બન્નેના છોકરાઓ અને એમનાય છોકરાઓ મને મારવા દોડે છે કે તમે જ માથે રહીને આ કામો કરાવ્યો”

“અ ર ર,ભારે કરી !”
“ભારે તો એ થઇ કે એ બન્નેના સંતાનો વચ્ચે હવે ધંધામાં ભાગીદારી છૂટી કરવાની વાત ચાલે છે “

લેખકે માથે હાથ દીધો.સોચા થા ક્યા ?ક્યા હો ગયા !


('ઝબકાર', 'નવગુજરાત સમયમાં પ્રકાશિત, તા. ૨૦/૦૭/૨૦૧૪)

(તસવીર નેટ પરથી) 

5 comments:

  1. અજબ ગામની ગજબ કહાની !
    સરસ વાર્તા.

    ReplyDelete
    Replies
    1. આભાર
      કુશળ હશો
      રજનીકુમાર

      Delete
  2. જબરી વાત લાવ્યા છો ! બીચારા મનો.ભાઈ !! કલમબોંબ બે જણાની કરચો કરી ગયો.

    ReplyDelete
    Replies
    1. આભાર
      બિલકુલ મારા દ્વારા બનેલી સત્ય ઘટના છે
      રજનીકુમાર

      Delete
  3. ઘણીવાર સત્ય હકીકત પણ ન ધારેલા વળાંક લાવે છે.

    ReplyDelete