મનમાં અને મનમાં વિચારોનો ચરખો ચલાવ્યો. કઇ રીતે ? કે એમ કોઈ આપણને બનાવી જાય એ વાતમાં માલ નથી. હું ‘ભનુભાઇ જ્વેલર્સ’ને ત્યાં જતો હતો ત્યાં ટ્રાફિક સિગ્નલ પાસે હસુએ પોતાની બાઇક આડી નાખી. મને પૂછે કે ક્યાં ઉપડ્યો? મેં કહ્યું, “સારા સમાચાર છે, ઘેર જિગાનાં વાઇફને ખોળો ભરવાનો પ્રસંગ છે, તને જૂનો ભાઇબંધ હોવા છતાં નહોતું કે’વાર્યું, કારણ કે તારી ભાભીએ લાલ આંખ કરીને કહ્યું છે કે બૈરાંનો પ્રસંગ છે, તમારા કોઇ ફ્રેન્ડને કહેવાનું નથી, તારે કોઇ વાઇફ હોત તો કે’વારત પણ તારે ક્યાં....હેં હેં ..હેં..!”
"પણ બે મિનીટ મારા માટે કાઢ." |
હસુ કહે, “ એટલે તનેય ઘર બહાર કાઢી મૂક્યો એમ કહે ને.”
“ના રે..” મેં ગાડીને એક તરફ તારવીને ઉભી રાખી દીધી, “હું તો વહુ માટે નાકની ચુની લેવા જાઉં છું.” પછી બોલ્યો, “અમારામાં રિવાજ છે,પગે લાગે ત્યારે સસરાએ વહુના ખોળામાં ચુની નાખવાની. ચુની એ નાકનું પ્રતિક છે, વહુ ઘરનું નાક ગણાય. ”
”મુબારકબાદી.” હસુ બોલ્યો: “પણ બે મિનિટ મારા માટે કાઢ. આ સામે જ હૉસ્પિટલ છે મારે તને ત્યાં લઇ જવો છે.”
“વાસ્તે ?”
“વાસ્તે કાંઇ નહિ, બસ, થોડો ટાઇમ કાઢ,ચાલ.”
વખત હતો. આમેય આળસુનો પીર ‘ભનુ જવેલર્સ’ હજુ ખુલ્યો નહિં હોય. તો બે ઘડી ટાઇમ પાસ, ચાલ.
**** **** ****
સમજી લેવું કે ગરીબોના વૉર્ડમાં બધા ગરીબ જ હોય એ જરૂરી નથી.
જેમ કે ગાંધીનગરમાં બધા (લગભગ કોઇ) ગાંધી નથી. સરનેમ ગાંધી હોય એ વાત જુદી. બાકી આમ નહિ. માથે લખ્યું હતું: “શેઠશ્રી જેજેચંદ શ્રીચંદ શાહ ગરીબ વોર્ડ” શું શેઠશ્રી જેજેચંદ ગરીબ હતા ? છતાં એમના નામની પછવાડે આમાં ‘ગરીબ’ શબ્દ ચોંટ્યો કે નહિ? મને આવા ઑડિટ કરવા બહુ ગમે. એમ આમાંય ! ભોંય પર જેની પથારી હતી એવો એક માથે પાટાપીંડીવાળો ખેંખલી જણ કાને મોબાઇલ વળગાડીને બેઠો હતો ને ગાણાં સાંભળતો હતો. જ્યારે હસુ મને જે ખાટલે લઇ આવ્યો એ દર્દીની કહેવાતી ‘ગરીબ’ ધણીયાણીના કાનમાં સોનાનાં ઠોળીયાં ચમકતાં હતાં ! મારી તો ચકોર નજર ! મને કોઇ બનાવી જાય એ વાતમાં માલ નથી. જ્યારે હસુ તો સાધારણ નોકરિયાત, છતાં દાનેશ્વરી કર્ણનો અવતાર! મને કહે, “આ બાઇ નાકની ચૂની ગીરવે મૂકીને એક હજાર રૂપિયા લઈ આવી ને ઘરવાળાને અહિં લઇને આવી. બોલ, સુરેશ, હદ છે ને ?”
ગરીબોના વોર્ડમાં બધા ગરીબ જ હોય એ જરૂરી નથી. |
હું એમ તે કાંઇ વાતમાં આવી જતો હોઇશ ? તરત કહ્યું : “ તું ગમે તે કહે, હસુ. પણ બાઈ આપણને મુરખ બનાવે છે. બે વાતમાં.”
“એમ ?” એને કપાળે કરચલી પડી : “કઈ કઈ વાતમાં ?”
“એક તો તારા કહેવા મુજબ તને એ કહેતી હતી કે પોતાના લગ્નને પંદર વરસ થયાં, તને એ સાચું લાગે છે ? તું ખુદ જો. એ દેખાય છે અઢાર-ઓગણીસની. છોકરૂંય વરસ દિવસનું માંડ લાગે છે. એ એક વાત એ ને બીજું એ કે તે કહ્યું કે એના ઘરવાળાની સારવાર માટે રૂપિયા નહોતા ને નાકની ચૂની રાખીને હજાર રૂપિયા લઈ આવી એ એનું છેલ્લું ઘરેણું હતું. જ્યારે તું જોઇ શકે છે કે એના કાનમાં પીળા ધ્રમ્મક હેમના ઠોળીયાં ઝૂલે છે.”
“એક તો તારા કહેવા મુજબ તને એ કહેતી હતી કે પોતાના લગ્નને પંદર વરસ થયાં, તને એ સાચું લાગે છે ? તું ખુદ જો. એ દેખાય છે અઢાર-ઓગણીસની. છોકરૂંય વરસ દિવસનું માંડ લાગે છે. એ એક વાત એ ને બીજું એ કે તે કહ્યું કે એના ઘરવાળાની સારવાર માટે રૂપિયા નહોતા ને નાકની ચૂની રાખીને હજાર રૂપિયા લઈ આવી એ એનું છેલ્લું ઘરેણું હતું. જ્યારે તું જોઇ શકે છે કે એના કાનમાં પીળા ધ્રમ્મક હેમના ઠોળીયાં ઝૂલે છે.”
જાણે કે હું સી.આઈ.ડી. સિરીયલનો એ.સી.પી. પ્રદ્યુમન હોઉં.... |
હું સિરીયલો બહુ જોઉં. ‘સી આઇ ડી’ જેવી કેટલીક તો ક્યારેય છોડું જ નહિ ને! એમાંથી બહુ શિખવાનું મળે છે, ગમે તે ઉમરે બ્રેઇનની એક્સરસાઇઝ કરાવે. એનાથી સવાલો કરવાની શક્તિ પેદા થાય, આપણને કોઇ છેતરી ના જાય. એટલે મારા આવા બોલવાથી હું સી આઇ ડી સિરિયલનો એ. સી. પી પ્રદ્યુમ્ન હોઉં ને આખી હોસ્પિટલ એ જાણે કે કલર ટી.વી.નો એલ.સી.ડી સ્ક્રીન હોય એમ હસુ મારી સામે જોઈ રહ્યો. બીચારો સેવાના ધખારાવાળો જીવ. એની સામે મેં ભવાં ઉલાળ્યાં ને લમણે આંગળી મૂકીને કહ્યું : “મૂળ શું ! આવી બધી પોલ પકડવા માટે બ્રેઈન જોઈએ, બ્રેઈન, ડેવલપ્ડ બ્રેઇન !”(સ્વગત: જે તારામાં નથી.)
આટલી વાત થઈ ત્યાં પેલીના ઘરવાળાએ ઉંહકારો કર્યો તે બાઈ એના તરફ દોડી. દૂર એક ડોશી બેઠેલાં. તે છોકરું જઇને એમની પાસે રમવા માંડ્યું. મેં હસુને પૂછ્યું : “ ઓહોહો, તને ભગવાન બુધ્ધ જેવી આ કરૂણા ઉપજી તે પૂછું છું કે છે શું આ બધું ? આ કેસ શેનો છે ?”
“ મલ્ટીપલ ફ્રેક્ચરનો” એ બોલ્યો : “પોતાના ખેતરમાં આ માણસ માંચડો બાંધીને વધુ પાણી મેળવવા માટે કૂવામાં શારડો ફેરવતો હતો. એમાં માંચડો કડડભુસ! ને આવડો આ સીધો મોંભારીયા અંદર ! માથે માંડણના લાકડાં પડ્યાં.”
“જોયું ને !” મેં કહ્યું : “ આનો મતલબ શું થયો? જેમાં કૂવો હોય એવું એક ખેતર પણ એની પાસે છે. હમણાં જો તું. બ્રેઈન વાપરીને કેવી કેવી હકીકતો કઢાવું છું એની પાસેથી.”
“ઘર છે ?” મેં દરદીને પૂછ્યું.
“છે.”
“બળદ ?”
“છે.”
“જો દયાળુના દિકરા!” મેં હસુને કહ્યું : “આને જમીન છે, કુવો છે, બળદ છે, બાળક છે, બૈરી છે ને બૈરીનો દાગીનો પણ છે. હમણાં બાઈ બોલતી હતી એમ ગામ, કયું ગામ કહ્યું ? હા, તાલુકા સેન્ટરથી માત્ર છ કિલોમીટર દૂર આવેલા એના ગામે એના સગાવહાલાંના પચીસ-ત્રીસ ઘર પણ હશે જ. હવે તું જ કહે કે આ માણસ, શું નામ ? અરે જે હોય તે, હા, હવે તું જ કે’ કે આદિવાસીને કંગાળ કઈ રીતે કહેવો ? ને તું એને તારા સાંકડા ખિસ્સામાંથી મદદ કઈ રીતે આપવાનો ?” વળી મેં મારે લમણે આંગળી ધરીને કહ્યું : “જરી, અરે, જરીક જ, બ્રેઈન વાપરતો હો તો ! બધુ દીવા જેવું દેખાય. કોઈની વાતમાં એમ આવી ના જવાય , શું ?”
" જમીન છે એક વીઘું. એ પણ લગભગ ખરાબા જેવી." |
એટલામાં ડૉકટર આવ્યા ને થોડી ચહલપહલ થઈ. ડૉકટર આ દર્દીને જોવાનું પડતું મૂકીને બાળકને જોવા માંડ્યા. મેં હસુને પૂછ્યું : “આ અરધટેણીયાને વળી શું થયું છે ?”
“ટેણીયો નથી.” એ બોલ્યો : “ટેણી છે. એનું નામ નાથી છે. અરે, એ તો બાર મહિનાની હતી ત્યારે તો ‘આજે જાઉં, કાલે જાઉં’ કરે એવી માંદી પડી ગયેલી એમ એની મા કહેતી હતી. આ બચાડી એની મા, તે ધણીને સંભાળે કે આ નખની કટકીને ! અહિં પણ માંદી પડી પણ માંડ માંડ મેં દવા-ઇંજેક્શન લાવી આપ્યા ને માંડ બચાવી. જોયું ને ?આજે ડૉકટરે પહેલાં એના ખબર-અંતર પૂછ્યાં.”
“એમાં આપણે શંકા નથી કરતા.” હું ઠાવકાઈથી બોલ્યો : “હશે. ટેણી માંદી પડી હશે. એને ઢોંગ કરતાં ના આવડે. બાકી આ આદિવાસી લોક તો મને ને તમને ઘોળીને પી જાય એવા. આ તો ઠીક કે આપણે જરા....” વળી મારો હાથ ‘બ્રેઈન’ તરફ જવા કરતો હતો ત્યાં પાછો વાળી લીધો. પછી બહુ કરીએ તો ખરાબ લાગે, એમ બ્રેઈનમાં જ ઉગ્યું.
દર્દીને ખાટલામાં કોઈક દવા પીવડાવવા બેઠો કર્યો. ને એને માથે મેં વળી ચોટલી ફરફરતી દેખી. તરત જ મનમાં શંકા થઈ. હશે કોઈ ઉચ્ચ વર્ણનો ને આદિવાસીમાં ખપવા માટે નામ બદલી નાખ્યું લાગે છે. છેતરપિંડી નખથી શિખા લગીની ! હદ છે !”
“કઈ જ્ઞાતિ ?” મેં એને પૂછ્યું.
“માળીવાડ - આદિવાસી માળીવાડ, પંચમહાલ તરફના” એ ક્ષીણ અવાજે બોલ્યો, વળી મેં એની નજર નોંધીને એની ચોટલી સામે જોયું. એ સમજી ગયો. તે બોલ્યો : “અમે ચોટલી રાખીએ.”પછી બોલ્યો: “નહિ તો દેવ કોપે .”
“ખેતીવાડીમાં મઝા છે ને ?”
“શેની ખેતીવાડી ?” એ મરકીને બોલ્યો : “અમે બેય જણાં મજૂરીએ જઈએ ત્યારે માંડ વરસ ઉકલે.”
“કેમ ? મેં પૂછ્યું : “જમીન છે, કુવોય છે - નથી ?”
‘જમીન ? એણે કહ્યું : “માણસના ખિસ્સામાં ભલેને છેલ્લો એક પૈસો પડ્યો હોય તોય ‘પૈસા’વાળો તો કહેવાય જ ને ! એમ હું જમીનવાળો.”
“મતલબ ?”
“જમીન છે એક વીઘું.” એણે વીઘાને બદલે વીઘું બોલીને જાણે કે એકડો કરતાં કરતાં મીંડુ ઘુંટી દીધું. બોલ્યો : “એ પણ લગભગ ખરાબા જેવી- એમાં થોડી મકાઈ, થોડી બાજરી વાવીએ. થાગડથીગડ ગણાય. એમાં મરીયલ જેવા અમારા બળદનુંય માંડ પુરૂં થાય. એમાં વળી આ વરસે દુકાળ, તે કુવાના પાણી ઉંડા જતા રહ્યા. તે શારડો ફેરવવા બેઠો ને જઈ પડ્યો સીધો કૂવામાં. કૂવામાં ખાટલો ઉતારીને મને બહાર કાઢ્યો.”
કૂવામાં ખાટલો ઉતારીને બહાર કાઢ્યો. |
“અરે” વચ્ચે જ બાઈ બોલી : “સાવ સત વગરના થી ગયેલા .”
“સત વગરના!” વળી મેં મગજને કામે લગાડ્યું સત એટલે શું ? સત....સધ...શધ...શુદ્ધ....શુદ્ધિ મેં પૂછ્યું, “એટલે શુદ્ધિ વગરના ?”
હવે “શુદ્ધિ”નો અર્થ એ ના જાણે .બોલી : “બેભાન - બેભાન.”
“પછી ?”
“પછી તરત દવાખાને તો લઈ જવા પડે ને ! પણ રૂપિયા વગર તો બહાર ડગલું ન દેવાય. હું રૂપિયા ખોળવા ઠેરઠેર ભટકી, પણ ના મળ્યા.”
“કેમ તમારા સગાંવહાલાં પચ્ચીસ-ત્રીસ તો હશે ને ?કોઇ ના ધીરે ?”
હસુ ક્યારનોય આ સાંભળતો હતો તે હવે બોલ્યો:”એના સગાંવહાલાં હોત તો હું અહિં શેનો ઉભો હોત, સુરેશ ?”
ત્યાં તો બાઇ જ બોલી : “પણ સગાંવહાલાંય પાછા અમારા જેવાં જ ને ! ખિસ્સે ખાલી તે ડાચું વકાસીને ઉભા રે. પછી શું કરૂં ? નાકની ચૂની મૂકીને હજાર રૂપિયાનો મેળ કર્યો,બસ, એ છેલ્લો જ દાગીનો.”
“સાવ ખોટ્ટું બોલવું હોય તો બહેન, સાચું લાગે એવું ખોટ્ટું બોલો.” મારાથી ના જ રહેવાયું તે બોલ્યો. પણ વ્યંગની ભાષા આ લોક શું જાણે ?એટલે પરદો ચીરી જ નાખ્યો, ચોખ્ખું જ પૂછ્યું:“કેમ છેલ્લો?” મેં હસુભાઇ ભણી જોઈને આંખ મિચકારી, ને પછી પૂછ્યું : “આ ઠોળીયાં તો બેય કાને ઝગમગ ઝગમગ થાય છે. કેટલા ? બે – ચાર-પાંચ હજારના તો હશે જ ને ! એ દાગીનો ના કહેવાય ?”
બાઈને હસવું આવ્યું. ઠે....એ....એ...એ...એ....એણે મોં આડો સાડલાનો ડૂચો દીધો : ‘અરે ભાઈ, એ તો પાંચ રૂપિયાવાળા છે. ખોટા છે, ખોટા વધારે ઝગમગે. એટલે શું સાચા થઈ ગયા ?”
![]() |
" પછી શું કરું? નાકની ચૂની મૂકીને હજાર રૂપિયાનો મેળ કર્યો." |
બ્રેઈનમાં એટલે કે મગજમાં જરા સટાકો બોલી ગયો. આવું તો આપણે વિચારેલું જ નહીં. ઠીક પણ એટલું સમજી લેવું કે આપણે ત્રિકાળજ્ઞાની નથી. ધોખો ના કરવો. મગજને ક્યાં આંખો હોય છે !
“ઠીક, પછી ?”
“પછી કોઇએ કીધું કે શહેરમાં ટ્રસ્ટના દવાખાના ભેગા કરો એટલે પછી અમદાવાદ લાવી.”
“એકલાં જ ?”
“એકલાં કેવી રીતે અવાય ? જનમ ધરીને પહેલી જ વાર અમદાવાદ જોયું. શહેર કોને કહેવાય એ જ ખબર નહીં.”
“હશે - પછી ?”
“અમારી ભેગો અમને મૂકવા મારો પાડોશી સુમરો ગોઠી આવેલો. પણ એની પાસેય રૂપિયા ના મળે. અહીં લગી ભૂખ્યા તરસ્યા જ આવેલાં. કારણકે ભૂખ ભાંગવા બેસીએ તો વેંત (નાણાંનો) તૂટી જાય. અમે તો કરગરીને કહ્યું કે રૂપિયા નથી. આપવો હોય તો આશરો આપો, નહિતર આમ ને આમ પાછા જતા રહીએ. ત્યાં આ હસુબાપા મળી ગયા. રૂપીયા એમણે ભર્યા.આમ જગ્યા તો મળી, ખાટલો બી મળ્યો. પણ અમારે ખાવાપીવા તો એક ટંક જોઈએ ને ? વળી થોડીક દવા બહારથી લાવવી પડે. છોકરું છે એને દૂધ-ચા કરવા પડે. આમાં ને આમાં ભાઈ બસોમાંથી ઘટતા ઘટતા રૂપિયા ત્રણ રહ્યા ને સુમરા ગોઠીને પાછો અમારે ગામ મોકલ્યો. એક તો એટલા માટે કે એ અહિં રહે તો એનો ખર્ચો કેટલો બધો આવે ! ને બીજું પછી પાછો વધારે નાણાંનો જોગ તો કરવો ને !”
“ક્યાંથી કરવાના હતા ?” ઉલટતપાસ લીધી તો પૂરી લેવી જોઈએ. એની બધી વાત જેમની તેમ સાચી ના માની લેવાય, આપ્ણે આપણું મગજ તો ચલાવવું જ જોઇએ. પૂછ્યું : “તમે કહ્યું ને કે નાકની ચૂની એ તો છેલ્લો જ દાગીનો હતો ?હવે રહ્યું શું? એ ક્યાંથી પૈસા લાવી શકવાનો હતો ?”
સ્ત્રી નીચું જોઈ ગઈ .વીસ વરસની ઉંમર પર એકાએક બીજા વીસ વરસનો થર ચડી ગયો. ઘરવાળા સામે સંકોચની નજરે જોયું. ઘરવાળાની આંખમાં બધુ ભખી જવા માટે ઘરવાળી પ્રત્યે ઠપકાનો ભાવ ઝબકી ગયો. છતાં એ તો અંતે બોલી જ : “ ચુની તો...” એણે અડવા નાકે આંગળી અડાડી અને ચમકીને પાછી લઇ લીધી: “...હવે પાછી આવી રહી. રહ્યા જમીન અને બળદ, તે ગીરો મૂકી દેવા માટે મોકલ્યો, સુમરા ગોઠીને. કાકા, દોઢસો બસો તો એની ઉપર મળશે જ ને .”
આલ્લેલે, મને ‘કાકો’ કીધો ! કાકો તે કઇ તરાહનો ?પણ છતાંય મગજને જાણે કે કોઈએ વીજળીનો ટાઢો આંચકો આપ્યો. સૌભાગ્યની નિશાની ચુની તો ગઇ તે ગઇ જ, પણ હવે દોઢસો બસો રૂપિયામાં જ જમીન અને બળદ ? અને પછી ? એ ખૂટે એટલે શું ? ઘરવાળાનું તૂટેલું અંગ તો પણ દુરસ્ત ના થાય તો ? તો શું ? ને નાકનમણ એવી ચુની ગીરવી મુકી છે એને છોડાવવાની વાત તો ભૂલી જ જવાની ને ?
નીચે જોયું તો બાળક ઘુઘવાટા કરતું એકલું એકલું રમતું હતું.
“લગ્નને કેટલાં વરસ થયાં ?” મેં પૂછ્યું.
“પંદર” એ બોલી : અમારામાં તો પાંચ વર્ષની ઉંમરે છોકરીને પરણાવી દે. એણે બાળકી તરફ આંગળી ચીંધી : “ચાર વરસ પછી આનાય ફેરા ફેરવી દેવા પડશે.”
“અરે !” મેં કહ્યું : “તમારો પંદર વરસનો ઘરવાસ. છોકરૂં તો ઠીક આ એક જ. પણ કાંઈક તો આટલાં વરસમાં રળી રળીને ગાંઠે બાંધ્યું કે નહીં ? ભલે રોકડ નહીં તો કંઈ નહીં, પણ ઠામ,ઠોચરાં,લૂગડાં.” વળી વિચાર આવ્યો તે કહ્યું:” ભલે પરસેવાના પૈસા હોય પણ એમ પરસેવાની જેમ રેલાવી થોડા દેવાય ? કાંઇક તો બચાવવા જોવે કે નહિં.”
બાઈ બોલી નહીં. પણ બોલતી નજરે મારી સામે જોયું. મારાથી એના અંગ પરના સાડલા તરફ જોવાઈ ગયું. એનો સાડલોય ઘણું ઘણું બોલે એવો.
ત્યાં જ હસુભાઇ બોલ્યા : “બહુ ખોદ નહીં તો સારું, દોસ. બાઈના અંગ પર આ એક ફાટેલો સાડલો તું જો છો ને એ એક જ. એને ધોવાનો થાય ત્યારે બીજા કોઈનો ઉછીનો માગીને પહેરવો પડે - રહેવા દે સુરેશ, એ વાત રહેવા દે. તું જે જગતમાં રહે છે એ જગતથી હદપાર આ લોકો જીવે છે. તેં તો એને અમદાવાદ કેટલામી વાર જોયું એમ પૂછ્યું, અરે અમદાવાદ તો ઠીક એણે પહેલીવાર જોયું પણ પૂછ, ટી.વી; નાટક, સિનેમા કેવા હોય એની એને ખબર છે ? અને તું હમણાં પૂછતો હતો કે ઘર છે ?
ત્યારે એણે હા પાડી. કારણકે ચાર વાંસડા અને પરાળને ટેકે ઉભાં કરેલા છાપરાંને એ ‘ઘર’ કહે છે કે જેનાં ઉપર એણે ખાખરાં અને સાગટાનાં પાન છાવરેલાં છે. જેમાંથી ચોમાસામાં હરરોજ પાણી ચૂએ છે. એને એ “ઘર” કહે છે. કારણકે એમાં એની ઘરવાળી સાથે એ રહે છે. અને એમાં એને ત્યાં “લક્ષ્મીજી” પધાર્યા છે. એને કોઈને સહારે સાચવવા મૂકીને પોતાના ખેતરનું થોડું કામ પતાવીને એ બન્ને વગડામાં મજૂરી કરવા ચાલ્યા જાય છે. મરચાં વીણવા જાય. ખાડા ખોદવા - રેલ્વેની ચોકડીઓ ખોદવા જાય. જણને રોજના રૂપિયા વીસ મળે ને બાઈને દસ. કોઈક દિવસ એમાંય ખાડો પડે. કારણ કે કોઈ દિવસ માંદગી, કોઈ દિવસ ક્યાંય લગ્નમરણ હોય ને કોઈ દિવસ કામ જ મળ્યું ના હોય ત્યારે એકાદ ટંક નકોરડો ખેંચી કાઢવો પડે.”
ઉપર એણે ખાખરા અને સાગટાનાં પાન છાવરેલાં છે, જેમાંથી ચોમાસામાં હરરોજ પાણી ચૂએ છે. |
“બસ, બસ.” મેં કહ્યું : “કોઇ કહે એ બધું સાચું ના માની લેવું. આ લોકોને તો એકાદ ટંક પેટપૂરણ ખાવા મળે તો પણ ઘણું. એ લોકોના હાડ જ ભગવાને એવા ઘડ્યા હોય છે પછી બાઈ તરફ જોઈને મેં પૂછ્યું : “રોજ રોજ જમવામાં શું લ્યો ?”
“રોજ રોજ ?” એ બોલી : “અરે, રોજ રોજ તે ક્યાંથી જમવાનું હોય ! હોય ત્યારે મકાઈના રોટલા, છાશમાં બોળી બોળીને......”
જમવાનું હોય ત્યારે મકાઈના રોટલા, છાશમાં બોળી બોળીને. |
“શાક ?”
“બાફેલું કરીએ ! વઘાર મોંઘો પડે મારા બાપ, તેલ કેટલાં મોંઘા ?”
દરદીને જરા જરા ઉધરસ આવવા માંડી. બાઇ એ તરફ ચાલી.મેં હસુભાઇ તરફ ફરીને પૂછ્યું : “તને આ લોક ખરા ભટકાઈ ગયા ?”
“અરે, જરા મારી બાઇકની ટક્કર આ બાઇને લાગી ગઇ, એના હાથમાં આ બાળક માટે દૂધ હતું તે ઢોળાઇ ગયું તે વળી મને જરા દયા આવી તે નવી કોથળી લઇ આપી. બાઇક પાછળ બેસાડીને અહિં લગી આવ્યો ત્યાં આ બધું જોયું. જોયું તો આ લોકો એડમિટ થવા માટે ટટળતા હતા, તે પછી....”
પછી શું થયું એની વાત તો બાઇએ જ કરી હતી.
”ચાલ ત્યારે, હું જાઉં.” મેં કહ્યું” હું એમ નથી કહે તો કે બધા જ ખોટા હોય છે પણ......”
હસુએ મારી તરફ તીર જેવી નજર ફેંકી, “હા, તું તારે તો જવું હોય તો જા. ‘ભનુ જ્વેલર્સ’ની દૂકાન હવે તો ખૂલી ગઇ હશે. ”પછી કહે “ લાવ, તારી ગાડી સુધી મુકી જાઉં.”
**** **** ****
મારું મગજ મારી સાથે ભયાનક ઝપાઝપી કરતું હતું. પણ હું સમજું કે એને ડારો દઇને ચૂપ ના કરી દેવાય. આજ સુધી દિમાગ જ આપણી લક્ષ્મીનું રક્ષણ કરતું આવ્યું છે. નહિ તો બધું ફનાફાતિયા થઇ ગયું હોત.લાગણી નામની ચીજ સાચી, પણ એના દાળીયા ના આવે. અને બીજી વાત પણ સમજી લેવી. દૂધની કોથળી આપણાથી ઢોળાઇ ગઇ હોય તો કોથળી એક સાટાની બે લઇ દેવાય. પણ ગાય ના લઇ દેવાય. દાન પણ ધડાસરનું જ દેવાય.
**** **** ****
વહુને માટે નાકનમણની સોનાની ચુની લેવાનું બજેટ ત્રણ હજારનું રાખ્યું હતું. એટલે મેં ભનુને કહ્યું “શુકનની જ લેવાની છે. મારું બજેટ ત્રણ હજારનું છે. શું સમજ્યો ?”
“એક નવી ડિઝાઇન આવી છે” એણે શો કેસનું ખાનું બહાર ખોલ્યું: “પણ તારે બજેટમાં હજાર વધારે નાખવા પડે. ચાર હજારની પડે. અસલી નંગ જડેલી આવે.”
એકાએક મારા મનમાં નકલી ઠોળીયાં ઝબકી ગયા.નજર સામે ઝગમગ ઝગમગ બી થયાં. મારાથી બોલી જવાયું: “અસલી નંગને બદલે ઇમીટેશન નંગ લઇએ તો ?”
હવે તો સારા સારા ઘરનાં બૈરાં ઈમીટેશન જ પહેરે છે. |
”તો બે ચૂની આવે.” ભનુ બોલ્યો:” હવે તો સારા સારા ઘરનાં બૈરાં ઇમીટેશન જ પહેરે છે.” પણ પછી અટકીને મારી સામે જોયું:” પણ તારે બે ચૂનીને શું કરવી છે ?”
”તું જલ્દી બે ચૂની પેક કર.’ હું પોતે બોલ્યા પછી ફરી જવાનો હોઉં એમ મને પોતાને જ લાગ્યું. એ ટાળવા માટે હોય એમ ઝડપથી બોલ્યો, “અલગ અલગ કરજે. એક સાદી અને એક ગિફ્ટ પેક કરજે.”
“ગિફ્ટ પેક?” એણે વળી પૂછગંધો લીધો: “ કોના માટે ?”
“હસુની છોકરી માટે.”
“અરે પણ...” હું ગાંડો થઇ ગયો હોઉં એમ ચશ્મા ઉતારીને મારી સામે જોયું. “અલ્યા,એ તો પઇણ્યો જ ક્યાં છે ?”એણે ચમકીને પૂછ્યું;”તારું મગજ તો ઠેકાણે છે ને ?”
“ નથી” હું બોલ્યો: “રજા ઉપર છે.”
(નોંધ: આદિવાસી સ્ત્રીની તસવીર: બીરેન કોઠારી. અન્ય તમામ તસવીરો નેટ પરથી લીધી છે, જેની પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે.)
(નોંધ: આદિવાસી સ્ત્રીની તસવીર: બીરેન કોઠારી. અન્ય તમામ તસવીરો નેટ પરથી લીધી છે, જેની પર ક્લીક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે.)