‘લખો બાવીસમી તારીખ.’ કાકાસાહેબ કાલેલકર/ Kakasaheb Kalelkar બોલ્યા. સાથે હતાં તે બહેને ચશ્માં ચડાવ્યાં. ડાયરી ખોલીને લખવા માંડ્યું : ‘બાવીસમી તારીખ... બોલો કાકાસાહેબ...’
‘સુરત સ્ટેશન આવે તે પહેલાં મહિનો પૂરો કરવાનો છે. ઝડપ કરજો લખવામાં – લખો બાવીસમી તારીખ... સવારે સાડા ચારે ઊઠ્યો. ઊઠીને પથારીમાં બે મિનિટ પ્રભુસ્મરણ કર્યું...પછી નિત્યકર્મ પતાવી ફરી થોડી પ્રાર્થના .... પછી હળવો વ્યાયામ...પછી...’
વચ્ચેના સ્ટેશને ગાડી ઊભી રહી...કાકાસાહેબને એ ગમતું નહીં. એમને ખલેલ પહોંચતી. ફેરિયાઓના અવાજો એમના કાન પાસે જ થતા હોય એવું લાગતું. ડાયરી લખાવવાનું એટલી વાર અટકી પડતું. આ વખતે પણ અટકી પડ્યું. ભરૂચ કે એવું કોઈ મોટું સ્ટેશન હશે. ગાડી સારી એવી વાર ઊભી રહી. અને એમના ફર્સ્ટ ક્લાસના ડબ્બા આગળ થોડો કોલાહલ પણ થયો. કદાચ કોઈ મોટા માણસને મૂકવા ઘણા બધા માણસો આવ્યાં હશે. ગાડી ઊપડી એટલે ઝડપથી એક પ્રૌઢ અને બંડી-ઝભ્ભો-ધોતીવાળો માણસ અંદર દાખલ થયો. એના આવવાથી ડબ્બો મહેંકી ઊઠ્યો. એના હાથમાં ફૂલોના હાર હતા, જે એણે જગ્યા ઉપર નાખ્યા અને પછી બેફિકરાઈથી એ જગ્યા ઉપર બેસી ગયો.
ગાડી ઊપડી. ફરી કાકાસાહેબે શરૂ કર્યું : ‘બાવીસમી તારીખમાં હવે આગળ લખો. લખો... પછી અર્ધો કલાક કાંત્યું અને પછી...’
‘અરે કાકાસાહેબ, આપ ?’ એકાએક પેલા સજ્જને ઊભા થઈને એમની નજીક આવીને કહ્યું : ‘ક્યાં સુધી જાઓ છો આપ?’
કાકાસાહેબને ઓળખાણ ન પડી. કોણ હશે આ પૂછનાર વ્યક્તિ ? એમણે જવાબ આપ્યો : ‘મુંબઈ જાઉં છું. પણ આપ કોણ ? આપની ઓળખાણ ?’
એ વ્યક્તિ – ચં.ચી.મહેતા/C.C.Mehta – સહેજ ઝંખવાયા.સાહિત્યકાર, નાટ્યકાર તરીકે એ વખતે બહુ જૂના તો નહોતા થયા, પણ એમ કંઈ સાવ નવા પણ નહોતા. કાકાસાહેબને અનેક વાર મળવાનું બન્યું હતું. ગોષ્ઠિઓ થઈ હતી. છતાં...ખેર, ચહેરાઓ એમને હવે યાદ નહીં રહેતા હોય. ઉંમર થઈ. મન પર ન લેવું. બોલ્યા : ‘હું ચં. ચી. મહેતા....’
‘કોણ ચં.ચી.મહેતા, ભાઈ?’ કાકાસાહેબે બિલકુલ ઠંડા સ્વરે ઉમેર્યું : ‘મને ઓળખાણ ન પડી.’
હવે ચં.ચી.મહેતા ખરેખર અંદરથી થોડા છોભીલા પડી ગયા. સ્ટેશને પોતાને મૂકવા આવેલું પ્રશંસકો – મિત્રોનું મોટું ટોળું અને ફૂલોના હાર યાદ આવી ગયા. એ બધું શું આ ડબ્બામાં પ્રવેશતાં સુધી જ ? અને આ ડબ્બાની અંદર તો હજી પણ ‘કોણ ચં.ચી.મહેતા ?’ એમણે જરા રોષથી કાકાસાહેબ સામે જોયું. પણ એ તો હજીય ભોળે ભાવે પૂછતા હતા : ‘કોણ ચં. ચી. મહેતા ?’
ખૂબ લાંબો અને તીખો જવાબ ચં. ચી. મહેતાના મોંએ આવ્યો. પણ વળી એમણે સંયમ રાખ્યો : ‘લેખક છું. કવિ છું.’
‘એમ ? કયા નામે લખો છો ?’
યુવાનવયે ચં.ચી. મહેતા: ' કાકાસાહેબ, આપ ભૂલી ગયા..' |
‘દિલગીર છું ભાઈ !’ કાકાસાહેબ ક્ષમાયાચનાના ભાવ સાથે ધીરેથી બોલ્યા : ‘થોડો થોડો સ્મૃતિભ્રંશ થતો જાય છે, શું નામ કહ્યું તમે ભાઈ ? ચં.ચી....?’
‘ચં. ચી. મહેતા.’ ચં. ચી. મહેતા બોલ્યા અને એમના હોઠ જરા વંકાયા.
‘ડાયરી લખીશું આગળ, કાકાસાહેબ ?’ સાથેનાં બહેને પૂછ્યું :
‘નહીં બહેન.’ કાકાસાહેબ બોલ્યા: ‘થોડી વાર આ ભાઈ....કોણ ? હા, ચં. ચી. મહેતા સાથે વાતો કરું.’
‘તમે વાતો કરો...’ બહેન બોલ્યાં : ‘હું જરા ટોઈલેટમાં જઈને ફ્રેશ થઈ આવું.’
બહેન ટોઈલેટમાં ગયાં. કાકાસાહેબ નિષ્ક્રિય બેઠા રહ્યા. ચં. ચી. મહેતા એમની નજીક આવ્યા, ડાયરી હાથમાં લીધી : ‘કાકાસાહેબ, આ એક સેવા કરવાની તક આપો.’
‘શું ભાઈ ?’
‘પેલાં બહેન આવે ત્યાં સુધી હું ડાયરી લખી આપું.’
‘ના રે ભાઈ, એવી તકલીફ શા માટે ? એ તો હમણાં આવશે.’
‘કાકાસાહેબ !’ ચં. ચી. મહેતા વિનંતીના સ્વરમાં બોલ્યા : ‘આપની ડાયરી લખી આપવાનું સદ્દભાગ્ય મને પછી ક્યારે મળશે ?’ એમણે પેન હાથમાં લીધી. ડાયરી ખોલી. બોલ્યા : ‘હજુ બાવીસમી જ ચાલે છે. આપ હજુ સવારના કાંતણ સુધી જ પહોંચ્યા છો. આપ આગળ બોલો.’
કાકાસાહેબે પોતાની ટપકાવેલી નોંધ જોવા માંડી અને પછી એમાંથી આગળ બોલવા માંડ્યા: ‘પછી આવેલી ટપાલો જોઈ. પૂ.બાપુના પત્રનો જવાબ લખ્યો અને એમાં લખ્યું કે આપ લખો ત્યારે હું વર્ધા આવી જવા રાજી છું. આપના આદેશની રાહ જોઉં છું. અને પછી બિહારના મહિલા કાર્યકરનો પત્ર વાંચીને તેના જવાબમાં લખ્યું કે...’
![]() |
ચં.ચી. મહેતા: 'તમારો સ્મૃતિભ્રંશ હવે તમને નહીં પીડે..' |
કાકાસાહેબ પણ રાજી હતા. ‘ઝડપથી લખે છે – ભલે લખે – લખવા દો એમને. નવા સાહિત્યકાર છે. લખવાનો એમને મહાવરો થવા દો.’
વળી ડાયરીલેખન આગળ ચાલ્યું. કાકાસાહેબે ઝીણી નજરે નોંધો જોઈ. પછી વિસ્તૃત કરીને લખાવતા ગયા. એમ કરતાં માર્ચ પૂરો કર્યો.
‘કાકાસાહેબ !’ ચં. ચી. મહેતા બોલ્યા : ‘ડાયરી લખવામાં મને એટલો બધો તો રસ પડ્યો કે થાય છે કે મુંબઈ સુધી આપની સાથે આવું. છેવટે માર્ચના તેત્રીસ દિવસ હોત તો બાકીના બે દિવસ પૂરા કરવા વલસાડ સુધી તો સાથે આવત જ. પણ માર્ચ પૂરો થયો અને સુરત પણ આવી ગયું, અને હવે તો પહેલી એપ્રિલ શરૂ થાય.’
એમના બોલવાની સાથે જ ગાડી ઉભી રહી. સ્ટેશન આવી ગયું, એટલે ચં. ચી. મહેતાએ ડાયરી બંધ કરીને બહેનના હાથમાં આપી દીધી.કાકાસાહેબનો ચરણસ્પર્શ કર્યો અને પછી ઝડપથી ઊતરીને પ્લેટફોર્મ પરની ભીડમાં અદૃશ્ય થઈ ગયા. પણ અદૃશ્ય થતાં પહેલાં એક વાક્ય એ ડબ્બાના બારણે ઊભા રહીને બોલ્યા : ‘કાકાસાહેબ, હવે મને ખાતરી છે કે તમે મને ક્યારેય નહીં ભૂલો.’ કાકાસાહેબે વાક્ય સાંભળ્યું એની એમને ખાતરી થઈ, છતાં ફરી બોલ્યા : ‘તમે ધારશો તો પણ મને નહીં ભૂલો. તમારો સ્મૃતિભ્રંશ હવે તમને નહીં પીડે, કાકાસાહેબ! લ્યો, આવજો’
કાકાસાહેબને અને પેલાં બહેન બન્નેને એમનું વાક્ય તો સમજાયું, પણ વાક્ય ઉપર અપાતો ભાર ન સમજાયો. છતાં એમણે ‘આવજો’ની મુદ્રામાં હાથ ફરકાવ્યા અને પછી ભીડમાં ચં. ચી. મહેતાને અદૃશ્ય થતા જોઈ રહ્યા...
સુરત સ્ટેશન છોડીને ગાડી આગળ વધી. બહેને ડાયરી ખોલી. કાકાસાહેબે નોંધ કાઢી અને બહેનને પૂછ્યું : ‘છેલ્લે હું ક્યાં સુધી પહોંચ્યો હતો એ વાંચો જોઉં ?’
![]() |
કાકાસાહેબ: 'હું તમને ક્યારેય નહીં ભૂલી શકું.' |
કાકાસાહેબનો ચહેરો થોડી વાર તમતમીને ફરી ઋષિવત્ થઈ ગયો. એ મુક્તપણે ખડખડાટ હસ્યા અને પછી સુરત સ્ટેશનની દિશામાં ચાલુ ગાડીએ હાથ ફરકાવીને બોલ્યા : ‘સાચી વાત છે. હવે હું તમને ક્યારેય નહીં ભૂલી શકું ચં. ચી. મહેતા...જુઓને, હવે તો હું તમારું નામ વગર અટક્યે અને વગર યાદ કર્યે બોલી શકું છું- ચં. ચી. મહેતા, ચં. ચી. મહેતા....’
મને આ વાત કરનાર ચં. ચી. મહેતાના અંતરંગ મિત્ર જૂનાગઢના (હવે તો સ્વર્ગસ્થ) બચુભાઇ રાજાએ કહ્યું કે કાકાસાહેબ જ્યારે ચં.ચી. મહેતાને બીજી વાર મળ્યા ત્યારે વારંવાર એમનું નામ મોટેથી ઉચ્ચારીને એમની આ મીઠી મજાક પર ખૂબ હસ્યા હતા. અને પ્રેમપૂર્વક ભેટ્યા હતા.
(નોંધ: પ્રથમ બે તસવીરો નેટ પરથી લીધેલી છે, જેની પર ક્લીક કરવાથી તેની લીન્ક પર જઈ શકાશે.)
(નોંધ: પ્રથમ બે તસવીરો નેટ પરથી લીધેલી છે, જેની પર ક્લીક કરવાથી તેની લીન્ક પર જઈ શકાશે.)