(1975-78 ની આસપાસ
વિજયા બેંકની નોકરીને કારણે મારે અવારનવાર વહેલી સવારે મુંબઇ દાદર સ્ટેશને ઉતરીને
બપોરે ચારની બેંગ્લોરની ટ્રેન પકડવાનું થતું. એટલા બધા વધેલા સમયનો ઉપયોગ હું દાદર
સ્ટેશનની સામે આવેલા રૂપતારા સ્ટૂડિયોમાં જઇને શૂટિંગો જોવામાં કરતો. એવા જ એક
પ્રસંગે મારે “ઇન્સ્પેક્ટર ઇગલ”ના સેટ પર સંજીવકુમાર અને યુનુસ પરવેઝને મળવાનું
થયું. (અલબત્ત, સાથે “ગર્મ હવા”ફેઇમ એમ એસ સથ્યુ, અને વિશ્વામિત્ર “આદિલ” પણ ખરા જ ) યુનુસે મને કે. એ. અબ્બાસની ઓળખાણ
કરાવી. અબ્બાસસાહેબે જ મને કૃષ્ણચંદ્રના બદલાયેલા
નિવાસસ્થાનનું સરનામું આપ્યું. એ પછી હું એ સરનામે જઇને કૃષ્ણચંદ્રનાં પત્ની સલમા સિદ્દીકીને
મળ્યો. જેની વિગતો આ લેખમાં છે. પરંતુ ભારે અચરજની એક વાત તે એ કે આટલી સિલસિલાબંધ
વાત અત્યારે એકી ઝાટકે યાદ આવી પણ હું સલમા સિદ્દીકીને મળ્યો
હતો એ વાત જ થોડા જ દિવસ પહેલા સાવ ભૂલી ગયેલો. ભાઇ બીરેન કોઠારીએ મને યાદ અપાવી એટલે મેં મારો જૂનો
લેખ શોધી કાઢ્યો અને એક અજાણ્યા વાચકની જેમ વાંચ્યો ત્યારે સ્મરણને પણ મરણ હોય છે
એ કબૂલ કરવું પડ્યું,..ખેર, ભાઇ બીરેનના આભાર સાથે આ લેખ તેને જ અર્પણ.- રજનીકુમાર)
![]() |
કૃષ્ણ ચંદ્ર |
![]() |
કૃષ્ણ ચંદ્ર (ડાબે), દિલીપકુમાર (જમણે) તથા અન્યો |
૧૯૬૩ના વર્ષમાં “ટાઈમ્સ ઑફ ઈન્ડિયા” ના “સારિકા”માં વિખ્યાત ઉર્દૂ લેખક કૃષ્ણચંદ્ર(કૃષ્ણ ચંદર)નું
આ આત્મકથન “આયને કે સામને” શીર્ષક હેઠળ પ્રકાશિત થતાં જ ભારે ખળભળાટ મચી ગયો હતો. આ તો આખા મોટા લખાણનો
એક અંશ માત્ર છે. પણ આખો લેખ ઘણો લાંબો હતો. આજ સુધીમાં પોતાની કેફિયત તરીકે કોઈ
મહાન લેખકે આવી વાતો ખુલ્લેઆમ લખી નહોતી. દિલીપકુમાર અને ખ્વાજા અહમદ અબ્બાસે આ
લેખ પછી ભારે ઊહાપોહ કર્યો હતો અને છાપાંમાં નિવેદનો પ્રગટ કર્યાં હતાં કે એમને
કૃષ્ણચંદ્ર સાથે કોઈ દુશ્મનાવટ નહોતી. આવા નાના નાના ફિતુર પછી પ્રકરણ બંધ થવું
જોઈતું હતું. પણ કૃષ્ણચંદ્રે “સારિકા” સિવાય અન્યત્ર એક પુરવણી-કેફિયત છપાવીને એ
મધપૂડાને વધારે છંછેડ્યો. એમાં જણાવ્યું હતું કે પોતે મનોમન જેમની સાથે આડા સંબંધો
બાંધ્યા છે તેવી મહિલાઓનાં નામ પણ એ લેખમાં પોતે લખ્યાં હતાં, તેમાંની કેટલીક આજે
પણ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ છે. પણ સંપાદકે લેખમાંથી એ આખી નામાવલિ જ ઉડાડી દીધી
હતી. કૃષ્ણચંદ્રે એ પછી ટિપ્પણી કરતાં લખ્યું કે “આ દેશમાં મહિલાઓ માત્ર મનથી પણ ભોગવી શકાય એટલી
બધી હદે ઉપલબ્ધ હોવા છતાં એવા સંબંધો પર સામાજિક પ્રતિબંધ છે. શું થશે એ કથાનું કે
જેમાં દ્રૌપદીને પાંચ પાંચ પતિ હતા ! માત્ર માનસિક નહીં, અસલી !”
આ લેખ હિંદીમાં પ્રગટ થયા
પછી ભાગ્યે જ અનુવાદપ્રવૃત્તિ કરતા એવા મને પણ આ લેખનો અનુવાદ કરવાનું મન થયું
હતું. આ ચકચારી લેખના ફટાફટ અનુવાદ થવા માંડ્યા હતા એટલે જામેલા સન્માનનીય ગુજરાતી
અનુવાદકોના ઝુંડમાં મારો તો ગજ ક્યાંથી વાગે ? આ ધારણા છતાં મેં એમને પત્ર લખી
જોયો હતો અને મારી ભારે નવાઈ વચ્ચે ગુરુનિવાસ, ૧૫મો રસ્તો, ખાર, બૉમ્બે-પર એ
સરનામેથી ખુદ કૃષ્ણચંદ્રનો તેમના જ હસ્તાક્ષરમાં ૧૨-૧૧-‘૬૩ની તારીખવાળો પત્ર આવ્યો
હતો.
![]() |
કૃષ્ણ ચંદ્રનો અનુમતિ આપતો પત્ર |
![]() |
તેમના હસ્તાક્ષરમાં મારું સરનામું |
![]() |
જવાબી પત્રમાં આવેલો પ્રત્યુત્તર |
એમાં પત્રના મોડા જવાબ બદલ માફી માગી હતી અને પુરસ્કારની કશી પણ શરત વગર એમણે મને અનુવાદ માટેની મંજુરી આપી દીધી હતી. તે પછી મેં અનુવાદ કર્યો કે જે પછી “નવનીત” ના એપ્રિલ ૧૯૬૫ના અંકમાં પ્રગટ પણ થયો હતો.
પણ આમ છતાં સામાન્ય શિરસ્તા મુજબ આ લેખનાપુરસ્કારમાંથી અર્ધી રકમ મેં એમને
મોકલી ત્યારે મનીઑર્ડરની પહોંચમાં કોઈ સલમા સિદ્દીકી નામની મહિલાની સહી આવી !
નક્કી આ નામ એમની પત્નીનું
નહોતું. કારણ કે એમની પત્ની (નામ અત્યારે યાદ નથી આવતું) એક રૂઢિચુસ્ત હિંદુ
(કાશ્મીરી બ્રાહ્મણ)ની પુત્રી હતી, જેણે આખી જિંદગી કૃષ્ણચંદ્રનું માથું જ ખાધા
કર્યું હતું. આ વાત જગજાહેર હતી. તરત જ મારા મનમાં પ્રશ્ન થયો કે તો પછી આ સલમા સિદ્દીકી
કોણ ? આ કુતૂહલ થવું એટલા માટે સ્વાભાવિક હતું કે એમના પેલા લેખમાં કૃષ્ણચંદ્રે
સ્પષ્ટ લખ્યું હતું :
પણ તો પછી આ સલમા સિદ્દીકી
કોણ ? વર્ષો પહેલાં વાંચ્યું હતું કે ૧૯૪૮માં કૃષ્ણચંદ્રે“દિલ કી આવાઝ” નામની ફિલ્મ બનાવી હતી, જેમાં વાર્તા અને
નિર્દેશન પોતાનાં હતાં. પોતાનો ભાઈ મહેન્દ્રનાથ એમાં હીરો હતો અને હીરૉઈન હતી સમીના ખાતૂન કે જે
કૃષ્ણચંદ્રની પ્રેમિકા હતી. અલબત્ત, ફિલ્મમાં એને કોઈ નામ બદલીને રાખી હતી. તો પછી
આ સમીના એ જ સલમા ? પ્રશ્ન થતો હતો.
આ પછી મેં એમના લગ્નજીવન વિષે પ્રશ્ન પૂછતો એક
પત્ર લખ્યો હતો, જેનો જવાબ મને મળ્યો નહોતો.
મારા મગજમાંથી પણ વાત
નીકળી ગઈ હતી ! કૃષ્ણચંદ્રની અનેક વાર્તાઓમાંથી એ પ્રશ્નોનો જવાબ પામવાની કોશિશ
કરી, પણ એમાં નિષ્ફળતા મળી. કારણ કે વાર્તાઓમાંથી લેખકને પામી શકવા માટે પણ અમુક
પ્રકારની “ઘ્રાણેન્દ્રિય” જોઈએ, જે મારી પાસે નહોતી.
**** **** ****
પણ ૧૯૭૬માં એક વાર બૉમ્બે જઈ ચડ્યો ત્યારે કૃષ્ણચંદ્રને મળવાની તાલાવેલી થઈ
આવી. સરનામું તો હતું જ, પણ એ ઘર એમણે બદલ્યું હતું. વરસોવામાં કે ક્યાંક બીજે
એમનું ઘર હતું ત્યાં પહોંચી ગયો. પણ કૃષ્ણચંદ્ર ન મળ્યા. દિલ્હી ગયા હતા. ઘર પર સલમા સિદ્દીકીના
નામની નેઈમપ્લેટ હતી. એમનો ફોટો ક્યાંક જોયેલો, તે તરત જ ઓળખી ગયો. હબસણ જેવી આંખો
અને હોઠ ! શરીરે પણ જરા સ્થૂળ. એ વખતે એમના હાથમાં જૂના પત્રોની થોકડી હતી. કામમાં
હતાં, છતાં મને “આઈયે’ કહીને તરત કહ્યું : “હું સલમા છું. કૃષ્ણજી દિલ્હી ગયા છે.” મેં મારી ઓળખાણ તરીકે હું સલમા સિદ્દીકીની સહીવાળી મનીઑર્ડરની
પહોંચ લઈ ગયો હતો એ બતાવી એટલે એમને હસવું આવ્યું, મારી બાલિશતા ઊપર. બોલ્યાં : “વૈસે તો આપ પૉસ્ટમૅન ભી હો સકતે હૈ !” પછી મેં ઓળખાણ આપી, પણ એમને બહુ યાદ ન આવ્યું.![]() |
કૃષ્ણ ચંદ્ર અને સલમા સિદ્દીકી |
મારા સવાલની આ સીધી ઉડામણી હતી. આમ છતાં મેં પૂછવાનું ચાલુ રાખ્યું તો
બોલ્યાં : “અહમદ નદીમ કાસિમી કા નામ સુના
હૈ ?” મેં કહ્યું, “હાં, બહોત બડે શાયર
થે....પાકિસ્તાન ચલે ગયે.” તો સલમાએ જૂના પત્રોની થોકડીમાંથી
એક પત્ર કાઢીને મને બતાવ્યો અને કહ્યું, “ઉન્હોંને ભી કૃષ્ણજી કો શહનશાહ કહા
થા, પઢિયે.” હું શું પઢું ? પત્ર ઉર્દૂમાં
હતો. મેં છતાં પણ પત્રને હાથમાં પકડ્યો એ જોઈને એમને ખડખડાટ હસવું આવ્યું.
દરમિયાન નોકરાણી આવીને ઠંડું પીણું આપી ગઈ. સલમાજી
બોલ્યાં (ગુજરાતીમાં જ લખું છું) : “હકીકતમાં અહમદ નદીમ કાસિમીએ
એમને વાર્તાકલાના શહેનશાહ આ પત્રમાં કહ્યા હતા. ને એ જ તારીખે એમણે મંટોને લખેલા
બીજા પત્રમાં મંટોને વાર્તાકલાના બાદશાહ કહ્યા હતા. મંટો મોટે ઉપાડે એ પત્ર લઈને
કૃષ્ણજીને બતાવવા આવ્યા અને ગર્વથી કહ્યું કે, જો ગધેડા, હું વાર્તાકલાનો બાદશાહ
છું. એમ અહમદ નદીમ કાસિમી કહે છે. તો તરત જ પા કલાક પહેલાં આવેલો કાસિમીનો જ પત્ર
બતાવીને કૃષ્ણજી બોલ્યા : “તને બાદશાહ જ કહ્યો ? અરે, મને
તો શહેનશાહ કહ્યો !”હકીકતમાં કાસિમીસાહેબે આ રીતે
બન્ને મિત્રોની મજાક કરી હતી. આ વાત પર બન્ને ખડખડાટ હસ્યા અને પછી કૃષ્ણચંદ્રે
કહ્યું : “ચાલો મન્ટો, આપણે હવે બાદશાહ
અને શહેનશાહ થયા. હવે આપણને કંઈ એક સ્ત્રીથી થોડું ચાલશે ? હવે તો રીતસર બેગમોની
ભરતી જ કરવી પડશે ને ?”“હા,”મન્ટો બોલ્યા : ‘આપણે હવે રાહ જોઈએ કે કાસિમીસાહેબ આપણા સાહિત્યની કઈ કઈ લેખિકાઓને અફસાનાનિગારી કી મલિકા યા ક્લિયૉપૅટ્રા (વાર્તાકલાની રાણી કે સમ્રાજ્ઞી) કહે છે ?”
સલમાજીએ મને કહેલી આ મજાક પણ મારા પ્રશ્નની ઉડામણી હતી. વાત સાચી હશે. પણ મારા પ્રશ્ન સાથે એને કોઈ જ સંબંધ નહોતો.
પણ ધીરે ધીરે એ મારી પાસે ખૂલ્યાં. વાતો કરતાં ગયાં. થોડી વાર પહેલાં જે આંખોમાં હાસ્ય ફૂટ્યું હતું, ત્યાં થોડી ભીનાશ તરવરી ઊઠી. થોડો નીગ્રો જેવો એમનો દેખાવ એકદમ આકર્ષક લાગવા માંડ્યો. “આંખોમાં આંસુ સાથેની સ્ત્રી કેટલાક પુરુષોની પ્રથમ પસંદ છે. ભલે એ મનોવૈજ્ઞાનિક પરિભાષામાં વિકૃતિ ગણાતી હોય, પણ એનો ક્રોનિક પેશન્ટ હું છું” એમ કૃષ્ણચંદ્રે ક્યાંક લખેલું તે સાચું લાગવા માંડ્યું
એમની વાતોમાંથી પ્રથમ ખબર તો પડી જ કે સલમા સિદ્દીકી એ એમનાં મિસ્ટ્રેસ કે ગેરકાયદે “મૈત્રિણી” નહોતાં. કાયદેસરનાં પત્ની હતાં. પણ કૃષ્ણચંદ્ર જેવા, એક પત્ની હયાત હોય તેવા કાશ્મીરી બ્રાહ્મણ પંડિતને એમનાથી અગિયાર વર્ષ નાની એવી એક કુંવારી મુસલમાન છોકરી સાથે પરણવા માટે કેટલી બધી વિટંબણાઓમાંથી અને કાયદેસરતાઓમાંથી પસાર થવું પડ્યું હતું !
(એ વિટંબણઓની વધુ વાત હવે પછી)