(દેવસાહેબની રજા લઇને અમે સૌ ઉઠ્યાં અને ટેરેસની નીચે લઇ જતી સીડી સુધી આવ્યા. હું ફરી દેવસાહેબ પાસે ગયો.
“દેવસાહબ, ”તેમની નજીક જઇને, ઝૂકીને મેં.કહ્યું, “ અગર ઇઝાજત દેં તો એક પર્સનલ સવાલ પૂછું?” એમણે હા કે ના કાંઇ ના કહ્યું. પણ એને જ “હા” સમજીને મેં પૂછી જ લીધું. “સુરૈયાજીસે આપને રિશ્તા ક્યું તોડ દીયા?”)
હવે આગળ વાંચો.
આછા અંધકારમાં પણ તેમની આંખોમાં ચમક આવી. જાણે કે ઉપર આકાશમાંથી હજુ ચમકવાની પહેલી કોશીશ કરનારા કોઇ તારાનું પ્રતિબિંબ !
એમને મારી ધારણા પ્રમાણે ના તો કોઇ અણગમો બતાવ્યો કે ના કર્યો કોઇ ખુલાસો. બહુ ઘેરા સ્વરે કહ્યું: “ મુઝે ક્યું પૂછતે હો ? મૈં એક સ્ટાર હું ઇસલીયે ? ? અરે, સુરૈયા તો સબ કી લાઇફમેં હોતી હૈ, સબ કી..સબ કી ..” એક તો મેં પોતે જ બે-મનથી આ સવાલ પૂછ્યો હતો, કારણકે એ મારું નહિ, કોઇનું ચિંધેલું કામ હતું. અને બીજું- સવાલ પણ મારી દૃષ્ટીએ બહુ “ચીપ” હતો. એ આ રીતે ના પૂછાય. એનો જવાબ મેળવવા માટે બહુ ઉંડા જળમાં ડૂબકી મારવી જોઇએ અને એ ડૂબકી મારવા દે એટલી બધી પ્રગાઢતા એમની સાથે હોવી જોઇએ. અને ત્રીજી વાત, એ.તો બહુ જાણીતી હકીકત હતી કે દેવે નહિ, પણ સુરૈયાએ ક-મને પણ એમનો “ત્યાગ” કર્યો હતો.
"સબ કી લાઈફ્મેં... " |
પણ એ એમના દિલની ઉદારતા હતી કે એમણે લેશમાત્ર કડવાશ જીભે લાવ્યા વગર વાતનું બહુ સિફતથી સાધારણીકરણ કરી નાખ્યું હતું. તીરને એમણે બુમરેંગમાં બદલી નાખ્યું હતું. “થેન્કસ એન્ડ ગૂડનાઇટ” કહીને હું અને પ્રભાકર વ્યાસ સીડીના પગથિયાં ઉતરી ગયા. નીચે અરૂણભાઇ-ઉષાબહેન અમારી રાહ જોતા હતા. એમને પણ નવાઇ લાગી હશે કે શા માટે અમે પાછા ફરીને તેમને મળવા ગયા હતા! અમે બહાર નીકળ્યા. એ બન્નેના મનમાં “જાલ”, સઝા”,સી આઇ ડી”, “પેઇંગ ગેસ્ટ” વગેરેના દેવની જે છબી હતી એ જરા નંદવાઇ ગઇ હતી. ઉષાબહેન બોલ્યાં, “એમને જોયા પછી એમ લાગે છે કે એમને ના મળ્યા હોત તો સારું હતું. ”
ખેર, પણ મારા મનમાં તેમની આજ સાંજની છબી ભલે “ગ્લુમી” હતી પણ નિસ્તેજ નહોતી. એમને મેં સાંજના સમયે પણ સાચા કે દેખાવ પૂરતા વ્યસ્ત જોયા હતા. વિવેકી અને ખેલદિલ જોયા હતા. એમણે નવા આગંતુકો સાથે પણ સ્ટારવેડા નહોતા કર્યા.
આ વાત 2006 ની 7 મી એપ્રિલની છે. બસ, તે પછી પણ એમનો એકાદ વાર સામેથી, ફોન ખાસ તો કોઇ લોકેશન માટે આવ્યો હતો. એકાદ-બે વાર મેં તેમને મિત્ર ભરત પોપટના મુંબઇમાં ચાલતા એક સેમિનારમાં હાજરી આપવાની વિનંતી કરતો ફોન કર્યો હતો. તેમણે આવવાની “હા” પણ પાડી, પણ પછી ભરતના કાર્યક્રમની તારીખ બદલાવાને કારણે એમને માટે આવવાનું શક્ય ના બન્યું. પણ મારા મનમાં એમને ફરી એકવાર જીવનરસથી છલકાતા જોવાની ઈચ્છા હતી. પેલી સાંજની ગમગીન છબી મારે ચિત્તના પરદા ઉપરથી ભૂંસી નાખવી હતી.
અને એ તક આવી પણ ખરી. અમદાવાદની ગ્રામોફોન ક્લબ તેમને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માગતી હતી. તેમના સભ્યો સાથે મેં તેમની કરાવેલી મુલાકાત એ રીતે મને વિશેષ રૂપે યાદ રહી ગઇ છે. તારીખ હતી 2008ની 25મી માર્ચ. એ સંસ્થાના મહેશભાઇ-ગીતાબહેન, સુરેશભાઇ અને મિલનભાઇ વગેરે મિત્રો સાથે અગાઉથી દેવસાહેબનો સમય મેળવીને અમે ગયા હતા. દાખલ થતાંવેંત મેં તેમને એમના અસલી ખુશમિજાજમાં અને ઉભરાતી ઉર્જાવાળા જોયા. આવકાર-ઉમળકો-સ્રી દાક્ષિણ્ય તો તેમની પાસેથી મળવા સામાન્ય જ હતાં, પણ તે દિવસે તો અમારા મજબૂત આમંત્રણ સામે તેનો મક્કમ છતાં નમ્ર નકાર એ ભારે જોવા જેવી ખેંચાતાણીની ચીજ રહી. મિલનભાઇ તો ભારે મીઠાબોલા- તેમના આગ્રહનો પ્રતિરોધ કરવો કોઇને પણ માટે દુષ્કર હોય છે, પણ દેવ સીધી ના પાડ્યા વગર તેમની લાક્ષણિક અદામાં મુદત પાડ્યે જતા હતા. આ આગ્રહ અને તેના નમ્ર અસ્વિકારને જોઇને મને એક સામાન્ય દલિલ સૂઝી, (જે કોઇ પણ કરી શક્યું હોત).મેં કહ્યું, “દોપહરકી ફ્લાઇટસે આપ આ જાયે ઔર દેર રાતકી ફ્લાઇટસે વાપસ લૌટ જાયે તો સમઝીયે કિ આપકા તો સિર્ફ આધા દિન હી ઝાયા હોગા, મૈં સમઝતા હું કી ઇતના તો આપ હમારે લીયે જરૂર કર સકતે હૈ,”
"ઉસકા કામ હીરો સે ભી જ્યાદા પસંદ આયા?" |
એ એક ક્ષણ ઝીણી આંખ કરીને મારી સામે તાકી રહ્યા, જાણે કે મેં કરેલા સૂચનના અમલનું મનના સ્ક્રીન પર રિહર્સલ કરી રહ્યા હોય. મને આશા બંધાઇ. પણ એ રિહર્સલ જલ્દી આટોપાઇ ગયું. એ તરત બોલ્યા: “તુમ આધા દિન કહેતે હો, મગર યે સોચો કે વહાં આને સે પહેલે મુઝે તૈયારીયાં કરની હોગી. દોનોં ફ્લાઇટ કે પહેલેકા રિપોર્ટિંગ સમય, સફરકા સમય,ઔર આને કે બાદ ફિર સેટલ હોનેકા સમય. ટોટલ કિતના હુઆ? ક્યા ઉસકો તુમ આધા દિન હી કહતે હો ?” હું નિરુત્તર થઇ ગયો. એ ના માન્યા. જો કે, મુલાકાત પૂરી કરતાં પહેલાં તેમણે ફરી બે મહિના પછી અમદાવાદના કાર્યક્રમ વિષે રિમાઇન્ડ કરવાનું કહ્યું. ફરી અમને થોડી આશા બંધાઇ. એ પછી તો સાથે આવેલા મિત્રોએ તેમની અનેક તસ્વીરો લીધી, અને મેં તેમના પુસ્તક પર ઑટૉગ્રાફ લીધા.અને પુસ્તકમાં જે ફોટોગ્રાફ્સની નીચે પૂરતી ફોટો લાઇન નહોતી તે તેમને પૂછીને પુસ્તકમાં જ નોંધી લીધી. પણ છેવટે મનમાં એક સવાલ ઘુમરાતો હતો તે મેં તેમને પૂછી જ લીધો. “દેવસાહબ, ‘સી.આઇ.ડી.’ મેં જીસ કલાકારને વિલનકા રોલ કિયા હૈ ઉનકા નામ ટાઇટલમેં વીર સકુજા લીખા થા. વો શાયદ ઔર કોઇ ફિલ્મમેં ખાસ દિખાઇ નહિં દીયે. ક્યા આપ મુઝે ઉન કે બારેમેં કુછ બતાયેંગે ?”
“યુનિટમેં હમ સબ ઉનકો ‘કેપ્ટન’કે નામસે પૂકારતે થે, પહેલે શાયદ લશ્કરમેં થે,પાંવમે ગોલી લગી ઔર ઉનકો નૌકરી છોડની પડી, બસ ઇસસે જ્યાદા મૂઝે માલૂમ નહિ. ” પછી હસીને મઝાક કરી, “ક્યા ઉનકા કામ હિરો સે ભી જ્યાદા પસંદ આયા થા ?”
ખેર! અમે ઉભા થયા તો એ લિફ્ટ સુધી મુકવા પણ આવ્યા. અમે બહાર નીકળ્યા અને ખુલ્લી હવામાં આવ્યા. પણ અર્ધો કલાક સુધી અમે સૌ “હિપ્નોટાઇઝ્ડ” માનસિકતામાં ડૂબેલા રહ્યા. અમાપ ઉર્જાના ધડધડાટ નાયગ્રાની પ્રબળ વાછટથી અમે સૌ એટલા બધા લથપથ થઇ ગયા હતા કે કેટલીય વાર સુધી એકબીજા સાથે વાત કરી શકવાની સ્થિતીમાં પણ અમે નહોતા.
"તુમ મુઝે નયા ક્યા પૂછોગે? " |
એ પછી ત્રણ મહિના વીતી ગયા. ફરી હું એ જ વર્ષ 2008ના જુનમાં બીજા એક કામ માટે મુંબઇ ગયો હતો. ત્યારે મેં તેમને ફોન કર્યો તો જરા પણ મોણ ખાધા વગર બોલ્યા: “કલ શામકો બીઝી હું. સુબહાકો હી આ જાઓ”. મને થોડું પ્રતિકૂળ હતું પણ કામ પતવાની આશાએ હું સમયસર પહોંચી ગયો. તારીખ હતી 3 જી જુન. આ વખતે મારી સાથે ગ્રામોફોન ક્લબના એક જ પ્રતિનિધી હતા અને વધારામાં મારાં મિત્ર વીણા પાલેજા પણ બોરીવલીથી જોડાયાં હતાં. ફરીવાર એ જ ઉષ્માભર્યો આવકાર પણ અંતે તો એમની એની એ જ “ના” ! “સ્ટેજ પર બુલા કે મુઝે તુમ નયા ક્યા પૂછોગે ? “ વગેરે વગેરે.. જો કે વાતો તો ઘણી જ કરી. ફોટાઓ તો પાડ્યા જ, પણ બે-ત્રણ મિનિટની વિડીઓ પણ લીધી. જોવાની મઝા એ હતી કે તદ્દન સામાન્ય કેમેરાથી હું વિડીયો લેતો હતો છતાં હું જોઇ શક્યો કે તેમની તત્પરતા ભારે તરવરાટભરી હતી. તેઓ સોફા પર બેઠા હતા ત્યાંથી અમે તકલીફ નહિ લેવાની વિનંતી કરવા છતાં એ ઉભા થઇ ગયા (જે વિડીયોમાં જોઇ શકાય છે.) ઉભા થયા પછી આગળ-પાછળ હટવાની કે અમુક એન્ગલમાં પોઝ આપવાની મારી સૂચનાઓનું એ આજ્ઞાંકિતપણે પાલન કરતા રહ્યા. હું કોઇ ફિલ્મના દૃશ્ય માટે તેમને ડાઇરેક્ટ કરતો હોઉં તેવો રોમાંચ અનુભવતો હતો. સારી એવી વાર આ રીતે ગાળ્યા પછી તેમણે કહ્યું કે પોતે “ચાર્જશીટ”ના કામમાં વ્યસ્ત હોવાથી ફરી બે મહિના પછી અમારે તેમનો સંપર્ક કરવો. જો કે, પછી એ વાત અમે લગભગ પડતી જ મુકી દીધી.
દેવ આનંદ ડાયરેક્ટેડ બાય.... |
પછી તો કોઇને કોઇ નિમિત્તે કોઇને સાથે લઇને તેમને મારે બે-ત્રણ વાર મળવાનું થયું, પણ આખરી મુલાકાત તે જરા હૈયું ભારે કરી નાખનારી હતી.
“શાકુન્તલ”ના રેકોર્ડિંગ માટે હું આ 2011ના માર્ચમાં મુંબઇ ગયો અને મારી સાથે આવેલા એક મિત્રને તેમને મળવાની ઘણી ઇચ્છા હતી. દાદરની હોટેલમાં અમારો ઉતારો હતો. ત્યાંથી મેં એમને ફોન કર્યો એટલે તરત એમણે સાંજે આવવાનો સમય આપ્યો. પણ આ વખતે તેમની પાલી હિલવાળી આલિશાન ઑફિસમાં નહિ, (એ તો તેમણે વેચી નાંખી હતી.)પણ 14, સિદ્ધિ બિલ્ડિંગ, 15 મો રસ્તો, ખારની ઑફિસમાં જવાનું હતું. બહુ આસાનીથી એ સ્થળ મળી ગયું, પણ અમે ગયા ત્યારે દેવ હજુ આવ્યા નહોતા. અમે બેસીને રાહ જોવાની રજા હાજર હતા તે ક્લાર્ક પાસે માંગી, પણ એમણે મંજુરી એમ કહીને ના આપી કે “યહાં કહાં બૈઠને કી જગહ હૈ! કહાં બૈઠેંગે આપ લોગ ?” એમની વાત સાચી હતી. એક બે ખુરશીઓ હતી ખરી, પણ એની ઉપર કશાક થેલા મુકેલા હતા અને જગ્યા સાવ સાંકડી હતી, અમે જરા પણ એવો આગ્રહ રાખ્યા વગર બહાર નીકળી ગયા. અને થોડી વારે પાછા ફર્યા ત્યારે એ આવી ગયા હતા. કાર્ડ મોકલતાંની સાથે જ એમણે અમને અંદર બોલાવી લીધા. ત્યારે મેં એમનો જે ચહેરો જોયો તે જોતાં જ એક ઝટકો લાગ્યો., જાણે કે એ દેવ આનંદ જ નહિ! ડ્રેસના ઠઠ્ઠારાવાળું કોઇ હાડપિંજર ! સાવ ચિમળાયેલું અને દુનિયાથી ત્રસ્ત થઇ ગયો હોય એવો ચહેરો. ટેબલ પર ફાઇલો અને પુસ્તકોના એક બે મોટાં થોથાં. એક તરફ ‘જવેલથીફ’ ફેલ્ટ. અમને જોઇને એમણે ઉભા થઇને આવકાર આપ્યો અને મારી સાથે હાથ મિલાવ્યા.અને પછી બેસી ગયા. મેં એમનો ઇન્ટરવ્યુ લેવા માટે તેમની બાજુની ખુરશી પર બેસવાની છૂટ માગી, જે એમણે તરત આપી. મારે ખાસ કશી વાત નહોતી કરવાની પણ કશુંક તો પૂછવું જ રહ્યું એટલે પૂછ્યું:” આપને આપકી સબ ફિલ્મોમેં સે રંગીન બનાને કે લીયે ‘ ‘હમ દોનોં’ કો હી ક્યું ચૂના ?. એમણે કહ્યું “યે સવાલ આપ અંબિકા સોનીસે પૂછો.”
મને અંબિકા સોનીના આની સાથેના કોઇ સંદર્ભની ખબર નહોતી એટલે પછી બસ, માત્ર વાત કરવા ખાતર જ ગ્રામોફોન ક્લબના આમંત્રણનો અને મને તેઓ સ્ટોરી માટે કોઇ “જર્મ્સ” આપવાના હતા તેની મેં યાદ આપી, તરત એમણે પોતાને કેવી સ્ટોરી જોઇએ તેની વાત કરવા માંડ્યા અને કહ્યું, “યે તુમ કર સકતે હો, કરો!” આ બધા સમય દરમ્યાન મારા મિત્ર સાદા કેમેરાથી વિડીયો ઉતારતા હતા અને હું સાવ નજીકથી તેમના ખરા શારીરિક રૂપનું નિરિક્ષણ ઝીણવટથી કરી રહ્યો હતો.
થાકોડો અને અને ત્રસ્તતા તો દાખલ થતાવેંત જ જોઇ લીધા હતા. બીજો ધીમો આઘાત એ વાતનો પણ હતો કે મુલાકાત વેળા એમની સાવ નજીક બેઠો હોવાથી એમણે માથે ચડાવેલી વીગની પાછળની ચોટલી દેખાઇ ગઇ હતી.ઉડઝૂડ શેવિંગ કર્યું હોય તેમ દાઢી પર સફેદ વાળના આછા આછા કોંટા દેખાતા હતા. વાત કરતા કરતા હાથ આમતેમ હલાવતા હતા ત્યારે પાતળા વાંસની એક ખપાટ જોયાનો આભાસ થતો હતો. હથેળીના પંજા પર ત્વચા માત્ર નામની જ ચોંટી રહી હતી
એટલે આંગળીઓના એક એક સાંધા કોઇ કંકાલના હોય તેવા લાગતા હતા, બોલવાની ગતિ ભલે તેજ રહી હતી, પણ સ્વર મંદ પડી ગયો હતો. રણકો ચાલ્યો ગયો હતો. વિચારોનો પ્રવાહ વારંવાર ભીતરની કોઇ અડચણને લીધે અવરોધાતો હતો. કોઇ એક ક્ષણે મને ચોક્કસ લાગ્યું કે એ ભારે લઘુતાગ્રંથી અનુભવી રહ્યા છે અને એમાંથી છટકવા હવાતિયાં મારી રહ્યા છે. સતત સતત પીગળીને બરફના ગચ્ચામાંથી એ છેલ્લી કટકી બની રહ્યા હોય એની સભાનતા એમની સાવ સંકોચાઇ ગયેલી આઇ-બ્રો લાઇનને કારણે ખુલ્લી પડી જતી હતી.પછી એ અમને વિદાય આપવા ઉભા થયા ત્યારે મેં એમના જીન્સની પછવાડેથી દેખાતા સાવ વાંસડા જેવા પગ જોઇ લીધા હતા. મેં આજ લગી જોયેલા અને મનમાં સંઘરેલા દેવ આનંદ અને આ 8 મી માર્ચ 2011ના દેવ આનંદ વચ્ચે અસલ અને અવશેષ જેટલો ફેર હતો. કોણ જાણે કેમ મેં જીવનભર જોયેલા એમના સ્ટાર તરીકેના ચમક્તા દમકતા જાજ્વલ્યમાન અને કંઇક અંશે લોકોત્તર સ્વરૂપની મનમાં મઢેલી પડેલી છબીના કાચ પર આ એક કલાકના અનુભવ પછી એક તીરાડ પડી ગઇ હતી, અને કાચના ચળકાટ વગરનો ચહેરો સામે આવી ગયો હતો.
થાકોડો અને અને ત્રસ્તતા તો દાખલ થતાવેંત જ જોઇ લીધા હતા. બીજો ધીમો આઘાત એ વાતનો પણ હતો કે મુલાકાત વેળા એમની સાવ નજીક બેઠો હોવાથી એમણે માથે ચડાવેલી વીગની પાછળની ચોટલી દેખાઇ ગઇ હતી.ઉડઝૂડ શેવિંગ કર્યું હોય તેમ દાઢી પર સફેદ વાળના આછા આછા કોંટા દેખાતા હતા. વાત કરતા કરતા હાથ આમતેમ હલાવતા હતા ત્યારે પાતળા વાંસની એક ખપાટ જોયાનો આભાસ થતો હતો. હથેળીના પંજા પર ત્વચા માત્ર નામની જ ચોંટી રહી હતી
અસલ કે અવશેષ ? |
જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં ... |
સ્થળ બદલાયું હતું, વ્યક્તિ પણ. અને દુનિયા પણ..અમે ઉઠ્યા ત્યારે એમણે કહ્યું:” આજ વક્ત હો તો “હમદોનોં” કા કલર્ડ વર્ઝન કહિં દેખ લેના આપ દોનોં.” તેમની સાવ નાનકડી ચેમ્બરમાંથી વિદાય લઇને બહાર નીકળ્યા પછી અમને યાદ આવ્યું કે તેમને મારું “પ્રકૃતિ” આપવાનું તો રહી જ ગયું. એટલે અમે પાછા વળ્યા અને ફરી ચેમ્બરનું બારણું ખોલીને અંદર પ્રવેશ્યા, અમારા અણધાર્યા ફરી આગમનની એ ક્ષણે એ મૂલાકાત આપવા માટે સજ્જ સ્ટાર મટીને નોકર સાથે વાત કરતા એક સામાન્ય બૉસ બની રહ્યા હતા. સામે ઉભેલા નોકરને એ પોતાના સામાન્ય એવા ચામડાના પાકિટમાંથી એક સોની અને બે-ચાર દસ દસની નોટો આપી રહ્યા હતા. નાકની મધ્ય સુધી ચશ્માની દાંડી ઉતરી ગઇ હતી અને તેની પછવાડેથી ફિક્કી આંખો વડે તેઓ તેની સાથે નજર જોયા પછી થોડો ક્ષોભ તેમના ચહેરા પર આવી ગયો. પણ છતાં એમણે “ બોલ રજની, ક્યા બાત હૈ?” એટલું કહ્યું અને ખસિયાણું સ્મિત કર્યું. મેં સહેજ સ્મિત કરીને એમને પુસ્તક આપ્યું, જે એમણે તરત હાથમાં લઇને “થેન્ક્સ” કહીને બાજુમાં મુકી દીધું. અને પછી હથેળી ફરકાવી. અમને બહાર જતા રહેવાનો વિવેકભર્યો એ સંકેત હતો. અમારે કંઇ વાત કરવાની તો બાકી હતી જ નહિ. અમે નીકળી ગયા અને એક પ્રોવિઝન સ્ટોર પર જઇને મિન્ટ્સ ખરીદી. અચાનક મારા સાથી મિત્રે તેમના વિષે “ચપટી અનાજનો માણસ” એવું વિશેષણ વાપર્યું ત્યારે મેં કહ્યું કે હવે એ વધુ દિવસો નહિ કાઢે, આ આગાહી નહોતી. તાર્કિક ધારણા હતી. કોઇ વ્યક્ત કરે કોઇ ના કરે, પણ પાંદડું પીળાશ પકડે એટલે ખરવાને ઝાઝી વાર નથી એ તો સૌ કોઇ સમજે જ.
એ રાતે અમે એક થિયેટરમાં જઇને “હમ દોનોં” જોયું અને અમારા દેવ આનંદનો ફરી કાયાકલ્પ કરી લીધો.
**** **** ****
4થી ડિસેમ્બર 2011, વહેલી સવારના સાડા છ! ટેલિફોનની ઘંટડી રણકી. મારા જેવા સાડા આઠ વાગે ઉઠનારાને આટલો વહેલો ફોન કદિ ના કરાય એમ સમજી શકનારા મિત્ર હરીશ રઘુવંશી સામે છેડે સુરતથી હતા, એમણે જરા ભારે સ્વરમાં સમાચાર આપ્યા. “દેવ આનંદ ગયા.”
એકી સાથે મનમાં તેમની કેટલીય છબીઓનું જાણે કે રીલ ઉખળી આવ્યું ‘મિલાપ’ના પોસ્ટરમાં જોયેલી એમની નવજુવાન સુરતની છબીથી શરુ કરીને અનેક અનેક બ્લેક એન્ડ વ્હાઇટ-કલરફુલ છબીઓની હારમાળા ધડધડાટ ચાલી અને છેલ્લે રીલને છેડે છેલ્લી 8-3-11 ની કંકાલ જેવી છબી પર આવીને અટકી ગઇ. પ્રોજેક્ટરનો ઘરઘરાટ અટકી ગયો. થિયેટરના પંખા ધીમી ગતીએ બંધ પડવા માંડ્યા અને પીળી બત્તીઓ જલી ઉઠી. હવે વિખરાવાનો સમય હતો.
પછી ઉંઘ તો આવી જ નહિ. ગમગીન થઇને બારી પાસે બેસી ગયો. અને ધીરે ધીરે કળ વળી એટલે મિત્રોને ફોન કરવાના શરુ કર્યા. પણ બપોરે બારેક વાગ્યે લંડનથી મિત્ર હેમંત જાનીનો ફોન આવ્યો, “દેવસાહેબ અહિ લંડનમાં જ અવસાન પામ્યા છે અને હું કોઇ પણ ભોગે તેમના અંતીમ દર્શન કરવા માગું છું. મારે તેમના ફોટા પાડવા છે પણ..”.
![]() |
આનંદ ઔર આનંદ: પિતાને શ્રદ્ધાંજલિ આપતા સુનિલ આનંદ |
વાત એટલી કે દેવ આનંદના જબરદસ્ત ફેન અને સારા ફોટો આર્ટિસ્ટ એવા હેમંત જાની એ સ્થળનો પત્તો મેળવવા માગતા હતા કે જ્યાં તેમનો નિશ્ચેષ્ટ દેહ પડ્યો હતો. તેમની અપેક્ષા હતી કે હું એ પત્તો મેળવી આપું. પણ એ વસ્તુ મારી પહોંચની બહાર છે એ માનવા કદાચ એ તૈયાર નહોતા. મેં જો કે કોશીશ કરવાની ખાતરી આપી, એ ફોન મુક્યા પછી મેં દેવ આનંદનો પર્સનલ મોબાઇલ નંબર “જો કદાચ કોઇ ઉપાડે તો..”.એ અપેક્ષાએ જોડ્યો. એ નંબર એમણે બહુ ઓછા લોકોને આપ્યો હતો. 98210 થી શરુ થતો એ નંબર મેં ચારેક વાર લગાડી જોયો, પણ સતત “નો રિપ્લાય” આવ્યો. જવાબ મળતો હતો “કોઇ ઉઠાતા નહિ, થોડી દેર કે બાદ પ્રયત્ન કરેં” આ જવાબ પણ કેટલો છેતરામણો હતો તે વિચારીને મન વધુ શોકમાં ગરકાવ થઇ જતું હતું. છેવટે મેં વિખ્યાત ગાયક અને મારા મિત્ર બંકીમ પાઠકને ફોન કર્યો કારણ કે તેમને દેવ આનંદના સેક્રેટરી મોહન સાથે સંબંધ હતો. (દેવ આનંદ તેમના કાર્યક્રમમાં હાજરી આપવા થોડા વર્ષો પહેલા અમદાવાદ આવેલા) બંકીમભાઇએ તરત કહ્યું કે તેમને હાલ તો લંડનની ‘વોશિંગ્ટન હોટેલ’માં, એ જ્યાં ઉતર્યા હતા ત્યાં જ રાખવામાં આવ્યા છે અને હજુ તેમના પરિવારજનો આવે ત્યાં સુધી બીજે રાખવાની વ્યવસ્થા થઇ રહી છે. આટલી વાત મેં હેમંત જાનીને પહોંચાડી કે તરત એમણે એમની સક્રિયતાને કામે લગાડી દીધી.
પછી તો એમના જ ફોન સતત આવતા રહ્યા અને મને “આંખો દેખા હાલ” મળતા રહ્યા. એમને લંડનના શાહી શબઘર (મોર્ગ)માં રાખવામાં આવ્યા છે અને છેક 10મી ડિસેમ્બરે તેમના અંતિમ સંસ્કાર થશે તે સમાચાર પણ તેમણે જ આપ્યા.રોજે રોજનો અહેવાલ એ આપતા રહ્યા.
પણ તેમના નિશ્ચેતન દેહના દર્શન બહારનો કોઇ માણસ કરી શક્યો નહિ. હેમંત જાનીએ જ કહ્યું કે તેમના કોફીનને ઇલેક્ટ્રિક ભઠ્ઠીના મુખ સુધી લઇ જવામાં આવ્યું અને ત્યાં આગળ એક પર્દા પાછળથી તેમના દેહને એમાં સરકાવી દેવામાં આવ્યો.
રૂપેરી પર્દા ઉપરના અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીના પર્દા પાછળના દેવ આનંદ શું એક જ હસ્તી હતા ?
(સંપૂર્ણ)