Thursday, February 12, 2015

મારા જીવનનો વળાંક

(ત્રણ દાયકાથી જેમાં વસતા હોઈએ એ નિવાસસ્થાન છોડીને બીજે રહેવા જતાં એક ક્યારીમાંથી ઉખડીને બીજી ક્યારીમાં રોપાવા જેવી લાગણી થાય છે. આ મામલા(સિન્ડ્રોમ) વિષે અનેક કવિઓને હૃદયદ્રાવક કાવ્યો પણ લખ્યાં છે. મારા કિસ્સે એવું હૃદયદ્રાવક તો કંઈ બન્યું નથી, પરંતુ જૂના ફોટોગ્રાફ્સની પેટી હાથમાં આવતાં અનેક અનેક ઘટનાની ફિલ્મો રિ-રન થઈ. એમાંની એક ઘટના તે સંદેશમાં મારા ઝબકાર  શિર્ષકથી થયેલા કટારલેખનનો 1980ના ઑક્ટોબરની 26 મીએ થયેલો આરંભ. એ કટારને સાંપડેલી અભૂતપૂર્વ લોકચાહનાએ આગળ જતાં મારી જીંદગીનો રાહ જ સમૂળો બદલી નાખ્યો. અને મને નોકરી છોડાવીને પૂર્ણ સમયનો લેખક બનવા ભણી ધકેલ્યો.
એ ઘટનાને વર્ણવતો એક લેખ મારા જીવનનો  વળાંક મેં નિમંત્રણથી એક સંપાદન માટે લખેલો. એમાં આખી કથા વિસ્તૃત રીતે વર્ણવી હતી. ઝબકારમાં પ્રગટ થયેલો મારો પહેલો લેખ મુલાકાત આધારિત હતો, અને એ મુલાકાત વેળા કોઈએ અમારી તસ્વીરો પણ ખેંચી હતી. એ પહેલો લેખ બિલકુલ પત્રકારી અંદાજમાં લખાયેલો હતો. એમાં કોઈ સાહિત્યિક બૂ નહોતી. (જે આગળ જતાં આવી અને મારા નામે જ એસ્ટાબ્લીશ્ડ થઇ).

હમણાં જૂનું ઘર બદલતા એ તસ્વીરો પણ હાથવગી થઈ અને પાંત્રીસ વર્ષ પહેલાંનો એ લેખ પણ. મારા જીવનનો વળાંક લેખ સાથે એ સામગ્રી પણ મુકી છે.-રજનીકુમાર)


 હું પૂર્ણ સમયનો લેખક કેવી રીતે થયો ? હું તો કોમર્સ ગ્રેજ્યુએટ છું.           
હા. મારી બાના વાચનશોખે મને પણ વાચનશોખ ભણી સાવ શિશુવયથી વાળ્યો હતો. મુનશી, મેઘાણી, ર.વ.દેસાઈ, ધૂમકેતુ - એ બધાં નામો મારાં માટે છેક મારી સાતઆઠ વરસની વયથી પરિચિત હતાં. મારા પિતા એક જમાનામાં અમરેલીમાં મેઘાણીના સહપાઠી હતા એટલે સાહિત્યકાર તરીકે એમનો ગૌરવભેર ઉલ્લેખ કરતા. મારા વતન જેતપુરમાં ધૂમકેતુ જે દુકાનેથી કરિયાણું ખરીદતા તે દુકાનનો ઉલ્લેખ એમની આત્મકથામાં છે. તે જ દુકાનેથી અમારે ઘેર કરિયાણું આવતું. મકરન્દ દવેના બનેવી બાબુબાઈ વૈદ્ય લેખક હતા અને મારા પિતાના મિત્ર હતા. આ બધી વાતોએ સાહિત્યકારની ગ્લેમર વૅલ્યુ મારા મનમાં પ્રગટાવી હતી. વાંચવાનું આવડતાંની સાથે જ બાળસાહિત્યનાં પુસ્તકો વાંચવાનો નાદ લાગ્યો. એમાં થોડો ફાળો મારા મોટા ભાઈનો પણ અવશ્ય. મફત મળતી દરેક વસ્તુ માટે એ લાલાયિત રહેતા. મફત મળતાં સૂચિપત્રોના પણ લીલી શાહીમાં છપાઈને આવતા બાલજીવન કાર્યાલય, બાજવાડા, વડોદરાનાં સૂચિપત્રો એ જોઈને મૂકી દેતા. ને હું એ પુસ્તકો મગાવવાની પેરવી કરતો - પુસ્તકો વી.પી.થી આવતાં, પણ મારા પિતા મારા સંગીરના નામે મગાવી દેવાની મારી હઠ પોસતા. પુસ્તકો પૅક થઈને આવે અને ત્યારે પટાવાળાને બદલે જાતે કાતરથી દોરી કાપીને ખોલવામાં મને રોમાંચ થતો. પુસ્તકો અઠવાડિયામાં જ હું પી જતો - જરા મોટો થયો એટલે ગાંડીવ,રમકડું, બાલમિત્ર વગેરે વાંચતો થયો. શાળામાં આવ્યો એટલે જીવરામ જોશીનો પાત્રો મિયાં ફૂસકી, બકોર પટેલ, તભા ભટ્ટ, અડકોદડકો મારા સ્વજનો બની રહ્યાં. બાલસંદેશ પૂરા કદનું મોટા છાપાના કદનું સાપ્તાહિક કોઈ પુખ્ત વયનો માણસ બે હાથમાં ફેલાવીને રસથી વાંચી જાય તે અદાથી વાંચવામાં મને હુંય મોટો થઈ ગયો હોવાનો અહેસાસ થતો.
        એથી મોટો થયો એટલે પછી પહેલવહેલી વાંચી બાબુભાઈ વૈદ્યની નવલકથા ઉપમા, જે એમણે મારા પિતાને ભેટ આપી હતી - પછી મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર આકંઠ પી ગયો. સોરઠ તારાં વહેતાં પાણી પણ એકડિયા - બગડિયાથી શરૂ થયેલી વાચનયાત્રામાં લેખનનો રંગ ભળ્યો. મારા શાળાજીવનમાં - પંકજ નામના હસ્તલિખિત અંકનું સંપાદન - લેખન મને સોંપાયું, કારણ કે એ દિવસોમાં અખંડ આનંદ ની ઘાટીમાં પ્રગટ થતા અને એનાથી નીચેની ગુણવત્તા ધરાવતા માસિક વિશ્વવિજ્ઞાન માં મારાં એકબે મુક્તકો અને જોયેલું ને જાણેલું છપાયાં હતાં. મને મને સાહિત્યનું ગુલાબ ઉગાડનારો  કુદરતી બક્ષિસવાળો છોકરો ગણવામાં આવતો મને એનાથી પોરસ ચડતો. વધુ લખવાનું ઉત્તેજન મળતું.
કુદરતી બક્ષિસવાળા છોકરાની કુદરતી બક્ષિસનું પછીથી શું થયું ? ’
કશું નહીં.
ગુલાબનો છોડ ઠુંઠું જ રહ્યો. સારા અનુકુળ ખાતર પાણી છતાં એ છોડ પર એ વખતે ગુલાબનું ફૂલ ના બેઠું.
1955 માં એસ.એસ.સી. પાસ થયો ત્યારે આગળની લાઈન લેવડાવતી વખતે કુદરતી બક્ષિસને કોઈ ગણનામાં લેવામાં ના આવી. નહીં તો જિંદગીમાં ખરેખરા વળાંકની આ જગ્યા હતી. કોઈ મારો એપ્ટિટ્યૂડ રસ-રુચિ પૂછનાર નહોતું. જિંદગીભરનો દાળરોટલો (આ મારા પિતાના શબ્દો) શામાં સિક્યૉર્ડ ? જવાબ મળ્યો : કૉમર્સ લાઈનમાં ! તરત સરકારી નોકરી મળે.
**** ***** ****

        કુદરતી બક્ષિસ કૉમર્સ કૉલેજમાં પણ ક્યારેક ક્યારેક માથું કાઢતી હતી. કૉલેજ ભીંતપત્રોમાં છંદોબદ્ધ કાવ્યો માટે પાંચદસ રૂપિયાનાં ઈનામો - હૉસ્ટેલ મૅગેઝિન પગદંડી અને કૉલેજ મૅગેઝિન મિસેલીનીનું સંપાદન, કૉલેજની વાર્તાસ્પર્ધામાં મને તો ઈનામ ખરું જ, પણ મિત્રોના નામે આપેલી મારી બીજી વાર્તાઓને પણ ઇનામો..... કુદરતી બક્ષિસના કરમાતા છોડના મૂળમાં પાણી સીંચવામાં ના આવતું; હા, એના ઉપર પાણી અવશ્ય છાંટવામાં આવતું, જેથી ધૂળ ચડેલાં પર્ણો થોડી વાર માટે પણ ચમકીલાં બની રહેતાં.

હોસ્ટેલ મેગેઝીન 'પગદંડી'ના સંપાદક તરીકે 
        1959 માં બી.કૉમ. થઈ ગયા પછી તરત જ નોકરી મળી ગઈ. અને કુદરતી બક્ષિસને બે બાજુથી દટાવાનો યુગ શરૂ થયો. શરૂમાં છ મહિના ખેતીવિકાસ બૅન્કની નોકરી, જે કરી હોત તો કરતાં કરતાં ઍક્સટર્નલ બી.એ. કરવાની થોડી ગણતરી હતી, પણ પિતાની ઇચ્છા પેન્શનેબલ નોકરી લેવડાવવાની હતી. જે માત્ર સરકારી નોકરીમાં જ શક્ય હતું. એટલે તરત જ સરકારી ઑડિટરની ગામેગામ ભટકવાની નોકરી લીધી. બીજી તરફ ગાંડી છોકરી સાથેના છેતરપિંડીથી થયેલા લગ્નમાં માત્ર દસ દિવસનો ઘરવાસ અને દસ વરસના કોર્ટ કેસે માનસિક, આર્થિક અને ભાવજગતની બેહાલી નોતરી દેતા કાળા બોગદાની શરૂઆત. ઉંમર બાવીસથી બત્રીસ વચ્ચેનો ઉડાન ભરવાનો ગાળો, જમીન સાથે તરફડાટ ભરેલી અવસ્થામાં જડી રાખનારો ગાળો બની રહ્યો. આ બધામાં પેલી કુદરતી બક્ષિસ ડચકાં ખાતી ખાતી બસ માત્ર જીવતી જ રહી.

        જીવતી રાખવામાં માત્ર એને ઑક્સિજન પૂરો પાડતા રહેવાની કાર્યવાહીઓ જ જવાબદાર - એ કારવાઇઓમાં એક તે જ્યારે ઑડિટ માટે ગામેગામ ભટકતો ફરતો હોઉં ત્યારે તે તે ગામમાં સાહિત્યના શોખીનોને શોધી શોધીને તેમની સોબત મેળવવી તે, બીજું ચાંદની, આરામ, નવચેતન, સમર્પણ, નવનીત જેવામાં પ્રસંગોપાત લખતા રહેવું તે આ બેમાંથી પહેલીને કારણે મને મોહમ્મદ માંકડ જેવા ગુરુ બોટાદમાં મળ્યા - રમેશ પારેખ જેવો મારી જેમ દિશા પકડવા ફાંફાં મારતો મિત્ર અમેરલીમાં મળ્યો. સાવરકુંડલા - ઊનામાં રતિલાલ બોરીસાગર મળ્યા. તો ગોંડલમાં મકરન્દ દવે મળ્યા. વિનોદ ભટ્ટ (અમદાવાદ), મહેશ દવે (સાબરમતી) જેવાં સાથે થોડો પત્રવ્યવહાર - રાજકોટમાં હસમુખ રાવળ, અને પ્ર.રા. નથવાણી મળ્યા. ગિજુભાઈ વ્યાસ મળ્યા. જે મને રેડિયો ઉપર લઈ ગયા. વારસદાર ફિલ્મના હીરો હસમુખ કીકાણી, ઉપરાંત ઇંદુલાલ ગાંધી (કવિ) મારી પાસે રેડિયોનાટકો લખાવવા જેટલા નજીક આવ્યા. પણ આ બધા અલગ અલગ ગામોમાં રહેતા, કવચિત્ મળતા મિત્રો હતા. વાતાવરણનું સાતત્ય જળવાતું નહોતું. મારી બીજી કારવાઈ લખતા રહેવાની. તેના પરિણામે સવિતા વાર્તાહરીફાઈમાં બે વાર ગોલ્ડમેડલ મળ્યા. નવચેતનમાં ધૂમકેતુ પારિતોષિક મળ્યું. ગુંજન વાર્તાહરીફાઈમાં ઈનામ મળ્યું - પણ આ બધું દસબાર વર્ષના લાંબા પટ્ટામાં વેરાયેલું. આ લખતી વેળા વાંચનારને બહુ સઘન અને નક્કર લાગશે. પણ એ બધું અફાટ રેતીમાં ભેળાઈ ગયેલા થોડા અન્નના કણો જેવું અને એ રીતે પ્રાપ્ત થતું હોય તેવું હતું. લેખક તરીકે મારામાં કોઈ હુંકાર પ્રગટાવનારું નહોતું - એ અજવાસ મારા જીવનસંગ્રામના ગાઢા અંધકારના પ્રમાણમાં ક્ષીણ જ ગણાય તેવો હતો.

        આમાંથી છટકવા, સાહિત્યક્ષેત્રમાં સક્રિય રીતે પ્રવેશવા અને ગુલાબના છોડને પૂરેપૂરો વિકસવાને માટે મોકળું મેદાન આપવા એક મરણિયો છેલ્લો પ્રયત્ન આ જ ગાળામાં કર્યો, તે ઍક્સટર્નલ એમ.એ. કરવાનો - એ કરી શકું તો આ આંકડાની શુષ્ક જાળમાંથી છૂટું ને અધ્યાપકની નોકરી લઈને વાચનલેખન માટે પુષ્કળ સમય અને વાતાવરણ મેળવી શકું. પણ એક વર્ષ એમ.એ. નું કરી લીધા પછી બીજા વરસે રાજકોટથી બદલી થઈ ગઈ ને એ વાત ભૂલ્યો ઘા છત્રીસ જોજન બની ગઈ. નહીંતર મારો પ્રયત્ન હોલહાર્ટેડ હતો - ઑડિટર તરીકે નોકરી છોડીને મેં થોડા ઓછા પગારની એક કૉ. ઑપરેટિવ બૅન્કની નોકરી માત્ર એટલા માટે જ 1966 માં લીધી હતી કે રાજકોટ સ્થાયી રહી શકાય ને એમ.એ. નું કરી શકાય. એ માટે મેં બી.એ. વિથ ઇંગ્લિશ પણ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું.

        પણ કુદરતને એ મંજૂર નહોતું કે હું શબ્દને સર્વથા સમર્પિત થવાની મારી કામના સંતોષું. એણે મને એટલી હદે એક પછી એક જંજાળોમાં, લડાઈઓમાં, નોકરીની જવાબદારીઓમાં, સ્થળાંતરોમાં ગૂંચવાતો અને પીડાતાં પીડાતાં આથડતો રાખ્યો કે પેલી કુદરતી બક્ષિસને હું સાવ ભોંયરામાં ભંડારીને માથે પલાંઠી મારીને બેસી ગયો. વચ્ચે એકાદી વાર્તા, કોઈ પરાણે લખાવતું તો લખાતી. 1976 માં મિત્ર ભગવતીકુમાર શર્માએ વારંવારની ઉઘરાણી, પછી છેવટે તાર કરીને ગુજરાત મિત્ર ના દિવાળી અંક માટે વાર્તા મારી પાસે લખાવડાવી, તે ચંદ્રદાહ (જે આગળ જતાં મારું ઓળખચિહ્ન બની ગઈ, પણ તે વાત જુદી છે.)

        એ પછી થોડા જ સમયમાં મોહમ્મદ માંકડે નવી સ્થપાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની હેસિયતથી મને એમાં સભ્ય તરીકે લેવા ચાહ્યો ત્યારે મેં એમને લખ્યું કે, રહેવા દો મને કોઈ ઓળખતું નથી. તમારી ટીકા અને મારી હાંસી થશે. મારા કરતાં રમેશ પારેખને લો.
      મારી વાત એમને સાચી લાગી હતી. એમણે એમ જ કર્યું હતું.
        જિંદગીનાં ચાળીસ વર્ષ થવા આવ્યાં હતાં. પગાર, પ્રમોશન, બૅન્ક ડિપૉઝિટો મેળવવાની રેસ - એમાં મળી શકતાં ઈનામ - અકરામો મેળવવાની લાલસા - એમાં ખરા દિલથી પડી ગયો - મિત્ર વિનોદ ભટ્ટ એક વાર્તાકાર તરીકે મને ચાહતો હતો. એટલે એણે જીદ કરીને, પ્રકાશકને નવસો રૂપિયા સામેથી અપાવડાવીને મારો એક વારાસંગ્રહ ખલેલ બહાર પડાવ્યો હતો. એને ગુજરાત રાજ્યના ક્યૂરેટર ઑફ લાઇબ્રેરીઝ તરફથી બીજા ક્રમનું ત્રણસો રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. પણ એ વસ્તુએ પણ મારામાં કોઈ ખાસ સંચાર જગાવ્યો નહોતો. હું તો એમ માનતો હતો કે મારામાં કોઈ લાયકાત નહોતી ને વિનોદ ભટ્ટે લગભગ લગાડીને એ ઇનામ અપાવ્યું હશે. જોકે એમ હતું નહીં.
        રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મૅનેજરના હોદ્દા ઉપર હતો - હવે શું ગુલાબ ખીલે ?

**** **** ****

        1980 ની સાલમાં ઑગસ્ટની તેવીસમીએ હું જૂનાગઢથી અમદાવાદ બૅન્કમૅનેજરની મિટિંગમાં આવ્યો હતો. મોહમ્મદ માંકડ એ વખતે મોટા સંદેશમાં મળતા. તંત્રી ચીમનભાઈ પટેલના એ સલાહકાર હતા.
        સંદેશમાં એમને મળવા ગયો ત્યારે લાગલા જ એમણે કહ્યું : સંદેશ માટે એક કૉલમ આપો ને !’

            હું ઘા ખાઈ ગયો. મને તે વળી કૉલમ લખતાં આવડતું હશે ? મેં હસીને કહ્યું : તમે 1961 માં મને ફૂલછાબ માં એક કૉલમ વ્યંગવિનોદ અપાવી હતી. બોલો, હું નિયમિત લખી શક્યો હતો ? રહેવા દો, મારું એ કામ નથી. એમાં તો ઘણી અથવા ઘણામાંથી એક આવડત જોઈએ. હાસ્ય, જ્યોતિષશાસ્ત્ર, ગણિતગમ્મત, ક્રિકેટ, આરોગ્ય, ફિલાટેલી, ઇતિહાસ, પ્રવાસ, જનરલ નૉલેજ, વાનગી, સજ્જા - બોલો મારી તો આમાંથી એકેયમાં ચાંચ બૂડે તેમ નથી. મને એક જ મુષ્ઠી નું જ્ઞાન છે-વાર્તાનું. એય હવે તો કટાઈ ગયું છે ને તેમ છતાંય અઠવાડિયે અઠવાડિયે વાર્તા ના લખાય ને અઠવાડિયે અઠવાડિયે લખાય તે વાર્તા ના હોય, રહેવા દો.
      એ સહેજ ચિડાયા, દુનિયા આખી કૉલમ મેળવવા મારી પાસે લાઈન લગાડે છે, ને એક તમે છો કે સામેથી આપું છું તો કપાળ ધોવા જાઓ છો ! કેવા માણસ છો તમે !’


'વાર્તાતત્ત્વ'વાળા લખાણની માંગણી કરતું
મહંમદ માંકડનું પોસ્ટકાર્ડ
      એમને મારામાં પડેલા કુદરતી બક્ષિસવાળા વાર્તાકાર પરત્વે વર્ષોથી પ્રેમ હતો - એ વહેમ હતો એમ હું માનતો હતો. પણ એમણે જક કરી ને મારી પાસે કબૂલ કરાવ્યું કે હું કૉલમ લખીશ. એમણે નામ પણ પાડી આપ્યું ઝબકાર - એક ફ્લૅશ થાય ને ફોટો ઝડપાઈ જાય, એમ તમે આ કૉલમમાં એવા પીસ આપો કે જેમાં એક ફ્લૅશમાં જીવનની છબી રજૂ થાય. તમે વાર્તાના જીવ છો, કરી શકશો. ના કેમ કરો ?’ એવું એ બોલ્યા હતા.
       પાસ ના થાય એવો ચેક કોઈ પાર્ટીને લખી આપીને મંદીઘેર્યો વેપારી દુકાને પાછો ફરે તેમ હું જૂનાગઢ ઉદાસ પાછો ફર્યો. ને બેમનથી મારી ચૅમ્બરમાં ગોઠવાયો. કેટલાયે વખતથી કાગળમાં અક્ષરેય પાડ્યો નહોતો. મગજ સાવ ખાલીખમ હતું. મોહમ્મદ માંકડે દસ દિવસની મહેતલ આપી હતી. પણ મને તો દસ મહિના લગી અક્ષરેય સૂઝે તેમ નહોતો.

        દિવસ એ ખિન્નતામાં જ પસાર થયો. બૅન્કની કામગીરી આટોપી ઘેર જવાની તૈયારી કરતો હતો ત્યાં જ મરચાંમસાલાના વેપારી શિવલાલ તન્ના, ઊંચા, પડછંદ, એક હાથમાં ચાલુ બીડી ને બીજા હાથમાં છુટ્ટો રૂમાલ લટકાવીને ઝભ્ભાલેંઘામાં અંદર પ્રવેશ્યા : સાહેબ, આજ તો મારી દુકાને પધારો !’
      શ્રમજીવીવર્ગની વસાહતને નાકે આવેલી છૂટક મરચાંમસાલાની દુકાને પધારીને શું મને કોઈ આહ્લાદક વિષયવસ્તુ મળવાનું હતું ! કુદરતનો ખેલેય મજાકભર્યો હતો. એ મેં જોયું - પણ કાંઈક એમના આગ્રહને વશ થઈને, ને કાંઈક પલાયનવૃત્તિનો માર્યો, હું ત્યાં પધાર્યો ! પણ મન વધારે ગમગીન થઈ ગયું. શ્રમજીવીઓ દુકાનને બારણે ભીડ લગાવીને બે આનાનું મીઠું, બે આનાનું મરચું-હળદર-તેલ લેવા ઊભા હતા. સ્ત્રીઓની આંગળીએ નાગોડિયાં બાળકો હતાં - આમાં મને લખવાની શી સામગ્રી મળવાની હતી ! અધૂરામાં પૂરું મરચાંમસાલાની ધૂણીથી મને છીંકાછીંક થઈ પડી - એ ઓછું હોય તેમ સેકેરીનવાળી હોમમેઈડ પીળી ફૅન્ટા પીવાથી ગળામાં બળતાર ઊપડી.

        પણ એ પછી જે બન્યું તેણે મારી જિંદગીનો રાહ પલટી નાખ્યો-

        દુકાનમાં બેઠાં પછી નજર ચોતરફ ખડકેલી સૂકાલીલાં મરચાંની ગૂણીઓ સાથે અથડાઈને પાછી ફરતી હતી ત્યાં મેં એક નવતર દૃશ્ય જોયું. ખડકેલી ગૂણીઓની વચ્ચે એક પીળી ચમકતી વસ્તુ દેખાતી હતી ! શું હશે એ ? કુતૂહલ પેદા થયું એટલે મેં એ પ્રશ્ન શિવલાલ તન્નાને પૂછ્યો - જવાબમાં એમણે કહ્યું, એ તો મારું ગૂમડું છે !’ આવો વિચિત્ર જવાબ ? પણ પછી એમણે જે ખુલાસો કર્યો તે અનોખો હતો. 

મરચાંની ગુણીઓ વચ્ચે બેસીને એવોર્ડ બતાવતા  શિવલાલ તન્ના
સાથે મારી (રજનીકુમારની) વાતચીત
હા, ખરેખર એમનું ગૂમડું જ હતું. મતલબ કે જખમ ! મરચાંમસાલાના બાપદાદાની વારીના આ ધંધાના આ માલિકને 1968 માં ફિલ્મના જબરદસ્ત શોખે કરીને ગુજરાતી ફિલ્મ બનાવવાનો ચસકો ઊપડ્યો હતો ને એણે પત્નીના દાગીના ગિરવે મૂકીને સોળ હજાર ઊભા કર્યા, બાકીના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની લોનમાંથી ! પાછી એને બનાવવી હતી કોઈ નોંધપાત્ર ફિલ્મ. એણે ભવાઈકલાની આજુબાજુ ગૂંથાતી વાતો પ્રાગજી ડોસા પાસે લખાવી. જયરાજ, વિજ્યાલક્ષ્મી, જયંત (અમજદખાનના પિતાઃ સત્યેન કપ્પુ જેવા હિંદી પડદાના કલાકારો લીધા. ઉપરાંત ઉમાકાન્ત દેસાઈ જેવા પીઢ અભિનેતા લીધા. અજિત મર્ચન્ટનું સંગીત લીધું. અત્યારે મશહૂર છે. એવા ગઝલગાયક જગજિતસિંહ પાસે ગુજરાતી ભજન ગવડાવ્યું. વીસનગરના અસલીમાં અસલી ભવાઈ કલાકારો પાસેનો ખજાનો એમાં ઠાલવ્યો. ચિત્ર અફલાતૂન બન્યું, પણ એનએફડીસીનું કર્જ હતું એટલે પ્રિન્ટ એમના કબજામાં ગઈ. માત્ર એક દિવસના પ્રીમિયર માટે રિલીઝ કરાવી, ફિલ્મ બહુરૂપી ગુજરાતના સાહિત્ય અને કલાજગતના ધુરંધરોને બતાવી અને ભરપૂર પ્રશંસા મેળવી, પણ ટિકિટબારી પર એ ફિલ્મ કદી ના ચાલી. શિવલાલ દેવાની ગર્તામાં ડૂબી ગયા. અને ફરી આ દુકાનના થડે બેસી ગયા. પાછળથી એ ફિલ્મને ગુજરાત રાજ્યના નવ જેટલા ઍવોર્ડ મળ્યા. જેમાંનો એક નિર્માતા તરીકેનો શિવલાલને મળેલો. જે ભીંતે લગાડેલો ને મરચાંની ગૂણીઓ વચ્ચે દટાઈ ગયો. તેની ઉપર મારું ધ્યાન પડ્યું હતું. 

એ વાતચીતમાંથી આરંભ થયો લેખનસફરનો 
એની આ એક વાતના ફ્લેશમાં જીવનની અંધારી ખીણ જેવી અકળતા મારા ચિત્તમાં અંકાઈ ગઈ. મને કમસે કમ કૉલમના પહેલા પીસ માટે મસાલો તો મળી જ ગયો. એ પછી શિવલાલ તન્ના જ મારી પાસે બીજા એક બેહાલ થઈ ગયેલા જાદુગરને લઈને આવ્યા. 
મેં એમની કથા પણ કૉલમમાં લખી. મારામાં રહેલો કુદરતી બક્ષિસવાળો વાર્તાકાર જાગી ગયો. આલેખન સત્યઘટનાનું - કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યૂ પર આધારિત, પણ એનું લેખન વાર્તાના ઢાંચામાં, માત્ર બાહ્ય ઢાંચો જ વાર્તાનો નહીં, પણ ઘટનામાં જે સૂક્ષ્મ વાર્તાબિંદુ હોય, તેને પણ એમાં અવતારવાનું. આ કાર્ય મારા માટે સહજસાધ્ય હતું, કારણ કે મૂળભૂત રીતે જ હું વાર્તાનો જીવ હતો.

૨૬-૧૦-૮૦ના 'સંદેશ'માં છપાયેલો 'ઝબકાર'નો સૌ પ્રથમ લેખ, જેના થકી... 

શરૂ થઈ ખરેખરી લેખનસફર.
        ઝબકાર કટાર સંદેશમાં એટલી બધી લોકપ્રિય, વિવેચકપ્રિય અને તંત્રીપ્રિય બની કે એના લેખને મને એક ચોક્કસ દિશામાં ગતિ પકડાવી દીધી. થોડા જ વખતમાં ચં.ચી.મહેતા જેવા દુરારાધ્યોના મારા પર પત્રો આવવા શરૂ થયા, જે એમાંના કોઈ કોઈ પરથી રેડિયો નાટ્યરૂપાંતર કરવા માંગતા હતા અને કર્યું પણ ખરું. કૃષ્ણવીર દીક્ષિત, સરોજ પાઠક, હીરાલાલ ફોફળિયા જેવાઓના પત્રો આવવા શરૂ થયા અને બહુ જલદી આર.આર.શેઠના માલિક ભગતભાઈ શેઠ મને મળવા નવસારી આવ્યા અને મારા ઝબકાર નાં પુસ્તકો છાપવાનો કરાર કરી ગયા.

        ઝબકાર માં બહુ લંબાણથી જીવનચિત્રો આલેખાવા માંડ્યાં. અને ઘણી વાર વ્યક્તિની મિષે સેવાકીય સંસ્થાઓનાં ચિત્રો પણ હું આલેખવા માંડ્યો. તેણે તો ચમત્કાર જ સર્જ્યા. શ્રમમંદિર જેવી સંસ્થાઓને મારા છ લેખની શ્રેણીથી ચાળીસ લાખનું દાન મળ્યું. બીજા અનેક અનેક 1985 માં મને આના જ કારણે ફ્રાન્સ જવાનું નિમંત્રણ મળ્યું. 1989 માં એના જ કારણે મને રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટસમેન ઍવોર્ડ કલકત્તામાં મળ્યો.
        ઝબકાર દ્વારા મારા લેખનમાં નવો પ્રાણ ફૂંકાયો. હું વર્ષે એકાદ વાર્તા માંડ લખી શકતો હતો તે અઠવાડિયાના બબ્બે પીસ લખવા માંડ્યો - તંત્રી મારી પાસે નવલકથા માગતા થયા, ને એના કારણે કુંતી, પુષ્પદાહ, ફરેબ જેવી નવલકથાઓ હું સર્જી શક્યો. નવલકથાલેખનમાં ઝબકાર નો શો ફાળો ? હા, મજબૂત ફાળો - ઝબકારને કારણે હું અનેકોના જીવનનું બહુ નિકટનું દર્શન પામ્યો. ને તેમાંથી જ મેં નવલકથાઓનું સર્જન કર્યું - મનુભાઈ પંચોળી દર્શક દ્વારા જેની પ્રશંસા કરવામાં આવી છે તે સત્ય ઘટનાત્મક નવલકથા હકીકતે જીવનચરિત્રાત્મક છે. એનું નામ પરભવના પિતરાઈ.

      એ પછી વધુ વાતો લખવા માટે આ પ્લૅટફોર્મ નથી. વળાંક આપનારી ઘટના (અને એનું નિમિત્ત બનનાર મોહમ્મદ માંકડ) ની વાત અહીં પૂરી થાય છે. માત્ર એટલું ઉમેરું કે કટારલેખનના અનુષંગે થયેલા બીજા અનેક પ્રકારના, અને વિપુલ લેખને છેવટે 1989 માં મને રાષ્ટ્રીયકૃત બૅન્કની ઉચ્ચ કક્ષાના મૅનેજર તરીકેની નોકરી છોડી દેવા મજબૂર કર્યો (યા એટલો સક્ષમ કર્યો, કે હું માત્ર લેખન પર જીવી શકું) મારાથી બે ઘોડે ચઢાય તેમ નહોતું. છેવટે મેં મારી એકાવન વર્ષની વયે એમાંથી રાજીનામું આપી દીધું. અને એ રીતે મને અણગમતા નીરસ કામમાંથી મેં છુટકારો મેળવ્યો.

        વળાંકની શરૂઆત 1980 માં કૉલમલેખનથી થઈ. 1989 માં એ વળાંકની તીવ્રતા આવી. હું કલમનિર્ભર બન્યો. જે વખતે વી.આર.એસ. કે પેન્શન કાંઈ જ નહોતું, તે વખતે ભારે પગારની નોકરી છોડી દેવાનું સાહસ કરી શક્યો,

ગુલાબના છોડ પર એસ એસ એસ સી પાસ કર્યા પછી છેક ચોંત્રીસ વર્ષે ગુલાબની માત્ર એક કળી ફૂટી !.અને હવે જેવું છે તેવું મારુ ગુલાબનું આ પૂરું સિત્તેર ઉપરાંતના પુસ્તકો અને સર્જનોનું આખું ઉપવન છે. 

7 comments:

 1. આ બધી વાતોની તમને મળ્યા પહેલાં ખબર પડી હોત તો?
  ખેર... સાચી વાર્તાઓ જીવાતા જીવનમાં જ ધરબાયેલી પડેલી હોય છે -એ વાતની પ્રતીતિ થઈ ગઈ.

  ReplyDelete
 2. આપ જે ઉંચાઈએ અત્યારે પહોંચ્યા છો તે ખોટી નથી . વસ્તુતઃ આપ ના પહોંચ્યા હોત તો જ નવાઈ લાગત.
  દાદુ શિકાગો

  ReplyDelete
 3. 'મારા જીવનનો વળાંક' વાંચીને મન અત્યંત પ્રસન્ન થયું. એક એવો સાક્ષાત્કાર થયો જેમાં સામાન્ય અને અસામાન્ય વ્યક્તિઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાયું.

  ReplyDelete
 4. પ્રફુલ્લ ઘોરેચાFebruary 21, 2015 at 4:17 PM

  રજનીભાઈ,
  અફલાતૂન વળાંક। બિલકુલ માની ન શકાય એવો.

  ReplyDelete
 5. It is very very interesting . I like it very much so I have full set of Zabkar....

  ReplyDelete
 6. વાહ કેટ-કેટલી સુંદર મજાની વાતો! સારું છે કે વાતો અને યાદો દર્શાવેલ પત્રની જેમ પીળી નથી પડી જતી!

  ReplyDelete
 7. શ્રી રજનીભાઈ,

  બહુરૂપી ફિલ્મમાં જે ભવાઈના દિગ્ગજ કલાકાર શ્રી ભવાનીશંકર વ્યાસ(ટંકારા પાસે પણ મોરબી જિલ્લાનું મોટા દહિસરા ગામ) હતા. હું તેમનો પૌત્ર છું. આ માહિતી વાંચીને ખૂબ જ ખુશ થયો,કારણ કે મારા દાદા વિશે બહુરૂપી ફિલ્મની બાબતમાં કંઈ યાદી હોય તો મુકવા વિનંતી.આપે કરેલી સાચી મહેનતને ચોક્કસ સફળતા મળશે જ.

  પરેશ પી. વ્યાસ
  (કુંતાસી)

  ReplyDelete