કવરની
પાછળ મોકલનાર તરીકે નામ નહિં, ઉપનામ લખેલું “સર્વગ્રાહી”. બાકી સરનામું.
લખતા હતા: “આપ પાંચ સાત જણા વચ્ચે ઘેરાયેલ હતા અને તમને કોઇ
એક મિનિટ માટે પણ છોડે એમ નહોતા અને મારે અશેષિયો ઉતાવળ કરતો હતો એટલે મારે ભાગવું
હતું, નહિતર આપનો ઑટોગ્રાફ લીધા વગર પાછો જાત નહિં. તમે ભલે વતનને પચાસ વરસથી છોડી દીધું, પણ આપણા પંથકના તો ખરા
ને ? મારી પાસે બસો છપ્પન ઑટોગ્રાફો છે. ધૂમકેતુથી માંડીને પાકિસ્તાન વયા ગયેલા
શવકીન જેતપુરી સુધીનાના છે. ગુણવંતરાય આચાર્યના પણ ખરા, કારણ કે એ જેતલસરના હતા. બાકીમાં એક તમે રહ્યા છો. તમારા માટે ચોપડામાં અલાયદી કોરી જગ્યા રાખી છે. ”

કાગળ ફાડી નાખવા જતા હતા લેખક ત્યાં કવરમાંથી એક
જુદી ચબરખી ટપકી પડી, લાલ અને ઘાટા અક્ષરે લખેલી: “9 મી એ આપ ફરી આ ગામમાં પધારો છો, તો આ વખતે તો
ઑટોગ્રાફ લીધા વગર નહિં જવા દઉં. મારાથી ભાષણમાં અવાય એમ નથી, કારણ કે તમે જ્યાં
બોલવાના છો એ નિશાળના હેડ સાથે મારે ઠેરી ગયેલ છે. માટે તમારું પૂરું થાય એટલે
પાડોશીનો છોકરો અશેષ હિંમતલાલ તમને ગાડી લઇને લેવા આવશે, એમાં બેસી જ જજો. એકલો જ
છું. મારે ત્યાં જે ટિફીન આવે છે એમાં બે જણા આરામથી આરોગી શકશું. હું તો આમેય
ઉણું ખાનારો છું. આવવાનું નક્કિ જ રાખજો, કારણ કે હવે ઇઠ્યાસી ઉપર વયો ગયો છું. એક
આ તમારા ઑટૉગ્રાફ લેવાનું કામ ઉકલી જાય પછી જૂના..”
આ છેલ્લા શબ્દો પછી અક્ષરો આમાંય ઉતરડાઇ ગયા હતા.
લેખકે પોતાની રીતે મનમાં જ એ અધૂરું વાક્ય
પૂરું કરવા ઘણી બધી શબ્દરચના કરવા ચાહી, પણ ન બની શક્યું “ઉકલી
જાય પછી જૂના....,” પછી શું
લખ્યું હશે કે જે મારા સુધી પહોંચ્યાની એમને ખાતરી હશે, પણ મને પહોંચ્યું જ નથી?
શું હશે ? શું હોઇ શકે? “જૂના” શબ્દ પછી શું હશે ?
પછી નક્કિ રાખ્યું કે કલ્પનાઓ નથી કરવી.. એની પાસે
તો ખરેખર એક વાર જઇ આવવું જ જોઇએ.
**** **** ****
9 મી તારીખે

પણ એને ખોલવાનું ક્યારે ?
સર્વગ્રાહી અંદરના ઓરડે ગયા અને લગભગ પ્રકાશની
ઝડપે પાછા આવ્યા ત્યારે હાથમાં પાકી બાંધણીની ફુલ સાઇઝની નોટબુક હતી. અગાઉથી ફ્લેપ
ભરાવીને રાખેલું પાનું ખોલ્યું.એક કોરી જગ્યાએ “મહાન લેખક” એમ લાલ શાહીથી લખીને પછી લેખકનું નામ લખેલું.
ત્યાં આંગળીથી ટકોરા મારીને અરજ ગુજારવાની ઢબે કહ્યું ”અહિં”. પછી પેન ધરી.
લેખકે પેન હાથમાં લીધી. પકડી રાખી. સર્વગ્રાહીના મોં
સામે ઝીણી નજરે જોયું, પછી એકદમ પૂછ્યું, "તમે વસનજીભાઇ છાટપારીયા તો નહિં ?”
સર્વગ્રાહીએ ટોપી ઉતારી. હસ્યા, એટલું જ કહ્યું, “ઓળખી ગયા ?”
“અરે,ભૂલાય કંઇ ?તમે વણિક લાયબ્રેરીના
લાયબ્રેરીયન હતા. અને મારી બાર વરસની ઉમરે ત્યાં રોજ સાંજે વાંચવા આવતો. અરે મને તો
એય યાદ છે કે એક વાર ..”
”એવું કાંઇ યાદ રખાય નહિં, ભલા માણસ !” સર્વગ્રાહી બોલ્યા” લ્યો.ઑટોગ્રાફ આપોને !”
લેખક સમજી ગયા. સર્વગ્રાહીએ “એવું કાંઇ” એમ કેમ કહ્યું ? પછી ગડ બેઠી. અચ્છા,તો સર્વગ્રાહીને પણ એ ઘટના યાદ છે. ચાલીસ
વરસ અગાઉ પોતે કોઇ છોકરાને એક અંગ્રેજી મેગેઝીનમાંથી પાનું ફાડતાં પકડ્યો હતો, એનો
કોલરેથી પકડીને પોતાના ટેબલ પાસે લઇ ગયા
હતા. ખરેખર તો એને કાયમ માટે લાયબ્રેરીમાં પ્રવેશવાની બંધી કરવી જોઇએ પણ એણે બહુ
કરગરીને માફી માગી. એટલે જતો કર્યો હતો. પણ એ પહેલા છોકરાના હ્સ્તાક્ષરમાં જ લખાવી
લીધું કે “હવે ફરી કદિ આવું નહિં કરુ”. અને ડારો દઇને કહ્યું હતું : “ચાલ, કર નીચે તારી સહિ !” છોકરાએ કરી આપી અને પાછો પોતાની
ખુરશીમાં જઇને બેસી ગયો અને વાંચવા માંડ્યો હતો નીચી મુંડીએ.
લેખક હજુ વિચારોમાં જ ખોવાયેલા હતા, ત્યાં
સર્વગ્રાહી જરી ઉતાવળે અવાજે બોલ્યા, “ઑટોગ્રાફ ભેળો એકાદ સારો મેસેજ પણ એક
બે લીટીમાં..હોં !" પછી કહે “આ ટિફીન ખોટી થાય છે, સાહેબ !”
”પણ....” લેખકે મરકીને પેનનું ઢાંકણ ખોલ્યું: "તમારી પાસે મારા ઑટોગ્રાફ તો છે જ ને !”
”ઇ નો હાલે" સર્વગ્રાહી બોલ્યા: "ઇ તો જૂના થઇ ગ્યા, એને તો આજે હું
ફાડીને ફેંકી દઇશ.”
પછી લેખકે સંદેશો લખ્યો: "ચોરી કરવી એ પાપ છે.” પછી એની સહી. ના, સહી નહિં, ઑટોગ્રાફ
કર્યા. ચોપડો સર્વગ્રાહી તરફ લંબાવ્યો.
કહ્યું: "લો,આ બીજી વારનું કબૂલાતનામું.”
સર્વગ્રાહીએ ટિફીનને નજીક લીધું.
('નવગુજરાત સમય'માં પ્રકાશિત 'ઝબકાર': તા. ૯-૦૨-૨૦૧૪)
આપની કથાઓના વિષયોની વિવિધતા અને પ્રસંગકથામાં આવતા વળાંક આશ્ચર્યજનક અને રસપ્રદ છે. 'સહી' અને 'અૉટોગ્રાફ' વચ્ચેનો subtle તફાવત ઘણો ગમ્યો!
ReplyDeleteReally interesting way of narrating the subtle distinction between "signature" and "autograph".
ReplyDelete